અગત્યનાં પ્રકાશનો (૧૯૭૮-૧૯૮૬)

૧૯૭૮-૧૯૮૬ના સમયગાળા દરમિયાન શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ અને વેદાંત સાહિત્યનાં કેટલાંક ઉલ્લેખનીય પ્રકાશન થયાં હતાં. આ પ્રકાશનોમાં બાળકોના શ્રીરામકૃષ્ણ, બાળકોના વિવેકાનંદ, શ્રીરામકૃષ્ણની સચિત્ર બોધકથાઓ, ભગિની નિવેદિતા, હિંદુધર્મ, ધ્યાન તેની પદ્ધતિ, વિવેકાનંદજી સાથે વાર્તાલાપ, ભારતમાં આપેલાં ભાષણો, ધ્યાન-ધર્મ અને સાધના, વગેરેનો ઉલ્લેખ કરી શકાય.

રાષ્ટ્રિય યુવદિન અને ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી

૧૯૮૫માં ભારત સરકારે સ્વામી વિવેકાનંદના જન્મદિન, ૧૨મી જાન્યુઆરીને રાષ્ટ્રિય યુવદિન તરીકે ઉજવવાનું જાહેર કર્યું અને ત્યારથી માંડીને ૧૨મી જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદ જન્મજયંતીને સમગ્ર રાષ્ટ્રમાં અને આશ્રમમાં રાષ્ટ્રિય યુવદિન તરીકે ઉજવાય છે. આ પ્રસંગે યુવશિબિર, યુવાનો માટેના વિશેષ સેમિનાર, સભાસરઘસ વગેરેનું સમગ્ર ગુજરાતભરમાં આયોજન કરવામાં આવે છે. ગુજરાતનાં અગ્રણીઓ, શિક્ષણકારો અને વિદ્યાર્થી ભાઈબહેનો ઘણી બહોળી સંખ્યામાં આ ઉજવણીમાં ભાગ લે છે.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૫૦મી જન્મજયંતી (૧૯૮૬) અને રામકૃષ્ણ મઠ – સંન્યાસીસંઘની શતાબ્દિના મહોત્સવો ૧૯૮૬-૮૭ના વર્ષમાં યોજાયા હતા. આ મહોત્સવ પ્રસંગે જાહેરસભાઓ, સર્વધર્મસમન્વયસભાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આવા એક મહોત્સવમાં ગુજરાત રાજ્યના તત્કાલીન સન્માનનીય રાજ્યપાલશ્રી આર.કે.ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમના વરદ હસ્તે ‘શ્રીરામકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ સંઘ’ નામની એક સ્મરણિકાનું વિમોચન થયું હતું. શ્રીરામકૃષ્ણદેવે પ્રબોધેલા સર્વધર્મસમન્વયના સંદેશને ધ્યાનમાં રાખીને ૧૯૮૬માં વિવિધ ધર્મોના ધર્મગુરુઓ અને જ્ઞાતાઓની એક સર્વધર્મ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રકાશનો (૧૯૮૬-૯૧)

૧૯૮૬ થી ૧૯૯૧ના સમયગાળા દરમિયાન કેટલાંય નવાં પ્રકાશનો આશ્રમના પ્રકાશન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યાં હતાં. જેમાં બાળકોનાં મા શ્રી શારદાદેવી, માતૃવાણી, સ્વામી વિવેકાનંદના પત્રો, શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા – ભાગ:૧-૨, સાધુ નાગમહાશય, આનંદધામના પથ પર તેમજ શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ – ભાગ ૧ થી ૪ નવા અનુવાદ સાથે, વગેરેનો ઉલ્લેખ કરી શકાય.

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામના ગુજરાતી માસિક સામયિકનો મંગલ પ્રારંભ (એપ્રિલ, ૧૯૮૯)

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસમાં સીમાચિહ્‌ન રૂપ ગણી શકાય તેવી એક ઘટના ઘટી. એપ્રિલ ૧૯૮૯ થી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામના ગુજરાતી માસિક સામયિકનો મંગલ પ્રારંભ થયો. ૧૩મી એપ્રિલ, ૧૯૮૯ના રોજ રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે આ માસિક પત્રિકાનો પ્રથમ અંક ભગવાન શ્રીરામકૃષ્ણદેવનાં શ્રીચરણકમળમાં અર્પણ કરવામાં આવ્યો હતો. તે દિવસે યોજાયેલ જાહેર સભામાં તેઓશ્રી અધ્યક્ષ સ્થાને હતા. આ માસિક પત્રિકાના પ્રથમ અંકનો વિમોચનવિધિ ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ શ્રી હરીન્દ્ર દવે, ‘જન્મભૂમિ’ના તત્કાલીન તંત્રીશ્રીના વરદ હસ્તે થયો હતો. 

હાલનું રુગ્ણાલયભવન

શ્રીરામકૃષ્ણ આશ્રમની જોડે જ આવેલ જમીન પર  શ્રીમતી ઉષાદેવી ગોરધનદાસ ભાલજાના ટ્રસ્ટીઓ દ્વારા મળેલા દાનથી રુગ્ણાલયભવનનાં નવાં મકાનોનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ રુગ્ણાલય ભવનનું મંગલ ઉદ્‌ઘાટન ૨૮મી જાન્યુઆરી, ૧૯૯૦ના રોજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું. શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે હાલના ગ્રંથાલયભવનના મકાનમાં ‘સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દિ ભવન’નો શિલાન્યાસવિધિ ૭ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ કર્યો હતો.

૨૭ સપ્ટેમ્બર થી ૨૯ સપ્ટેમ્બર ૧૯૯૧, ત્રણ દિવસના ‘વ્યવસ્થાપન તંત્રમાં ભારતીય આદર્શો’ વિશે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં આઈ.આઈ.એમ. કલકત્તાના પ્રો. એસ. કે. ચક્રવર્તી, એમ.એમ.સી. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, મુંબઈના નિયામકશ્રી ડો. એન.એચ. અથ્રેય અને બીજા આ ક્ષેત્રના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ૧૯૯૧થી માંડીને અત્યાર સુધી દર વર્ષે આવા સેમિનારોનું આયોજન નિયમિત રીતે થતું રહે છે. આ સેમિનારમાં ભારતભરના નિષ્ણાતો શ્રીરામકૃષ્ણ સંઘના તજ્‌જ્ઞ સંન્યાસીઓનાં પ્રવચનો યોજાય છે. આવા સેમિનારમાં બેંક, જીવનવીમા, વિવિધ ઉદ્યોગ સાથે સંકળાયેલ વ્યવસ્થાપકો અને શિક્ષણ, મેડિકલ, વકીલાતના વ્યવસાયમાં પડેલા જિજ્ઞાસુઓ ભાગ લે છે.

આ ઉપરાંત આશ્રમ દ્વારા નિયમિત રીતે શિક્ષકો માટેના સેમિનારનું આયોજન પણ થાય છે. આધ્યાત્મિકતાને ઝંખતા ભાવિકજનો માટે આધ્યાત્મિક શિબિરનું આયોજન પણ અવારનવાર કરવામાં આવે છે. આવા શિબિર-સેમિનારમાં ઘણા શિક્ષકો અને ભાવિકજનો ભાગ લે છે.

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દિ મહોત્સવ (૧૯૯૨-૯૩)

૧૮૯૩માં સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા તે પહેલાં તેમણે સમગ્ર ભારતમાં એક પરિવ્રાજક રૂપે પરિભ્રમણ કર્યું હતું. પોતાના આ પરિભ્રમણના સમયકાળ દરમિયાન સ્વામીજી ગુજરાતમાં ઘણા મહિનાઓ સુધી રહ્યા હતા. આ ઇતિહાસની ધન્ય ઘડીના ઉપલક્ષ્યમાં ગુજરાતભરમાં વિવિધ રીતે ‘સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દિ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, ભૂજ, આદિપુર, વલસાડ, જામનગર, પોરબંદર, લીંબડી, આણંદ, રાજકોટ, વગેરે સ્થળે જાહેર સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૯૯૨ના નવેમ્બરની ૨૦ થી ૨૩ સુધીનો ત્રણ દિવસનો એક મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવમાં બહોળી સંખ્યામાં ભાવિકજનોએ અને નગરજનોએ ભાગ લીધો હતો. આ મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૯૪ જેટલા સંન્યાસીઓ પણ ઉપસ્થિત હતા. એમાંના મોટા ભાગના સંન્યાસીઓ આ સંસ્થામાં ભૂતકાળમાં અંતરંગ સભ્ય તરીકે હતા. 

૨૦ નવેમ્બર, ૧૯૯૨ના રોજ ગ્રંથાલય વિભાગમાં નવા બંધાયેલા ‘સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દિ ભવન’નું મંગલ ઉદ્‌ઘાટન શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું. એ સાથે નવા હોલમાં ‘ભારતીય સંસ્કૃતિ, સ્વામી વિવેકાનંદ અને શ્રીરામકૃષ્ણ ભાવધારાનાં રંગીનચિત્રો’ના એક કાયમી પ્રદર્શનનું ઉદ્‌ઘાટન પણ એમના વરદ હસ્તે થયું હતું.

૨૧મી નવેમ્બર, ૧૯૯૨ના રોજ ‘સ્વામી વિવેકાનંદ અને આજની કેળવણી’ એ વિશે એક શિક્ષણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૩૫૦ જેટલાં શિક્ષકો અને આચાર્ય ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. એ જ દિવસે રામકૃષ્ણ મઠ-મિશન સાથે ન જોડાયેલાં અને ભક્તજનો દ્વારા ચલાવાતાં ગુજરાત ભરનાં કેન્દ્રોના સંવાહકોની એક ખાસ સભા મળી હતી. આ સભાના અધ્યક્ષ સ્થાને શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. તે દિવસે સાંજે યોજાયેલી જાહેરસભામાં અધ્યક્ષ સ્થાને બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ હતા.

૨૨મી નવેમ્બરના રોજ એક યુવસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ દિવસે બપોર પછી ‘સ્વામી વિવેકાનંદ અને સમાજસેવા’ વિશે એક શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તે દિવસે સાંજે મળેલી જાહેર સભાના અધ્યક્ષસ્થાને શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ હતા. 

૨૩મી નવેમ્બરના રોજ આ મહોત્સવના ઉપલક્ષ્યમાં રાજકોટ શહેરમાં એક ભવ્ય અને અનન્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં સર્વધર્મસમન્વયની ભાવનાને વ્યક્ત કરતા વિશ્વના વિવિધ ધર્મોના પ્રતીક સમા અગિયાર ફ્‌લોટ્‌સ સૌનું આકર્ષણ બની ગયા હતા. ૩૦૦૦ જેટલાં યુવા ભાઈબહેનો, ૫૦૦ ભક્તજનો અને ૪૦ થી વધુ સંન્યાસીઓએ આ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. તે જ દિવસે સાંજે યોજાયેલ જાહેર સભામાં શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ અધ્યક્ષ સ્થાને હતા. આ સભામાં ગુજરાત રાજ્યના સન્માનનીય રાજ્યપાલશ્રી ડો. સરૂપ સિંઘે આ પ્રસંગના ઉપલક્ષ્યમાં બહાર પડેલ સ્મરણિકાનું વિમોચન કર્યું હતું. રાજકોટના અગ્રણી નાગરિકોએ સ્વામી વિવેકાનંદને આ પ્રસંગે શબ્દરૂપે ભાવાંજલિ અર્પી હતી.

Total Views: 21
By Published On: September 15, 2022Categories: Uncategorized0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram