જ્ઞાની ખેડૂતની વાર્તા

આ વાર્તા દ્વારા શ્રીઠાકુરે વેદાંતદર્શનના સંસાર માયામય છે, સ્વપ્નવત્‌ છે એ સિદ્ધાંતની ચર્ચા કરી છે. જે પરમાત્મા છે તે સાક્ષી સ્વરૂપ છે; જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓના સાક્ષીરૂપ છે. આ પ્રસંગ વિશે મહિમાચરણને શ્રીઠાકુરે એક જ્ઞાની ખેડૂતની વાર્તા સંભળાવી :

ખેડૂતને પોતાના એકમાત્ર પુત્ર હારુના મૃત્યુનું દુ:ખ થતું નથી. તે પોતાની પત્નીને કહે છે : ‘ગઈ રાત્રે મેં એક સપનું જોયું. તેમાં હું રાજા બન્યો છું અને હું આઠ પુત્રોનો પિતા પણ છું. હવે મારા એ આઠ પુત્રો માટે રડું કે તારા એક હારુ માટે!’ અર્થાત્‌ જાગ્રત અને સ્વપ્નમાં એને કંઈ ભેદ જણાતો નથી, એને માટે એ બંને સમાન છે. એનું કારણ એ છે કે એ ત્રણેય અવસ્થાઓથી પાર થઈને તેણે એક ચોથી અવસ્થાની અનુભૂતિ કરી લીધી છે, જેને તુરીય અવસ્થા કહેવાય છે. તુરીય અવસ્થામાં જે અનુભૂતિ થાય છે, એ દૃષ્ટિએ જોવાથી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણેય મિથ્યા લાગવા માંડે છે. એ ત્રણેય જાણે કે જીવની અજ્ઞાનની અવસ્થાઓ છે. એટલે આ મિથ્યાકલ્પનાથી નિપજેલ જગત માટે તેના મનમાં કોઈ ઇચ્છા ઊભી થતી નથી, તેનો અનુભવ તેના મનને ચંચળ બનાવતો નથી. એટલા માટે ઠાકુર કહે છે : ‘ખેડૂત જ્ઞાની છે, એમણે જોઈ લીધું છે કે જેમ સ્વપ્નાવસ્થા મિથ્યા છે તેમ જાગ્રત અવસ્થા પણ મિથ્યા છે, એક આત્મા જ નિત્ય વસ્તુ છે.’

અવસ્થાત્રય : જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ

આપણા જેવા લોકો માટે આ અનુભૂતિની ધારણા કરવી ઘણી કઠિન છે, કારણ કે આપણે જગતને સત્ય માનીને એ રીતે જોવા ટેવાયેલા છીએ, અભ્યસ્ત છીએ; એને જ પકડી રાખવા ઇચ્છીએ છીએ. આપણે સ્વપ્નનો અનુભવ કરીએ છીએ અને સ્વપ્ન તૂટી ગયા પછી જોઈએ છીએ કે બધું મિથ્યા છે, પરંતુ જાગ્રતને સ્વપ્નની જેમ મિથ્યા ઠરાવવું આપણા માટે અસંભવ બની જાય છે. આ સ્વાભાવિક જ છે, કારણ કે સ્વપ્ન જે રીતે નિરસ્ત થઈ જાય છે અર્થાત્‌ જાગ્રત અવસ્થામાં મિથ્યા સાબિત થઈ જાય છે તે રીતે આપણી પાસે એક વધુ અવસ્થા નથી કે જે આ જાગ્રતને સ્વપ્નની જેમ મિથ્યા પ્રમાણિત કરે. સુષુપ્તિમાં જાગ્રત અને સ્વપ્ન એ બંનેમાં જોયેલ જગત જો કે અદૃશ્ય થઈ જાય છે પરંતુ એના દ્વારા એનું મિથ્યાપણું સાબિત થતું નથી. અદૃશ્ય થવું અને મિથ્યાપણાનું પ્રમાણિત થવું એ બંને એક જ વાત નથી. જેમ સામે દિવાલ પર રહેવાથી તેની બીજી બાજુની વસ્તુઓ દેખાતી નથી, પરંતુ તેનાથી તેનું મિથ્યાપણું પ્રમાણિત થતું નથી. દિવાલના વ્યવધાનને કારણે આપણે એને જોઈ શકતા નથી. એવી રીતે સુષુપ્તિ અવસ્થામાં આપણી ઇન્દ્રિયો સક્રિય રહેતી નથી. એટલે આપણે વસ્તુઓનો અનુભવ કરી શકતા નથી. હું જો આંખો બંધ કરી લઉં તો શું જગતનો લય થઈ જાય છે? એવું તો નથી થતું. જગત અદૃશ્ય અવશ્ય થઈ જાય છે, પણ મિથ્યા પ્રમાણિત થતું નથી.

મિથ્યા પ્રમાણિત કરવા માટે તેણે એ ત્રણેય અવસ્થા ઉપરાંત એક ઉચ્ચ અવસ્થા જોવી પડશે. જો કે વેદાંતમાં ક્યાંક ક્યાંક સ્વપ્ન દ્વારા જાગ્રતના નિષેધની કલ્પના કરવામાં આવી છે – જેમ કે ગૌડપાદકારિકાના અજાતવાદમાં; પરંતુ સાધારણ ક્ષેત્રમાં બધાએ સ્વયં શંકરાચાર્યે પણ આ વ્યાવહારિક જગતની સત્તાનો સ્વીકાર કર્યો છે. જે જગતની વ્યાવહારિક સત્તાનો આપણે અનુભવ કરીએ છીએ સ્વપ્ન એની જ નિમ્ન અનુભૂતિ માત્ર છે. તેના દ્વારા તે દેખાય તો છે પરંતુ જગતની દૃષ્ટિએ જોવાથી એમાં કોઈ તારતમ્ય રહેતું નથી; એમાં કાળનું તારતમ્ય, વસ્તુઓની પરસ્પર શૃંખલા, કાર્યકારણ સંબંધબોધ આટલું સ્પષ્ટ રહેતું નથી. એટલે સ્વપ્નને આપણે મિથ્યા કહીએ છીએ. જેમ હું સ્વપ્નમાં જોઉં છું કે હું દિલ્હી કે એનાથી વધારે દૂર ગયો છું પરંતુ શરીર તો જ્યાં છે ત્યાં જ પડ્યું છે. ઊંઘ ઉડ્યા પછી કહું છું કે હું દિલ્હી ગયો હતો.

આ સ્વપ્ન સંબંધે અનેક ભ્રાંતિઓ છે અને એને જોવાની ભિન્ન ભિન્ન દૃષ્ટિઓ છે. કોઈ કોઈ કહે છે કે સ્વપ્નકાળમાં આત્મા દેહમાંથી નીકળીને દૂર ચાલ્યો જાય છે; જેવી રીતે દિલ્હી ગયો અને વળી પાછો આવી ગયો. પરંતુ એવી પણ ઘણી વાતો છે, જેમાં આ પ્રકારનું કોઈ તારતમ્ય નથી કે જેના દ્વારા એ સમજી શકાય કે તે બધું મિથ્યા છે. સ્વપ્નનું મિથ્યાપણું સમજવા માટે અનેક યુક્તિઓ છે. હું આ શરીરની ભીતર છું, ક્યારેક ક્યારેક એવું લાગે છે કે શરીર બદલી ગયું છે. વળી ઊઠીને જોયું તો શરીર તો બરાબર છે, બદલ્યું નથી. સ્વપ્નમાં આવી અનેક વિપરીતતાઓ, વિશૃંખલતાઓ અનુભવાય છે, જેને લીધે આપણે સ્વપ્નને મિથ્યા કહીએ છીએ. કેટલીક વાર સ્વપ્નમાં એવું જોવા મળે છે કે જાણે કેટલોય સમય વીતી ન ગયો હોય; પણ ઊંઘમાંથી જાગીને જોયું તો પાંચ મિનિટ પણ ઊંઘ નથી આવી. આ પાંચ મિનિટના સ્વપ્નમાં યુગો વીતી ગયા – આ સ્વપ્નના મિથ્યાપણાના પ્રમાણ માટે પ્રબળ યુક્તિ છે. દેશ, કાળ અને તેનું તારતમ્ય અથવા કાર્યશૃંખલા એ કંઈ નથી. એટલા માટે  જાગ્યા પછી કહી શકીએ છીએ કે સ્વપ્નાવસ્થા મિથ્યા છે. સ્વપ્નાવસ્થામાં વિચાર થતો નથી. ક્યારેક સ્વપ્ન દેખતા લાગે છે કે એ સ્વપ્ન છે – સ્વપ્નની ભીતર જ સ્વપ્ન! પરંતુ એ પણ સ્વપ્નનું એક અંગ છે, એના દ્વારા વિચાર થતો નથી. જાગી જવાથી અનુભવ દ્વારા સ્વપ્નનો વિચાર કરું છું. એમાં શૃંખલા કે તારતમ્યનો અભાવ જોઈને મને અનુભવ થાય છે કે સ્વપ્ન મિથ્યા છે. જો મિથ્યા ન હોત તો આટલા ઓછા સમયમાં આટલી લાંબી ઘટનાનો અનુભવ કેવી રીતે કરી શકાત? એટલે એ મિથ્યા છે. સ્વપ્નમાં અનુભવ કરેલા દેશ, કાળ, વ્યક્તિ એ બધું મિથ્યા છે. એ ડગલેને પગલે પ્રમાણિત થાય છે કે સ્વપ્ન મિથ્યા છે, કલ્પના માત્ર છે.

જેઓ વ્યાવહારિક સત્તાનો સ્વીકાર કરે છે તેઓ કહે છે કે સ્વપ્ન તો મિથ્યા છે, પરંતુ જાગ્રત પણ મિથ્યા છે. એ સ્વપ્ન દ્વારા પ્રમાણિત થતું નથી. સ્વપ્ન જ્યારે અનુભવીએ છીએ, ત્યારે તે સ્વપ્ન છે. જગતનો જ્યારે અનુભવ થાય છે, ત્યારે તે જગત છે. આ બંનેની તુલના જેવી રીતે આપણે જાગ્રત અવસ્થામાં કરીએ છીએ  તેવી રીતે જ સ્વપ્નમાં કરી શકતા નથી. સ્વપ્નમાં જાગ્રતનો વિચાર કરવાથી બંનેમાંથી સાચું કોણ છે અને મિથ્યા કોણ છે સંભવત: એવો સંદેહ ઊભો થાય છે. આપણે એ બંનેને સમપર્યાય એટલા માટે નથી કહી શકતા કારણ કે આપણે સ્વપ્નમાં જાગ્રતનો વિચાર કરી શકતા નથી.  જો આ વિચાર સંભવ બનત તો એકબીજાને મિથ્યા કહીને પણ બંનેને સમાન પણ કહી શકાતાં હતાં. અજાતવાદના આ સિદ્ધાંતને આપણા દેશમાં સામાન્યત: વેદાંતી લોકોએ આ રીતે સ્વીકાર્યો નથી. તેઓ કહે છે – પારમાર્થિક દૃષ્ટિએ જોવાથી જેમ સ્વપ્ન મિથ્યા છે, જાગ્રત પણ એવી રીતે જ મિથ્યા છે. બંનેનું મિથ્યાપણું એક ઉચ્ચતર સ્થિતિ પર પ્રતિષ્ઠિત થયા પછી જ પ્રમાણિત થાય છે, એ પહેલાં નહિ. જેમ જાગ્રત અવસ્થામાં પ્રતિષ્ઠિત થયા પછી સ્વપ્ન મિથ્યા પ્રમાણિત થાય છે, બરાબર એ જ રીતે જાગ્રતનું મિથ્યાપણું પણ ત્યારે પ્રમાણિત થશે કે જ્યારે આપણે તેના અતીત તત્ત્વમાં પ્રતિષ્ઠિત બન્યા હઈશું. આ સ્થિતિ જાગ્રતથી પરની સ્થિતિ હશે અથવા એની અપેક્ષાએ તે વધારે સ્થાયી પણ હશે. આ દૃષ્ટિએ જોઈને તેઓ કહે છે કે એક ઉચ્ચતર સત્તા કે અવસ્થા છે જ્યાં અવસ્થિત બનીને જાગ્રતને પણ સ્વપ્નવત્‌ મિથ્યા અનુભવી શકાય છે. તે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાઓથી અતીત છે. સુષુપ્તિ એવી અવસ્થા છે કે જ્યાં સ્વપ્ન પણ નથી હોતું. આ સુષુપ્તિ વિશે અનેક પ્રકારના મત છે. કેટલાક કહે છે- સુષુપ્તિ અનુભવ ગમ્ય છે; અને કેટલાક વળી એને કલ્પના માત્ર બતાવે છે. જેમકે હું બે વાગે સૂતો, ઊઠીને જોયું ત્રણ વાગ્યા છે, આની વચ્ચે મને કોઈ અનુભવ નથી થયો; એટલે અનુમાનથી કહી શકું છું કે સુષુપ્તિમાં વસ્તુનો અનુભવ થતો નથી; કારણ કે અનુભવ થવાથી તેની સ્મૃતિ પણ બની રહે છે.

અદ્વૈત વેદાંતી કહે છે કે જાગ્રત અને સ્વપ્ન જેવી રીતે પ્રત્યક્ષ છે તેવી જ રીતે સુષુપ્તિ પણ પ્રત્યક્ષ છે. તે પ્રત્યક્ષ કેવી રીતે છે? જો તે પ્રયત્ક્ષ ન હોત તો માત્ર ઘડિયાળમાં જોઈને એને મેં સુષુપ્તિ કહી અને એમ બતાવ્યું કે મને સુષુપ્તિની સ્મૃતિ નથી, ત્યાં કોઈપણ અનુભવ થતો નથી, એ મેં કેવી રીતે જાણ્યું? એનો ઉત્તર દેવો કઠણ છે. જો અનુભવ થાત તો તેની સ્મૃતિ રહેત, આ વાત સમજમાં આવી. પરંતુ સ્મૃતિ નથી, એટલે અનુભવ ન થયો, એમ કહેવું કેમ ચાલે? એ સમયે અનુભવ ન થયો, એનું કયું પ્રમાણ છે? એના ઉત્તરમાં વેદાંતવાદીઓ કહે છે – તમે જે એમ કહો છો કે અનુભવ નથી થયો, તેનું કારણ એ છે કે ત્યારે તમે અનુભવકર્તા ન હતા.

‘યદ્‌દૃષ્ટં દૃષ્ટમનુપશ્યતિ શ્રુતં શ્રુતમેવાર્થમનુશ્રૃણોતિ, દેશદિગન્તરૈશ્ચ પ્રત્યનુભૂતં પુન: પુન: પ્રત્યનુભવતિ દૃષ્ટં ચાદૃષ્ટં ચ શ્રુતં ચાશ્રુતં ચ અનુભૂતં ચાનનુભૂતં ચ સચ્ચાસચ્ચ સર્વ પશ્યતિ સર્વ: પશ્યતિ’ – અર્થાત્‌ સુષુપ્તિકાળમાં જીવ દૃષ્ટારૂપે રહે છે, એટલે તે કહી શકે છે કે ત્યારે તેને કંઈ અનુભવ નથી કર્યો. દૃષ્ટા ન રહેવાથી તે કાળ એને માટે નિશ્ચિહ્‌ન બની જાય છે, પરંતુ એવું થતું નથી. સુષુપ્તિ કાળમાં દૃષ્ટા રહે છે, પરંતુ ત્યારે તેનું અંત:કરણ ક્રિયાશીલ રહેતું નથી, એટલા માટે તેની સ્મૃતિને ધારણ કરી શકતો નથી; કારણ કે જો એ ન રહે તો કંઈ પણ અનુભવ નથી થયો એમ કોણ કહે?

આત્મા ત્રણેય અવસ્થાઓથી અતીત-પર

સુષુપ્તિ વિશે બે મત છે. આ વિશે વેદાંતમાં સિદ્ધાંત આવો છે કે સુષુપ્તિકાળમાં પણ આત્મા રહે છે – તે આત્મા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એમાંથી કોઈમાં પણ નથી. તેની સત્તા આ ત્રણેય અવસ્થાઓથી પર છે, અતીત છે; કારણ કે આ ત્રણેયનો તે અનુભવ કરે છે અને તેમને પ્રકાશિત કરે છે. જો એ ત્રણેય અવસ્થાઓની સાથે મળી ગયો હોત તો તો જાગ્રત અવસ્થાનો આત્મા સ્વપ્નમાં ન રહેત, સ્વપ્નનો આત્મા સુષુપ્તિમાં ન રહેત અને આ અવસ્થાઓ એકબીજાથી વિચ્છિન્ન બનીને રહેત. પરંતુ જો એવું થતું જ નથી, જ્યારે એક જ ‘હું’ જાગ્રત અને સ્વપ્નનો અનુભવ કરું છું અને એ જ ‘હું’ દ્વારા જ્યારે મને સુષુપ્તિનો બોધ થાય છે ત્યારે તે ‘હું’ ત્રણેય અવસ્થાઓથી ભિન્ન છે; આ સિદ્ધાંત વેદાંત વિચારમાં નિર્ણીત બન્યો છે. ‘અનુવર્તમાનેષુ યદ્‌વ્યાવૃતં તત્તેભ્યો ભિન્નં યથા કુસુમેભ્ય: સૂત્રમ્‌’ – અનુવર્તમાન વસ્તુઓમાં જે વ્યાવૃત છે, તે અનુવર્તમાન વસ્તુઓથી ભિન્ન છે, જેમ એક સૂત્રમાં ગૂંથેલાં ફૂલોથી સૂતર ભિન્ન છે તેમ.

અનેક પ્રકારનાં પુષ્પોથી ગૂંથેલી એક માળા છે, એ માળામાં જ્યાં લાલ ફૂલ છે ત્યાં પીળાં ફૂલ નથી; જ્યાં પીળાં ફૂલ છે ત્યાં સફેદ ફૂલ નથી. આ રીતે પ્રત્યેક ફૂલ એક બીજાથી ભિન્ન છે, પરંતુ પ્રત્યેક ફૂલની ભીતર એક સૂત્ર-દોરો છે. આ દોરો અનુવર્તમાન છે, અર્થાત્‌ બધાં ફૂલોની ભીતર છે, છતાં પણ ફૂલ તો અલગ અલગ છે. એટલા માટે દોરો ફૂલથી ભિન્ન છે એ સમજવું પડશે. આ યુક્તિ અનુસાર જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ ત્રણેય પરિવર્તનશીલ અવસ્થાઓમાં પ્રત્યેકની વચ્ચે ‘હું’ છું. અત: ‘હું’ આ ત્રણ અવસ્થાઓથી ભિન્ન છું, એ વાતને ધ્યાનમાં રાખવી પડશે. આ વેદાંતવાદીઓની પ્રબળ યુક્તિ છે – ‘હું’ જ આ ત્રણ અવસ્થાનો અનુભવ કરું છું, જાગ્રત અને સ્વપ્નમાં વિવિધ વસ્તુઓનો અનુભવ કરું છું, તેમજ સુષુપ્તિમાં અજ્ઞાનનો અનુભવ કરું છું. અજ્ઞાન અર્થાત્‌ અહીં વસ્તુનું જ્ઞાન થતું નથી એટલે માત્ર અજ્ઞાનનો અનુભવ થાય છે. એટલે ‘હું’ આ ત્રણેય અવસ્થાથી ભિન્ન છું, ત્રણેય અવસ્થાઓનો સાક્ષી, દૃષ્ટા અને પ્રકાશક છું.

આ રીતે વિચાર કરીને આપણે આત્માને જેટલો જાણ્યો એ તો એની કલ્પના માત્ર થઈ; કારણ કે જ્યાં સુધી કોઈ વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી ‘હું આ વસ્તુને બરાબર જાણી ગયો છું’ એમ કહી ન શકાય. અને જો એમ કહું કે આ વસ્તુને મેં અનુમાનથી જાણી લીધી છે, તો તેને પ્રત્યક્ષ કે અપરોક્ષ જાણી લીધું એમ ન કહી શકાય. અનુમાન – પ્રમાણ દ્વારા આત્માની એક અવસ્થાની કલ્પના કરી શકીએ છીએ, જે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિથી ભિન્ન છે. આ જ્ઞાનને આપણે ‘આનુમાનિક જ્ઞાન’ કહીએ છીએ. એનું પ્રત્યક્ષજ્ઞાન નથી હોતું.

પરંતુ વેદાંતવાદીઓ કહે છે કે આત્મા વિશે આ જે અનુમાન થાય છે, શું આપણે એને જાણી શકીએ છીએ કે નહિ? ‘નથી જાણતો’ એમ કહેવાથી નથી ચાલતું. કારણ કે આત્માને ન જાણવાથી જ હું વસ્તુઓને પછી કેવી રીતે જાણું? પ્રત્યેક વસ્તુઓના અનુભવ સાથે આત્માનો અનુભવકર્તાના રૂપમાં અનુભવ થાય છે. પોતાના અનુભવકર્તારૂપ અનુભવ વિના ‘હું’ વસ્તુનો અનુભવ કરી શકતો નથી. એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના અનુભવકર્તાના રૂપે ‘હું’ છું. આ રીતે જો કે આ ‘હું’નો આપણે નિત્ય અનુભવ કરીએ છીએ છતાં પણ આ ત્રણેય અવસ્થાઓથી અલગ એવો તેનો અનુભવ આપણે ક્યારેય કરી શકતા નથી. એટલા માટે આપાતદૃષ્ટિએ આ આત્મા આપણા અનુભવનો વિષય બને છે, એને આપણે પ્રત્યક્ષ નથી કરતા અથવા વેદાંત દર્શનની ભાષામાં અપરોક્ષ નથી કરી શકતા. અનુમાન દ્વારા જે જ્ઞાન થાય છે તેને ‘પરોક્ષ જ્ઞાન’ કહેવાય છે. આત્માને અનુમાન દ્વારા સમજવાનો પ્રયાસ કર્યો, તે પરોક્ષ જ્ઞાન થયું, અપરોક્ષ નહિ. આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન થવાથી આપણી આ ત્રણેય અવસ્થાઓ આત્મસ્વરૂપની તુલનામાં મિથ્યા બની જશે. એ પહેલાં આપણે ત્રણેય અવસ્થાઓને મિથ્યા કહી શકતા નથી. આપણે જાગ્રતની ભૂમિ ઉપર ઊભા રહીને કહીએ છીએ કે સ્વપ્ન મિથ્યા છે, એવી રીતે કેવળ જાગ્રત જ નહિ પરંતુ ત્રણેય અવસ્થાઓથી પર જે તત્ત્વ છે, તેના પર પ્રતિષ્ઠિત થઈને જો આપણે ક્યારેય વિચાર કરી શકીએ ત્યારે આ જાગ્રત પણ મિથ્યા છે એવો બોધ થશે. આ અવસ્થા પર પ્રતિષ્ઠિત થયા પછી આગળ વિચાર થતો નથી, કારણ કે ત્યાં દ્વૈત રહેતું નથી; તો પછી વિચાર કરે કોણ?

શ્રીઠાકુર કહે છે : ખેડૂત કહે છે કે જગત સ્વપ્નવત્‌ છે. ખેડૂત કઈ અવસ્થા પર પ્રતિષ્ઠિત થઈને આમ કહે છે? – તુરીય અવસ્થા પર. શ્રીઠાકુર કહે છે : ‘હું બધું લઉં છું, તુરીય પણ અને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ પણ.’ આ આત્મા જ એક નિત્ય વસ્તુ છે. જેમ સ્વપ્ન અવસ્થા મિથ્યા છે તેવી રીતે જાગ્રત અવસ્થા પણ. સુષુપ્તિની વાત નથી કરતા, કારણ કે એ વિશે વિચાર કરવાથી તર્કની પ્રણાલી બીજા પ્રકારની થઈ જશે. એ આત્મા જ એક નિત્ય વસ્તુ છે અને જાગ્રત – સ્વપ્ન – સુષુપ્તિ એ આત્માની તુલનામાં અનિત્ય છે, કારણ કે જ્યાં જાગ્રત છે ત્યાં સ્વપ્ન કે સુષુપ્તિ નથી; જ્યારે સુષુપ્તિ છે ત્યારે જાગ્રત કે સ્વપ્ન નથી. આ રીતે સર્વત્ર જ્યાં એક છે ત્યાં બીજો નથી એટલે એ બધી અવસ્થાઓ અનિત્ય છે; એક આત્મા જ નિત્ય વસ્તુ છે, કારણ કે ત્રણેય અવસ્થાઓમાં એ જ આત્મા અનુસ્યૂત છે. શ્રીઠાકુર કહે છે : ‘હું ત્રણેય અવસ્થાઓ લઉં છું. હું જીવજગત બધું લઉં છું, બ્રહ્મ પણ અને માયા પણ. બધું ન લેવાથી માપતોલ ઓછાં પડી જાય.’

બ્રહ્મ ત્રણેય અવસ્થાઓથી પર એવું તત્ત્વ છે. બ્રહ્મ સર્વવ્યાપી,બધી વસ્તુઓનો આધાર છે અને બધા આરોપોનું અધિષ્ઠાન છે. બધી વસ્તુઓ બ્રહ્મ પર આરોપિત છે. મિથ્યા શબ્દનો અર્થ શું છે? એનો અર્થ શૂન્ય નથી. મિથ્યા એટલે કે જેવી આપણે વસ્તુને દેખીએ છીએ, તે એવી નથી. જેવી રીતે રજ્જુ – સર્પ. સાપ મિથ્યા છે કારણ કે એ સાપ નથી, તે દોરડું છે. બરાબર એ જ રીતે જગત મિથ્યા છે, કારણ કે જગતને આપણે જેવું જોઈએ છીએ તેવું તે નથી. જગત વાસ્તવમાં બ્રહ્મ છે. સાપદૃષ્ટિએ જોવાથી આત્મા જ સત્યવસ્તુ છે અને બીજું બધું મિથ્યા છે. શ્રીઠાકુર આ બધું લે છે. આત્માથી વિભિન્ન અવસ્થાઓનો તેઓ અસ્વીકાર નથી કરતા. તુરીય અવસ્થા ત્રણેય અવસ્થાઓથી અતીત સત્તા છે, નિત્ય વસ્તુ છે. જે અવસ્થાના રૂપે ભાસિત થાય છે, તે સામયિક રૂપે આત્મા સાથે જોડાયેલ રહે છે. જેમ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની અવસ્થાઓ છે, તુરીય એવી કોઈ ચોથી અવસ્થા નથી. એ ત્રણેયથી અતીત એક તત્ત્વ છે, જ્યાં આત્મા સર્વદા પ્રતિષ્ઠિત છે. એટલે જ તો શ્રીઠાકુર કહે છે : ‘માયા, જીવ, જગત – હું બધું લઉં છું.’ એમની માયાના પ્રભાવે આ જીવજગતસૃષ્ટિ છે. જે એક અને અદ્વિતીય છે, તે અનેક કેવી રીતે થયા? માયાના પ્રભાવથી. ‘ઇન્દ્રો માયાભિ: પુરુરૂપ ઈયતે’ – ઇન્દ્ર માયા દ્વારા અનેક રૂપ ધારણ કરે છે. અનેક રૂપ એમનાં નથી, એમની માયાના પ્રભાવથી અનેક રૂપ ‘જોવા’ મળે છે.

Total Views: 103

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.