‘પેલી સ્ત્રી અહીં શા માટે આવે છે?’

‘એ સત્સંગ કરવા આવે છે. મારી પાસેથી ઈશ્વરની વાતો સાંભળે છે.’

‘પણ એનો ભૂતકાળ સારો ન હતો. એ તો વેશ્યા હતી. એની સાથે કંઈ વાતો થાય? એના સંગથી દૂર રહેવું.’

શ્રીરામકૃષ્ણદેવે મા શારદામણિને એમની પાસે આવતી એક વૃદ્ધા વિશે જણાવતાં કહ્યું. એ સ્ત્રીએ એની જુવાનીમાં ઘણાં પાપકર્મો કર્યાં હતાં. આથી શ્રીરામકૃષ્ણદેવને થયું કે ‘જેવાં તેવાં લોકો આવીને શારદામણિ પાસે ગમે તેવી વાતો કરી જાય, અને સરળ સ્વભાવના શારદામણિ એ બધું સાચું માની લે, એ કરતાં આવાં હલકાં લોકો તેમની પાસે ન આવે તે જ સારું. વળી શારદામણિ આવા લોકો સાથે વાતો કરતાં હોય તો દક્ષિણેશ્વરમાં આવતાં લોકોની નજરમાં પણ ખરાબ દેખાશે.’ આમ માનીને એમણે શારદામણિ પાસે રોજ આવીને સત્સંગ કરતી વૃદ્ધાની બાબતમાં ચેતવણી આપી. તેઓ શ્રીઠાકુરની ચેતવણી સમજી પણ ગયાં. પણ એ ચેતવણીને તેમણે ગણકારી નહિ. શારદામણિ હંમેશાં પતિની આજ્ઞાનું ચૂસ્તપણે પાલન કરતાં. શ્રીરામકૃષ્ણદેવ એમનું સર્વસ્વ હતા. એમના મુખમાંથી નીકળેલા એકેએક શબ્દને તેઓ પોતાના જીવનમાં ઉતારી રહ્યાં હતાં. પણ છતાં પોતાના અંતરાત્માને જ્યાં સાચું જણાતું ન હોય એવી બાબતમાં તેમણે શ્રીઠાકુરની આજ્ઞાનું પાલન કર્યું નથી. શ્રીઠાકુર સાથેના વ્યવહારમાં હંમેશાં આજ્ઞાંકિત રહેલાં માએ ક્યારેક ક્યારેક એ આજ્ઞાનો પણ સ્વીકાર કર્યો નથી. વૃદ્ધાની બાબતમાં માની વિચારધારા જુદી રીતે ચાલી રહી હતી. તેઓ વિચારી રહ્યાં હતાં કે ‘ભૂતકાળમાં કોઈએ પાપ કર્યાં હોય તો શું માણસ જીવનભર પાપી જ હોય? તો શું એ ધર્મના માર્ગે ક્યારેય ચાલી ન શકે? તો તો પછી એને સારા થવાનો કોઈ રસ્તો જ રહેતો નથી? ઊલટું આવા પતિત લોકોને વધારે પ્રેમ આપીને એટલા પોતાના બનાવી લેવા જોઈએ કે જેથી એનો આડો રસ્તો આપોઆપ છૂટી જાય.’ આ વૃદ્ધા તો ખરેખર માના શરણમાં આવી હતી. એને ‘મા’ કઈ રીતે ના પાડે? આશ્રયે આવેલાં ગમે તેવા પાપી-તાપીને શરણમાં રાખી શુદ્ધ કરવા તો તેઓ પૃથ્વી ઉપર આવ્યાં હતાં! એ કાર્યમાં શ્રીઠાકુરની મનાઈ પણ એમણે સ્વીકારી નહિ. અલબત્ત તેમણે શ્રીરામકૃષ્ણદેવની વાત સાંભળી લીધી. કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. એટલે અંતર્યામી શ્રીરામકૃષ્ણ માના ભાવને સમજી ગયા. પછી તેઓ પણ કશું ન બોલ્યા. એ વૃદ્ધાનું ‘મા’ પાસે આવવા જવાનું સતત ચાલુ રહ્યું. મા સાથેનો સત્સંગ પણ ચાલુ રહ્યો, અને માની કૃપાના પરિણામે એ વૃદ્ધાની પાછલી અવસ્થા ભગવદ્‌ પરાયણ બની ગઈ!

એક વખત માના સ્ત્રીભક્ત યોગિનમાએ મા શારદામણિને પૂછ્યું હતું, ‘મા તમે દરેક બાબતમાં ઠાકુરના મત પ્રમાણે જ ચાલતાં હતાં. પણ ક્યારેય તમે કોઈ બાબતમાં જિદ કરીને તમારું ધાર્યું કર્યું હતું ખરું?’ આ સાંભળીને મા હસી પડ્યાં અને બોલ્યાં, ‘પણ યોગિન, માણસ શું બધી વાતો માની શકે?’ એટલે કે જ્યાં ‘મા’ ને યોગ્ય જણાતું ન હોય ત્યાં તેઓ ઠાકુરની વાત સ્વીકારતા નહિ. એવા એક પ્રસંગની વાત ‘મા’ એ સ્વમુખે યોગિનમાને કહી સંભળાવી હતી: તે સમયે મા શ્રીઠાકુરને જમાડવા માટે થાળી લઈને તેમના ઓરડામાં જતાં પણ મા તો ખૂબ લજ્જાળુ અને સંકોચશીલ હતાં. ભક્તોની હાજરીમાં તેઓ ક્યારેય થાળી લઈને જતાં નહિ. આથી જ્યારે માને શ્રીઠાકુરને જમાડવા માટે આવવું હોય ત્યારે ભક્તોને શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાંથી બહાર મોકલી દેવામાં આવતા. પછી ‘મા’ હાથમાં પીરસેલી થાળી લઈ શ્રીઠાકુરના ઓરડામાં આવતાં. તેમને પાસે બેસીને જમાડતાં. શ્રીઠાકુર જમી રહે પછી થાળી લઈ પાછાં ચાલ્યાં જતાં. જમતી વખતે શ્રીઠાકુર સમાધિભાવમાં ન ચાલ્યા જાય તેનું સતત ઘ્યાન રાખતાં. આ માનો નિત્યક્રમ હતો. હવે એક દિવસ એવું બન્યું કે મા હાથમાં થાળી લઈને ઠાકુરના ઓરડાના પગથિયાં ચઢી રહ્યા હતાં, ત્યાં અચાનક એક સ્ત્રીભક્ત આવી. ‘મા મને થાળી આપો. હું શ્રીઠાકુરને આપી આવું.’ એમ કહીને તેણે માના હાથમાંથી થાળી લઈ લીધી. શ્રીઠાકુરના ઓરડામાં જઈને એમની સામે થાળી મૂકી આવીને પછી જતી રહી. મા ઓરડામાં આવ્યાં. શ્રીઠાકુરના આસન પાસે બેઠાં અને એમણે જોયું તો શ્રીરામકૃષ્ણ એ થાળીને અડકતા પણ નથી. પછી મા તરફ જોઈને બોલ્યા, ‘તમે આ શું કર્યું? એના હાથમાં થાળી શા માટે આપી? એ તો અમુકની ભાભી છે, દિયરની સાથે રહે છે, એના હાથનું અડકેલું હું કેવી રીતે ખાઈ શકું?’

‘હા, હું બધું જાણું છું, પણ આજે તમે ખાઈ લો.’ માએ કહ્યું તો પણ શ્રીરામકૃષ્ણદેવ થાળીને અડક્યા નહિ. આથી માએ ખૂબ વિનંતી કરી. એટલે તેમણે કહ્યું, ‘તો તમે હવે મને વચન આપો કે હવેથી કોઈ દિવસ કોઈનાય હાથમાં થાળી નહિ આપો.’ અહીં મા શારદાદેવી પોતાના કાર્ય માટે કેટલાં સજાગ હતાં. એનું સ્પષ્ટ દર્શન થાય છે. ગામડામાં ઉછરેલાં, શાળાનું શિક્ષણ નહિ પામેલાં, હંમેશાં ઘૂંઘટમાં રહેનારાં, પતિની આજ્ઞાનું પાલન કરનારાં સ્વભાવે અત્યંત મૃદુ અને શરમાળ મા શ્રીઠાકુરની દરેક વાતને સ્વીકારી લેતાં નથી. વચન આપતાં નથી કે હવે આવું ક્યારેય નહિ બને! પણ ઊલટું તેઓ શ્રીઠાકુરને પણ જણાવી દેતાં સહેજેય અચકાતાં નથી કે ભવિષ્યમાં પણ આવું બની શકે ખરું. એટલે પ્રેમપૂર્વક તેમણે શ્રીરામકૃષ્ણદેવને હાથ જોડીને કહ્યું, ‘એ તો નહિ બની શકે! તમારી થાળી હું પોતે જ લઈ આવીશ. પણ કોઈ ‘મા’ કહીને મારી પાસેથી માગી લે, તો હું ના નહિ કહી શકું. અને તમે તો ફક્ત મારા પ્રભુ નથી. બધાંના છો.’ અને શ્રીરામકૃષ્ણદેવે માની વાત સ્વીકારી લીધી. ઊલટું તેઓ પ્રસન્ન થઈ ગયા અને જમવા લાગ્યા. આમ પોતાને અંતરથી જે સાચું લાગતું હોય તે જ કહેવું અને તે પ્રમાણે કરવું, એ શ્રીરામકૃષ્ણદેવ સાથેના વ્યવહારમાં પણ માનું ક્રાંતિકારી પગલું ગણાવી શકાય. પોતાનાથી ૧૮ વર્ષ મોટા, અનેક સાધનાઓ દ્વારા સિદ્ધિઓ પામેલા, મા કાલી સાથે એકાત્મતા સાધેલા પરમહંસદેવ જેવા પરમપુરુષની વાત તો એમના સહધર્મિણી તરીકે મા અસ્વીકાર કંઈ કરી શકે ખરાં? પણ ‘મા’ એ સામાન્ય ગૃહિણી કે ધર્મપત્ની જ ન હતાં. એ શ્રીરામકૃષ્ણદેવના લીલાસહચારિણી હતાં. શ્રીરામકૃષ્ણ સાથે સમાન ભૂમિકા ઉપર ઊભેલાં હતાં. ભલે એમનું સ્વરૂપ અપ્રગટ હતું. છતાં એમની ભૂમિકા ઘણી જ ઉચ્ચ હતી અને એટલે જ તેઓ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં શ્રીઠાકુરને પણ કહી શક્યાં અને શ્રીઠાકુરે પણ દરેક વખતે એમની વાત સ્વીકારી લીધી અને પછી ક્યારેય શ્રીઠાકુરે પોતાની વાત તેઓ માને એવો આગ્રહ રાખ્યો ન હતો!

મા શારદાદેવીના આગમન પછી શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો દક્ષિણેશ્વર આવવા લાગ્યા. અને ઘણીવખત શ્રીઠાકુર પાસે રાત પણ રોકાતા. શ્રીરામકૃષ્ણદેવની દેખરેખ હેઠળ રાત્રે તેઓ જપ-ઘ્યાન પણ કરતા. રાત્રે બહુ ખાવાથી શરીરમાં જડતા વધી જાય અને તેથી ઊંઘ આવે અને સાધનભજન ન થાય એમ શ્રીરામકૃષ્ણ માનતા હતા. આથી એમણે યુવાનોને રાત્રે ઓછું ખાવાનું કહ્યું હતું. માને પણ આ બાબતમાં સૂચના આપી કહ્યું, ‘રાખાલ ને છ, લાટુને પાંચ, મોટા ગોપાલ અને બાબુરામને ચાર ચાર રોટલી જ આપજો.’ શ્રીઠાકુરની સૂચના સાંભળી મા વિચારમગ્ન થઈ ગયાં. તેમને થયું કે ‘દીકરાઓને ભૂખ્યા રાખવાના? આ તે કેવું? ના આ નહિ બને.’ એમ વિચારીને તેમણે યુવાનોને ભરપેટ જમાડવાનું ચાલું રાખ્યું. એક દિવસ શ્રીરામકૃષ્ણે બાબુરામને પૂછ્યું: ‘કેટલી રોટલી ખાધી?’

‘છ.’ ‘હેં તેં છ રોટલી ખાધી? તારે તો ચાર જ ખાવાની હતી.’

‘પણ માએ આગ્રહ કરીને ખવડાવી.’

‘આવાં ખોટાં લાડ લડાવવાથી છોકરાઓનું ભવિષ્ય બગડશે. તેઓ સાધનભજન ઓછાં કરશે.’ મા આગળ જઈને ફરિયાદ કરતાં શ્રીરામકૃષ્ણદેવે કહ્યું.

‘એણે બે રોટલી વધારે ખાધી તેમાં આટલી ચિંતા શાની? મારા છોકરાઓ, હું મા પીરસું ને ભૂખ્યા રહે? શ્રીઠાકુર એ નહિ બને. તમે ચિંતા શા માટે કરો છો? એમનું ભવિષ્ય હું જોઈશ. વધારે ખાવા માટે તમે મારા દીકરાઓ ઉપર ક્યારેય ગુસ્સે ન થશો.’ માની આવી સ્પષ્ટ વાત સાંભળીને શ્રીરામકૃષ્ણનો ગુસ્સો તો ક્યાંય ઓગળી ગયો. પણ માની અંદર આવિર્ભૂત થયેલાં જગદંબા હવે આ છોકરાઓનું ભવિષ્ય હાથમાં લઈ રહ્યાં છે, એનું દર્શન થતાં તેઓ પ્રસન્ન થઈ ગયા! આમ પ્રસંગોપાત માનું આંતરતેજ, એમનું પ્રગટ રૂપ અને આઘ્યાત્મિક માતૃત્વ પ્રગટ થતું રહ્યું અને એથી જ તો શ્રીરામકૃષ્ણદેવ માની વાતનો સહજ સ્વીકાર કરી લેતા હતા! તો એવા પ્રસંગો પણ બન્યાં હતાં કે શ્રીરામકૃષ્ણદેવ રજા આપી હોવા છતાં મા તેમના અંતરના ભાવને જાણીને માએ એ કાર્ય કર્યું ન હોય! તે વખતે પાણિહાટીમાં વૈષ્ણવોનો ઉત્સવ હતો. શ્રીરામકૃષ્ણને એ ઉત્સવમાં ભાગ લેવા જવાની ખૂબ ઇચ્છા થઈ. એમણે ભક્તોને કહ્યું, ‘આ ઉત્સવમાં દિવ્ય આનંદનો મેળો ભરાશે, હરિનામનું બજાર ભરાશે. તમે કોઈએ આવો ઉત્સવ જોયો નહિ હોય! ચાલો આપણે એ ઉત્સવમાં જઈએ.’ શ્રીઠાકુરના યુવાન શિષ્યો આ ઉત્સવમાં જવા તૈયાર થયા. સ્ત્રીભક્તો પણ જવા તૈયાર થયાં. માને પણ ઇચ્છા થઈ આવી. તેમણે શ્રીરામકૃષ્ણદેવને પુછાવ્યું કે ‘શું તેઓ પણ આ ઉત્સવમાં આવી શકે?’ જવાબમાં શ્રીરામકૃષ્ણે એ સ્ત્રીભક્તોને કહ્યું, ‘તમે બધાં તો આવો જ છો ને. એમની ઇચ્છા હોય તો ભલે આવે.’ માએ આ શબ્દો સાંભળીને તત્ક્ષણ પોતાનો નિર્ણય બદલી નાખ્યો. સ્ત્રીઓએ કહ્યું, ‘ઠાકુરે તો રજા આપી છે. તો તમે કેમ ના પાડો છો?’ ત્યારે માએ કહ્યું, ‘ના રે બાબા, હું ત્યાં નથી આવતી. ત્યાં તો ખૂબ ભીડ થશે. એટલી ભીડમાં હોડીમાંથી ઊતરીને મારાથી ઉત્સવ જોવા નહિ આવી શકાય. તમે જાઓ. મારે નથી આવવું.’ માનો નિર્ણય કેમ બદલાઈ ગયો, એ સ્ત્રીઓને સમજાયું નહિ. તેઓએ ખૂબ આગ્રહ કર્યો. પણ મા ન ગયાં તે ન જ ગયાં.

ઉત્સવમાંથી રાત્રે પાછાં આવ્યાં, ત્યારે જમતી વખતે શ્રીરામકૃષ્ણે એ સ્ત્રીભક્તોને કહ્યું, ‘તેઓ મારી સાથે ન આવ્યાં તે સારું કર્યું. મને વારંવાર ભાવસમાધિ આવી જતી હતી, તેને લીધે મોટાભાગના લોકો મારી સામે વારંવાર ધારી ધારીને જોતાં હતાં. જો તેઓ સાથે આવ્યાં હોત તો લોકો મશ્કરી કરત કે હંસ ને હંસી આવ્યાં છે. તેઓ ખૂબ બુદ્ધિમાન છે.’ ત્યારે સ્ત્રીભક્તોને પણ ખબર પડી કે શ્રીઠાકુરની આંતરિક ઇચ્છાને માએ જાણી લીધી હતી. અને એટલે જ તેઓ ઉત્સવમાં આવ્યાં ન હતાં. પછી મા પાસે જઈને સ્ત્રીભક્તોએ પૂછ્યું: ‘મા, તમને કેવી રીતે ખબર પડી કે તમે ત્યાં આવો એવી ઠાકુરની ઇચ્છા નથી?’ માએ તેમને કહ્યું, તેમણે જે રીતે રજા આપી એ જોઈને હું સમજી ગઈ કે તેમની ઇચ્છા નથી. જો તેમની ઇચ્છા હોત તો તેઓ એમ જ કહેત કે, ‘હા, હા, તેઓ જરૂર આવશે.’ તેને બદલે તેમણે તો આવવાનો ભાર મારા ઉપર જ નાખી દીધો. એટલે મેં આવવાનું માંડી વાળ્યું. આમ દેખીતી રીતની હા છતાં હામાં છુપાયેલી એમની અનિચ્છાને પારખવાની સૂક્ષ્મ દૃષ્ટિ પણ માની અંદર હતી. ભલે તેમણે શાસ્ત્રોનું અઘ્યયન નહોતું કર્યું કે દીર્ઘકાળની સાધના નહોતી કરી પણ તેઓ સાધનાની એ ઉચ્ચ અવસ્થામાં સહજપણે રહેતાં હતાં કે શ્રીરામકૃષ્ણની પણ સૂક્ષ્મ ઇચ્છાઓને જાણી જતાં અને એમની સમીપ આવનારાં સર્વની આંતરિક ઇચ્છા જાણીને એના હિતમાં જે હોય તે પ્રમાણે જ કાર્ય કરતાં.

શ્રીરામકૃષ્ણદેવની બાબતમાં આવું બીજીવાર પણ બન્યું હતું. મારવાડી ભક્ત લક્ષ્મીનારાયણે શ્રીરામકૃષ્ણદેવને રૂપિયા દશહજારની રકમ ભેટ આપી. પણ શ્રીરામકૃષ્ણ તો રૂપિયાને અડી શકતા પણ નહિ. આ રકમ જોઈને એમને એવું લાગ્યું કે જાણે કોઈ માથા પર કરવત ચલાવી રહ્યું છે. આથી તેઓ કાલીમંદિરમાં ગયા અને મા જગદંબાને કહેવા લાગ્યા, ‘મા, તું આટલા સમય પછી ફરી લલચાવવા આવી?’ અને રૂપિયાની તેણે ના પાડી દીધી. લક્ષ્મીનારાયણે કહ્યું, ‘તમે ન રાખી શકો તો કંઈ નહિ. હું માને આ રકમ આપવા ઇચ્છું છું.’ શ્રીરામકૃષ્ણે તેમને કહ્યું, ‘એમને પૂછી જુઓ, જો તેઓ રાખવા ઇચ્છે તો ભલે રાખે.’ પછી શ્રીરામકૃષ્ણે જ માને બોલાવીને કહ્યું, ‘જુઓ આ મને દશ હજાર રૂપિયા આપવા માગે છે. મેં તેમને ના પાડી એટલે હવે તે તમને આપવા માગે છે. તો તમે સ્વીકારી લો.’ એ જમાનાના દશહજાર રૂપિયા! વળી મા પાસે તો કંઈ પૈસા હતા જ નહિ. શ્રીઠાકુરે સામેથી કહ્યું કે ‘તમે આ રકમ સ્વીકારી લો.’ ત્યારે શ્રીમા એ રકમ સ્વીકારી શક્યાં હોત, પણ મા શ્રીરામકૃષ્ણદેવના લીલાસહધર્મિણી હતાં. એમની સાથે સમાન ભૂમિકા પર ઊભેલાં હતાં. એમણે એક ક્ષણનાય વિલંબ વગર કહ્યું, ‘એ તમે શું કહો છો? મારાથી એ રૂપિયા ન લેવાય. કેમ કે હું લઉં, એ તમે જ લીધા કહેવાય. એ રકમનો ઉપયોગ તો હું તમારી સેવા માટે જ કરવાની એટલે એ રકમ તમારા માટે જ વપરાવાની. લોકો તમારા ત્યાગને લઈને તમારા ઉપર શ્રદ્ધાભક્તિ રાખે છે. એટલે કોઈ પણ રીતે આ રૂપિયા લેવાય નહિ.’ લક્ષ્મીનારાયણ તો શ્રીમાના વિચાર સાંભળીને દિઙ્‌મૂઢ બની ગયા. એમને એમ કે ગામડાગામની સ્ત્રી આટલા બધા રૂપિયા જોઈને આનંદથી લઈ લેશે અને શ્રીરામકૃષ્ણને રૂપિયા આપવાની એમની ભાવના સાર્થક થશે!’ પણ શ્રીમાનો ત્યાગ તો શ્રીરામકૃષ્ણથી પણ ચઢી ગયો! શ્રીરામકૃષ્ણ તો પરમહંસ હતા. એમને માટે સોનું ને માટી સમાન હતાં પણ શ્રીમા તો ઘરગૃહસ્થી ચલાવી રહ્યાં હતાં કેટલાંય મહેમાનોને રોજેરોજ જમાડતાં હતાં. શ્રીરામકૃષ્ણના વિશાળ સંસારની ધૂરા માના હાથમાં રહેલી હતી. એ ચલાવવા માટે પૈસાની જરૂર પણ હતી અને છતાં સહેજ પણ પ્રલોભન વગર આટલી મોટી રકમ લેવાની સહજપણે ના પાડનાર આ સતી નારીના ત્યાગને લક્ષ્મીનારાયણ વંદી રહ્યા. અને મનોમન બોલી રહ્યા, ‘ઠાકુર, આવી સહધર્મિણીથી જ તમારી સાધના ને ત્યાગ ટકી રહ્યાં છે!’ શ્રીઠાકુરની સાથે માને પ્રણામ કરીને તેઓ પાછા ફર્યા!

એક વખત શ્રીરામકૃષ્ણદેવને એવી ઇચ્છા થઈ કે શ્રીમા શારદાદેવીને પોતાના ઉપર કેટલો વિશ્વાસ છે, એ તો જરા જોઈ લઉં! તેઓ શ્રીરામકૃષ્ણને સમજી શકે છે કે નહિ, એ જોવા માટે શ્રીરામકૃષ્ણદેવે એક પ્રસંગ ઊભો કર્યો. તેમણે એક દિવસે બપોરે શ્રીમા શારદાદેવીને પોતાના ઓરડામાં ઝાડુ વાળવાનું, પથારી કરવાનું અને પાન બનાવવાનું કામ સોંપ્યું અને પોતે કાલીમંદિરમાં પ્રણામ કરવા ગયા. શ્રીમા પાન બનાવવાનાં કામમાં તલ્લીન હતા. શ્રીરામકૃષ્ણ ઓરડામાં ક્યારે આવી ગયા, તેની તેમને ખબરેય ન પડી. પણ તેમણે શ્રીરામકૃષ્ણની સામે જોયું તો લાલઘૂમ આંખો, લથડિયાં ખાતી ચાલ અને ગળામાંથી નીકળતાં ત્રુકટ ત્રુકટ શબ્દો, ‘જુઓ, જુઓ સાંભળો છો, શું મેં દારૂ પીધો છે?’ આવી સ્થિતિ જોઈને કોઈને પણ એમ જ લાગે કે શ્રીરામકૃષ્ણે દારૂ પીધો છે. શ્રીમા પણ એમનું આવું વર્તન જોઈ એક ક્ષણ તો સ્તબ્ધ બની ગયાં પણ તુરત જ બોલી ઊઠ્યાં: ‘ના રે, તમે શા માટે દારૂ પીઓ?’ ‘તો પછી જુઓને મારા પગ કેમ લથડે છે? કેમ સ્થિર નથી રહી શકતો?’ તો પણ શ્રીમાએ પોતાનું રટણ ચાલુ રાખ્યું. ‘ના રે, તમે શા માટે દારૂ પીઓ. તમને શી જરૂર છે એની? તમે તો મા કાલીનું ભાવામૃત પીધું છે.’ અને આ શબ્દો સાંભળીને લથડિયાં ખાઈ રહેલા શ્રીરામકૃષ્ણના પગ સ્થિર થઈ ગયા. અને અવાજ પણ એકદમ સ્પષ્ટ થઈ ગયો. શ્રીરામકૃષ્ણના ચહેરા ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ. અને બોલી ઊઠ્યા, ‘તમે બરાબર કહ્યું છે.’ બીજું કોઈ હોય તો શ્રીઠાકુરનું આ વર્તન જોઈને બોલી ઊઠ્યું હોત કે, ‘આ દારૂ ક્યાં પીને આવ્યા છો?’ પણ શ્રીમાને એટલો બધો વિશ્વાસ કે શ્રીઠાકુરનું આબેહૂબ દારૂડિયા જેવું વર્તન છતાં શ્રીઠાકુર દારૂ પીએ એ વાત શ્રીમાને માટે માનવી બિલકુલ અશક્ય! શ્રીમાની આંતરસૂઝ અને પરિસ્થિતિને પારખી લેવાની સૂક્ષ્મદૃષ્ટિ અનોખી હતી. આથી જ શ્રીરામકૃષ્ણદેવ અત્યાર સુધી પરદા પાછળ રહીને પોતાના કાર્યને વેગ આપી રહેલાં શ્રીમા શારદામણિને ધીમે ધીમે નેપથ્યમાંથી બહાર લાવી રહ્યા હતા!

એ વખતે દક્ષિણેશ્વરમાં એક ગાંડી સ્ત્રી શ્રીરામકૃષ્ણદેવ પાસે આવતી જતી. એ ગાંડી છે, એમ માનીને પહેલાં તો શ્રીઠાકુર અને બીજા બધા એના પ્રત્યે ખૂબ સહાનુભૂતિ દાખવતા અને પ્રેમથી વાતો કરતા. પણ પછી ખબરપડી કે એ તો મધુરભાવની સાધિકા હતી. શ્રીઠાકુર પ્રત્યે એવો જ ભાવ દાખવતી હતી! શ્રીઠાકુરને તો સ્ત્રીમાત્ર જગદંબાનું સ્વરૂપ હતી. તેમને મન બધી સ્ત્રીઓ સમાન માતા સ્વરૂપ હતી. એક દિવસ આ પગલીએ પોતાના મનની વાત કરી કે તે શ્રીઠાકુરને પતિ રૂપે ચાહે છે. પોતાના ભાવની વિરુદ્ધ આવી વાત સાંભળીને શ્રીરામકૃષ્ણનું બાળક જેવું સરળ મન ખૂબ ઉશ્કેરાઈ ગયું. તેઓ પોતાના આસન પરથી ઊભા થઈ ગયા. ઉન્મત્તની જેમ આમતેમ આંટા મારવા લાગ્યા. આવા ઉશ્કેરાટમાં એમણે પહેરેલું વસ્ત્ર પણ કમ્મરથી ખસી ગયું. શ્રીમા નોબતખાનાની ઓરડામાં બેઠાં બેઠાં બધું સાંભળી રહ્યાં હતાં. એ સ્ત્રીના અપમાનથી, લજ્જાથી શ્રીમા ક્ષુભિત થઈ ગયાં. અને ગુલાબમાને બોલાવીને કહ્યું, ‘એણે જો વગર વિચાર્યે કંઈ કહ્યું પણ હોય, તો એને મારી પાસે મોકલી દેવી હતી ને? આવી રીતે બિચારીને ગાળો દેવાની શી જરૂર છે? બિચારીના મનમાં કેવું કેવું થતું હશે? જા ગુલાબ, જઈને એને મારી પાસે તેડી આવ.’ – આટલી ઉદારતા, ક્ષમા અને પતિતને પ્રેમ આપવાની વાત તો શ્રીમા જ કરી શકે. પોતાના પતિને ચાહનાર સ્ત્રીને પાસે બોલાવીને પ્રેમ આપવો એટલું જ નહિ, પણ એને સમજાવી, પોતાની પાસે વારંવાર બોલાવી તેના ભાવને સાચી દિશામાં વાળી દેવાનું કાર્ય કરનાર શ્રીમાનું હૃદય કેવું તો વિશાળ, વત્સલ અને સંવેદનશીલ હશે!

Total Views: 132

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.