શ્રીરામકૃષ્ણદેવના અન્યતમ ગૃહસ્થભક્ત શ્રીરામચંદ્ર દત્તે બંગાળીમાં લખેલ ગ્રંથ ‘પરમહંસદેવેર જીવનવૃત્તાંત’માંથી સંકલિત અંશોનો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

શ્રીરામકૃષ્ણના ઉપદેશથી અમે ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા થયા. હું કેવળ મુખે કહેવાતી વાત એવો ઉપદેશનો અર્થ નથી કરતો. ઉપદેશ એટલે આપણે મોટે ભાગે એમ સમજીએ છીએ કે એ શબ્દકૌશલ્ય કે વાક્ય કૌશલ્ય છે. પણ આ ઉપદેશ એવો નથી. અમે જ્યારે એમને પૂછ્યું કે તમે ઈશ્વર છો કે નહિ ત્યારે તેમણે કહ્યું: ‘દિવસે સૂર્યનાં કિરણોને કારણે એક પણ તારો દેખાતો નથી. એટલે તારા નથી એમ આપણે ન કહી શકીએ. દૂધમાં માખણ છે પણ દૂધને જોવાથી શું આપણને માખણનું જ્ઞાન થઈ શકે ખરું? માખણને જોવું હોય તો દૂધનું દહીં કરવું પડે. પછી સૂર્યોદય પહેલાં એ દહીંને વલોવવાથી માખણ મળે છે, સૂર્યોદય પછી પોતાની ઇચ્છા પ્રમાણેના સમયે વલોવવાથી એ માખણ નહિ મળે. જેવી રીતે મોટા તળાવમાં માછલી પકડવી હોય તો પહેલાં જેમણે આવી રીતે માછલી પકડી છે એમની પાસે જઈને તળાવમાં કેવા પ્રકારની માછલી છે, તે માછલીઓ કેવું ભક્ષ્ય ખાય છે, આ બધું જાણીને જે માણસ માછલી પકડવા જાય છે તેને સફળતા મળવાની જ. માછલી પકડવાનો અંકોડો પાણીમાં નાખવાથી જેમ માછલી પકડી શકાતી નથી, એને માટે સ્થિરધીર થઈને બેસવું પડે છે. પછી માછીમારને પાણીમાં વલયો ઊઠતાં દેખાય છે. ત્યારે એને ખાતરી થાય છે કે નીચે માછલી છે ખરી, અને ધીમે ધીમે તે માછલીને પકડી પાડે છે. ઈશ્વર વિશે પણ આવું જ બને છે. સાધુની વાતોમાં વિશ્વાસ, મનરૂપી અંકોડામાં, નામરૂપી ભક્ષ્યપદાર્થમાં, ભક્તિરૂપી સ્વાદિષ્ટ ચારો, આ બધું નાખીને ઈશ્વરની ધારણા-અપેક્ષા રાખવાની રહે છે, તો ઈશ્વરનાં ભાવરૂપવલયો જોવા મળે છે. પછી એક વખત એમનો સાક્ષાત્કાર પણ થશે.’ અમે તો ઈશ્વરમાં માનતા ન હતા. તેમને સરૂપ જોઈ શકાય છે એ વાત પર કોણ વિશ્વાસ રાખે? ઈશ્વર નથી જ એવી અમારી ધારણા હતી. અને જો ઈશ્વર છે તો તે અમારા બ્રાહ્મમતે નિરાકાર છે, બ્રાહ્મસમાજમાં જઈને અમે આવું જ સાંભળ્યું છે. શ્રદ્ધા વિશ્વાસ કેવી રીતે થાય? પરમહંસદેવ આપણા મનની વાતને સમજીને કહે છે: ‘ઈશ્વર પ્રત્યક્ષ રૂપ વિષય છે. જેમની માયા આટલી બધી સુંદર અને મધુર હોય એ ઈશ્વર શું અપ્રત્યક્ષ વિષય હોઈ શકે ખરો? એમને જોઈ શકશો.’ અમે કહ્યું: ‘બધું સાચું છે. તમે જે કહો છો એની વિરુદ્ધમાં બીજું કોણ શું કહી શકે? પણ આ જન્મમાં જ શું ઈશ્વરલાભ કરી શકીએ ખરા?’ શ્રીઠાકુરે કહ્યું: ‘જેવો ભાવ તેવો લાભ. મૂળ તો માત્ર પ્રત્યય.’ આમ કહીને એક ગીત ગાયું:

ચિંતનથી ભાવનો ઉદય થાય,
અરે એ તો જેવો ભાવ તેવો લાભ, મૂળમાં એ શ્રદ્ધા જોઈએ.
કાલીપદ સુધા સરે, ચિત્ત જો ડૂબી રહે,
તો પૂજા, હોમ, યાગ, યજ્ઞનું નવ મૂલ્ય રહે.

એમણે ફરીથી કહ્યું: ‘તમે એક દિશામાં ડગલું આગળ ભરો તો એનાથી વિપરીત દિશામાં એટલા જ પ્રમાણમાં તમે દૂર જશો. અર્થાત્‌ પૂર્વદિશામાં દશ હાથ જશો તો પશ્ચિમદિશાથી દશ હાથ દૂર થઈ જશો.’ આવો ઉત્તર મળવા છતાં પણ અમે કહ્યું: ઈશ્વર છે એ વિશે પ્રત્યક્ષ રૂપે કંઈ ન જોવાને લીધે આ દુર્બળ અને અવિશ્વાસુ મન કોઈ પણ રીતે એમાં વિશ્વાસ કરતું નથી.’ શ્રી પરમહંસદેવે કહ્યું: ‘વિકારનો રોગી આખા તળાવનું પાણી પીવા માગે છે, એક હાંડલી ભરીને ભાત ખાવા ઇચ્છે છે; શું વૈદ્યરાજ એની આ બધી બાબતોને કાને ધરે છે ખરા? આજે તાવ આવ્યો છે અને કાલે ક્વિનાઈન દેવાથી તાવ ઊતરી જશે? શું વૈદ્યરાજ રોગીની વાતોમાં આવીને એના મત પ્રમાણે વ્યવસ્થા (દવા વગેરેની) કરે છે ખરા? સમય થઈ જાય એટલે વૈદ્યરાજ પોતે ક્વિનાઈન આપી દે છે. રોગીને કંઈ કરવું પડતું નથી.’

પહેલાં અમે કહ્યું છે કે પરમહંસદેવને બહુ લખતાં વાંચતાં ન આવડતું. આ મંતવ્ય બંગાળી ભાષા સંબંધે કહેવાયું હતું. તેઓ સંસ્કૃત જાણતા ન હતા, પરંતુ દરેક પ્રકારના સંસ્કૃત શ્લોકને તેઓ બરાબર સમજી શકતા હતા. તેઓ એને બરાબર સમજી શકતા એટલું જ નહિ પરંતુ બધા શ્લોકોનાં ગૂઢ તાત્પર્યને પણ તેઓ બહાર લાવી દેતા. એમને અંગ્રેજી કે બીજી કોઈ ભાષાનું જ્ઞાન હતું કે કેમ તેનું કોઈ પ્રમાણ મળતું નથી. દર્શન, ભૌતિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન, ધર્મતત્ત્વ કે સમાજતત્ત્વ – એમની પાસે કોઈ પણ તત્ત્વના જ્ઞાનનો અભાવ જ ન હતો. જે માણસ મનોવિજ્ઞાનનો પંડિત હોય તેની સાથે તેઓ બીજા કોઈ વિષયની વાત ન કરતા; જે જડવિજ્ઞાનના નિષ્ણાત હોય એમને એ વિશેનો ઉપદેશ આપતા. એટલે કે તજ્‌જ્ઞના વિષય વિશેષને ધ્યાનમાં રાખી ઉદાહરણો આપીને સમજાવતા. આ રીતે પાત્રનો વિચાર કરીને ઉપદેશ આપવો એ મનુષ્યની શક્તિની અંતર્ગત નથી હોતું. એટલું જ નહિ સમયે સમયે તેઓ શાસ્ત્રોની મીમાંસા પણ કરી આપતા. એકવાર અધરલાલ સેન કાશીપુરના મહિમાચંદ્ર ચક્રવર્તી સાથે તંત્રનો કોઈ એક શ્લોક લઈને વાદાનુવાદ કરતા હતા. મહિમાબાબુ અને એમના પરિચિત એક પંડિતે એ શ્લોકનો એક અર્થ બતાવ્યો અને અધરલાલ સેને એનો એક બીજો સ્વતંત્ર અર્થ આપ્યો. પરસ્પરના મત વચ્ચે મેળ ન ખાવાથી એ શ્લોકની કોઈ મીમાંસા ન થઈ શકી. અધરબાબુ ત્યાંથી નીકળીને પરમહંસદેવની પાસે ગયા. તેઓ એ વાદાનુવાદ વિશે કંઈ બોલ્યા નહિ; કારણ કે પરમહંસદેવે શાસ્ત્રાભ્યાસ કર્યો ન હતો અને એ તર્કની મીમાંસા કરવી એ એમના અધિકારક્ષેત્રની બહારની વાત હતી; અધરબાબુનું આવું માનવું હતું. અધર બાબુ બેઠા હતા એટલામાં જ પરમહંસદેવ ભાવાવસ્થામાં આવી ગયા. એમણે અધરબાબુને બોલાવીને એ બધા શ્લોકનો અર્થ બતાવ્યો. આ સાંભળીને અધરબાબુના આશ્ચર્યનો પાર ન રહ્યો.

નિતાંત આવશ્યક ન હોય તો પરમહંસદેવ ક્યારેય પોતાની શક્તિનો પ્રકાશ ન કરતા. આવી રીતે પોતાની શક્તિનો વિકાસ થઈ જવાથી તેઓ કહેતા: ‘જેમ છતનું પાણી ખાળિયામાંથી નીકળે છે, ક્યારેક વાઘ મુખે નીકળે તો વળી ક્યારેક હાથીના મુખે નીકળે છે. નીચેથી છતનું પાણી દેખાતું નથી. માત્ર નીચે જે પાણી છે તે જ દેખાય છે. એ જોઈને લોકો કહે છે કે વાઘના મુખે કે હાથીના મુખે પાણી આવે છે. એવી જ રીતે હરિકથા જ્યાં ચાલે છે ત્યાં એ બધું હરિ જ બોલે છે. એનો આધાર પેલા વાઘના મુખ જેવા ખાળિયા જેવો છે.’ પરમહંસદેવ વિશે આ વાત પૂરેપૂરી લાગુ પડે છે એમાં રજમાત્ર સંદેહ નથી.

Total Views: 88

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.