સમયનો સદુપયોગ કેમ કરશો?

યુવા મિત્રો,

જો તમારે જીવનને વ્યવસ્થિત બનાવવું હોય તો, તમને મળતા સમયનું આયોજન કરવું જોઈએ, એટલે કે સમયને ગમે તેમ ન વેડફતાં, તેને ઉપયોગી કાર્યોમાં વ્યતીત કરવો જોઈએ. આજ કાલ સમય આયોજન (Time – management)ની ઘણી ચર્ચા થાય છે. દિવસનો કયો ભાગ કેવી રીતે વાપરીશું તે પહેલેથી નક્કી કરવું તેનું નામ આયોજન.

તમે કેટલાંક ઉપયોગી કાર્યો નીચે મુજબ કરી શકોઃ

(૧) તમારાં કાર્યોને મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચી કાઢો.

(અ) શૈક્ષણિક કાર્યો: શિક્ષણ મેળવવું એ તમારું મુખ્ય કાર્ય છે. તેથી તમે તમારી સમસ્યા માટે ગુરુજનોને મળો. જોઈતાં પુસ્તકો મેળવો – પુસ્તકાલયમાંથી, બજારમાંથી કે મિત્રો પાસેથી.

(બ) કૌટુંબિક કાર્યો: તમારી ફ૨જ કુટુંબ પ્રત્યે પણ છે. તેથી થોડો સમય કુટુંબનાં કાર્યો માટે આપો.

(ક) સામાજિક કાર્યો: તમે માત્ર પુસ્તકના કીડા (Book – Worm) ન બની જતા. સમાજમાં હરો ફરો.

તમારો સમય મિત્રો માટે ફાળવો. વડીલોને મળો. તેમની પાસેથી અનુભવની વાતો સાંભળો.

(૨) તમે જો ઘ૨માં મોટા હો તો તમારા નાનાં ભાઈભાડુંને ભણવામાં મદદ કરો. તેમને ગણિત – અંગ્રેજી જેવા વિષયમાં માર્ગદર્શન આપો.

(૩) તમારો થોડો સમય ઉત્તમ વાચનમાં ગાળો. સાથે નોટબુક રાખો અને સારા લાગતાં વાક્યો ઉતારી લો.

(૪) હૉસ્પિટલ, વૃદ્ધાશ્રમમાં પહોંચી જાવ અને ત્યાં મેગેઝીન – પુસ્તકો વગેરે વહેંચી આવો, જેથી દર્દીઓ – વૃદ્ધોને સારું વાચન મળી રહે.

(૫) તમારી રોજીંદી વ૫રાશની વસ્તુઓ વ્યવસ્થિત કરો. દા.ત. સાયકલ, મોપેડ વગેરે, સાફ રાખો. ઑઈલીંગ કરો. તમારાં કપડાંની ઈસ્ત્રી જાતે જ કરો. તમારાં પુસ્તકો કબાટમાં હારબંધ ગોઠવી દો.

(૬) થોડો સમય શારીરિક શ્રમ માટે પણ ફાળવો. ‘The sound mind in the sound body’ એમ કહેવાય છે. તેથી માત્ર મનનો જ વિકાસ થાય, તેમ ન કરતાં તમારા ફાજલ સમયનો ઉપયોગ બાગકામ, સફાઈકામ, વ. માટે પણ વાપરો.

આમ, તમને મળતા સમયને વેડફી ન નાખશો. જેમ કાણા પાત્રમાંથી ટીપે ટીપે પાણી વહી જાય છે, તેમ તમારા જીવનમાંથી પણ ક્ષણ – ક્ષણ થઈને સમય ચાલ્યો જાય છે. આ સમયને તમે પકડો. તેને યોગ્ય રીતે વાપરો. આસપાસના પ્રલોભનો તમને લલચાવશે અને તેથી તમે તમારા સમયને સારી રીતે વાપરવાને બદલે નકામી પ્રવૃત્તિઓમાં વેડફી નાખશો. યાદ રાખજો, સમય કેટલો વાપર્યો, તે મહત્ત્વનું નથી, પણ સમય કેવી રીતે વાપર્યો તે જ મહત્ત્વનું છે.

*

દરેકના એકાઉન્ટમાં દરરોજ ૮૬,૪૦૦ સૅકન્ડ (૨૪ કલાક) જમા થાય છે, કોઈને ઓછા નહિ, વધારે નહિ. આમાંથી જેટલી સૅકન્ડોનો સદુપયોગ નથી થતો, તેટલી વેડફાઈ જાય છે, બીજે દિવસે કૅરી ફૉરવર્ડ થતી નથી. માટે દરેક સૅકન્ડનો સદુપયોગ કરો. આમાંથી ઓછામાં ઓછો એકસોમો ભાગ (૮૬૪ સૅકન્ડ) પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે – ધ્યાન, પ્રાર્થના, સદ્ગ્રંથોનું અધ્યયન, આત્મ-વિશ્લેષણ વગેરે માટે વાપરો.

Total Views: 10
By Published On: September 15, 2022Categories: Madhubhai Kothari Dr.0 CommentsTags:

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram