ભગવાન બુદ્ધના ઉપદેશો

* ક્રોધને છોડી દેવો. અહંકારને છોડી દેવો. તમામ બંધનોને દાબી દેવાં. જે મનુષ્ય આ નામરૂપ અને રૂપમય જગતમાં કોઈ પ્રકારે લાલચ રાખતો નથી અને અકિંચન છે, તેના ઉ૫૨ દુઃખો પડતાં નથી.

* તોફાને ચડેલા રથની પેઠે ઉછાળા મારતા ક્રોધને જે પોતાને તાબે કરી શકે, તે જ ખરો સારથિ (૨થ હાંકનારો) છે. બાકી બીજા તો ખાલી રાશને પકડી રાખનારા છે.

* અક્રોધ વડે ક્રોધને જીતવો, સાધુતા વડે અસાધુતાને જીતવી, દાન વડે કંજૂસાઈને જીતવી અને સત્ય વડે અસત્યવાદીને જીતવો.

* સાચું બોલવું, ક્રોધ ન કરવો, કોઈ માગે તો થોડામાંથી પણ આપવું – આ ત્રણ જાતની પ્રવૃત્તિઓને લીધે દેવો પાસે પહોંચી શકાય છે.

* હે અતુલ! આ વાત જૂની છે – આજકાલની નથીઃ લોકો મૂંગા બેસી રહેનારાને નિંદે છે, બહુ બોલનારાને નિંદે છે, અને ઓછું બોલનારાને પણ નિંદે છે. જગતમાં કોઈ અનિંદિત નથી.

* જે મનુષ્ય નફ્ફટ છે, બીજાનાં યશકીર્તિનો નાશ ક૨નારો છે, ઘૂસણિયો છે, અને વિશેષ પ્રકારે ક્લેશ ક૨નારો છે, તેને આ પ્રપંચમય સંસારમાં જીવવું સહેલું પડે છે.

* જે મનુષ્ય નમ્ર છે, પવિત્રતાની સદા ખેવના ક૨નારો છે, સાવધાન છે, નરમ છે અથવા નમ્રતાવાળો છે, પોતાની આજીવિકાને શુદ્ધ રીતે ચલાવે છે અને જોઈ – વિચારીને ચાલનારો છે, તેને આ પ્રપંચમય સંસારમાં જીવવું કઠિન થઈ પડે છે.

* જે મનુષ્ય જીવોને મારે છે, ખોટું બોલે છે, ચોરી કરે છે અને પરદારાગમન કરે છે, ને જે મનુષ્ય દારૂ અને સરકો પીવામાં રચ્યોપચ્યો રહે છે, તે આ લોકમાં જ પોતાના આત્માનાં મૂળ ખોદે છે.

* હે પુરુષ! એ બધી પાપમય પ્રવૃત્તિઓ ઉપર સંયમ નહિ રાખવામાં આવે તો ઉપર કહ્યું તે પ્રમાણે જ કડવાં ફળ નીપજશે. માટે તારી જાતને દુઃખી ક૨વા સારુ લોભ અને અધર્મ તને વધારે લાંબા સમય સુધી પોતાની ભઠ્ઠીમાં ન પકવે તે વિશે ધ્યાન રાખ.

* એક માણસ પોતાની શ્રદ્ધા પ્રમાણે અને મનની પ્રસન્નતા પ્રમાણે છૂટથી દાન આપે છે, ત્યારે બીજો માણસ બીજાઓને ખાવાપીવાની વસ્તુઓનું છૂટથી ક૨વામાં આવતું દાન જોઈને કોચવાય છે – તેથી તે રાત અને દિવસ શાંતિને પામી શકતો નથી. જે મનુષ્યનું એવું કોચવાવાનું છેદાઈ ગયેલ છે, મૂળ સહિત ઉખડી ગયેલ છે, તે જરૂર રાત અને દિવસ શાંતિને પામી શકે છે.

* રાગ સમાન અગ્નિ નથી, દ્વેષ સમાન સાડીસાતી પનોતી – કઠણાઈ – નથી, મોહ સમાન જાળ નથી અને તૃષ્ણા સમાન નદી નથી.

* બીજાનો દોષ જોવો સહેલો છે, પણ પોતાનો દોષ જોવો વસમો છે. જે માણસ બીજાના દોષોને ભૂંસાની પેઠે ઉપણી બતાવે છે, અને જેમ લુચ્ચો જુગારી પોતાની હારનો દાવ ઢાંકી દે છે – સંતાડે છે તેમ પોતાના દોષોને જે સંતાડી રાખે છે, એ રીતે બીજાના દોષોને જોનારા અને હંમેશાં બીજાની ખોડ કાઢવામાં જ રાચતા તે માણસના દોષો વધ્યા કરે છે અને એવો માણસ દોષના ક્ષયથી દૂર રહે છે અર્થાત્ એવા માણસના દોષો નાશ પામતા નથી.

(‘ધમ્મપદમાંથી સંકલિત)

Total Views: 94

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.