(ઓક્ટોબર, ૦૩થી આગળ)

દિવ્યપૂજા

ચંદ્રવદના દેવીનો પૂજારી નૈવેદ્ય બનાવતાં બનાવતાં મારી સાથે વાતો પણ કરતો હતો. એમણે મને મંદિર વિશે સારી એવી માહિતી આપી. પૂજા, સાંઘ્યવંદના અને ભોગ એ બધું રાતના ૯.૦૦ વાગ્યા પહેલાં પૂર્ણ થયું. નૈવેદ્ય માટે પલાળેલા ચોખાને એક પથ્થર પર ટીપીને એને તેલમાં તળીને તેના બરફી જેવા ટુકડા બનાવાય છે. મને એ ન સમજાયું કે માતાજીને આ વિશેષ બરફીનો ભોગ કેમ ચડાવાય છે? પૂજારી પણ મને એનું કારણ બતાવી ન શક્યો. નૈવેદ્યમાં આ બરફી, રોટલી અને થોડું દૂધ ધરાય છે. પૂજારીએ મને થોડો પ્રસાદ આપ્યો. તે ઘણો સ્વાદિષ્ટ હતો. આના જેવો પ્રસાદ આ પહેલાં ખાધો ન હતો એમ મને લાગ્યું. મેં ઘણી પ્રસન્નતા અનુભવી અને પ્રસાદ લીધા પછી પ્રસન્ન અને શાંત મને ત્યાં બેસી રહ્યો. થોડા સમય પછી પૂજારી મારી પાસે આવ્યો અને મને સૂવા માટે યાત્રિકોની ધર્મશાળામાં જવા વિનંતી કરી. પછીથી એણે પોતે જ મને જણાવ્યું હતું કે કેટલાક દિવસો પહેલાં એક ભગવાં કપડાં પહેરેલ તીર્થયાત્રી અહીં આવ્યો હતો અને રાત્રી થયા પછી તે માતાજીની પૂજા કરવાનાં ચાંદીનાં વાસણો લઈને ભાગી ગયો હતો. આ ઘટના ઘટ્યા પહેલાં સાધુ સંન્યાસીઓને રાતના સમયે મંદિરમાં સૂવાની અનુમતિ મળતી પરંતુ હવે માત્ર ચોકીદાર અને પૂજારી જ મંદિરમાં રહે છે. બીજા બધાને ત્યાં સૂવાની મનાઈ હતી. એટલે મારે પણ મંદિરમાંથી બહાર આવવું પડ્યું અને મેં ધર્મશાળામાં રાત વિતાવી.

એ રાત્રે ચંદ્રની મંદ રોશનીમાં સ્નાન કરતી હિમાલયની પ્રશાંત શૃંખલાઓને જોઈને મને કેવો અનુભવ થયો હતો એને શબ્દરૂપ આપવું એ વાસ્તવમાં મારી ક્ષમતાની બહાર છે. મારું મન વારંવાર પ્રસન્નતાથી ભરપૂર બનીને છલકાઈ રહ્યું હતું. હું મંદિરની બહાર આવ્યો અને શાંત ભાવે સૌંદર્યખચિત હિમાલયને નિહાળતો રહ્યો. આ હિમાલય ચંદ્રની ચાંદનીમાં સૌમ્ય અને શાંત જણાતો હતો. માતાના લાવણ્ય – અનુગ્રહને યાદ કરીને મેં આખી રાત પ્રસન્નતાપૂર્વક પસાર કરી. પછીના દિવસે પણ હું પૂજાના સમયે ઉપસ્થિત રહ્યો અને થોડો પ્રસાદ પણ લીધો. એ બંને દિવસોએ ચોકીદાર અને પૂજારી સિવાય મંદિરમાં દર્શન કરવા બીજું કોઈ આવ્યું ન હતું. ત્રીજે દિવસે હું નીચે એક ઝરણા પાસે ગયો. અહીંથી દરરોજ દૈનિક પૂજા માટે પાણી લાવવામાં આવતું હતું. મેં અહીં બે રાત વીતાવી અને પછી શ્રીનગર તરફ પ્રસ્થાન કરવાનો વિચાર કર્યો. દેવી ચંદ્રવદનીના પવિત્ર આંગણક્ષેત્રમાં કેવળ બે રાત રહેવાથી મને પૂર્ણપણે સંતોષ થયો ન હતો. જો અહીં જીવનનિર્વાહ માટે પૂરતી સામગ્રી હોત તો હું થોડા વધુ દિવસ રોકાઈ જાત. પરંતુ મંદિર કોઈ અતિથિ માટે નૈવેદ્યમાંથી બે દિવસથી વધુ સમય સુધીના ખાવાનો પ્રબંધ કરી શકે તેમ ન હતું. આવા દૂરસુદૂર આવેલ સ્થાન પર રહેવું એ જ એક કઠિન કાર્ય છે. દેવીની દૈનિક પૂજા માટે આવશ્યક દરેકેદરેક વસ્તુ પૂજારીએ નીચેથી લાવવી પડે છે. આ બધી મુશ્કેલીઓને કારણે જ મારી ઇચ્છા હોવા છતાં પણ હું ત્યાં થોડા વધુ દિવસ રોકાઈ શક્યો નહિ. મેં શ્રીમાને નતમસ્તક પ્રણામ કર્યા અને તેઓ મને ફરીથી કોઈ એક દિવસ અહીં લાવે એવી પ્રાર્થના કરી.

ફરીથી આવીશ

હું અહીં ફરીથી આવીશ એમ કહીને મેં શ્રી ચંદ્રવદની માતાની વિદાય લીધી. પૂજારીએ મને શ્રીનગર તરફ જવાની સલાહ આપી કારણ કે એ કેદાર અને બદ્રીનારાયણના રસ્તામાં આવે છે. આ મંદિરથી એ યાત્રા કેવળ એક દિવસની હતી. ગાઢ જંગલોમાંથી એકલા એકલા પગદંડી પર લગભગ અડધો દિવસ ચાલ્યા પછી યાત્રિક ટિહરીથી શ્રીનગરની પાકી સડક પર આવી જાય છે. પૂજારી થોડે દૂર સુધી મારી સાથે આવ્યો અને પહાડી નીચેનો રસ્તો મને બતાવ્યો. એણે દૂર વસેલા પોતાના ગામ તરફ આંગળી ચીંધી અને કહ્યું જો હું એ ગામમાં પહોંચી જાઉં તો શ્રીનગર પહોંચવામાં મને આગળ વધુ મુશ્કેલી પડશે નહિ.

ખતરનાક ઢાળનું ઉતરાણ

અડાબીડ ઘાસ અને જંગલી ઝાડીઓથી છવાયેલા એ સૂમસાન નિર્જન રસ્તે હું જ્યારે ચાલતો હતો ત્યારે મને એ આભાસ થયો કે હું ઘણી સરળતાથી પોતાનો રસ્તો પણ ભૂલી શકું તેમ હતો. એ રસ્તે કોઈ માણસના આવવાની સંભાવના ઓછામાં ઓછી હતી. જંગલી કીટ, પતંગિયાં અને આગિયા જોરજોરથી ગુંજારવ કરતાં હતાં. હું થોડેક દૂર સુધી ચાલ્યો અને રસ્તો ભૂલી ગયો. દૂર વસેલું પૂજર ગામ જ્યારે મેં ચાલવાનું શરૂ કર્યું ત્યારે દેખાતું હતું, પણ હવે એ ગામ ક્યાંય નજરે ચડતું ન હતું. હું ક્યાં જઈ રહ્યો હતો, એનો મને કંઈ અંદાજ ન હતો. જંગલ તો વધુ અને વધુ ગાઢ થતું જતું હતું. ચારે તરફ હું વૃક્ષોથી ઘેરાયેલો હતો અને એની પાર હું કંઈ જોઈ શકતો ન હતો. ઉપર આવેલાં વૃક્ષોના ગાઢ ચંદરવા બપોરના બાર વાગ્યાના સૂર્યની રોશનીના એક કિરણને પણ જંગલમાં આવવા દેતા ન હતા. આ રસ્તો મને ક્યાંય લઈ જઈ રહ્યો ન હતો, મને એય સમજાતું ન હતું કે આ ગાઢ જંગલમાંથી કેવી રીતે હું બહાર નીકળીશ. હું મંદિરથી બહુ વધારે નીચે ઉતર્યો નહિ હોઉં. મારે હવે શું કરવું એની મૂંઝવણમાં પડી ગયો. હું નીચે બેસી ગયો. પરંતુ આ સ્થળની ગરીમા વિશે જરા વિચાર તો કરો! હું ચારેતરફથી મુશ્કેલીઓથી ઘેરાયેલો હતો અને મને મારો રસ્તો સૂઝતો ન હતો. છતાંય લેશમાત્ર પણ ભયભીત ન હતો. મને હજુ પણ આશા હતી અને એવું જણાતું હતું કે હું થોડા સમયમાં જ આ મુશ્કેલીભરી મૂંઝવણમાંથી બહાર નીકળી જઈશ. મને પ્રાય: પૂર્ણ વિશ્વાસ હતો કે ભલે આ દૈવી ગરિમામય સ્થાનના કોઈ પણ ભાગમાં કેમ ન હોઉં પણ હું પ્રસન્નતામાં ડૂબી જઈશ. હું ત્યાં લગભગ એકાદ કલાક બેઠો. મેં વિચાર્યું કે કદાચ કોઈ એ તરફ આવી નીકળે પણ ખરો. અને એવું બને તો હું એને રસ્તો પૂછી લઈશ. પરંતુ એક પણ વ્યક્તિ ત્યાં ફરકી નહિ. હવે કોઈ વિકલ્પ છે જ નહિ. એ જોઈને હું ‘જય મા! મા તારો જ મહિમા છે’ એમ બોલતો બોલતો ઊભો થયો. હું નાકની દાંડીએ સીધો ચાલવા લાગ્યો. જંગલ તો વધુ સઘન બની ગયું અને જમીન ઉપર ઊગેલ ઘાસ, ઝાડી-ઝાંખરાં પણ અભેદ્ય! હું નીચે ઊતરતો હતો અને રસ્તો લપસણો હતો આવા પહાડી વિસ્તારોમાં ચઢાણ કરતાં ઊતરાણ હંમેશાં વધુ કઠિન હોય છે. જેમને પર્વતારોહણનો થોડોઘણો અનુભવ હોય છે તેઓ જ આ વાત સારી રીતે જાણે છે. જ્યારે આપણે ઉપર ચડીએ છીએ ત્યારે આપણી જાત પર પૂરું નિયંત્રણ હોય છે, પરંતુ નીચે ઊતરતી વખતે એવું બનતું નથી. જે કોઈ પોતાનું સંતુલન ગુમાવે એને માટે બચવું મુશ્કેલ. આપણે એટલી ઝડપથી નીચે સરકી પડીએ છીએ કે સીધા ઢાળવાળી પહાડી પર ચડતી અને ઊતરતી વખતે આપણે કેવી સાવધાની રાખવી જોઈએ એ મારા વૃત્તાંતનું વર્ણન હવે પછીના ભાગમાં કરીશ.

આવા આવનારા અનેક ઉતાર-ચઢાવની આ તો માત્ર શરૂઆત હતી. બદ્રીનારાયણ અને કેદારનાથના રસ્તામાં આનાથી પણ વધારે ચડવા મુશ્કેલ ઢાળવાળી પહાડીઓ પર ચડવાનું હતું. પરંતુ હવે તો હું આગળ જ ચાલતો રહ્યો. ક્યાં પહોંચીશ એ વાતથી હું સાવ અજાણ હતો. આ ગાઢ જંગલમાં એક પણ પગલાનું નિશાન દેખાતું ન હતું. મારા પગ મને જ્યાં લઈ જઈ રહ્યા હતા એ તરફ હું માત્ર ચાલતો રહ્યો કે પછી ભગવાન જ મને એ તરફ લઈ જઈ રહ્યા હતા. અવરોહણ વધુ ને વધુ મુશ્કેલ બનતું જતું હતું. મેં વિચાર્યું કે આ રસ્તેથી આવી પહાડીઓ પરથી નીચે ઊતરવું સંભવ નથી. હું માંડ માંડ મુશ્કેલીપૂર્વક મારો પગ થમાવતો હતો. અવરોહણ ઘણું ભયંકર હતું. સદ્‌નસીબે આ પર્વતીય પથ્થરવાળો ઢાળ ન હતો. પરંતુ નરમ ઢાળ હતો અને અહીં તહીં ઘાસ અને ઝાડી-ઝાંખરાં હતાં. મારા પગ એ નરમ જમીન પર સ્થિર કરીને કમરથી ઢાળનો સહારો લઈને તેમજ રસ્તા પર આવેલાં ઘાસ, ઝાડી-ઝાંખરાંને પકડતાં પકડતાં હું ત્રણ માઈલ સુધી ચાલ્યો.

ગમે તેમ કરીને હું એ અત્યંત સીધા ઢાળ પરથી ઊતર્યો. એનું વર્ણન કરવું મારા માટે લગભગ અશક્ય જેવું છે. આ પહાડી રસ્તા પર છ -સાત માઈલનું અંતર કાપવામાં લગભગ આખો દિવસ વીતી જાય છે. મઘ્યાહ્‌ન પછી હું એક સમતલ ભૂમિ પર પહોંચ્યો. મેં જોયું કે એક ખેડૂત ખેતરમાં ઘઉંની ડૂંડીઓને આગથી શેકીને પોંક પાડતો હતો. ઘઉંની કાપણી કરતાં પહેલાં આવો પોંક પડાય છે. શેકેલું અનાજ મીઠું અને દૂધ જેવું સ્વાદિષ્ટ લાગે છે. આ દિવસોમાં પુરુષો સ્ત્રીઓ અને બાળકો મળીને ખેતરમાં ઉત્સાહપૂર્વક આવીને આવી રીતે શેકેલા ઘઉંનો કે જવનો પોંક ખાવાનો આનંદ માણે છે. આ પર્વતીય લોકો માટે આ એક ઘણા આનંદનો અવસર છે. પર્વતીય ઢાળો પરથી ઊતરતી વખતે મને થોડા ચીરા પડ્યા હતા. અહીં નીચે કુશળતાપૂર્વક પહોંચ્યા પછી મારી સમક્ષ આકર્ષક અને ક્ષુધાવર્ધક ભોજનને જોઈને હું થોડો પ્રસન્ન થયો. પહાડના ખતરનાક ઢાળ પરથી ઊતરતી વખતે ભૂખનો વિચાર પણ ક્યારેય ન આવ્યો. પરંતુ હવે મને ખ્યાલ આવ્યો કે બપોર થઈ ગઈ છે અને મારા પેટમાં ભૂખની જ્વાળા બળે છે. મારે એ જ્વાળાને શાંત કરવાની હતી. ખેડૂત ભાઈ તો પોંક પાડવામાં મગ્ન હતો, જ્યારે એણે મને એની સમક્ષ ઊભેલો જોયો ત્યારે તે આશ્ચર્યમાં પડી ગયો અને આશ્ચર્યચકિત બનીને મારા તરફ જોવા લાગ્યો. ત્યાર પછી તેણે પોતાની ભાષામાં મને હું ક્યાંથી આવું છું અને કેવી રીતે આવ્યો છું એ વિશે પૂછ્યું. જ્યારે મેં એને બતાવ્યું કે હું ચંદ્રવદની દેવીના મંદિરમાંથી આવું છું ત્યારે તેનું આશ્ચર્ય ઓર વધી ગયું.

શ્રીમા માર્ગદર્શક બને છે

એમના આ રીતે આશ્ચર્યચકિત બનવાનું કારણ એ હતું કે શિકાર પર જીવન વિતાવનારા આદિવાસી લોકો પણ આ ગાઢ જંગલમાં પ્રવેશવાની હિંમત કરતા નથી. એને યાદ છે ત્યાં સુધી ચંદ્રવદની દેવીના મંદિરમાંથી આ રસ્તે ચાલીને આવતો કોઈ યાત્રી આ જ સુધી પાછો ફર્યો નથી. તે દેવીની પ્રશંસા અને સ્તુતિ કરવા લાગ્યો અને કહ્યું: ‘કદાચ, શ્રીમા ચંદ્રવદની દેવી પોતે જ આ ભયંકર પર્વતીય ઢાળમાં તમારી સાથે આવ્યાં હશે!’ મને પોતાને પણ એ જે કહી રહ્યો હતો એવું જ વાસ્તવમાં થયું હશે એવો આભાસ થયો. મને આ પહેલાં પણ આવા અનુભવો થયા હતા. જ્યારે પણ હું કોઈ આવી ભયાનક પરિસ્થિતિથી ઘેરાઈ જતો ત્યારે અસહાયની સદૈવ કાળજીપૂર્વક સહાય કરનારા પ્રભુએ જ મને જે તે સ્થાને પહોંચાડ્યો છે, મને માર્ગદર્શન આપ્યું છે. આ અદૃશ્ય સહાયને કારણે જ હું આ બધાનું વર્ણન કરવા આજે જીવતો રહ્યો છું.  કેટલીયે વાર અત્યંત ભયંકર પરિસ્થિતિઓ સાથે મારે સામનો કરવો પડ્યો છે પરંતુ દરેક વખતે કેવળ એ એકમાત્ર પ્રભુની કૃપાને જ કારણે એ ભયાનક ભયની વચ્ચે પણ હું સલામત રહ્યો છું અને એ બધા ભયમાંથી સહીસલામત બહાર આવ્યો છું. હું મારી આ કહાણી વખતે આ બધી ઘટનાઓનું વર્ણન કરવાનો પ્રયાસ કરીશ. એ અભણ પહાડી ખેડૂતે જે એકદમ સહજભાવે શ્રીમાની પ્રશંસા – સ્તુતિ કરી એ સાંભળીને હું ભાવવિભોર બની ગયો. ઈશ્વરમાં મારો વિશ્વાસ વધુ દૃઢ બની ગયો. ખેડૂતભાઈએ મને થોડો પોંક આપ્યો. મેં એક મૂઠી પોંક ખાધો એના પર એક ગ્લાસ પાણી પીધું. થોડો આરામ કરીને પછી મેં એને શ્રીનગર જવાનો રસ્તો પૂછ્યો.

Total Views: 107

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.