પહેલું વિશ્વયુદ્ધ હજુ હમણાં જ પૂરું થયું હતું, યુદ્ધ વિરોધી તરીકે જેલમાં પુરવામાં આવેલા રોમારોલાંને મુક્ત કરવામાં આવ્યા. તેમણે સમગ્ર યુરોપમાં વિશાળ પાયા પર વિનાશ જોયો. આ વિશ્વયુદ્ધે માનવના ભાગ્યવિધાતા તરીકે ઈશ્વરમાંની ઘણાની શ્રદ્ધાને ડગાવી દીધી. યુદ્ધનો કાયમી ઈલાજ શોધવા તેમણે શેકસપીયર, ગેટે અને અન્ય વિદ્વાનોના ગ્રંથો વાંચી નાખ્યા. પરંતુ તેમાંથી કોઈ ઈલાજ ન મળ્યો. અંતે તેમને શ્રીરામકૃષ્ણમાં એવી વિભૂતિ મળી ગઈ, જે, તેમના જ શબ્દોમાં, ‘જેમણે અન્ય લોકો કરતાં, ઈશ્વરરૂપી પુનિત સરિતાનો માત્ર વિચાર જ નહોતો કર્યો પરંતુ પોતામાં તેનું એકત્વ પ્રાપ્ત કર્યું હતું, અને આ સરિતા – તો અન્ય તમામ સરિતાઓ અને ઝરણાંઓ પ્રત્યે સદાય ખુલ્લી જ હતી.’ રોલાંએ જોયું કે તેઓ જાણે એક નવીન શરદઋતુનું સુંદર ફળ છે, આત્માનો એક નવો જ સંદેશ છે, ભારતીય સમન્વયનો નવો સૂર છે. તેમનામાં ૩૦ કરોડ લોકોનાં ૨૦૦૦ વર્ષોની આધ્યાત્મિક જીવનની પરિપૂર્ણતા જોવા મળે છે.
જ્યારે માનવજાત પોતાનું લક્ષ્ય ભૂલી જઈ, પહેલાં વિશ્વ યુદ્ધમાં શસ્ત્રોને શરણે ગઈ હતી, ત્યારે તેમણે રામકૃષ્ણના જીવનમાંથી જાણે સીડીની ગુમાવેલી ચાવી પાછી મળી ગઈ. રોમા રોલાંની ઇચ્છા તાવના ઉન્માદમાં જેણે ઊંઘનું ખૂન કર્યું હતું તેવાં યુરોપને, શ્રીરામકૃષ્ણના જીવનમાંથી તેમને પ્રાપ્ત થયેલી ‘અમૃતત્વના લોહી’થી બચાવી લેવાની હતી. એ સંદેશ હતો તમામ આત્માઓની દિવ્યતા, તમામ પ્રકારનાં જીવનની પાયાની એકતા અને તમામ ધર્મોની એકતા.’
પરંતુ યુરોપ શ્રીરામકૃષ્ણનો સંદેશ સમજવામાં નિષ્ફળ ગયું અને પછી આવ્યું સર્વનાશકારી બીજું વિશ્વયુદ્ધ. આલ્ડસ હક્સલી – જણાવે છે તેમ ધર્મના સામ્રાજ્યવાદે વિનાશની આગને વધુ ફેલાવી. ઇતિહાસની સૌથી કલંકિત એક આખી પ્રજાની હત્યા થઈ. પોલેન્ડના યહૂદીઓને ‘ગેસ-ચેમ્બર’માં અથવા પૃથ્વીમાં જીવતા દાટી દઈને મારી નાખવામાં આવ્યા – હીટલરે જાહેર કર્યું કે પોતે કરેલા પોલેન્ડના યહૂદીઓની આખી પ્રજાની હત્યા પાછળ તેના ધર્મની સંમતિ છે. સર્વશક્તિમાન આ સૃષ્ટિના રચનારની ઇચ્છા પ્રમાણે જ હું કરું છું એમ હું માનું છું. યહૂદીઓ સાથેનું યુદ્ધ હું ઈશ્વરની ઇચ્છાથી લડી રહ્યો છું. અંતરાત્મા એ તો યહૂદીઓની શોધ છે, તેમ હિટલર માનતો.
પ્રખ્યાત ઇતિહાસકાર આર્નોલ્ડ ટોયન્બી હિટલરને મળવા ગયા અને યુદ્ધ ન કરવા અંગે ખૂબ સમજાવ્યું. પણ બધું વ્યર્થ. યુદ્ધ દરમ્યાન લંડનના કેથમ હાઉસ ખાતે યુદ્ધમાં મરાયેલા સૈનિકોની તાજી યાદી રોજ મુકાતી. તે વાંચી દર રોજ અનેક યુવાન વિધવાઓ ત્યાં રૂદન કરતી. ટોયન્બી ત્યાં અધિકારી હતો, આ રૂદન સાંભળી તેનું હૃદય ખળભળી ઉઠતું. ઇટાલીની સરહદ પર ઇનોનુ નામના સ્થળે માત્ર એક જ ગોળીથી મૃત્યુ પામેલ અંગ્રેજી સૈનિકનું શબ જોઈ તેને ખૂબ આઘાત લાગ્યો. આ ‘યુદ્ધ નામની દુષ્ટ સંસ્થા’ નો જ પૂરો વિનાશ કરવા તેણે પ્રતિજ્ઞા લીધી. તેણે રાજીનામું આપ્યું, શાંતિપ્રચારક બન્યો, યુદ્ધ અટકાવવા તેણે ‘સ્ટડી ઓફ હીસ્ટરી’ નામનું પુસ્તક લખ્યું. પણ બધું વ્યર્થ. અંતે તેને શ્રીરામકૃષ્ણના અસાધારણ સંદેશ ‘તમામ ધર્મો મૂળભૂત રીતે એક છે.’ તેમાં તેને માનવજાતને બચાવવાની એક માત્ર આશા દેખાઈ. શ્રીરામકૃષ્ણના પોતે લખેલા જીવનચરિત્ર પ્રારંભમાં તેણે લખ્યું.
‘શ્રીરામકૃષ્ણનો સંદેશ તેમનાં આચરણ દ્વારા અપાયો હોવાથી અસાધારણ છે. આ સંદેશ જ સમગ્ર હિંદુધર્મનો શાશ્વત સંદેશ છે. આજે આપણે દુનિયાના પ્રભુઓના ઇતિહાસના સંક્રમણકાળમાં છીએ. પરંતુ હવે તો એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભલે ઇતિહાસનો પ્રારંભ પશ્ચિમથી થયો, પરંતુ માનવજાતિના સંપૂર્ણ વિનાશમાં તેનો અંત ન આવે એમ આપણે ઇચ્છતા ન હોઈએ તો આ ઇતિહાસનો અંત ભારતનાં દર્શનથી કરવો પડશે. આજના યુગમાં ભૌતિક સ્તર પર દુનિયા પશ્ચિમની પ્રાદ્યોગિકોથી જોડાયેલી છે. પરંતુ પશ્ચિમનાં આ કૌશલ્યે દૂરીનો – અંતરનો તો નાશ કર્યો છે, પરંતુ તે સાથે તેણે દુનિયાની પ્રજાને મહાવિનાશક શસ્ત્રોથી પણ સજ્જ કરી છે, અને તે પણ એ સમયે કે તેઓ એકબીજાને સમજવાનું અને ચાહવાનું શીખે તે પહેલાં. તેઓ એકબીજાને નજીકથી વીંધી નાખી શકે તેવાં શસ્ત્રોથી સજ્જ થયા છે. માનવજાતનું અસ્તિત્વ જ ખતરામાં પડ્યું છે. તેમ છતાં શ્રીરામકૃષ્ણ કે ગાંધીજી કે અશોકના આદર્શ હૃદયમાં ધારણ કરવા અને આચરણ કરવામાં તેમનો સૌથી બળવાન અને ખૂબ આદરપાત્ર ઉપયોગીતાવાદી હેતુ એ માત્ર બીજી કક્ષાનું – ઉતરતી કક્ષાનું કારણ છે. સૌથી પ્રાથમિક કારણ તો એ છે કે આ ઉપદેશ જ સાચો છે, અને તે એટલા માટે સાચો છે કે તે આધ્યાત્મિક વાસ્તવિકતામાંથી જન્મ્યો છે.
અમેરિકાના ઇતિહાસકાર એસ.પી. હંટીંગ્ટન પોતાના ખૂબ લોકપ્રિય પુસ્તક ‘કલેશ ઓફ સિવિલાઈઝેશન’માં કહે છે કે ૧૮૨૦ થી ૧૯૨૯ વચ્ચે થયેલાં યુદ્ધોમાં અડધાં તો વિવિધ પ્રકારના સંબંધ ધરાવતાં ઇસ્લામ અને ખ્રિસ્તી દેશો વચ્ચે થયાં હતાં, ૧૯૯૩-૯૪ના વર્ષમાં જુદી જુદી પ્રજાઓના રાજકીય કારણોથી થયેલાં યુદ્ધમાં, પંદર યુદ્ધો મુસ્લિમ અને મુસ્લિમેતર પ્રજાઓ વચ્ચે થયાં હતાં. તેઓ આગળ લખે છે કે વીસમી સદીમાં ઇસ્લામ અને ખ્રિસ્તીધર્મ વચ્ચેના સતત ચાલુ એવા સંઘર્ષોની સરખામણીએ ઉદારમતવાદી લોકશાહી અને માકર્સવાદી – લેનીનવાદી દેશો વચ્ચેના સંઘર્ષો તો તુચ્છ અને ઉપરછલ્લું ઐતિહાસિક દૃશ્ય લાગે. તેમનો ભય પાયાવિહોણો તો નથી જ. તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ અમેરિકામાં વિશ્વ વ્યાપાર કેન્દ્ર અને પેન્ટેગોન પર થયેલ આતંકવાદી હુમલો, કે જેમાં લગભગ ૨૦૦૦૦ લોકોની જાનહાનિ થઈ છે, અને જેને આતંકવાદીઓએ માન્યામાં ન આવે તેવી વિનાશક રીતે પાર પાડ્યો હતો, તેનાથી ફક્ત આતંકવાદીઓ સિવાયની સમગ્ર માનવજાતને આંચકો લાગ્યો છે. તેનાથી એક કઠોર વાસ્તવિકતા સામે આવી છે કે ધાર્મિક કટ્ટરતા દ્વારા થતી માનવહિંસા ગમે તે સમયે આખી માનવજાતનો સંહાર કરી શકે.
શ્રીરામકૃષ્ણને એકવાર એક દર્શન થયું હતું. તેમાં તેમણે જોયું હતું કે તેઓ માનવખોપરીઓના ઢગલા પર બેઠા છે. જ્યારે પોતાના મસ્તકમાં ભૂંસું ભરીને ખોખરા યુદ્ધપ્રેરકો પોતાની ખોપરીઓના ઢગલા પાછળ મૂકી જવા તૈયાર થતા હતા ત્યારે શ્રીરામકૃષ્ણે શું પોતાને માનવસભ્યતાના સંરક્ષક તરીકે જોયેલા? સાર્લ સગન લખે છે કે આજે આપણી પાસે એટલાં બધાં પરમાણુ શસ્ત્રો છે કે થોડા સમયમાં જ બીજાં વિશ્વયુદ્ધ કરતાં પણ સંપૂર્ણ વિનાશ થઈ શકે તેમ છે.
૧૯૮૭માં મોસ્કોનો ક્રેમલિન હોલ પહેલ વહેલો એક વિશ્વ શાંતિ પરિષદ માટે ખુલ્લો મુકાયો, ત્યારે ગોબોર્ચોવની ખાસ વિનંતીથી તેમાં સૌ પહેલું પ્રવચન રામકૃષ્ણ મિશનના એક સ્વામીએ આપેલું. ૧૯૯૩માં યુનેસ્કોએ શિકાગોમાં બરાબર સો વર્ષ પૂર્વે યોજાયેલ વિશ્વધર્મસંસદની શતાબ્દિનો કાર્યક્રમ યોજ્યો ત્યારે યુનેસ્કોના ડાયરેકટર જનરલ ફ્રેડરિકો મેયરે પોતાના પ્રવચનના પ્રારંભમાં સ્વામી વિવેકાનંદના ધર્મોની વૈશ્વિક એકતાના શબ્દોનો પુનરુચ્ચાર કર્યો હતો. પ્રશ્ન થાય કે શું દુનિયાએ શ્રીરામકૃષ્ણના સંદેશને સાંભળવાનું શરૂ કર્યું છે?
ઇતિહાસકાર એસ.પી. હંટીગ્ટન આધુનિક પશ્ચિમની દુનિયા વિશેનાં પોતાનાં પુસ્તકમાં કહે છે, ‘આર્થિક અને વધતી વસ્તીનાં કરતાં તો ક્યાંય વધુ મહત્વનાં છે આપણા નૈતિક અધ:પતન અને સાંસ્કૃતિક આપઘાતના પ્રશ્નો. ગુનાખોરી, માદકદ્રવ્યોનું સેવન, હિંસા, પારિવારિક સંબંધોમાં સડો, છુટાછેડાના વધતા બનાવો, કુંવારી માતા બનવાના બનાવો, કિશોરીઓમાં ગર્ભાધાનના પ્રસંગો – એ બધાં આપણા સાંસ્કૃતિ આપઘાતનાં જ બીજાં નામો છે. હટીંગ્ટન પ્રશ્ન કરે છે કે પશ્ચિમનો મુખ્ય પ્રશ્ન એ છે કે શું મૂલ્યક્ષયના અંદરના સડાને તે રોકી તેના કૂળ ઉલટાવી શકશે કે પછી સતત વધતો આંતરિક સડો શું આ સમાજને ઝડપથી ભરખી જશે?’ એકબીજા અમેરિકન ઇતિહાસકાર લખે છે આધુનિક પશ્ચિમી – જગત એક પરિપક્વ સંસ્કૃતિના પતન તરફ જઈ રહ્યાનાં ઘણાં લક્ષણો દેખાય છે.’
હોલીવુડની ફુટપાથ પર સમૃદ્ધિવાન અને યુવાન એવી નાન્સીએ ધોળા દિવસે પેટ્રોલ છાંટી આત્મહત્યા કરી. તે તો ખાક થઈ ગઈ. પરંતુ પેટ્રોલની આગથી સળગતાં સળગતાં પણ તેણે પૂર્વના એક અવતાર – શ્રીરામકૃષ્ણનો ફોટો એક હાથમાં છેક સુધી પકડી રાખ્યો હતો. પોતે મૃત્યુ પામી ત્યાં સુધી તેની આંખો આ છબી પર જડાઈ રહી હતી. નાન્સી આવી કરુણ રીતે શ્રીરામકૃષ્ણનો ફોટો છેવટ સુધી પકડી રાખીને કેમ મૃત્યુ પામી? કદાચ શ્રીરામકૃષ્ણમાં તેણે પોતાના પ્રાણપ્રિય, પોતાના આદર્શ અને પોતાના તારણહાર દેખાતા હતા.
દુનિયાના સૌથી સમૃદ્ધ દેશ સ્વીડન સૌથી વધુ અજંપાભર્યો છે. ત્યાં આપઘાતનું પ્રમાણ સૌથી વિશેષ છે. અમેરિકામાં ૨૧ % યુવાનો માનસિક રીતે અસમતોલ છે. નોબેલ પુરસ્કાર વિજેતા લેખક વિલિયમ લખે છે, ‘પશ્ચિમના લોકો વગડામાં ઘોડાદોડની પેઠે મિથ્યા વસ્તુઓ પાછળ દોડ્યે જાય છે. આ બધું માનવ પ્રત્યેની તેઓની ખોટી અને એકતરફી દૃષ્ટિને લીધે અને જીવનના વિકૃત હેતુને લીધે છે. એરિસ્ટોટલ માને છે કે માનવ એ ‘રાજકીય પ્રાણી’ છે, બેન્જામીન ફ્રાન્કલીન માને છે કે તે યંત્ર બનાવનાર કારીગર છે, ફ્રોઈડ તેને જીવવિજ્ઞાનની પેદાશ અથવા આર્થિક બાબતો પર નભતું પ્રાણી ગણે છે, તથા અલ્વીન ટોફલરે હમણાં તેને ઉપભોક્તવાદી પ્રાણી તરીકે વર્ણવ્યો છે. આવા ‘પશુ’ માનવનો ઉદ્દેશ ઇન્દ્રિયોની ક્ષુધા સંતોષવાનો છે. ઈસુ ખ્રિસ્તે જ સૌ પ્રથમ કહ્યું કે પ્રભુનું સામ્રાજ્ય તો માનવની અંદર શોધવાનું છે. તેમની આ વાતને આપણે ભૂલી ગયા. એલ્વિન ટોફલર કહે છે કે યંત્રોદ્યોગ – તથા વિજ્ઞાન આધારિત આ ‘ત્રીજી ક્રાંતિ’ એવી રીતે શરૂ કરવી જોઈએ કે જેથી સમાજમાં લાખો લોકો આજે પોતાના વ્યક્તિત્વની પૂર્ણતા શોધે છે અને પ્રાપ્ત કરવા માટેનું એક સુવ્યવસ્થિત માળખું મળી રહે અને જીવનને સાચું ધ્યેય મળે.
વેદાંત આધારિત હિન્દુ ધર્મમાં માનવની વ્યાખ્યા ‘અમૃતત્વનાં સંતાન’ અને આ ‘હાડ-ચામમાં રહેલો ઈશ્વર છે’, માનવ મૂળભૂત રીતે અનંત છે. છતાં તે પોતાને ઇન્દ્રિયબદ્ધ પશુ માને છે. માનવની આ અનંતતાને ન સ્વીકારવાથી જ આજના માનવ જીવનમાં વિવિધ પ્રકારની વિકૃતિઓ આવી છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના, મગજના ડાબા ભાગના ઉપયોગ દ્વારા થયેલા અદ્ભુત વિકાસ છતાં, માણસ હજુ પોતે વાસ્તવિક રીતે બુદ્ધ કે ઈસુની પ્રકૃતિનો બનેલો છે તે બાબત મગજના જમણા ભાગના જ્ઞાનના વિકાસના અભાવે તે શીખ્યો નથી. વૈજ્ઞાનિક સમાજે ઊભા કરેલા નકરા ઉપભોક્તાવાદને સંપૂર્ણ શરણે જવાની માણસ જાત એટલી ભારે કિંમત ચુકવી રહી છે કે જે માનસિક તનાવને લીધે ચુકવવી પડતી કિંમત કરતાં તો કયાંય વધારે છે તેમ આર્નોલ્ડ ટોયન્બીએ કહ્યું છે.
રામકૃષ્ણનો શ્રેષ્ઠ સંદેશ એ વૈશ્વિક હિન્દુ ધર્મનો પ્રધાન સંદેશ છે. તે છે : ‘જીવનનું ધ્યેય આપણા અંતરમાં રહેલ અનંતનો સાક્ષાત્કાર કરવો તે છે.’ તેમના વિશાળ આધ્યાત્મિક શક્તિયુક્ત આ સંદેશે, તેઓ દેહમાં હતા ત્યારે સેંકડો લોકોને દિવ્યતા આપી અને હજુ પણ તેઓ લાખોમાં આ કામ કરી રહ્યા છે. તેમના મહાન શિષ્ય વિવેકાનંદે પોતાના ગુરુદેવના સંદેશનું પશ્ચિમ માટે તેમની વિશિષ્ટ શૈલીમાં આ રીતે અર્થઘટન કર્યું છે : ‘પ્રત્યેક આત્મામાં દિવ્યતા પ્રગટ કરવાની શકયતા છે. આપણું ધ્યેય અંદરની આ દિવ્યતાને બહાર લાવવી તે છે.’
આજે જ્યારે ધર્મઝનૂની અને ઇન્દ્રિયસુખમાં રાચતી સંસ્કૃતિના કંટાળા અને બિભત્સતા માણસનાં ઉપભોક્તાવાદ અને વિનાશનાં શસ્ત્રો પરનાં સ્વામીત્વ પર પણ છવાઇ ગયાં છે, ત્યારે માત્ર એક વધુ ઉચ્ચતર પ્રકારનું ડહાપણ જ આપણને બચાવી શકે, અને તે શ્રીરામકૃષ્ણે આપેલા અંતિમ આદેશ તરફ આપણને પ્રેરે છે. તે હતો ‘દિવ્ય બનો’.
Your Content Goes Here