સદીઓથી સ્થગિત સ્થિતિમાં રહેલાં ભારતીય ગામડાં પૈકીના એક બંગાળી ગામડામાં ઉછરેલા, કલધ્વનિ કરતાં ઝરણાં જેવું ઊછળતું જીવન જીવનારા, દુનિયાદારીનાં તત્કાલીન જ્ઞાનક્ષેત્રો અને સમાજસુધારા તરફ કટાક્ષભરી ઉપેક્ષાથી જોનારા અને લગભગ નિરક્ષર એવા શ્રીરામકૃષ્ણે પોતાના સિદ્ધાંતોને પ્રસ્થાપિત કરવા માટે સ્વાભાવિક રીતે જ કોઈ ગ્રંથ લખ્યો નથી; કે સભાઓ પણ ભરી નથી. પરંતુ, તેમના કેટલાક અંતરંગ શિષ્યો અને એમના ભક્તોએ તેમના વાર્તાલાપોમાંથી જે છૂટી છવાઈ નોંધો કરી છે એના ઉપરથી એમના વિચારો અને સિદ્ધાંતો જાણી શકાય છે. વળી તેમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદનાં લખાણો અને વ્યાખ્યાઓ ઉપરથી એ પામી શકાય છે.

પરંતુ, આ માટેની સામગ્રીનો સૌથી મોટો દસ્તાવેજી ભંડાર તો શ્રી મહેન્દ્રનાથ ગુપ્તે – શ્રી મ.એ- લખેલો ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ નામનો ગ્રંથ જ છે. આલ્ડસ હક્સલી આ ગ્રંથને ‘વિનમ્રતા, સહિષ્ણુતા અને નિર્ણયની સંયતતા’ રૂપે લેખે છે. શ્રીરામકૃષ્ણના ઉપદેશોની આ ગ્રંથમાં શ્રદ્ધાભરી સંપૂર્ણ નોંધો સંગ્રહાયેલી છે.

આ ગ્રંથ દૈનંદિન નોંધો – વાસરિકા-ના સ્વરૂપનો હોવાને કારણે એમાં ઘણી ઘણી પુનરુક્તિઓ તો છે અને કેટલીક નિવારી શકાય તેવી ચર્ચાઓ પણ છે. આમ છતાં આ ગ્રંથ ઉદાત્ત, તલસ્પર્શી અને ઊર્ધ્વગતિ તરફ દોરી જનાર અવશ્ય છે. શ્રીરામકૃષ્ણની વિવિધ આધ્યાત્મિક અનુભૂતિઓ, એમની સર્વગ્રાહી દૃષ્ટિ, વિનોદવૃત્તિ, એમની મેધા, વગેરે બધું જ આ ગ્રંથમાંથી જાણવા મળે છે. આ ગ્રંથમાંના શ્રીરામકૃષ્ણના ઉપદેશો સર્વલોકભોગ્ય બની રહે છે. કારણ કે આ ગ્રંથમાં બતાવેલી એમની ઉપદેશશૈલીમાં બોધકથાઓ, પુરાણકથાઓ, વાર્તાઓ, કહેવતો, વ્યવહારુ માર્ગદર્શન અને એવું એવું ઘણું છે એટલે આ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ઉપર જ એક ઊડતો દૃષ્ટિપાત કરીને જ આપણે શ્રીરામકૃષ્ણના ઉપદેશો – વિચારો અને સિદ્ધાંતોનો – પરિચય મેળવવાનો પ્રયત્ન કરીશું.

‘કથામૃત’ના મધ્યબિંદુ તરીકે મૂકી શકાય એવો વિચાર એ છે કે બુદ્ધિ કે તર્ક કરતાં અનુભૂતિ કે સાક્ષાત્કારનું સ્થાન જ પાયાનું છે. આ વાત શ્રીરામકૃષ્ણે રૂપકો દ્વારા રજૂ કરી છે. નાવિક અને પંડિતના પૂછેલા શાસ્ત્રસંબંધી સવાલોનો નકારમાં જવાબ આપતો નાવિક, નદીમાં વાવાઝોડું આવતાં પેલા પંડિતને પૂછે છે કે ‘તમને તરતાં આવડે છે?’ તો વળી અન્ય રૂપકમાં બગીચામાં ઝાડનાં પાંદડાં જ ગણ્યે રાખતા પાગલને શુષ્ક સિદ્ધાંતવાદી સાથે સરખાવીને એને એવું કરવાને બદલે કેરીઓ ખાવાની – મર્મ પારખવાની – તેઓ સલાહ આપે છે. અન્ય ત્રીજા રૂપકમાં ખૂબ ઊંચે ઊડતી  અને છતાં શિકાર પર જ નજર રાખતી સમડીનું રૂપક આપીને બુદ્ધિની પાંખે ઊંચે ઊડતા પંડિતોની તુચ્છ વસ્તુઓ પરની તૃષ્ણા બતાવી છે. દૂધની વાત ફક્ત સાંભળવી નકામી છે, એને પચાવીને શરીરનો અવિભાજ્ય અંશરૂપ બનાવી દેવું જોઈએ.

આ મધ્યબિંદુમાંથી એક ફણગો ફૂટે છે. તે એ છે કે આ અનુભૂતિગમ્ય સત્યનાં અનેક પાસાં હોઈ શકે છે. અને એ પાસાંને ગ્રહણ કરવા માટે મનુષ્યનું મન સ્થિતિસ્થાપક હોવું જ જોઈએ. ‘કથાૃમત’માં શ્રીરામકૃષ્ણ વારંવાર એમ કહેતા નજરે પડે છે કે ‘વિવિધ અભિપ્રાયો તો વિવિધ માર્ગો કે નદીઓ જેવા છે. તે બધા જ જુદે જુદે રસ્તે આગળ વધીને એક જ સાગરમાં મળે છે.’ આ વાતની વધુ સ્પષ્ટતા માટે  બાળકની પાચનશક્તિ પ્રમાણે રસોઈ બનાવતી માતાનું અને જળાશયને કાંઠે બેઠેલા, જળને જુદા જુદા નામે ઓળખતા વિવિધ જાતિના લોકોનું શ્રીરામકૃષ્ણે આપેલું દૃષ્ટાંત તો ખૂબ જાણીતું છે. એમણે આપેલું બહુરંગી કાચીડાનું તેમજ હાથી અને આંધળાઓનું ઉદાહરણ પણ સત્ય જોનારાના સંદર્ભમાં આ જ વાત કહે છે.

મનની આ સ્થિતિસ્થાપકતા સર્વસમન્વયના પ્રયત્નમાં પરિણમવી જોઈએ. શ્રીરામકૃષ્ણે સંવાદિતાનો આવો ઐતિહાસિક ભૂમિકાએ ભજવેલો ભાગ એ તારવી આપે છે કે ‘સત્યને કોઈ નિશ્ચિત સિદ્ધાંતના ચોકઠામાં બેસાડીને જોવાય જ નહિ.’ શ્રીરામકૃષ્ણનો આવો અભિગમ હોવાને કારણે જ તેમણે પોતાની કોઈ આગવી તત્ત્વમીમાંસા કે કોઈ સર્વાંગસંપૂર્ણ દર્શનશાસ્ત્ર આપ્યું નથી. પણ પોતાને તેમજ જનસાધારણને ઉપયોગી એવું સંવાદિતાભર્યું જીવન જીવીને જ કૃતકૃત્ય રહ્યા.

તેમની આ સંવાદિતાના અભિગમ વિશે સ્વામી વિવેકાનંદ કહે છે : ‘એક એવા શરીરને અવતરવાનો સમય પાકી ગયો છે કે જે એક જ શરીર શંકરાચાર્ય જેવી તેજસ્વી મેધા અને ચૈતન્ય જેવું ઉદાત્ત હૃદય – બંને ધરાવતું હોય; જે પ્રત્યેક ધર્મસંપ્રદાયમાં એક જ ઈશ્વરનાં દર્શન કરી શકતું હોય; જેનું હૃદય ભારત તથા ભારત બહાર વસતાં દીનહીનો, દલિતો અને દુ:ખિયારાં પ્રત્યે રડી ઊઠતું હોય; જેના મનમાં ઊઠતા વ્યાપક, તેજસ્વી સંવાદિતાભર્યા વિચારોથી પરસ્પર ઝઘડતા સંપ્રદાયોનું સહજ આકલન થાય અને એક વિશ્વધર્મ બનતો હોય… અને એ દેહ ધારણ કરનાર આવી પહોંચ્યો.’ (સિલેક્‌ટેડ રાઈટીંગ્સ્‌ સ્વામી વિવેકાનંદ, પૃ.૨૦૧).

શ્રીરામકૃષ્ણ જગતના સત્યને પણ આપણી દૃષ્ટિ પર જ આધારિત ગણે છે. આપણી દૃષ્ટિ ‘ગુણ’ અને ‘ગુણી’ વચ્ચેનો ભેદ જોતી નથી. અગ્નિ પોતાની દાહકશક્તિથી કે દૂધ એની સફેદીથી જુદાં જણાતાં નથી. આ બાબતમાં તેઓ ‘માયા’નો પારિભાષિક અર્થ લીધા વિના પણ તેઓ અદ્વૈતમાર્ગને અનુસરે છે. અને ઈશ્વરને ‘ગુણ-ગુણીના અભેદરૂપે’ જુએ છે. એટલે કે શક્તિ અને બ્રહ્મ-બંનેને એક જ સત્ય – પરમતત્ત્વનો માત્ર અવસ્થાભેદ જ ગણીને સત્તાવિષયક અનેક દૃષ્ટિકોણોનો તેઓ સ્વીકાર કરે છે.

આવી રીતે પરમતત્ત્વવિષયક અનેક દૃષ્ટિકોણોમાં તેમણે જગતનાં સર્વપ્રાણીઓ અને પદાર્થોને આવરી લીધાં છે. તેમણે પોતે ભલે નિ:સંદેહપણે નિરપેક્ષ પરમસત્તા પર જ પોતાની પસંદગી ઊતારી હોય. પરંતુ તેમનો અભિગમ તો એવો જ હતો કે એક જ પરમતત્ત્વની કેવળ અવસ્થાન્તર સિવાય બીજો કોઈ ભેદ છે જ નહિ. અને માનવ વ્યક્તિત્વ કે માનવહસ્તીના સ્વીકારને સ્વીકારીએ તો પણ એ નિરપેક્ષ તત્ત્વમાં કશો ફેર પડતો નથી કે એની સાથે નિરપેક્ષ તત્ત્વનો કોઈ વિરોધ પણ નથી. એટલે જ તો તેઓ માનવતાવાદી અને સંવેદનશીલ પણ રહી શક્યા હતા.

શાંકર અદ્વૈતવેદાંત અને બૌદ્ધદર્શનની યાદ અપાવતો શ્રીરામકૃષ્ણનો આ નિરપેક્ષ સત્‌નો અભિગમ ભલે હતો જ. પરંતુ, આમ છતાં તેમનાં કેટલાંક વિધાનો એવું દર્શાવે છે કે ઈશ્વરની શક્તિઓ પણ ઈશ્વરની પેઠે જ સત્ય છે. અને એ શક્તિઓ જે જે વિષયોમાં પ્રકટ થાય છે તે વિષયો પણ સત્ય-વાસ્તવિક જ ગણવા જોઈએ. આ વાત સમજાવવા માટે ‘કથામૃત’માં તેમણે આપેલાં બે ત્રણ ઉદાહરણો મળે છે. એ ઉદાહરણોમાં તેમણે આપેલું બિલ્વફળનું ઉદાહરણ વધારે રસપ્રદ છે. જો આપણને બિલ્વફળનો માત્ર ગર જ જોઈતો હોય, તો એની બહારની છાલ અને અંદરનાં બીજ વગેરે કાઢી નાખવાં પડે. પણ જો આપણે આખાયે બિલ્વફળનું વજન કરવું હોય તો? તો તો છાલ, બીજ સાથેના ગરનું વજન જ કરવું પડે. એવી જ રીતે નિરપેક્ષને પામવા માટે ભૌતિક જગત અને માનવ વ્યક્તિત્વ-એ બંનેને એક બાજુ મૂકી દેવાં પડે. પરંતુ, વ્યક્ત-અવ્યક્ત-બંને રૂપે આનંદમય પરમતત્ત્વનું સમગ્ર સ્વરૂપ જાણવું હોય તો પછી પરિમિત જગત અને જીવને લક્ષમાં લેવાં જ જોઈએ. આ રીતે અંતિમ પૃથક્કરણમાં બધું એક જ છે. ભિન્નતા ફક્ત એ જ બતાવે છે કે એ એકતામાં અનેકરૂપે પ્રકટ થવાની એક અનિર્વચનીય શક્તિ છે.

‘કથામૃત’માં શ્રીરામકૃષ્ણની માનવસહજ મર્યાદાઓ વિશેની જાણકારી પણ છતી થાય છે. આ સંબંધમાં તેમણે આપેલું ગાંડા હાથીનું ઉદાહરણ ઉલ્લેખનીય છે. ગુરુએ શિષ્યને સર્વત્ર ઈશ્વરને જોવાનો બોધ આપ્યો. એક વખત રસ્તામાં ગાંડા હાથીને પોતાની સામે આવતો જોઈને શિષ્ય ગુરુની આજ્ઞા પ્રમાણે એ હાથીમાં ભગવાન જોવા લાગ્યો. મહાવતે ચીસો પાડીને એને ચેતવ્યો. પણ એ ન જ ખસ્યો. પરિણામે હાથીએ એને સૂંઢથી પછાડ્યો. પાછળથી ગુરુએ એને ન ખસવાનું કારણ પૂછતાં એણે ગુરુની જ આજ્ઞા યાદ અપાવી. નિ:શ્વાસ નાખી ગુરુ બોલ્યા: ‘મૂર્ખ, હાથીમાં તેં ભગવાન જોયા તો મહાવતમાં કેમ ન જોયા?’ 

સૌજન્ય માટેના અપેક્ષિત ગુણોમાં શ્રીરામકૃષ્ણ આત્મનિરીક્ષણ અને તે દ્વારા આત્મપરીક્ષણને અને આત્મપરિચયને મુખ્ય માને છે. આ ગુણો હોય તો આત્મસંયમ કેળવી શકાય. અને આત્મસંયમની સાથે જગતની સંકુચિતતામાંથી ઉપર ઊઠવાના સામર્થ્ય જેવા ગુણોની પણ આવશ્યકતા તેઓ માને છે. તદુપરાંત નિખાલસતા અને નમ્રતાના ગુણોની આવશ્યકતા તેમણે ત્રાજવાંના ઉદાહરણ દ્વારા દર્શાવી છે. ‘કથામૃત’માં તેઓ વારંવાર પોતાના શિષ્યોને આ ગુણો કેળવવાની શીખ આપતા જણાય છે. તેઓ કહે છે કે વજનદાર ત્રાજવાંની પેઠે ઉદાત્ત અને ગૌરવશાળી માણસે નીચા નમવું જોઈએ – નમ્રતા રાખવી જોઈએ. ખાલી ત્રાજવું જ હલકા માણસની પેઠે ઊંચે હવામાં જીવે છે.

ત્યાગનો મહિમા ગાતાં એમણે એને પ્રગતિની પૂર્વશરત ગણ્યો છે. ત્યાગ અને અનાસક્તિથી મનને માંજ્યા સિવાય મનુષ્ય આધ્યાત્મિક બની ન જ શકે. આસક્તિવાળા મનને એમણે લાંબા સમયથી ભેજમાં રહી હોવાથી સળગી જ ન શકે એવી દીવાસળી સાથે સરખાવ્યું છે. ત્યાગથી પહેલાં મન નિર્મળ બને ત્યારે પછી જ આધ્યાત્મિક અને નૈતિક પ્રગતિ થઈ શકે.

માનવમનની સંસ્કારજન્ય ઘરેડના શ્રીરામકૃષ્ણ અચ્છા જાણકાર હતા. આ વિશે ‘કથામૃત’માંથી બે બોધકથાઓ મળે છે. એમાંનીએક છે ધૈર્ય અને ખંતથી પોતાનું સુંદર ઘર બનાવતા રેશમના કીડાની. એ કીડો એના ઘરમાં જ સપડાઈને મરી જાય છે. બીજી બોધકથા પેલી માછલાંની ગંધથી ટેવાયેલી માછણની છે. તે બહેનપણીને ઘેર ફૂલોની સુવાસમાં પણ રાતે સૂઈ ન શકી.

શ્રીરામકૃષ્ણ જગતમાં રહીને પણ પરમતત્ત્વનું ચિંતન કરવાનો ઉપદેશ આપતા. એ માટે તેઓ પાણીમાં રહેવા છતાં કિનારા ઉપર રાખેલાં પોતાનાં ઈંડાંનું ચિંતન કરતી કાચબીનો દાખલો આપતા. એવું કરવામાં તેઓ ‘વિવેકની’ આવશ્યકતા લેખતા. એ ‘વિવેક’ એટલે નીરક્ષીર વિવેક. જેવી રીતે જળમિશ્રિત દૂધનું દહીં બનાવીને એ તો એમાંથી માખણ તારવીને પાણીને એનાથી અલગ કરી શકાય, તેવી રીતે વિવેકની કલાથી એવું ચિંતન થઈ શકે. આ માટે તેમણે જળકૂકડીનું ઉદાહરણ પણ આપ્યું છે.

શ્રીરામકૃષ્ણ પોતાના સમકાલીન સમાજસુધારકોના અભિગમ વિશે ભલે ઘણું કરીને સહમત થતા ન હતા. તો પણ સામાજિક વિષમતાઓ તરફ તેઓ ખૂબ જ સંવેદનશીલ હતા. આધ્યાત્મિકતાના પાયા વગરની સમાજ સુધારણાનો તેઓ કટાક્ષભરી વાણીમાં ઉપહાસ કરતા જણાય છે. (ગોસ્પેલ, પૃ.૩૨૭). બ્રાહ્મોસમાજના સુધારકો તરફ તેમનો સદ્‌ભાવ હોવા છતાં તેમની પદ્ધતિઓને તેમણે નકારી કાઢી હતી. ‘કથામૃત’માં એવા સુધારકોના છીછરા અને ઉપરછલ્લા સંદર્ભો આપણે જોઈ શકીએ છીએ.

આત્મદીનતા કરતાં આત્મશ્રદ્ધા રાખવાનો શ્રીરામકૃષ્ણ ઉપદેશ આપે છે. જેવી રીતે ખૂબ માલમિલકત ભેગી કરી હોવાને કારણે જ પુત્રપિતાને વખાણે એ અયોગ્ય છે, તેવી જ રીતે આ ભવ્ય વિરાટ સૃષ્ટિ રચવાને કારણે જ ઈશ્વરની સ્તુતિ કરવાને તેઓ અયોગ્ય માને છે. ઈશ્વરને મન તો જગત એક તણખલું જ છે!

જ્ઞાન, ભક્તિ અને કર્મના પરંપરાથી ચાલ્યા આવતા ત્રણ સાધનમાર્ગોમાં શ્રીરામકૃષ્ણ, ‘જ્ઞાન દ્વારા ઈશ્વર સાથેના જોડાણ’ને ‘જ્ઞાનયોગ’ કહે છે. અને ‘કર્મ દ્વારા ઈશ્વર સાથેના જોડાણ’ને ‘કર્મયોગ’ કહે છે. અને ભક્તિમાર્ગને તો તેઓ ‘જ્ઞાનયોગ’નું જ એક સ્વરૂપ માને છે. તેમના મત પ્રમાણે આ ત્રણેય માર્ગો યોગો – ઈશ્વરસાક્ષાત્કારના લક્ષ્યે દોરી જાય છે. એમાં કોઈ પહેલો કે કોઈ છેલ્લો એવા ક્રમ નથી. આવી રીતે તેમનો અભિગમ સ્થિતિ સ્થાપક છે. માર્ગની – કોઈ યોગની સાધના એ વ્યક્તિની નિજી પસંદગી ઉપર જ આધાર રાખે છે. તેમના મત પ્રમાણે જ્ઞાન અને કર્મને વિશુદ્ધ કરવા માટે ભક્તિ છે. ભક્તિ એ જ્ઞાન અને કર્મ બંનેનું પ્રભાવક તત્ત્વ છે. એક બાજુ ભક્તિથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તો બીજી બાજુ કર્મમાર્ગમાં પણ ભક્તિ આવશ્યક ઢાલ બનીને ઊભી રહે છે. આ પ્રકારે શ્રીરામકૃષ્ણે ભક્તિરૂપી સૂત્રમાં જ્ઞાન અને કર્મના મણકાઓ પરોવી દીધા છે, એવું પ્રથમ નજરે જણાય છે. આનો અર્થ એ થઈ શકે કે જ્ઞાન અને કર્મમાં ભક્તિની હસ્તી હોય જ છે.

‘કથામૃત’માં આ ત્રણેય માર્ગોનાં સ્વરૂપ, એની પદ્ધતિઓ, પાત્રતા, ક્રમિક ઉપાયો, ત્રણેયનો પારસ્પરિક સંબંધ, વગેરે ઉપર વ્યાપકપણે ઊંડું અને માર્મિક અવગાહન થયેલું નજરે પડે છે. આ વિષયમાં થયેલા નિરૂપણમાં કેટલીક વખત વિચારો સામાન્ય જનથી ન પકડી શકાય તેવા અને કેટલીકવાર અવ્યવસ્થિત રીતે કહેલા જણાય છે. છતાં પણ એ વિચારોમાં અમુક દાર્શનિક પસંદગીઓ, નિષ્ઠા અને અમુક વિશિષ્ટ વલણો ઉપસતાં દેખાય છે. અને એમાંય ખાસ તો શ્રીરામકૃષ્ણ એક રહસ્યવાદી ‘દૃષ્ટા’ તરીકે છતા થાય છે.

આપણે લેખની શરૂઆતમાં જોયું તે પ્રમાણે ‘કથામૃત’નો કેન્દ્રવર્તી વિચાર કેવળ બૌદ્ધિક આકલન કરતાં અનુભૂતિની શ્રેષ્ઠતા બતાવે છે. આ અનુભૂતિ અથવા સાક્ષાત્કાર થયા પછી એને પ્રાપ્ત કરવાનાં સાધનોની કશી આવશ્યકતા રહેતી નથી. આ અનુભૂતિની પરાકાષ્ઠા અપરિમિત સાથેનું સાયુજ્ય છે. સર્વાંગસંપૂર્ણ અનુભૂતિ થયા પહેલાંની તરતની અવસ્થાને ‘લીલામય સ્થિતિ’ કહી શકાય. આ અનુભૂતિ વાણી અને મનની પેલી પારની છે, એ અવર્ણનીય અને અકલ્પનીય છે. આ વાત સમજાવવા માટે ‘કથામૃત’માંથી પાંચ-સાત દાખલાઓ મળે છે. એમાં મીઠાંની પૂતળીનો, મધમાં તલ્લીન મૂંગી મધમાખીઓનો, પાણીથી ભરાઈ જતાં મૂંગા થઈ જતા ઘડાનો, વગેરે દાખલાઓ યાદ રહી જાય તેવા છે.

‘કથામૃત’ તો સાગર જેવો એક આકરગ્રંથ છે. ઉપર દર્શાવેલ વિષયો ઉપરાંત એમાં જીવ, જગત, માયા, ઈશ્વર, ગુરુ, શિષ્ય, સાધના અને એવા એવા અનેક વિષયો ઉપર અનેક વાતો વારંવાર આવ્યા કરે છે.

આપણાં પ્રાચીન સત્યોને નવજીવન અર્પતો, જીવરૂપી ઝરણાંને દિવ્યતાના મહાસાગર તરફ દોરી જતો, શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના મહાભાષ્ય સમો, અનેક આયામોવાળો આ મહાગ્રંથ તો જાણે એક ‘કલ્પવૃક્ષ’ જેવો બન્યો છે. કારણ કે એમાંથી જેને જે જોઈએ તે બધું મળી શકે છે. અન્ય શાસ્ત્રોને સમજવા માટેનું એ શાસ્ત્ર છે. એમાં પ્રતિપાદિત થયેલ સર્વધર્મસંવાદિતાનું આચરણ ફક્ત સામાજિક કે રાજકીય કલહો શમાવવા પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ આધ્યાત્મિકતાનાં ઊંડાણોમાં પહોંચવાની સીડી સમાન છે.

Total Views: 39
By Published On: September 17, 2022Categories: Keshavlal V Shastri0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram