(ગતાંકથી આગળ)

અનાસક્ત જીવન

શ્રી શ્રીમા હંમેશાં એ વાત માટે પ્રયત્નશીલ રહેતાં કે એમનાં બધા ભક્ત પોતાને એક જ માતાનાં સંતાન સમજે અને અસરપસર ભાઈબહેનની જેમ રહે. પરંતુ સાથે તેઓ એ બાબત માટે પણ સજાગ હતાં કે સ્ત્રી અને પુરુષ ભક્ત એક બીજાથી અલગ રહે તથા એમની વચ્ચે વધુ સંપર્ક અને વાતચીત ન થાય. જયરામવાટીના નાના મકાનમાં એક સાથે રહેતાં અને ખાતાંપીતાં છતાં પણ શ્રી શ્રીમા પુરુષોને સ્ત્રીઓથી સદા દૂર જ રાખતાં. કોઈ ખાસ પ્રયોજન વિના પુરુષોને ઘરની અંદર જઈને કે સ્ત્રીઓ સાથે વાતચીત કરવાની મનાઈ હતી. જલપાન કરવા માટે કે અન્ય કોઈ કામ માટે મા પોતે જ એમને બોલાવતાં, પાસે બેસાડીને ખવડાવતાં અને જરૂરી વાતચીત પણ કરતાં; અને પોતાની પાસે પણ વધુ વાર તેમને બેસવા ન દેતાં; તેઓ કહેતાં: ‘બેટા, બીજું કાંઈ ન હોય તો પણ આકાર તો નારીનો છે ને!’

સંન્યાસી સંતાનોની આધ્યાત્મિક પ્રગતિ માટે શ્રીમા કેટલાં બધાં પ્રયત્નશીલ રહેતાં! કેટલો ઉપદેશ આપતાં!  ક્યારેક મજાક સાથે કહેતાં: ‘બેટા, દુનિયાદારી નથી કરી; મન ભરીને સૂઈ શકશો!’ પૂજ્ય સ્વામી યોગાનંદનું નામ લેતાં જ તેઓ કહેતાં: ‘યોગિન કહેતો હતો, ‘મા, સાધુ થયા છીએ તો હવે નિરાંતે ઊંઘીને મોજમજા કરીશું.’’ ગૃહસ્થ સંતાનોને પણ સાવ સંસારમાં ન ડૂબી જઈને શ્રીઠાકુરનું સ્મરણ કરવાનું તથા સંયત જીવન જીવવા માટે મા જાતજાતના ઉપદેશ આપતાં. તેઓ કહેતાં: ‘એક-બે બાળકો થઈ જાય પછી ભાઈબહેનની જેમ રહેવું. અલગ અલગ રહેવું. શક્ય હોય તો પત્ની બાળકોને લઈને દૂર રહે, તેમનું પાલન પોષણ કરે અને પતિ ધનપ્રાપ્તિ કરીને તેમની આવશ્યકતાઓની પૂર્તિ કરે.’

શ્રી શ્રીમા પોતાના ભાઈભત્રીજાઓની ભોગતૃષ્ણાને લીધે ખૂબ દુ:ખી હતાં તથા સમયે સમયે પોતાના હૃદયની અપ્રસન્નતાને પ્રગટ પણ કરતાં. સંસારમાં જીવન ધારણ કર્યા પછી રૂપિયા પૈસા સાથે સોળ આના – પૂરેપૂરો સંબંધ તોડી નાખવો સંભવ નથી. શ્રીમાને પણ રૂપિયાપૈસા રાખવા પડતા. સમજી વિચારીને ખર્ચ પણ કરતાં. પરંતુ સર્વદા નિર્લિપ્તભાવ! ધનાભિમાન, સંચયની લાલસા, અહંકાર વગેરે શ્રી શ્રીમાના સ્વભાવમાં ક્યારેય કોઈએ જોયાં નથી. શરૂઆતમાં તો તેઓ રૂપિયાપૈસાનો સ્પર્શ પણ ન કરી શકતાં. પછીથી જ્યારે એમના સંસારનો વિસ્તાર થયો અને ધનની આવશ્યકતા ઊભી થઈ ત્યારે યથેષ્ટ ધન આવવા લાગ્યું; પરંતુ એ પણ કોઈ ઝરણાના જળની જેમ આવતું અને ચાલ્યું જતું; શ્રી શ્રીમાના હૃદયને સ્પર્શ પણ કરી ન શકતું.

એક દિવસ જયરામવાટીમાં ટપાલી મનીઓર્ડરના રૂપિયા લઈને આવ્યો. શ્રી શ્રીમાએ ફોર્મ પર અંગૂઠાનું નિશાન લગાડી દીધું તથા કોઈ બીજાએ લખી દીધું – ‘શ્રી શારદાદેવીના અંગૂઠાનું નિશાન…’ ટપાલીએ રૂપિયા ગણીને બતાવી દીધા. શ્રીમાએ રૂપિયા મૂઠીમાં લઈ લીધા અને ઘરમાં રાખી દીધા. ટપાલીને પ્રસાદ દઈને, એમની સાથે બેચાર મીઠી વાતો કરીને એને વિદાય આપી. કેટલા રૂપિયા આવ્યા અને કોણે મોકલ્યા એ કોઈને ખબર ન પડી. પછીથી સુવિધા અનુસાર કોઈની પાસે પત્ર લખાવીને ભક્તોને આશીર્વાદ તથા રૂપિયા મળ્યાની સૂચના લખી મોકલી. ક્યારેક કોઈ સેવક હાજર રહેતો અને એ મનીઓર્ડર લઈ લેતો. ત્યારે તેને શ્રી શ્રીમા એ રૂપિયાને બરાબર જોઈને ગણીને અને આમતેમ હલાવીને લેવાની ના પાડતાં; તેઓ કહેતાં: ‘બેટા, રૂપિયાનો અવાજ સાંભળવાથી જ ગરીબના મનમાં લોભ ઉત્પન્ન થાય છે. રૂપિયા એવી વસ્તુ છે કે એને જોઈને લાકડાની પૂતળી પણ મોં ફાડે છે!’ ભક્તગણ કેટલીક સારી સારી ચીજવસ્તુઓ- ફળ, મીઠાઈ, કપડાંલત્તા વગેરે લઈને આવતા. શ્રી શ્રીમા પ્રસન્ન વદને એ બધું સ્વીકારતાં અને આશીર્વાદ આપતાં. તેઓ પોતાનાં સંતાનોને સંતુષ્ટ કરવા માટે આ બધી વસ્તુઓ સ્વીકારતાં. આ વસ્તુઓ પ્રત્યે ક્યારેય કોઈએ એમને આકર્ષણ થતું જોયું નથી.

મધ્યમ વર્ગના લોકો જેવાં વસ્ત્રોનો ઉપયોગ કરે તેવાં વસ્ત્રોનો તેઓ સ્વયં ઉપયોગ કરતાં. એ બધાં વસ્ત્રો એકદમ નકામા ન બની જાય ત્યાં સુધી તેનો ઉપયોગ કર્યા કરતાં. એટલે સુધી કે તેઓ ફરીથી સીવી-સીવીને કપડાં પહેરતાં. નવાં અને મૂલ્યવાન વસ્ત્રોને આનંદપૂર્વક વહેંચી દેતાં. એમના એક ભક્ત સંતાન હતા સુરેન્દ્રનાથ મિત્ર. જે દિવસોમાં તેઓ આસામમાં નોકરી કરતા હતા ત્યારે તેમણે શ્રી શ્રીમા પાસે ત્યાંનું એક મૂલ્યવાન પ્રસિદ્ધ રેશમનું કાપડ લઈ લેવા માટે બહુ આગ્રહ કર્યો. જ્યારે શ્રી શ્રીમાએ સાંભળ્યું કે આ કાપડની કિંમત ૮૦ રૂપિયા છે ત્યારે એમણે દાંતની તળે જીભ દબાવી અને કોઈ પણ રીતે એ કપડું લેવાનો સ્વીકાર ન કર્યો. પોતાની સેવા માટે ભક્તના હૃદયની વ્યાકુળતાને સમજીને એમણે કહ્યું: ‘જુઓ, તે રૂપિયા ખર્ચવા માગતો હોય તો તેને કહો કે થોડી જમીન ખરીદી દે; તેનાથી સાધુભક્તોની સેવા થશે.’

સંતાનોને ખવડાવવાનો આનંદ

સાધુ અને ભક્તસંતાનો જયરામવાટીમાં આવીને એક દિવસ રહી શકે અને ભરપેટ ભોજન મેળવી શકે તેને માટે શ્રી શ્રીમાનો કેટલો અને કેવો આગ્રહ! પોતાના દેહત્યાગના થોડાં વર્ષો પહેલાં ઘરબાર, જમીનજાયદાદની વ્યવસ્થા કરીને, સ્વયં જગદ્ધાત્રીના નામે સંપત્તિ દેવાર્પણ કરીને, તેઓ પોતાના સંતાનોની સુખસુવિધાની સ્થાયી વ્યવસ્થા કરી ગયાં હતાં. પૂજ્ય રામલાલદાદાના મોંએ સાંભળેલી વાત છે કે પોતાના કામારપુકુરના અંતિમ નિવાસના સમયે શ્રીઠાકુરે પણ શિહડ ગામમાં જમીન લઈને તેને શ્રીરઘુવીરના નામે કરીને દેવાર્પણ કરી દીધી હતી.

જયરામવાટીમાં એ જોવા મળતું કે બધા પુરુષ ભક્તોને ભોજન કરાવી લેતાં ત્યારે શ્રી શ્રીમા નિશ્ચિંત મને મહિલા ભક્તો સાથે ભોજન કરવા બેસતાં. દેવયોગે કોઈ છોકરો કોઈ કામ માટે બહાર ગયો હોય તો ભલે ગમે તેટલી વાર લાગી જાય પણ શ્રીમા એમની રાહ જોતાં; રસ્તા તરફ તાકતા રહેતાં અને થોડુંક આગળ ચાલીને ઊભા પણ રહેતાં. ‘છોકરાએ હજુ સુધી ખાધુ નથી, ભૂખથી દુ:ખી થતો હશે’, એમ વિચારીને અધીર થઈ જતાં.

પરંતુ ઉદ્‌બોધનમાં મુશ્કેલી થતી! છોકરાઓને ખવડાવ્યા વિના શ્રી શ્રીમા જમશે નહિ અને ગુરુગતપ્રાણ નિષ્ઠાવાન ભક્ત સ્વામી સારદાનંદજી ઈષ્ટદેવીના ભોજન પહેલાં ભલા કેવી રીતે ખાય? એટલા માટે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે જે સમયે શ્રી શ્રીમા મહિલાઓ સાથે એક ઓરડામાં ભોજન કરવા બેસે, બરાબર એ જ સમયે શરત્‌ મહારાજ બીજા ઓરડામાં પુરુષોની સાથે બેસીને ભોજન કરે. શ્રી શ્રીમા તો હતાં ગ્રામીણબાળા! મોડેથી ખાવાની ટેવ, એટલે શરત્‌ મહારાજ પણ પોતે કરવાનું કામ મોડેથી પૂરું કરતા. શ્રીઠાકુરનો પ્રસાદ જેવો શ્રી શ્રીમાની થાળીમાં પીરસાઈ જાય, કે તરત શ્રી શ્રીમા એને પોતાના મોંએ અડાડીને શરત્‌ને માટે મહાપ્રસાદ બનાવી દેતાં. ગોલાપ મા છાનો માનો એ પ્રસાદ લઈને શરત્‌ મહારાજને આપી આવતાં અને સદ્‌ભાગી સાથી પણ એ મહાપ્રસાદથી વંચિત ન રહેતા! સંતાનોની સુખસુવિધા પ્રત્યે શ્રી શ્રીમાની સજાગ નજર રહેતી. છોકરાઓનો સૂકો ચહેરો, દીનવેશ, દૂબળો-પાતળો દેહ શ્રીમા જોઈ ન શકતાં. એટલા માટે ઉદ્‌બોધનમાં રહેવા જમવાની સારી વ્યવસ્થા થતી રહેતી. ભોજન પછી બધા લોકો પાન ખાઈ શકે એટલે શ્રી શ્રીમા પોતે જ પાન બનાવતાં. જેમને પાનનો શોખ હોય એમને વધારે પાન મળે. સાદા તાકાનું ધોતિયું છોકરાઓને ન શોભે. શ્રી શ્રીમાનો ભક્તગણ પાતળી કિનારીવાળા ધોતિયાં દઈ જતા. એમની પોતાની આવશ્યકતાઓ તો બહુ ઓછી હતી. આવેલું બધું તેઓ મુક્તમને અને મોકળા હાથે છોકરા-છોકરીઓને વહેંચી દેતાં. છોકરાઓમાં કેટલાક શોખીન પણ હતા. શ્રી શ્રીમા આ બધું જાણતાં. એમને સુંદર કિનારવાળું પાતળું ધોતિયું આપતાં અને જે જાડું કપડું પસંદ કરે એમને એવું આપતાં. કેટલાકના કપડાં જલદી ફાટી જતાં, મા એવા લોકોને વધારે કપડાં આપતાં. જલપાન, ભોજન, વગેરે ચીજવસ્તુઓમાં જેમને જે ગમતું હોય પસંદ હોય અને જેમના પેટને સદે તેવું હોય તેવું જ તેમને દેતાં.

કેવી આશ્ચર્યજનક તીક્ષ્ણદૃષ્ટિ હતી શ્રી શ્રીમાની! એ વિચારીને આશ્ચર્યચકિત બની જાઉં છું. જયરામવાટીમાં વિભિન્ન સ્થાનોના ભક્તોનો સમાગમ થવાથી શ્રી શ્રીમા  કોણ શું ખાશે, કેટલી માત્રામાં ખાશે એ રસોયણ માસીને બરાબર બતાવી દેતાં; રોટલીની સંખ્યા સુધ્ધાં પણ. એટલે જ તો શ્રી શ્રીમાના ઘરે એમની પાસે ભોજન કરીને સંતાનોને એટલી બધી તૃપ્તિ થતી. શ્રીઠાકુરના શબ્દોમાં ‘કયા છોકરાના પેટમાં શું સદે છે, એ શ્રીમા બરાબર જાણે છે!’

