શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી અભેદાનંદજી મહારાજના જન્મતિથિ પ્રસંગે (૨૦, સપ્ટેમ્બર, ભાદ્ર કૃષ્ણ નવમી) શારદા પ્રકાશન, મૈસુર દ્વારા પ્રકાશિત ‘What the Disciples said about it-Part-1’માંથી સ્વામી અભેદાનંદજીના ઉદ્‌ગારોનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ અહીં પ્રસ્તુત છે. – સં.

  • જે જેવું ઝંખે એવું એને મળે છે. તમે જે ઇચ્છતા હતા તે તમને મળ્યું છે. જો તમે  પ્રભુની ઉત્કટ ઝંખના કરો તો પ્રભુ તમારા મનને ભૌતિક વસ્તુઓથી ઉપર લઈ જશે અને તેઓ તમને દર્શન આપશે. પરંતુ તમે જ્યાં સુધી આ જગત અને દુન્યવી પદાર્થો સાથે વળગ્યા રહો ત્યાં સુધી તમે તમારા પૂર્ણ હૃદયથી ઈશ્વરની ઝંખના કરી શકો ખરા?
  • જો તમે ઈશ્વર પ્રત્યેની દૃઢ અને અચળ શ્રદ્ધાભક્તિ મેળવવા ઇચ્છતા હો તો તમારે કઠિન અને વધુ કઠિન તપસ્યા કરવી જોઈએ. તપસ્યા એટલે હેતુ વિના અહીં તહીં ઘૂમતાં રહેવું એ નથી. તેનો વાસ્તવિક અને સાચો અર્થ છે નિયમિત, સુદૃઢ, સુસ્થિત જપ; ધ્યાન અને આત્મસંયમ.
  • સંગદોષથી ખરાબ વિચારો પ્રબળ બને છે. એટલે સારાનો સંગાથ કરો અને દુર્જનનો સંગ છોડો.
  • જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિમાં ભીતરની શાંતિ અને સંતોષ  ન હોય ત્યાં સુધી તે વ્યક્તિ ગમે ત્યાં જાય પણ એમને અશાંતિ અને દુ:ખપીડા જ મળવાનાં.
  • ઇચ્છાઓ બે પ્રકારની હોય છે – સારી અને ખરાબ. જ્યારે ઇચ્છાઓ સ્વાર્થ સાથે સંકળાયેલી હોય છે ત્યારે તે ખરાબ છે. પરંતુ જ્યારે ઇચ્છાઓ નિર્હેતુક અને નિ:સ્વાર્થભાવનાવાળી હોય છે ત્યારે તે સારી છે. મોહાસક્તિ, ક્રોધ, લોભ એ ત્રણેય ખરાબ ઇચ્છામાંથી જન્મે છે અને તે મનુષ્યને નુકશાન કરે છે. ઈશ્વરની અનુભૂતિ કરનાર માણસ આ બધી ઇચ્છાઓથી પર છે. ઇચ્છાથી પર જવું એટલે ઇચ્છાઓમાંથી કે પરિણામની સતત ઝંખનામાંથી મુક્ત બનવું. ઇચ્છાઓ અને પરિણામોની ઉત્કટ ઝંખનામાંથી મુક્તિ આપણને હૃદયની નિર્મળતા અને પવિત્રતા તરફ દોરી જાય છે; અને જ્યારે મન શુદ્ધ અને પવિત્ર બને છે ત્યારે આત્મજ્ઞાનનો સૂર્ય ઊગે છે… સદ્‌ગુણો અને દુર્ગુણો આ ઇચ્છાઓમાંથી ઉદ્‌ભવે છે. જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ ઇચ્છાઓનો ગુલામ બની રહે છે ત્યાં સુધી તેને મનની શાંતિ સાંપડતી નથી… શાંતિ એટલે ઇચ્છાઓ પરનો વિજય. ઇચ્છાઓ પરનો વિજય મેળવવાનો માર્ગ બીજા લોકોનું ભલું કરવામાંથી મળે છે, અન્યના કલ્યાણ કરવાની મથામણ કરવાથી મળે છે.
  • માણસની ઇચ્છાઓ વિવિધ પ્રકારની હોય છે. હજારો ઇચ્છાઓ એક બીજાની પાછળ છુપાયેલી રહે છે. ઇચ્છાઓનો અંત નથી. એક પછી એક ઇચ્છાઓની હારમાળા અવિરત ચાલતી રહે છે. એટલે જ શાણા માણસો કહે છે ઇચ્છાઓને નિર્મૂળ કરો.
  • પ્રેમભક્તિનો પથ શ્રેષ્ઠ પથ છે અને એ સૌથી વધુ સહજસરળ માર્ગ છે. તમારી ભીતર રહેલા પ્રભુને તમે સમર્પિત થઈ જાઓ. તમે જ પ્રભુનું સૌથી સાચું મંદિર છો. બહારનાં મંદિરો તો ભીતરનાં સાચા મંદિરની યાદ તાજી કરવા માટે છે.
Total Views: 25
By Published On: September 15, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram