શ્રીરામકૃષ્ણ પોતાને સ્થૂળ અર્થમાં અવતાર તરીકે લેખતા. જો કે હું તે સમજતો ન હતો. હું તેમને કહેતો કે વેદાન્તી અર્થમાં આપ બ્રહ્મ છો, પરંતુ તેમના મૃત્યુની જરાક પહેલાં જ્યારે તેઓ શ્વાસ લેવાની પણ મુશ્કેલી અનુભવતા હતા તે વખતે, જ્યારે હું વિચાર કરતો હતો કે આવી વેદનામાં પણ તેઓ પોતે અવતાર છે તેમ કહી શકે કે કેમ, ત્યારે તેમણે કહ્યું: ‘જે રામ અને જે કૃષ્ણ હતા તે જ અત્યારે ખરેખર રામકૃષ્ણ બન્યા છે—પણ તમારા વેદાન્તી અર્થમાં નહિ!’ તેઓ મારા પ્રત્યે અનહદ પ્રેમ રાખતા, તેથી બીજા ઘણા મારી અદેખાઈ કરતા. દૃષ્ટિમાત્રથી માણસનું ચારિત્ર્ય તેઓ જાણી શકતા અને પોતાનો અભિપ્રાય બદલતા નહિ. તેઓ જાણે કે ઇન્દ્રિયાતીત વસ્તુઓ જોઈ શકતા. જ્યારે આપણે માત્ર તર્કબુદ્ધિથી માણસનું ચારિત્ર્ય જાણવા પ્રયત્ન કરીએ છીએ, અને પરિણામે આપણા નિર્ણયો વારંવાર દોષયુક્ત હોય છે. તેઓ કેટલાક લોકોને પોતાના ‘અંતરંગ’ એટલે કે ‘અંદરનો વર્ગ’ કહેતા અને તેમને પોતાના સ્વભાવનાં અને યોગનાં રહસ્યો શીખવતા. બહારના અથવા ‘બહિરંગ’ લોકોને તેઓ જેને ‘શ્રીરામકૃષ્ણનાં વચનો’ કહેવાય છે, તે દૃષ્ટાન્તકથાઓ શીખવતા. તેઓ પ્રથમ વર્ગના અંતરંગ યુવકોને પોતાના કાર્ય માટે તૈયાર કરતા, અને જો કે તેમને અંગે ઘણા લોકો તેમની પાસે ફરિયાદ કરતા, પણ તેઓ તે લક્ષમાં ન લેતા. એકાદ બહિરંગ વિષે બીજા અંતરંગ કરતાં મારો મત વધુ સારો હોય છતાં ગુરુદેવના અંતરંગ વિષે મને એટલી બધી આદર ભાવના છે કે તે લગભગ અંધશ્રદ્ધા બની જાય. જેમ પેલી કહેવતમાં છે કે ‘મને ચાહો તો મારા કૂતરાનેય ચાહો,’ તેમ એ બ્રાહ્મણ પૂજારી (શ્રીરામકૃષ્ણ) પર મને ખૂબ પ્રેમ છે અને તેથી તે જે જે વસ્તુને ચાહતા અને જેને જેને માન આપતા તેને તેને હું ચાહું છું! જો હું છૂટો હોત તો હું નવો પંથ ઊભો કરત તેવો તેમને મારા વિષે ભય હતો.

કેટલાકને તેઓ કહેતા : ‘આ જન્મમાં તમે આધ્યાત્મિકતા નથી પ્રાપ્ત કરી શકવાના.’ તે બધી બાબતોને પારખી જઈ શકતા; કેટલાક માટેનો તેમનો દેખીતો પક્ષપાત આથી સમજાશે. વિજ્ઞાનની જેમ તેઓ જોઈ શકતા કે જુદા જુદા લોકો પ્રત્યે જુદી જુદી રીતે વર્તવાની જરૂર હતી. ‘અંતરંગ’ સિવાય કોઈને તેમના ઓરડામાં સૂવા દેવામાં આવતા નહિ. જેમણે તેમને જોયા નથી તેઓ મોક્ષ નહિ મેળવી શકે એ સાચું નથી; તેમ જ જેમણે તેમનાં ત્રણ વખત દર્શન કર્યાં છે તેમને મુક્તિ મળશે તે પણ સાચું નથી.

જેઓ વધુ ઉચ્ચ અભ્યાસ માટે યોગ્ય નહતા તેવા આમ વર્ગને તેઓ નારદે ઉપદેશેલી ભક્તિનો ઉપદેશ આપતા.

સામાન્યત: તેઓ દ્વૈતવાદનો ઉપદેશ આપતા. એક નિયમ તરીકે તેઓ કદી અદ્વૈતવાદ શીખવતા નહિ; પણ મને શીખવ્યો હતો. તે પહેલાં હું દ્વૈતવાદી હતો.

કોઈ પણ પ્રજાનો ઉત્કર્ષ થાય તે માટે તેની સામે એક ઉચ્ચ આદર્શ હોવો જોઈએ. હવે આવો આદર્શ અલબત્ત અતિસૂક્ષ્મ બ્રહ્મ છે. પણ તમે બધા એવા અતિસૂક્ષ્મ આદર્શથી પ્રેરણા ન મેળવી શકો તેથી તમારો આદર્શ એક વ્યક્તિરૂપ આદર્શ હોવો જોઈએ. શ્રીરામકૃષ્ણમાં તે તમને મળ્યો છે. બીજા મહાપુરુષો આપણા આદર્શ બની ન શકે તેનું કારણ એ છે કે તેમનો કાળ ચાલ્યો ગયો છે; અને વેદાન્ત સૌને મળે તે ખાતર આધુનિક પેઢી સાથે હમદર્દી રાખનાર કોઈક વ્યક્તિ જોઈએ. શ્રીરામકૃષ્ણ આ આદર્શ પૂરો પાડે છે, તેથી તમારે તેમને બધાની મોખરે મૂકવા જોઈએ. પછી કોઈ તેને સાધુ તરીકે સ્વીકારે કે અવતાર તરીકે સ્વીકારે, તેનો વાંધો નહીં.

તેમણે કહેલું કે તેઓ ફરી એક વાર આપણી વચ્ચે આવશે; ત્યારે પછી તેઓ મુક્તિ મેળવશે તેમ હું માનું છું. જો તમારે કામ કરવું હોય તો તમારે આવો ઇષ્ટદેવતા અથવા જેમ ખ્રિસ્તી પ્રજાઓ કહે છે તેમ રક્ષકદેવતા (Guardian Angel) હોવો જોઈએ. ઘણી વાર હું એમ વિચારું છું કે જુદી જુદી પ્રજાઓને જુદા જુદા ઇષ્ટદેવતાઓ હોવા જોઈએ, અને આ દરેક શ્રેષ્ઠતા મેળવવા પ્રયાસ કર્યા કરે છે. ઘણી વાર મને એમ પણ લાગે છે કે આવો ઇષ્ટદેવતા કોઈ પણ પ્રજાની સેવા કરવા અશક્તિમાન બને છે.

(સ્વા.વિવે. ગ્રં.મા. ભાગ,૯. પૃ.૨૯૦-૨૯૨)

Total Views: 122

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.