શ્રીરામકૃષ્ણદેવના અન્યતમ ગૃહસ્થભક્ત અને બ્રાહ્મો સમાજના અગ્રણી શ્રી શિવનાથ શાસ્ત્રીના ‘સરળતમ ભાષાય પરમતત્ત્વ’ નામના બંગાળી લેખનો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

પૂર્વ અભિજ્ઞાનથી મારો એ દૃઢ મત છે : શ્રીરામકૃષ્ણ કેવળ સાધક કે ભક્ત નથી તેઓ સિદ્ધ પુરુષ છે. પ્રત્યક્ષ અધ્યાત્મદૃષ્ટિથી એમણે જે પરમસત્યનાં દર્શન કર્યાં છે, જે સત્ય તેમના સાધનાજીવનના સ્રોત રૂપે આજે પણ જોવા મળે છે, તે છે ઈશ્વરનું માતૃરૂપ. ભગવાનનું તેમને શ્રીજગજ્જનનીના રૂપે ચિંતન કરવું ગમતું હતું. માતૃસ્નેહની એક અપાર્થિવ અમૃતધારાની વચ્ચે તેમણે પરમ-આશ્રયની પ્રાપ્તિ કરી. ઈશ્વરને માતૃરૂપે આરાધીને જ એમનાં સાધનાસિદ્ધિ અને પરમપ્રાપ્તિ વગેરે સધાયાં. એમનાં મનોજગત અને જીવનસત્તામાં શ્રીજગજ્જનની સિવાય બીજી કોઈ વસ્તુનું જાણે કે અસ્તિત્વ જ ન હતું. એટલે શ્રીમા કાલીનું ગાન સાંભળવાથી તેઓ ભાવસ્રોતમાં ડૂબીને દેહભાન ભૂલી જતા.

શ્રીરામકૃષ્ણની આધ્યાત્મિક ચેતનામાં શ્રી જગજ્જનનીનું વિશ્વવ્યાપિણી માતૃરૂપનું જે દર્શન થયું હતું એમાં ખંડતા, અપૂર્ણતા તથા વૈષમ્યતાને કોઈ સ્થાન ન હતું. એટલા માટે સર્વધર્મસમન્વયના સૂત્રને શ્રીરામકૃષ્ણ અનાયાસે પકડી શક્યા હતા. આ વિશે મને એક ઘટના આજે યાદ આવે છે :

ભવાનીપુરના એક ખ્રિસ્તીધર્મ પ્રચારક સાથે મારે ગાઢ પરિચય હતો. મારી પાસેથી શ્રીરામકૃષ્ણ વિશે ઘણી વાતો સાંભળીને તેમણે એ શક્તિવાન સાધકનાં દર્શન કરવાની આકાંક્ષા પ્રગટ કરી. એક દિવસ મારા એ મિત્રને લઈને હું દક્ષિણેશ્વર ગયો. શ્રીરામકૃષ્ણ સાથે એમનો પરિચય કરાવતી વખતે મેં કહ્યું: ‘આ ખ્રિસ્તી ધર્મના પાદરી છે, મારી પાસે અને લોકો પાસેથી આપની વાત સાંભળીને તેઓ આપને મળવા આવ્યા છે.’

મારી વાતોનો ઉત્તર આપતાં પહેલાં ભૂમિ પર વારંવાર પોતાનું મસ્તક ટેકાવીને કહ્યું: ‘ભગવાન ઈશુના ચરણમાં મારા શત શત પ્રણામ.’

એક બીજા ધર્મસંપ્રદાયના સાધકને ઈશુમાં આવી રીતે શ્રદ્ધાભાવ પ્રગટ કરતાં જોઈને આગંતુક પાદરી અવાક્‌ બની ગયા. આશ્ચર્ય સાથે તેઓ બોલ્યા: ‘મહાશય, ઈશુના ચરણોમાં નતમસ્તક બનીને તમે જે પ્રણામ કર્યા તેનું તાત્પર્ય શું છે?’

શ્રીરામકૃષ્ણે મધુર અવાજે કહ્યું: ‘એ શું? એમને પ્રણામ ન કરું? તેઓ તો ભગવાનના અવતાર હતા. મનુષ્યોને તારવા માટે નરદેહ ધારણ કરીને જગતમાં તેઓ અવતર્યા હતા.’

મારા એ સન્મિત્રે વધુ આશ્ચર્ય સાથે પૂછ્યું: ‘અવતાર? ઈશ્વરનું અવતરણ? મને આનો કોઈ અર્થ સમજાયો નથી. શું આપ કૃપા કરીને મને એનો અર્થ સમજાવી શકશો?’

શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘આ દેશમાં જેમ રામ અને કૃષ્ણ અવતર્યા હતા તેમ ઈશુ પણ એમનો એવો જ પ્રકાશ છે. તમે ભાગવત નથી વાંચ્યું? એમાં લખ્યું છે, અનંતશક્તિવાન ભગવાન જીવના કલ્યાણ માટે નરદેહ ધારણ કરીને અસંખ્યવાર અવતરશે.’

પાદરીએ કહ્યું: ‘હજી પણ મને એનો અર્થ સમજાતો નથી. શું તમે એને વધુ વિષદ રીતે સમજાવી શકો ખરા?’

શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘એક સામાન્ય વાત કરું છું. વારુ, સમુદ્રના વિષયને લો, જ્યારે તેના તરફ જુઓ છો ત્યારે એના અનંત જલરાશિ વિના બીજું કંઈ દેખાતું નથી. પરંતુ ઠંડીમાં જ્યારે એ જલરાશિનો કોઈ કોઈ અંશ ઠરીને હિમ થઈ જાય ત્યારે એ અસીમતાની વચ્ચે તમારી દૃષ્ટિને એક અવલંબનક્ષેત્ર મળે છે. અવતારની પણ આવી જ વાત છે. ઈશ્વર અનંત, અરૂપ અને વિશ્વવ્યાપી છે, પરંતુ વિશેષ પ્રયોજનથી એ અસીમ શક્તિ સીમાની વચ્ચે રૂપ ધરીને આવે છે. આ શક્તિ જેમાં પ્રકાશે છે એવા લોકોને અમે લોકો મહાપુરુષ, મહાત્મા કે અવતાર કહીએ છીએ. ઈશ્વરના વિશેષ ભાવના પ્રકાશને અવતાર કહેવાય છે. મહાપુરુષોનાં જીવન દ્વારા લીલામય ભગવાનની અપૂર્વશક્તિનો પ્રકાશ થાય છે. આ જ અવતારની વ્યાખ્યા છે.’ શ્રીરામકૃષ્ણ પોતાની બાલસુલભ ભંગી અને ભાષામાં અધ્યાત્મજગતનાં અનેક નિગૂઢ તત્ત્વોના વિશે આલાપ-આલોચના કરવા લાગ્યા. એ દિવસે એમના પ્રગાઢ જ્ઞાનનો પરિચય પામીને ખ્રિસ્તી પાદરી સ્તબ્ધ બની ગયા. શ્રીરામકૃષ્ણના સત્યની ગંભીર ઉપલબ્ધિ એ દિવસે મને પણ આકર્ષી ગઈ. ત્યાર બાદ જ્યારે પણ મને અવસર મળતો ત્યારે હું દક્ષિણેશ્વર જતો. હું એમને ઘણી વાર મળ્યો છું. એમના મુખેથી નીકળતી પરમતત્ત્વની બહુમૂલ્ય વાત, વ્યાખ્યાનને સાંભળવાના અનેક અવસર મને સાંપડ્યા હતા. પરંતુ એ બધું મને આજે બરાબર યાદ નથી. મારા સ્મૃતિપટમાં જે ઘટનાઓ વિશેષરૂપે રેખાંકિત થઈ ગઈ હતી એમાંની જ કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરું છું.

હું એક દિવસ શ્રીરામકૃષ્ણના ઓરડામાં બેઠો હતો. કેટલાક ભક્તો પણ ત્યાં બેઠા હતા. વચ્ચે પરમહંસદેવ ઓરડામાંથી બહાર ગયા. ભક્ત લોકો અંદરોઅંદર ઈશ્વરના ગુણાગુણ વિશે વિચારવા લાગ્યા. શ્રીરામકૃષ્ણે ઓરડામાં અચાનક પ્રવેશીને કહ્યું: ‘તમે બધા ચૂપ થાઓ. ઈશ્વરના ગુણાગુણનો આ રીતે વિચાર કરવાથી શો લાભ થશે, કહો જોઈએ? એમના મહિમાને સમજવો હોય તો સ્મરણ, મનન, ધ્યાન અને ધારણાથી જ સમજવો પડે. તર્ક કરીને શું કોઈ એમને સમજી શકે ખરા? ઈશ્વર કરુણામય છે. યુક્તિથી આ વાત તમારામાંથી કોઈ શું મને સમજાવી શકશે ખરા? આ જે એક દિવસે શાબાજપુરમાં વાવાઝોડું અને પૂરમાં એટલા બધા લોકોના જાન ગયા. એ શું કરુણાનું નિર્દશન છે? તમે તો કદાચ કહેશો કે એ ધ્વંશકાર્યના પરિણામે ભવિષ્યની નવી સૃષ્ટિનો પથ બની ગયો. પણ હું તર્ક કરીને કહીશ. ઈશ્વર સર્વશક્તિમાન છે. એક સ્થળે જો સૃષ્ટિ રચવી હોય તો શું બીજે સ્થળે એનો નાશ કરવો પડે છે? અરે! શત શત અસહાય શિશુ, નારી, વૃદ્ધોનાં દુ:ખોની વચ્ચે ઊભા રહીને શું કોઈ ઈશ્વરની કરુણાની કલ્પના કરી શકે ખરો?’ એક શ્રોતાએ અસહિષ્ણુ બનીને કહ્યું: ‘તો શું ઈશ્વર નિષ્ઠુર છે?’

શ્રીરામકૃષ્ણ દૃઢસ્વરે બોલી ઊઠ્યા: ‘અરે બુદ્ધુ, આ વાત તને કરી કોણે? કોણ ઈશ્વરના ગુણાગુણનો નિર્ણય કરશે? એમના અનંત મહિમાનો અંત કોણ લાવશે? એટલે કહું છું કાતર બનીને, બે હાથ જોડીને માત્ર આ જ પ્રાર્થના કરો: ‘ઈશ્વર તમારા મહિમાને સમજવાની શક્તિ અમારામાં નથી. કૃપા કરીને તમે અમારાં જ્ઞાનચક્ષુને ખોલી નાખો.’’

આમ કહીને એમણે એક સુંદર મજાની વાર્તા કહી: ‘બે ભાઈઓ થાકીને એક બગીચામાં આવીને આંબાના ઝાડની નીચે બેઠા. એમાંના એકે તત્ક્ષણ કાગળકલમ લઈને આંબાના વૃક્ષોની ગણતરી કરવાનું શરૂ કર્યું. બગીચામાં કેટલાં આંબાનાં વૃક્ષ છે, વૃક્ષમાં કેટલી ડાળો છે, એમાં કેટલાં ફળપાંદડાં છે, વગેરે. બીજો ભાઈ પ્રમાણમાં બુદ્ધિમાન હતો. એણે આ બધાંનો વિચાર કર્યા વિના પાકેલી કેરીઓ એ વખતે તોડીને ખાવા લાગ્યો. એને ખબર હતી કે કેરીની ગણતરી કે હિસાબનું કોઈ પ્રયોજન નથી. તે તો કેરી ખાવા આવ્યો છે. કેરી ખાઈને તૃપ્તિ અનુભવવી એ એનું કામ્ય છે. આપણા સંબંધે પણ આ જ વાત છે. આપણે ક્ષુદ્ર માનવ છીએ ઈશ્વરના ગુણના વિચાર સાથે આપણે શી લેવા દેવા? જો આપણે એમની નામસુધાનું પાન કરીને તૃપ્ત થઈ શકીએ તો શું એ પરમલાભ નથી?’ શ્રીરામકૃષ્ણ કહેવા લાગ્યા: ‘બગીચામાં આ બે ભાઈઓએ આવીને પ્રવેશ કર્યો. એમાંથી જેણે પાકી કેરી ખાધી, ખરેખર એ જ પ્રમાણમાં લાભાર્થી ગણાય. એ વિશે કોઈના મનમાં સંદેહ નથી રહેતો. એને ખબર છે કે બીજાના બગીચામાં થોડા સમય માટે આવીને હિસાબ કે ગણતરી કરવી એ એક મૂર્ખતા છે.

બધા ભક્તોએ માથું હલાવીને એમની વાતનું સમર્થન કર્યું ત્યારે પરમહંસદેવે એમને કહ્યું: ‘અરે! મનુષ્યનું જીવન તો અલ્પજીવી છે, એ સમયે ઈશ્વરના ગુણાગુણનો વિચાર કરીને સમયનો દુર્વ્યય શા માટે કરવો? અનંત શક્તિનો હિસાબ કે ગણતરી કોણ કરી શકે? એના કરતાં તો એમનાં નામગાન કરીને આનંદલાભ કરવામાં જ જીવનની ચરિતાર્થતા છે. એમના પ્રત્યે સમસ્ત પ્રાણમન સમર્પી દેવાથી એમના અનંત મહિમાનું રાજ્ય તેઓ સ્વયં ભક્તો સમક્ષ ખોલી નાખશે. વધુ હિસાબ કે ગણતરીની આપણે શી જરૂર છે?’

સંમિલિત શ્રોતાઓમાંથી મોટા ભાગના ઉચ્ચશિક્ષણ પામેલા હતા. આવા નિરક્ષર ગ્રામ્ય સાધકની પાસે આવા ગભીર તત્ત્વજ્ઞાનની આટલી સહજસરળ વ્યાખ્યા સાંભળીને એ દિવસે બધા વિસ્મિત બની ગયા. એક દિવસ હું શ્રીરામકૃષ્ણના ઓરડામાં બેઠો હતો ત્યારે કલકત્તાથી ભક્તોનો એક સમૂહ ત્યાં આવ્યો. એક વ્યક્તિએ શ્રીરામકૃષ્ણને પ્રશ્ન પૂછ્યો: ‘અધ્યાત્મ સાધનામાં સદ્‌ગુરુપ્રાપ્તિ પર ભાર દેવો ખરેખર અપરિહાર્ય ગણાય છે?’

શ્રીરામકૃષ્ણે દૃઢ અવાજે કહ્યું: ‘ચોક્કસ, જન્મ-જન્માંતરના સંચિત પુણ્યબળથી જ મનુષ્ય આધ્યાત્મિક જીવનમાં ઈશ્વરપ્રાપ્ત ગુરુનો સાંનિધ્યલાભ પામી શકે છે. આ પથમાં ગુરુની કરુણા જ સૌથી વધુ મૂલ્યવાન સંપત્તિ છે. ગુરુ જ મુખ્યત્વે શિષ્યને આ પથે અગ્રસર થવા માટે મદદ કરે છે. શિષ્યની ચેષ્ટાનું એવું પ્રયોજન નથી. પરંતુ વ્યક્તિગત ચેષ્ટાથી પણ કામ થાય છે ખરું. ગુરુ જ શિષ્યને સુવ્યવસ્થિત ઉપદેશ આપીને તેના દુર્ગમ અધ્યાત્મપથને સુગમ બનાવી દે છે.’ આમ કહીને શ્રીઠાકુરે સામે જ વહેતી ગંગામાં ચાલતી એક સ્ટિમર તરફ ત્યાં બેઠેલા ભક્ત-દર્શનાર્થીઓનું ધ્યાન દોર્યું. પછી એમણે કહ્યું: ‘વારુ, આ સ્ટિમર ચુંચુરામાં ક્યારે પહોંચશે, એ તમે કહેશો?’

એક ભક્તે જવાબ આપ્યો: ‘સાંજના પાંચ-છ વાગ્યે પહોંચશે.’

શ્રીઠાકુરે કહ્યું: ‘હલેસાથી ખેંચાતી નાવને ત્યાં પહોંચવામાં પંદર-વીસ કલાકથી પણ વધારે સમય લાગે છે. પણ જો એ નાવને આ સ્ટિમર સાથે જોડી દેવામાં આવે તો તે અલ્પસમયમાં જ પોતાના નિર્દિષ્ટ સ્થાને પહોંચી જશે. જે લોકો મુક્તિ ઇચ્છતા હોય એમની બાબતમાં પણ આવી જ વ્યવસ્થા છે. જો તમે ગુરુના નિર્દેશ વિના આ પથે ચાલવાનો આરંભ કરશો તો અનેક પ્રકારનાં વિઘ્નો અને વિપત્તિઓનો સામનો કરીને ગંતવ્યસ્થાન સુધી પહોંચવામાં તમારે ઘણા વધુ સમય અને પરિશ્રમની જરૂર પડશે. પરંતુ ગુરુની સહાયથી એ કાર્ય સહજ અને થોડા સમયમાં પૂરું થાય છે. આ છે ધર્મજીવનમાં ગુરુસહાયનું તાત્પર્ય.’

બીજા એક દિવસે એક ભક્તે એમને પૂછ્યું: ‘જ્ઞાન અને ભક્તિમાં કોણ ચડિયાતું છે?’ સંસ્કૃત સાહિત્યમાં અનભિજ્ઞ સાધકની વ્યાકરણ ત્રુટિએ તે સમયે મારા શિક્ષિત મનને આઘાત પહોંચાડ્યો હતો એ વાત સાચી છે, પણ એમની અનાડંબર, સરળ અને પ્રાણસ્પર્શી વ્યાખ્યા મારા મનને વિશેષ રૂપે આકર્ષી ગઈ. સંસ્કૃત વ્યાકરણમાં ‘જ્ઞાન’ નપુંસકલિંગ છે. નિરક્ષર શ્રીરામકૃષ્ણે ‘જ્ઞાન’ને પુંલ્લિંગ કહ્યું. એમણે કહ્યું: ‘જ્ઞાન પુરુષ છે એટલે એણે મહામાયાના અંત:પુરની બહાર રાહ જોવી પડે છે. અંદર પ્રવેશવાનો અધિકાર એને નથી. પરંતુ ભક્તિ નારી છે. શ્રીમા કાલીના અંત:પુરમાં એને પ્રવેશવાનો અબાધ અધિકાર છે. માનો પ્રત્યક્ષ સાંનિધ્યલાભ કરવામાં એને કોઈ બાધ નથી. જ્ઞાનનો પથ આયાસ સાપેક્ષ છે. ભક્તિની સરસતા ગંતવ્યપથને સ્નિગ્ધ બનાવે છે. પથની અડચણોની રુક્ષતાને તે દૂર કરી દે છે.’

પહેલાં મને આ બાબતની કોઈ ધારણા ન હતી કે જ્ઞાનયોગ અને ભક્તિયોગની જેમ દુરુહ તત્ત્વની આ રીતે સહજ રૂપે વ્યાખ્યા કરી શકાય છે. એમના સાંનિધ્યમાં આવીને મને સમજાયું હતું કે પરમતત્ત્વની સમ્યક્‌ ઉપલબ્ધિ ન થવાથી વિશ્વસંસારની સમસ્યાઓનું તત્ત્વ અને તેનું સમાધાન આટલું બધું સહજ અને સરળ કોઈની પાસે ન હોઈ શકે. એમનાં દ્વારા વ્યાખ્યાયિત તત્ત્વ એટલાં બધાં પ્રત્યક્ષ અને સહજ રહેતાં કે સામાન્ય જ્ઞાન ધરાવનારો કોઈ પણ માણસ એને સરળતાથી સમજી શકે.

એક દિવસના ઘટના પ્રસંગ વિશે વાત કરું છું: શ્રીરામકૃષ્ણ ગૃહસ્થીઓની સાધના વિશે કહેતા હતા. એક ભક્તે એમને પૂછ્યું: ‘ગૃહસ્થ લોકો ક્યારે ધ્યાન ધારણા કરે? દિનરાત તો તેઓ સંસારનાં કાર્યોમાં મોહગ્રસ્ત રહે છે. આ પરિસ્થિતિમાં ભગવદ્‌ભજનનો અવસર જ ક્યાં મળે છે?’

શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘એની વચ્ચે વચ્ચે જ થાય છે. ગામડામાં પૌંઆ છડતી બહેનોને જોઈ છે? પૌંઆ છડવા માટે સાંબેલું એકધારી રીતે પડે છે. સ્ત્રી એક હાથથી ડાંગરને ફેરવતી જાય છે અને બીજા હાથથી પોતાના બાળકને પકડીને ધવરાવે છે. દરમિયાનમાં ગ્રાહકો સાથે સોદો કરવાનું પણ ચાલુ રાખે છે. પણ, એનું મન તો  રહે છે ખાંડણિયામાં રહેલ હાથ પર. એને ખબર છે કે થોડું મન બીજે જાય તો તેને કારણે ખાંડણિયામાં એનો હાથ ખંડાઈ જવાનો. સંસારી લોકો પણ આ બહેનોની જેમ એમનું સમગ્ર મન ઈશ્વરપ્રત્યે રાખીને બધાં કામ કરી શકે છે, એનાથી એનું કામ પૂર્ણ થશે.’

સાધક શ્રીરામકૃષ્ણનું સમગ્ર જીવન ભગવત્સત્તાથી એટલું બધું ભરપૂર હતું કે કોઈ પણ પ્રકારના બાહ્ય આચાર-અનુષ્ઠાન એમને માટે નિતાંત અપ્રયોજનીય અને અપ્રાસંગિક લાગતાં હતાં. આંતરિકતા વિનાનું અનુષ્ઠાન કે આડંબર એમને પસંદ ન હતાં. એક દિવસ તેઓ ભક્તોથી વીંટળાઈને બેઠા હતા. વાર્તાલાપપ્રસંગે માળા જપવાની વાત નીકળી. એક ભક્તે એમને પૂછ્યું: ‘દેવદેવીઓનાં નામસ્મરણ માટે માળા જપવી એમાં કોઈ સાર્થકતા છે ખરી?’

શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘છે જ, જો એની પાછળ અંતરની વ્યાકુળતા હોય તો. પરંતુ આંતરિકતા વિના નામ જપવાથી કોઈ ફળ મળતું નથી. આ બધું એવું છે કે જેમ પોપટ હરિનામ રટે. એમને રાધાકૃષ્ણ બોલવાનું શીખવો, એ શીખી જશે. કારણ કે અકારણવશાત રાધાકૃષ્ણ બોલીને બધાને આશ્ચર્યમાં નાખી દેશે. પણ જો કોઈ બિલાડી આવીને એના પર આક્રમણ કરે તો એના મોઢેથી રાધાકૃષ્ણ એ નામ બહાર નહિ આવે. એ તો પ્રાણના ભયથી પોતાની જ ભાષામાં ‘કેં, કેં’ કરવાનો. એટલે એ રાધાકૃષ્ણ શબ્દો શીખ્યો છે ખરો પણ અંતરથી નહિ. એટલે સંકટના સમયે પોપટ તે ભૂલી જાય છે. આંતરિકતા અને વ્યાકુળતાહીન ધર્માચારીઓની દશા આ પોપટના જેવી થઈ જાય છે. ધર્માચરણ એમના જીવનની બહિરંગ વસ્તુ છે. એટલે સંકટકાળે તેઓ એને ભૂલી જાય છે. ધર્મનું મહોરું ખોલીને-કાઢીને એનું પોતાનું સાચું સ્વરૂપ દેખાય છે. શ્રદ્ધા અને ભક્તિની શક્તિ ન રહેવાથી ધર્મનો ભાવ થોડા આઘાતથી જ તૂટી જાય છે. જે શ્રદ્ધા જીવનના સંકટ કાળે રહેતી નથી શું એને શ્રદ્ધા કહી શકાય ખરી? 

આવી વાતો તો આપણે કેટલીયે વાર સાંભળી છે. પરંતુ તત્ત્વદર્શી બ્રહ્મજ્ઞ પુરુષની સરળ સહજ વ્યાખ્યા દ્વારા એની પ્રત્યક્ષતા નવું રૂપ ધારણ કરીને પ્રત્યેક ભક્તના અંતરને સ્પર્શી ગઈ.

Total Views: 18
By Published On: September 17, 2022Categories: Pandit Shivanath Shastri0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram