ભાવિ ભારત

પરંતુ ધ્યાનમાં રાખજો કે જો તમે એ આધ્યાત્મિકતાને છોડી દેશો, પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિની પાછળ દોડવા જતાં એને તરછોડી દેશો, તો પરિણામ એ આવશે કે ત્રણ પેઢીની અંદર, તમે એક પ્રજા તરીકે પૃથ્વીના પટ પરથી ભુંસાઈ જશો; કારણ કે જે પ્રજાનો મેરુદંડ ભાંગી ગયો હોય, જે પાયા ઉપર રાષ્ટ્રીય ઈમારતનું ચણતર થયેલું હોય છે તે પાયા જો મૂળમાંથી ખોદાઈને પોલા પડી ગયા હોય, તો પરિણામે એ પ્રજાનો સર્વનાશ થાય છે, પ્રજા મૃતપ્રાયઃ બને છે.

એટલા માટે, મારા બંધુઓ! એમાંથી બહાર નીકળવાનો રસ્તો એ છે કે આપણા પ્રાચીન પૂર્વજો પાસેથી પરંપરા દ્વારા આપણને સોંપાયા કરતી એ અમૂલ્ય ભેટરૂપી આધ્યાત્મિકતાને આપણે મજબૂત રીતે પકડી રાખવી જોઈએ. એટલા માટે આધ્યાત્મિકતામાં તમને શ્રદ્વા હો યા ન હો, પરંતુ રાષ્ટ્રીય જીવનની ખાતર તમારે આધ્યાત્મિકતાને એક હાથે પકડી જ રાખવાની છે, તેને વળગી જ રહેવાનું છે. ત્યાર પછી જ બીજો હાથ લાંબો કરીને બીજી પ્રજાઓ પાસેથી મળે તેટલું બધું મેળવો.પરંતુ એ બધું પણ પેલા એક માત્ર જીવનના આદર્શથી નીચી કક્ષાએ જ રાખવાનું છે. એમાંથી જ એ અદ્ભુત, મહિમાવંતું ભાવિ ભારત બહાર આવશેઃ અને મારી તો ખાતરી છે કે પૂર્વે કદીયે હતું તેના કરતાં મહાન ભારત અવતરી રહ્યું છે. પ્રાચીન કાળમાં હતા તે બધા કરતાં વધુ મહાન ઋષિઓ નીકળી આવવાના છે. ત્યારે તમારા પૂર્વજોને સંતોષ થશે એટલું જ નહીં, પરંતુ મારી ખાતરી છે કે પિતૃલોકમાં રહ્યા રહ્યા તેઓ નીચે નજર નાખીને જરૂર ગર્વ અનુભવશે કે આપણા વંશજો આવા મહાન, પ્રભાવશાળી પાક્યા છે! માટે મારા ભાઈઓ! ચાલો આપણે સૌ કામે લાગી જઈએ. આ સમય સૂઈ રહેવાનો નથી. આપણા કાર્ય ઉપર ભાવિ આગમનનો આધાર છે. મા ભારતી તૈયાર થઈને રાહ જોઈ રહી છે. એ માત્ર સુષુપ્ત દશામાં પડેલી છે.

ઊઠો, જાગો અને આ આપણી ભારતી મૈયાને પુનરુત્થાન પામેલી, પૂર્વે હતી તેના કરતાંય વધુ પ્રતાપી, પોતાના સનાતન સિંહાસન પર અહીં જ બીરાજમાન થયેલી નિહાળો.

(‘જાગો હે ભારત!’માંથી, પૃ. ૧૦-૧૧)

Total Views: 232

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.