બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર કથામૃત’માંથી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈના ‘આમાર જીવને શ્રીરામકૃષ્ણ કથામૃત’નો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

૧૯૨૪માં પંચમહાલ-ગોધરામાં જિલ્લા કલેક્ટરશ્રીના રહસ્ય સચિવ તરીકે સેવા બજાવતો હતો ત્યારે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નામના પુસ્તક સાથે મારે પ્રથમ પરિચય થયો. આ પુસ્તક ‘સસ્તુ સાહિત્ય મંડળ’ દ્વારા પ્રકાશિત થયું હતું. એ સંસ્થા દ્વારા પ્રકાશિત પુસ્તકમાળાનો હું ગ્રાહક હતો. કથામૃતના વાચનથી મારી ધર્માનુભૂતિ વધુ સ્પષ્ટ થઈ અને મારી ઈશ્વરશ્રદ્ધા પણ દૃઢતર બની. મનુષ્ય માટે સત્યના પથનું અનુસરણ કરીને, પોતાનાં શ્રદ્ધાવિશ્વાસને સંરક્ષીને જીવનપથ પર ચાલવું યોગ્ય છે, એવો મારો વિશ્વાસ આ પુસ્તક વાંચીને સુનિર્દિષ્ટ-ચોક્કસ બન્યો હતો. આ વિશ્વાસના બળથી પ્રબળ બનીને હું શીતળાના રોગ વિશે કલેક્ટરશ્રીને મારી વાત નિર્ભયતાથી કરી શક્યો હતો અને લોકલ બોર્ડના ચેરમેનની નિયુક્તિ માટે નિર્ભયતાથી હું મારો મત આપી શક્યો હતો. મારા મનમાંથી બધા પ્રકારના ભય દૂર થઈ ગયા હતા. નોકરી વિશે કે મારા સ્વાર્થ વિશે મને ક્યારેય ઉદ્વેગ નથી થયો. આવા બધા અનુભવથી નોકરી છોડવા માટે મારા મનની ઇચ્છા વધુ પ્રબળ બની ગઈ. અંતે સ્વરાજ મેળવવા માટે મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ આંદોલન છેડ્યું ત્યારે મેં પદત્યાગ કર્યો.

ત્યાર પછી શ્રીરામકૃષ્ણના જીવન વિશે મેં બીજું ઘણું વાંચ્યું. મારા મનમાં એવો દૃઢ વિશ્વાસ થયો હતો કે તેઓ એક મહાન અધ્યાત્મપુરુષ છે. બધા ધર્મના મત પ્રમાણે સમપરિમાણ શ્રદ્ધાબોધની આદર્શ સાધનામાં તેમણે પોતાની જાતને નિયોજિત કરી દીધી. ઈશ્વરપ્રાપ્તિના વિવિધધર્મોની પ્રણાલીઓની સાધના કરીને જગત સમક્ષ એમણે એ પ્રમાણિત કર્યું હતું કે બધા ધર્મોનો ઉપદેશ એકસમાન છે અને બધા ધર્મમતો ઈશ્વરપ્રાપ્તિ માટે સહાયક બને છે.

એમના જીવનની ઘટનાવલી અને ઉપદેશાવલીનું ચિંતનમનન કરીને નિર્લિપ્ત કર્મસાધનાનો આદર્શ હું ગ્રહણ કરી શક્યો હતો. હજી સુધી એનો પ્રભાવ મારા મનને શક્તિ અર્પે છે અને દરેક પરિસ્થિતિમાં મનને સમતાવાળું રાખવામાં સહાયક બને છે. સ્વાતંત્ર્ય આંદોલનમાં યોગદાન આપ્યા પછી કુલ સાતવર્ષ સુધી મેં જેલવાસ ભોગવ્યો હતો. કારાવાસ દરમિયાન આ ધર્મપ્રભાવના ફળ સ્વરૂપે હું મારા અંતર્દર્શન અને આત્મપરીક્ષણના કાર્યમાં મારી જાતને નિયોજિત કરી શક્યો હતો. આને લીધે મારું જીવન ઉચ્ચતર અને ફલપ્રસૂ બન્યું છે.

Total Views: 19
By Published On: September 17, 2022Categories: Morarji Desai0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram