મુસાફરી કરતી વખતે કયારેક ગામડાના ડોસાબાપા મળી જાય છે. પાકેલી ખારેક જેવું ગરવું ઘડપણ ઘડીભર ચાલુ ગાડાએ થંભી જાય છે. એમના ચહેરાને ભરી દેતું કરચલિયાળું સ્મિત બોખું હોવા છતાં કેવું ભર્યું ભર્યું લાગે છે! એમની આંખે વળેલી છાજલી રસ્તો જુએ છે તે સાથે રસ્તાને છેવાડે ઊભેલું બૉર્ડ પણ જુએ છે. બોર્ડ ૫૨ લખ્યું છેઃ Dead End.

સ્મિતની પણ એક આગવી લિપિ હોય છે. સ્મિત ઘણું બધું કહી દે છે. બાળકોને પણ આ લિપિ ઉકેલતાં આવડતું હોય છે. સ્મિત ચૌદ કૅરેટનું છે કે ચોવીસ કૅરેટનું તે સામા માણસને સમજાઈ જાય છે. ઍર હોસ્ટેસનું સ્મિત ફ્લૅગ સ્ટેશન પર નહિ થોભતા રાજધાની ઍક્સપ્રેસની માફક પસાર થઈ જતું હોય છે. સેલ્સમૅનનું સ્મિત સોડાવૉટરના ઊભરા જેવું લાગ્યા કરે છે. મોંઘવારીના જમાનામાં કોઈ મુંબઈગરો મહેમાનને આવકારે ત્યારે તેના સ્મિતના નેપથ્યે અટવાતા છાના વિષાદની ઝાંય ફૂટી નીકળે છે. જુલફાંમાંથી ચળાઈ ચળાઈને આંખની પાંપણો ૫૨ ઝીલવાઈ રહેતું નવોઢાનું સ્મિત સ્વાતિ નક્ષત્રના વરસાદ જેવું હોય છે. સંતનું સ્મિત હરદ્વાર પાસે વહેતી રમ્યધોષા ગંગા જેવું હોય જેમાં સ્નાન કરવાનું ને ડૂબકી મારવાનું ગમે. ખલપાત્રનું સ્મિત જાસાચિઠ્ઠી બની રહે છે.

સ્મિત અને હાસ્ય વચ્ચે થોડોક તફાવત છે. સ્મિત અંતરંગના સ્થાયી ભાવનું ચહેરા પર થતું રેખાંકન છે. હાસ્ય હંગામી છે. સ્મિત એક પ્રવાહ છે. જ્યારે હાસ્ય મોજું છે. અંગ્રેજીમાં કહે છે: Have a friend for a smile and a smile for a friend. ગીતાએ પ્રસન્નતા (પ્રસાદ)ને ભારે મહત્ત્વ આપ્યું છે. અંતરંગમાં રહેલી પ્રસન્નતા મંદિર પરની ધજાની માફક આપણા ચહેરા ૫૨ સ્મિત બનીને ફરકતી રહે છે. સ્મિત એટલે શાંતિની વાચાળતા (eloquence of silence.)

સ્મિતનો જબરો દુકાળ પડ્યો છે. જે દિવસે બાળકોને હસીને આવકારવાનું શક્ય ન હોય તે દિવસે શિક્ષકે રજા લેવી જોઈએ. અમારા એક શિક્ષકને હસતા કદી જોયા નથી. એમના વર્ગમાં બેઠા હોઈએ ત્યારે જાણે કબ્રસ્તાનમાં બેઠા હોઈએ એવું લાગે. જ્યોતિન્દ્ર દવેનો પાઠ ભણાવતી વખતે પણ તેઓ ગંભીર રહેલા. અમે સૌ મણિભાઈ નભુભાઈ દ્વિવેદીનો પાઠ ભણ્યા તે વખતે હતા તેટલા જ ગંભીર બની ગયેલા.

થોડાએક મહિનાઓ પહેલાં એક કૉલેજમાં પ્રાધ્યાપકોના ઈન્ટરવ્યૂ લેવા જવાનું થયું. એક ભાઈ ઘુવડ જેવો ગંભીર ચહેરો લઈ દાખલ થયા. એમનું ગાંભીર્ય એટલું ચેપી હતું કે અમે સૌ ઘડીભર ચૂપ થઈ ગયા. થોડીક શાંત ક્ષણો પછી મેં પૂછ્યું:તમે ક્યા વિષય પર પીએચ.ડી. કરવા વિચારો છો?’ એમણે ખૂબ ઠાવકાઈથી જણાવ્યું:ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ.’

વિનોબા ઘણી વા૨ કહે છે એક ગણું ખાવ, બે ગણું પાણી પીઓ, ત્રણ ગણી હવા લો અને ચાર ગણું હસો. સરકારે હજી હાસ્ય ૫૨ ક૨ નથી નાખ્યો એ કૃપા છે. ભરચક રસ્તા પર કોઈ ટ્રાફિક સર્કલમાં સાક્ષીભાવે ઊભા રહી આવતા – જતા લોકોને નીરખવાનો પ્રયોગ કરવા જેવો છે. કોઈ ઉદ્વિગ્ન ચહેરે ચાલી રહ્યું છે, કોઈ એકલું એકલું બબડી રહ્યું છે, કોઈને જબરી ઉતાવળ જણાય છે. બહુ ઓછા ચહેરા સ્વસ્થ જણાશે. આપણા મનનું એરિયલ ઘણું બધું ઝીલતું જ રહે છે. કોઈક વાર એકસાથે બે-ત્રણ સ્ટેશનો સાથે પકડતા રેડિયોનું બેસૂરાપણું આપણે અનુભવીએ છીએ. આવા કલબલાટનો ભોગ બને છે પ્રસન્નતા અને પ્રસન્નતા સાથે જ વિદાય થાય છે આપણું સ્મિત. સ્મિતનું પુષ્પ પ્રસન્નતાને છોડવે પાંગરતું હોય છે. આપણી તાણ આ છોડવાને રોજ કાતરતી રહે છે. સ્મિતમાં અસ્તિત્વનો સ્વીકાર છે અને માનવ્યનું અભિવાદન છે.

સહજ સ્મિત ચોખ્ખા ઘીની માફક દોહ્યલું બનતું જાય છે. માણસ હવે હસવા માટે જબરો પ્રયત્ન કરતો રહે છે. ખોટકાઈ ગયેલી મૉટરને હૅન્ડલ મારીને ચાલુ કરવા મથતા ડ્રાઇવરનાં આ ફાંફા છે.

Total Views: 11
By Published On: September 17, 2022Categories: Gunwant Shah, Dr.0 CommentsTags:

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram