મૂળ બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર કથામૃત’માં રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજના લેખ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત : નવયુગેર ભાગવત’નો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. – સં.

‘શ્રીમ.’- માસ્ટર મહાશયે કથામૃતના પ્રારંભમાં શ્રીમત્‌ ભાગવતનો આ શ્લોક (૧૦.૩૧.૯) આપીને કથામૃતનું મંગલાચરણ કર્યું છે :

तव कथामृतं तप्तजीवनं
कविभिरीडितं कल्मषापहम् ।
श्रवणमङ्गलं श्रीमदाततं
भुवि गृणन्ति ये भूरिदा जनाः ॥

તપ્તજીવન માટે સુશીતલકારી, ક્રાંતદૃષ્ટાઓએ વર્ણવેલ, પાપહારી, માત્ર શ્રવણથી જ સર્વનું કલ્યાણ કરનારી તમારી અમૃતમયવાણીનો જે લોકો જગતમાં પ્રચાર કરે છે, તેઓ ખરેખર ધન્ય છે.

માસ્ટર મહાશય ખરેખર ઘણા ભાગ્યવાન ગણાય. શ્રીરામકૃષ્ણનાં દર્શન કરીને તેઓ સમજ્યા હતા : શ્રી ભગવાન સાક્ષાત્‌ નરદેહે અવતર્યા છે. શ્રીઠાકુરના સાંનિધ્યમાં રહીને એમની અમૃતવાણીને ‘શ્રીમ.’એ જે રીતે લિપિબદ્ધ કરી છે તેવી રીતે કોઈપણ અવતારપુરુષની વાણીને બીજા કોઈએ શબ્દરૂપ આપ્યું નથી. સ્વામી વિવેકાનંદે માસ્ટર મહાશયને લખ્યું હતું: હવે અમને સમજાય છે કે અમારામાંથી કોઈએ શા માટે શ્રીઠાકુરના જીવન વિશે લખવાનો પ્રયાસ નથી કર્યો. આ મહાન કાર્ય આપને માટે જ નિશ્ચિત થયેલું હતું.

શ્રીઠાકુરે એક દિવસ માસ્ટર મહાશયને કહ્યું : શ્રીમા કાલી ભાગવતના પંડિતને એક પાશ આપીને સંસારમાં રાખે છે, નહિ તો સંસારના લોકોને ભાગવત કોણ સંભળાવે?

કથામૃત એટલે સાક્ષાત્‌ શ્રીપ્રભુના, શ્રીઠાકુરના મુખેથી નીકળેલી અમૃતવાણી : નવયુગનું ભાગવત. મંગલાચરણ પછી કથામૃતમાં એક પક્ષીનું ચિત્ર જોવા મળે છે, એ ચિત્રની નીચે ‘યોગીનાં ચક્ષુ’ એમ લખ્યું છે.

શ્રીરામકૃષ્ણ (મણિ કે માસ્ટર મહાશયને સંબોધીને): યોગીનું મન સર્વદા ઈશ્વરમાં રહે છે, સદૈવ ઈશ્વરમાં આત્મસ્થ. અન્યમનસ્કભાવવાળાં ચક્ષુઓ જોઈને જ એ મન આત્મસ્થ છે એનો ખ્યાલ આવે છે. જેમ માદાપક્ષી પોતાનાં ઈંડાં પર બેસીને ઈંડાંને સેવે છે, ત્યારે માદાનું મન તો છે ઈંડાંમાં જ; માત્ર ઉપલક નજરે તે ખુલ્લી આંખે જોતી હોય એવું લાગે છે. વારુ, એ છબિ મને બતાવશો?

માસ્ટર મહાશય : હા જી, હું પ્રયત્ન કરીશ જો ક્યાંકથી મળી જાય તો.

સો વર્ષ પહેલાં ૧૮૮૨ના માર્ચ મહિનામાં માસ્ટર મહાશયે શ્રીરામકૃષ્ણ કથામૃતને શબ્દસ્થ બનાવવાનો પ્રારંભ કર્યો. જ્યારે રજા હોય ત્યારે તેઓ શ્રીઠાકુર પાસે જતા, અને એ પણ બહુવાર નહિ. આપણને ૧૮૮૬ના એપ્રિલ સુધીનું વિવરણ જોવા મળે છે. શરૂઆતમાં જે વાતને સંક્ષેપમાં-શિઘ્રલિપિની જેમ સૂત્રાત્મક રીતે લખતા હતા, એ બધી બાબતોને પાછળથી સુવ્યવસ્થિત રીતે ગોઠવીને શબ્દરૂપ આપતા હતા.

શ્રીઠાકુરના સાક્ષાત્‌ શિષ્યોમાંથી જે કોઈ એમની વાત સાંભળતું તે બધું લખી રાખતા. શ્રીઠાકુરને એ વાતનો ખ્યાલ આવતાં એમણે એ બધાને કહ્યું : તમારે એ બધું નહિ કરવું પડે. ત્યારથી એ બધા એ કાર્યમાંથી વિરત થઈ ગયા. કથામૃતના પ્રકાશન પછી જ એ બધાને સમજાયું કે શ્રીઠાકુરે આ કાર્ય માસ્ટર મહાશય માટે જ નક્કી કરી રાખ્યું હતું.

માત્ર એટલું જ નહિ પરંતુ જે વાતો તેઓ સાંભળતા એ બધી વાતો ‘શ્રીમ.’ પાસેથી ફરીથી કહેવડાવતા. એમ કહેતા : આજે કઈ કઈ વાત થઈ, એ જરા કહો તો ખરા? ‘શ્રીમ.’ વાતને ફરીથી કહેતા અને શ્રીઠાકુર જરૂર જણાય ત્યાં સુધારાવધારા પણ કરાવતા. માસ્ટર મહાશયની સ્મરણશક્તિ અદ્‌ભુત હતી. તેઓ એક સારા વિદ્યાર્થી પણ હતા. આમ હોવા છતાં પણ એમની વાતો – ચર્ચા બરાબર રજૂ થાય છે કે નહિ એ વિશેની શ્રીઠાકુરની સભાનતા-સાવચેતી પણ કંઈ કમ ન હતી. એટલે જ માસ્ટર મહાશયની વાતોને edit કરીને તેઓ પોતે જ મઠારી આપતા હતા.

શ્રીરામકૃષ્ણ ભાવધારાના પ્રચાર-પ્રસારમાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની વિશિષ્ટ ભૂમિકા રહી છે. દેશના બધા સ્તરના લોકો પાસે શ્રીરામકૃષ્ણની વાતો ‘શ્રીરામકૃષ્ણ કથામૃતે’ જે રીતે પહોંચાડી છે એ રીતે એમના વિશેના બીજા કોઈ પણ ગ્રંથે ભાગ્યે જ આવું કાર્ય કર્યું હશે. માત્ર બંગાળીમાં જ નહિ પરંતુ અનેક પ્રાંતીય ભાષાઓમાં તેમજ દેશવિદેશની અનેક ભાષાઓમાં એનો અનુવાદ થઈ ચૂક્યો છે. ઘણા મનીષીઓએ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વિશે ઘણી ઘણી વાતો કરી છે.

થોડા દિવસો પહેલાં રશિયાથી એક પ્રાધ્યાપક ઉત્તરભારતના એક વિશ્વવિદ્યાલયમાં આવ્યા હતા. ત્યાં આવીને અહીં ક્યાંય રામકૃષ્ણ મિશનનું કોઈ શાખાકેન્દ્ર છે કે નહિ તેની તેમણે પૂછપરછ કરી. એમને મિશનનાં આવા એક કેન્દ્રમાં લઈ ગયા. ‘ધ ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ’, ‘શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર’, ‘વર્ક્‌સ ઓફ સિસ્ટર નિવેદિતા’ આ બધાં પુસ્તકો એમણે પસંદ કરીને લીધાં. ત્યાંના અધ્યક્ષ સ્વામીજીએ જિજ્ઞાસાથી પૂછ્યું: ‘આપ સામ્યવાદી દેશમાંથી આવો છો, છતાંય આપને આવાં પુસ્તકો માટે આગ્રહ શા માટે છે?’ અને વળી પૂછ્યું: ‘તમે કેવી રીતે આવાં પુસ્તકો પ્રત્યે આકર્ષાયા છો?’ તેના પ્રત્યુત્તરમાં પ્રાધ્યાપકે કહ્યું: ‘મેં હિંદુધર્મના પુનર્જાગરણ વિશે અભ્યાસ કર્યો છે.’ જતાં જતાં તેમણે કહ્યું: ‘તમે સૌ જો જો, પચાસ વર્ષ પછી આ જ ભાવધારા રહેશે. એ એટલો બધો ઉદાર, વૈશ્વિક, સર્વજનીન ભાવ છે.’

થોડા દિવસો પહેલાં એક યહૂદી સદ્‌ગૃહસ્થે લખ્યું હતું : ‘શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ દ્વારા પ્રચારિત વેદાંતધર્મનો સર્વસ્થળે પ્રચાર કરવો જોઈએ, ઈઝરાઈલમાં પણ રામકૃષ્ણ સંઘનું એક શાખાકેન્દ્ર હોવું જોઈએ.’ એક વ્યક્તિએ આફ્રિકાથી પત્રમાં લખ્યું છે : ‘થોડા દિવસો પહેલાં હું ભારતભ્રમણ કરી ગયો છું. હું ઇચ્છું છું કે આફ્રિકામાં પણ રામકૃષ્ણ સંઘનું એક શાખાકેન્દ્ર હોવું જોઈએ.’ એમણે આગળ લખ્યું છે: ‘આ ખ્રિસ્તીધર્મ પાળનારાનો દેશ છે, છતાં પણ વેદાંત એ એકમાત્ર ગ્રહણ કરવા જેવો માર્ગ છે.’

જ્યારે હું રામકૃષ્ણ મઠના એક કેન્દ્રમાં પ્રકાશન વિભાગમાં હતો ત્યારે મેં એ જોયું કે અમેરિકાના ભક્ત લોકો લખે છે: ‘અમે ‘ધ ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ’ એ પુસ્તક વાંચ્યું છે પણ અમારે મૂળ બંગાળીમાં એ ગ્રંથ વાંચવો છે.’ વિદ્યાસાગર રચિત ‘વર્ણ પરિચય’, અંગ્રેજી-બંગાળી અને બંગાળી-અંગ્રેજી ડિક્ષનરી તેમજ બંગાળી કથામૃત મોકલ્યા પછી તેઓ બંગાળી ભાષા શીખ્યા. થોડા વખત પછી તેમણે લખ્યું હતું: ‘અમે બંગાળીમાં કથામૃત વાંચીએ છીએ. અમને એવું લાગે છે કે જાણે શ્રીઠાકુર અમારી સન્મુખ બેઠા છે!’ અહીંના એક બંગાળી મરીન ઇજનેર અમેરિકાના અમારા એક કેન્દ્રમાં ગયા હતા. ત્યાંના લોકો એને બંગાળી તરીકે ઓળખીને તેમને કહ્યું : ‘આપ અમારી સાથે બંગાળીમાં વાત કરો.’ તેઓ આ સાંભળીને અવાક્‌ બની ગયા. પછી કહ્યું: ‘તમે તો બંગાળી જાણતા નથી અને હું બંગાળીમાં શું વાત કરું?’ તેમણે કહ્યું: ‘તમે શ્રીરામકૃષ્ણની ભાષામાં વાત કરો, અમે એ સાંભળીશું.’

વિશ્વભરના લોકો શ્રીરામકૃષ્ણ વિશે સાંભળવા આતુરતાપૂર્વક આવે છે. મને એ વાત યાદ આવે છે કે  ક્રિસ્ટોફર ઈશરવૂડ જ્યારે શ્રીરામકૃષ્ણનું જીવન ચરિત્ર લખવાના હતા ત્યારે કામારપુકુર, જયરામવાટી અને દક્ષિણેશ્વરની વર્ણનકથા લખવા માટે તેઓ અમેરિકાથી અહીં આવ્યા હતા. પછી કામારપુકુર, જયરામવાટી અને દક્ષિણેશ્વર તેમજ બેલુરમઠ જોઈને તેઓ સીધા અમેરિકા ચાલ્યા ગયા હતા. એ પુસ્તક પૂરું થતાં સુધી એમણે બીજી બાબતોમાં પોતાનું મન લાગવા દીધું ન હતું.

ઘણા દેશોના અસંખ્ય લોકો શ્રીરામકૃષ્ણ કથામૃતના માધ્યમથી શ્રીરામકૃષ્ણનો સંસ્પર્શ અનુભવે છે. મોટા ભાગના લોકોએ સ્વામી વિવેકાનંદનું જીવન અને તેમનાં બીજાં લખાણોની વાણી વાંચીને પછી શ્રીરામકૃષ્ણ કથામૃતનું પઠન કર્યું છે. હું પણ સ્વામીજીનાં લખાણો વાંચીને રામકૃષ્ણ સંઘમાં યોગદાન કરવા પ્રેરાયો હતો. રામકૃષ્ણ સંઘમાં યોગદાન આપીને પછી મેં શ્રીરામકૃષ્ણ કથામૃત વાંચ્યું હતું. શ્રીઠાકુરના સંતાનો કહેતા: પહેલાં સ્વામીજીનાં લખાણો વાંચો અને તેથી સ્વામીજીના ચિંતનને આગળ રાખીને તમે શ્રીઠાકુરને સમજી શકશો. સ્વામીજીએ પોતે પણ કહ્યું છે: (Sri Ramakrishna) Lived the life and I read the meaning in it. તેઓ (શ્રીરામકૃષ્ણ) જીવન જીવી ગયા છે અને હું તેનો મર્મ વાંચી-સમજી શકું છું. 

પહેલાં સ્વામીજીનાં લખાણો વાંચીને શ્રીરામકૃષ્ણ કથામૃતનું પઠન કર્યું હતું એમ બધા માટે કહેવું યોગ્ય નહિ ગણાય. ‘શ્રીમ.’ જ્યાં સુધી સ્થૂળદેહે સૌની વચ્ચે હતા ત્યાં સુધી એમના સંસ્પર્શમાં આવીને ઘણા યુવાનોએ અનુપ્રાણિત થઈને મઠમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ દૃષ્ટિએ રામકૃષ્ણ સંઘમાં માસ્ટર મહાશયનું પ્રદાન અસામાન્ય છે.

રામકૃષ્ણ સંઘના મોટા ભાગના સંન્યાસીઓ નિષ્ઠાપૂર્વક પ્રતિદિન રામકૃષ્ણ કથામૃતનું પઠન કરે છે. દરરોજ આવી રીતે કથામૃતનું પઠન કરવાથી ઘણાને એ ગ્રંથ મુખસ્થ થઈ જાય છે. વૃદ્ધ અને બિમાર સંન્યાસીઓ માટે કથામૃતનું વાચન કરવું શક્ય ન હોય ત્યારે તેઓ કોઈ બ્રહ્મચારી કે યુવા સંન્યાસીને ચોક્કસ સમયે કથામૃતનું વાચન કરવા કહે છે. રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓનો જીવનવેદ છે શ્રીરામકૃષ્ણ કથામૃત. શ્રીરામકૃષ્ણ કથામૃતના આલોકમાં જ્યારે તેઓ ગીતા-ઉપનિષદનું વાચન કરે છે ત્યારે એ બધા પ્રાચીન શાસ્ત્રોમાં એમને એક નવા આલોકનું અનુસંધાન મળે છે.

અમારા મોટા ભાગના સંઘાધ્યક્ષો ભક્તોને કથામૃતનું દરરોજ પઠન કરવાનું કહેતા. શ્રીઠાકુર કહેતા: શું આંખ બંધ કરવાથી જ ભગવાન છે અને આંખ ખોલવાથી ભગવાન નથી એવું કંઈ છે ખરું? ના, આ વાત સાચી નથી. આંખ બંધ રહે કે ખૂલી પણ ભગવાન સદૈવ રહે છે. આંખ ખોલીને પણ ધ્યાન કરી શકાય. શ્રીરામકૃષ્ણ કથામૃતમાં ભક્તો સાથેના શ્રીઠાકુરના વાર્તાલાપોમાં એવું વર્ણન આવે છે કે જેથી એ બધાં શબ્દચિત્રોનું સ્મરણમનન કરવાથી પણ ધ્યાનનું ફળ મળે છે.

સંસારમાં કેવી રીતે રહેવાય એનું તત્ત્વ આપણને કથામૃતમાંથી મળે છે. એમાંથી એ પણ જાણવા મળે છે કે સંસારમાં રહીને પણ ભગવાનને કેવી રીતે પોકારી શકાય. શ્રીઠાકુરે કહ્યું છે: હું સંસાર કરવાની ના નથી પાડતો, પરંતુ સંસારમાં પ્રવેશ કરતાં પહેલાં જે વનમાં તમે રહેવાના છો એની પહેલેથી જાણકારી મેળવી લેવી જોઈએ. જો આની જાણકારી હશે તો વિપત્તિ, શોકથી તમે જર્જરિત નહિ બની જાઓ. નાવ પાણીમાં રહે એમાં કાંઈ વાંધો નથી પણ નાવમાં પાણી ન આવી જવું જોઈએ; એવી જ રીતે તમે સંસારમાં ભલે રહો પણ સંસાર તમારામાં ન ઘૂસી જાય. તેમણે એમ પણ કહ્યું છે કે બે દિવસ માટે સંસારમાં આવવું એ કોઈ દાસી કે નોકરાણીનું પોતાના માલિકના ઘરમાં આવવા જેવું છે. નોકરાણી પોતાના માલિકના છોકરાછોકરીઓની  કાળજી લે છે, સારસંભાળ રાખે છે અને ચાહે પણ છે. ‘મારો યદુ, મારો મધુ, હું ન હોઉં તો એ બધાં ખાય નહિ’ વગેરે શબ્દો બોલે પણ છે. પણ પોતાના મનમાં તો એ બરાબર જાણે છે કે આ બધાં કંઈ મારાં નથી. મારું ઘર તો ગામડામાં છે અને કામ પૂરું થતાં જ મારે ત્યાં પાછું જવાનું છે. આ બધું એક અભિનય કરવા જેવું છે. ક્યારેક રાજા બને છે, તો વળી ક્યારેક મંત્રી કેટકેટલાં પાત્રોનો પાઠ ભજવે છે. જ્યારે વેશ ધારણ કરે છે અને અભિનય કરે છે ત્યારે એમને ખબર છે કે તેઓ અભિનય કરી રહ્યા છે, આ વાસ્તવિક નથી. એમાંથી કેટલાકને પોતાનો વેશ બદલવો ગમતો નથી, ગ્રીનરૂમમાં જઈને પણ તેઓ રાજાપાઠમાં રહે છે. આ સંસારમાં પણ આપણું આવું જ થાય છે. આ સંસારમાં આવીને આપણે ક્યારેક માતા બનીએ છીએ તો ક્યારેક પિતા; ક્યારેક પુત્ર બનીએ છીએ તો વળી ક્યારેક પુત્રી. આપણે આપણા મૂળરૂપને ભૂલી જઈએ છીએ અને ભૂલીને પાછા અહીં જ અટકી પડીએ છીએ. ભગવાન જ આપણું એકમાત્ર નિશ્ચિતસ્થાન છે અને આપણે સૌએ પાછા તેમની પાસે જ જવાનું છે. આપણને શ્રીઠાકુરે આવી જવાબદારી સોંપી છે. આપણે માતા બનીને, પિતા બનીને કે સંતાન બનીને સંસારમાં રહેવું પડશે. પોતપોતાના કર્તવ્યનું બરાબર પાલન કરવું પડશે. પરંતુ આપણે આપણા મનમાં એ જાણી લેવું પડશે કે ભગવાન જ આપણું એકમાત્ર આશ્રયસ્થાન છે, એમને પકડી રાખીને જ આપણે ચાલવું પડશે. એકમાત્ર ભગવાન સત્ય છે. આ બોધપાઠ આપણને શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી સાંપડે છે.

શ્રીરામકૃષ્ણનો સર્વજનીન દૃષ્ટિભંગ કેટલો અપૂર્વ હતો! એક દિવસ વાર્તાલાપ કરતી વખતે શ્રીવિજયકૃષ્ણ ગોસ્વામીને શ્રીઠાકુરે કહ્યું: ઈશ્વર તો અંતર્યામી. સરલ, શુદ્ધ મનથી તેની પાસે પ્રાર્થના કરો તો તે બધું સમજાવી દેશે. અભિમાન મૂકીને શરણે જાઓ, તો બધું મળશે. 

‘પોતાનામાં પોતે રહો મન, જાઓ નહિ કોઈને ઘેર…’

જ્યારે બહારના લોકો સાથે ભળો ત્યારે સૌના ઉપર પ્રેમ રાખો, ભળીને જાણે એક થઈ જવું, દ્વેષભાવ રાખવો નહિ. અમુક માણસ સાકારમાં માને છે, નિરાકારમાં માનતો નથી; અમુક નિરાકારમાં માને છે અને સાકારમાં માનતો નથી; અમુક હિંદુ, અમુક મુસલમાન, પેલો ખ્રિસ્તી, એમ કહીને નાક ચડાવીને ઘૃણા કરવી નહિ. પ્રભુએ જેને જેમ સમજાવ્યું છે તેમ તે સમજે છે. સૌની જુદી જુદી પ્રકૃતિ જાણવી. જાણીને તેમની સાથે બને તેટલું હળવું-મળવું, અને પ્રેમ રાખવો. ત્યાર પછી પોતાના ઓરડામાં જઈને શાંતિ આનંદનો ઉપભોગ કરવો. ‘જ્ઞાનદીપ પ્રગટાવીને બ્રહ્મમયીનું મુખ દેખોને,’ પોતાના ઓરડામાં સ્વસ્વરૂપને જોઈ શકશો.

શ્રીરામકૃષ્ણ કથામૃત ધર્મજગતનો એક અનન્ય ગ્રંથ છે અને જેમને આ કાર્ય માટે નિયત-વ્રતી કર્યા એ પણ અનન્ય છે. એ અનન્ય વ્યક્તિ જે અસંખ્ય ભક્તો સમક્ષ ‘શ્રીમ.’ના છદ્મ નામે સુખ્યાત બની છે અને એમના પર શ્રીરામકૃષ્ણે સોંપેલું દાયિત્વ પણ એવી રીતે નિભાવ્યું છે કે આવનારી આવતીકાલ અને અનાગત કાલનો ઇતિહાસ જ એનો જવાબ આપી શકશે.

Total Views: 129

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.