એક મિત્રે મને લખ્યું કે તમે કેટલી બધી આળસ કરો છો? ત્રણ પત્ર લખ્યાં છતાં તમે જવાબ પણ આપતા નથી. મારાં મેલાં કપડાંની સંખ્યા જોઈ મારાં બા કહેવા લાગ્યાં કે ધોબીને કપડાં આપવામાં વાર શી? કેવો આળસુ થતો જાય છે? સવારે ઊઠવામાં મોડું થાય તો મોટા ભાઈ ટકોર કરતાં કહેવાના કે આળસ બધા અપયશનું મૂળ છે, માટે આળસુ ટેવ જ પડવા ન દેવી. અરે, એક વાર વાળ કપાવવાનું ત્રણેક અઠવાડિયાં રહી ગયું, અને સલૂનમાં ગયો ત્યારે હજામથી પણ ન રહેવાયું, “શેઠજી, આ વખતે આળસ કેમ થઈ?

વળી કોઈનું પણ બતાવેલું કામ મોડું કરું છું, ત્યારે આળસુની અણગમતી ઉપાધિ મને તરત આપવામાં આવે છે. એક કરતાં વધારે વખત અને એક કરતાં વધારે માણસો એકની એક વાત કરે પછી તે માન્યા વગર છૂટકો જ થતો નથી. મને ઘણી વાર પ્રશ્ન થાય છે કે હું આળસુ શા માટે?

આળસુપણું એ મહાન દુર્ગુણ છે અને મનુષ્યની પ્રગતિનો મોટો શત્રુ છે. ‘અલસ’ શબ્દમાંથી જ અપભ્રંશ પામીને એ શબ્દ બન્યો હોવો જોઈએ. જે તેજસ્વી નથી, જે પ્રવૃત્તિમાં જડ અને મંદ છે, જેમાં ચપલતા ન હોવાથી તામસી અને સ્થૂલ છે તે આળસુ. જે પ્રવૃત્તિથી દૂર રહી હરાયા સાંઢની પેઠે રખડ્યા કરે અથવા નિષ્ક્રિય અજગરની પેઠે રખડ્યા કરે અથવા નદી કાંઠે નિશ્ચિંત મગરની જેમ પડ્યા રહેતા હોય એવા આળસુ મારા ખ્યાલ પ્રમાણે બહુ જ થોડા હશે. આળસની આવી વ્યાખ્યા કરીએ તો મારા જેવા ઘણા એ વર્ગમાં આવી શકશે નહિ.

હું પ્રવૃત્તિને ખૂબ ચાહું છું અને મારે માટે કંઈને કંઈ કરવાનું શોધી કાઢી તેમાં પરોવાઉં છું. નકામા બેસવું મને જરા પણ ગમતું નથી. જરા વિચાર કરતાં જણાય છે કે આળસુ લોકોમાં પ્રવૃત્તિનો અભાવ હોતો નથી: ઉપયોગી પ્રવૃત્તિનો અભાવ હોય છે. ખરી રીતે તો આળસુ માણસ કામ તો ગધેડા જેટલું કરે છે, પણ તેઓ ઉપયોગી કામ જ માત્ર કરતા નથી. તેમને જે ગમે છે તે ક૨વામાં તે કુશળ અને પાવરધા હોય છે. તેમની કાર્યશક્તિ જોઈને આશ્ચર્યચકિત બનેલા લોકો તેમને કલાકાર કહે છે. તેમની કાર્યનિષ્ઠા અને તેની પાછળ શ્રમ લેવાની વૃત્તિ અદ્ભુત હોય છે. તાત્પર્ય એ કે પ્રવૃત્તિનો અભાવ એટલી જ આળસની વ્યાખ્યા નહિ ચાલે. નિયત અને ઉપયોગી પ્રવૃત્તિ ન કરે તે જ આળસુ. કદાચ આળસુ માણસ ઉપયોગી અને નિયત પ્રવૃત્તિ કરશે તો પણ તે નિયમિત રીતે અને વખતસર નહિ કરે. આળસુને ઓળખવાની એ મુખ્ય નિશાની છે.

આળસ ઘણી વાર સબળ માણસોને સદ્ગુણ જેવી નીવડે છે. મહાપુરુષો કંઈ આળસ કરે તો લોકો કહેશે કે તેમને પ્રેરણા થઈ નથી અથવા કાર્યનો વખત પાક્યો નથી. તુલસીદાસે મહાપુરુષોના દોષો એક ઝાટકે ઉડાવી દઈ ગાયું છે કે “સમરથ કો નાહીં દોષ, ગુંસાઈ!” આમ આળસ પણ વ્યાજબી ગણાય છે. ચંદ્રનું કલંક એની શોભા જ છે ને? એને કલંક-શોભા કહીએ તો પણ શું ખોટું? અવ્યવસ્થિત રીતે કફના બટન ખુલ્લાં રાખીને કે અસ્તવ્યસ્ત રીતે ઊડતા વાળ એમ જ રહેવા દઈને ઘણા આધુનિક તરુણો આવી કલંક-શોભા પ્રદર્શિત કરવામાં રસ દાખવે છે.

વળી આળસ સર્વ પરિસ્થિતિમાં નુકશાનકારક પણ નથી. એક દિવસ મારે નાગપુરથી રાયપુર જવાનું હતું. આળસને લીધે મેં એક દિવસની ઢીલ કરી. બીજે દિવસે વર્તમાનપત્રોમાં વાંચ્યું કે જે ગાડીમાં હું જવાનો હતો પણ ગયો નહિ એ ગાડીને ગંભીર અકસ્માત થયો છે. મેં મારી આળસની પીઠ થાબડી. ઘણી વાર વિલંબકારી નીતિ સગવડ-ભરી હોય છે. તેમાં ઉતાવળિયાપણાની ભૂલો થતી નથી અને ઘણી વાર માઠાં પરિણામોથી ઊગરી શકાય છે. આળસ કંઈ સો યે સો ટકા અનિષ્ટ નથી.

ગમે તેવા લાભ થતા હોય તો યે દુર્ગુણ એટલે દુર્ગુણ એમ સમજી મેં એમાંથી છૂટવાનો વિચાર કર્યો, પણ એ વિચારનો અમલ કરવાની આળસ મને ઘેરી લેશે એની તો મને કલ્પના પણ નહિ. એક બાળકથામાં છગનની વાત આવે છે. એ છગન મારા આળસુ મનને આબેહૂબ મળતો આવે છે. છગન સાથે મોટેરાંઓની વાતચીત કંઈ આવી હોય છેઃ

“છગન, આ કાગળ ટપાલમાં નાખી આવ, તો કહે “હું થાકી ગયો છું.” “છગન, નાસ્તો કરી લે, તો કહે “હું તૈયા૨ છું.” “છગન, કપડાં ધોઈ નાખ, તો કહે “મારે વાંચવું છે.” “છગન, પાનાં રમવા ચાલ, તો કહે “હું તૈયાર છું.” “છગન, શાકભાજી લઈ આવ, તો કહે “મારું માથું દુઃખે છે.” “છગન, સિનેમા જોવા ચાલ, તો કહે “હું તૈયાર છું.”

બસ, આ છગનના જવાબો પ્રમાણે જ મારું લુચ્ચું મન બહાનાં કાઢીને મને હેરાન કરે છે. ઘણું ઘણું સમજાવું છું, પણ અણખેડાયેલા આખલાની જેમ એ મસ્તીખોર બની માનતું જ નથી. છેવટે આળસનો અર્થ અરસ જેવો જ થાય છે. જો ૨સ જન્મજાત વસ્તુ હોય તો આળસ પણ જન્મજાત જ છે. જેમાં રસ ન પડે તેવાં કાર્યોમાં પ્રવૃત્ત થવાનું મુશ્કેલ હોય છે. આળસ પાસે હારી જઈને હું આશ્વાસન લેતો હોઉં તેમ બોલું છું: ‘પ્રકૃતિં યાંતિ ભૂતાનિ નિગ્રહઃ કિંમ્ કરિષ્યતિ.’

વિચાર કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે દરેક વસ્તુનાં કારણો હોય છે. એ પ્રમાણે આળસનાં પણ કારણો હશે અને એમને જો દૂર કરવામાં આવે તો આળસ આપોઆપ દૂર થઈ જાય. અનારોગ્ય અને સ્થૂલ શરીર ચંચલ મનને કશું ય કરી દેતું નથી. એ દૃષ્ટિએ મેં આહાર અને ઊંઘ ઘટાડ્યાં અને થોડો વ્યાયામ શરૂ કર્યો. પ્રફુલ્લિત શરીર સારું સાધન બની આળસનો દોર ઓછો થાય છે એ માન્યતા એની પાછળ હતી. પણ ટીકાકારોને પહોંચવું જ મુશ્કેલ છે. તેઓ તો કહેવા લાગ્યા કે આ તો આળસુનો પીર થતો જાય છે: હવે તો ખાવાની અને ઊંઘવાની પણ આળસ કરે છે. અને વિનોદ ક૨વા ઉમેર્યું કે “આળસ કરવાની જ આળસ આવતી નથી.” થયું!! એથી તો હું લોકમત તરફ ઉદાસીન થઈ ગયો છું.

આળસુપણાની આ કાળી ટીલી ભૂંસી નાખવા મેં કમર કસવા માંડી. મનનો સ્વચ્છંદ અટકાવવા મેં એક સમયપત્રક બનાવ્યું અને એમાં ઉપયોગી કામોને મહત્ત્વની જગા આપી. એક બે દિવસ તો ઉત્સાહની આંધીમાં મેં યંત્રવત્ કામ કરવાનો સંતોષ માણ્યો. પણ ત્યાં તો નવી મુશ્કેલીઓ ઊભી થઈ. કામ ક૨વાનો વેગ ઘટ્યો અને થાકી જવાનો વેગ વધ્યો. મેં શોધી કાઢ્યું કે કામનો વેગ વધારવા માટે સાધનોની અને સગવડભર્યા વાતાવરણની ખાસ આવશ્યકતા છે.

મેં એક બે કબાટ ખરીદ્યાં, ડઝન, દોઢ ડઝન ફાઈલો ખરીદી, પત્રપેટી મંગાવી. વસ્તુઓ રાખવાનાં સ્થળો નક્કી કરી ત્યાં નામો લખાવ્યાં, ડાયરીમાં કામકાજની યાદી કરી. આમ વળી એકાદ અઠવાડિયું નવીનતાને લીધે નિર્વિઘ્ને ૫સાર થયું, પણ પછી તો આ વ્યવસ્થાની કડાફૂટમાં એટલો બધો સમય પસાર થવા લાગ્યો કે ખરાં કામ તો પહેલાં કરતાં પણ વધુ વિલંબમાં પડવા લાગ્યાં. પહેલાં ગજવામાં કાગળો ભેળા થતા તે હવે કબાટના ખાનામાં એકઠા થવા લાગ્યા, અને પછી તો ગોટે ચડવા લાગ્યા. ઈતર ચીજો, મેલાં કપડાં અને ફાઈલો કબાટમાં જુદાં જુદાં ખાનાંઓમાં ભેળાં થવા લાગ્યાં. સમયપત્રકો ફેરવવાં, લોકોને મળવા જવું અને બધાની ડાયરી રાખવી તેમાં જ નાકે દમ આવ્યો. મને મંત્રદર્શન થયું કે કેવળ સાધનસામગ્રી કે સગવડતાથી હરાવી શકાય તેટલી નબળી આળસ નથી.

હવે શું કરવું? ગ્રીક પુરાણમાં આપણે ત્યાંના પરીક્ષકના નમૂના જેવા એક રાક્ષસની કથા છે. તેનું નામ ગૉર્ડિયન હતું. તેણે દોરીઓને ગૂંચવી નાખી એક ન ઉકેલી શકાય તેવું ગૂંચળું તૈયાર કર્યું અને પછી જાહેર આહ્વાન આપ્યું કે તેને કોઈ પણ આવીને ઊકેલી દે. ઘણા અભિમન્યુઓએ આ કોઠાયુદ્ધને જીતવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ નિષ્ફળ થઈ બિચારા માર્યા ગયા.

પણ ઍલૅક્ઝાંડર નામનો કોઈ માથાફરેલ તેને મળી ગયો. તેણે તલવારથી ગૂંચળું કાપી નાખી દોરીઓ ઉકેલી આપી. મને પણ લાગે છે કે કારણોની માથાફોડ કરવા કરતાં તેનો કોઈ સીધો જ ઉકેલ કરવો જોઈએ. આળસને દુર્ગુણ માનીએ છીએ એ જ બધી ભાંજગડનું મૂળ છે. આળસ જો પ્રાકૃતિક વસ્તુ હોય અને તેના પર આપણી સંસ્કૃતિના સંસ્કારો ન ઊઠતા હોય તો છોને એ રહેતી એમાં દુર્ગુણ શો?

વસ્તુતઃ આળસ એ કલાની જનની છે. વ્યાવહારિક કાર્યો આપણને સ્વાર્થના પ્રધાન હેતુથી કરવાં પડે છે. ન કરીએ તો ભૂખે મરીએ, સમાજમાં માનહાનિ થાય અને આપણી જીવનયાત્રા બરાબર ચાલે નહિ. જરૂરનાં અથવા ઉપયોગી એવાં સારાં નામો આપો, તો યે એમાં સ્વયંભૂ આનંદ મળતો નથી.

આપણને મનગમતાં કાર્યો કરવામાં રમતગમત જેવો નિઃસ્વાર્થ આનંદ સાંપડે છે. પોતાનાં પ્રિય કામોમાં પ્રગતિ કરવી એ આળસનું વિધાયક સૂત્ર છે. વ્યાવહારિક કાર્યોની વણઝાર વધારવા કરતાં મનગમતાં કાર્યોને ઘોડે ચડીને જીવન આનંદમાં કેમ ન વિતાવવું? રેતી નિચોવીને તેલ કાઢવા જેવો અપ્રાકૃતિક પ્રયત્ન જ શા માટે કરવો?

પણ સંસ્કારિતાનું મૃગજળ ભારે ભ્રમ ઊભો કરે છે. કલાકારની પ્રશંસા થતી હોય અને તેમાં પરિશ્રમની પૂર્ણિમા દેખાતી હોય, તો તેમાં આળસમાંથી લાભ ઉઠાવ્યાનાં સ્પષ્ટ દર્શન થશે. જીવનમાં પોતાનું નિયતિકૃત કામ શોધી કાઢવું અને તેમાં ફના થવું એ જ મહત્તા પામવાની રીત છે. ન કરવાનું કરવું અને આળસુ ગણાવું અને છેવટે નિષ્ફળ બનવું એના કરતાં રસિક કામની શોધ કરવી અથવા કામમાં રસની શોધ કરવી એ જ ઉત્તમ માર્ગ છે. પોતાનાં પ્રાપ્ત કર્તવ્યમાં રસ શોધી કાઢવો એ જ આળસનો પરાજય કરવાનું એકમેવ શસ્ત્ર છે.

Total Views: 10
By Published On: September 16, 2022Categories: Lalji Mulji Gohel0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram