મૂળ બંગાળી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ને ૧૦૧ વર્ષ થઈ ચૂક્યાં છે. વિશ્વભરમાં આ ગ્રંથ અમર બની ગયો છે. આ વિષય પર રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિ. ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ અને રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટીશ્રી સ્વામી પ્રભાનંદે અમેરિકામાં બે અંગ્રેજી વાર્તાલાપો આપેલા – ૧. ‘ધી વેદાંત સોસાયટી ઓફ સેંટ લૂઈસ’માં (તા.૨૯-૯-૦૨) અને બીજો ‘ધી વેદાંત સોસાયટી ઓફ સેક્રામેન્ટો’ ખાતે (તા. ૧૧-૯-૦૨)ના રોજ. અહીં એ બંનેનો પી.એમ. વૈષ્ણવે કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. સં.

‘વેદાંત મુવમેન્ટ’ – જે ભારતમાં શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ ભાવધારા તરીકે ઓળખાય છે – તેમાં ‘The Gospel of Sri Ramakrishna’ (શ્રીરામકૃષ્ણ કથામૃત) હંમેશાં કેન્દ્ર સ્થાને રહ્યું છે. વેદાંતના અનુયાયીઓ તેમજ અન્ય વિદ્વાનો દ્વારા પણ તેની ભારોભાર પ્રશંસા થઈ છે. દાખલા તરીકે, આ ગ્રંથમણિ જે વફાદારીપૂર્વક લખાયો છે તેને એક વિદ્વાન ‘સ્ટેનોગ્રાફર જેવી અચૂકતા’ તરીકે નવાજે છે, તો બીજો તેને ‘એક સંતના જીવનનો ઐતિહાસિક દસ્તાવેજ’ કહે છે. અલ્ડસ હક્સ્લી કહે છે : ‘એક પ્રભુભાવમગ્ન વ્યક્તિના દૈનિક જીવનના નાનામાં નાના પ્રસંગો પણ આટલી સમૃદ્ધ અને અંતરંગ રીતે વર્ણવાયેલા અન્યત્ર ક્યાંય જોવામાં આવ્યા નથી.’ એક મહાન ધર્મગુરુએ સહજ રીતે અને વાતવાતમાં આપેલ બોધને, આટલી વિગતવાર વફાદારીપૂર્વક અન્યત્ર ક્યાંય નોંધાયાં નથી.’ આમ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એ ગ્રંથ ઈશ્વરના અવતારનાં જીવન અને ઉપદેશોનો આધારભૂત દસ્તાવેજ છે, અને તે અદ્વિતીય છે.

જેમણે ‘ભગવદ્‌ગીતા’ વાંચી છે તેઓ જાણે છે કે એ કૃતિનો યશ ગાતો એક શ્લોક તેમાં છે :

ગીતાશ્રયે અહં તિષ્ઠામિ મે ચોત્તમમ્‌ ગૃહમ્‌ ।

‘હું ગીતાને આશરે જીવું છું. ગીતા જ મારું શ્રેષ્ઠ ઘર છે.’ તેવી જ રીતે શ્રીરામકૃષ્ણ સર્વવ્યાપી છે, પરંતુ તેઓ ‘કથામૃત’માં વિશેષ રૂપે હાજર છે. હવે તો ઘણા ઘણા લોકો આ મહાન ગ્રંથથી પરિચિત છે. પરંતુ એને અંગેની કેટલીક અગત્યની અને રસિક વાતો છે, જે ઘણા ન પણ જાણતા હોય.

ભારતમાં ‘કથામૃત’ની બંગાળી આવૃત્તિ ખૂબ પ્રચલિત છે. પાંચ પુસ્તકોમાં આવરી લેવાયેલાં આ જીવનચરિત્રનો પ્રથમ ગ્રંથ, ૧૯૦૨ ના રોજ શ્રીરામકૃષ્ણના જન્મદિવસે પ્રકાશિત થયો. આમ, આજે આ ગ્રંથના પ્રકાશનને એક સદી પૂરી થાય છે. પરંતુ પુસ્તકાકારે પ્રસિદ્ધ થતાં પહેલાં જ, તે કેટલાંય સામયિકોમાં શ્રેણીબદ્ધ રીતે પ્રસિદ્ધ થયો હતો. બહુ રસિક બાબત એ છે કે સામયિકોમાં પ્રગટ થયેલા તેના લેખો એટલી બધી લોકચાહના પામ્યા હતા કે કોલકાતા અને તેની આસપાસથી પ્રકાશિત થતાં ૧૭ સામયિકોમાં તેનાં પ્રકરણો છપાયાં હતાં. કેટલીક વાર તો એવું બનતું કે એક જ કથાપ્રસંગ, એકી સાથે ચાર સામયિકોમાં છપાતો. વળી કેટલાંક સામયિકોએ તેના લેખો ફરી ફરીને છાપ્યા હતા. બંગાળી ભાષામાં આમ બનવું એ એક અસાધારણ બાબત ગણાય. પછી તા. ૧લી જાન્યુઆરી, ૧૯૮૩ના દિવસે તેનો ‘કોપીરાઈટ’ સમાપ્ત થતાં જ છ જેટલા પુસ્તકપ્રકાશકોએ પૂરેપૂરી બંગાળી આવૃત્તિ છાપીને પ્રકાશિત કરી. તે દિવસે બીજી એક અસાધારણ ઘટના બની. પ્રકાશનના દિવસે જ આ પુસ્તકની એટલી બધી માગ આવી, લોકોની લાંબી લાંબી કતારો જુદા જુદા ગ્રંથવિક્રેતાઓની દુકાન સામે લાગી ગઈ, અને એક વખત તો લોકોના ટોળાને કાબૂમાં રાખવા પોલિસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તે વખતનાં ખૂબ લોકપ્રિય બંગાળી દૈનિક વર્તમાનપત્રે તો મોટા અક્ષરે હેડલાઈન છાપી જણાવ્યું. ‘કોપીરાઈટની મુદ્દત પૂરી થતાં, કથામૃત પાણીના પૂરની પેઠે ઝડપથી ફેલાઈ રહ્યું છે.’ આ વાક્ય પુસ્તકને મળેલ વ્યાપક આવકાર દર્શાવે છે. મૂળ બંગાળી પુસ્તકનું શીર્ષક છે : ‘શ્રી શ્રીરામકૃષ્ણ કથામૃત’. તેની પહેલાં શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘શ્રી મ.’ કે જેમણે આ પુસ્તકનું સમગ્રતયા આલેખન કર્યું છે, તેમણે શીર્ષક રૂપે ‘શ્રી શ્રીરામકૃષ્ણ લીલામૃત’ એવું નામ પસંદ કરેલું. આ શીર્ષકનો ઉપયોગ એક બંગાળી સામયિકમાં પણ થયેલો. પછીથી શ્રીમ.એ તેનું શીર્ષક બદલીને ‘શ્રી શ્રીરામકૃષ્ણ કથામૃત’ રાખ્યું. આમ કરવામાં તેમને શ્રીમદ્‌ ભાગવત (૧૦.૩૧.૯)ના આ શ્લોકમાંથી પ્રેરણા મળી હોવી જોઈએ.

તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્‌ ।
શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ યે ભૂરિદા જના: ॥ 

‘તારા શબ્દોનું અમૃત જગતના તાપથી તપ્ત બનેલાંના આત્માને નવજીવન આપે છે. તારા શબ્દો પાપીને પવિત્ર કરે છે અને પવિત્રજનોનું તો તે જીવન છે. આ શબ્દોનું શ્રવણમાત્ર શુભ છે અને શાંતિ આપે છે. જેઓ તારા નામનો દૂર દૂર પ્રસાર કરે છે તેઓ જ સાચા ધનનું દાન કરે છે’. મહેન્દ્રનાથ ગુપ્તનો આ પુસ્તક લખવાનો જે હેતુ હતો તે ઉપરના શબ્દોમાં સ્પષ્ટ રીતે અભિવ્યક્ત થાય છે. પરંતુ આની પહેલાં પણ, આ ગ્રંથની અંગ્રેજી આવૃત્તિનો ઉલ્લેખ કરતાં તેમણે જ “Gospel” શબ્દ વાપર્યો હતો. હકીકતમાં તો આ ગ્રંથ પહેલાં તેમણે અંગ્રેજીમાં લખવાનું શરૂ કરેલું, અને તેમાંના કેટલાક લેખોને તેમણે આપેલું શીર્ષક હતું ‘Leaves from the pages of The Gospel of Sri Ramakrishna’ -શ્રીરામકૃષ્ણના કથામૃતમાંથી કેટલાંક પૃષ્ઠો. પછી લેખકના નામની જગ્યાએ તેમણે એક સુંદર શબ્દગુચ્છનો ઉપયોગ કર્યો. તેમણે લખ્યું, ‘‘શ્રી ‘મ’ નામના પ્રભુના પુત્ર અને શિષ્યના મત પ્રમાણે.’’

અંગ્રેજી શબ્દ “Gospel”ના બે અર્થ છે. તેનો અર્થ સંદેશ પણ થાય છે અને કથાપ્રસંગો પણ થાય છે. બાઈબલમાં પણ સેંટ મેથ્યુના “Gospel”, સેંટ લ્યુકના “Gospel” વગેરેમાં ગોસ્પેલ શબ્દ આવે છે. અને ત્યાં પણ તેનો એ જ અર્થ છે ‘સંદેશ’ તથા કથા (વાર્તા). ‘કથામૃતમ્‌’ શબ્દની બાબતમાં પણ, સંસ્કૃત તેમજ બંગાળી બંનેમાં તેનો અર્થ સંદેશ તથા જીવનચરિત્ર થાય છે. પરંતુ  “Gospel of Sri Ramakrishna” પુસ્તકની અપૂર્વતા એ છે કે આ બધાં ઉપરાંત તેમાં કશુંક વિશેષ છે. તેમાં સંદેશ તથા કથા-પ્રસંગો ઉપરાંત, લેખકે ઉમેરેલ કેટલુંક મૂલ્યવાન લખાણ પણ છે, જેમ કે જ્યારે ગુરુદેવ ઉપસ્થિત ન હોય ત્યારે શ્રી ‘મ’ શ્રીરામકૃષ્ણ અંગે જે ચર્ચા કરતા તેની નોંધો, અથવા ગુરુદેવ અંગે શ્રી ‘મ’નાં અંગત નિરીક્ષણો અને ચિંતનો, અથવા ગુરુદેવે કાંઈ કહ્યું હોય, તેની વિસ્તારથી સમજ આપતું શ્રી ‘મ’નું લખાણ, રામકૃષ્ણના અન્ય ભક્તો સાથેની વાતચીત વિશે લખતાં પહેલાં શ્રી ‘મ’ શ્રીરામકૃષ્ણ જે સ્થળે અને જે લોકો વચ્ચે હોય તેનું તેઓ પ્રથમ વર્ણન આપે છે. તેનાથી ગુરુદેવ જે વાતાવરણ વચ્ચે બેઠા છે તે આખું જીવંત બની ઊઠે છે. તે ઉપરાંત તેમણે ગ્રંથમાં લગભગ ૩૫૦ ભજનોનો સમાવેશ કર્યો છે, તેમાંનાં કેટલાંક શ્રીરામકૃષ્ણે પોતે ગાયેલાં છે, અને કેટલાંક ગુરુદેવની સંનિધિમાં શિષ્યોએ ગાયેલાં છે. પરંતુ આ બધા ઉપરાંત ‘કથામૃત’માં આપણને બીજું કાંઈક પણ મળે છે. ગ્રંથને કાળજીપૂર્વક વાંચતાં તેમાં આપણને શ્રી ‘મ’ની આત્મકથા પણ દેખાય છે. આમાંના કેટલાક મુદ્દા વિશે આગળ કહેવાયું છે.

સૌ પ્રથમ આપણે પુસ્તકનો ટૂંકો ઇતિહાસ જોઈએ. ‘કથામૃત’માંથી જ જાણવા મળે છે કે શ્રી ‘મ’ સૌ પહેલાં શ્રીરામકૃષ્ણને માર્ચ ૧૮૮૨ના એક રવિવારે મળે છે. શ્રીરામકૃષ્ણ તા. ૧૬ ઓગસ્ટ ૧૮૮૬ના રોજ મહાસમાધિ પામે છે. પરંતુ શ્રી ‘મ’ સાથેની તેમની મુલાકાતોનાં વર્ણનો ૨૪ એપ્રિલ ૧૮૮૬ સુધીનાં જ છે. શ્રીરામકૃષ્ણને પ્રથમ મળ્યા ત્યાર પછી થોડા સમયમાં જ, શ્રી ‘મ’એ પોતાની ડાયરીમાં તેમના વિશે લખવાનું શરૂ કર્યું. એક વખત, શ્રીરામકૃષ્ણ દેહરૂપે હતા ત્યારે જ ગિરિશચંદ્ર ઘોષ નામના શ્રીરામકૃષ્ણના ગૃહસ્થભક્તે શ્રી ‘મ’ને તેમની ડાયરી અંગે પૂછ્યું અને શ્રી ‘મ’એ જવાબ આપેલો કે તે માત્ર પોતાના અંગત ઉપયોગ માટે જ છે. તેઓ તેનો ઉપયોગ પણ પોતાની આધ્યાત્મિક ઉન્નતિ માટે કરવા લાગ્યા હતા. શ્રીઠાકુર સાથેની વાતચીતની વિસ્તૃત નોંધ તેઓ દરરોજ રાત્રે કરી લેતા, અને પછી જ્યારે સમય મળે ત્યારે એ ડાયરીમાં નોંધાયેલા મુદ્દાઓ પર મનન કરતા. શ્રીરામકૃષ્ણ સાથેનાં અમુક પ્રસંગનાં દૃશ્ય પર તેઓ વિચાર કરવામાં અને આ દૃશ્ય મનમાં ફરી તાજું કરીને તેના પર મનન કરવામાં તેમને બહુ આનંદ થતો. વાસ્તવમાં તો આધ્યાત્મિક ઉન્નતિ માટેનો આ હિંદુધર્મે કહેલો ભક્તિમાર્ગનો એક પ્રકાર જ છે. પછીથી શ્રી ‘મ’એ કહ્યું હતું કે પ્રત્યેક લીલાપ્રસંગ પર સોએક વાર મનન કર્યા પછી જ તેમણે તેને હાલના પ્રાપ્ત સ્વરૂપે લખ્યો છે.

પરંતુ ૧૮૮૯ની સાલમાં શ્રીઠાકુરની મહાસમાધિ બાદ ‘પરમહંસેર ઉક્તિ’ (પરમહંસના ઉપદેશો) એ શીર્ષક હેઠળ બંગાળીમાં એક પુસ્તક પ્રગટ થયું. તે દિવસોમાં શ્રીઠાકુર ‘પરમહંસ’ તરીકે જાણીતા હતા. પુસ્તકમાં ઉલ્લેખ છે કે તેનું પ્રકાશન સચ્ચિદાનંદ ગીતારત્ને કર્યું છે અને તેમાંની સામગ્રી સાધુ મહેન્દ્રનાથ ગુપ્તે એકત્રિત કરી છે. આ બંને શ્રી ‘મ’નાં જ ગુપ્ત નામો છે. તેમણે પોતાના સાચા નામને પ્રગટ કર્યું નહિ. પુસ્તક ત્રણ ભાગમાં પ્રગટ થયેલું, તેમાંનો છેલ્લો ભાગ ૧૮૯૨માં પ્રકાશિત થયેલો. સ્વામી વિવેકાનંદે પ્રથમ ભાગ વાંચ્યો અને તરત શ્રી ‘મ’ને પત્ર લખી જણાવ્યું, ‘તમે શ્રીઠાકુરને યોગ્ય રીતે પ્રસ્તુત કર્યા છે’. પરંતુ કેટલાંક વર્ષ પછી શ્રી ‘મ’ને લાગ્યું કે તેમાં શ્રીરામકૃષ્ણ સાથેની વાતચીતના પ્રસંગો પણ ઉમેરવા જોઈએ. તેથી તેમણે પુસ્તકને એક નવો જ આકાર આપ્યો. આની હસ્તપ્રતને સૌ પ્રથમવાર સાંભળનાર શ્રી શ્રીમા શારદાદેવી હતાં. ૪ જુલાઈ, ૧૮૯૭ના રોજ તેમણે શ્રી ‘મ’ને એક સુંદર પત્ર લખી જણાવ્યું, ‘તમારા મુખે તેનું વાચન સાંભળતી વખતે જાણે હું શ્રીઠાકુરને જ સાંભળતી હોઉં તેવું લાગેલું.’ શ્રી શ્રીમાએ આ કાર્યમાં શ્રી ‘મ’ને ઘણી મદદ કરી છે. તેમની સહાય વિના આજનું ‘કથામૃત’ પ્રકાશિત થઈ શક્યું ન હોત.

શ્રીરામકૃષ્ણના જીવનને આલેખવાની પોતાની પદ્ધતિ વિશે વર્ષો પછી શ્રી ‘મ’કહેતા, ‘હીરાની તેજસ્વીતા તેની પશ્ચાદ્‌ભૂથી વધુ દીપે છે. આસપાસના જેવા વાતાવરણમાં તે ગોઠવાયો હોય તે મુજબ હીરાની શ્રેષ્ઠતા વધારે કે ઓછી થાય છે.’ (‘શ્રી મ. દર્શન’, ભાગ-૬). શ્રીરામકૃષ્ણને શ્રેષ્ઠ રીતે રજૂ કરવા શ્રી ‘મ’ જુદાં જુદાં સાધનો અપનાવતા, કેટલીક વાર તો પોતાની પ્રખ્યાતિના ભોગે પણ. પરંતુ તેમનો સૌથી આશ્ચર્યકારક ગુણ તેમની સત્યનિષ્ઠા અને વફાદારી હતાં.

આ પછી શ્રી ‘મ’ એ ‘કથામૃત’ને અંગ્રેજીમાં લખવાનું શરૂ કર્યું. તેનો પ્રથમ હપ્તો ચેન્નાઈથી પ્રગટતાં ‘બ્રહ્મવાદિન્‌’ નામના અંગ્રેજી સામયિકમાં ૧૫ ઓક્ટોબર, ૧૮૯૭ના અંકમાં છપાયો. ત્યાર પછીનો ભાગ ડિસેમ્બરમાં કોલકાતાના અંગ્રેજી સામયિક ‘The Dawn’ માં છપાયો. સ્વામી વિવેકાનંદે આ બંને હપ્તા વાંચ્યા અને ખૂબ ખુશ થયા. ૨૪ નવેમ્બર, ૧૮૯૭નો પ્રથમ હપ્તો વાંચ્યા બાદ તેમણે દહેરાદૂનથી લખ્યું, ‘તમારો પ્રયાસ ખૂબ મૌલિક છે. તમે લખો છો એ રીતે અગાઉ કોઈ મહાન ધર્મગુરુનું જીવનચરિત્ર લેખકના મનથી વિકૃત થયા વિના લખાયું નથી… આ વાંચતાં હું ખરેખર એ પુરાણા દિવસોમાં પહોંચી જાઉં છું.’ આવાં પ્રોત્સાહનોથી શ્રી ‘મ’એ સતત લખવાનું ચાલુ રાખ્યું.

પછી એક વિઘ્ન નડ્યું. એવો વાંધો ઉઠાવવામાં આવ્યો કે શ્રીરામકૃષ્ણ તો બંગાળીમાં બોલતા, તો પછી આ બધું પ્રથમ બંગાળીમાં શા માટે ન પ્રગટ કરવું? શ્રી ‘મ’એ તો તરત આ વિચાર સ્વીકારી લીધો અને શ્રેણીબદ્ધ લેખો બંગાળીમાં પ્રગટ થવા લાગ્યા. સાથે ને સાથે પોતાના કેટલાક લેખો, ૧લી મે, ૧૮૯૭ના શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપના બાદ, દર રવિવારે એકત્ર થતા સંન્યાસીઓ તથા બીજા ભક્તો સમક્ષ તેઓ વાંચી સંભળાવતા. તેમના લેખોનું લખાણ સાંભળી, સૌએ તેમને પ્રોત્સાહન આપ્યું. તેથી તેમણે તેમનું પ્રકાશન ચાલુ રાખ્યું. અગાઉ જણાવ્યા પ્રમાણે, આ લેખો માટે ખૂબ માગણીઓ આવવા લાગી, અને તે ઘણાં બંગાળી સામયિકોમાં પ્રગટ થવા લાગ્યા.

શરૂઆતમાં તો આ લેખોને પુસ્તકાકારે પ્રગટ કરવા શ્રી ‘મ’ અચકાતા હતા. પછી શ્રીઠાકુરના એક શિષ્ય અને ‘ઉદ્‌બોધન’ નામના સૌ પ્રથમ સામયિકના તંત્રી સ્વામી ત્રિગુણાતીતાનંદે અત્યાર સુધીમાં બંગાળીમાં પ્રગટ થયેલા બધા લેખો એકઠા કરીને તેને પુસ્તકાકારે ‘શ્રી શ્રીરામકૃષ્ણ કથામૃત’ના શીર્ષક હેઠળ ૧૯૦૨ના શ્રીઠાકુરના જન્મદિવસે પ્રકાશિત કર્યા. પછીથી ગ્રંથાકારે તે છપાય તેની બધી જવાબદારી શ્રી ‘મ’ એ પોતે પોતાના ઉપર લઈ લીધી. સંપૂર્ણ કથામૃતનાં પાંચ પુસ્તક બન્યાં. પહેલો ભાગ ૧૯૦૨માં, બીજો ૧૯૦૪માં, ત્રીજો ૧૯૦૮માં અને ચોથો ૧૯૧૦માં, એમ ચાર ભાગ પ્રકાશિત થયા. શ્રી ‘મ’ની સર્જનશક્તિ આ ગાળામાં ટોચ પર હતી.

ચાર પ્રકાશનો પછી બીજાં પુનર્મુદ્રણો ઉપર દેખરેખ રાખવાના કામમાં શ્રી ‘મ’ ખૂબ પ્રવૃત્ત રહેવા લાગ્યા. સૌ કોઈને પોષાય એવા ભાવે પુસ્તક આપવાના ઉદ્દેશથી શ્રી ‘મ’ પોતે પ્રૂફરીડિંગ કરતા. આમાં જ એમનો એટલો બધો સમય ગયો કે તે વધુ પુસ્તકો લખી શક્યા નહિ. શ્રી શ્રીમા પણ કહેતાં, ‘‘શ્રી ‘મ’ પાસે ઘણું સાહિત્ય પડ્યું છે. તેઓ તેને પ્રસિદ્ધ કેમ નથી કરતા?’’ ‘કથામૃત’ના ચોથા પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ‘મ’એ પોતે લખેલું છે કે તેઓ બધા મળીને છ થી સાત ગ્રંથ પ્રકાશિત કરવા માગે છે અને ત્યાર પછી શ્રીરામકૃષ્ણનું એક આધારભૂત જીવનચરિત્ર લખશે. કમનસીબે તેઓ આ જીવનચરિત્ર લખી શક્યા નહિ; અને વધુ એક ગ્રંથ પ્રકાશિત કરી શક્યા. ૧૯૨૫માં તેમણે બંગાળીમાં એક પુસ્તિકા લખી. તે હાલ ગ્રંથ પાંચની પુરવણી રૂપે છપાયેલ છે. પાંચમો ભાગ ૧૯૩૨માં તેમના મૃત્યુ પહેલાં થોડા સમય પૂર્વે તેમણે પૂરો કર્યો અને તેમના મૃત્યુ બાદ અઢી મહિને તેનું પ્રકાશન થયું.

પરંતુ તે પહેલાં પણ ૧૯૦૭માં, મ. એ અંગ્રેજી સામયિકોમાં લખેલા લેખો એકત્રિત કરી પુસ્તકાકારે ચેન્નાઈના રામકૃષ્ણ મઠે પ્રગટ કર્યા. પુસ્તકનું શીર્ષક “The Gospel of Sri Ramakrishna (according to M.,a Son of the Lord and Disciple)” (પ્રભુના પુત્ર અને શિષ્ય શ્રી ‘મ’ લિખિત) અથવા “The Ideal Man for India and for the World” તે જ વર્ષમાં ન્યુયોર્કની વેદાંત સોસાયટીએ પણ એ જ સામગ્રીને “The Gospel of Sri Ramakrishna” (સ્વામી અભેદાનંદ દ્વારા સંપાદિત અધિકૃત આવૃત્તિ) નામથી પ્રકાશિત કરી. ૧૯૩૯માં ન્યુયોર્ક આવૃત્તિનું શીર્ષક બદલીને “The Memories of Ramakrishna” રાખવામાં આવ્યું. ત્યાર પછી સ્વામી નિખિલાનંદે કથામૃતના પાંચેય ગ્રંથોનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું, તેને “The Gospel of Sri Ramakrishna” નામ આપી ૧૯૪૨માં રામકૃષ્ણ-વિવેકાનંદ સેન્ટર, ન્યૂયોર્કે પ્રકાશિત કર્યું.

‘કથામૃત’માં શ્રીરામકૃષ્ણદેવના જીવનનો ૧ જાન્યુઆરી ૧૮૮૧થી ૧૦ મે ૧૮૮૭ સુધીનો સમયગાળો આવરી લેવાયો છે. પરંતુ આપણે જાણીએ છીએ કે શ્રી ‘મ’સૌ પહેલાં શ્રીરામકૃષ્ણને માર્ચ ૧૮૮૨માં મળ્યા હતા. તેમને મળ્યા પહેલાંના જે પ્રસંગો તેમણે આલેખ્યા છે તે કેટલીક આધારભૂત વ્યક્તિઓ પાસેથી એકઠા કર્યા હતા. તેઓ પોતે આ સમય દરમિયાન ત્યાં પ્રત્યક્ષ ઉપસ્થિત ન હતા. પરંતુ આ પ્રસંગોની તેમણે ચકાસણી કરી, પુન: પુન: ચકાસણી કરી અને પછી જ અધિકૃત તરીકે સ્વીકાર્યા હતા. તેમણે બધા મળીને ૧૮૧ દિવસનો સમયગાળો આવરી લીધો છે. આ ૧૮૧ દિવસોમાં પણ તેઓ ત્યાં ઉપસ્થિત હોય અને તે જ વખતે નોંધી લીધું હોય (અને નહિ કે શ્રીઠાકુરની અનુપસ્થિતિ દરમિયાન નોંધ્યું હોય અથવા અન્ય પાસેથી સાંભળીને નોંધ્યું હોય તે બાદ કરતાં) આ ગાળો માર્ચ ૧૮૮૨ થી ૧૦ મે, ૧૮૮૭ના જે રવિવારે તેઓ ઉપસ્થિત રહેતા તેટલો જ છે.

આપણને પ્રશ્ન થાય કે ‘તેઓ સૌ પ્રથમ શ્રીરામકૃષ્ણને મળ્યા તેની ચોક્કસ તારીખની નોંધ કેમ નથી?’ કમભાગ્યે શ્રી ‘મ’એ શ્રીઠાકુર સાથેનાં તેમના શરૂઆતની સાત મિલનની નોંધ તરત કરી ન હતી. એ તેમણે પછીથી નોંધ્યું છે. તે સમયે શ્રી ‘મ’ પોતે પોતાના કુટુંબની સમસ્યાઓથી અત્યંત નિરાશ થયા હતા અને તેઓ આત્મહત્યા કરવા ઇચ્છતા હતા. પરંતુ સંજોગો એવા થયા કે તેઓ વરાહનગરમાં ઈશન કવિરાજને મળ્યા અને ત્યાંથી સદ્‌ભાગ્યે શ્રીરામકૃષ્ણને દક્ષિણેશ્વરમાં મળ્યા. શ્રી ‘મ’ ઈશનને ઘેર એકાદ મહિનો રહ્યા હતા અને પછીથી ઘેર પાછા ફર્યા હતા. તેથી શ્રીરામકૃષ્ણ વિશે કયા પ્રકારની ‘ડાયરી’ લખવી તેનો નિર્ણય પણ તેઓ કરી શક્યા ન હતા.

આમ, શ્રી ‘મ’ને પોતાને પણ શ્રીઠાકુરને સૌ પ્રથમ ચોક્કસ કઈ તારીખે મળ્યા તે બાબતે પૂરી ખાતરી ન હતી. તેઓ એટલા બધા નિખાલસ અને સત્યનિષ્ઠ હતા કે જેની ખાતરી ન થાય તેવું કોઈ પણ લખાણ પુસ્તકમાં લખે જ નહિ. કેટલીક વાર તેમને થતું કે તેમની પહેલી મુલાકાત ફેબ્રુઆરીમાં થયેલી. પોતાના જીવનકાળ દરમિયાન જ શ્રી ‘મ’એ ‘કથામૃત’નાં પહેલા ભાગની બાર આવૃત્તિઓ પ્રગટ કરેલી અને કેટલીક આવૃત્તિઓ પછી તેમણે પ્રથમ મુલાકાતનો મહિનો માર્ચથી બદલીને ફેબ્રુઆરી કર્યો. પરંતુ, પછીથી પાછો તેમાં ફેરફાર કર્યો, અને છેવટ સુધી પોતાની એ વાત ચાલુ રાખી કે પોતે શ્રીઠાકુરને ૧૮૮૨ના માર્ચ મહિનાના રવિવારે સૌ પ્રથમવાર મળ્યા હતા.

અહીં એક મુદ્દો જાણી લઈએ. શ્રી ‘મ’ પોતાને ‘કથામૃત’ના લેખક માનતા ન હતા. બંગાળીમાં પ્રગટ થયેલ ‘કથામૃત’માં તેમણે સ્પષ્ટ કહ્યું છે: ‘આ શ્રી ‘મ’કથિત છે’ શ્રી ‘મ’એ લખી નથી, પરંતુ તે નોંધીને પ્રગટ કરી છે. આમ ‘કથામૃત’ તેમનું સર્જન ન હતું. તે કંઈ તેમની કલ્પનાથી લખાયેલ કૃતિ નથી. વિવેચકોએ જ્યારે પ્રશ્ન કર્યો કે શું તેમણે શ્રીરામકૃષ્ણને સાચી રીતે પ્રસ્તુત કર્યા છે, ત્યારે તેમણે ખૂબ વિનમ્રતાથી કહેલું કે તેમણે આ બધું પોતાની સમજબુઝ પ્રમાણે લખ્યું છે. જેમ કે ૧૫ જુલાઈ, ૧૯૦૦ના રોજ તેમણે મહાન વિદ્વાન પ્રમદાદાસ મિત્રને લખ્યું, ‘તેમના રોજીંદા જીવનનાં દૃશ્યો અને ઉપદેશોને, હું જે રીતે સમજ્યો હતો, તે રીતે તેમને વર્ણવવાનો મારો ઉદ્દેશ છે.’

પરંતુ બીજા પણ એક કારણસર શ્રી ‘મ’ પોતાને ‘કથામૃત’ના લેખક તરીકે ગણાવતા નથી. પોતે ગુરુદેવ શ્રીરામકૃષ્ણના હાથનું માત્ર સાધન જ છે, એક યંત્ર માત્ર છે, તેમ તેઓ હૃદયપૂર્વક માનતા. શ્રી ‘મ’ કહેતા, ‘શું મેં આની રચના કરી છે? શ્રીઠાકુરે જ આ કામ કર્યું છે. મારી બુદ્ધિ અને ઇચ્છાશક્તિમાં પોતે પ્રવેશીને, તેમણે જ મારી પાસે આ લખાવ્યું છે. તેઓ જ ગુરુદેવ છે, તેઓ જ આના કર્તા છે – આપણે આ સમજીએ કે નહિ તો પણ.’ (ઉદ્‌બોધન, અંક.૬૭, પૃ.૪૩૪). બીજી એક જગાએ પોતાની સ્થિતિ વધારે સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું છે: ‘શ્રીઠાકુર જ બધું છે. જ્યાં સુધી ટ્રામ સાથે વીજળીનો જીવંત તાર જોડાયેલો હોય છે ત્યાં સુધી ટ્રામ ચાલે છે, તેની બત્તીઓ થાય છે અને પંખા ફરે છે. પરંતુ જેવી આ ટ્રામ તારથી અલગ થાય છે કે પછી તે બંધ થાય છે. હવે મને પૂરેપૂરું સમજાય છે કે મારો હાથ પકડીને તેઓ મને આગળ ખેંચે છે. મને તેઓ ચોક્કસ મારા બાકીના જીવન સુધી દોરતા રહેશે.’ (ઉદ્‌બોધન, અંક.૬૫, પૃ.૩૧૬)

બીજો એક મુદ્દો નોંધવા જેવો છે તે ‘કામિની-કાંચન’ શબ્દપ્રયોગ વિશે. હજુ આજે પણ આ વિશે કેટલીક ગેરસમજ પ્રવર્તે છે. અહીં બે વાત ખાસ છે; પહેલું તો એ કે ઠાકુરને ઘણાં સ્ત્રીભક્તો હતાં. બંગાળની તે વખતની પ્રથા પ્રમાણે તેઓ જ્યારે જ્યારે સ્ત્રી ભક્તો સાથે વાત કરતા ત્યારે ત્યાં શ્રી ‘મ’ સહિત કોઈ પણ પુરુષ ભક્ત હાજર રહી શકતા નહિ. તેથી જ આપણે જોઈએ છીએ કે ‘કથામૃત’માં સર્વત્ર પુરુષોની જ વાત છે. અહીંતહીં એકાદ-બે ઉલ્લેખો સિવાય, લગભગ ક્યાંય સ્ત્રીઓનો ઉલ્લેખ નથી. પુરુષભક્તોને ગુરુદેવ કહેતા, ‘કામિનીકાંચન’થી સાવધાન રહો. કામિની કાંચનનો અર્થ છે ‘સ્ત્રી અને સોનું’. પરંતુ અન્યત્ર નોંધાયું છે તેમ, જ્યારે તેઓ સ્ત્રીભક્તો સાથે વાત કરતા ત્યારે તેઓ કહેતા, ‘પુરુષ કાંચન’થી સાવધાન રહો. અર્થાત્‌ પુરુષો અને સોનાથી સાવધ રહો.

બીજું, સ્વામી વિવેકાનંદ સમજતા હતા કે આ શબ્દો ગેરસમજ પેદા કરશે. મેક્સમૂલરના ઓક્સફોર્ડ ખાતેના નિવાસસ્થાને ૨૮મી મે ૧૮૯૬ના રોજ સ્વામી વિવેકાનંદ તેમને મળ્યા ત્યારે મેક્સમૂલરે કહ્યું કે તેઓ શ્રીરામકૃષ્ણનું જીવનચરિત્ર લખવા માગે છે અને તેમના ઉપદેશોને રજૂ કરવા માગે છે, પરંતુ તે માટે તેમને તે વિશેની સામગ્રીની જરૂર છે. ૨૪ જૂન, ૧૮૯૬માં સ્વામી વિવેકાનંદે કોલકાતામાં સ્વામી રામકૃષ્ણાનંદને પત્ર લખીને જણાવ્યું કે ગુરુદેવની પ્રમાણભૂત ઉક્તિઓ એકઠી કરીને, તેમનું અંગ્રેજીમાં ભાષાંતર કરીને, તેઓ સીધું જ પ્રો. મેક્સમૂલરને મોકલી આપે. આ પત્રમાં સ્વામીજીએ સ્વામી રામકૃષ્ણાનંદને ખાસ ચેતવણી આપી કે ભાષાંતર એવું હોવું જોઈએ કે જેથી કંઈ ગેરસમજ ન થાય. સ્વામીજીએ લખ્યું, દાખલા તરીકે કામિનીકાંચન શબ્દોનું ભાષાંતર ‘કામવાસના અને સોનું’ એમ થવું જોઈએ. ટૂંકમાં તેમના સંદેશનો વૈશ્વિક ભાવ પ્રગટ થવો જોઈએ.’ ‘કામવાસના અને સોનું’ એ શબ્દોમાં પુરુષકાંચન અને કામિની કાંચન- એ બંને શબ્દો પુરુષો અને સ્ત્રીઓ માટે આવી જાય છે.

એક આધારભૂત માહિતી પ્રમાણે, સ્વામી નિખિલાનંદે ‘કથામૃત’નો અંગ્રેજી અનુવાદ કર્યો ત્યારે પ્રથમ તેમણે સ્વામી વિવેકાનંદના સૂચનને અનુસરીને ‘કામવાસના અને સોનું’ – એ શબ્દોનો પ્રયોગ કર્યો. તે વખતે એક અમેરિકન મહિલા અને એક અમેરિકન સાધુ તેમના કામમાં મદદ કરતાં હતાં. આ શક્તિશાળી સ્ત્રી ભક્તે વાંધો ઊઠાવ્યો અને કહ્યું, ‘શા માટે શબ્દો બદલો છો? તમારે મૂળ રૂપે જ લખવું જોઈએ કે જેથી અમારાં હૃદયોને સ્પર્શે.’ તેથી સ્વામી નિખિલાનંદે ‘સ્ત્રી અને સોનું’ શબ્દોનો અંગ્રેજી ભાષાંતરમાં ઉપયોગ કર્યો. કમભાગ્યે, આ શબ્દોએ ઘણી ગેરસમજ પેદા કરી છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે શ્રીરામકૃષ્ણને નારી માટે અત્યંત આદર હતો.

અહીં એક બીજી વાતનો પણ ઉલ્લેખ કરવો ઉચિત ગણાશે. ૨૪ ઓગસ્ટ, ૧૮૮૨ના રોજ, એટલે કે શ્રી ‘મ’ શ્રીરામકૃષ્ણને મળ્યા તે પછી કેટલાક મહિના બાદ, તેમણે શ્રી ‘મ’ને કહ્યું, ‘યોગીનું મન હંમેશાં ઈશ્વરમાં જ ચોંટેલું હોય છે, તે હંમેશાં આત્મામાં ડૂબેલો હોય છે; આવા માણસને જોતાં વેંત જ તમે તે જાણી શકો છો. કોઈ પંખિણી ઈંડા પર બેસી તેને સેવતી હોય તેમ, તેની ખૂલી આંખો અન્યમનસ્કભાવવાળી હોય છે. આવી પંખિણીનું સમગ્ર મન ઈંડા પર કેન્દ્રિત હોય છે. તમે આવું કોઈ ચિત્ર મને બતાવી શકશો?’

દુર્ભાગ્યે શ્રીરામકૃષ્ણના જીવનકાળ દરમિયાન શ્રી ‘મ’ આવું કોઈ ચિત્ર પ્રાપ્ત કરી શક્યા નહિ. પછીથી તેમણે એવું ચિત્ર દોરાવ્યું. તે તેમના સંગ્રહમાં છે. તે રંગીન ચિત્ર છે અને ખૂબ સુંદર છે. બંગાળી ‘કથામૃત’ના પ્રત્યેક ગ્રંથના પ્રથમ પાને તેમણે આ ચિત્ર શ્યામ-શ્વેત રંગમાં છપાવ્યું છે. આ ચિત્રને આપણે પુસ્તકનો ‘લોગો’ કહી શકીએ. ‘લોગો’ એટલે છાપેલું પ્રતીક, કે જેમાં કોઈ સંદેશ છુપાયેલો હોય છે. તમે આ પંખિણીનું ચિત્ર બરાબર નિહાળો, તો તમને ખ્યાલ આવશે કે શ્રી ‘મ’એ શ્રીરામકૃષ્ણનું જે શબ્દચિત્ર ‘કથામૃત’માં દોર્યું છે, તેને બરાબર મળતું આ ચિત્ર છે. પ્રથમ વખત જ શ્રી ‘મ’ શ્રીરામકૃષ્ણને એક સાંજે મળ્યા હતા, ત્યારે શ્રીરામકૃષ્ણે શ્રી ‘મ’ વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. તેની સાથે સાથે તેમનું મન જાણે અન્યત્ર હોય તેમ લાગતું હતું. પછીથી શ્રી ‘મ’ને જાણવા મળ્યું કે દરરોજ સાંજે શ્રીઠાકુર શ્રી શ્રીમા ભગવતીનું ધ્યાન કરતા, અને કેટલીકવાર આ રીતે અન્યમનસ્ક બની જતા એટલું જ નહિ, કેટલીકવાર તો તેઓ સમાધિ અવસ્થામાં ચાલ્યા જતા અને બાહ્ય જગતની ચેતના ગુમાવી બેસતા. આપણે જો ‘કથામૃત’ને ધ્યાનથી વાંચીએ તો તેમાં પ્રથમ પાનાથી શરૂ કરી છેલ્લાં પાના સુધી શ્રીરામકૃષ્ણનું શબ્દચિત્ર છે, તે એવી વ્યક્તિનું છે કે જેનું અડધું મન તો અંદર ચાલ્યું ગયું છે; બાકી રહેલા બાહ્ય મન વડે જ તેઓ બાહ્ય જગત સાથે વ્યવહાર કરતા.

આથી મ.એ ‘કથામૃત’માં મૂકેલ પંખિણીનું સુંદર ચિત્ર એ મહાયોગી શ્રીરામકૃષ્ણનું પ્રતીકાત્મક ચિત્ર છે. તેઓ એવા મહાયોગી હતા કે જેમનું અડધું મન અંદર ચાલ્યું ગયું છે, અને બાકીના મન વડે જ તેઓ જગત સાથે વ્યવહાર કરે છે. તેથી આ પંખિણીનું ચિત્ર પ્રતીકાત્મક રીતે એક ખાસ સંદેશ આપે છે.

ખરેખર તો ‘કથામૃત’ ગ્રંથમાં શ્રીઠાકુરની બે જુદાં જુદાં પાસાંનું ચિત્ર રજૂ થયું છે. એકમાં શ્રીરામકૃષ્ણ પોતાના ભક્તો સાથે દિવ્યલીલા કરતા દેખાય છે; અહીં તેઓ વાર્તાલાપ કરે છે, ભજનો ગાય છે, નૃત્ય કરે છે અને સમાધિમાં પણ ચાલ્યા જતા ચિત્રાંકિત થયા છે. તેઓ કોલકાતાના અને તેના બહારનાં સ્થળોએ જાય છે. વળી તેઓ જુદા જુદા ભક્તોને ઘેર જઈ લોકોને પ્રભુના માર્ગે વાળે છે. બીજું ચિત્ર શ્રી ‘મ’એ જ આપ્યું છે તે આથી તદ્દન જુદું છે. જેમ કે શ્રી ‘મ’ સાથેની શ્રીઠાકુરની ચોથી મુલાકાતનું બહુ સુંદર શબ્દચિત્ર શ્રી ‘મ’ આપે છે. તે સાંજે શ્રી ‘મ’એ જોયું કે શ્રીઠાકુર એકલા જ છે, તેઓ કાલીમંદિરની સામે આવેલા નટમંદિર તરફ સતત આંટા મારી રહ્યા છે. નટમંદિરમાં અંદરની એક જ બત્તી ચાલુ છે, સાંજે ઘટતા પ્રકાશ અને વધતા અંધકાર વચ્ચેની ગૂઢ સંધ્યાનાં તેજછાયામાં શ્રીઠાકુરની આકૃતિ ઝાંખી ઝાંખી દેખાતી હતી. એકલા, પોતાના મનને અંતર્ગુહામાં નિહીત કરી, એક સિંહ જેમ જંગલમાં પોતાની અદાથી ફરે તેમ તેઓ ફરી રહ્યા હતા. સિંહને એકલું રહેવું અને એકલા વિહરવું પસંદ હોય છે. એવા જ સ્વતંત્ર આત્મજ્ઞાની શ્રીરામકૃષ્ણ આત્માના આનંદમાં ડૂબી ગયા હતા. શ્રીરામકૃષ્ણને સમાધિ અવસ્થામાં અને બાહ્યચેતના રહિત ‘કથામૃત’માં વર્ણવાયેલ છે. તેઓ સમાધિમાં જઈ આત્માની સાચી સ્વતંત્રતાને માણતા હોય છે, એવે સમયે તેઓ બીજા બધાથી વેગળા થઈ, સમાજ અને સમાજ પ્રત્યેનાં કર્તવ્યોથી પણ અળગા પડી, શ્રીઠાકુર આત્માની દિવ્યતેજસ્વીતામાં લીન થઈ જતા. 

‘કથામૃત’માં શ્રીઠાકુરના જીવનના આ બે પાસાંનું સુભગ મિલન જોવા મળે છે – એક વિશિષ્ટાદ્વૈતી તરીકે અને બીજું સર્વોત્કૃષ્ટ અદ્વૈતવાદી તરીકે. વિશિષ્ટાદ્વૈતી તરીકે તેઓ આ જગતના દ્વૈતભાવ વિશે સભાન હોય છે તથા ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાના આનંદને તેઓ જાણે છે – એવો ઈશ્વર કે જે સૌને સુખ અને દુ:ખ આપે છે – અને તેથી તેઓ બીજા લોકોને ઈશ્વરપ્રાપ્તિનો પરમાનંદ પ્રાપ્ત કરવામાં સહાય કરે છે. પછી અદ્વૈતી તરીકે તેમનું મન આ દુનિયાના દ્વૈતભાવથી ક્યાંય ઉપર ઉઠેલું હોય છે. તેઓ જુએ છે કે બધું જ પ્રભુરૂપ છે, અને દુનિયા એક ભ્રમ સિવાય બીજું કાંઈ નથી.. શ્રીઠાકુરની આ બે બાજુઓના ભાવાત્મક વર્ણનને લીધે ‘કથામૃત’ આપણને જકડી રાખે છે.

આ ગ્રંથ ની મહત્તા વિશે હવે આપણે વાત કરીએ. ‘કથાૃમત’ એ ખરેખર શ્રેષ્ઠ સાહિત્યિક કૃતિ છે – માત્ર ધર્મક્ષેત્રની જ નહિ, પરંતુ સાહિત્યક્ષેત્રની પણ. તેનું એક કારણ તો એ કે તે શ્રીઠાકુરનાં મહાન જીવન અને સંદેશના એક સમયગાળાની અદ્‌ભુત અને વિશ્વસનીય નોંધ છે. પરંતુ ‘કથામૃત’ એટલા માટે પણ અદ્વિતીય છે કે તેમાં શ્રીઠાકુરની જીવનકથા એવી રીતે અંકિત કરવામાં આવી છે કે, આપણે તેને ધ્યાનપૂર્વક વાંચીએ અને લેખકે દોરેલાં પ્રસંગચિત્રો પર મનન કરીએ, તો આપણને શ્રીરામકૃષ્ણ આપણી સમીપ જ હોય તેવું લાગે છે. કેટલીક વખત તેઓ ભજનો ગાતા હોય છે, કેટલીક વાર તેઓ નૃત્યમાં મગ્ન હોય છે, અને ક્યારેક વળી તેઓ ઊંડી સમાધિમાં ડૂબી ગયેલા દેખાય છે. આપણને તેમની પ્રત્યક્ષ જીવંત હાજરીનો અનુભવ થાય છે. આવું આપણને બીજા કોઈ જીવનચરિત્ર કે બીજા કોઈ પ્રભુના અવતારની બાબતમાં લાગતું નથી. ફક્ત આ કારણે જ ‘કથામૃત’એ અસાધારણ ગ્રંથ છે.

એક બીજો મુદ્દો: ભારતમાં ઠેર ઠેર કેટલીક ખૂબ સુંદર પ્રાચીન પરંપરાઓ છે. દક્ષિણ ભારતમાં ‘હરિકથા’ની પ્રચલિત પરંપરા છે, જેનો શબ્દાર્થ ‘ભગવાનની વાત’ એવો થાય. ઉત્તર ભારતમાં પણ ‘ભાગવત કથા’ નામની પરંપરા છે. તેની પાછળ પણ એ જ ભાવના છે. ‘હરિકથા’માં એક પ્રવક્તા ભગવાનના જીવનપ્રસંગો વર્ણવે છે, અને વચ્ચે વચ્ચે પ્રવક્તા પોતે અથવા તો તેમની મંડળી ભજનો ગાતાં ગાતાં નૃત્ય કરે છે. આનાથી ભક્તિભાવ સભર અનોખું વાતાવરણ ખડું થાય છે. તે  રીતે જ ‘કથામૃત’માં અનેક ગીતો આવે છે. આ કૃતિમાં શ્રી ‘મ’એ શ્રીરામકૃષ્ણે પોતે ગાયેલાં ૧૮૨ જેટલાં ગીતો ગ્રંથસ્થ કર્યાં છે – કેટલીક વખત તો તેઓ નૃત્ય કરતા હોય ત્યારે જ ભજનો નોંધી લીધાં છે. શ્રી શ્રીમાએ કેટલીક વખત ઠાકુરને ગાતા સાંભળ્યા છે, તેમણે એક પ્રસંગે જણાવ્યું છે, ‘ઓહ, તેમનાં ભજનોમાંથી જાણે મધ ટપકતું. એવું લાગે કે આ ભજનોનાં મોજાં પર પોતે તરતા ન હોય! તેમનું ગાયન હજુ પણ મારા કાનમાં ગૂંજે છે.’

શ્રીઠાકુરે પોતે ગાયેલાં ગીતો ઉપરાંત, જે ભજનોની તેમણે ચર્ચા કરેલી તેવાં ૨૨ ભજનો અહીં ઉમેર્યાં છે. તથા નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ), ત્રૈલોક્યનાથ સાન્યાલ, નીલકંઠ મુખર્જી તથા બીજાઓએ ગાયેલાં ૧૦૦ જેટલાં ભજનો આપ્યાં છે. આમ, ‘કથામૃત’માં જુદા જુદા પ્રસંગે ગવાયેલાં કુલ ૪૭૨ ભજનો છે. જેઓ ભક્તિની અભિપ્સા રાખે છે તેમને ‘હરિકથા’ કે ‘ભાગવતકથા’ જેટલો જ ભક્તિભાવ ‘કથામૃત’માંથી મળી રહે છે. આપણે અનુભવીએ છીએ કે ‘કથામૃત’ પણ એવું જ ભક્તિભાવપૂર્ણ વાતાવરણ સર્જે છે, ખરેખર એ અદ્‌ભુત વાત છે.

વળી, સંતોનાં જીવન અને આધ્યાત્મિક જીવન એટલે શું તેની માહિતીની ‘કથામૃત’ એક ખાણ છે. ભગવાનના અવતાર એવા ચૈતન્ય મહાપ્રભુનું જીવનચરિત્ર વાંચનારને તેઓ જે ત્રણ ભાવાવસ્થામાં વિહરતા તે સમજવું કેટલીક વાર કઠિન લાગે છે. પરંતુ ‘કથામૃત’ના વાચકને શ્રીરામકૃષ્ણે સ્વયં આ ત્રણેય ભાવાવસ્થા સમજાવી છે – એક સભાન અવસ્થા, બીજી અર્ધસભાન અવસ્થા અને ત્રીજી પૂર્ણ આત્મસ્થ અવસ્થા. શ્રીરામકૃષ્ણ પોતે જે ત્રણ અવસ્થામાં વિહાર કરતા તે જ આ અવસ્થા છે. એ સમયે શ્રીચૈતન્યની આધ્યાત્મિક ભાવાવસ્થાને લોકો સમજી શકતા ન હતા. તેમના વિશે જે લખાયું છે તે બાબત કેટલાક તો શંકા પણ કરતા. પરંતુ જે લોકો શ્રીરામકૃષ્ણ પાસે આવતા તેમને એ જાણીને આશ્ચર્ય થતું કે તેમનાં જીવન અને ઉપદેશોમાં આ બધાંની તેમણે અનુભૂતિ કરીને ખાતરી કરી છે. આમ ‘કથામૃત’માં નિરૂપાયેલ શ્રીઠાકુરનાં જીવન અને ઉપદેશ દ્વારા, આપણને શ્રીચૈતન્ય મહાપ્રભુનાં જીવન વિશે સમજ પડે છે. આના પરથી આપણે એવા નિષ્કર્ષ પર આવી શકીએ કે શ્રીરામકૃષ્ણની આધ્યાત્મિક ભાવાવસ્થાઓ શ્રીચૈતન્ય જેવી જ હતી. આ બધી ચેતનાની અવસ્થાઓ બાબતમાં, શ્રીરામકૃષ્ણની ‘વિજ્ઞાની’ની વ્યાખ્યા વિચારણીય છે. ‘જ્ઞાની’ એ છે કે જે જાણે છે કે એક લાકડાંના ટુકડામાં અગ્નિ વસેલો છે. પરંતુ ‘વિજ્ઞાની’ એ છે કે જે આ લાડકાંને સળગાવી, તેના અગ્નિથી ભોજન પકાવે, અને એ ભોજનથી પોષણ મેળવે છે. શ્રીરામકૃષ્ણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે માત્ર આવો ‘વિજ્ઞાની’ જ આ ત્રણે અવસ્થાઓમાં જીવી શકે છે. પંડિત શશધરને આ મુદ્દો સમજાવતાં તેમણે કહ્યું, ‘‘વિજ્ઞાની’ સતત ઈશ્વરનું દર્શન કરતો હોય છે. તેથી જ તે આ દુનિયા પ્રત્યે ઉદાસીન હોય છે. તે ખુલ્લી આંખે ઈશ્વરને નીહાળતો હોય છે. કેટલીક વાર તે આ ‘નિત્ય’ (ઈશ્વર)માંથી નીચે ‘લીલા’માં આવે છે, તો કેટલીકવાર તે આ બધી ‘લીલા’માંથી ઉપર ઊઠી ‘નિત્ય’માં જાય છે… વ્યક્ત અને અવ્યક્ત, ઈશ્વરની આ બંને અવસ્થા સત્ય છે તેનો સાક્ષાત્કાર કર્યા પછી જ, માણસ આ અવસ્થાને પ્રાપ્ત કરે છે. (ગોસ્પેલ, પૃ.૪૭૭-૭૮)

સમાધિની અવસ્થાને પણ સમજવી સામાન્યત: બહુ મુશ્કેલ છે. એ દિવસોમાં સમાધિ વિશે જાણવા કેટલાય લોકો ઉત્સુક રહેતા. તેમાંથી જેઓ આ વિશે તદ્દન અજ્ઞાત હતા, તેઓ તો શ્રીરામકૃષ્ણને સમાધિમાં પ્રત્યક્ષ જોવા છતાં સમજી શકતા નહિ. તેઓ તો એટલું જ જોતા કે તેમનો ચહેરો પ્રકાશી ઊઠ્યો છે, તેમના ગાલ પર આનંદનાં અશ્રુઓની ધારા વહે છે. પરંતુ શ્રીઠાકુર તે વખતે કાંઈ પણ બોલી શકતા નહિ. કેટલાક લોકોને તો શંકા થતી. એક વખત એક ડોક્ટરે તેમની આંખની અંદર આંગળી મૂકી, તેમનામાં ખરેખર શારીરિક ચેતના છે કે નહિ તેની ખાતરી કરેલી, કેટલાક ડોક્ટરો તેમને સ્ટેથેસ્કોપથી પણ તપાસી જોતા. જે લોકો ઠાકુરની જુદી જુદી ભાવાવસ્થાઓ વિશે કંઈક જાણતા તેઓ તેમને તે વખતે પૂછતા, ‘આ અવસ્થામાં આપ શું અનુભવો છો? તે શેના જેવું છે?’ શ્રીરામકૃષ્ણ તેને સમજાવવાનો ખૂબ પ્રયત્ન પણ કરતા. પરંતુ પછી કહેતા, ‘સમાધિમાં હું શું અનુભવું છું તે હું તમને સમજાવવા કોશિશ કરું છું, પરંતુ કમનસીબે કોઈ જાણે મારી જીભને રોકે છે.’

ખરેખર તો આવી સર્વોચ્ચ આધ્યાત્મિક અનુભૂતિને – અદ્વૈતની આ અદ્વિતીય અનુભૂતિને – શબ્દો દ્વારા વર્ણવી શકાય જ નહિ. શ્રીરામકૃષ્ણે પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને કહેલું, ‘બ્રહ્મ એ શું છે એ હજુ સુધી કોઈ વૈખરી દ્વારા વ્યક્ત કરી શક્યું જ નથી.’ વિદ્યાસાગરને આ વિધાન અત્યંત પ્રિય હતું.

તેમ છતાં ‘સમાધિ’ અવસ્થા અંગેનાં તમામ પાયાના મુદ્દાઓ ‘કથામૃત’માં ચર્ચવામાં આવ્યા છે. ‘સમાધિ’ જુદા જુદા પ્રકારની હોય છે. પરંતુ મુખ્યત્વે એમ કહી શકાય કે એ એવી અવસ્થા છે કે જેમાં વ્યક્તિ બાહ્યજગત પ્રત્યે પૂરેપૂરી અભાન હોય છે. – પોતાનું દેહભાન ભૂલી જાય છે અને બીજી બધી બાબતોથી નિર્લેપ બની જાય છે. છતાંય તે જ સમયે વ્યક્તિ ઈશ્વરની ચેતનાથી છલોછલ ભરાઈ જાય છે. પહેલી જ વાર આ તમામની સમજણ ‘કથામૃત’માં આપવામાં આવી છે. શ્રીરામકૃષ્ણના પોતાના શબ્દો તથા વિવિધ વર્ણનો દ્વારા સમાધિ દરમિયાન તેમણે આપેલ – બંને પ્રકારે તેની સમજણ આપવામાં આવી છે. આથી જ ‘કથામૃત’એ માત્ર સમાધિના વિષયનો જ નહિ, પરંતુ આધ્યાત્મિક જીવનની અનેક બાબતો અંગેનો એક અસાધારણ ગ્રંથ છે.

‘કથામૃત’ને આટલો મહાન ગ્રંથ માનવામાં આવે છે તેનું બીજું પણ એક કારણ છે. શ્રીરામકૃષ્ણ એક હિંદુ તરીકે જન્મ્યા હતા અને હિંદુધર્મના વાતાવરણમાં ઊછર્યા હતા, પરંતુ આપણે જ્યારે ‘કથામૃત’માં તેમના ઉપદેશો વાંચીએ છીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે તે માત્ર હિંદુઓ માટે જ નથી; પરંતુ જે કોઈ વ્યક્તિ-પોતાના જીવનના સર્વોચ્ચ ઉદ્દેશને પ્રાપ્ત કરવા, આત્મ સાક્ષાત્કાર કે ઈશ્વરનો સાક્ષાત્કાર ઝંખે છે, તે સૌને માટે પણ તેમના ઉપદેશો બહુમૂલ્ય છે. હું એક બે દૃષ્ટાંતો આપીશ. જેમ કે ફાધર ક્લૂની એ અમેરિકાના પ્રખ્યાત ખ્રિસ્તી ઉપદેશક છે. ‘પ્રબુદ્ધ ભારત’નામના શ્રીરામકૃષ્ણ મિશનના માસિકમાં તેમણે એક લેખમાં જણાવ્યું છે કે ‘Gospel’નાં વાચન પછી તેઓ જીસસ ક્રાઈસ્ટના જીવનને વધુ સારી રીતે સમજી શક્યા છે. રઝુલ કરીમ નામના ઈસ્લામ ધર્મના એક વિદ્વાને કહ્યું છે કે, ‘Gospel’ના વાચન પછી તેમને પોતાના ધર્મમાં શ્રદ્ધા વધી છે.

પરંતુ એથી પણ વધુ મહત્ત્વની બાબત એ છે કે ‘કથામૃત’ એવી એવી વ્યક્તિઓનાં દૃષ્ટાંતો આપે છે કે જેમનું શ્રીરામકૃષ્ણ જેવી પવિત્ર વ્યક્તિના સાંનિધ્યમાં રહેવા માત્રથી પૂરેપૂરું રૂપાંતર થઈ ગયું હોય. આવું રૂપાંતર આપણે ‘કથામૃત’ના લેખક શ્રી ‘મ’ના જીવન બાબતમાં જ સ્પષ્ટ રીતે નિહાળી શકીએ છીએ. શ્રી ‘મ’ એક પ્રખર વિદ્વાન હતા. શ્રીરામકૃષ્ણના સંન્યાસી શિષ્યો તથા ગૃહસ્થ શિષ્યોમાં તેઓ વધુ મેધાવી હતા. તેઓ એક શાળાના સફળ પ્રાચાર્ય હતા. તેમનામાં બુદ્ધિ અને હૃદયના કેટલાય અસાધારણ સદ્‌ગુણો હતા. આ બધું હોવા છતાં, તેઓ રોજિંદા વ્યવહારુ જીવનમાં, અને કુટુંબ જીવનમાં નિષ્ફળ રહ્યા. એક વખત તો તેઓ આપઘાત કરવા તૈયાર થઈ ગયા હતા. એવા સમયે, જોગાનુજોગ, તેમને શ્રીરામકૃષ્ણનો પરિચય થયો. ‘કથામૃત’ ગ્રંથના પ્રારંભમાં જ એવું વર્ણન છે કે શ્રી ‘મ’ના એક યુવાન મિત્ર તેમને ફરવા લઈ ગયા. તેઓ એક બાગથી બીજા બાગમાં ગયા. અંતે તેઓ રાણી રાસમણિએ બંધાવેલ મંદિરના બાગમાં ગયા. ત્યાં તેમણે જોયું કે સંખ્યાબંધ લોકો એક ખંડમાં એકઠા થયા હતા. તેઓ પણ નિરવ પગલે અંદર ગયા. ત્યાં શ્રી ‘મ’એ શ્રીરામકૃષ્ણને એક ખાટલા પર બેસી, પોતાના ભક્તો સાથે વાતો કરતા સાંભળ્યા. કેટલોક સમય શ્રીરામકૃષ્ણને સાંભળ્યા બાદ શ્રી ‘મ’ તેમનાથી જાણે મંત્રમુગ્ધ થઈ ગયા. બસ, આ ક્ષણ પછી તેમના જીવનમાં એક આમૂલ પરિવર્તન આવવાનું શરૂ થયું.

શ્રી ‘મ’ ના જીવનનાં આ પરિવર્તન વિશે એમણે પોતે જ ‘કથામૃત’ પુસ્તકમાં લખ્યું છે. આ રૂપાંતર શું હતું? તેમણે પોતે જ લખ્યું છે કે પ્રારંભમાં તેઓ શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ ભક્ત હતા, અને રૂપાંતર દ્વારા તેઓ એક ‘તપસ્વી ગૃહસ્થ’ બન્યા. ‘કથામૃત’ના શ્રી ‘મ’ એ કરેલા અનુવાદમાં તેમણે ‘તપસ્વી ગૃહસ્થ –  An ascetic householder’ એ શબ્દ વાપર્યો છે. પણ દુર્ભાગ્યે પરિવર્તન માટે જે શબ્દ એમણે વાપર્યો હતો તે તેના સ્વામી નિખિલાનંદજીના અંગ્રેજી અનુવાદ Gospel માં નીકળી ગયો છે. આ વિભાવના, બહુ જાણીતી છે તથા ‘દેવી ભાગવત’માં તેનું વિસ્તૃત વિવરણ છે. ‘તપસ્વી ગૃહસ્થ’ કોને કહેવાય? તપસ્વી ગૃહસ્થ એટલે એવી વ્યક્તિ કે જે પોતાને મળેલ દુન્યવી કાર્યો કરે છે, પરંતુ તે બધાં અનાસક્ત ભાવે કરે છે, અનાસક્તિપૂર્વક કરે છે. તે પોતાના અહંકારને તેમાં ક્યાંય આગળ ધરતો નથી. તે બધાં સાંસારિક કર્તવ્યો કરે છે. પરંતુ, તે બધું તે પરિવર્તિત દૃષ્ટિથી કરે છે. તેનાથી તેના આધ્યાત્મિક જીવનમાં પણ પ્રગતિ થાય છે.

શ્રી ‘મ’ બીજી વખત શ્રીરામકૃષ્ણને મળ્યા ત્યારે તેમણે ‘તપસ્વી ગૃહસ્થ’ વિશે વધારે વિસ્તૃત સમજ આપી અને તે દરમિયાન કેટલાંક સુંદર દૃષ્ટાંતો આપ્યાં. તેમણે શ્રી ‘મ’ને કહ્યું, ‘તમારે પારિવારિક જીવનનો ત્યાગ કરવાની જરૂર નથી, ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા કોઈ જંગલમાં જઈ તપ કરવાની પણ તમારે જરૂર નથી. તમે પરિવાર સાથે ભલે રહો, પરંતુ કોઈ ધનિકના ઘરમાં કામવાળી રહે તેમ રહો.’ અહીં શ્રીરામકૃષ્ણે આપેલું દૃષ્ટાંત ભારતીય ધનિક પરિવારોની પ્રથા પ્રમાણે છે. તેમણે આગળ જતાં સ્પષ્ટ કર્યું, ‘ધનિકના ઘરની કામવાળી આખો દિવસ ઘરકામ કરે છે. તે ખૂબ મહેનતે બધાં કાર્યો કરે છે અને પરિવારના સૌ સભ્યો પોતાનાં સગાં હોય તેવી રીતે તેમની સાથે વર્તે છે, પરંતુ અંદરથી તો તે જાણતી હોય છે કે તેનું પોતાનું ઘર તો દૂર ગામડામાં છે, અને ત્યાં પોતાનો નાનકડો પુત્ર પણ છે. પરંતુ તે પેલા ધનિકના પુત્રની પણ પૂરેપૂરી સંભાળ રાખે છે અને પોતાનો જ પુત્ર હોય એટલું વહાલ કરે છે. આમ રોજિંદાં કાર્યો વચ્ચે, તેનું ધ્યાન કંઈ સતત પોતાના ઘર તરફ હોતું નથી, અને કેટલીય વખત તેને એમ લાગે છે કે તે આ શેઠના પરિવારની જ એક સભ્ય છે. પરંતુ અંદરથી તો તે જાણે છે કે પોતે આ પરિવારની સગી નથી.’ ‘તપસ્વી ગૃહસ્થ’ કેવી રીતે જીવે તે અંગેનાં બીજાં પણ દૃષ્ટાંતો શ્રીરામકૃષ્ણે આપેલાં છે.

આમ, ધીરે ધીરે શ્રી ‘મ’નું પરિવર્તન તપસ્વી ગૃહસ્થ રૂપે થયું, અને આ પછી તેઓ પોતાના ગૃહસ્થજીવનના પ્રશ્નો સંતોષકારક રીતે ઉકેલી શક્યા. પરિવારના સભ્યો સાથે તેઓ શાંતિ અને સંવાદિતાથી જીવવાનું શીખી ગયા, અને સાથોસાથ તેઓ વધુ ને વધુ ઊચ્ચ આધ્યાત્મિક સ્તરે આગળ વધતા ગયા. તેઓએ માત્ર પોતાના જીવનનો પ્રશ્ન ઉકેલ્યો, એટલું જ નહિ, આ બાબતમાં તેઓ બીજાઓને પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપતા. શ્રીઠાકુરના આ વિષય પરના ઉપદેશનું શ્રી ‘મ’ જીવતું જાગતું ઉદાહરણ ગણાવા લાગ્યા. અગાઉ જણાવ્યા પ્રમાણે, ‘કથામૃત’ એક ગૃહસ્થનું કેવી રીતે ‘તપસ્વી ગૃહસ્થ’માં પરિવર્તન થયું તે અંગેનું દૃષ્ટાંત પૂરું પાડે છે. ધર્મોના ઇતિહાસમાં જીવનપરિવર્તનનું આવું સાચું દૃષ્ટાંત દુર્લભ અને બહુમૂલ્ય છે.

એક બીજી બાબત પણ આપણને આકર્ષે છે. ‘કથામૃત’માં શ્રી ‘મ’ પોતાના નામે પ્રસિદ્ધિ ન મળે તે માટે અત્યંત જાગૃત હતા, તે એટલે સુધી કે ગ્રંથમાં જુદા જુદા સ્થળે તેમણે ૧૧ જેટલાં જુદાં જુદાં નામ વાપર્યાં છે. સ્વામી વિવેકાનંદે એક વખત શ્રી ‘મ’ને લખ્યું હતું, ‘સોક્રેટિસની વાણીમાં ઠેર ઠેર પ્લેટો જ ડોકાય છે. પરંતુ તમે તો સમગ્ર ગ્રંથમાં ગુપ્ત રહ્યા છો.’ અને છતાં શ્રીરામકૃષ્ણ પછી શ્રી ‘મ’ એ જ ‘કથામૃત’નું સૌથી મહત્ત્વનું પાત્ર છે. તેઓ ઠેક ઠેકાણે દેખાય છે. જ્યાં જ્યાં શ્રીરામકૃષ્ણ, ત્યાં ત્યાં શ્રી ‘મ’ હોય જ. તેમ ન બન્યું હોત તો તેઓ ઠાકુરના શબ્દો સાંભળીને કેવી રીતે નોંધી શક્યા હોત? તે ઉપરાંત જ્યાં શ્રી ઠાકુર હાજર નથી ત્યાં પણ કોઈ સાથે વાત કરતા કે વિચાર કરતા શ્રી ‘મ’ આ ગ્રંથમાં હાજર જ હોય છે. પરંતુ જ્યારે જ્યારે તેઓ શ્રીરામકૃષ્ણ સાથે પ્રત્યક્ષ ચર્ચા કરતા, ત્યારે ત્યારે તેમણે કોઈ ઉપનામ કે તખલ્લુસનો ઉપયોગ કરવો પડતો, આવાં ઉપનામોમાં ચાર ઉપનામો મહત્ત્વનાં છે. બંગાળી ભાષામાં પ્રગટ થયેલ કથામૃતમાં તે નામો છે: ભક્ત, માસ્ટર, મણિ અને મોહિની. તેનાં અંગ્રેજી ભાષાંતર ‘Gospel’માં તો અનુવાદકે ઘણી જગ્યાએ માત્ર શ્રી ‘મ’ શબ્દનો ઉપયોગ કર્યો છે.

વળી આ નામો ગમે તેમ કે કોઈ યોજના વગર વાપર્યાં છે તેમ પણ નથી, અને નામનું મહત્ત્વ ખૂબ ધ્વન્યાત્મક – સાંકેતિક છે. આ નામો શ્રી ‘મ’નાં વ્યક્તિત્વનાં ચાર પાસાં વ્યક્ત કરે છે. જેમ કે જ્યાં જ્યાં તેમણે ‘મણિ’ શબ્દનો ઉપયોગ કર્યો છે, ત્યાં તે નામ તેમનાં ફિલસૂફ, કવિ અથવા સ્વતંત્ર મિજાજવાળા વ્યક્તિત્વને સૂચવે છે. તેઓ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા. તેઓ તો બુદ્ધિજીવી હતા, અને એક પછી એક ધારદાર પ્રશ્નો પૂછતા. તેમણે ગ્રંથની શરૂઆતમાં કહ્યું છે કે તેઓ શ્રીરામકૃષ્ણ સાથે દલીલબાજીમાં ન ઊતરતા અને એ સાચું પણ છે. તેઓ કદી પ્રત્યક્ષ રીતે દલીલો ન કરતા. તેમ છતાં ઉકેલ માગતી અનેક શંકાઓ તેમના મનમાં હતી. તેથી તેઓ એક પછી એક પ્રશ્ન ઊઠાવતા હતા. તેમના વ્યક્તિત્વની આ બાજુનું ઉપનામ ‘મણિ’ હતું.

એક ‘ભક્ત’ તરીકે શ્રી ‘મ’ શાંત પ્રકૃતિના હતા. દુન્યવી જીવનની સરિતા તેઓ મહામુશ્કેલીએ પાર કરતા હતા. આ જ જીવનમાં ઈશ્વરનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લેવાનો તેમનો ઉદ્દેશ હતો, પરંતુ તે કેમ કરવું તે તેઓ જાણતા ન હતા. વળી, તેઓ પોતાની જાતને ‘માસ્ટર’ એટલે શાળાના શિક્ષકના ઉપનામથી ઓળખાવતા, ત્યારે ઓગણીસમી સદીના બંગાળના તેઓ નમૂનારૂપ શિક્ષક હતા. તેઓ ખૂબ ખૂબ વાંચન કરતા, વિનમ્ર અને મધુરભાષી હતા, પોતાના વ્યવસાયને વફાદાર રહેતા અને પોતાના વિદ્યાર્થીઓની પ્રેમપૂર્વક સંભાળ રાખતા. તેમનું મુખ્ય લક્ષ્ય તેમને સોંપાયેલા વિદ્યાર્થીઓનું ભલું કરવાનું રહેતું. તેમનું ‘માસ્ટર’ ઉપનામ તેમના વ્યક્તિત્વની આ બાજુ વ્યક્ત કરતું.

તેમનું ‘મોહિની’ તખલ્લુસ એટલે તે સમયના નિમ્ન વર્ગના એક આમ બંગાળીનું પ્રતીક હતું. તેમના અંગત જીવનનું દુ:ખ એ હતું કે તેમના આઠ વર્ષના પુત્રનું અવસાન થયું અને તેના આઘાતને લીધે તેમનાં પત્ની ગાંડાં થઈ ગયાં. જીવનના આવા કપરા ઘા સામે ‘મોહિની’ તદ્દન ભાંગી પડ્યા. શ્રીરામકૃષ્ણ કહેતા કે જગતમાં ચાર પ્રકારનાં માણસો હોય છે. તેમાં છેલ્લો પ્રકાર એ ‘બદ્ધજીવ’નો છે એટલે કે મજબૂત સાંકળ વડે જાણે બંધાઈ ગયેલ વ્યક્તિ. શ્રી ‘મ’ એવા જ હતા. આ બંધનો કાપી તેમાંથી કેમ મુક્ત થવું તેની તેમને સમજ પડતી ન હતી. જ્યારે તેમની આ બદ્ધ અવસ્થા તેમના જીવનમાં કે શબ્દોમાં પ્રભાવક બની રહેતી ત્યારે તે અવસ્થા દર્શાવવા તેઓ ‘કથામૃત’માં ‘મોહિની’ શબ્દનો ઉપયોગ કરતા.

‘કથામૃત’નાં આ ચાર પાત્રો જાણે કે એવા અરીસા જેવાં છે કે જેમાં શ્રી ‘મ’ના વ્યક્તિત્વની એક મહત્ત્વની બાજુ પ્રતિબિંબિત થતી હતી. અરીસા દ્વારા પરાવર્તિત થતી આ ચાર બાજુઓને એક જ ફોટો ફ્રેમમાં એક સાથે દર્શાવવામાં આવે ત્યારે આપણને શ્રી ‘મ’ના પૂરા વ્યક્તિત્વનો ખ્યાલ આવે છે, અને તેમની એક પૂર્ણ આત્મકથા પ્રાપ્ત થાય છે. અંગ્રેજી સાહિત્ય તો આત્મકથા લેખનમાં ખૂબ સમૃદ્ધ છે, તેમજ આ તમામ આત્મકથાઓના વિવેચનાત્મક અભ્યાસમાં પણ સમૃદ્ધ છે. વિવેચકોએ આત્મકથાની જે જે વ્યાખ્યાઓ આપી છે તે ‘કથામૃત’ને બંધબેસતી છે. તેનો અભ્યાસ ખૂબ ચિત્તાકર્ષક છે. મને ખાતરી છે કે વાચકોને તેમાં અવગાહન કરવું ગમશે.

એક વધુ મુદ્દો પણ છે. અહીં શ્રી ‘મ’તે સમયના કોલકાતા શહેરનાં જીવનનાં સ્પષ્ટ અને આધારભૂત વર્ણન આપે છે. શ્રીરામકૃષ્ણ તેમના સમયની અનેક મહાન વ્યક્તિઓને મળે છે – જેમ કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, દેવેન્દ્રનાથ ટાગોર, કેશવચંદ્ર સેન, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, મહેન્દ્રલાલ સરકાર, શશધર તર્કચૂડામણિ વગેરે. તેમાંથી કેશવચંદ્ર સેન સૌથી મહત્ત્વની વ્યક્તિ હતી. તેઓ એટલા બધા સુવિખ્યાત હતા કે, એક વખત એક દૈનિક વર્તમાનપત્રના તંત્રીએ એમના અગ્રલેખમાં લખેલું, ‘કેશવ જે બોલે છે, તેને આખી દુનિયા આદરપૂર્વક સાંભળે છે.’ તેમણે ઈંગ્લેન્ડમાં ૧૮૭૦માં કેટલાંક વ્યાખ્યાનો આપ્યાં, તેનાથી તેમની કીર્તિ ખૂબ પ્રસરી. એ જ કેશવચંદ્ર સેન શ્રીરામકૃષ્ણના ચરણે બેસીને કલાકો સુધી તેમની વાણીનું રસપાન કરતા. આ બધા મહાપુરુષો વિશે જેટલું ‘કથામૃત’માં તેમનું અંતરંગ ચરિત્રલેખન જોવા મળે છે, તેના જેવું બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળશે.

‘કથામૃત’ દ્વારા વાચકને તે સમયના કોલકાતા શહેરનું વર્ણન વાંચવા મળે છે. શ્રીરામકૃષ્ણ અનેક સ્થળે જતા, જેમ કે ઓક્ટરલોની મોન્યુમેન્ટ, કોલકાતાનું સંગ્રહાલય, ધી ઝુઓલોજીકલ ગાર્ડન, વિલ્સન સર્કસ, સ્ટાર થિયેટર વગેરે. તેઓ જ્યાંથી એક બલૂન ઉડાડવાનું હતું તે મેદાનમાં ગયેલા, નંદલાલ બોઝને ઘેર તેમનાં ચિત્રોનું પ્રદર્શન જોવા ગયેલા, તથા રાધાબજારમાં આવેલા એક ફોટો-સ્ટુડિયોમાં પણ ગયેલા. રાત્રીના સમયે કોલકાતાની વીજળીથી ઝળહળતી રોશનીમાં ઊંચાં ઊંચાં મકાનો જોઈ તેનો આનંદ તેઓ માણતા. ટૂંકમાં, શહેરમાં જોવા લાયક બધું જ ઠાકુરે જોયું હતું. આ માટે તેમણે વિવિધ પ્રકારનાં વાહનોમાં પ્રવાસ કર્યો હતો – જેવાં કે, ઘોડાગાડી, ટ્રેઈન, હોડી, સ્ટીમર, પાલખી અને ટ્રામમાં પણ. તેમનામાં એક બાળક જેવી અદમ્ય ઉત્સુકતા હતી. પરંતુ આ બધાની વચ્ચે કેટલીકવાર તેઓ ઊંડી સમાધિમાં સરી પડતા. તેમણે જે જોયું, તેમાં તેમને કોઈ ગહન અર્થ દેખાતો. આમ ‘કથામૃત’માં આપણને તે સમયના કોલકાતાના લોકો તથા સ્થળોનાં સુંદર વર્ણનો મળે છે.

બીજી પણ એક રસ પડે તેવી બાબત છે. શ્રીરામકૃષ્ણે આ દુનિયાનાં બે પ્રકારનાં ચિત્રો આપ્યાં છે તે ‘કથામૃત’ દ્વારા જાણવા મળે છે. પ્રથમ ચિત્રમાં તેઓ જગતને ભ્રમ માયાની રચના અથવા બંગાળી ભાષામાં જેને ધોકારટોટિ-માયાનું આવરણ. એટલે કે જગત વાસ્તવિક નથી, શાશ્વત નથી, પરંતુ માત્ર ભ્રમ છે. વેદાંતનું દર્શન, ખાસ કરીને તો અદ્વૈત વેદાંત તો આ જગતને ભ્રમ કે માયા જ માને છે. તેમાં કશું વાસ્તવિક નથી. બાહ્યદૃષ્ટિએ તો બધી વસ્તુઓ વગેરે અસ્તિત્વમાં છે તેમ લાગે, પરંતુ આપણે ખૂબ ગહન રીતે વિચાર કરીએ તો લાગે છે કે તેને કોઈ મૂળ કે શાશ્વત અસ્તિત્વ નથી. આ મત એનું એક પાસું છે. તો બીજી તરફ શ્રીરામકૃષ્ણ આ જગતને બંગાળીમાં મજારકુટિ – એટલે કે આનંદનું નિકેતન કહેતા. સાથે ને સાથે આપણે આ જગત પ્રત્યેનો દૃષ્ટિકોણ કેવી રીતે બદલી શકીએ, આપણી ભીતર કઈ રીતે પરિવર્તન લાવી શકીએ વગેરે વિશે એમણે ઘણાં સૂચનો કર્યાં છે. આ જગતમાં સુખ પણ છે અને દુ:ખ પણ છે. કેટલાય પ્રકારનાં દ્વૈત છે, જેનાથી આ દેખાતું જગત બન્યું છે, અને તેને લીધે જ આપણે અહીં દુ:ખ ભોગવીએ છીએ. પરંતુ જો આપણે આ દ્વૈતોની પેલે પાર જઈ શકીએ તો, પછી એક બીજી દુનિયામાં આપણે સલામતિપૂર્વક ગોઠવાઈ જઈએ છીએ. ઈશ ઉપનિષદ કહે છે: ‘ઈશાવાસ્યમ્‌ ઈદમ્‌ સર્વમ્‌’ એટલે કે ‘આ બધું જગત ઈશનું રાજ્ય છે.’ પ્રભુ જ સર્વોચ્ચ વાસ્તવિકતા છે. વિશ્વની પ્રત્યેક વસ્તુમાં પરમાનંદ સિવાય બીજું કંઈ નથી. એ સર્વોચ્ચ વાસ્તવિકતાને તમે જોઈ શકો ત્યારે તમારું અંદરથી પરિવર્તન થઈ જાય છે, અને આ દુનિયા પણ તમારે માટે પરિવર્તિત થઈ જાય છે; ત્યારે આ જગત માજારકુટિ એટલે કે આનંદનું નિકેતન બની જાય છે. આપણને આ પ્રાપ્ત કરાવવા શ્રીરામકૃષ્ણ હંમેશાં હાજરાહજૂર છે. તેમને અનુસરો. તેમણે ‘કથામૃત’માં જે ઉપદેશ આપ્યો છે તેને અનુસરો, અને તમારું પરિવર્તન કરી લો. ત્યાર પછી તમને અનંત આનંદ અને પરમ સુખ પ્રાપ્ત થશે.

ખરેખર ‘કથામૃત’એ અદ્‌ભુત આધ્યાત્મિક માર્ગદર્શક છે, કેમ કે તે આપણી આધ્યાત્મિક પ્રગતિના અનેક પ્રશ્નોના ઉત્તર આપે છે. શ્રી ‘મ’ની શ્રીઠાકુર સાથેની પ્રથમ સાત મુલાકાતોમાં તેમણે તેમને સાત પવિત્ર આજ્ઞાઓ ઉપરાંત અને બીજા ઉપદેશો ‘કથામૃત’ના જુદા જુદા વિભાગમાં વિસ્તૃત રીતે સમજાવેલ છે. આપણે ‘કથામૃત’ને ઊંડાણપૂર્વક વાંચીએ તો આપણને સમજાશે કે આપણને આધ્યાત્મિક વિકાસના ઘડતર માટે તેમાં સ્પષ્ટ માર્ગદર્શન આપેલું છે. આપણે આધ્યાત્મિક વિકાસના ગમે તે સ્તર પર – ઉન્નત સ્તર કે પ્રારંભિક સ્તર – હોઈએ તે બધા માટે એમાં સ્પષ્ટ આધ્યાત્મિક માર્ગદર્શન મળે છે.

આ સિવાય પણ, ‘કથામૃત’ આપણને રોજિંદા જીવનમાં પણ માર્ગદર્શન આપે છે. કેટલાક અભિપ્સુઓએ તો ‘કથામૃત’ના અમુક પાનાઓની જુદી જુદી યાદી બનાવી છે. તેમને જ્યારે પણ કોઈ દુન્યવી જીવનનો પ્રશ્ન થાય ત્યારે, તેઓ યાદીમાંથી તે વિષય પરના શ્રીઠાકુરના ઉપદેશનું વાચન કરે છે. માનો કે અમુક બનાવથી મને ખૂબ દુ:ખ થયું છે. આ વિશે શ્રીરામકૃષ્ણને શું કહેવાનું છે? તે વખતે આ વિશે શ્રીરામકૃષ્ણ શું કહે છે તે મારે જાણવું છે. તે વખતે વિવિધ વિષય અંગેની મારી બનાવેલી સૂચિમાંથી હું તે ભાગ વાંચું છું. અથવા માનો કે કોઈએ, સાવ નાની બાબતમાં, મારું અપમાન કર્યું છે, અને તેનાથી મારી લાગણી દુભાઈ છે, તો આ દુ:ખની સંવેદનામાંથી કેમ બહાર નીકળવું? ત્યારે હું આ વિષય પરના ઉપદેશવાળું પાનું વાંચું છું. આમ, માત્ર આપણા આધ્યાત્મિક વિકાસ માટે જ નહિ, પરંતુ આપણા રોજિંદા જીવનના પ્રશ્નો માટે પણ શ્રીરામકૃષ્ણ આપણને સહાય કરવા હાજર જ હોય છે.

આમ આપણે ગંભીરતાપૂર્વક ‘કથામૃત’ ગ્રંથનો સદુપયોગ કરીએ અને તેમાંના ઉપદેશોને પચાવીએ તો આપણને માલૂમ પડે છે કે તેનું સાચું ધ્યેય માનવને સાચો માનવ બનાવવો એ છે. શ્રીઠાકુર કહેતા કે માનવે (બંગાળીમાં માનુષ), પોતાના સ્વસ્વરૂપ વિશે સભાન બનવાનું છે (બંગાળીમાં મનહુશ). આ માટે ‘કથામૃત’માં ભરપૂર શક્યતાઓ પડેલી છે. તે જાણે આપણને પથદર્શન કરાવતો ગ્રંથ છે. ભગવાનના નામજપની શક્તિ વિશે વાત કરતાં એક વખત શ્રીરામકૃષ્ણે એક સુંદર ઉદાહરણ આપ્યું હતું, ‘તે મકાનની છતની કાંગરીમાં રાખેલાં બીજ જેવું છે. ઘણા દિવસો પછીએ મકાન પડી જાય છે, બીજ પૃથ્વી પર પડે છે, તેમાં અંકૂર ફૂટે છે અને અંતે તેનાં વૃક્ષ પર ફળ આવે છે.’ (Gospel p.૧૪૬). તેવી જ રીતે શ્રીરામકૃષ્ણના ઉપદેશો જો માનવના મનમાં રોપાઈ જાય, તો તેમનામાં અંદર છૂપી રહેલી આધ્યાત્મિકતા પ્રગટ થાય છે, અને ધીમે ધીમે તે સર્વોત્તમ તત્ત્વને પામે છે, તે એક સાચો માનવ બને છે.

આમ, એ તો સ્પષ્ટ છે કે ‘કથામૃત’ એ શ્રેષ્ઠ ગ્રંથ છે. આપણે તેને કાળજીપૂર્વક વાંચીએ તો આપણને સમય જતાં ખ્યાલ આવે છે કે, તે આપણે માટે એક બારી ખોલી  આપે છે, અને તેમાંથી શ્રીઠાકુરના આશીર્વાદથી રચાયેલ એક સુંદર હરિયાળા ઘાસથી ભરી ભરી ભૂમિ દેખાય છે. એ જ આપણા ગુરુદેવનું પ્રભાવલય છે. આ હરિયાળા ઘાસથી ભરી ભરી ભૂમિ સૌને માટે છે. એ અદ્‌ભુત છે. આપણે જો તેનાથી પણ દૂર જોઈએ તો આપણને વાદળી ક્ષિતિજ પર કંઈક વધુ દેખાય છે. આપણને દેખાય છે કે ત્યાં એક ઉજ્જ્વળ ભાવિ માટે અપાયેલું વચન છે અને એક શ્રદ્ધા છે – તે એ છે કે જુદા જુદા વંશના, જુદી જુદી ભાષાઓ બોલતા, અને જુદા જુદા ધર્મમાં માનતા લોકો ભવિષ્યમાં શાંતિ અને સંવાદિતામાં જીવતા હશે. એ માટે જ હું ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’એ ગ્રંથને એક અસાધારણ ગ્રંથ માનું છું.

Total Views: 158

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.