શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ‘રોગીનારાયણસેવા’

રાજકોટ કેન્દ્ર દ્વારા ૧૨મી જાન્યુઆરીએ ૭૮૦ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૩૫૦ દર્દીઓને ચશ્મા અપાયાં હતાં. આ ઉપરાંત ૧૬મી જાન્યુઆરીથી શરૂ થયેલ ‘શ્રીરામકૃષ્ણ ઔષધાલય નેત્રચિકિત્સા કેન્દ્ર’માં ૪૦૨ દર્દીઓને નિષ્ણાત ડોક્ટરો દ્વારા ચકાસવામાં આવ્યા હતા અને ૨૨ દર્દીઓનાં અત્યંત રાહતદરે ઓપરેશન જે તે નિષ્ણાત ડોક્ટરની હોસ્પિટલમાં થયાં હતાં. ત્યાર પછી અત્યાર સુધીમાં ૭૭૧ દર્દીઓને આંખની સારવાર નિષ્ણાત ડોક્ટરો દ્વારા આપવામાં આવી છે અને ૬૭ દર્દીઓનાં આંખનાં ઓપરેશન અત્યંત રાહતદરે અને કેટલાક ગરીબ દર્દીઓનાં વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યાં છે.

આ નેત્રચિકિત્સા કેન્દ્રમાં સવારે ૯.૦૦ થી ૧૦.૩૦ દરમિયાન ડો. સંજય ગદ્રે (સોમવાર), ડો. તેજલબહેન મહેતા (મંગળવાર), ડો. દિલીપ અગ્રવાલ (બુધવાર), ડો. કેતન બાવીશી (ગુરુવાર), ડો. અજય મહેતા (શુક્રવાર), ડો. મનોજ ભટ્ટ (શનિવાર) અને ડો. અનુરાગ ઠકરાલ – દરરોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ સુધી પોતાની માનદ સેવાઓ આપે છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આયુર્વેદ ઔષધાલયમાં ૧૦૫૬ જેટલા દર્દીઓએ આયુર્વેદ ચિકિત્સાસેવાનો લાભ લીધો છે. હોમિયોપથી વિભાગમાં ૩૪૯૪ દર્દીઓએ ચિકિત્સાસેવા મેળવી છે. આ ઉપરાંત હાલતાં ચાલતાં દવાખાના દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં – અણિયારામાં ૩૦૩૪ દર્દીઓ, ઢાંઢણીમાં ૨૩૭૦ દર્દીઓ અને જામનગર જિલ્લાના જોડિયા વિસ્તારમાં ૨૩૭૫ દર્દીઓને મફત ચકાસીને વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. 

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ફિઝિયોથેરપી વિભાગનું ઉદ્‌ઘાટન સંપન્ન

અમારા નવનિર્મિત આરોગ્ય ભવનમાં ૩૦ માર્ચ, ૨૦૦૩ રવિવારે સવારે ૧૦.૩૦ વાગ્યે ‘ફિઝિયોથેરપી વિભાગ’નું ઉદ્‌ઘાટન રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી પ્રમાનંદજી મહારાજના વરદ હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે રાજકોટ શહેરના સુપ્રસિદ્ધ ડોક્ટર્સ, સેવાભાવી સંસ્થાઓના વડા, ભક્તજનો, રામકૃષ્ણ-વિવેકાનંદના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્રમાં સેરેબ્રલ પાલ્સી બાળકો પણ હાજર સારી એવી સંખ્યામાં રહ્યા હતા. સેરેબ્રલ પાલ્સી બાળકોની સારવાર માટે શાંતવન ફાઉન્ડેશનનો સાથસહકાર સાંપડ્યો છે. ‘રોગીનારાયણની સેવા’ના આદર્શને ધ્યાનમાં રાખીને શરૂ થયેલા અમારા આ વિભાગમાં ૨૫ સેરેબ્રલ પાલ્સી બાળકોની સારવાર થાય છે.

શ્રીરામકૃષ્ણ સેવાકેન્દ્ર, આદિપુરમાં નવનિર્મિત પ્રાર્થનાહોલનું ઉદ્‌ઘાટન

કચ્છના આદિપુરમાં શ્રીરામકૃષ્ણ સેવાકેન્દ્ર દ્વારા નવનિર્મિત પ્રાર્થનાહોલનું મંગલ ઉદ્‌ઘાટન સ્વામી જિતાત્માનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું. આ શુભ પ્રસંગે વિશેષ પૂજા, હવન, ભજન વગેરેનો કાર્યક્રમ રહ્યો.

આદિપુરના બાળકો અને નાગરિકોની એક શોભાયાત્રા સવારમાં નીકળી હતી. આદિપુરના વિવિધ વિસ્તારોમાં ફરીને આ શોભાયાત્રા પ્રાર્થનાહોલમાં પહોંચી ત્યારે એ એક સમારોહમાં ફેરવાઈ ગઈ હતી. આ સમારોહમાં અતિથિવિશેષ તરીકે નાયબ કલેક્ટરશ્રી સરવૈયા, શ્રી મહમ્મદ અલી બાપુ, શ્રીમતી અંજના હજારા તેમજ માવજીભાઈ સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા. આ મંદિર દરેક મનુષ્યનું દેવમંદિર બને એવી શુભભાવના સૌએ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ કહ્યું હતું: આજના યુગમાં અનેક માનવીય સમસ્યાઓનો ઉકેલ શ્રીરામકૃષ્ણદેવનાં જીવનસંદેશમાંથી સૌને સાંપડશે. તેમની સર્વધર્મની સાધનાએ સર્વધર્મસમન્વયનું એક નવું દ્વાર ખુલ્લું મૂક્યું છે. શ્રીરામકૃષ્ણદેવનાં મંદિરોમાં નાતજાત, ધર્મસંપ્રદાય કે દેશવિદેશના ભેદભાવોને સ્થાન નથી. અહીં આવીને માનવ વિશ્વમાનવ બને છે. ૨૧મી સદીના અનેક આતંકો અને આપત્તિઓથી સર્વ લોકોને બચાવવા અને એમનું સત્‌કલ્યાણ કરવા માટે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને સૌ કોઈએ પોતાના જીવનમાં ઉતારવાનો યત્કિંચિત પ્રયત્ન કરવો પડશે. મનની શાંતિ, સાર્વત્રિક શાંતિ અને દિવ્ય-આનંદની પ્રાપ્તિ માટે આવાં પ્રાર્થનામંદિરો પવિત્ર સ્થળ બને તેવી મનોકામના તેમણે વ્યક્ત કરી હતી. મુખ્યમહેમાનોએ પણ પોતપોતાનાં પ્રાસંગિક પ્રવચનો આપ્યાં હતાં.

Total Views: 23
By Published On: September 17, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram