પ્રાચીન ભારત પોતાના બે આગેવાન વર્ણો, બ્રાહ્મણો અને ક્ષત્રિયોની મહત્ત્વાકાંક્ષી યોજનાઓનું સૈકાઓ સુધી સમરાંગણ બની રહ્યું હતું. એક બાજુ પ્રજાને પોતાનું કાયદેસરનું ભક્ષ્ય જાહેર કરનાર રાજાઓના નિરંકુશ સામાજિક જુલમની આડે પુરોહિતવર્ગ ઊભો હતો. બીજી બાજુએ પુરોહિતવર્ગના આધ્યાત્મિક જુલમ અને લોકોને પકડમાં રાખવા માટે ઘડાતા ક્રિયાકાંડોમાં સતત થયા કરતા ફેરફારોની આડે કંઈક પણ સફળતાપૂર્વક ઝઝૂમનારું એકમાત્ર બળ-ક્ષત્રિયશક્તિ હતું. (૫.૨૫૫) જ્યારે ધાર્મિક ક્રિયાઓ અને યજ્ઞાદિ જેવા નિષ્પ્રાણ કર્મકાંડોનો બોજો અતિશય ભારે પડવા લાગ્યો ત્યારે દાર્શનિક વિચારો પહેલવહેલા સ્ફુરવા લાગ્યા; આ પ્રાણઘાતક કર્મકાંડોની જાળ તોડીને બહાર આવનારાઓમાં ક્ષત્રિયો પહેલા હતા. (૯.૨૭૩)… આ ખેંચતાણ આપણી પ્રજાના ઇતિહાસના આરંભ કાળમાં જ ચાલુ થઈ; શ્રુતિઓમાં સર્વ સ્થળે આ ખેંચતાણ સ્પષ્ટ રીતે પારખી શકાય છે. (૫.૨૫૫)

વળી બીજા કેટલાક જેઓ બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને વર્ણમાંથી ઊતરી આવેલા હતા તેઓ કર્મકાંડીઓ તેમજ દાર્શનિકો બંનેની સમાન રીતે મજાક ઉડાવતા, આધ્યાત્મિકતાને જૂઠાણું, છેતરપિંડી અને પુરોહિતોના ધંધા તરીકે વગોવતા, અને સંસારના સુખોપભોગોને જ જીવનનું સર્વોચ્ચ ધ્યેય ગણતા. કર્મકાંડથી કંટાળી ગયેલી અને દાર્શનિકો સામે નવાઈ પામીને તાકી રહેલી સામાન્ય જનતા આ ભૌતિકવાદીઓના પંથમાં ભળી. ભારતની અંદરની જ્ઞાતિપ્રથા તથા પેલા કર્મકાંડી બ્રાહ્મણો, દાર્શનિક ક્ષત્રિયો અને ભૌતિકવાદી ચાર્વાકો વચ્ચેના ત્રિમુખી સંગ્રામની શરૂઆત અહીંથી થઈ; એ સંગ્રામ આજ દિવસ સુધી વણઊકલ્યા કોયડા તરીકે ચાલુ છે. આ મુશ્કેલીનો નિકાલ લાવવાનો પ્રથમ પ્રયાસ સમત્વદર્શનનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો. એ સિદ્ધાંતે અતિ પ્રાચીન કાળથી જ પ્રજાને ભેદોની અંદર વિવિધ સ્વરૂપે રહેલું એક જ સત્ય છે એ દૃષ્ટિનો ઉપદેશ આપ્યો હતો. આ વિચારપ્રણાલીના મહાન નેતા શ્રીકૃષ્ણ પોતે જાતે ક્ષત્રિય હતા; તથા તેમણે ઉપદેશેલી ગીતા. (૯.૨૭૪) જોકે એથી તત્પુરતો અસંતોષ શમી ગયો. પરંતુ તેનાં કારણોમાં રહેલી સામાજિક જરૂરિયાતો – વર્ણવ્યવસ્થામાં અગ્રગણાવાનો ક્ષત્રિયોનો દાવો અને બ્રાહ્મણોની સર્વોપરિતા સામે પ્રજાની અસહિષ્ણુતા – એ બેનો સંતોષકારક કાયમી નિકાલ આવ્યો નહિ. શ્રીકૃષ્ણે આધ્યાત્મિક જ્ઞાન અને તેની પ્રાપ્તિના દરવાજા સ્ત્રીપુરુષના કે વર્ણના ભેદ વિના સૌ કોઈને માટે ખુલ્લા મૂકી દીધા, પરંતુ સામાજિક બાજુએ એ જ પ્રશ્નને વણઊકલ્યો જ રહેવા દીધો. (૯.૨૭૪) … આજનું ભારત બધા લોકોની આધ્યાત્મિક સમાનતા સ્વીકારે છે, પરંતુ સામાજિક ભેદભાવ તો કડક રીતે પાળે છે. આમ આપણે જોઈએ છીએ કે ઈસવી સન પૂર્વે સાતમી સદી સુધી આ ગજગ્રાહ એ જ રીતે ચાલુ રહ્યો; અંતે શાક્ય મુનિ બુદ્ધે ઈસવી સન પૂર્વે છઠ્ઠી સદીમાં પ્રાચીન વ્યવસ્થાને ઉથલાવી પાડી. વિશિષ્ટ હકવાળા બ્રાહ્મણધર્મના વિરોધમાં બૌદ્ધોએ વેદોના પ્રાચીન યજ્ઞયાગનો એકેએક અંશ ભૂંસી નાખ્યો, વેદોના દેવોને પોતાના માનવ મહાપુરુષોના તાબેદાર સેવકો જેવા બનાવી દીધા, તેમજ ‘જગત્કર્તા અને વિશ્વનિયંતા’ની માન્યતાને એક વહેમ અને પુરોહિતપણાની શોધ તરીકે વખોડી કાઢી. (૯.૨૭૪-૭૫)

આ ઊથલપાથલ બૌદ્ધધર્મના સુધારા તરીકે ઓળખાય છે. ધાર્મિક ક્ષેત્રમાં એણે કર્મકાંડમાંથી મુક્તિ અપાવી તથા રાજકીય ક્ષેત્રમાં એણે ક્ષત્રિયોને હાથે પુરોહિતોના પ્રભાવનો પરાભવ કર્યો. (૫.૨૫૬)

એ એક સૂચક હકીકત છે કે પ્રાચીન ભારતે પેદા કરેલા બે મહાનમાં મહાન માનવો-કૃષ્ણ અને બુદ્ધ-બંને ક્ષત્રિયો હતા; અને એથીયે વધુ સૂચક હકીકત તો એ છે કે આ બંને ઈશ્વરાવતારોએ જન્મ કે લિંગભેદ વિના સૌ કોઈને માટે જ્ઞાનના દરવાજા સાવ ખુલ્લા મૂકી દીધા. (૫.૨૫૬)

— સ્વામી વિવેકાનંદ
(નોંધ : કૌંસમાં દર્શાવેલ આંકડાં સ્વા.વિ.ગ્રં.મા. અને તેના પૃષ્ઠક્રમાંક બતાવે છે.)

Total Views: 110

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.