(ગતાંકથી ચાલુ)

(૧૩) અનોખો પ્રેમ સંબંધ

‘‘દીદી, હવે કહો દક્ષિણેશ્વરના એ સાધુ કેવા છે?’’ બલરામ બાબુએ એક દિવસ ગૌરીમાને પૂછ્યું.

“અરે, ભાઈ, એ કંઈ સામાન્ય સાધુ ઓછા છે? એ તો મનુષ્યરૂપમાં જગતનો ઉદ્ધાર કરવા આવેલા સાક્ષાત્ ઈશ્વર છે. હા, હવે હું એમને બરાબર ઓળખી ગઈ છું. એ જ છે. તેઓ એ જ છે. એ જ રામ, એ જ કૃષ્ણ અને એ જ ચૈતન્ય ને હવે એ જ શ્રીરામકૃષ્ણ.” ગૌરીમાની શ્રીરામકૃષ્ણ પ્રત્યેની આવી અનન્ય શ્રદ્ધા જોઈને બલરામબાબુ પણ મનોમન કહેવા લાગ્યા કે આટલા થોડા સમયમાં તેઓ શ્રીરામકૃષ્ણને ઓળખી શક્યાં. ખરેખર ધન્ય છે તેમને. ફક્ત બલરામબાબુને જ નહીં, પણ પોતાના સંપર્કમાં આવનાર સર્વને ગૌરીમા શ્રીરામકૃષ્ણ ઈશ્વરનો સદેહે આવિર્ભાવ છે તેની દૃઢતાપૂર્વક વાત કરતાં. જો કોઈ શ્રીરામકૃષ્ણ વિષે કંઈ ઉતરતું બોલતું તો તેઓ તે સહન કરી શકતાં નહીં. શ્રીરામકૃષ્ણને મનુષ્ય માનીને કોઈ એમની સાથે વર્તન કરે તો પણ તેઓ સહી શકતાં નહીં. અને તેવા લોકોની ખબર લઈ નાખતાં. એક વખત ઘણા લોકોની વચ્ચે તેમણે કહ્યું: “ચૈતન્ય મહાપ્રભુ અને શ્રીરામકૃષ્ણ બંને એક જ છે.’’ પણ શ્રોતાઓએ તેમના આ કથનનો વિરોધ કર્યો અને તેમને કહ્યું:મનુષ્ય અને દેવતા કંઈ એક જ હોઈ શકે નહિ.’ ગૌરીમા શ્રોતાઓના વિરોધને સહી શક્યાં નહિ. તેઓ જવાબ આપવા ઊભાં થયાં ને બધા લોકોને ચૂપ કરતાં તેમણે બુલંદ અવાજે કહ્યું:જે રામ હતા, જે કૃષ્ણ હતા તે હવે રામકૃષ્ણ છે!” અંતરની અનુભૂતિમાંથી નીકળેલી આ સ્પષ્ટ વાણીથી સઘળા લોકો ચૂપ થઈ ગયા અને એક સન્નાટો વ્યાપી ગયો. પણ ગૌરીમા તો આટલી વાત કહીને સડસડાટ ત્યાંથી બહાર ચાલ્યાં ગયાં. શ્રીરામકૃષ્ણ વિષે ઘસાતું બોલનાર લોકોની વચ્ચે તેઓ ઊભા રહી જ ક્યાંથી શકે? પણ એમની શ્રીરામકૃષ્ણ પ્રત્યેની આવી ઉત્કટ ભક્તિભાવના અને દૃઢ શ્રદ્ધાની સર્વ શ્રોતાઓ ઉપર ઊંડી અસર પડી. અને પછી એ વિષયની ચર્ચા જ ત્યાં બંધ પડી ગઈ.

ગૌરીમાનું શ્રીરામકૃષ્ણ સાથેનું વર્તન પણ ભગવાન અને ભક્તના સમું હતું. તેના ઉદાહરણ રૂપે એક પ્રસંગ પૂરતો ગણાશે. તે દિવસ રામનવમીનો હતો. ગૌરીમાને તે દિવસે ઉપવાસ હતો. શ્રીરામકૃષ્ણે જલપાન કરતી વખતે મીઠાઈ ખાઈને અર્ધી ગૌરીમાને પ્રસાદ રૂપે આપી. ગૌરીમાએ એ પ્રસાદ સ્વીકાર્યો ને તેઓ એ પ્રસાદ કોઈ પણ જાતના હિચકિચાટ વગર ખાઈ ગયાં! આમ તો ઉપવાસ હતો. કંઈ જ અન્ન લેવાનું નહોતું. છતાં શ્રીરામકૃષ્ણે મીઠાઈ આપી તો પ્રસાદ રૂપે એ અન્ન પણ ગ્રહણ કરી લીધું, તેથી વ્રત તૂટી જશે કે ઉપવાસ ભાંગી ગયો – એવું કંઈ પણ એમના મનમાં આવ્યું જ નહીં. કેમ કે આ તો એમના ઈષ્ટદેવતાએ સ્વહસ્તે આપેલો પ્રસાદ હતો. તે લેવામાં એમને કોઈ જ બાધ ન હતો. પણ થોડી વાર પછી શ્રીરામકૃષ્ણને યાદ આવ્યું એટલે તેમણે કહ્યું ‘‘અરે હું તો એ ભૂલી જ ગયો કે આજે રામનવમી છે ને ઉપવાસ છે. અરેરે, મેં તો તમને મીઠાઈ ખવડાવી દીધી!” ત્યારે ગૌરીમાએ કહ્યું: ‘‘ઠાકુર, આપને કોઈ વિધિનિષેધ હોઈ શકે?’’ અને તેના ઉત્તરમાં ગૌરીમાને મળ્યું શ્રીરામકૃષ્ણનું અપૂર્વ સ્મિત! કે જેણે એમને પ્રતીતિ કરાવી દીધી કે એમનું વ્રત અખંડ રહ્યું છે!

ગૌરીમા શ્રીરામકૃષ્ણની જેમ જ મા શારદામણિને પણ ચાહતાં હતાં. દક્ષિણેશ્વ૨માં તેઓ શ્રી મા પાસે નોબતખાનામાં જ રહેતાં હતાં. શ્રીમાનાં કાર્યોમાં સહાય કરતાં. શ્રીમા પ્રત્યે ગૌરીમાનો ગાઢ સ્નેહ જોઈને રામકૃષ્ણે એક દિવસ મજાક કરતાં તેમને કહ્યું, ‘‘તમે કોને વધુ ચાહો છો? મને કે આમને?’’ ગૌરીમા ઠાકુરની ચાતુરીભરી મજાક સમજી ગયાં. બુદ્ધિમતિ ગૌરીમાએ ઠાકુરના આ પ્રશ્નનો સીધો ઉત્તર ન આપ્યો. પણ તેમણે ગીતની એક કડી ગાઈ.

‘‘રાઈ હતે તુમિ બડો નકો હે બાંકા બંશીધારી

લોકેર વિપદ હોલે ડાકે મધુસૂદન બોલે,

તોમાર વિપદ હોલે પરે, બાંશીતે બલો રાઈ કિશોરી’’

ઓ વાંકા બંસીધારી, તમે રાધા કરતાં મહાન નથી. લોકો સંકટમાં પડે છે, ત્યારે મધુસૂદનને બોલાવે છે, પણ તમે જ્યારે સંકટમાં પડો છો, ત્યારે વાંસળીમાં ઓ કિશોરી રાધા, એમ કહી બોલાવો છો.

આ પંક્તિ દ્વારા શ્રીમાની મહાનતાને ચતુર ગૌરીમાએ માર્મિક રીતે જણાવી દીધી. શ્રીરામકૃષ્ણે પોતાની હાર સ્વીકારી લીધી ને ત્યાંથી હસતાં હસતાં ચાલ્યા ગયા.

ગૌરીમા શ્રીમાને સાક્ષાત્ જગદંબા સ્વરૂપ માનતાં હતાં. અને એ જ રીતે તેઓ તેમની સાથે વર્તન કરતાં. એક દિવસ શ્રીમા પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે ત્રણ વાગે ઊઠીને ગંગાકાંઠે સ્નાન કરવા ગયાં હતાં. તે દિવસે ગંગાઘાટના પગથિયાં ૫૨ મગર પડ્યો હતો. શ્રીમાના પગલાંના અવાજથી તે પાછો ગંગામાં કૂદી પડ્યો. બહુ જ અંધારું હતું તેથી કંઈ સ્પષ્ટ દેખાતું ન હતું. આથી શ્રીમા ઉતાવળે પાછાં નોબત ખાનામાં આવ્યાં. તેમણે ગૌરીમાને વાત કરી. ત્યારે ગૌરીમાએ હસતાં હસતાં કહ્યું ‘‘મા, એ તો ભગવાન શિવ તમારા ચરણસ્પર્શ કરવા આવ્યા હશે!” શ્રીમા પ્રત્યે ગૌરીમાને આવી અનન્ય શ્રદ્ધા હતી.

પોતાના ભક્તો, શિષ્યો પર શ્રીરામકૃષ્ણનો કેવો અપાર પ્રેમ હતો તેનો અનુભવ પણ ગૌરીમાને ઘણા પ્રસંગોએ કરાવ્યો હતો. એક દિવસ અર્ધવર્તુળાકાર વરંડામાં શ્રીરામકૃષ્ણ ઊભા હતા. અને મોટે મોટેથી તેઓ કોઈને બોલાવી રહ્યા હતા. આથી ગૌરીમા ત્યાં ગયાં ને જોયું તો શ્રીરામકૃષ્ણ કહેતા હતા, ‘‘હે માયા, તું આવ. તું અહીં મારી અંદર આવ.” આ રીતે કોઈ કંઈ માયાને બોલાવતું હશે? માણસો માયાથી દૂર ભાગે ત્યારે ઠાકુર માયાને આમંત્રણ આપે છે. ગૌરીમાને આશ્ચર્ય થયું ને તેઓ તુરત જ બોલી ઊઠ્યાં: ‘‘ઠાકુર, આપ આ કોને બોલાવી રહ્યા છો? ત્યારે તેમણે કહ્યું:માયાને બોલાવી રહ્યો છું જુઓને, મારું મન હંમેશાં ઊર્ધ્વભૂમિકામાં જ રહે છે, ને તે નીચે આવતું જ નથી એટલે હું માયાને બોલાવી રહ્યો છું, કે જેથી તે મારા મનને નીચે ઉતારે તો હું શિષ્યો ને ભક્તો સાથે વાર્તાલાપ કરી શકું.” ભક્તો ને શિષ્યો પરની શ્રીરામકૃષ્ણની અપાર કરુણાને ગૌરીમા વંદી રહ્યાં. ઓહ, ઠાકુર બધાં માટે કેટલો મોટો ત્યાગ કરી રહ્યા છે, એ તેમને ત્યારે સમજાયું, ઊર્ધ્વભૂમિકા ૫૨ની સહજ સ્થિતિને છોડીને, ૫રમ આનંદની સહજાવસ્થાને છોડીને તેઓ નીચેની ભૂમિકા પર આવવા પ્રયત્ન કરી રહ્યા છે, જેથી સામાન્ય મનુષ્યોને પણ તેઓ ભગવદ્-દર્શન કરાવી શકે. અવતાર પુરુષને પણ મનુષ્યોના ઉદ્ધા૨ને ખાતર કેટલું બધું નીચે ઉતરવું પડે છે, તેનો ખ્યાલ ગૌરીમાને ત્યારે આવ્યો.

શ્રીરામકૃષ્ણનો પ્રેમ તો અનોખો જ હતો. તેમના પ્રત્યેક શિષ્યને એવું લાગે કે શ્રીરામકૃષ્ણનો સઘળો પ્રેમ જાણે એના એકલા ૫૨ જ વરસી રહ્યો છે. એ દિવ્ય અલૌકિક પ્રેમસૂત્રે બધાને કેવા તો બાંધી રાખ્યા હતા, તેનું દર્શન પણ ગૌરીમાએ કર્યું હતું. તે દિવસે રાખાલ (પછીથી સ્વામી બ્રહ્માનંદ બન્યા) દક્ષિણેશ્વરમાં આવ્યા હતા. તે સમયે શ્રીમા ત્યાં નહોતાં. અને રાખાલને ખૂબ ભૂખ લાગી હતી. તેમણે શ્રીરામકૃષ્ણને કહ્યું: ‘‘બાબા, મને બહુ જ ભૂખ લાગી છે!’’ શ્રીરામકૃષ્ણ પાસે તો કંઈ જ ખાવાનું નહોતું. ત્યારે ત્યાં આજુબાજુ મીઠાઈની કોઈ દુકાન કે એવું કશું પણ નહોતું. હવે શું કરવું? પોતાના પુત્રે ખાવાનું માગ્યું અને તે ક્યાંથી આપવું? પણ તેને ખાવાનું તો મળવું જ જોઈએ. એટલે શ્રીરામકૃષ્ણ તો ગયા ગંગાઘાટે. ગંગાઘાટે તે સમયે કોઈ જ નહોતું. એવો કોઈ ટૅલીફોન પણ નહોતો કે સામે કાંઠે સંદેશો મોકલાવી શકાય. પણ ભલે ભૌતિક તારના દોરડાં નહોતાં. પણ આંતરિક સૂક્ષ્મ તારો તો જોડાયેલા હતા જ. અને શ્રીરામકૃષ્ણે એ તારો ઝણઝણાવ્યા. તેમણે તો ત્યાં ગંગાઘાટે મોટે મોટેથી કહ્યું ‘‘ઓ ગૌરીદાસી, તમે જલ્દી આવો, મારા રાખાલને ભૂખ લાગી છે.’’ ગૌરીદાસી ગંગાને સામે કાંઠે દૂર દૂર આવેલા બલરામ બોઝના ઘરે હતાં. ત્યાં સુધી શ્રીરામકૃષ્ણનો ગમે તેટલો મોટો કરેલો અવાજ ક્યાંથી સંભળાય? પણ એ અવાજ અંતરે ઝીલ્યો. ને થોડી વારમાં તો કલકત્તાથી આવતી એક હોડી દેખાણી, પછી તો તે હોડી કાલીઘાટે નાંગરી ને તેમાંથી ઊતર્યા બલરામ બોઝ, બીજા બેચાર ભક્તો ને સાથે ગૌરીદાસી! ગૌરીદાસીના હાથમાં હતી રસગુલ્લાંની ભરેલી ટોપલી, તેમણે એ શ્રીરામકૃષ્ણના ચરણોમાં મૂકી, ને તુરત જ શ્રીરામકૃષ્ણે બૂમ પાડી, ‘‘રાખાલ. આ લોકો તારા માટે ખાવાનું લાવ્યા છે. આવ ને આ રસગુલ્લાં ખા.’’ પછી તેને તેમણે પ્રેમથી રસગુલ્લાં ખવડાવ્યાં. પછીથી રાખાલે શરમાઈને શ્રીરામકૃષ્ણને કહ્યું, ‘‘બાબા તમે બધાંની વચ્ચે હું ભૂખ્યો થયો છું, એમ શા માટે કહ્યું? એ કેવું લાગે? ‘‘લે, તને ભૂખ લાગી હતી, ને તારા માટે તો એ ખાવાનું આવ્યું હતું, એમાં ખોટું શું થયું? ને એ જ તો મેં જણાવ્યું હતું એમાં તને શો વાંધો?’’ પછી જ્યારે ગૌરીમાએ ઠાકુરે એમને કેવી રીતે બોલાવ્યાં તે વાત જાણી ત્યારે તેમણે કહ્યુંઠાકુર તો પ્રેમાવતાર છે. એમની તો વાત જ ન્યારી છે!’

ગૌરીમા માટે શ્રીમા અને શ્રીરામકૃષ્ણનું સાંનિધ્ય અપૂર્વ આનંદ આપનારું હતું. પરંતુ તેમના અંતરમાં ઊંડે ઊંડે રહેલી કઠોર તપસ્યાની ઝંખના ક્યારેક ક્યારેક પ્રગટ થઈ જતી અને ત્યારે તેમને આ બધું છોડીને દૂર દૂર હિમાલયના એકાંતમાં જઈને ગહન સાધનામાં ડૂબી જવાની ઈચ્છા જાગી ઊઠતી. વળી તેમને એક આસન પર બેસીને ઉદયાસ્ત – નવ મહિના સુધી તીવ્ર સાધના કરવાની પણ ઈચ્છા હતી. આ ઈચ્છા પ્રબળ બનતાં તેઓ શ્રીરામકૃષ્ણ અને શ્રીમાની રજા લઈને ફરી વૃંદાવનમાં આવી પહોંચ્યાં.

(ક્રમશઃ)

Total Views: 12
By Published On: September 17, 2022Categories: Jyotiben Thanki0 CommentsTags:

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram