સ્વામી વિવેકાનંદના ભવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવાનો કટિબદ્ધ થાય

૯મી ઓગસ્ટ, ૨૦૦૩ના રોજ સાંજના ૫.૦૦ વાગ્યે પોરબંદર જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન પ્રસંગે ગુજરાત રાજ્યના સન્માનનીય રાજ્યપાલ શ્રી કૈલાશપતિ મિશ્રાએ ઉપર્યુક્ત શબ્દો ઉચ્ચાર્યા હતા. 

પોરબંદર વિસ્તારનાં શાળા-કોલેજનાં ૧૧૪ જેટલાં વિદ્યાર્થી ભાઈબહેનોના સન્માન સમારંભમાં માનનીય રાજ્યપાલશ્રીએ કહ્યું હતું: સ્વામી વિવેકાનંદનો જીવનસંદેશ અને યુવાનો માટે એમણે આપેલા ભવ્ય ભારતને ફરીથી ઊભું કરવા માટેના સંદેશને આજે યાદ કરવાની અને એના શબ્દેશબ્દને જીવનમાં ઉતારવાની તાતી જરૂર છે. આ પ્રસંગે સરકારી અધિકારીઓ, પોરબંદર શહેરના અગ્રણીઓ અને કેળવણીકારો પણ ઉપસ્થિત હતા. પોતાના સ્વાગત અને પ્રાસંગિક પ્રવચનમાં રામકૃષ્ણ મિશન, પોરબંદરના સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કહ્યું હતું: આવા સમારંભો દ્વારા વિદ્યાર્થીઓને વિદ્યાકીય ક્ષેત્રે તેમજ પોતાના જીવનમાં સર્વોત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા પ્રેરે છે. બધા તેજસ્વી વિદ્યાર્થીઓને એક શિલ્ડ, પ્રમાણપત્ર, સ્વામી વિવેકાનંદની છબિ અને એમનાં પુસ્તકો ઈનામ રૂપે આપવામાં આવ્યાં હતાં. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સંપાદક સ્વામી સર્વસ્થાનંદજીએ આભારવિધિ કરી હતી.

રામકૃષ્ણ મઠ-મિશનનાં દેશભરનાં કેન્દ્રો દ્વારા થયેલ રાહતસેવાપ્રવૃત્તિઓ

* સિલ્ચર કેન્દ્ર દ્વારા લખીમપુર, ગંગાનગર અને ધલાઈ કેમ્પમાં કોમીહુલ્લડને કારણે આશ્રય લેનારા લોકોમાં ૧૭૦ મચ્છરદાની, ૫૨ કિલો દૂધનો પાવડર વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૩૭૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.

* નારાયણપુર કેન્દ્ર દ્વારા છત્તિસગઢ રાજ્યના ઓરચ્ચા (અબૂજમાડ) અને બસ્તર જિલ્લાના નારાયણપુર વિસ્તારના ૬૪ ગામનાં ૨૬૦૦ કુટુંબોમાં ૨૬૦૦ સાડી, ૧૫૦૦ ધોતિયાં અને ૧૫૦૦ ચાદરનું વિતરણ થયું હતું.

* ચેન્નાઈ મઠ દ્વારા તામિલનાડુ રાજ્યના તાંજોર, તીરુવરુર અને નાગપટ્ટીનમ જિલ્લાના ૧૩૬૦ દુષ્કાળપીડિત કુટુંબોમાં ૨૫ મેટ્રિક ટન ચોખાનું વિતરણ થયું હતું.

* ઉલસૂર આશ્રમ દ્વારા બઁગલોર જિલ્લાના ગુલાટી કવલ અને મુનિનગર ગામમાં દુષ્કાળને કારણે એકઠાં થયેલાં પશુઓ માટે પશુઆહાર અને પાણી અપાયાં હતાં. ગુલાટી કવલમાં પશુઓ માટે પાણીનો અવેડો પણ બાંધી આપવામાં આવ્યો હતો.

* અગરતલા કેન્દ્ર દ્વારા ત્રિપુરાના ગરીબ લોકોમાં ૧૪૪૦ ધોતિયાં અને સાડી, અને ૫૦૦ બાળકોનાં કપડાંનું વિતરણ થયું હતું. 

* પશ્ચિમબંગાળ વાવાઝોડાં અને ટોર્નેડોથી પીડિત લોકોને ‘પોતાનું ઘર પોતાની મેળે બાંધો’ એ યોજના હેઠળ મકાન બાંધકામની સામગ્રી પૂરી પાડવાની કરેલી સેવા : જલપાઈગુરી કેન્દ્ર દ્વારા જલપાઈગુરીના મેખલીગંજ અને કુચબિહાર જિલ્લાનાં ૨૫૦ કુટુંબો; કલકત્તાના વરાહનગર કેન્દ્ર દ્વારા વરાહનગરના સિંગુર બ્લોક (હુગલી)નાં ૫૫૭ કુટુંબો; કામારપુકુર કેન્દ્ર (હુગલી) દ્વારા રિયા, ઘોઘટ બે બ્લોકનાં ૭૦ કુટુંબો; જયરામવાટી કેન્દ્ર (બાંકુરા) દ્વારા જોયપુર અને કોતુલપુરનાં ૬૬૭ કુટુંબોને આ સેવાનો લાભ મળ્યો હતો. કામારપુકુર કેન્દ્ર (હુગલી) દ્વારા ભુરકુંડા ગામમાં શારીરિક ખોડખાંપણવાળા માટે એક શાળા અને એક કુટિરઉદ્યોગગૃહ બાંધકામ સહાય હેઠળ રામકૃષ્ણ મિશન દ્વારા બાંધકામ સામગ્રીની સહાય કરવામાં આવી છે. 

* માલદા કેન્દ્ર દ્વારા પશ્ચિમબંગાળના આગથી પીડિત ભૂતનિ ગામના ૧૩ કુટુંબીજનોને ચાદર, શેતરંજી, મચ્છરદાની અને કપડાં આપવામાં આવ્યાં હતાં. * માલદા કેન્દ્ર દ્વારા અત્યંત ઠંડીને કારણે પોતાના ખેતીના પાકને નુકશાન થતાં ફતેપુર ગામના ૨૨૫ અત્યંત અસહાય કુટુંબોમાં બે મેટ્રિક ટન ચોખા, બે ક્વીન્ટલ દાળ, ચાર ક્વીન્ટલ મીઠાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

* લખનૌ કેન્દ્ર દ્વારા સીતાપુર જિલ્લાના તાંબ્રેશ્વરપુર અને રાજેપુર ગામના આગને કારણે તારાજ થયેલા ૨૫ કુટુંબીજનોમાં ખાદ્યસામગ્રી, કપડાં, વાસણ અને ઘર પર છાપરું કરવાની સામગ્રી પૂરી પાડવામાં આવી હતી.

રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની સમાચાર વિવિધા

* પુરી મઠ દ્વારા ૧ થી ૯ જુલાઈ સુધી પવિત્ર રથયાત્રાના પર્વ નિમિત્તે આરોગ્ય સેવામાં ૨૨૬૪ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી અને ૭૦૦૦ થી વધારે યાત્રીઓને શરબત વગેરે અપાયાં હતાં.

* પુરી મિશન-આશ્રમ દ્વારા પવિત્ર રથયાત્રાના પર્વ નિમિત્તે ૭૦૦૦ યાત્રાળુઓને આરોગ્ય સારવાર આપવામાં આવી હતી તેમજ ૨૮ દર્દીઓને મેડિકલ કેમ્પમાં સઘન સારવાર આપવામાં આવી હતી.

* લખનૌ સેવાશ્રમની વિવેકાનંદ પોલિક્લિનિકમાં ઉત્તરપ્રદેશના આરોગ્યમંત્રી રાજા મહેન્દ્ર અરિદમાન સિંઘના વરદ હસ્તે ૧૨ પથારીના આઈ.સી.યુ. યુનિટ, ૧૨ પથારીના એન.આઈ.સી.યુ. યુનિટ, ૫ ઓપરેશન થિયેટર અને ૪ પથારીના ડાયાલિસિસનું મંગલ ઉદ્‌ઘાટન ૯મી જુલાઈના રોજ થયું હતું.

* શારદાપીઠના શિલ્પાયતનને પશ્ચિમ બંગાળ રાજ્યનો ‘બેસ્ટ સ્કૂલ-ઇન્ડસ્ટ્રી લિંકેજ એવોર્ડ – ૨૦૦૩’ એન.સી.ઈ.આર. ટી.માંથી ૧૫ જુલાઈના રોજ પ્રાપ્ત થયો હતો.

* રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજે ત્રિપુરાના વિવેકાનંદ સેન્ટરમાં મહાશાળાના વિદ્યાર્થીઓ માટેના વિદ્યાર્થીમંદિરના મકાનનો શિલાન્યાસવિધિ ૧૮ જુલાઈના રોજ કર્યો હતો.

લોખંડનો ઉદ્યોગ અને સ્વામીજીની પ્રેરણા

* ભારતના સન્માનનીય રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે. કલામે ૧૫, મે, ૨૦૦૩ના રોજ રુરકેલામાં બીજુ પટનાયક યુનિ. ઓફ ટેકનોલોજીનું શિલારોપણ કરતાં કહ્યું હતું: ‘સ્વામી વિવેકાનંદ અને જમસેદજી તાતા, ૧૯૦૦માં એક સાથે વહાણયાત્રામાં હતા. ત્યારે સ્વામીજીએ પૂછ્યું: ‘તેઓ ક્યાં જાય છે?’ તેમણે કહ્યું હતું: ‘ભારતમાં સ્ટીલ ટેકનોલોજી લાવવા હું અમેરિકા જાઉં છું.’ સ્વામીજીએ કહ્યું: ‘અમેરિકામાંથી ટેકનોલોજી જ નહીં પરંતુ સ્ટીલની ઉત્પાદનપ્રક્રિયા, સંશોધન વિશે બધું જાણીને દેશમાં લાવજો.’ સ્વામીજીની સલાહની અસર થઈ અને પાછળથી ભારતનો જમશેદપુરનો સ્ટીલ પ્લાન્ટ નખાયો. આ પ્રસંગે એમણે વધુમાં કહ્યું: ‘જ્યારે બે મહામના માનવીઓ ભેગા થાય છે ત્યારે દેશમાં ઘણું ઘણું સારું બને છે.’

Total Views: 24
By Published On: September 15, 2022Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram