શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરેને)- બંધન અને મુક્તિ, એ બંનેની કરનારી મા. તેની માયાથી સંસારી જીવ કામ-કાંચનમાં બંધાય, વળી તેની કૃપા થાય ત્યારે જ મુક્ત થાય. એ ‘ભવબંધનની બંધન-હારિણી તારિણી.’ એમ કહીને ગંધર્વને શરમાવે એવા મીઠા સ્વરે રામપ્રસાદનું ગીત ઉપાડયું :

‘મા લીલામયી; આ સંસાર તેમની લીલા. એ ઇચ્છામયી, આનંદમયી, લાખોમાંથી એકાદને મુક્તિ આપે.’

બ્રાહ્મ-ભક્ત- મહાશય, તે જો ધારે તો સહુને મુક્તિ આપી શકે. તો પછી શા માટે આપણને સંસારમાં બદ્ધ કરી રાખ્યા છે?

શ્રીરામકૃષ્ણ- માની ઇચ્છા. માની એવી ઇચ્છા છે કે તે આ બધું લઈને રમત કરે. સંતાકૂકડીની રમતમાં ડોશીને પહેલેથી જ અડી જઈએ તો દોડાદોડ કરવી ન પડે એ ખરું, પણ જો બધાં જ પહેલેથી અડી જાય તો રમત ચાલે કેવી રીતે? જો બધાય અડી જાય તો ડોશીને તે ગમે નહિ. રમત ચાલે તો તેને મજા આવે. એટલા માટે ‘લાખોમાંથી એક-બે કાપી, હસીને દો મા હાથતાળી.’ (સૌનો આનંદ).

માએ જીવને આંખનો ઈશારો કરીને કહી દીધું છે કે જા, હમણાં સંસાર કરવા જા. તેમાં જીવનો શો વાંક? મા જો વળી દયા લાવીને મનને વાળી લે તો એ વિષય-બુદ્ધિના સકંજામાંથી છૂટું થાય. એટલે વળી એ મન માનાં ચરણકમળમાં લાગે.

શ્રીરામકૃષ્ણ સંસારી જીવનો ભાવ પોતાનામાં આરોપ કરીને માની પાસે રીસ કરીને ગાય છે :

હું તો એ દુ:ખે દુ:ખ કરું, તું મા છતાં મારા જાગતા ઘરમાં ચોરી. વગેરે

માની માયાથી ભૂલીને માણસ સંસારી થયેલ છે. પ્રસાદ કહે છે ‘મન આપ્યું મનને કરી ઈશારી.’

બ્રાહ્મ-ભક્ત- મહાશય! બધાંનો ત્યાગ કર્યા વિના શું ઈશ્વરપ્રાપ્તિ ન થાય?

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય)- ના ભાઈ! તમારે બધાનો ત્યાગ શા માટે કરવો જોઈએ? તમે રસમાં ડૂબ્યા ઠીક છો. દહીંમાં ને દૂધમાં બેયમાં! (સૌનું હાસ્ય).

‘તમે લોકો મજામાં છો. ગંજીપાની એક રમત છે, તે તમે જાણો છો? તેમાં સત્તર હાથથી આગળ હાથ કરીએ તો બળી જાય. મેં આગળ કર્યા છે, એટલે બળી ગયા છે. તમે લોકો ભારે શાણા. કોઈ દસે છો, કોઈ છએ છો, કોઈ પાંચે છો, વધુ હાથ કર્યા નથી. એટલે મારી પેઠે બળી નથી ગયા, રમત ચાલ્યા કરે છે! એ તો મજાનું. (સૌનું હાસ્ય).

‘ખરું કહું છું, તમે સંસારમાં રહો છો તેમાં દોષ નથી, પણ ઈશ્વરમાં મન રાખવું જોઈએ. તે વિના ન ચાલે. એક હાથે કામ કરો, બીજે હાથે ઈશ્વરને પકડી રાખો. કામકાજ પૂરાં થાય એટલે બેય હાથે ઈશ્વરને પકડો.

‘બધોય આધાર મન ઉપર. મનથી જ બદ્ધ અને મનથી મુક્ત. મનને જે રંગે રંગો, તે રંગે તે રંગાય. જેમ કે ધોબીનું ધોયેલ કપડું, લાલ રંગમાં બોળો તો લાલ, વાદળી રંગમાં બોળો તો વાદળી, લીલા રંગમાં બોળો તો લીલું. જે રંગમાં બોળો તે રંગ જ ચડે. જુઓ ને, જરાક અંગ્રેજી ભણે કે તરત અંગ્રેજી શબ્દો આવી જાય – ફટ, ફાટ, ઈટ, મિટ! (સૌનું હાસ્ય). એ ઉપરાંત પગમાં બૂટ, મોઢેથી સિટી વગાડવી, ગીત ગાવાં, એ બધું આવે. તે જ પ્રમાણે જો સંસ્કૃત ભણીને પંડિત થાય તો તરત જ શ્લોક ઝાપટવા માંડે. તેમ મનને જો કુસંગમાં રાખો તો એ પ્રકારનાં વાતચીત, વિચાર થઈ જાય. જો ભક્તના સંગમાં રાખો તો ઈશ્વર-ચિંતન, હરિકથા એ બધું આવે. મન ઉપર જ બધો આધાર, એક બાજુએ પત્ની, બીજી બાજુએ સંતાન હોય. પત્ની પ્રત્યે એક ભાવથી પ્રેમ બતાવે, સંતાન પ્રત્યે બીજા ભાવથી, પણ મન એક જ.

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ભાગ ૧, પૃ. ૮૮-૯૦)

Total Views: 29
By Published On: September 17, 2022Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram