૨૦મી ઓગસ્ટ, ૨૦૦૩ની બાલીની પ્રથમ મુલાકાત મારા માટે ઘણી પ્રભાવક હતી. બાલીના હવાઈમથકના પ્રવેશદ્વારે સૌ પ્રવાસીઓનું સ્વાગત કરતી પથ્થર પર કોતરેલી ભીમની ૨૦ ફૂટ ઊંચી મહાકાય પ્રતિમા છે. અડધો કિ.મિ. કે એક કિ.મિ.ના અંતરે રસ્તામાં લગભગ બધા ચોકમાં સરસ્વતી, ભીમ, યુધિષ્ઠિર, રાવણ, શ્રીસીતા વગેરેની વિશાળ પથ્થરની પ્રતિમાઓ તમને અહીં જોવા મળશે. આપણને એમ લાગે કે આ બધાં મકાનો મંદિરો ન હોય! મોટા ભાગના મકાનોનાં પ્રવેશદ્વાર હિંદુ મંદિરોના પ્રવેશદ્વાર જેવાં છે. અહીંના માર્ગને પણ રામાયણ અને મહાભારતના વીરનાયકોનાં નામ આપાયાં છે. આવાં દૃશ્યો આપણને છઠ્ઠી અને સાતમી સદીના મહાન હિંદુ ભારતના કાળમાં લઈ જાય છે.

બાલીમાં સર્વસ્થળે આતંકવાદ પ્રત્યે ભયંકર ઘૃણા જોવા મળે છે. ગયે વર્ષે આતંકવાદીઓના બાઁબઘડાકાથી બાલીમાં ૨૫૦ વિદેશી પ્રવાસીઓ મરી ગયા હતા. પરિણામે બાલી નવ મહિના સુધી પ્રવાસી વિહોણું રહ્યું. જુલાઈ માસથી પ્રવાસીઓ આવવા લાગ્યા છે. પ્રવાસીઓ પર આધારિત કામધંધાવાળા બાલીમાં આતંકવાદ એટલે અહીંના લોકોની રોજગારીનો કાળ. બાલી પછીના જાકાર્તામાં થયેલા બાઁબધડાકાએ આતંકવાદ પ્રત્યેના તિરસ્કારમાં વધારો કરી દીધો. અહીં મુસ્લિમો પ્રત્યક્ષ રીતે આ આતંકવાદ પ્રત્યેનો પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે કારણ કે તેઓ નિર્દોષ મુસ્લિમોને ધર્મઝનૂનના નામે મારે છે. ‘જાકાર્તા પોસ્ટ’ અને ‘સિંગાપુર સ્ટ્રેઈટ્‌સ’ નામના વર્તમાન પત્રોના ૨૨-૮-૦૩ના અંકમાં મલેશિયામાં ઉછેરાતા અને આશ્રય પામતા આતંકવાદીઓની જબરી ટીકા થઈ છે. ઓસામા બિન લાદેન પછીના ગણાતા કુખ્યાત આતંકવાદી હંબાલીની ધરપડક થાઈલેન્ડમાં થઈ છે. સખત પોલિસ પહેરા હેઠળ આતંકવાદીઓને ઈંડોનેશિયામાં કોર્ટની કાર્યવાહી માટે મોકલવામાં આવે છે. અહીંના મોટા ભાગના પ્રજાજનોના મનમાં આ આતંકવાદને લીધે જબરો ખળભળાટ મચી ગયો છે. 

૨૧ ઓગસ્ટ, ૦૩ની સવારે બાલીના સુખ્યાત હિંદુ મંદિર વેશાખી કે વાસુખી મંદિરની મુલાકાત લીધી. આ મહાન મંદિર સંપત્તિ અને ધનદાન આપતી વેશાખી-લક્ષ્મીદેવીનું મંદિર છે. આ દેવીને અહીંના ઘરોમાં, દુકાનોમાં, મંદિરોમાં, અરે! કચેરીઓમાં સુધ્ધાં ચોખા અને ફૂલો અર્પણ કરવામાં આવે છે.

વેશાખીમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અને લક્ષ્મીનાં ચાર મુખ્ય મંદિરો છે. એની અહીંની ત્રણ વૃદ્ધપૂજારિણી બહેનોએ ૐ હ્રં હ્રીં જેવા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે નૈવેદ્ય ધરીને પૂજા કરી; અંતે અમારા ઉપર શાંતિજળ છાંટ્યું. વિદ્યા અને શ્વેતા જેવા બે સ્ત્રીનામધારી પુરુષ  ભોમિયાઓએ અમને આ મંદિરો બતાવ્યાં. અહીં વર્ષમાં ચોખાનો પાક ત્રણ વખત લેવાય છે. એટલે ચોખા એ સૌથી મોટો મુખ્ય પાક ગણાય છે. અહીં અભિવાદન કરવા ‘ૐ સ્વસ્તિ: અસ્તુ’ એ શબ્દો વપરાય છે.

બાલી યુનિવર્સિટીના સેમિનારમાં દરેકેદરેક આપને આ શબ્દોથી અભિવાદન કરે છે. વ્યાખ્યાનોનો આરંભ અને અંત પણ ‘ૐ સ્વસ્તિ: અસ્તુ’ એ શબ્દોથી થાય છે. આ પ્રજાએ જાળવી રાખેલા આપણી પ્રાચીન સંસ્કૃત ભાષા પ્રત્યેના પ્રેમભાવને આપણે યાદ રાખવા જેવો છે.

બાલીમાં ૮૫ થી ૯૦% લોકો હિંદુ છે અને તેઓ પોતાના જીવનમાં આપણા પ્રાચીન વિધિવિધાનોનું પાલન કરે છે. અહીં સપ્તગંગા નામનું એક સુખ્યાત અને સર્વપ્રિય હિંદુઓનું યાત્રાસ્થાન છે. આ સપ્તગંગામાં આપણા પ્રાચીનઋષિ અગત્સ્ય ભારતની સાતનદીઓ- ગંગા, સિંધુ, નર્મદા, જમુના, સરસ્વતી, કાવેરી અને બ્રહ્મપુત્રાનું જળ લાવ્યા હતા એમ મનાય છે. અહીંના હિંદુઓ જીવનમાં એક વખત ભારતદર્શન કરવાની અને ગંગાસ્નાન કરવાની ઇચ્છા રાખે છે.

પ્રંબનનના ૧૧૦૦ વર્ષ જુનાં ગગનચૂંબી ભવ્ય શિવમંદિરોની પશ્ચાદ્‌ભૂમાં ૨૦૦ કલાકારોએ કરેલ રામાયણ-નૃત્ય કદી ન ભૂલાય એવું સંભારણું છે. ૨૦૦૦ પ્રેક્ષકોવાળી વર્તુળાકાર રંગભૂમિ પર નૃત્યકારો અને સંગીતકારોએ પોતાનાં કલા, નૃત્ય-સંગીતથી ૯૦ મિનિટ સુધી સૌને મંત્રમુગ્ધ બનાવી દીધા. ઝાલર, ઘંટ, વાંસળી અને મેટાલિક જલતરંગના સંગીતે સમુદ્ર અને પ્રશાંત વનપ્રદેશની ઊર્મિસભર સુરાવલિઓ વહાવી હતી. સીતા, રામ, રાવણ અને હનુમાનજીનાં પાત્રોનો અભિનય આપતાં નૃત્યકારોએ આધ્યાત્મિક ભાવનું વાતાવરણ ઊભું કરી દીધું હતું. સીતાની અગ્નિપરીક્ષા અને સીતાએ રાવણની વિનંતીનો દૃઢતાથી કરેલો અસ્વીકાર, હનુમાન અને અંગદ દ્વારા થયેલ રાક્ષસોનો વિનાશ; એ પાત્રાભિનય ખરેખર દાદ માગી લે તેવો હતો. રંગભૂમિ પર જઈને અમે રામ, સીતા, લક્ષ્મણ અને બીજાં પાત્રોનો અભિનય કરનારા અભિનેતાઓને અભિનંદન આપ્યા. 

એ બધા કલાકારો વિનમ્ર, સુસંસ્કૃત અને કલાને વરેલા બાલીના મુસ્લિમ ભાવિકજૂથના સભ્યો હતા. રવીન્દ્રનાથ ટાગોર બાલીની આ નૃત્યશૈલી અને મુદ્રાઓ શાંતિનિકેતનમાં લાવ્યા હતા. ઉદયશંકરનાં મુદ્રા, સુરાવલિઓ અને રામાયણ વિશેના આધ્યાત્મિક અને કલાનૃત્યોમાં પણ આ બાલીનૃત્યોની અસર જોઈ શકાય છે. સમુદ્રથી ઘેરાયેલા, વિશાળ લીલાછમ ડાંગરનાં ખેતરો અને વનસ્પતિવૃક્ષો,  રંગબેરંગી પુષ્પો અને પુષ્પવૃક્ષોની ભૂમિવાળા બાલી ટાપુપ્રદેશનું દર્શન અમારા માટે એક અદ્‌ભુત અને અવિસ્મરણીય અનુભવ બની ગયો. અહીંની કચેરીઓ, દુકાનો, મિલિટરી એકેડેમી ભવનના નિર્માણમાં કલામય સ્થાપત્યનાં દર્શન કરી શકાય છે. વાસ્તવિક રીતે બાલી એક કલાનું વિશ્વ છે. બાલી એ પ્રભુનું એક એવું ઉદ્યાન છે કે જ્યાં પ્રાચીન હિંદુધર્મનાં વિધિવિધાનોને વરેલા હિંદુઓ કે જેમણે સમગ્ર જીવનને કલા, સંગીત અને નૃત્યમાં ફેરવી નાખ્યું છે. પોતાના આ પ્રાચીન સૌંદર્યભાવનાવાળા અને કલામય જીવન માટે મોટા ઉદ્યોગોને દૂર રાખ્યા છે અને ટેક્નોલોજીકલ પછાતપણાને સ્વીકાર્યું છે. બાલી લીલીછમ હરિયાળીવાળો પ્રદેશ છે. અહીં ડિસેમ્બર મહિનામાં સતત વરસાદ પડે છે. જાકાર્તા વરસાદના અભાવે ધીમે ધીમે વધારે ને વધારે ઉષ્ણતામાનવાળો પ્રદેશ બનતો જાય છે. પર્વતમાળા પરના લીલાછમ ડાંગરનાં ખેતરોવાળા ચિતાગોંગની જેમ બાલીના પર્વતીય વિસ્તારો અને એ પ્રદેશના સહજ, સરળ માનવોને મળવું અને સૌંદર્યદર્શન કરવું એ પણ એક અનેરો આનંદ છે. આ વિસ્તારના લોકજીવનનું દર્શન થઈ શકે એટલા માટે અમારા ટોયોટો વાનને નાનામાં નાના અને સાદાં સુંદર ગામડાંમાંથી પસાર થઈને વેશાખી મંદિરમાં લઈ જવાં આવ્યું હતું. અહીંના લોકો મિત્રભાવનાવાળા અને પ્રેમાળ છે.

બાલીમાં આવેલ એક માત્ર વિશ્વવિદ્યાલય ઉદયન વિશ્વવિદ્યાલયમાં એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તવ્ય અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ હતો. આ સેમિનારમાં યુનિવર્સિટીના જુદા જુદા વિભાગના વડાઓ, પ્રાધ્યાપકો, ઇજનેરો, વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ, દાક્તરીવિજ્ઞાનના વડા, સંસ્કૃત અને બીજા વિભાગના અધ્યાપકો; થોડા બાલીવાસીઓ અને ભારતીય અગ્રણીજનો ઉપસ્થિત હતા. ચર્ચાનો વિષય હતો ‘આધુનિક ભૌતિકવિજ્ઞાન અને વેદાંત’. 

૨૧મીએ ‘બાલી પોસ્ટ’માં ફોટો સાથે આ સેમિનારના સમાચારો પ્રસિદ્ધ થયા હતા. બાલીના મુખ્યમાર્ગોના નામ, અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, ઘટોત્કચનાં નામ અપાયાં છે. યુધિષ્ઠિરધર્મરાજા, બાણાવળીઅર્જુન અને ઘટોત્કચની વિશાળ કદની પ્રતિમાઓ મુખ્ય મુખ્ય ચોકમાં જોવા મળે છે. ટુરિસ્ટ બસો વગેરેમાં સંસ્કૃતભાષામાં લખાયેલાં સ્તોત્રો પણ આપણને જોવા મળે છે. ધોરણ ૧ અને ૨ના વિદ્યાર્થીઓ વર્ગમાં જઈને શાળાની સફાઈનું કાર્ય કરે છે. આ તાલીમને ફરજિયાત તાલીમ ગણાય છે.

૨૧મી ઓગસ્ટે સાંજના બાલીના સુખ્યાત કીચક નૃત્યને જોઈને અમે ૫૦૦ વર્ષ પુરાણા કાળમાં ચાલ્યા ગયા. ખુલ્લા શરીરે ગ્રામ્યકલાકારોએ કોઈ અદ્‌ભુત અને રહસ્યભર્યા ‘ચિક્‌, ચિક્‌, ચિક્‌’, ‘હે, હે’, ‘હમ્‌, હમ્‌’, ‘ઝાક્‌, ઝાક્‌, ઝાક્‌’ સૂરોથી એક નાની વયનો ગ્રામ્યવાસી ભાવાવસ્થામાં આવી ગયો. એ જુવાનિયો નાળિયેરના તેલથી અગ્નિજ્વાળાઓ પ્રગટાવતો હતો.  એ અગનજ્વાળાઓ પોતાના હાથ ઉપર, હથેળીમાં, પગપર રાખતો ગયો પણ એ ક્યાંય સળગી ન ઊઠ્યો. આવા રહસ્યમય સંગીતના સૂરો છેડતા ગાયકોનું વૃંદ સીતા, રામ, રાવણ, લક્ષ્મણ, હનુમાનનાં પાત્રો ભજવતા કલાકારોની આસપાસ વીંટળાઈ વળ્યું. આ રામાયણનૃત્ય આ પ્રદેશમાં ઘણું જાણીતું છે. હજારો વર્ષો પહેલાં ભારતથી દૂરસુદૂર આવેલા પ્રશાંત મહાસાગરની ભૂમિ ઈંડોનેશિયાના લોકો પર આપણા રામાયણ અને મહાભારતે એમનાં જીવનમાં પ્રવેશીને કેટલો મોટો પ્રભાવ એમના જીવન પર પાડ્યો છે એ આપણે હિંદુઓએ એક હિંદુ તરીકે પણ જોવા જેવો છે. ભારતમાં શક, હૂણ, પઠાણ, મોગલ અને અંગ્રેજી સંસ્કૃતિના આક્રમણે અને શાસને રામાયણ અને મહાભારત પર આધારિત હિંદુ સંસ્કૃતિના મૂળ તેજને ઝાંખુ ઝપટ કરી દીધું છે, જ્યારે બાલીએ આ હિંદુ સંસ્કૃતિને પશ્ચિમના ઉદ્યોગવાદ, સંસ્કૃતિ અને ટેક્નોલોજીથી દૂર રાખીને આજ સુધી એમની એમ જાળવી રાખી છે.

જાકાર્તા, બાલી વગેરે સ્થળે યોજાયેલાં વ્યાખ્યાનો પ્રશ્નોત્તરીના કાર્યક્રમોમાં તેમજ ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં લોકોએ કરેલા ભારતના એક સંન્યાસીના અભિવાદનથી મારું હૃદય ગદ્‌ગદ્‌ થઈ ગયું. ૯૦% મુસ્લિમ વસતીવાળા આ દેશમાં પ્રાચીન સનાતન હિંદુધર્મ, વેદાંત અને આધુનિક ભૌતિકવિજ્ઞાન તેમજ પ્રૌદ્યોગિકીની નવા સંદેશવાળી વાત, સૌને સાથે રાખીને જીવવાના આદર્શની વાત એક હિંદુ સંન્યાસીના મુખેથી સાંભળીને સૌને આશ્ચર્ય થયું અને એમણે જે મારા પ્રત્યે પ્રેમભાવ પ્રદર્શિત કર્યો તે પણ ખરેખર મારા માટે એક મોટું આનંદાશ્ચર્ય હતું.

Total Views: 20
By Published On: September 16, 2022Categories: Jitatmananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram