શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી ઈંડોનેશિયાની ગાંધી મેમોરિયલ ઇન્ટરનેશનલ સ્કૂલના નિમંત્રણથી ઈંડોનેશિયાના વ્યાખ્યાનપ્રવાસે ૯ થી ૨૨ ઓગસ્ટ સુધી ગયા હતા. શ્રીમનસુખભાઈ મહેતાએ તૈયાર કરેલ સંક્ષિપ્ત અહેવાલ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

સિંગાપુર એરલાઈન્સનું વિમાન જાકાર્તાના હવાઈ મથકે ૯મી ઓગસ્ટે સવારે ૯.૩૦ વાગ્યે ઊતર્યું. મને તેડવા આવેલા કેટલાક ભાવિકજનો સાથે અમે હોરિઝન રિસોલ્ટ હોટેલમાં ગયા. ત્યાં ગાંધી મેમોરિયલ ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ મારું સ્વાગત કર્યું.

પ્રથમ સભાની શરૂઆત સાંજના ૬.૩૦ વાગ્યે ૧૫૦ જેટલા શિક્ષકો અને વાલીઓ સાથેના મિલનથી થઈ. ચર્ચાનો વિષય હતો: ‘આજની સંસ્કૃતિ માટે મૂલ્યલક્ષી કેળવણી’.

સંભાષણ પછી પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં ૨૦ પ્રશ્નો આવ્યા હતા. વ્યાખ્યાનનું આયોજન શાળાના મુખ્ય વ્યાખ્યાનહોલમાં થયું હતું. દક્ષિણપૂર્વ એશિયામાં આવેલી આ એક ખ્યાતનામ શાળા છે. અહીં ચીન, કોરિયા, ઈંડોનેશિયા, ફિલિપાઈન્સ, ભારત અને આફ્રિકાના વિદ્યાર્થીઓ સાથે હળીમળીને રહે છે અને અભ્યાસ કરે છે. ૧૦મી ઓગસ્ટ, રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે એક બીજી સભાનું આયોજન થયું હતું. જેમાં અફઘાનિસ્તાનના એલચી અને સમારંભના મહેમાને હારતોરાથી મારું સ્વાગત કર્યું. સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું હારતોરા કરી અને દીવો પ્રગટાવીને કાર્યક્રમનો પ્રારંભ થયો. આ સભામાં અહીં ચીન, કોરિયા, ઈંડોનેશિયા, ફિલિપાઈન્સ, ભારત અને આફ્રિકાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ભાગ લીધો હતો. ચર્ચાનો વિષય હતો : ‘મૂલ્યલક્ષી કેળવણી અને તેને આચરણમાં કેવી રીતે કરી મૂકી શકાય?’ એક કલાકના વાર્તાલાપ પછી એક કલાક સુધી ચાલેલો પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ સૌએ માણ્યો હતો. તે દિવસે સાંજના ૭.૦૦ વાગ્યે ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલના સભાખંડમાં ૧૫૦ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની સાથે ‘આવતીકાલની સંસ્કૃતિ માટે મૂલ્યો’  એ વિષય પર વાર્તાલાપ યોજાયો હતો. વિવિધ દેશમાંથી આવેલા અને અહીં ભણતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો અને વાલીઓ આ સભામાં આવ્યા હતા. ૧૧મી ઓગસ્ટના રોજ સવારના ૮.૩૦ થી ૯.૪૦ સુધી ધોરણ ૧૨ના વરિષ્ઠ વિદ્યાર્થીઓ સાથે એમના વર્ગખંડમાં ‘સર્જનાત્મકતા અને સફળતા’ વિશે વ્યાખ્યાન તેમજ પાંચ મિનિટ ધ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો. ધ્યાનના કાર્યક્રમની ઘેરી અસર વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર જોવા મળી. ૧૨ ઓગસ્ટ સવારે ઈંડોનેશિયાના સુખ્યાત મ્યુઝિયમ ‘પૂર્ણ ભક્તિ પેર્તિવી’ની મુલાકાતે ગયા.

અહીં ગરુડ, રામ, સીતા, હનુમાન, કૃષ્ણ, સરસ્વતી તેમજ મહાભારત અને રામાયણની વાતોનું અનન્ય પ્રદર્શન જોવા મળે છે. મુખ્ય પ્રવેશદ્વાર પર વિશાળ વૃક્ષના ૪૦ ફૂટ લાંબા થડ પર સમગ્ર રામાયણને કોતરવામાં આવી છે. ૯૦% મુસ્લિમ વસતીવાળા આ દેશમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય એવી વાત છે.

સાંજના ‘વિશ્વશાંતિ માટે નવા માર્ગો’ વિશે વિવિધ દેશોના એલચીઓ, અગ્રણીઓ અને જાકાર્તાના સુખ્યાત હિંદુઓ સાથે એક વાર્તાલાપનું આયોજન થયું હતું. ભારતના ઈંડોનેશિયા ખાતેના એલચીનાં પત્ની શ્રીમતી મૃણાલિની સિંઘે સ્વાગત કર્યું હતું અને મારા વક્તવ્ય પછી એમનું વક્તવ્ય પણ હતું. યુનેસ્કોના ઈંડોનેશિયાના મુખ્યાધિકારી ડો. આરિફ રહેમાને કહ્યું હતું કે આજે જોવા મળતી ધર્મઝનૂની અથડામણોના સમયમાં ઈંડોનેશિયામાં વૈશ્વિક એકતા લાવતાં તત્ત્વોની વધારે આવશ્યકતા છે. આ વ્યાખ્યાનમાં યેમેનના એલચી, આફ્રિકન રાષ્ટ્રોના સુખ્યાત લેખકો અને ઈંડોનેશિયાના હિંદુઓ ઉપસ્થિત હતા. કાર્યક્રમનો અંત ‘ચિદાનંદ રૂપ: શિવોઽહમ્‌’ની બે પંક્તિઓના ગાનથી થયો હતો. ભોજન વખતે ભારતીયો અને બીજા લોકોએ પ્રશ્નો પૂછ્યા હતા. ૧૩મી ઓગસ્ટના રોજ ૨૦૦ જેટલા ઉચ્ચતર ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ૨૦ શિક્ષકો સાથે ‘સર્જનાત્મકતા અને ધ્યાન’ એ વિશે એક વક્તવ્ય અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર પછી હું ‘મિનિ ઈંડોનેશિયા’ ગયો. જે જાકાર્તાથી ૩૦ કિ.મિ. દૂર આવેલું છે અને એના વિશાળ કેમ્પસમાં ઈંડોનેશિયાના ૧૮૦૦૦ જેટલા ટાપુઓનાં મકાનો, મૂર્તિઓ, પૂતળાં, સુશોભન શણગારો, પોશાક,વગેરેનું પ્રદર્શન આપણને જોવા મળે છે. ૧૪મી ઓગસ્ટ સવારે ઉચ્ચતર ધોરણના વિદ્યાર્થી ભાઈબહેનો સાથે મારું વક્તવ્ય અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ હતો. સાંજના ઈંડોનેશિયા ખાતેના ભારતના એલચી એચ.કે.સિંઘના નિવાસસ્થાને એક મિલન યોજાયું હતું. ત્યાર પછી આઈ.એન.એસ. મુંબઈ જહાજમાં નૌકાદળના અધિકારીઓ માટે યોજાયેલા ભોજન સમારંભમાં અમે ગયા. અમારી સાથે શ્રી એ.પી. સિંઘ, શ્રી આનંદ કલસ્કર, વગેરે જોડાયા હતા. અહીં સૌએ મારું અભિવાદન કર્યું હતું. ૧૫મી ઓગસ્ટ, સવારે ૯.૦૦ વાગ્યે ધ્વજવંદનનો કાર્યક્રમ ભારતીય એલચી કચેરીએ યોજાયો હતો. આ પ્રસંગે હું મુખ્યમહેમાન તરીકે ઉપસ્થિત રહ્યો હતો. સાંજના ૭.૦૦ વાગ્યે આઈ.એન.એસ.મુંબઈ (નામના જહાજમાં) જાકાર્તા બંદર ખાતે એક અલ્પાહારમિલન યોજાયું હતું. એમાં વિવિધ દેશોના એલચીઓ, આપણા એલચી અને ભારતીય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૧૬મી ઓગસ્ટના રોજ સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ સુધી ‘મૂલ્યલક્ષી કેળવણી’ વિશે ગાંધી મેમોરિયલ ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો સાથે ત્રણ કલાકની એક વિશેષ ચર્ચાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ગૃહસિંધુ’ નામના હોલમાં સાંજના ૭.૦૦ વાગ્યે ‘માનવજીવનનું ધ્યેય’ વિશે એક પ્રવચનનું આયોજન થયું હતું. ૧૭મી ઓગસ્ટ ૯.૦૦ થી ૧૨.૦૦ ત્રણ કલાકની બીજી ચર્ચાસભા ‘મૂલ્યલક્ષી કેળવણી’ વિશે ચર્ચા થઈ હતી. તે જ દિવસે સાંજે ૭.૦૦ વાગ્યે ગૃહસિંધુ હોલમાં ‘વૈયક્તિક જીવનમાં આધ્યાત્મિક અનુભૂતિ’ વિશે વાર્તાલાપનું આયોજન થયું હતું. ઈંડોનેશિયાના પ્રજાસત્તાકદિન ૧૭ ઓગસ્ટના રોજ સૌને આંખે ઉડીને વળગે તેવું પ્રજાજનોના દેશપ્રેમને વ્યક્ત કરતું વાતાવરણ એટલે કે દરેક દુકાનો, કચેરીઓ, માર્ગો, હોટેલોમાં રાષ્ટ્ર ધ્વજનું થતું દર્શન. દૂરદૂરના ગામડાંમાંથી આવીને લોકો નૃત્ય, ગીત, રમતગમત અને વિવિધ ઉજાણીઓ સાથે સ્વાતંત્ર્યપર્વ ઉજવે છે. સ્વાતંત્ર્યપર્વ માટેના આ ઉત્સાહના, ભાવના અનન્ય વાતાવરણમાંથી ભારતીય લોકોએ કંઈક શીખવું જોઈએ. 

બોરોબુદુરનું બૌદ્ધમંદિર એ વિશ્વની સાત અજાયબીઓમાંની એક ગણાય છે. ભગવાન બુદ્ધના સંન્યાસીઓએ ૮મી સદીના આરંભથી માંડીને કરેલી સાધનાની શક્તિને કારણે આ પર્વતની પાસે ચમત્કારિક શક્તિઓ છે તેમ લોકો માને છે. 

ધાર્મિક ઝનૂનવાદ અને બીજી સાંપ્રદાયિક શક્તિઓથી ઘેલા બનેલા લોકોએ ૫૦૪ બુદ્ધની પ્રતિમાઓમાંથી ૩૦૦નાં મસ્તક ઉડાડી દીધાં છે. નવ દાદરાઓ ચડીને આ વિશાળકાયી સ્તૂપશિખર સુધીનું આરોહણ એક આધ્યાત્મિક યાત્રા જેવું હતું.

૧૯૦ સ્થાપત્યની તક્તીઓ, ભગવાન બુદ્ધની ૫૦૪ ભવ્ય મૂર્તિઓને રાખવાના ગવાક્ષ અને અનેક સ્તૂપોનું નિરીક્ષણ આપણને આશ્ચર્યની દુનિયામાં ડૂબાડી દે તેવું છે. કોણાર્કના સૂર્યમંદિર કે તાજના સૌંદર્ય કરતાં પણ આ સ્થળનું સૌંદર્ય વધુ આકર્ષક છે. મોટી પર્વતમાળાઓ અને એની હરિયાળીથી ઘેરાયેલ આ સ્તૂપની ત્રણ બાજુએ ક્યાંય માનવવસતી નથી અને એક બાજુએ એકાદ કિ.મિ. દૂર માનવવસતીનો કોલાહલ જોવા મળે છે, એવા આ સ્તૂપનાં શિલ્પસ્થાપત્યની પ્રશાંત, ગંભીર આધ્યાત્મિક શાંતિ અધ્યાત્મભાવને જગાડે છે. અહીં આવીને ભગવાન બુદ્ધની ‘વજ્રસત્ત્વ’ની શક્તિને કોઈપણ માણસ અનુભવી શકે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના બધા બોધીસત્ત્વોને ‘વજ્રસત્ત્વ’ની એ શક્તિ પ્રેરતી રહેશે. એટલે જ દક્ષિણપૂર્વના એશિયાવાસીઓ આ કેન્દ્રને બુદ્ધત્વના કેન્દ્ર તરીકે માને છે.

૩૦૦૦ મુસ્લિમ વિદ્યાર્થી ભાઈબહેનો એક હિંદુ સંન્યાસીને પ્રેમથી સાંભળે છે

જાકાર્તાની નજીક મોટર રસ્તે બે કલાક દૂર આવેલા પેરૂઁ મસ્જિદના ઈમામના નિમંત્રણથી ગાંધી મેમોરિયલ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સીપાલ શ્રી એ.પી.સિંઘ, શ્રીશ્યામ જેઠ્ઠાણી સાથે અમે ત્યાં ૧૧ ઓગસ્ટે પહોંચ્યા. ૩૦૦૦ યુવાભાઈબહેનો મસ્જિદના વિશાળ હોલમાં અમારી રાહ જોતાં બેઠાં હતાં. ઈમામના ઘરે ચા-નાસ્તો લઈને અમને ત્યાં લઈ જવામાં આવ્યા. ઈમામે મને સંબોધન કરવા વિનંતી કરી. મારા અર્ધોકલાકના વક્તવ્યોનું ઈંડોનેશિયાની ભાષામાં ભાષાંતર એક અધ્યાપકશ્રીએ કર્યું હતું. ધાર્યા કરતાં ઘણી ગાઢ અસર યુવાભાઈ બહેનો પર પડી હતી. મેં એમને કુરાન (૧૮.૫૦)નું ઉદ્ધરણ આપીને કહ્યું કે તમે બધા દેવદૂતો કરતાં પણ ઉચ્ચતર છો. અલ્લાહે બધા દેવદૂતોને આદમ – (પ્રથમ માનવને) પ્રણામ કરવાનું કહ્યું બધાંએ વંદન કર્યા માત્ર એકે ઇન્કાર કર્યો. અલ્લાહે એમને શયતાન બનવાનો અભિશાપ આપ્યો. હું અહીં દૂરસુદૂર ભારતથી દેવો કરતાં પણ તમારી ઉત્કૃષ્ટતાને સન્માનવા આવ્યો છું. સૂફી ઇસ્લામ કહે છે: ‘બધાની ભીતર ઈશ્વર રહેલો છે – અનલહક્ક.’ કુરાન (૫.૧૯) કહે છે: ‘અલ્લાહ તેમને (માનવોને) ચાહે છે અને તેઓ અલ્લાહને ચાહે છે.’ આ વિશ્વમાં જે કંઈ પણ સર્જાયું છે તે અલ્લાહે સર્જ્યું છે. કુરાન (૨૯.૧૯)માં કહ્યું છે: ‘આ ધરતીની યાત્રા કરો અને જુઓ અલ્લાહે કેવી જીવનસૃષ્ટિ રચી છે.’ મેં બહાદુરશાહ ઝફરના એક સૂફી ગીતને ટાંક્યું :

તુઝસે હમને દીલ કો લગાયા, જો કુછ હૈ સો તૂ હી હૈ.
ક્યા મલાયક ક્યા ઈન્સાન્‌, ક્યા હિંદુ ક્યા મુસલમાન,
જેસૈ ચાહા તૂને બનાયા, જો કુછ હૈ સો તૂ હી હૈ.
કાબા મેં ક્યા ઔર દેવલ મેં ક્યા? તેરી પરવરિશ હોગી સબ જા,…
જહાં મેં દેખા તૂહી નજર આયા, જો કુછ હૈ સો તૂ હી હૈ.

મેં એમને કહ્યું કે ભારતમાં તમે આવશો તો અમે પ્રેમથી આવકારીશું. એક બહેને કહ્યું: ‘ભારતમાં આવવા જવા માટે ઘણા પૈસાની જરૂર પડે છે.’ મેં એમને કહ્યું કે હું ભારતના વડાપ્રધાનશ્રી અને અહીંના એલચીને એ વિશે વાત કરીશ. એક વિદ્યાર્થીએ પૂછ્યું: ‘આટલી બધી સંખ્યામાં ભારતમાં કઈ રીતે જઈ શકાય?’ મેં એમને ટુકડે ટુકડે આવવા કહ્યું. એમાંના કેટલાકે ભારતમાં સ્થાયી થવાની ઇચ્છા વ્યક્ત કરી. મેં કહ્યું કે તમે અંગ્રેજી અને કોમ્પ્યુટર શીખી લો. 

વક્તવ્યને અંતે તેઓ બધા ભારતમાં પ્રણામ કરે છે તેમ મારા હાથને ચુંબન કરવા માટે મને ઘેરી વળ્યા. ૧૫ મિનિટ સુધી ૨૦૦ જેટલાં વિદ્યાર્થીઓએ આ રીતે મારું સન્માન કર્યું. જ્યાં ૯૦% લોકો મુસ્લિમ છે એવા દેશમાં આવો અનુભવ એક અનન્ય અનુભવ કહેવાય. સફેદ પોશાક અને સફેદ ટોપીમાં સજ્જ એ બધાં દેવદૂતો જેવાં લાગતાં હતાં. આખી મસ્જિદ, તેની દિવાલો, નીચેનું ભોંયતળિયું સફેદ આરસથી મઢેલાં હતાં. આવો ધવલવર્ણો હોલ, ધવલવર્ણાં બાલપુષ્પોથી શોભતો હતો. એમના ચહેરાઓ સફેદકમલદલ જેવા લાગતા હતા. દેવોને પણ દુલર્ભ એવું આ દૃશ્ય હતું. પેરૂઁની મસ્જિદની બે હોસ્ટેલોમાં ૩૦૦૦ વિદ્યાર્થી ભાઈબહેનો જુદાં જુદાં રહે છે. એમાંથી મોટાભાગનાં અનાથ બાળકો હતાં. એમની સાર્વત્રિક સારસંભાળ મુસ્લિમસમાજ લે છે. તેઓ અરબીભાષા જાણે છે અને ફક્ત કુરાન વાંચે છે. હવે કોમ્પ્યુટર પણ આવ્યું છે. આપણી સિંધી ઈંડિયન કોમ્યુનિટિ એમને અંગ્રેજી શીખવામાં મદદ કરે છે. ગાંધી લોકસેવા ટ્રસ્ટના બે અગ્રણી શ્રીસુરેશ વાસવાણી અને શ્યામ જેઠ્ઠાણીએ એમને માટે બે હોસ્ટેલો બાંધી આપી છે. મસ્જિદના ઈમામ શ્રી હબીબે અમારું અભિવાદન કર્યું હતું અને એમના ઘરે ચા-નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરી હતી. એમનાં પત્ની અને બાળકોએ મારી સાથે અંગ્રેજીમાં વાતચીત કરી; જો કે ઈમામ હબીબ અંગ્રેજી જાણતા નથી. આખા કુટુંબે હવે પછીની ઈંડોનેશિયાની મુલાકાત વખતે એમની સાથે રહેવાની મને વિનંતી કરી. મેં કહ્યું: ‘ઈન્શાલ્લાહ!’ એમનું ભાવભર્યું આતિથ્ય માણીને અમે છૂટા પડ્યા.

Total Views: 29
By Published On: September 16, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram