મારા એક મિત્રને હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરીને પોતાની આજીવિકા માટે એક સંસ્થામાં નોકરી કરવી પડી હતી. પરિવારના ભરણપોષણ માટે તેને દરરોજ આઠેક કલાક પરિશ્રમ કરવો પડતો. આટલા બધા કામમાં રહેવા છતાં તે એક ખાનગી વિદ્યાર્થી તરીકે એમ.એ.ની પરીક્ષામાં બેઠો. એણે મને કહ્યું કે મને પરીક્ષામાં ૫૯% ગુણ મળ્યા છે. ખાનગી વિદ્યાર્થી હોવાથી એને પ્રથમ શ્રેણી ન મળી. તે જન્મથી બુદ્ધિમાન ન હતો. મેં એને પૂછ્યું: ‘આટલી ચિંતાઓ અને કામ વચ્ચે તું અભ્યાસ કેવી રીતે કરી શક્યો?’ એનો પ્રત્યુત્તર રોચક અને મહત્ત્વપૂર્ણ હતો: ‘હું ધીમે ધીમે આગળ વધતો ગયો એટલે ચઢાણ મને કપરું ન લાગ્યું.’ પરીક્ષાની તૈયારીના રૂપે તે નિત્ય નિયમિત રીતે ગંભીરતાપૂર્વક બે કલાક વાંચતો.

જ્યારે આપણે રમતગમત, સંગીત કે વ્યાખ્યાન વગેરે કોઈપણ ક્ષેત્રમાં સફળ થયેલ વિશેષ વ્યક્તિઓને જોઈએ છીએ ત્યારે એમની ઉપલબ્ધિઓને આપણે પ્રકૃતિદત્ત ગુણ રૂપે માની લઈએ છીએ અને વિચારવા માંડીએ છીએ કે આપણે ક્યારેય એના જેવા બની ન શકીએ. પરંતુ એ ન ભૂલવું જોઈએ કે એ બધાની દેખાતી વિલક્ષણ સફળતાની પાછળ વર્ષોનો નિયમિત અભ્યાસ રહ્યો છે. વર્ષોના કઠિન પરિશ્રમ દ્વારા કોઈ ઉપલબ્ધિ મેળવી લેવામાં ભલા ચમત્કારને ક્યાં સ્થાન છે? જો કે એવું બની શકે કે એટલી મોટી સફળતા મેળવવી આપણા જેવા માટે સંભવ ન બને છતાં પણ કોઈ પણ વ્યક્તિ દ્વારા વર્ષોના કઠોર પરિશ્રમથી ઉપલબ્ધિ મેળવવી એ શું સ્વાભાવિક વાત નથી? અધ્યવસાય એટલે કે લગની જ એ આપણી શક્તિનો આધાર છે.

જ્યારે આપણે ઉતાવળમાં કોઈ મોટી કે મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ માટે પ્રયાસ કરીએ છીએ તો પ્રાય: આપણે હતાશ કે નિરાશ થવું પડે છે. પણ આપણે એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે હજાર માઈલની લાંબી યાત્રાની શરૂઆત પણ એક નાના કદમથી થાય છે. દરેક મહાન વિજય પાછળ અનેક નાના નાના પ્રયાસો હોય છે. જ્યારે આપણે આપણું તન-મન લગાડીને આ નાના કાર્યને પૂરાં કરી લઈએ ત્યારે આપણે એવી આશા કરી શકીએ કે આપણું હવે પછીનું મહાન કાર્ય મહાન ઉપલબ્ધિઓ લાવશે.

એકવાર સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: ‘જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ હું એ જોવા ઇચ્છું છું કે મોટા અને મહાન માનવો પોતાનાં નાનાં કાર્યો કેવી રીતે પૂરાં કરે છે. જો તમે કોઈ માણસના ચારિત્ર્યની પરીક્ષા કરવા ઇચ્છતા હો તો તેનાં મોટાં કાર્યોને જોઈને તેની પરીક્ષા કે ચકાસણી ન કરો. દરેક મૂરખ માણસ કોઈ વિશેષ અવસરે બહાદુર પણ બની શકે છે. મનુષ્યનાં અત્યંત સાધારણ કાર્યોની પરીક્ષા કરો, એમને ચકાસો. વાસ્તવિક રીતે એ જ એવી વાત છે કે જેમના દ્વારા તમને એક મહાન વ્યક્તિના વાસ્તવિક ચારિત્ર્યનો ખ્યાલ આવી શકે છે. આકસ્મિક અવસરે તો નાનામાં નાનો માનવ પણ કોઈ ને કોઈ પ્રકારની મહત્તા બતાવી દે છે પરંતુ વાસ્તવમાં મહાન તો એ જ છે કે જેનું ચારિત્ર્ય સદૈવ અને બધી અવસ્થાઓમાં મહાન તથા સમતાવાળું રહે છે.’

અનુ વંદ્યોપાધ્યાય દ્વારા અંગ્રેજીમાં લખાયેલ ‘બહુરૂપી ગાંધી’ પુસ્તકે મને મુગ્ધ કરી દીધો હતો. મહાત્મા ગાંધીના મહાન ગુણોને વ્યક્ત કરતું આ પુસ્તક એમણે નાનાં બાળકો માટે સંકલિત કર્યું હતું. મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે આ પુસ્તકને એક અનૌપચારિક પાઠ્યપુસ્તકના રૂપે આપણી શાળાઓ દ્વારા કેમ અપનાવાતું નથી? આ પુસ્તક કઠોર પરિશ્રમનું મહત્ત્વ તથા તેની પદ્ધતિ બતાવીને આજની યુવાપેઢીને પ્રેરણા અને શક્તિ પ્રદાન કરી શકે છે. એ પુસ્તક વાંચવાથી એવો અનુભવ થાય છે કે ગાંધીજીનાં દૈનંદિન, ક્ષણપ્રતિક્ષણનાં કાર્યો દ્વારા પણ એમની મહાનતાનો ભાવ વ્યક્ત થતો રહેતો.

કેટલાક લોકોની દૃષ્ટિએ નાનાં કાર્યો કંટાળાજનક હોય છે. એવા લોકો નાની વાતો કે ચીજવસ્તુને તુચ્છ અને ધ્યાન દેવા માટે અયોગ્ય સમજે છે. એના પર ધ્યાન દેવું એમને પોતાના સ્વાભિમાનની વિરુદ્ધનું કાર્ય લાગે છે. પરંતુ મહાન માણસો જીવનની નાનીમોટી ઘટનાઓમાં પણ પોતાની મહાનતાનું દર્શન કરાવે છે. એ બધા જીવનની નાનીમોટી બાબતોમાં પણ બેદરકારી રાખતા નથી. માર્ગનો એક એક ઈંચ સહજ બની જવાથી જ પૂરો માર્ગ સહજ બની જાય છે. 

યોગ્યતાનો માપદંડ

એકવાર સુપ્રસિદ્ધ શિલ્પકાર માઈકલ એઈન્જલોના સ્ટુડિયોમાં એક કલાપ્રેમી આવ્યા. તેઓ એ કલાપ્રેમીને પોતાની નિર્માણ થતી મૂર્તિ વિશે વાત કરી રહ્યા હતા. એ ભાઈ એ પહેલાં પણ એ મૂર્તિ રચનાના પ્રારંભિક ચરણો જોવા આવી ગયા હતા. એ સમય દરમિયાન એમણે શું શું કર્યું એ માઈકલ એઈન્જલોએ બતાવ્યું. મેં મૂર્તિના આ ભાગને થોડોક બદલ્યો છે, એના બાહુઓને થોડા સબળ બનાવ્યા છે, અને એમના હોઠ પરના હાસ્યમાં થોડીક વધારે ભાવુક અભિવ્યક્તિ લાવી દીધી છે અને આ મૂર્તિમાંની વ્યક્તિ થોડી વધારે બળવાન દેખાય એટલા માટે એમાં અહીં તહીં થોડું કોતરકામ કર્યું છે. પેલા કલાપ્રેમીએ દોષારોપણના સ્વરમાં કહ્યું: ‘વારુ, આટલા દિવસ સુધીમાં તમે બસ આવાં નાનાં મોટાં કાર્યો જ કરતા રહ્યા?’ માઈકલ એઈન્જલોએ દૃઢ પણ આછા હાસ્ય સાથે કહ્યું: ‘જુઓ ભાઈ, આ નાનાં મોટાં કાર્યો જ પૂર્ણતામાં પોતાનું પ્રદાન કરી શકે છે. નાની વસ્તુઓથી પૂર્ણતા આવે છે પણ એ પૂર્ણતા નાનીસૂની નથી હોતી. નાની બાબતોનું પણ એટલું જ મહત્ત્વ છે અને આ જ નિયમ જીવનનાં બધાં ક્ષેત્રોમાં લાગુ પડે છે.’ તમે સાંભળ્યું હશે કે એક લેખકની કલમ રાખવાની રીત જ તેમની યોગ્યતા બતાવી દે છે. આ સત્ય છે. એક માણસનાં નાનાં મોટાં કાર્ય સંપન્ન કરવાની પદ્ધતિથી જ તમે એની યોગ્યતા, એનાં આચરણ તથા સ્વભાવનું આકલન કરી શકો છો.

કોઈ છોકરાને બારી સાફ કરવાના કાર્યમાં લગાડી જુઓ. જો એ માત્ર ઉપરછલ્લી સફાઈ કરે અને એના ખાંચા ખૂંચી કિનારી વગેરે સાફ ન કરે તો તમે એની કાર્યકુશળતાની પ્રશંસા ન કરી શકો.

ઓરડામાં સફાઈ કરતી કોઈ બાલિકા તરફ નજર કરો. જો તે બધો કચરો ખૂણામાં સરકાવી દે અને સફાઈમાં બેદરકારી રાખે તો તમને એમ લાગશે કે ભવિષ્યમાં તે એક સારી ગૃહિણી બની નહિ શકે.

ગેરેજમાં મોટરની સફાઈ કરનારા માણસ તરફ એક નજર નાખો. એની કાર્ય કરવાની પદ્ધતિનું નિરીક્ષણ કરીને જ તમે કહી શકશો કે તે ઉત્તમ કારીગર બની શકશે કે નહિ.

કાર્યમાં રત પ્રત્યેક માનવ પોતાના વ્યક્તિત્વનું ચલચિત્ર હોય છે. આળસુ અને ચંચળ મનવાળો માણસ એક સહજસરળ કાર્યને પણ ખરાબ રીતે પૂરું કરે છે. કેવળ એક દિવસના પરિશ્રમથી ક્યારેય કોઈ મોટા ફળની આશા અપેક્ષા રાખી ન શકાય. પોતાના લક્ષ્ય પ્રત્યે આગળ વધવા આપણે પ્રત્યેક ડગલે ધ્યાન આપવું પડશે અને પોતાની પ્રગતિને સુસ્થિર અને સુનિશ્ચિત બનાવવી પડશે.

આટલું યાદ રાખો, નાની નાની બાબતો કે વસ્તુઓને નજરઅંદાજ ન કરો. એ બધાને કુશળતા અને રુચિ સાથે પૂર્ણ કરો. ધીરજ રાખો, એક એક ડગલું ભરીને આગળ વધો. જો માર્ગ બરાબર હોય તો લક્ષ્ય સુધી ચોક્કસ પહોંચવાના જ.

અતિ ઉતાવળ શા માટે?

કેટલાક લોકો હંમેશાં અતિ ઉતાવળમાં હોય છે. તેઓ ઓફિસેથી દોડતા ઘરે આવે છે, ઉતાવળમાં ને ઉતાવળમાં ખાય છે અને દરેક બાબતમાં માથું મારે છે. પરંતુ એવા લોકો કોઈ પણ કાર્ય પૂરું નથી કરતા. તેઓ હંમેશાં કહેતા રહે છે: ‘જલ્દી કરો, જલ્દી કરો.’ તેઓ પોતાના બાળકને પાંચ વર્ષની ઉંમર થતાં પહેલાં ત્રીજા ધોરણમાં પ્રવેશ અપાવવા ઇચ્છે છે. એમને એટલી બધી ઉતાવળ હોય છે કે તેઓ ગાડી પકડવા માટે પણ દોડીને સ્ટેશને પહોંચે છે. ગાડી ઉપડી ગયા પછી એને યાદ આવે છે કે ફલાણી વસ્તુ ઘરમાં રહી ગઈ. અને પછી તેઓ ચિંતિત બની જાય છે. ચિંતામગ્ન ચહેરે સાંજના ઓફિસમાંથી ઘરે પાછા આવે છે તો પત્ની એને જોઈને જ વિચારે છે કે હવે ન જાણે કોના પર આફત આવવાની છે! આવા લોકો થોડીવાર રેડિયો પર સંગીત સાંભળે છે, પછી એને બંધ કરી દે છે અને કેટલાક દિવસો પહેલાં ગ્રંથાલયમાંથી લાવેલું પુસ્તક વાંચવા માંડે છે, આ પુસ્તક જલ્દી પાછું આપવાનું હતું તે બેદરકારીથી એના કેટલાક પાનાઓ ઉથલાવીને અધીરતાપૂર્વક જુએ છે અને પછી એક બાજુએ મૂકીને કહે છે : ‘અરે, આ કેવો બકવાસ! હું તો થાકી ગયો.’ રમવા માટે બહાર જતા છોકરાને કહે છે : ‘પેલી વસ્તુ ત્યાં રાખી દે.’ અને વળી જો : ‘કઈ વસ્તુ? ક્યાં રાખવી?’ એમ છોકરો પૂછી નાખે તો તે માથું કૂટીને કહે છે: ‘અરે, કામચોર! તને હું કેવી રીતે સમજાવું?’ પછી આવા લોકો કઈ વસ્તુ ક્યાં રાખવી એ બતાવે છે. તેઓ એવું બતાવવા માગે છે કે તેમને એક જ સમયે કેટલાંય કામ કરવાં પડે છે!

પણ સાચી વાત તો એ છે કે એવા લોકોનું સમગ્ર જીવન જ અવ્યવસ્થિત હોય છે. કમાણી સારી છે, ધનની ખોટ નથી, બહુ ઉડાઉ પણ નથી છતાંય હંમેશાં સંકટોમાં ઘેરાયેલા રહે છે. આવા લોકો પોતાનાં જીવનને વ્યવસ્થિત કરવાનું જાણતા નથી. કેટલાંક વર્ષો પહેલાં એક કન્નડ માસિકમાં એક લેખકે પોતાના કલકત્તાના અનુભવનું વર્ણન કર્યું હતું. એમાં અધીરતા અને અતિ ઉતાવળીવૃત્તિથી પીડિત મૂંઝાયેલા મનની દશાનું વર્ણન છે :

એક ભાઈ પોસ્ટ ઓફિસે ગયા અને ત્યાંથી કોઈ કંપનીના મહાપ્રબંધકની સાથે ટેલિફોનથી વાત કરવાની ઇચ્છા થઈ. બારીએથી એમને જવાબ મળ્યો : અત્યારે તો નવ વાગ્યા છે, તેઓ ૧૦.૩૦ વાગ્યે જ કાર્યાલયમાં આવશે. એટલે થોડીવાર પછી ફોન કરવો ઉચિત રહેશે. પણ પેલા ભાઈએ એનું કાંઈ સાંભળ્યું ન સાંભળ્યું કરીને પોતાનું કાર્ય કર્યું. એમણે ફોન લગાડીને પૂછ્યું: ‘કોણ?’ જવાબ મળ્યો : ‘ચોકીદાર.’ પેલા ભાઈએ ફોન નીચે મૂકી દીધો. અડધા કલાક પછી વળી પાછો ફોન કર્યો. વળી પાછો એ જ ઉત્તર મળ્યો પણ એણે ‘મૂક’ એમ કહીને ફોન રાખી દીધો. ૧૦.૩૦ વાગ્યે વળી પાછો ફોન લગાડીને પૂછ્યું: ‘કોણ, ચોકીદાર બોલે છે?’ આ વખતે ફોન તો એ કંપનીના મહાપ્રબંધકે ઉપાડ્યો હતો. એમણે એનો પ્રશ્ન સાંભળીને ફોન નીચે મૂકી દીધો. એ ભાઈ નિરાશ થઈને પોસ્ટ ઓફિસેથી પાછા ઘરે આવી ગયા.

અતિ ઉતાવળ અને ચિંતા, મૂંઝવણ, ઉદ્વિગ્નતાને લીધે એની બુદ્ધિ બે’ર મારી ગઈ હતી. એને લીધે એનો દોઢ કલાક નકામો ગયો. ચર્ચા, યાત્રા, રમતગમત, મનોરંજન જેવા જીવનનાં અનેક ક્ષેત્રોમાં આવી અતિ ઉતાવળને કારણે ઘણું નુકશાન થાય છે. આ ઉતાવળ, મનોમૂંઝવણ અને ચિંતાનું મૂળ કારણ શું છે?

(૧) કોઈ કાર્ય શરૂ કરતાં પહેલાં શાંતિપૂર્વક પૂર્વવિચાર ન કરવો. એક સાથે અનેક કાર્યો હાથ ધરવાં.

(૨) જે કાર્ય પૂરું કરવામાં વર્ષોનો અવિરત પરિશ્રમ જરૂરી છે, એવું કાર્ય થોડા દિવસોમાં જ પતાવી નાખવાનો અતિ ઉત્સાહ.

(૩) આવશ્યક કાર્યને અંતિમ સમય સુધી ટાળવાની પ્રવૃત્તિ અને છેલ્લી ઘડીએ બધુંય કરવાનો વૃથા પ્રયત્ન.

(૪) પોતાની દુર્બળતાને સ્વભાવ કે આદત ગણીને તેને દૂર કરવામાં નિષ્ફળ રહેવું. આને લીધે એ એમને એમ રહે છે.

આવી ઉતાવળ દોડભાગ ચિંતા તથા મૂંઝવણ મનને અશાંત બનાવે છે અને શરીરને થકવી દે છે. એમનું લોહીનું દબાણ વધે છે સ્નાયુઓ શિથિલ થઈ જાય છે, હવે આ બધાંથી બચવું કેમ?

Total Views: 112

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.