સંતાનો ન ખાય તો શ્રી શ્રીમાના મોંમાં પણ કંઈ જતું નહિ! દક્ષિણેશ્વરની કાલીવાડીમાં એક દિવસ ત્રીજા પહોરે એક બ્રાહ્મણયુવક પોતાના હાથે ખીચડી રાંધીને ઉપવાસથી ક્ષીણ થઈ ગયેલ બે નિષ્ઠાવાન પ્રૌઢ બ્રાહ્મણવિધવાઓને પીરસીને જમાડતો હતો. કેટલાક દર્શનાર્થીઓ કુતૂહલવશ બનીને આવું રાંધવાનું અને ભોજન જમાડવાનું જોઈ રહેતા. પછીથી એમનામાં એક જીજ્ઞાસા જાગી ગઈ. એ યુવક આ બંને વિધવાઓમાંથી કોઈકનો પુત્ર છે. એ યુવક બંનેને મા કહીને પરમશ્રદ્ધા અને સ્નેહ સાથે જમાડતો. એક અલ્પવયની બાળવિધવા આ વિશે જ્યારે પૂછી બેઠી તો સાથેની આધેડ મહિલાએ તીવ્ર સ્વરે જવાબ આપ્યો: ‘શું આંખો નથી, જોતાં નથી, પાતળમાં પડતાં જ જે ટપટપ જમવા માંડી તેના પેટનું સંતાન તો તે હોઈ ન શકે અને જે પાતળમાં ખીચડી લઈને દીકરાના મોઢાને તાકીને બેઠી રહે, છોકરાના ખાધા પછી જ જેણે મોઢામાં ખીચડી મૂકી તેના ઉદરનું આ સંતાન છે!’

આપણી જગજ્જનની પાસે રહેવાથી આવી ઘટનાઓ નિત્ય જોવા મળતી હતી. ભક્તિમાર્ગનું અવલંબન કરનારા ત્રિગુણાતીત, મહાપુરુષ નાગ મહાશય શ્રી શ્રીમાના ઘરે આવ્યા. એમ કહેવાતું કે એમનામાં બાહ્ય ચેતના નહિવત્‌ હતી. મુખેથી અસ્પષ્ટ ‘મા, મા’નો રવ નીકળી રહ્યો હતો. શ્રી શ્રીમા ભોજન રાંધવા બેઠાં હતાં. સમાચાર મળતાં તેમને પોતાની નજીક બોલાવ્યા અને પોતાની પાસે બેસાડીને પોતાને હાથે જ પોતાની થાળીમાંથી એમને જમાડવા લાગ્યાં. પુત્ર તૃપ્ત થયો, આટલા દિવસોની સાધના આજે પૂર્ણ થઈ. દીનતાની પ્રતિમૂર્તિ શ્રી દુર્ગાચરણ નાગ, જે સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ ભોજન કરાવતી વખતે હાથથી પંખો ઢોળતા અથવા બંને હાથ જોડીને થોડે દૂર ઊભા રહીને વિનમ્ર સ્વરે પ્રાર્થના કરીને ભોજન કરાવે એવા નાગ મહાશય આજે કોની થાળીમાંથી કોને હાથે ભોજન કરી રહ્યા છે! ભોજન પછી વિદાય લેતી વખતે એમને લોકોએ હૃદયના આવેગ સાથે બોલતા સાંભળ્યા: ‘પિતા કરતાં તો મા દયાળુ છે! પિતા કરતાં તો મા દયાળુ છે!!’

સંતાનો એ હંમેશાં અનુભવ કરતાં કે પિતા કરતાં મા દયાળુ છે, એટલે જ તો પિતાનો ઠપકો ખાવા છતાં પણ તેઓ દોડીને શ્રી શ્રીમાના આંચલમાં પોતાને છુપાવી લે છે. દક્ષિણેશ્વરમાં શ્રીઠાકુર ભાવિ સંન્યાસીઓના જીવનને કઠોરતાની કસોટીમાં પરિપક્વ બનાવવા માટે પ્રયત્નશીલ છે. તેઓ એ લોકોને રાતે ઓછી રોટલી ખાવા માટે કહે છે. જુવાન છોકરાઓ, આખો દિવસ કામકાજમાં રહે છે ખાવાને સમયે મા જાણી લે છે કે છોકરાનું પેટ ભરાયું નથી. તેઓ સ્નેહથી ભરપેટ ભોજન કરાવી દે છે. શ્રીઠાકુરને આ વાતનો ખ્યાલ આવ્યો, એટલે માને એ વિશે કંઈક કહેવા ઇચ્છે છે. પરંતુ મા તો એને સ્પષ્ટપણે કહી દે છે કે આ છોકરાઓના ભોજન વિશે હસ્તક્ષેપ ચાલશે નહિ. જ્યારે શ્રીઠાકુરે વધુ ખાવાથી ભવિષ્યમાં એમની ઉન્નતિમાં બાધા-અડચણ આવશે એવા પોતાના મતનું સમર્થન કરવા ઇચ્છ્યું ત્યારે શ્રીમાએ ઉત્તર આપતાં કહ્યું: ‘મારા છોકરાઓનું ભવિષ્ય હું જ જોઈશ, એના વિશે કોઈ ભય જેવું નથી.’

એક બાજુએ શ્રી શ્રીમા જેમ પોતાનાં સંતાનોને ભગવદ્‌ ભજન અને જપધ્યાન કરવા માટે પ્રોત્સાહિત કરતાં રહેતાં, તેવી જ રીતે બીજી બાજુએ એ બાબત વિશે તેમને સાવધાન પણ કરી દેતાં કે અનાવશ્યક રૂપે તેઓ સાધનાનો અતિરેક કરીને પોતાનું મસ્તક ગરમ ન બનાવી દે. તેઓ અત્યધિક કઠોરતા કરવાની મનાઈ કરતાં, સાથે જ ભોજન અને નિવાસમાં સંયમનો અભાવ અને એ વિશેની વિલાસિતા પણ તેઓ પસંદ ન કરતાં.

શ્રીઠાકુરની મહાસમાધિ પછી

શ્રીઠાકુરની મહાસમાધિ પછી એમના સંન્યાસી સંતાનોનાં ભોજનનિવાસ, અભાવતંગી, દુ:ખકષ્ટ આ બધાં શ્રીમાના મનમાં ઘોર દુ:ખનું કારણ બન્યાં હતાં. બોધગયા મઠના ઐશ્વર્ય અને ભીક્ષુઓની સુખસુવિધાને જોઈને તેઓ પોતાના અસહાય પરિવ્રાજક સંન્યાસી સંતાનોની વાત વિચારીને આકુળ બનીને રોઈ પડ્યાં હતાં. એટલે જ તો પૂજ્ય યોગિનમાએ એક દિવસ અમને કહ્યું હતું: ‘જે કંઈ (મઠ-આશ્રમ આદિ) જુઓ છો, એ બધું (શ્રી શ્રીમા તરફ અંગુલિનિર્દેશ કરીને) એમની કૃપાથી થયું છે! જ્યાં જે જોયું – પથ્થર, ધાતુની જે કોઈ દેવમૂર્તિ જોઈ, અત્યંત વિલાપ કરીને એમને આજીજી કરતાં: હે ઠાકુર, મારાં બાળકોના માથે આશરો કરી દો. બે રોટલી ખાઈ શકે તેવો ઉપાય બતાવી દો. માની આ ઇચ્છા પણ પૂરી થઈ.’

શ્રીમા જેમ પોતાનાં સંતાનો માટે વિચારીને વ્યાકુળ બની જતાં તેવી જ રીતે સંતાનો પણ શ્રીમા માટે ચિંતા સેવતા. શ્રીમા ક્યાં રહે છે, એનું કોઈ ઠામઠેકાણું નથી – આજ અહીં તો કાલ ક્યાં! સંસારની ચિરપરિચિત સૌથી વધુ મર્માંતક ઘટના ઘટે છે – ઘરબાર વિહિન અસહાય પત્ની અને ન કમાતાં બાળકોને છોડીને ઘરનો મુખી મૃત્યુ પામે છે. જ્યેષ્ઠપુત્ર નરેન્દ્રનાથ સંસારમાં પોતાના જન્મસ્થળથી આ પ્રકારના ભયાનક આઘાત-પ્રત્યાઘાત અનુભવીને બહાર આવ્યા હતા અને તેઓ ગુરુના શ્રીચરણોમાં આશ્રય લઈ રહ્યા હતા કે આવી દુર્ઘટનાની પુનરાવૃત્તિ થઈ ગઈ. પરંતુ આવો આઘાત સહેવો પહેલાં કરતાં વધારે કઠિન હતો – એ તો માયાનું રાજ્ય હતું જેને છોડવા માટે તેઓ તૈયાર જ હતા, પરંતુ આ તો પારમાર્થિક રાજ્ય હતું જેની પસંદગી કરવા તેઓ આવ્યા હતા. એમણે પૂર્વાશ્રમનાં બાધાવિઘ્નોથી બચવાની વ્યવસ્થા કરી રાખી હતી. જેને લીધે ઘરના લોકો જ ધીમે ધીમે પોતાનો રસ્તો શોધી શકે. પણ અહીં તો વાત તદ્દન ઊલટી થઈ ગઈ, ગુરુદેવ પોતે જ એમના જ ખભા પર સદાને માટે જવાબદારી સોંપી ગયા! બધા ત્યાગના રાહી હતા અને કોણ એમને જુએ, એમની સંભાળ લે! શ્રીઠાકુરના દેહત્યાગના થોડા દિવસો પછી જ્યારે કાશીપુર ઉદ્યાનભવનને છોડવાનું નક્કી કરી લીધું ત્યારે નરેન્દ્રનાથે મનમાં મોટો આઘાત અનુભવ્યો. એમણે શ્રી શ્રીમા અને ગુરુભાઈઓ સાથે કેટલાક વધુ દિવસો એકીસાથે રહેવાનો પ્રસ્તાવ મૂક્યો. કરુણસ્વરે તેઓ બોલ્યા: ‘શ્રી શ્રીમાનું મન અત્યારે શોકમગ્ન છે, તેઓ ક્યાં જશે! આ ઉદ્યાનભવન થોડા દિવસો માટે વધુ રાખી લઈએ, જેને લીધે તેઓ અહીં જ રહી શકે.’ પરંતુ પ્રસ્તાવ સ્વીકારાયો નહિ. ઉદ્યાનભવન છોડી દેવું પડ્યું. નિર્ણય એવો લેવાયો કે શ્રી શ્રીમા અત્યારે બલરામ બાબુના ઘરે જઈને રહેશે. શ્રી શ્રીમા ગાડીમાં બેસીને ઉદ્યાનભવનમાંથી બહાર આવી રહ્યાં હતાં ને દરવાને રોક્યાં; કહ્યું કે મકાનનું ભાડું હજુ બાકી છે. નરેન્દ્ર નાથના મનમાં આ અપમાનની કારમી ચોટ લાગી. ગમે તેમ સમજાવી પટાવીને શ્રી શ્રીમાની ગાડી મુક્ત કરવામાં આવી. મકાનનું ભાડું આપી દીધા પછી શ્રીઠાકુરના યુવાન ભક્ત અનાથ બાળકોની જેમ અહીંતહીં વિખેરાઈ ગયા – કોઈ પોતાને ઘેર ગયા, તો કોઈકે બીજાના ઘરે આશરો લીધો. શ્રી શ્રીમા વૃદાંવન ચાલ્યા ગયાં; કેટલાક લોકો એમની સાથે ગયા.

શ્રીઠાકુરના અલૌકિક નિર્દેશથી ભક્તવર સુરેન્દ્રનાથની સહાયતાથી વરાહનગરમાં એક ભાડાનું મકાન લેવાયું અને ત્યાં બધા પ્રકારનાં શારીરિક કષ્ટ અને દુ:ખદૈન્યની અવગણના કરીને નરેન્દ્રનાથના નેતૃત્વમાં નવો સંન્યાસી સમૂહ ધીમે ધીમે એકઠો થયો. આ પ્રકારે રામકૃષ્ણ મઠનો પાયો નખાયો. શ્રી શ્રીમા લગભગ એક વર્ષ વૃંદાવનમાં નિવાસ અને તીર્થદર્શન કરીને પછી કામારપુકુરમાં આવ્યાં, અત્યંત નિર્ધનતા સાથે ત્યાં રહેવા લાગ્યાં. ભક્ત સંતાનોને જ્યારે એનો ખ્યાલ આવ્યો ત્યારે તેઓ તેમને કોલકાતા લઈ આવ્યા. ક્યારેક માને એક સ્થળે રાખતા તો ક્યારેક વળી બીજે – પોતાનું કોઈ સ્થાન જ ન હતું. નરેન્દ્રનાથના હૃદયમાં આ દુ:ખ તીરની જેમ ખૂંચી ગયું. એટલે જ તો એમના પત્રમાં સૌથી પહેલાં શ્રી શ્રીમા માટે પોતાની એક જગ્યા બનાવી દેવાની તીવ્ર વ્યાકુળતા પરિલક્ષિત-વ્યક્ત થતી જોવા મળે છે. આ તાપ પણ એક દિવસ શમી ગયો. બેલૂર મઠની જમીન ખરીદ્યા પછી એક દિવસ સ્વામી વિવેકાનંદ શ્રી શ્રીમાને એ ભૂમિ પર લઈ ગયા અને એમને નવાં વસ્ત્રોમાં સુસજ્જિત કરીને, ખુરશી પર બેસાડીને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરીને, અશ્રુપૂર્ણ નયનોએ, બે હાથ જોડીને કહેવા લાગ્યા: ‘મા, મારા પર આટલા દિવસોથી જે બોજો હતો તે આજ તમને તમારી પોતાની ભૂમિ પર લાવવાથી ઊતરી ગયો. હવે તમે નિશ્ચિંત બનીને ચારે તરફ ફરો. ફરી ફરીને બધું જુઓ.’ શ્રી શ્રીમાએ અત્યંત પ્રસન્નતાપૂર્વક આ બધું ફરીને જોયું, શ્રીઠાકુરની પૂજા કરી, ભોગ ધર્યો. આટલા દિવસો પછી પોતાના સંન્યાસી સંતાનોને રહેવા માટે એક સ્થાન મળ્યું, એ જોઈને તેઓ પરમ આનંદિત થયાં. શ્રી શ્રીમા બેલૂર મઠમાં તો ન રહેતાં પરંતુ પૂજાપર્વના ઉપલક્ષ્યમાં એમનું ત્યાં શુભાગમન થતું રહેતું.

યાદ આવે છે, બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુઁથી’ના શ્રદ્ધેય લેખકને સ્વામી વિવેકાનંદજીએ વ્યગ્ર બનીને નિર્દેશ કર્યો હતો કે ગ્રંથમાં શ્રીઠાકુરની સાથે શ્રી શ્રીમાની પણ સ્તુતિ કરો. એમણે કહ્યું હતું: ‘શક્તિ સિવાય ભગવાનની ઉપાસના થઈ શકતી નથી.’ એટલે જ તો પછીથી એ ગ્રંથમાં લેખકે આ પંક્તિ જોડી.

જય માતા શ્યામાસુતા જગજ્જનની;
રામકૃષ્ણ-ભક્તિદાત્રી ચૈતન્યદાયિની.

સ્વયં સ્વામીજીએ પણ પોતાના રચેલ શ્રીઠાકુરના આરતી સ્તોત્રમાં બીજ મંત્ર હ્રીં જોડી દીધો. એવું લાગે છે કે સ્વામી અભેદાનંદજી દ્વારા વિરચિત શ્રી શ્રીમાના અપૂર્વ સ્તોત્ર – ‘પ્રકૃતિં પરમા’ ઇત્યાદિ પણ એમના પ્રત્યે શ્રી શ્રીમાની અસીમ કૃપા અને સ્નેહનું જ ફળ છે.

ઉદ્‌બોધન કાર્યાલય અને ‘શ્રીરામકૃષ્ણલીલાપ્રસંગ’ 

કામારપુકુર, જયરામવાટી, વિભિન્ન તીર્થસ્થાનો અને કોલકાતાનાં કેટલાંય સ્થળોમાં સુખદુ:ખમાં થોડાં વર્ષો વીતાવીને જ્યારે શ્રી શ્રીમાની કૃપાથી જ ઉદ્‌બોધનના ભવનનું નિર્માણ થયું ત્યારે શ્રી શ્રીમાનાં સંતાનોની એક મોટી ચિંતા દૂર થઈ. ઉદ્‌બોધનનું મકાન ભલે નાનું હતું પણ શરત્‌ મહારાજે ઋણભાર પોતાના શિરે લઈને તેને સુંદર અને શ્રી શ્રીમાના સ્વતંત્ર નિવાસને લાયક બનાવવામાં કોઈ કસર રાખી ન હતી. ગંગા વધારે દૂર ન હતી, રોજ એમાં સ્નાન કરી શકાતું. છત પરથી બેલૂર અને દક્ષિણેશ્વરનાં દર્શન પણ થઈ જતાં. ‘બલરામ મંદિર’ તથા યોગિનમા તેમજ ગોલાપમાનાં મકાન અહીંથી બહુ દૂર ન હતાં. વળી આજુબાજુ બીજા ભક્તોનાં નિવાસસ્થાનો હતાં. એમ લાગતું હતું કે ઉદ્‌બોધનના ઋણની વાત શ્રી મા માટે અજ્ઞાત ન હતી; સંભવત: એને માટે એમના મનમાં ચિંતા રહેતી હતી. પરંતુ થોડા જ સમયમાં તેમની કૃપાથી આ ચિંતાએ એક સુચિંતનનો રાહ પ્રશસ્ત કરી દીધો.

એ સમયે શ્રીઠાકુરનાં જીવન અને ઉપદેશોએ સમગ્ર દેશમાં એક પ્રબળ આંદોલન ઊભું કરી દીધું હતું. સ્વામી વિવેકાનંદના પશ્ચિમના દેશો પરના વિજય અને એમના પ્રચાર તથા સ્વદેશી આંદોલનના ફળ સ્વરૂપે લોકોમાં ધર્મ પ્રત્યે એક આકર્ષણ દિવસે અને દિવસે વધતું જતું હતું. સમાજ એ પણ ધીમે ધીમે સમજતો થયો હતો કે આ નવયુગના ઉન્મેષના મૂળ કેન્દ્ર ભગવાન શ્રીરામકૃષ્ણ છે. છતાંય ભગવાનની આ નવલીલાના રહસ્યને બરાબર ન સમજી શકવાને લીધે ચોતરફ વિચિત્ર અને આશ્ચર્યજનક દંતકથાઓ ફેલાવા લાગી. શરત્‌ મહારાજ અનેક રીતે લોકોથી અને એમાંય વિશેષ કરીને પ્રગતિશીલ યુવાનોથી બહુ સારી રીતે પરિચિત હતા. એટલે એવું લાગે છે કે એમને માટે આ બધું કંઈ રહસ્ય કે છુપાયેલું ન હતું અને તેઓ એ બધાનો પ્રતિકાર કરવાની વાત પર વિચાર કરતા હતા. શ્રી શ્રીમાના આ મકાનના ઋણને ચૂકવવા માટે ચિંતા કરતાં કરતાં એમણે ‘શ્રીરામકૃષ્ણલીલાપ્રસંગ’ના નામે શ્રીઠાકુરની વ્યાખ્યાપરક જીવનકથા લખવાનો પ્રારંભ કર્યો. રચનાના પ્રારંભને જોઈને લાગે છે કે પહેલાં સંપૂર્ણ જીવનની ચર્ચા કરવી એમને માટે અભિષ્ટ વાત ન હતી, તેઓ તો જેને લઈને મનમાં સંશય ઊભા થતા રહે છે એવી વાતોને પોતાના વિશ્લેષણ-ચર્ચાના ક્ષેત્રમાં લાવવા માગતા હતા. પરંતુ જ્યારે આ ગ્રંથરચના સામાન્ય જનોમાં ઘણી લોકપ્રિય થવા લાગી ત્યારે ક્રમશ: લગભગ આખી જીવનલીલા જ પ્રકાશિત થઈ ગઈ. ગ્રંથનું ઘણું ઘણું વેંચાણ થયું. એનાથી ભવન નિર્માણના કાર્ય માટે જે કરજ લીધું હતું તે ચૂકવી દેવામાં આવ્યું. સર્વોપરી શ્રીઠાકુરની લીલાનું રહસ્ય, જીવ, જગત, ઈશ્વરનું સ્વરૂપ તત્ત્વ, સાધ્ય એવં સાધના પ્રણાલી, વર્તમાન યુગપ્રયોજન, અવતારનો આવિર્ભાવ, મનુષ્યજીવનનો ઉદ્દેશ્ય, આદર્શ માનવસમાજનું લક્ષ્ય, કર્તવ્યનિર્ણય જેવા દુરુહ વિષયોનું સમુચિત સમાધાન પામીને વાચકોનાં હૃદય પુલકિત થઈ ગયાં. શ્રીઠાકુરના મહિમાનો પ્રચાર વધતો ચાલ્યો.

મા, તમે કઈ રીતે, શું કરો છો, એને કોણ સમજી શકે છે? ઉદ્‌બોધન કાર્યાલયમાં (જે ‘શ્રી શ્રીમાનું ઘર’ના નામે પરિચિત છે) શ્રી શ્રીમાના રહેવાના લીધે એક વિચિત્ર સમાવેશ – સમાગમ થયો હતો! મઠ, મંદિર, પુસ્તકાલય, સંન્યાસાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, ગૃહસ્થાશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ અને વળી પુરુષ મઠ અને સ્ત્રીમઠ બધું એકી સાથે! મકાન નાનું હતું પણ અહીંના પ્રધાનકર્તા પૂજ્ય શરત્‌ મહારાજ નીચેના માળાના એક નાના ઓરડામાં બેસીને એકાગ્ર મને કેટલું બધું કામ કરતા હતા એની કોઈ સીમા નથી. વળી એની સાથે એમની સજાગ દૃષ્ટિ – કોણ આવે છે, કોણ જાય છે, કોણ શું કરે છે, એ બધું જોવું! નવા આગંતુકને જોતાં જ મીઠે સ્વરે પૂછપરછ કરતા, એના પ્રશ્નોના સંતોષજનક ઉત્તર આપતા, શ્રી શ્રીમાનાં દર્શનાર્થીઓ અને કૃપાપાર્થીઓ માટે સમુચિત વ્યવસ્થા કરતા. અને બીજા કેટલા બધા લોકો કેટકેટલાંય કામ માટે એમની પાસે આવતા. વળી શ્રીરામકૃષ્ણ મિશનના કર્ણધાર – સેક્રેટરી હોવાને લીધે કેટકેટલી ઝંઝટો રહેતી; પરંતુ તેઓ અહીં બેસીને આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવતા અને ‘લીલાપ્રસંગ’ લખતા રહેતા. આ સ્થિતપ્રજ્ઞ મહાપુરુષની સાંસારિક અભિજ્ઞતા, વ્યવહાર કુશળતા અને કાર્યપટુતા જોઈને મન, અસંદિગ્ધ રૂપે સમજી લે છે કે અદ્વૈત જ્ઞાનનો નાતો બાંધીને કર્મ કરવાથી તે કેવું સર્વાંગસંપૂર્ણ કર્મ બને છે.

Total Views: 65

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.