બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર કથામૃત’માં રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના લેખ ‘શ્રીરામકૃષ્ણ કથામૃતે સમન્વય’નો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

શ્રીરામકૃષ્ણ કથામૃતમાં સમન્વય એ મારી ચર્ચા-આલોચનાનો વિષય છે. કથામૃત આપણને શું આપે છે? તે આપણને બીજું કંઈ નથી આપતું – સર્વસ્તરના, સર્વકાળના, બધા દેશના લોકો પાસે ભગવાનને લાવી મૂકે છે. અહીં વક્તા છે સ્વયં ઈશ્વર. તે ધર્મદાન કરે છે. ધર્મ શું છે? જે સદા સર્વદા ધારણ કરે છે, આ કાળમાં કરે છે અને પર કાળમાં પણ ધારણ કરશે. જીવન-મરણ, સુખ-દુ:ખ, આધાત-પ્રત્યાઘાત, જય-પરાજયમાં તે ધારણ કરશે. ‘धर्म: प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् ।’ તે કેવો છે? તે એ ધર્મ છે કે જે મનુષ્યોની સમસ્ત સંકીર્ણતા, દૂષણ, એષણાને લુપ્ત કરીને મનુષ્યોને એકમાત્ર ઈશ્વરની આરાધનામાં લઈ જશે. – निर्मत्सराणां सताम्‌, એટલે જ વ્યાસદેવે ભાગવતના પહેલા શ્લોકમાં જ કહ્યું છે : ‘सत्‍यं परम धीमहि’ જે લોકો મન, કાયા અને વચનથી સત્યની ઉપાસના કરે છે, સત્ય જેમની આજીવિકા છે અને લક્ષ્ય છે એવા ‘सताम्‌’ સાધુ અને મહાન વ્યક્તિઓના – ‘निर्मत्सराणां सताम्‌’ ધર્મ-જીવનલક્ષ્ય, જીવનધારા અને જીવનદર્શન જ ભાગવત અને કથામૃતનું લક્ષ્ય છે. વાસ્તવિક જગતમાં જો જીવનયાપન કરવું હોય તો મનુષ્યે ભગવાનને સાથે રાખીને કેવી રીતે જીવવું? ઈશ્વરપરાયણ માનવ વ્યાવહારિક વાસ્તવને સાથે રાખીને કેવી રીતે ચાલે? વસ્તુ શું છે? વસ્તુ તો એક જ છે, એ એક જ સ્વતંત્ર છે, વસ્તુ છે, બાકી બીજું બધું અવસ્તુ એટલે પરતંત્ર છે. આપણા સૌના લોક વ્યવહાર અને દિનચર્યા બધું પરતંત્ર છે. ઇન્દ્રિયો, પ્રકૃતિ, રાજનીતિ, નામયશ, અર્થ અને મોહના આપણે દાસ છીએ. શું જીવને કોઈ સ્વાધીનતા છે ખરી? ભયંકર રીતે પરતંત્ર છે. સ્વાધીનતા વિશે આપણને કોઈ જ્ઞાન-ખ્યાલ નથી. એટલા માટે વસ્તુ શું છે એ જાણવું જોઈએ. કથામૃતની ભાષામાં ભગવાન જ વસ્તુ અને બાકી બીજું બધું અવસ્તુ. આ જ વસ્તુ છે ‘वेधम्‌ शिवदम्‌’. એને જાણવાથી શું થાય? तापत्रयोन्‍मूलनम- ત્રિતાપ દૂર થાય છે. વ્યાસદેવે કહ્યું છે : ‘निगम कल्पतरोर्गलितं फलं। शुकमुखादमृतद्रवसंयुत म्पिबत भागवतं रसमालयं। मुहुरहो रसिका भुवि भावुकाः।’ જેને સાંભળીને અમૃતનું શ્રવણ અનુભવી શકાય છે. જેના અંતરસ્થ થવાથી અમૃતનું આસ્વાદન થઈ શકે છે. શેનું પાન કરું છું? ‘पिबत भागवतम्‌ अमृतम्‌’ – ભગવાનની અમૃતકથા – ભગવાનનાં ગુણકીર્તનનું પાન કરું છું. કેટલા સમય સુધી એનું પાન કરું છું? જ્યાં સુધી બને ત્યાં સુધી. यावन्‍नच्यवते मन: – જ્યાં સુધી મન સ્થિર રહે ત્યાં સુધી.

‘न खलु गोपिका नन्दनो भवान् अखिल देहिनाम् अन्तरात्मदृक’. ગોપીઓએ શ્રીકૃષ્ણને બરાબર જાણી-ઓળખી લીધા હતા. એટલે એમણે કહ્યું હતું – ‘न खलु गोपिका नन्दनो भवान् अखिल देहिनाम् अन्तरात्मदृक’. તમે માત્ર ગોપીકાનંદન નથી. તમે અખિલ ચરાચર વિશ્વના સમગ્ર દેહધારીના અંતરદૃષ્ટા છો. અમારા મંગલ માટે તમે આત્મગોપન કરીને આવ્યા છો. અમને તમારી ગોદમાં-નિશ્રામાં લેવા માટે આવ્યા છો. આ વાત આપણને ભાગવતમાંથી સાંપડે છે. એટલે જ શ્રીરામકૃષ્ણ કથામૃતના પ્રારંભમાં ભાગવતનો આ શ્લોક (૧૦.૩૧.૯) આપ્યો છે : 

तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम् ।
श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृणन्ति ते भूरिदा जनाः

તેઓ સમજ્યા હતા કે શ્રીમદ્‌ ભાગવતમાં શુકદેવે જેના વિશે કહ્યું છે તે ‘कृष्णस्‍तु भगवान स्‍वयं – એ તેઓ જ છે’ – અને નિરાડંબરી બનીને લોકો એમને સહજભાવે સમજી શકે એટલા માટે તેઓ હસતા, નાચતા, ગાતા, ખેલતા રહ્યા હતા. આપણે જ્યારે કૃષ્ણકથા, રામકથાનું ચિંતન કરીએ છીએ; પુરાણ, ભાગવત, રામાયણાદિ વાંચીએ છીએ તો કેટલી બધી વાતોની શોધના થઈ જાય છે! કેટલી વિચિત્ર પરિસ્થિતિઓ અને વિચિત્ર વ્યક્તિઓનાં વર્ણનો મળે છે! કેટલી બધી અદ્‌ભુત ઘટનાઓ! શ્રીકૃષ્ણ અને શ્રીરામચંદ્રમાં કેટલું બધું ઐશ્વર્ય છે! અને અહીં  દક્ષિણેશ્વરના આ પાગલ પુજારી ‘રામકેષ્ટ’ (શ્રીરામકૃષ્ણને ઘણા લોકો એ નામે બોલાવતા અને અત્યારે પણ એ નામે સંબોધે છે.) એમની પાસે બાહ્ય ઐશ્વર્ય ન હતું, હતું કેવળ અંતરનું ઐશ્વર્ય. તેઓ દક્ષિણેશ્વરમાં ફરતા, રડતા, હસતા અને શ્રીમા કાલી સાથે વાતો પણ કરતા. શ્રીરામલાલા સાથે પણ રમતા. અવારનવાર સમાધિભાવમાં આવી જતા. એમની ભાષા ગ્રામ્યભાષા હતી, અત્યંત સરળ. તેમણે ઔપચારિક શિક્ષણ મેળવ્યું ન હતું, પરંતુ ઘણા મોટા વિદ્વાનોની પણ જે સમજબહારનું હતું એ બધું એમને માટે નિત્યસિદ્ધ હતું. એમણે સદૈવ પોતાનાં સરળ વાણી અને આચરણના માધ્યમથી અકૃપણભાવે સત્યનું વિતરણ કર્યું છે. માસ્ટર મહાશય દૈવાધીન બનીને આ તત્ત્વને જાણી શક્યા હતા. શ્રીઠાકુરે પોતાની જાતને માસ્ટર મહાશયની પકડમાં આવવા દીધી, કારણ કે વર્તમાનયુગમાં શ્રીઠાકુરનું પ્રયોજન હતું. એટલે જ ગ્રંથના પ્રારંભમાં જ એમણે લખ્યું છે : ‘तव कथामृतम्‌’ કથામૃત કોઈ ઐશ્વર્ય કે આડંબર આપતું નથી પરંતુ તેના એકેએક વાક્યમાં માત્ર ભગવાનની જ વાત કરે છે. એટલે જ આ ધર્મગ્રંથ અદ્વિતીય છે. એમાં આ નવા બ્રહ્મસૂત્ર, નવા ભાગવત, નવી અમૃતગંગાની એટલી સહજ રીતે વાત કરવામાં આવી છે અને એનો એટલો સહજ અંગુલિનિર્દેશ કર્યો છે કે જેને થોડુંઘણું પણ વાચતાં આવડે છે એમને પણ એ વાત સરળતાથી સમજાય જાય. એમના મનમાં દ્વન્દ્વ-વિમાસણ રહેશે નહિ. કથામૃતમાં રામાયણ અને મહાભારતના જેવી રોમાંચકતા નથી. રામનું વનગમન, સીતાહરણ, પાંડવોનો લાક્ષાગૃહદાહ એમાં એ બધું કંઈ નથી. પરંતુ એકવાર જે કોઈ કથામૃત વાચવાનો પ્રારંભ કરે તે પોતાની જાતને (વધુ ને વધુ વાંચવામાંથી) રોકી શકતો નથી. શા માટે રોકી શકતો નથી? કારણ કે આનંદમયના આનંદકથામૃતના પ્રભાવમાં જો કોઈ માણસ ધીરસ્થિર બનીને અવગાહન કરે તો એના હૃદયમાં ભક્તિકમળ, શ્રદ્ધાનું શુભ્ર-નિર્મળ શ્વેતકમળ ખીલશે. પોતાનાં નિર્મળ કિરણોથી દશેદિશાઓને અજવાળતા જ્ઞાનસૂર્યનો ઉદય થશે. શ્રીઠાકુરે કહ્યું છે : જ્ઞાની જેને બ્રહ્મ કહે છે, યોગી જેને આત્મા કહે છે એને જ ભક્તો ભગવાનના નામે બોલાવે છે. તેઓ ઉદાહરણ આપીને સમજાવે છે : એક માણસ જેમ પૂજારી હોય છે, તેમ રસોઈયો પણ હોઈ શકે અને ગાયક પણ હોઈ શકે. વસ્તુ તો એક જ છે માત્ર નામમાં ભેદ છે. બ્રહ્મ, આત્મા, ભગવાન બધા એક છે. આટલું મોટું તત્ત્વ (જ્ઞાન) જેને સમજાવવા માટે મોટા મોટા શાસ્ત્રગ્રંથોનાં પાનાં ઉથલાવવા પડે તેને શ્રીઠાકુરે કેટલી સરળસહજ રીતે સમજાવી દીધું. બ્રહ્મ અને શક્તિને લઈને એક બીજું મોટું દ્વન્દ્વ છે. શ્રીઠાકુરે કહ્યું છે : જુઓ બ્રહ્મ અને શક્તિ અભેદ છે. ઉદાહરણ આપીને તેમણે આ તત્ત્વ સમજાવ્યું: સાપ જ્યારે ચાલે છે ત્યારે તે શક્તિરૂપ છે અને જ્યારે સ્થિર હોય છે ત્યારે તે બ્રહ્મરૂપ છે. શ્રીઠાકુર સમન્વય સાધી જાય છે. જ્ઞાન અને ભક્તિની લડાઈ ઘણા અજ્ઞાતકાળથી ચાલી રહી છે. શ્રીઠાકુરે કહ્યું છે : શુદ્ધજ્ઞાન અને શુદ્ધાભક્તિ બંને એક છે. તેમણે કહ્યું : પૂર્ણનિષ્ઠ બનવાથી ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. એમને આ રીતે વૈષ્ણવ અને શાક્ત પણ મેળવી શકશે; બ્રહ્મવાદી, મુસ્લિમ, ખ્રિસ્તી પણ પામી શકશે. પૂર્ણનિષ્ઠ થવાથી સૌ કોઈ એમને પામી શકે છે. વૈષ્ણવો કહે છે : ‘कृष्णस्‍तु भगवान स्‍वयं’ એટલે તમે શ્રીકૃષ્ણની પૂજા કરો, શ્રીમા કાલીની શા માટે પૂજા કરો છો? શાક્તો કહે છે : ‘તમે લોકો કેષ્ટવિષ્ટુ (કૃષ્ણ-વિષ્ણુ)ની શું પૂજા કરો છો? જુઓ શ્રીમા કાલી હાથમાં ખડ્‌ગ લઈને ઊભી છે અને તરત જ માથું કાપી નાખશે. એટલે શ્રીમા કાલીની પૂજા કરો. વળી પાદરીઓ કહેશે : ‘તમારો કેષ્ટો શું કરશે વળી? મારો ઈશુ આટઆટલું કરી શકે છે.’ ઠાકુર કહે છે : જે લોકો આવું કહે છે તે લોકો સંકુચિત અને એકપંથિયા વિચારવાળા છે. એ ધર્મબુદ્ધિ નથી. એ બુદ્ધિ તો છે સંસારી, દુનિયાદારીની બુદ્ધિ છે. શ્રીઠાકુર સમન્વયમૂર્તિ છે. પોતે અનેક ધર્મની સાધના કરીને દરેક પથ સાચો છે એની પોતે જ પરીક્ષા કરીને પછી જ એમણે લોકોને અપનાવવા માટે કહ્યું છે. આ યુગમાં આ સમન્વયમૂર્તિનું પ્રયોજન હતું. આ વિજ્ઞાનયુગ છે. બધું પ્રત્યક્ષ રીતે કરીને બતાવવું પડે. સ્વામી નિર્વેદાનંદે પોતાના પુસ્તકમાં બહુ સરસ લખ્યું છે : આ જે ઠાકુરે આટલું બધું કાર્ય કર્યું, એટલાં બધાં સાધન-ભજન અને તપશ્ચર્યા કરીને સિદ્ધિલાભ પણ પ્રાપ્ત કર્યો, એનાથી શો લાભ? ‘He has given the hallmark of truth on all religions.’ Registration કરાવવાથી એક Registration mark રહે છે, એક પેટન્ટ મળે છે. કાળના સ્રોતમાં વહીને આ બધાં પેટન્ટ્‌સ નાશ પામી રહ્યાં હતાં, ધર્મનાં બધાં તત્ત્વો આપણી પાસેથી દૂર જઈ રહ્યાં હતાં. શ્રીઠાકુરના આવવાથી શું થયું? એમણે આવીને ‘બધા બરાબર છે’ એમ કહ્યું, પરસ્પર ન ઝઘડો. પોતાના ભાવને સાથે રાખીને નિષ્ઠાપૂર્વક આગળ વધો. દક્ષિણેશ્વરના આ પાગલ ‘રામકેષ્ટો’ના જીવનમાં શું હતું? Parliament of Religions in action. ક્યારે અને કયા કાળમાં કોને ભગવાનલાભ થયો હતો એ સાંભળીને શું હરિ ૐ, હરિ ૐ કરું? આ યુગમાં લોકો સ્પષ્ટ પ્રમાણ માગે છે. એટલે જ શ્રીઠાકુરે પોતાના જીવનમાં એક પછી એક અનુષ્ઠાનો કરીને તેનું પ્રમાણ આપ્યું છે. એમના જેવી સમન્વયમૂર્તિ એમના પહેલાંના કોઈ અવતારમાં હતી કે કેમ એની જાણ નથી. કોઈ આ બાજુ તો કોઈ પેલી બાજુ. કેટલાકની વાણીમાં આ તત્ત્વનું કદાચ અનુસંધાન મળે છે. પરંતુ જેમ શ્રીઠાકુરે પોતાના જીવનમાં એ તત્ત્વને ઉતારી બતાવ્યું, આચરી બતાવ્યું એવું એમણે એ તત્ત્વને વાસ્તવિક રૂપ આપ્યું હતું. એટલે જ આપણે હઠબુદ્ધિ ન રાખવી જોઈએ. તમે લોકો જે હઠબુદ્ધિ દાખવો છો, ઝઘડો છો એનાથી શું સાબિત થાય છે? એનાથી એ સાબિત થાય છે કે તમે ભગવાનને જોયા નથી અને તમને ભગવાનલાભ મળ્યો નથી. અરે, શું માનવ ભગવાનની ઇતિશ્રી કરી શકે? વધુમાં વધુ તો એટલું કહી શકે : તે આ છે, બંસરીધારી, બસ આટલું જ. વધુમાં તેઓ આટલું પણ કહી શકે કે તેઓ ક્રૂસવિદ્ધ બન્યા હતા કે એને પામવા માટે પશ્ચિમની તરફ નજર કરવી પડશે, આગ લગાડવી પડશે. ગુજરાતના ભક્તકવિ નરસિંહ મહેતાના જીવનની એક ઘટના યાદ આવે છે: ભક્તરાજ નરસિંહની પુત્રીનાં લગ્ન હતાં. નરસિંહ મહેતા ભગવાન સિવાય કોઈને જાણતા ન હતા. એ વખતે એમણે ‘હરિ તારાં નામ હજાર. કોઈ રામ કહે, કૃષ્ણ કહે, કોઈ કહે અનંત અપાર. હરિ કયા નામે મારે લખવી કંકોતરી?’ હે હરિ હું તો તમારાં હજાર નામ સાંભળું છું. તમે કૃષ્ણ, રામ, હરિ, શિવ, વિષ્ણુ, દુર્ગા. તમારું સાચું નામ શું છે અને તમારું ઠામઠેકાણું શું છે? હે પ્રભુ, મારે તમને કયા નામે અને કયા સરનામે કંકોતરી મોકલવી?’ કેટલું સુંદર ભાવવાહી ગીત. શ્રીઠાકુર કહે છે : ‘એક રામ એનાં નામ હજાર.’ બધાં શાસ્ત્રો એમને ચાહે છે. બહુ સુંદરમજાના શબ્દોમાં તે વાત કરે છે : ‘સાકાર મારી મા અને નિરાકાર મારા પિતા.’ જે સાકારના સાધક હતા તેમને કહેતા : જેમને જે મૂર્તિ સારી લાગે એમને જ સાથે રાખીને રહે. એકને જ પકડો. એક જ જગ્યાએ મનને સ્થિર કરો. કેટલી સરસમજાની વાત કરી છે : ‘બહારથી શૈવ, હૃદયમાં કાલી, મુખે હરિ બોલ’, ‘જેમનું નિત્ય એમની જ લીલા’, ‘તેઓ અનંત અને (તેને પામવાના) પથ પણ અનંત છે’, ‘સદા પ્રેમમાં વસે છે ભગવાન’.

શ્રીઠાકુર પાગલ? હા, પણ શાણાપાગલ. નરેન્દ્ર જેવા તેજોદીપ્ત સપ્તર્ષિમંડળના ઋષિને પણ નાકમાં દોરી નાખીને નચાવ્યા-ઘૂમાવ્યા. નરેનને તેમણે શા માટે પકડ્યા? પોતે તો પોતાનો પ્રચાર ન કરી શકે એટલે નરેનને પકડીને અલક્ષ્યમાં ચકરાવે ચડાવ્યો. અને કથામૃતમાં રાખ્યાં એમનાં વિવિધ કથા, વિવિધ ભાવ. એનું કારણ એ હતું કે એમની પાસે ઘણા લોકો આવશે એ વિવિધ લોકો માટે આ એમનું પ્રયોજન હતું. કોની કોની સાથે એમને મળવાનું ન થયું? કેશવચંદ્ર સેન, બંકિમચંદ્ર, વિદ્યાસાગર કોની કોની સાથે મળવાનું નથી થયું? આ પાગલ પાસે આવવાનું એ બધાને શું પ્રયોજન હતું? ગિરિશ આવ્યો અને એની સાથે એની નટનટીઓનો સમૂહ પણ આવ્યો. આ બધાં કેમ આવ્યાં? મારો ઠાકુર અને તમારો ઠાકુર શું ભિન્ન છે? હું શુચિશુદ્ધ છું અને તમે લોકો રસાતલમાં ગયા છો? આ બધી નિર્બોધની વાતો છે, રામકૃષ્ણના ઘરની નહિ. ‘અહીંયા દરેક પ્રકારના લોકો આવશે’ એમ એમણે સ્પષ્ટપણે કહ્યું છે. તેઓ ક્યાં નથી? એક દિવસ મેં જોયું તો સરકારી મકાનના સિક્યુરિટિ ખંડમાં પણ તેઓ બેઠા છે. લાલ ધજા, વાદળી ધજા, લીલી ધજા કે પીળી ધજા, ગમે તે રંગની ધજા લો તો તેઓ જ મળશે. તેઓ જે કહી ગયા છે : ‘જગદંબાની ઇચ્છાથી, માલિકની ઇચ્છાથી વિવિધ ધર્મ અને ભિન્ન ભિન્ન પથ થયા છે.’ જેના પેટમાં જે પચે અને સહ્ય બને તે તે ખાય. સમન્વયમૂર્તિ એ સર્વગ્રાહીમૂર્તિ છે. જુઓ આ સર્વગ્રાહી શ્રીરામકૃષ્ણને.

Total Views: 21
By Published On: September 17, 2022Categories: Atmasthananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram