છૂપાવેશમાં સાધુ

ઉત્તરકાશીના દેવદૂત સમા એ ગરીબ માણસની સેવાએ મને સ્વસ્થ કરી દીધો. જો કે હજુ હું મારી યાત્રાનો આરંભ કરવા માટે પૂરો સશક્ત ન હતો. છતાં મેં ઉત્તરકાશી છોડીને ટિહરી જવાનો નિર્ણય કર્યો. પેલા યજમાન દેખીતી રીતે પરેશાન લાગતા હતા એણે મને થોડા દિવસ રોકાઈ જવા માટે ખૂબ ખેંચતાણ કરી પરંતુ આ બાજુએ મારી સામે એક લાંબો યાત્રાપથ કાપવાનો બાકી હતો. એટલે મેં વિચાર્યું કે આગળ વધવું એ જ સારું છે. થોડા દિવસો વધારે આમ ગુમાવ્યા તો હું મારા હેતુ પ્રમાણે તીર્થયાત્રા પૂરી નહિ કરી શકું. છેવટે તે મને જવા દેવા સહમત થયો અને હું ઉત્તરકાશીથી આગળ જવા નીકળી ગયો. એ ધર્મપરાયણ માણસ થોડા અંતર સુધી મારી સાથે ચાલતો આવ્યો. એમનો નિષ્કપટ સ્વભાવ અને સાચો પ્રેમ તેમજ અનુરાગ જોઈને હું ઘણો પ્રભાવિત થયો હતો. કેવી રીતે હું મારી જાતને એના પ્રત્યેના મારા ઋણભાવમાંથી મુક્ત કરી શકું એની મને ખબર નહોતી પડતી. હું શું કહેવા માગું છું એ શું સમજી ગયો હશે કે કેમ? એ કહેવું કઠણ છે, પરંતુ તેણે ધીમે અવાજે અનાયાસભાવે કહ્યું: ‘આ વિસ્તારમાં ઘણી ઠંડી પડે છે. મેં મારી જિંદગીમાં ક્યારેય ધાબળાનો ઉપયોગ કર્યો નથી.’ એમનું આવું કહેવું સાંભળીને મારા મનને થોડી નિરાંત થઈ. મારી સમસ્યાનું સમાધાન થઈ ગયું. મેં મારો પોતાનો ધાબળો એના શરીર પર રાખી દીધો. હું મનોમન બોલ્યો: ‘હું આવા શ્રેષ્ઠ અને પરમદયાળુ પુરુષની આટલી સામાન્ય સાધારણ ઇચ્છાને પૂરી કરી શક્યો એ મારું પરમ સૌભાગ્ય છે.’ અંતે અમે બંને છૂટા પડ્યા. હું એકલો આગળ ચાલવા લાગ્યો. હું તેનાથી દૂરને દૂર થઈ રહ્યો હતો અને તે ત્યાં ઊભો રહી મને નીરખી રહ્યો હતો. જ્યારે હું આગળ જતો હતો ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે એ બહારથી પાગલ જેવો લાગતો માણસ ખરેખર છુપાવેશમાં એક મહાન સાધુ જ હશે. મને આ વાત પર પૂરેપૂરો વિશ્વાસ છે. મેં મારા પોતાના બાળપણથી જ સાંભળ્યું છે કે લોકોની વચ્ચે છુપાવેશે રહેવા માટે એક સંત પાગલના જેવો વ્યવહાર કરે છે. ઉત્તરકાશીનો આ માણસ પણ સંત લોકોની શ્રેણીમાંનો જ એક માણસ હતો.

માંદગીને લીધે ઉત્તરકાશીમાં મારા ચાર દિવસ નકામા ગયા. ટિહરી પહોંચતા મને વધુ ચાર દિવસ લાગ્યા. મેં ધારાશુ થઈને ઉત્તરકાશીથી ગંગોત્રી જવાનો રસ્તો જોયો ન હતો. કારણ કે મેં ધારાશુથી ગંગોત્રી જનારી પાકી સડક છોડી દીધી હતી અને જમનોત્રી માટે એક જુદો જ રસ્તો લઈ લીધો. પછી ઉત્તરકાશી પાછો આવ્યો હતો. હવે હું ગંગોત્રી જતો હતો. મારી આ વળતી યાત્રા દરમિયાન કોઈ ઉલ્લેખનીય ઘટના બની હોય એવું મને યાદ નથી. ટિહરી પહોંચ્યા પછી વળી પાછો મને અતિસાર થઈ ગયો. હવે મને લાગ્યું કે હું પૂરેપૂરો સાજો થાઉં એ પહેલાં જ એ સ્થાનેથી ચાલી નીકળવાને કારણે આવું બન્યું. ટિહરીમાં એક બ્રાહ્મણ યુવક મારી સેવા માટે આવી ગયો. એણે પણ શાંત અને અવિચલિતભાવે મારી સારસંભાળ લીધી અને મારા ઉપર ઘણો ઉપકાર કર્યો. મારે અહીં બે દિવસથી વધારે રહેવું ન હતું. મેં ગંગોત્રીથી લાવેલું ગંગાજળ એક બંગાળી સરકારી કર્મચારી સાથે અમારા વરાહનગરના મઠમાં મોકલી દીધું. દરરોજ ગુરુદેવ શ્રીઠાકુરની પૂજા કરવા માટે ગંગાજળનો ઉપયોગ થાય છે.

હું ચંદ્રવદની મંદિરે જવા માટે ટિહરીથી નીકળી પડ્યો. રસ્તો ગાઢ જંગલમાંથી જતો હતો. મને એક બે માણસો મળ્યા જેમને મેં એ મંદિરનો રસ્તો પૂછ્યો. હું આખો દિવસ ચાલતો રહ્યો. ગાઢ જંગલોથી ઘેરાયેલ એક ઊંચા પહાડના શિખર પર આવેલા મંદિરની એક ઝલક જ્યારે મેં જોઈ ત્યારે સાંજ પડી ગઈ હતી.

સતીની પહાડી

મેં વિચાર્યું કે આ ચંદ્રવદની દેવીનું મંદિર બનાવવા માટે ભગવાને આ પર્વતના ઊંચા શિખરની રચના ખાસ વિશેષ રીતે કરી હતી. આ પર્વત બીજી પર્વતશૃંખલાઓથી અલગ હતો. મેં મનમાં ને મનમાં વિચાર્યું કે આ વિશાળ અને ગૌરવમય હિમાલયે પોતાના એક ઉચ્ચશિખર પર વિશ્વની મહાજનનીને સ્થાપિત કર્યાં છે અને પછી એ જગન્માતાની સામે ઊભા રહીને પોતાના સમસ્ત મસ્તકોને એણે એમની સમક્ષ અભિવાદનભાવે ઝૂકાવી દીધાં છે. અને વળી આ ગૌરવમય હિમાલય પોતાનાં સુગંધી ફૂલો અને ફળોથી એની પૂજા કરે છે. અને એ દ્વારા એ પોતાની ગરિમામાં વૃદ્ધિ પણ કરી રહ્યો છે. આ એકાકી શિખર કાટખૂણે ઊભું છે. એની ઉપસ્થિતિએ આ સ્થાનના નૈસર્ગિક સૌંદર્યમાં અત્યધિક વૃદ્ધિ કરી દીધી છે.

એ પહાડી વિસ્તારની તળેટીમાં વસેલા એક ગામમાં હું પહોંચ્યો. આ ગામના બધા નિવાસીઓ મુસ્લિમ હતા. સમગ્ર ગઢવાલ જિલ્લામાં કેવળ આ એક જ ગામ હતું કે જ્યાં મુખ્યત્વે મુસલમાનો રહેતા હતા. એ લોકો લાખના કંગન બનાવતા. આ કંગન આ પ્રદેશમાં પહાડી લોકો પહેરે છે. આ ગામમાં એક પણ હિંદુનું ઘર ન હતું. મારી પાસે એક માત્ર વિકલ્પ હતો કે આ ગામને છોડીને પર્વત પર ચડી જાઉં. પણ અહીં રોકાયા વગર હું આગળ કેવી રીતે જઈ શકું? ત્યાં કોઈ માર્ગદર્શન આપવાવાળો પણ ન હતો. હું એ પર્વતની આસપાસ ફર્યો અને અંતે મંદિર તરફ જવાનો રસ્તો મળી ગયો. એ રસ્તેથી હું પર્વત પર ચડ્યો. એના શિખર પર રહેલા મંદિરમાં પહોંચી ગયો. અત્યાર સુધીમાં સાંજ થઈ ગઈ હતી.

આ પર્વતનું શિખર સપાટ અને સમતલ હતું, જાણે કે એને શ્રીમાનું મંદિર બનાવવા વિશેષ રૂપે ઘડ્યું અને રેખાંકિત કર્યું ન હોય! મને એવું લાગ્યું કે હું એકબીજા સાથે લડવા-ઝઘડવા અને મારપીટ કરવામાં જીવનનો આનંદ માણનારા મનુષ્યોના કોલાહલભર્યા સંસારમાંથી ઘણો દૂર અને ઊંચાઈ પર આવી ગયો છું. સાધારણ જગતનો એક પણ ધ્વનિ કે ગણગણાટ કે કાનફુસિયા અહીં સંભળાતાં ન હતાં. પૂર્ણશાંતિનું સામ્રાજ્ય હતું. બધાં સંવેદનશીલ અને અસંવેદનશીલ પ્રાણીઓએ ચૂપચાપ રહેવાના સમ ખાઈ લીધા હોય એવું લાગતું હતું. અહીં આવનાર કોઈ પણ માનવ પોતાની જાતને દૈવી નીરવતામાં વિલીન થઈ જતો જોવાનો. આ સ્થળેથી અખૂટ હિમાલયના વિસ્તાર પર એક દીર્ઘદૃષ્ટિ કરી. મારો થાક ઊતરી ગયો હતો અને હું હિમાલયના એ સ્વર્ગીય પારલૌકિક વાતાવરણમાં તરતો હતો. હિમાલયની અસંખ્ય પર્વતમાળાઓએ પૃથ્વી અને સ્વર્ગને ઘેરી લીધાં હતાં. હિમાચ્છાદિત શિખરોવાળા શાશ્વત ચીરસ્થાયી પર્વતોએ પોતાનાં ચમકતા હાસ્યથી સમગ્ર વાતાવરણને પ્રકાશમય બનાવી દીધું હતું. જાણે કે એ પર્વતમાળાઓ મહાન ઈશ્વરના મહિમા તરફ ઇશારો ન કરી રહ્યા હોય! હિમમાંથી પ્રતિબિંબિત થતી શ્વેત અને સ્વર્ણિમ કિરણો સમગ્ર પૃથ્વીને પ્રકાશમય બનાવી રહ્યાં હતાં. પ્રકૃતિના અનંત સૌંદર્યથી હિમ તો ઢંકાઈ ગયો હતો. અહીં બધું શાંત હતું. એકેય અવાજ સંભળાતો ન હતો. સમસ્ત સૃષ્ટિ અનંતતાની એક મહાન નિરવતામાં ડૂબી ગઈ હતી. હિમાલયના રૂપે મહાન અને વિભિન્ન રૂપિણી મહામાયાની આ એક ઝલક મળવાથી જાણે મને કોઈ વરદાન મળી ગયું હોય એવું લાગ્યું.

ચંદ્રવદના માતાજીનું મંદિર

મેં ચારે તરફ નજર નાખી અને હિમાલયની એ વિશાળ અને મનોરમ્ય સુંદર છબિને મારા હૃદયમાં અંકિત કરી લીધી. ત્યાર પછી મેં મંદિરમાં પ્રવેશ કર્યો. મેં એ મહામાયા જગન્માતાની સમક્ષ સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કર્યા અને એની ગરિમા વિશે વિચારવા લાગ્યો. ત્યાં માતાનું એક ચિહ્‌ન છે. જેની પ્રતિદિન પૂજા કરવામાં આવે છે. અહીં કોઈ દેવીની પ્રતિમા નથી. મંદિર પથ્થરનું બનેલું છે અને ઠીકઠીક પ્રમાણમાં નીચું છે તેમજ તેની લંબાઈ અને પહોળાઈ પણ વધુ નથી. યાત્રીઓ માટે મંદિરની પાછળ એક ઘર છે. પર્વતના આવા ઊંચા શિખર પર હવાનો વેગ પણ વધારે હોય છે. ભગવાન વાયુદેવને માટે પણ જાણે કે આ ગહનશાંતિ અસહ્ય ન બની જતી હોય! મેં એવી કલ્પના કરી કે વાયુદેવે હિમાલયની સમાધિ ભંગ કરવા દૃઢ સંકલ્પ કર્યો હતો. આવા શિખર પર કોઈપણ માણસ જો થોડી અસાવધાનીથી ઊભો રહે તો તેને સરળતાથી હવા ઊડાડી દઈ શકે. એટલે જ એ મંદિરને વધારે ઊંચું ન બનાવ્યું એ વાત સ્વાભાવિક જ છે. આવું કામ લગભગ અસંભવ જ બની જાય. વાસ્તવમાં પર્વતની ટોચે આવેલા આ શિખરને જ મહામાયા જગન્માતાનું એક મોટું મંદિર ગણવામાં આવે છે.

જ્યાં પ્રકૃતિ પોતાના નૈસર્ગિક સૌંદર્યની ચરમસીમા પર હોય ત્યાં મંદિરનું નિર્માણ કરવામાં હસ્તકલા કે સ્થાપત્યકલાનો પ્રયોગ કરવાની ક્ષમતા જ ઘણી ઓછી રહે છે. એટલા માટે આ પવિત્ર ક્ષેત્ર જે પાવનસ્થળોથી ભર્યુંપૂર્યું છે તે મૂર્તિકલા કે સ્થાપત્યકલાની શ્રેષ્ઠતા માટે બહુ વધુ જાણીતા નથી. મહામાયાની મહાન શક્તિનો એક સૂક્ષ્મતમ ભાગ જ મનુષ્યને એક કુશળ કલાકારમાં પરિવર્તિત કરવા માટે પર્યાપ્ત છે. મહામાયાની દૃષ્ટિમાત્ર જ અસંખ્ય વિશ્વોનું નિર્માણ કરવા માટે સક્ષમ છે. એ જ મહામાયા ફરીથી પોતાનું મંદિર આવા સુમસાન સ્થળે પોતાની ઇચ્છાનુસાર પોતાની રીતે જ પુનર્નિર્મિત કરી લે છે. તેને પોતાની રીતે જ કરેલી સ્વયંની રચના જ અલંકૃત કરી દે છે. મહામાયા જે પોતાની જ રચનાના બંધનને સ્વીકારી લે છે તે મહામાયાની સામે આવતાં જ બધા માનવોની બુદ્ધિમત્તા, માનવીય કૌશલ્ય અને કલાનું જ્ઞાન એકદમ લુપ્ત થઈ જાય છે. એટલા માટે મારું એવું માનવું છે કે આર્યાવર્તના વિશેષ કરીને દક્ષિણના નિવાસીઓએ, હિંદુ અને બૌદ્ધ બંનેએ પોતાનાં દક્ષિણનાં મંદિરો બનાવવા અને સુશોભિત કરવા માટે અત્યધિક પ્રયત્ન કર્યા છે. આ હિમાલયના પહાડી પ્રદેશોમાં છે તેમ જે મંદિરો ચારે તરફની નૈસર્ગિક સુંદરતાથી ઘેરાયેલાં હોય છે તેમને વધારે સજાવવા-ધજાવવાના કોઈ સવિશેષ પ્રયાસ કર્યા નથી.

સૌંદર્ય અને શાંતિ

હું એ મંદિરમાં પ્રવેશ્યો અને સીધો ગર્ભગૃહ તરફ આગળ વધ્યો. મંદિરના અંદરના ભાગમાં બે ખંડ હતા. એક ખંડમાં દેવસ્થાન છે અને બીજો ખંડ રસોઈ કે પૂજારીને રહેવા માટે ઉપયોગમાં લેવાય છે. ત્યાં પૂજારી સિવાય બીજું કોઈ હતું નહિ. થોડા સમય પછી એક માણસ નીચેથી એક ઘડો પાણી લઈને આવ્યો. તે મંદિરનો ચોકીદાર હતો. તે પુજારીને મદદ કરતો. તે દરરોજ નીચે જઈને દૈનંદિન પૂજાને માટે નૈવેદ્યાદિ બનાવવા માટે પાણી લઈ આવતો અને એવાં બીજાં અનેક કામકાજ કરતો. એ પર્વતની શૃંખલાના એક માત્ર ઊંચા શિખર પર અત્યારે અમે ત્રણ જણ હતા. અમારી વાતચીતે ત્યાંની શાંતિનો ભંગ કર્યો અને મને ફરીથી એવું લાગ્યું કે અમે લોકો હજુ પણ મનુષ્યોની સાથે પૃથ્વી પર છીએ. આ અત્યધિક શાંત વાતાવરણમાં અમને અમારા પોતાના શબ્દો જ અપરિચિત લાગવા માંડ્યા. પૂજારી દેવીનો પ્રસાદ બનાવવાના કામમાં વ્યસ્ત હતા. મેં એને ચંદ્રવદના દેવીના વિશે અનેક પ્રશ્નો પૂછ્યા.

પછીથી મને પૂજારી અને પ્રદેશના લોકો દ્વારા માહિતી મળી કે આ સ્થાન ‘સતીવક્ષ’ના પડવાથી પવિત્ર બન્યું છે. અંદર ગર્ભગૃહમાં પ્રવેશીને મેં જોયું કે અમારા મસ્તક પર એક મોટું કપડું ફેલાયેલ હતું જે છતનું કામ કરતું હતું. મને કહેવામાં આવ્યું કે પ્રાચીન યંત્ર કે જે દેવીનું ચિહ્‌ન છે એ કોઈનેય જોવા દેવામાં આવતું નથી. તે હંમેશાં છતના કપડા દ્વારા નજરથી દૂર રાખવામાં આવે છે. જ્યારે છતનું કપડું બદલવામાં આવે છે ત્યારે પણ જૂનું કપડું કાઢતાં પહેલાં નવું કપડું આખી છત પર ઢાંકી દેવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે શ્રીશંકરાચાર્ય અહીં આવ્યા હતા અને એમણે એક નવા યંત્રની સ્થાપના કરી હતી. એમના આદેશાનુસાર જ જૂનું યંત્ર કોઈને બતાવવામાં આવતું ન હતું. ત્યારથી માંડીને કોઈને ય આ પ્રાચીન યંત્ર જોવાની અનુમતિ આપવામાં આવતી નથી. એમ પણ કહેવાય છે કે જો કોઈ પણ માણસ ભૂલથી આ યંત્ર જોઈલે તો તેનું તત્કાલ મૃત્યુ થઈ જાય છે. આ માન્યતાની જાણકારી બીજાં દેવીનાં બધાં પાવનકારી સ્થાનેથી પણ મળે છે. દેવીના પ્રાચીન સ્થળ જોવા વર્જિત છે. ચંદ્રવદના દેવીનું આ શિખર ટિહરી રાજ્યની સીમામાં આવે છે. પ્રાચીનકાળથી જ ટિહરીના રાજા મંદિરમાં પૂજા કરવાની વ્યવસ્થા કરે છે. આ શિખરની સમીપમાં પૂઝર નામનું ગામ છે. પેઢીઓથી આ ગામના બ્રાહ્મણો અહીંના પૂજારી છે. આ ગામની મહેસુલ વગેરે નિરંતર ક્રમશ: માતાજીના મંદિરના પુજારીઓને મળે છે. મંદિરના ચોકીદારનો ખર્ચ પણ એમાંથી થાય છે.

Total Views: 106

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.