માણસ પોતાનાં સ્વજનોને પત્રો લખે છે ત્યારે પોતાના વ્યક્તિત્વ ઉપરનાં બધાં આવરણો આઘાં થઈ જાય છે. ત્યારે જ એનું સાચું વ્યક્તિત્વ પ્રકટી ઊઠે છે. સ્વામી વિવેકાનંદનું પણ તેમજ છે. એમનાં અસંખ્ય પ્રવચનો, લખાણો, નોંધો અને એમનાં કાવ્યો પણ સ્વામીજીના પ્રભાવશાળી, અનેકરંગી વ્યક્તિત્વને પ્રકાશિત કરે જ છે. પરંતુ એમની પત્રધારાનો પ્રપાત સ્વામીજીના પારદર્શક, પવિત્ર અને પ્રભાવક વ્યક્તિત્વને અદ્‌ભુત રીતે પ્રતિબિંબિત કરે છે. ધ કંપ્લીટ વર્ક્‌સ ઓફ સ્વામી વિવેકાનંદ (આ લેખમાં અંગ્રેજી મૂળ ગ્રંથોનો આધાર લેવામાં આવ્યો છે, ગુજરાતી અનુવાદનો નહિ. બધા સંદર્ભો અંગ્રેજી ગ્રંથોના છે.)ના પ્રથમ ચાર ભાગમાં એક પણ પત્ર નથી. વોલ્યુમ પાંચ, છ, સાત અને આઠમાં અનુક્રમે ૧૨૩, ૧૬૮, ૫૩, અને ૧૯૯ પત્રો છે. મેરી લુઈઝ બર્ક – સિસ્ટર ગાર્ગી-ની અથાક મહેનતને પરિણામે ઠેઠ ૧૯૯૭માં પ્રસિદ્ધ થયેલા ૯મા વોલ્યુમમાં ૨૨૭ મૂલ્યવાન પત્રો સાંપડે છે. આ બધા મળી સરવાળે ૭૭૦ પત્રો થાય છે. હાથ નહિ લાગેલા કે કાળમાં વિલીન થઈ ગયેલા બીજા કેટલાક પત્રો પણ કદાચ હશે. સ્વામીજીના પત્રો મેળવનાર સદ્‌ભાગી જનોની સંખ્યા ૯૦ ઉપર છે.

સ્વામીજીના પત્રોના બે વિભાગ પાડી શકાય : ઔપચારિક અને અનૌપચારિક. જો કે, બે વચ્ચેની ભેદરેખા દોરવી ખૂબ કઠણ છે કારણ, સંન્યાસી હોઈને તેમજ, સ્વભાવથી પણ સ્વામીજીના સંબંધો તરત આત્મીયતામાં સરી પડતા.

સ્વામીજીની પત્રપ્રસાદી મેળવનાર ધન્ય વ્યક્તિઓમાં મહારાજાઓ, દીવાનો, પંડિતો, વિદ્વાન પ્રાધ્યાપકો, પોતાના ગુરુભાઈઓ, પોતાનાં શિષ્ય, શિષ્યાઓ તથા તેમના દેશીવિદેશી શુભેચ્છકો હતાં. ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે, શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં આપેલા પોતાના પ્રથમ પ્રવચનથી સ્વામીજી અજાણ, અકિંચન, ભટકતા સંન્યાસીમાંથી જગપ્રસિદ્ધ વ્યક્તિ બની ગયા. અને, અતિ વ્યસ્ત ને કદાચ, એટલા જ ભ્રમણશીલ જીવનના એક દાયકાના ગાળામાં એમણે આ વિપુલ પત્રલેખન કર્યું હતું તે પણ આપણે ભૂલવું જોઈએ નહિ.

પોતાની માતૃભાષા બંગાળીમાં, અંગ્રેજીમાં, સંસ્કૃતમાં તેમજ ફ્રેંચમાં પણ, સ્વામીજીએ પત્રો લખ્યા છે. ઘણા મોટા ભાગના પત્રો સ્વામીજીએ જાતે જ લખેલા છે. પોતાના શોર્ટહેન્ડ ટાઈપિસ્ટ ગુડવિનને, કદાચ થોડા લખાવ્યા હોય. સતત પ્રવચનો, સતત વાર્તાલાપો, સતત વર્ગો અને સતત ભ્રમણની વચ્ચે એમની આ પત્રધારાનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો હતો તે એમની શક્તિનો સ્રોત કેવો તો પ્રચંડ હતો તે દર્શાવે છે.

‘સાધુ તો ચલતા ભલા’ એ કહેવત અનુસાર, પોતાના બીજા કેટલાક ગુરુભાઈઓની માફક, સ્વામી વિવેકાનંદમાં પણ પરિભ્રમણની ઇચ્છા પ્રબળ હતી. ૧૮૮૬ના ઓગસ્ટની ૧૬મી તારીખે ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસની મહાસમાધિ પછી તરત વિવેકાનંદ નીકળી શકે તેમ ન હતું. બે વર્ષ પછી એ તક મળતાં એ નીકળ્યા. પરંતુ દુર્ભાગ્યે ત્યારે અને, તે પછી બીજીવાર ગયા ત્યારે પણ, તેમણે પાછા આવવું પડ્યું હતું. આખરે, ૧૮૮૯ના ડિસેમ્બરમાં કૃતનિશ્ચયી બની એમણે વરાહનગરનો મઠ છોડ્યો હતો, સાથીઓને પોતાની સાથે કે, પોતાની પાછળ નહિ આવવાની સ્પષ્ટ આજ્ઞા તેમણે આપી હતી. સ્વામીજીના ૧૮૮૮ના પહેલા પરિભ્રમણ સાથે જ તેમનું પત્રલેખન આરંભાયું હતું. બાબુ પ્રમદાદાસ મિત્રને અને શ્રીબલરામ બસુને લખેલા આરંભના એ પત્રો ઔપચારિક છે, એકની વિદ્વત્તા પ્રત્યે આદર અને બીજાની ઉદારતા પ્રત્યે આભાર એ પ્રદર્શિત કરે છે. એ જ રીતે બેએક મહારાજાઓને તથા, જૂનાગઢના દીવાન હરિદાસ દેસાઈને લખેલા પત્રો પણ ઔપચારિક અને આદરભર્યા હોય એ સ્વાભાવિક છે. પરંતુ, ઔપચારિકતાનો એ પડદો પણ ખૂબ પાતળો છે, પારદર્શક છે.

અમેરિકાથી પહેલો પત્ર મેળવનાર છે સ્વામીજીનો ભાગ્યશાળી મદ્રાસી શિષ્ય આલાસિંગા પેરુમલ. ૧ એ આલાસિંગા પરનો સ્વામીજીનો એ પહેલો પત્ર સ્વામીજીના વ્યક્તિત્વ ઉપર વેધક પ્રકાશ નાખનારો છે. ૧૮૯૩ના ઓગસ્ટની ૧૦મી તારીખે બોસ્ટન પાસેના બ્રીઝીમેડોઝથી એ પત્ર લખાયેલો છે.

અમેરિકા ગયા પછી સ્વામીજી જે મુશ્કેલીઓમાં મુકાઈ ગયા હતા, તેનો નિર્દેશ આ પત્રમાં છે ને તે ખૂબ સંયમ સાથે. જે વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવાના ઉદ્દેશથી સ્વામીજી અમેરિકા ગયા હતા તેનો આરંભ થવાનો હતો. સપ્ટેમ્બરની ૧૧મી તારીખે અને સ્વામીજી શિકાગો પહોંચ્યા હતા જુલાઈની ૧૦મી તારીખે, અર્થાત્‌ બે મહિના વહેલા. એ મોંઘા દેશમાં બે મહિનાના નિર્વાહ માટે સ્વામીજી પાસે પૂરતા પૈસા ન હતા. એથી વિશેષ તો એ હતું કે, કોઈ ધર્મસંસ્થાએ પોતાના પ્રતિનિધિ તરીકે સ્વામીજીને ત્યાં મોકલ્યા ન હતા એટલે પરિષદમાં સ્વામીજી ભાગ જ લઈ શકે તેમ ન હતા! જાણે કે, એમનું અમેરિકા જવાનું જ માથે પડ્યું. અને ત્યાંની ઠંડીનો સામનો કરી શકે એવાં કપડાં પણ તેમની પાસે ન હતાં.

આલાસિંગા પરના પત્રમાં, પોતાની આર્થિક પરિસ્થિતિનો તથા કપડાંની મુશ્કેલીનો ઉલ્લેખ છે. વિશ્વ ધર્મ પરિષદમાં પોતે ભાગ નહિ લઈ શકે એવો સ્પષ્ટ ઉલ્લેખ નથી. અમેરિકા જવા માટે આગબોટ પકડવા માટે મુંબઈ આવતાં પહેલાંના થોડાક જ દિવસો પહેલાં, આબુરોડને સ્ટેશને પોતાના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદને પોતે કહેલું, ‘હરિભાઈ (તુરીયાનંદનું પૂર્વાશ્રમનું નામ), એ પરિષદ આને માટે મળવાની છે’, અને ‘આને’ બોલતી વેળા પોતાનો હાથ પોતાની છાતી પર જોરથી પછાડ્યો હતો. એમણે ભાખેલા એ ભવિષ્ય અનુસાર, હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જોન રાઈટે સ્વામીજી માટે એ પરિષદનાં દ્વાર ખોલી આપ્યાં હતાં. પણ, આલાસિંગાને લખેલા પહેલા પત્ર પછીના સમયમાં એ બન્યું હતું.

એ પત્રમાં સ્વામીજીની હાસ્યવૃત્તિ પણ જોવા મળે છે. શિકાગોથી બોસ્ટન રેલગાડીમાં જતાં મળી ગયેલાં બાનુ કેથી સ્ટેનબોર્ન સ્વામીજીને પોતાની સાથે પોતાને ઘેર લઈ ગયેલાં તેનો ઉલ્લેખ કરી સ્વામીજી લખે છે : ‘એ બાનુના અતિથિ બની રહેવાનો લાભ એ છે કે એથી રોજના ખર્ચનો એક ડોલર બચી જાય છે અને એ બાનુ પોતાની મિત્રમંડળીને નોતરી, ભારતના આ વિચિત્ર મનુષ્યનું પ્રદર્શન કરે છે.’ આ હાસ્યવૃત્તિના પટાંતર પાછળ સ્વામીજી પોતાની બધી અનિશ્ચિતતાઓ ‘હું શિકાગો જઈશ કે નહિ તે જાણતો નથી’ ઉપાધિઓ અને કદાચ, નિરાશા પણ, છુપાવે છે. કે, સંન્યાસી હોઈ આ કશાથી એ લિપ્ત નથી તે પ્રતિબિંબિત થાય છે.

એ જ આલાસિંગા ને આના પછી બીજો પત્ર બરાબર બે મહિના અને તેર દિવસ પછી, ૧૮૯૩ના નવેમ્બરની બીજી તારીખે શિકાગોથી લખાયેલો છે. વચલા ગાળામાં, ઘર આંગણે કાવેરીમાં અને અમેરિકામાં હડસન નદીમાં ઘણાં પાણી વહી ગયાં છે. બ્રીઝીમેડોઝમાં સ્વામીજી કેથી સેન્બોર્નના અતિથિ હતા ત્યારે ત્યાં, હાર્વર્ડ યુનિવર્સિટીના ગ્રીક સાહિત્યસંસ્કૃતિના વિદ્વાન પ્રાધ્યાપક જોનરાઈટને મળ્યા હતા. પ્રો. રાઈટે સ્વામીજી માટે પરિષદનાં દ્વાર ખોલી આપ્યાં હતાં, પછી એ પરિષદમાંના પોતાના પ્રથમ પ્રવચનથી જ અગાઉ જણાવ્યા પ્રમાણે તદ્દન અજાણ, અકિંચન અને ઠામઠેકાણા વગરના સંન્યાસીમાંથી જગપ્રસિદ્ધ વ્યક્તિ બની ગયા હતા અને એ પરિષદમાં એમને સાંભળવા માટે મોટી મેદની એકત્ર થતી હતી. અમેરિકાનાં અગ્રગણ્ય અખબારોએ સ્વામીજીને ખૂબ પ્રસિદ્ધિ આપી હતી.

પોતાના એ પત્રના આરંભમાં સ્વામીજી ખેદ વ્યક્ત કરે છે: ‘એક પળની મારી નબળાઈએ તમને કેટલી બધી તકલીફમાં મૂક્યા!’ પરિષદમાં પોતાને પ્રાપ્ત થયેલી જ્વલંત ફતેહનો ઉલ્લેખ સ્વામીજી સદંતર ટાળે છે! અને કહે છે કે : ‘ને કદી જાહેરમાં નહિ બોલનાર એવો હું આવી ભવ્ય સભાને સંબોધન કરું!… મારું હૈયું ફફડતું હતું ને મારી જીભ લગભગ સાવ સુકાઈ ગઈ હતી..’ આખો પત્ર આનંદની છોળથી સભર છે, છાપેલા સાડા પાંચ પૃષ્ઠો જેટલો લાંબો છે અને, એ ટૂંકા પ્રવચનને અંતે પોતે થાકીને ઢગલો થઈ બેસી ગયા એમ પણ લખ્યું છે.

પોતાનાં બીજાં પ્રવચનોને લોકોએ કેટલા આદરપૂર્વક ઝીલ્યાં અને વર્તમાનપત્રોએ તેમની કેવી પ્રશંસા કરી તે સ્વામીજી જણાવે છે. પોતે ત્યાં, અમેરિકામાં જ થોડો સમય રહેવા માગે છે કે ઈંગ્લેન્ડ જવા વિચારે છે તે બાબત સ્વામીજી દર્શાવે છે. પોતાને સાંપડેલી સફળતાનો સ્વામીજી ઉલ્લેખ કરે છે પણ, પોતાને જે કીર્તિ વરી છે તેનો નિર્દેશ સુદ્ધાં નથી.

એ સમયે એક અજાયબી ગણાતો ફોનોગ્રાફ સ્વામીજી આલાસિંગાને ભેટ મોકલાવે છે પણ એને કામે લાગવાની (હજી સ્થપાઈ નથી તે) સંસ્થા માવે કામે ચડવાની ભલામણ તેઓ કરે છે. શ્રીરામકૃષ્ણનું કોઈ બંગાળી પુસ્તક જીવનચરિત્ર પ્રકાશિત થયું છે તેમાં, શ્રીરામકૃષ્ણે કદી નહિ પ્રયોજેલી ભાષા તેમના મુખમાં મુકાઈ છે, તેની પર સ્વામીજી પોતાનો પુણ્યપ્રકોપ ઠાલવે છે.

એક વર્ષ કરતાં વધારે સમય પછી પોતાના ‘બ્લેસેડ એન્ડ બિલવેડ’ આલાસિંગાને લખેલ પત્રમાં પોતાની ઉપર મિશનરીઓએ જે ‘આક્રમણ’ કરેલું તેનો અને, એ ડંખીલી ભાષા સામે પોતે જાળવી રાખેલી સ્થિતપ્રજ્ઞ મનોદશાનો ઉલ્લેખ તેઓ કરે છે. ૧૦ ‘પરસ્પર સહકાર અને સહાય માટે હિન્દુ પ્રજા સંગઠન રચે’ તેવું સૂચન સ્વામીજી ૧૮૯૫ના ૧૨મી જાન્યુઆરીના પત્રમાં કરે છે. સ્વામીજીની યોજનામાં પરિવર્તન આવ્યું છે અને હવે, તેઓ ‘જ્વલંત પ્રચારકોનું દળ’ માગે છે અને હિંમતપૂર્વક કહે છે કે, ‘મારે લોકોને સંદેશ આપવાનો છે.’ ૧૨

સ્વામીજીના મનમાં પોતાની ભાવિ કાર્ય કેવી રીતે આકાર લેતું જાય છે તે આ અવતરણો નિર્દેશે છે.

‘પ્રિય કુમારી નોબલ’ના ઔપચારિક સંબોધનમાંથી૧૩ ‘મારી પ્રિય નિવેદિતા’૧૪ ના વહાલભર્યા સંબોધન સુધીનું પરિવર્તન ભગિની નિવેદિતા પરના પત્રો દર્શાવે છે. નિવેદિતાને પ્રથમ પત્ર લખાયો છે લંડનમાં ને, ૧૮૯૬ની ૭મી જૂને. બનારસ કેન્ટોન્મેંટથી, તારીખ ૪થી માર્ચ, ૧૯૦૨ના રોજ લખાયેલા પત્રનું સંબોધન ‘મારી પ્રિય માર્ગારેટ’૧૫ બંને વચ્ચેના સંબંધનું નૈકટ્ય દર્શાવે છે. ભારતનાં માખી મચ્છરોને, ભારતની ગંદકી ગરીબીને, ફક્ત જૂનવાણી વૃત્તિને અને, બંધિયાર માણસને સ્વીકારવા, જિજ્ઞાસુ મનવાળી અને, સફાઈ કરવાની ઇચ્છાવાળી તત્પર આઈરિશ યુવતી કુમારી માર્ગારેટ નોબલને સ્વામીજીમાં મિત્ર, ગુરુ અને માર્ગદર્શક સાંપડે છે અને કાળમીંઢ ખડકની જેમ અડગપણે એ નવા વાતાવરણમાં ગોઠવાઈ જઈ, કેટલાય દેશભક્તોને શરમાવે તેવી ઉચ્ચ દેશભક્તિવાળાં ભગિની નિવેદિતામાં પરિવર્તન પામે છે, તે સ્વામીજીની કૃપાને પ્રતાપે.

પોતાની નાવમાં છડિયા તરીકે બેઠેલા ઈસુ ખ્રિસ્તને બોલે, ભાડું ભૂલી જઈ, જાળને અને હાંડીને ત્યાં જ, ભગવાન ભરોસે, છોડી જઈ માછીમાર પીટર ઈસુની પાછળ ચાલી નીકળ્યા – પછીથી એ તેમના પટ્ટશિષ્ય બન્યા – તેમ, પોતાનું ઘર, કુટુંબ, નોકરી, દેશ બધું તજી દઈ, માર્ગરેટ નોબલ પણ સ્વામીજીને બોલે ચાલી નીકળ્યાં હતાં. આ સામ્ય અહીં જ અટકી જતું નથી. પોતાના દેહત્યાગના બેત્રણ દિવસ પહેલાં, એકાદશીને દહાડે સ્વામીજીએ નિવેદિતાને પોતાની સાથે ફલાહાર માટે બોલાવી, ફલાહારને અંતે, તેમણે જાતે નિવેદિતાના હાથ ધોઈ લૂછ્યા હતા. અંતિમ ભોજન વેળા ઈસુએ પણ બરાબર તેમજ કર્યું હતું. અને નિવેદિતાને માટે એ સ્વામીજીની સાથેનું છેલ્લું ભોજન હતું! બંને વચ્ચેના આધ્યાત્મિક સંબંધની એ પરાકાષ્ઠા હતી.

ભગિની નિવેદિતા પરના પત્રોમાં સ્વામીજી વાત્સલ્ય, ચેતવણી, માર્ગદર્શન, બોધ, આશીર્વાદ વરસાવી ભગિનીને અધ્યાત્મનો પંથ ચીંધે છે.

વિશ્વધર્મ પરિષદ પૂર્ણ થયા પછી, સ્વસ્થ થવા માટે તથા પોતાના ભાવિ કાર્યક્રમની વિચારણા માટે સ્વામીજી હેય્‌લ કુટુંબને ત્યાં શિકાગોમાં થોડું રોકાયા હશે, પછી શિકાગોની પશ્ચિમે આવેલા મિનિયાપોલિસમાં થોડો સમય પ્રવચનો વગેરે આપી, ત્યાંથી તેઓ મેમ્ફિસ થઈ શિકાગોની પૂર્વ તરફ આવેલ ડેટ્રોઈટ ગામે ગયા હતા. સ્વામીજીની દેદીપ્યમાન પ્રતિભામાંથી પ્રકટતી આધ્યાત્મિક જ્યોતે ક્રિસ્ટીન નામની એક યુવતીને લપેટી લીધી. ૧૬ અનેક પ્રકારની મૂંઝવણો અનુભવતી યુવતીનું ચિત્ત સ્વામીજીની દિવ્યવાણી સાંભળતાં વેંત એમાં નિમજ્જિત થઈ ગયું. ક્રિસ્ટીનને જીવનદિશા સાંપડી ગઈ અને, ભક્તિભાવપૂર્વક એણે પોતાની જાતને સ્વામીજીને સમર્પિત કરી દીધી. ભગિની નિવેદિતાની માફક ભગિની ક્રિસ્ટીન પણ ભારત આવીને રહ્યાં અને ભારતમાં દરિદ્રોની, નિરક્ષરોની સેવામાં ઓતપ્રોત થઈ ગયાં. નિવેદિતાની ઉગ્ર રાષ્ટ્રભક્તિ ભગિની ક્રિસ્ટીનમાં ભલે ન હતી પરંતુ, ધૂપસળીની માફક જાતને જલાવી દઈ સેવાની સુગંધ પ્રસરાવવાનું એમને માટે સહજ હતું. મેરી લુઈઝ બર્કે ભગિની ક્રિસ્ટીન પરના પત્રોનો મોટો ખજાનો ખોળી આપ્યો છે. એમને લખેલા ૭૧ પત્રોમાં સ્વામીજી એ શરમાળ યુવતી પર દીકરી જેવું વહાલ વરસાવે છે, એને શુભાશિષો આપે છે, એની મૂંઝવણોમાં માર્ગદર્શન પૂરું પાડે છે, એને ઉત્તેજન અને પ્રેરણા આપે છે, એની ઉપર પિતૃ વાત્સલ્ય ઠાલવે છે. સ્વામીજીની વીજળી જેવી કલમ ક્રિસ્ટીનની શંકાનાં કાળાં વાદળોને વિખેરી નાખે છે, એના શરમાળપણાના કોચલાને ભેદે છે, એના પંથ પર પ્રકાશ પાથરે છે; અરે, સ્વામીજી એને ભારત આવવા માટેની આર્થિક સહાયની પણ વ્યવસ્થા કરે છે. ૧૭ ક્રિસ્ટીન પરના પહેલા પત્રની તારીખ સને ૧૯૦૨ના જૂનની ૨૧મી છે, પોતાના નિધન પહેલાંના થોડા દિવસ પૂર્વેની.

સ્વામીજીની અગ્નિજિહ્‌વાના એક શબ્દને સ્પર્શે ભડકો થઈ ઊઠે તેવા અરણીકાષ્ઠ સમાં ભગિની નિવેદિતા અને ભગિની ક્રિસ્ટીન હતાં.

શિકાગો શહેરની ડિયરબોર્ન એવન્યુમાંથી ૫૪૧ નંબરના ગૃહમાં વસતા હેય્‌લ કુટુંબ સાથે સ્વામીજીને વિશેષ સંબંધો હતા. પ્રો. રાઈટે વિશ્વધર્મ પરિષદનો દરવાજો ખોલી આપ્યા પછી, સ્વામીજી બોસ્ટનથી શિકાગો ગયા ત્યારે, પ્રો. રાઈટે પોતાના મિત્ર પર લખી આપેલો ભલામણ પત્ર ખોઈ નાખનાર અને પરેશાન થઈ જનાર સ્વામીજીને પોતાના ઘરમાં આશ્રય આપી, સ્વામીજીને સ્વસ્થ થવાની પૂરી સગવડ આપી, એમને શિરામણ આપી, ધર્મ પરિષદને દ્વારે સુખરૂપ પહોંચાડનાર શ્રીમતી મેરી હેય્‌લ હતાં. પોતાના પત્રોમાં શ્રીમતી હેય્‌લને સ્વામીજી ‘ડિયર મધર’ ૧૮ તરીકે અને, એમના પતિ જ્યોર્જ હેય્‌લને ‘ફાધર પોપ’ તરીકે સંબોધે છે. કારણ સ્પષ્ટ છે. ભૂલા પડેલા યુવાન સ્વામીજીની કાળજી તેમણે માતૃવાત્સલ્યથી લીધી હતી. ઘણા લાંબા સમય સુધી, પરિભ્રમણશીલ સ્વામીજીનું અમેરિકાનું કાયમી સરનામું ‘૫૪૧ – ડિયર બોર્ન એવન્યુ, શિકાગો’ હતું અને ભારતથી જતાં મોટાં મોટાં પાર્સલો પણ પહેલાં ત્યાં જતાં અને ત્યાંથી એ સ્વામીજીને પહોંચાડવામાં આવતાં.

શ્રીમતી હેય્‌લ પરના એક પત્રમાં ‘સ-સેનેય્‌ટર પ-પામર’ લખી એ થોથવાતા સાંસદની મજાક પણ ઉડાવે છે. હેય્‌લ દંપતીની પુત્રીઓ સ્વામીજીની નાની, લાડકી બહેનો બની જાય છે. એ ‘ડિયર બેય્‌બીઝ’ પરના એક પત્રમાં સ્વામીજી આનંદની કેવી તો છોળો ઉડાડે છે! ‘વાહ અહીંનું હવામાન કેટલું સરસ અને શીતળ છે અને, ચાર મોટી કુંવારકાઓને ત્યાં આકરી ગરમીમાં શેકાતી, તળાતી હોવાનો વિચાર કરું છું ત્યારે, એ શીતળતા સોગણી વધી જાય છે, વ્હુ ઉઉઉઉઉ!’ ૨૦

હેય્‌લ કુટુંબનાં બધાં સભ્યો સાથેની સ્વામીજીએ સાધેલી આત્મીયતા આ પત્ર – અને આવા પત્રો – સૂચવે છે. કુ. મેરી હેય્‌લ પરનો આ પત્ર એ પણ સૂચવે છે કે, એ લખાયો તે કાળે સ્વામીજી સ્વસ્થ, ચિંતામુક્ત અને અંતરથી પૂરા પ્રસન્ન હતા. એમની સ્વસ્થતા વાતવાતમાં ડગી જાય તેવા એ ન હતા અને પોતાના ચિત્ત પર પોતે પૂરો સંયમ જાળવી શકતા હતા તે આલાસિંગા પરના એમના પ્રથમ પત્રમાં પૂરું પ્રતિબિંબિત થાય છે. જીવનમાં આહાર-વ્યવહારની પૂરી અનિયમિતતા, સતત પરિભ્રમણ અંગે બદલાતા હવામાનની અસર, પ્રવચનો, વર્ગો, ઇત્યાદિની અથાક પ્રવૃત્તિ, મુલાકાતીઓનો ત્રાસ અને આ બધાંને પરિણામે દેહમાં માંદગીનો પ્રવેશ, કુ. મેરી પરનો આ પત્ર દાખવે છે તેમ, સેંકડો જોજન દૂર હતો.

કુ.મેરી સાથેનું આ નૈકટ્ય સ્વામીજીએ કુ. મેરીને પદ્યમાં ૨૧ લખેલા એક પત્રના કુ. મેરીએ પદ્યમાં જ આપેલા ઉત્તરમાં આનંદદાયક રીતે જોવા મળે છે. પોતાના ઉત્તરનો આરંભ નીચેની પંક્તિઓથી એ કરે છે :

ચિંતને, શબ્દમાં એને સ્વામી છો મ્હાત દે કરી,
છંદનાં બંધને સ્વામી મુંઝાયે છે ફરી ફરી. ૨૨

ઈ.સ. ૧૮૯૬ના ૧૪મી એપ્રિલે, લંડન જવા માટે ન્યુયોર્ક છોડતાં પહેલાં જવાને આગલે દિવસે ‘હું જહાજે બેસું છું,’ એમ સ્વામીજી તેને લખે છે ૨૩ અને, છઠ્ઠે દિવસે, ઈંગ્લેન્ડને કાંઠે પગ મૂક્યા પછી, ૨૭મી એપ્રિલે, ‘બીજે તટેથી અભિનંદન’ પાઠવે છે, જાણે કે મેરી પોતાની સગી નાની બહેન છે. ૨૪

બાબુ પ્રમદાદાસ મિત્ર સાથે સ્વામીજીને પૂર્વ-પરિચય હોય એમ જણાતું નથી. ખેતડીના મહારાજા, એમના દીવાનસાહેબ, લીંબડીના ઠાકોર સાહેબ, જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈ ઈ. સૌ મહાનુભાવો સાથે પરિચય સ્વામીજી તેમને સૌને મળ્યા તે પછી જ થયો હતો. એ લોકો પરના પત્રોમાં થોડી ઔપચારિકતા હોયજ તે તદ્દન સ્વાભાવિક છે પરંતુ, એ દરેક વ્યક્તિ પરના પત્રમાં, ઔપચારિકતાથી પર ઊભરતું સ્વામીજીનું વિરાટ વ્યક્તિત્વ નિખરે છે.

સ્વામીજીની પત્રધારા ઝીલનારો બીજો મોટો વર્ગ એમના ગુરુભાઈઓનો છે. વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે એમને લખાયેલા પત્રોની સંખ્યા સોને આંબે છે. છ ગુરુભાઈઓ કેટલાક વ્યક્તિગત પત્રો મેળવે છે ને બાકીના બધા સમૂહ સંબોધનવાળા છે.

ભારતમાંના પોતાના પરિભ્રમણના આરંભમાં સ્વામીજીએ ૩ પત્રો સ્વામી અખંડાનંદને, ૨૫ સ્વામી શારદાનંદને ૨૬ અને સ્વામી અભેદાનંદને ૨૭ લખ્યા હતા (૧૮૯૭માં). પછી પોતાની જાતને એટલી તો અલગ તારવી લીધી હતી કે, જાણે કે, સંબંધહીનતાની ગગનભેદી દીવાલ ચણાઈ ગઈ હતી. એ દીવાલ સને ૧૮૯૪ના માર્ચની ૨૧મી તારીખે, ગુરુભાઈ રામકૃષ્ણાનંદને શિકાગોથી લખેલા પત્રે ૨૮ કડડભૂસ કરી. ‘આ દેશમાં આવ્યા પછી મેં તમને પત્ર લખ્યો નથી’, એમ સ્વામીજી એકરાર કરે છે. અમેરિકા આવ્યે નવ મહિના થયા પછીના એ પત્રમાં, સ્વામીજી ત્યાંની ગાત્રો ગાળી નાખતી ઠંડીની વાત કરતાં કહે છે કે, ‘શિયાળામાં બધાં નદીનાળાં ઠરીને ઠીકરું થઈ જાય અને એ થીજેલા હિમ પર મહાકાય હાથી પણ આસાનીથી ચાલી શકે. ભયંકર વેગથી પડતાં નાયગરા ધોધનાં વારિ પણ થીજી જઈને આરસ જેવાં લાગે.’ અને ગમ્મત કરતાં સ્વામીજી ઉમેરે છે કે, ‘મને ભયંકર ડર હતો કે મારાં નાકકાન ખરી પડશે. પણ આજના દિવસ સુધી તો તે પોતાની જગ્યાએ છે.’ ૨૯

અમેરિકાનું ઉચ્ચ જીવનધોરણ, કડકડતી ટાઢમાં પણ ઉષ્ણતા આપતાં હુંફાળાં ઘર, ‘કલા કારીગરીમાં અમેરિકનોનું કૌશલ, મોજમજા માણવામાં એમની અગ્રેસરતા પૈસો રળવામાં અને વાપરવામાં તેમનો પહેલો નંબર.’ અમેરિકા વિશે આવી અનેક માહિતીથી એ લાંબો પત્ર ભરપૂર છે. અને ‘પ્રથમ એકદમ ઉષ્માભર્યા હતા તેમાંથી વિવેકાનંદે મેળવેલા ઝળકતા વિજયને લઈને, બ્રાહ્મસમાજી નેતા, મજમુદાર પ્રતાપ ‘મનમાં દ્વેષભર્યા’ કેવી રીતે બની ગયા તે બાબતનો પણ ઉલ્લેખ આ પત્રમાં છે. ૩૦

આ પત્રમાં, કન્યાકુમારી સામેના સમુદ્રસ્થિત ખડક પરની પોતાની અનુભૂતિ ઉપર સ્વામીજી પાછળ દૃષ્ટિપાત કરે છે, ભારતના પુનરુદ્ધારનું સૂચન કરે છે અને પોતાના ગુરુભાઈ શશી-સ્વામી રામકૃષ્ણાનંદને કહે છે કે, ‘આ સર્વને લઈને પણ, ખાસ કરીને દેશવાસીઓના દારિદ્ય્રને અને અજ્ઞાનને લઈને મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી.’

પરંતુ આ લાંબા, વિગતપ્રચુર પત્રમાં એક બાબતના ઉલ્લેખનો સદંતર અભાવ આપણું ધ્યાન ખેંચે છે. એ બાબત છે છ મહિના પૂર્વે, ૧૮૯૩ના સપ્ટેમ્બરમાંની વિશ્વધર્મ પરિષદમાં પોતાને મળેલી ઝળહળતી ફતેહનો, પોતાને વરેલી કીર્તિનો. લાભાલાભો જયાજયૌમાંનું સ્વામીજીનું સમદર્શિત્વ આમાં પૂરું પ્રતિબિંબિત થાય છે. છપાયેલાં પૂરાં છ પાનાંની લંબાઈનો આ વિગતસભર પત્ર સ્વામીજીના મહાન, અનેક મુખી વ્યક્તિત્વનાં વિવિધ પહેલુઓ રજૂ કરે છે; એમની અદ્‌ભુત વર્ણનશક્તિ, એમના હૃદયનું પાવિત્ર્ય, ગુરુભાઈઓ પ્રત્યેનો સ્નેહ, આટલે અંતરેથી પોતાનાં સુખદુ:ખમાં તેમને સહભાગી બનાવવાની ઇચ્છા, તદ્દન અજાણ્યા દેશમાં, અજાણ્યા વાતાવરણમાં, અજાણ્યા લોકોની સાથે વસવામાં અને એ દેશની રહનસહન સાથે સર કરે છે! અને પોતાની વિનોદવૃત્તિને પણ એ જાકારો આપતા નથી.

બધા ગુરુભાઈઓને સંબોધીને પહેલો પત્ર ૩૧ ૧૮૯૪ના ઓગસ્ટમાં લખાયેલો લાગે છે. ‘પ્રિય ભાઈઓ (ડિયર બ્રધર્સ)’ સંબોધનથી આરંભના આ પત્રનું પહેલું વાક્ય છે : ‘આ અગાઉ તમને મેં પત્ર લખ્યો હતો પણ, સમયને અભાવે એ અધૂરો રહ્યો હતો.’ દુર્ભાગ્યે આ પત્ર આજ સુધી સાંપડ્યો નથી.

આ પત્રમાં સ્વામીજીના વ્યક્તિત્વનું વિશિષ્ટ પાસું પ્રગટ થાય છે. પોતાના ગુરુભાઈઓને માર્ગદર્શન આપવાની જવાબદારી એમના ગુરુ શ્રીરામકૃષ્ણે સ્વામી વિવેકાનંદને સોંપી હતી. સ્વામીજીના આ પત્રમાં એમનું ક્ષાત્ર લોહી તપી ઊઠતું જણાય છે, ૩૨ માત્ર પૂજોપચારને અને દયાની ખોટી ખોટી લાગણીને અપાતા અગત્ય પર સ્વામીજી પોતાનો પુણ્યપ્રકોપ ઠાલવે છે ૩૩ અને, આને અનુસરવાને બદલે, એ ગુરુભાઈઓએ શું શું કરવું જોઈએ તે વિશે તેમને અનુરોધ કરે છે. ૩૪ અગાઉ ઉલ્લેખિત પત્રોમાંનો માર્મિક વિનોદને સ્થાને સ્વામીજી કટાક્ષની કટારનો ઉપયોગ કરે છે.

પોતાના ગુરુભાઈઓને સ્વામીજીએ લખેલા લગભગ ૧૦૦ જેટલા પત્રોમાંથી ૪૦ જેટલા પત્રો કંપ્લીટ વર્ક્‌સના ૬ઠ્ઠા વોલ્યુમમાં સમાવિષ્ટ છે. ઉપર ઉલ્લેખેલો પત્ર ૪૫મો તારીખનો નિર્દેશ કરતો નથી. ૩૫ અને તે પછીનો ૫૬મો પત્ર પણ ચોક્કસ તારીખના કે સ્થળના નિર્દેશ વગરનો છે. સરનામાંનો પણ નિર્દેશ નથી. બેઉ પત્રો લગભગ સરખા જ છે. બંનેમાં પોતાના ગુરુભાઈઓને સ્વામીજી કાર્યદિશા ચીંધે છે અને સંસ્થાની આવશ્યકતા પર ભાર મૂકે છે. જેથી વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકાય. સેવાકાર્ય કરવાનો અનુરોધ સ્વામીજી ગુરુભાઈઓને કહે છે, કઠ ઉપનિષદનો પોતાનો પ્રિય શ્લોક – ઉત્તિષ્ઠત જાગ્રત … – ટાંકી સ્વામીજી ભારપૂર્વક કહે છે કે, ‘… જે રામકૃષ્ણનું સંતાન છે તે, પોતાના હિતનો વિચાર નથી કરતું.’ ૩૬ એ ‘વેરી ફન્ની કંટ્રી’ (ખૂબ ગમ્મતદાયક દેશ)માંના ઉનાળુ જીવનનો ચિતાર પણ સ્વામીજી આપે છે.

આ ૬ઠ્ઠા વોલ્યુમમાં જ સ્વામી અખંડાનંદ પરના સુંદર પત્રમાં, ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ’ એ પ્રખ્યાત ઔપનિષદિક મંત્રમાં સ્વામીજી અદ્‌ભુત ઉમેરો કરે છે. ૩૭ ‘દરિદ્ર દેવો ભવ, મૂર્ખ દેવો ભવ’ અને એ રીતે, એ પ્રાચીન મંત્રને અર્વાચીન સંદર્ભમાં મૂકે છે. સ્વામીજીની અસાધારણ પ્રતિભાનું એ દ્યોતક છે. સ્વામીજી વિરચિત આ મંત્ર ૧૮૯૭માં સ્થપાયેલા રામકૃષ્ણ મિશનનું બીજ બન્યો હતો અને એમાંથી, કુદરતી આફતોના ભોગ બનતાં અનેકાનેક લોકોની સહાયે દોરી જવાની ધમધમતી મિશનપ્રવૃત્તિના વટવૃક્ષરૂપે એ ફૂલ્યો ફાલ્યો છે. મોરબીની પૂર હોનારત, ૧૯૯૮નું વિનાશક વાવાઝોડું અને, ૨૦૦૧નો ભીષણ ધરતીકંપ – આ ભયાનક આફતો પછી મિશને લોકોને ફરી બેઠા થવામાં જે સહાય કરી છે તે ઉઘાડી આંખે દેખાય તેવું છે.

ઈ.સ. ૧૮૯૪ના આરંભ (?)માં શશી-સ્વામી રામકૃષ્ણાનંદ – પરના પત્રમાં સ્વામી બ્રહ્માનંદની ખાસ કાળજી લેવા સ્વામીજી અનુરોધ કરે છે કારણ, ‘રાખાલ અને હરિ શ્રીરામકૃષ્ણના પ્રેમના વિશિષ્ટ અધિકારીઓ હતાં. સ્વામી બ્રહ્માનંદ પર લખેલા એક પત્રમાં સ્વામીજી અખંડાનંદના દુષ્કાળ રાહત કાર્યોની પ્રશંસા કરે છે. ૩૮ સ્વામી બ્રહ્માનંદ પરના લગભગ ૩૫ જેટલા પત્રોમાં સ્વામીજીના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં જોવા મળે છે. બંને સમવયસ્કો છે, બંને ગુરુના લાડકા છે પણ બંનેનાં વ્યક્તિત્વોમાં તફાવત છે. ‘શ્રીરામકૃષ્ણે ચીંધેલા માર્ગથી જરી પણ ચાતરવાનું નથી એમ, આકરા શબ્દોમાં હું કહું છું.’ ૩૯ ૧૯૦૨ની ૨૪મી ફેબ્રુઆરીનો સ્વામીજીનો પત્ર કેવળ નાની પહોંચરૂપે છે પરંતુપત્ર વ્યવહારની શિથિલતાથી અને ઢીલથી સ્વામીજીની નાખુશી સ્પષ્ટ જોવા મળે છે.૪૦

સંદર્ભો

૧. કંમ્પલીટ વર્ક્‌સ ઑફ સ્વામી વિવેકાનંદ, વૉ.૫, પૃ.૧૧
૨. એજન, પૃ.૧૯
૩. એજન, પૃ.૨૦
૪. એજન, પૃ.૧૯
૫. એજન, પૃ.૨૦ જ
૬. એજન, પૃ.૨૧
૭. એજન, પૃ.૫૨
૮. એજન, પૃ.૫૩
૯. એજન, પૃ.૫૩
૧૦. એજન, પૃ.૫૫
૧૧. એજન, પૃ.૬૭
૧૨. એજન, પૃ. ૬૭
૧૩. કંમ્પલીટ વર્ક્‌સ ઑફ સ્વામી વિવેકાનંદ, વૉ.૯, પૃ.૯
૧૪. કંમ્પલીટ વર્ક્‌સ ઑફ સ્વામી વિવેકાનંદ, વૉ.૬, પૃ.૪૨૩
૧૫. કંમ્પલીટ વર્ક્‌સ ઑફ સ્વામી વિવેકાનંદ, વૉ.૯, પૃ.૧૮૦
૧૬. એજન, પૃ.૬૮
૧૭. એજન, પૃ.૧૭૪
૧૮. એજન, પૃ.૭
૧૯. એજન, પૃ.૧૩
૨૦. કંમ્પલીટ વર્ક્‌સ ઑફ સ્વામી વિવેકાનંદ, વૉ.૮, પૃ.૩૧૭
૨૧. એજન, પૃ.૧૬૨-૬૪
૨૨. એજન, પૃ.૧૬૫
૨૩. એજન, પૃ.૩૭૬
૨૪. એજન, પૃ.૩૭૭
૨૫. કંમ્પલીટ વર્ક્‌સ ઑફ સ્વામી વિવેકાનંદ, વૉ.૫,પૃ.૨૨૪,૨૩૩,૨૩૪
૨૬. કંમ્પલીટ વર્ક્‌સ ઑફ સ્વામી વિવેકાનંદ, વૉ.૬,પૃ.૨૪૨,૩૫૯
૨૭. એજન, પૃ.૨૩૩
૨૮. એજન, પૃ.૨૫૦
૨૯. એજન, પૃ.૨૫૧
૩૦. એજન, પૃ.૨૫૨
૩૧. એજન, પૃ.૨૬૩
૩૨. એજન, પૃ.૨૬૩
૩૩. એજન, પૃ.૨૬૩
૩૪. એજન, પૃ.૨૬૫-૬૬
૩૫. એજન, પૃ.૨૮૭
૩૬. એજન, પૃ.૨૯૫
૩૭. એજન, પૃ.૨૮૮
૩૮. એજન, પૃ.૪૦૩
૩૯. એજન, પૃ.૨૬૩
૪૦. કંમ્પલીટ વર્ક્‌સ ઑફ સ્વામી વિવેકાનંદ, વૉ.૫, પૃ.૧૭૮

Total Views: 85

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.