રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘અમૃતેર સંધાને’માંથી શ્રીકુસુમબહેન પરમારે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામી પ્રેમાનંદ વિશે ઘણા લોકો કથામૃત, લીલાપ્રસંગ વગેરે ગ્રંથમાંથી વાંચે છે. મેં તેમને જે રીતે જોયા છે તેની બે’ક વાતો કરીશ. હું ઈ.સ. ૧૯૧૬માં પહેલીવાર બેલુરમઠ આવ્યો હતો ત્યારે તેઓ ત્યાં હતા. તેમને જોતાં થયું કે તેઓ જાણે બેલુરમઠના પ્રેમાળ વરિષ્ઠ દેવદૂત! મઠના પ્રત્યેક કામમાં તેઓ જોડાયેલા રહેતા.

સવારે જપ-ઘ્યાન કરીને બગીચામાં જઈને, ફરીને ઝીણવટપૂર્વક જોતા કે શ્રીઠાકુરના નૈવેદ્યમાં કઈ વસ્તુઓ ઉપયોગી છે અને એ બધી વસ્તુઓ ચૂંટી લાવતા. ત્યારબાદ શાકભાજી સમારવામાં આવતી. બધા મળીને એક સાથે શાકભાજી સમારતા અને તેઓ પોતે પણ કામમાં લાગી જતા. ત્યાર પછી નાહી-ધોઈને પૂજા કરવા મંદિરમાં જતા. પૂજા કરીને શ્રીઠાકુરને અન્નભોગ ધરાવતા. સાંજે બરાબર ચાર વાગે શ્રીઠાકુરને મંદિરમાં ઉઠાડતા અને સાંજનો પ્રસાદ ધરાવતા. પછી સંઘ્યાસમયે આરતી કરવા જતા.

બપોરે અને રાત્રે જમ્યા પછી અને સંઘ્યા પહેલાં પ્રેમાનંદજી પશ્ચિમ બાજુની એક બેંચ પર બેસતા અને શ્રીઠાકુરની વાતો વારંવાર કરતા. ક્યારેક સ્વામીજીના મંદિર સામેના બિલ્વવૃક્ષના ઓટલે બેસીને શ્રીઠાકુરની વાતો કરતા અને અમે બધા ઊભા ઊભા સાંભળતા. આખો દિવસ એટલી બધી વાતો કરતા કે રાત્રે તેમને ઊંઘ ન આવતી. તેઓ અને મહાપુરુષ મહારાજ એક સાથે એક ઓરડામાં રહેતા. મઠના મકાનમાં ઉપલા માળે પશ્ચિમના ઓરડામાં પૂર્વ તરફ બે દરવાજા વચ્ચે દીવાલની બાજુમાં મહાપુરુષ મહારાજ બાબુરામ મહારાજને કહેતા, ‘તમે ઊંઘશો કેવી રીતે? આખો દિવસ બધાને વઢ્યા કરો. વાયુ ઉપર ચઢી જાય છે. ઊંઘ કઈ રીતે આવે? થોડો ઓછો ઠપકો આપો.’ પરંતુ બાબુરામ મહારાજ આ આદેશ પાળી શકતા નહિ.

આખો દિવસ તેઓ ભક્તો માટે વ્યસ્ત રહેતા. ખાસ કરીને તેમને પ્રસાદ ખવડાવવાના કામમાં રહેતા. ભક્તોની સેવા માટે હંમેશાં તત્પર રહેતા. એક દિવસ બપોરે તેમણે ગંગા કિનારે આવીને જોયું કે કેટલાક ભક્તો હોડીમાંથી ઘાટ પર ઉતર્યા છે. એ બધાનું તેમણે સ્વાગત કર્યું અને કહ્યું, ‘પહેલાં સ્નાન કરી લ્યો પછી પ્રસાદ મળશે.’ આમ કહીને તેઓ રસોડામાં ગયા અને ચૂલો પેટાવીને રસોઈ કરવા લાગ્યા. આ જોઈને અમે લોકોએ તેમના હાથમાંથી બધું લઈને રસોઈ કરવા લાગ્યા અને ભક્તોને ભોજન કરાવ્યું. આ પ્રકારે ભક્તસેવા કાયમ ચાલતી. એક વખત બે સજ્જન લગભગ બેક વાગે આવ્યા. બાબુરામ મહારાજની પાસે તેઓ ગયા. મહારાજે પૂછ્યું, ‘તમે લોકોએ ભોજન કર્યું કે?’ તે બંનેએ જવાબ આપ્યો, ‘ના’ મહારાજે કહ્યું, ‘ભલે, તો ચાલો હવે પ્રસાદ લો.’

પછી રસોડામાં જઈને જોયું તો બધાનું જમવાનું તો પૂરું થઈ ગયું હતું. કશું જ ન હતું. હાંડીમાં થોડા ભાત, થોડી દાળ અને શાક હતું. જે કંઈ હાથમાં આવ્યું તે બધું પીરસીને તેમને જમાડ્યા અને કહ્યું, ‘જુઓ, આ થોડોક પ્રસાદ લો.’ તેઓ આટલું ખાઈને પણ ખૂબ તૃપ્ત થયા. ત્યારબાદ કેટલાક વર્ષો પછી તે બંને જણ ફરી આવ્યા. તેઓ બાબુરામ મહારાજના ખબર પૂછવા લાગ્યા. પરંતુ ત્યારે બાબુરામ મહારાજનું શરીર રહ્યું ન હતું. તેમણે કહ્યું, ‘અમે કેટલાંક વરસો પહેલાં ખૂબ મોડા આવ્યા હતા. ત્યારે અમને તેમણે થોડા દાળભાત શાક ખવડાવ્યા હતા, પરંતુ એવી પરમ તૃપ્તિથી અમે જીવનમાં ક્યારેય ખાધું નથી.’ ભોજનનું પ્રમાણ થોડું હતું તો પણ તેમને તૃપ્તિ થઈ હતી. તેનું અસલ કારણ બાબુરામ મહારાજનો પ્રેમ હતો, આદર-સત્કારની સદ્‌ભાવના હતી. અલબત્ત તે બંને એ બાબત સમજી શક્યા હતા કે કેમ તેમાં શંકાને સ્થાન છે. આ જાતની ઘણી ઘટનાઓ તેમના જીવનમાં જોવા મળી હતી.

તેમનું જીવન ખૂબ-સીધું-સાદું હતું. એમના રોજિંદા ઉપયોગી વસ્તુઓમાં બે ધોતિયાં, બે કૂર્તા, એક ઉપરણો, એક જોડી ચંપલ હતાં. કોઈ એક ભક્તે તેમને બે-ચાર કૂર્તા તૈયાર કરાવી આપ્યા. તે તેમણે રાખી મૂક્યા. તે રાત્રે તેમને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં શ્રીઠાકુરે એક પહેરણ બતાવીને કહ્યું, ‘તેં મારું વસ્ત્ર આવું રાખ્યું છે. (ઊધઈ ખાધેલું) અને તારા પોતાનાં માટે સારાં વસ્ત્રો છે.’ સવાર પડતા જ બાબુરામ મહારાજ ઊઠીને સીધા શ્રીઠાકુરના મંદિરમાં ગયા અને શ્રીઠાકુરના કપડાં જોવા લાગ્યા. ત્યારે એક કોટ ઊધઈથી એકદમ જર્જરિત થઈ ગયો હતો.

એક વખત પૂર્વબંગાળ જતાં પહેલાં તૈયાર થઈને બાબુરામ મહારાજ શ્રીઠાકુરને પ્રણામ કરવા ઉપર મંદિરમાં ગયા. પૂર્વબંગાળથી બધા ભક્તો તેમને તેડવા આવ્યા છે. યાત્રાની બધી જ તૈયારી થઈ ગઈ છે. એટલે સુધી કે ઘાટ પર હોડી પણ તૈયાર છે. હોડી કલકત્તા લઈ જશે. પરંતુ ઠાકુરમંદિરમાંથી નીચે ઊતરીને તેઓ બોલ્યા, ‘ના, હવે જવાશે નહિ.’ જે ભક્ત તે વખતે બાબુરામ મહારાજ સાથે મંદિરમાં ગયા હતા, તેમણે જોયું કે મહારાજ શ્રીઠાકુર સાથે વાતો કરતા હતા અને અંતે કહ્યું, ‘તો હું ન જાઉં?’ તે ભક્તે તો માત્ર બાબુરામ મહારાજની વાત સાંભળી હતી. શ્રીઠાકુરે શું કહ્યું હતું તે કંઈ સાંભળી ન શક્યા હતા. બાબુરામ મહારાજ જ્યારે નીચે ઊતરીને બોલ્યા કે ના હવે જવાશે નહિ ત્યારે અનુમાન કરી શક્યા કે શ્રીઠાકુરે જવાની ના કહી હતી. બધા નવાઈ પામી ગયા. સફરની બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે અને તો પણ તેઓ જવાની ના પાડે છે. આ રીતે તે દિવસે જવાનું બંધ રહ્યું. પછી સાંભળવા મળ્યું કે જે સ્ટીમરમાં તેમને ગોયાલન્દ થી ઢાકા જવાનું હતું તે સ્ટીમર વાવાઝોડાને કારણે ડૂબી ગઈ. તેથી ખાતરી થઈ કે તેમની રક્ષા કરવા માટે જ શ્રીઠાકુરે તેમને જવાની મનાઈ કરી.

તેઓ શરૂઆતમાં સ્વામીજીના ભક્ત હતા. પરંતુ સ્વામીજીએ આરંભેલા કર્મયોગમાં તેમને એટલો રસ ન હતો. તેઓ શ્રીઠાકુરપૂજામાં જ મગ્ન રહેતા. ઈ.સ. ૧૯૧૨-૧૩માં જ્યારે તેઓ કાશી ગયા હતા ત્યારે સ્વામીજીનાં પુસ્તકો વાંચીને ખૂબ પ્રેરણા પામ્યા હતા. ત્યારબાદ સ્વામીજીના કર્મયોગના ચાહક બન્યા અને મઠમાં પાછા ફરીને સ્વામીજીના ઉપદેશનો પ્રચાર કરવા કટિબદ્ધ બન્યા. તે વખતે ઘણા યુવકો જે યુનિવર્સિટી કે કોલેજમાં ભણતા તેઓ તેમનાં સંસ્પર્શથી સાધુ થઈ જતા. બાબુરામ મહારાજ બધાને કામકાજ માટે પ્રોત્સાહન આપતા. કોઈ કુદરતી આફત જેવી કે દુષ્કાળ, રોગચાળો, ભૂકંપ વગેરે આવે ત્યારે તેમને રાહતસેવાકાર્ય માટે પ્રોત્સાહિત કરતા અને કહેતા, ‘જાઓ, ત્યાં પહોંચીને રાહતકામ કરો.’

ઈ.સ. ૧૯૧૪માં તેઓ માલદા ગયા હતા. ત્યાં મઠમાં ઉત્સવ હતો ત્યારે તેમણે એક વ્યાખ્યાનમાં કહ્યું હતું: જીવની શિવજ્ઞાને સેવા કરવી એ જ આજનો યુગધર્મ છે. આપણે મંદિરમાં મૂર્તિની પૂજા કરીએ અને એનાથી આપણી આઘ્યાત્મિક ઉન્નતિ થાય તો પછી મનુષ્યમાં પ્રકાશી રહેલા પરમાત્માની પૂજા કરીએ તો ઉન્નતિ શા માટે ન થાય? જીવની શિવભાવે પૂજા કરવાથી વધુ ને વધુ આઘ્યાત્મિક પ્રગતિ થશે. વાસ્તવમાં સ્વામીજી પણ એમ ઇચ્છતા હતા. આ યુગમાં આ પ્રકારના સેવામંત્રની તાતી જરૂરીયાત છે, કારણ કે ભારતવર્ષનું બધી બાજુથી જે પતન થયું છે તેમાંથી હજુય દેશવાસીઓ બહાર આવી શક્યા નથી. મનોયોગ દ્વારા વિચારીએ તો સમજી શકાશે કે આપણે ક્યાં છીએ? સ્વામીજી જ્યારે અમેરિકાથી આવ્યા હતા ત્યારે દક્ષિણના કેટલાક લોકોએ તેમને કહ્યું હતું, ‘સ્વામીજી આપ રાજકારણમાં પડો અને દેશને સ્વતંત્ર કરો. ત્યાર પછી બધું થઈ રહેશે.’ ત્યારે સ્વામીજીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું, ‘દેશને સ્વતંત્ર કરવો તો સહેલો છે પરંતુ દેશને સ્વતંત્ર કરીએ તો, શું તમે બધા સ્વાધીનતા સંભાળી શકશો? તમારી પાસે માણસો ક્યાં છે? પહેલાં માણસ બનાવો. માણસ તૈયાર કરશો તો તમને સ્વતંત્રતા મળશે અને સ્વાધીનતા સાચવી પણ શકશો. પરંતુ મનુષ્ય તૈયાર ન થાય ત્યાં સુધી કશું જ વળશે નહિ.’ સ્વામીજી આપણા દેશની આવી દશાની વાત કરે છે. તે લગભગ એંશી વર્ષ પહેલાંની હશે. આજે પણ હજુય એવી દશા જ છે. દેશમાં માણસ જ નથી તેથી તો દેશમાં ગોટાળા, અરાજકતા વગેરે જોવા મળે છે. અત્યારે આપણે બધા ખરેખર એક સંકટ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. આ પછી આપણું શું થશે એ કહેવું મુશ્કેલ છે. શા માટે? કારણ કે આપણા દેશમાં માણસ નથી. આપણાં શાળા, કોલેજ, વિશ્વવિદ્યાલયમાં માણસ તૈયાર કરવાની કોઈ વ્યવસ્થા નથી. આજે વિદ્યાર્થીઓ રાજનીતિમાં જોડાયા છે. તેમનું શિક્ષણ જ બગડી જાય છે. આવી સ્થિતિમાં માણસનું ઘડતર થશે કઈ રીતે? માણસનું ઘડતર ધર્મ દ્વારા થશે. તેથી સ્વામીજી કહેતા, ‘પહેલાં ધરતી પર આઘ્યાત્મિક વિચારો પ્રસરાવી દો, દેશને ધર્મભાવનાથી નવપલ્લવિત કરી દો.’ તેઓ કહેતા, ‘આત્માનો અવાજ સાંભળો અને ભગવાનની આજ્ઞા પણ સાંભળો, તેનાથી જ અનુપ્રેરણા મળશે. તેના ફળ સ્વરૂપે દેશવાસીઓ જીવનમાં ધર્મનું આચરણ કરશે, ત્યારે સાચા માનવ બનશે. અને ભારતવર્ષની યોગ્ય ઉન્નતિ થશે. કેવળ પાર્લામેન્ટ એક્ટ પસાર કરવાથી માણસ બનાવી શકાય નહિ. માણસ તો ધર્મ દ્વારા બનાવી શકાય.’ આ વ્યાખ્યાનમાં બાબુરામ મહારાજે સ્વામીજીએ પ્રબોધેલા ‘દરિદ્રનારાયણ-સેવા’ના માર્ગનો જ સંદેશો આપ્યો હતો. દેશને જો હજુ વધુ મહાન કરવો હશે તો બધી બાજુથી ઉન્નત કરવો પડશે. આપણા દેશમાં મોટે ભાગે ગરીબ લોકો માંડ માંડ એક ટંકનું ભોજન મેળવી શકે છે. તેમને સારી રીતે ખાવા-પીવા મળે તેવી વ્યવસ્થા કરવી પડશે. તેમાંના મોટાભાગના લોકો અભણ છે: તેઓને શિક્ષણ આપવું પડશે. આજે આપણે દુનિયામાં ચોમેર વિક્ષોભ-અશાંતિ નિહાળીએ છીએ. એનું કારણ ધર્મનો અભાવ છે. તેથી જો આપણે ધર્મપ્રચાર ન કરીએ અને ધર્મ અંગેનું શિક્ષણ ન આપીએ તો દેશનું હજુય અધ:પતન થશે. ખાસ કરીને સાધુઓને લક્ષમાં રાખીને તેઓ કહેતા, ‘તમે સ્વામીજીના આદેશ પ્રમાણેનું આ કામ કરજો તેથી તમારા કાર્યની દેખાદેખી કરીને ભક્તો પણ આ કામ શરૂ કરશે.’ પરંતુ સ્વામીજી જાણતા હતા કે આ કામ કરવા જતાં આપણે અમેરિકા અને યુરોપના લોકોની માફક કેવળ સમાજસેવાના આદર્શ તરફ વળશું તો મુખ્ય ઉદ્દેશ્ય અર્થાત્‌ ઈશ્વરલાભ ભૂલી જઈશું. તે માટે તેઓ કહેતા કે જો આપણે ‘શિવજ્ઞાને જીવસેવા’ની ભાવનાથી કામ કરીશું તો ભારતવર્ષને ફરી ઉન્નત કરી શકીશું.

એક દિવસ શ્રીઠાકુર વૈષ્ણવધર્મ વિશે વાતો કરતા હતા. વૈષ્ણવશાસ્ત્ર પ્રમાણે પ્રત્યેક વૈષ્ણવે ત્રણ આજ્ઞાનું નિરંતર પાલન કરવા પ્રયત્ન કરવો જોઈએ – આટલો જ ઉપદેશ છે: હરિનામમાં રુચિ, જીવ પ્રતિ દયા અને વૈષ્ણવની સેવા. ‘સર્વ જીવ પ્રત્યે દયા’ આવી વ્યાખ્યા સાંભળીને શ્રીઠાકુર સમાધિસ્થ થઈ ગયા. થોડીવાર પછી અર્ધબાહ્ય ભાનમાં બોલ્યા, ‘જીવે દયા – જીવ પ્રત્યે દયા? જા, સાલા, કીડાનો ય કીડો એવો તું જીવ પ્રતિ દયા દાખવશે? દયા કરનાર તું કોણ? ના, ના. જીવ પ્રત્યે દયા ન હોય. શિવજ્ઞાને જીવસેવા હોય.’ શ્રીઠાકુરની આ વાત સાંભળીને સ્વામીજીએ એ દિવસે કહ્યું હતું, શ્રીઠાકુરની વાણીમાં આજે કેવો અદ્‌ભુત પ્રકાશ જોવા મળ્યો… ભગવાન જો ક્યારેક અવસર આપશે તો આજે જે સાંભળ્યું તે અદ્‌ભુત સત્યનો સંસારમાં સર્વત્ર પ્રચાર કરીશ – પંડિત-મૂર્ખ, તવંગર-ગરીબ, બ્રાહ્મણ-ચંડાળ બધાને સંભળાવીને મંત્રમુગ્ધ કરીશ.’ ત્યાં દક્ષિણેશ્વરના ઓરડામાં ઉપસ્થિત ભક્તો અને સ્વામીજીના ગુરુભાઈઓ સુઘ્ધાં આ ઉપદેશનો મર્મ સમજી શક્યા નહિ પરંતુ સ્વામીજી સમજી શક્યા હતા. ત્યાર બાદ સ્વામીજીએ ‘આત્મનો મોક્ષાર્થં જગત હિતાય ચ’નો આદર્શ રામકૃષ્ણ મઠ-મિશનને આપ્યો. સેવાનું કામ કઈ રીતે કરશો? – જીવની શિવજ્ઞાને સેવા કરો. તેનાથી આપણે આપણા જીવનનો જે ઈશ્વરદર્શનનો ઉદ્દેશ્ય છે તે ભૂલી જશું નહિ. કાર્ય કરતાં કરતાં પણ આપણે ઈશ્વરને પામશું. જે ભગવાનનું મંદિરમાં, ગુફા કે પર્વતમાં બેસીને ઘ્યાન કરીએ છીએ તે જ ભગવાનને આ માનવમાં વિરાજમાન વિરાટને નિહાળીને તેની સેવા કરીશું. શ્રીઠાકુર કહેતા, ‘જે રામ દશરથના બેટા, તે જ રામ ઘટઘટમાં રહેલા છે.’

‘ઘટઘટમાં’ એટલે પ્રત્યેક જીવમાં રામ છે. આ દૃષ્ટિથી જો આપણે સેવા કરીશું તો આપણે ભગવાનને ભૂલશું નહિ. આપણો ઉદ્દેશ્ય ભૂલાઈ જશે નહિ, આપણું કામ ઉપાસના થઈ જશે. અગાઉ જે ઈશ્વરદર્શન કરવા ઇચ્છતા હતા, તેઓ કામમાંથી નિવૃત્ત થતા. સંન્યાસીઓ કોઈ કામ કરતા નહિ. તેઓ ઈશ્વરદર્શન કરવા માટે માત્ર ઘ્યાન-ભજન કરીને રહેતા, શાસ્ત્રપાઠ કરતા અને જોરશોરથી શાસ્ત્રનો ઉપદેશ લોકોને સંભળાવતા. એ સિવાય અન્ય કોઈ સામાજિક કામમાં પોતાને જોડતા નહિ, કારણ કે ભગવત્પ્રાપ્તિ માટે મનને સ્થિર કરવું પડે – કોઈ પણ રીતે વિજાતીય ચિત્તવૃત્તિ રહેવી ન જોઈએ. કેમ થવું જોઈએ? તૈલધારાવત્‌, એક વાસણમાંથી બીજા વાસણમાં એકધારથી તેલ ઢાળીએ તેમ. ભગવાનનું સ્મરણ એ જ રીતે અસ્ખલિત ભાવે – એકધારું થવું જોઈએ. અથવા તો જ્યાં હવા ન હોય ત્યાં દીવાની જ્યોત સ્થિર રહીને જલે, બરાબર તે જ રીતે મન ભગવાનમાં એકદમ સ્થિર રહે, ત્યારે ઈશ્વરદર્શન થાય. આ રીતે જો ઈશ્વર સાથે મનનો સતત યોગ થાય તો કર્મ કરવાની જરૂર નથી, કારણ કે કર્મ આપણને બહિર્મુખી બનાવે અને બહિર્મુખી થવાથી ઘ્યાન તૂટી જાય તેથી કર્મ કરવું યોગ્ય ન કહેવાય. તેથી તેઓ કર્મનો ત્યાગ કરવા કહેતા. પરંતુ સ્વામીજીએ આવીને કહ્યું, ‘ના, ના. આ કેવી વાત! કર્મત્યાગ શા માટે કરવો જોઈએ? કર્મ કરો પરંતુ એવી દૃષ્ટિથી કરો કે ઈશ્વર પ્રત્યેક વ્યક્તિમાં છે, તમે તે જ શિવને નિહાળીને સેવા કરો. તો પછી તમે ભગવાનને ભૂલશો નહિ.’ જે ભગવાનનું ચિંતન તમે ઘ્યાનમાં કરો છો તે જ ભગવાનને તમે સેવામાં પામશો. તમે શિવજ્ઞાને જીવસેવા કરો છો તેથી ભગવાનનું જ ચિંતન તમે આખો વખત કરો છો. પરિણામે તમારું કર્મ ઉપાસના બની રહેશે. તમારો આદર્શ બરાબર રહેશે. તમારું ઘ્યાન પણ બરાબર થશે અને જગતનું કલ્યાણ પણ થશે.

આ દૃષ્ટિથી સેવા કરવાથી કોઈજાતની તકલીફ થશે નહિ. ધર્મજીવનમાં પણ કોઈ વિક્ષેપ થશે નહિ. સેવાધર્મ જાણે બે ધારી છરી. બેય બાજુ સજાવેલી, બંને બાજુથી કાર્ય થાય. એક બાજુથી પોતાનાં કર્મો કપાય અને બીજી બાજુથી લોકકલ્યાણ પણ થાય. આ રીતે કર્મરત રહીએ તો વ્યક્તિગત ઉન્નતિની સાથોસાથ દેશની ઉન્નતિ-સમાજની ઉન્નતિ થશે. અભણ છે તેમને આપણે શિક્ષણ આપી શકીએ, જેમને પૂરતું ભોજન મળતું નથી તેઓને સારી રીતે ખવડાવવા-પીવડાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. જેઓ રોગી છે, તેઓની ચિકિત્સા અને સારવારની વ્યવસ્થા કરી શકીએ. જેઓ ધર્મની બાબતમાં અજ્ઞાની છે તેમને આઘ્યાત્મિક જ્ઞાન આપી શકીએ.

મુખ્ય ઉદ્દેશ્ય તો ઈશ્વરપ્રાપ્તિનો રહેશે. કઈ રીતે? મૂર્તિપૂજાને બદલે મનુષ્યની અંદર જે દેવતા બિરાજમાન છે તેમની પૂજા કરવાની છે. મંદિરમાં ફૂલ-ચંદન અને જાતજાતના પકવાન બનાવીને અન્નકૂટ ભરીને પૂજા કરવામાં આવે છે. મૂર્તિની અંદર ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થયેલી જ છે. કેવળ દૃષ્ટિ બદલી નાખીને સેવા કરવી પડશે. આ પૂજામાં તમારે ફૂલ-ચંદનની જરૂર નહિ પડે. આ પૂજાની સામગ્રીમાં-જેઓને ખાવા-પીવા મળતું નથી, તેમના ભરપેટ ભોજનની વ્યવસ્થા કરો, રોગી છે તેમને ઔષધપથ્ય આપવાની વ્યવસ્થા કરો; અજ્ઞાની છે તેમને આઘ્યાત્મિક ઉપદેશ આપવો – આ જ પૂજાની પદ્ધતિ થઈ. આપણો ઉદ્દેશ્ય સામાજિક સેવા નથી, ઉદ્દેશ્ય છે ઈશ્વરપ્રાપ્તિ. ઈશ્વરદર્શન કરવાની આ નવીન સાધના સ્વામીજીએ આપણને કહી છે.

આ નવીન સાધના માત્ર ભારતવર્ષ માટે જ નથી. સમગ્ર જગત માટે આવશ્યક છે. તેથી સ્વામીજીએ કહ્યું હતું, ‘મેં આ એક નૂતન આદર્શ આપ્યો છે.’ આ ઉપદેશ બાબુરામ મહારાજે માલદામાં વ્યાખ્યાનમાં આપ્યો, ‘શિવજ્ઞાને જીવસેવા, સ્વામીજીનો આ સંદેશ આજનો યુગધર્મ છે.’ પરંતુ એક શ્રોતા બોલી ઊઠ્યો, ‘અમે તો પ્રેમભક્તિની કેટલીક વાતો સાંભળવા આવ્યા હતા.’ બાબુરામ મહારાજે એને લક્ષમાં ન લેતાં પોતાનું વ્યાખ્યાન ચાલુ રાખ્યું. પરંતુ જ્યારે તે માણસે આ જ વાત ત્રણવાર પૂછી ત્યારે વક્તાનો ચહેરો ગંભીર બની ગયો. એમણે સિંહ સમાન ગર્જના કરીને પૂછ્યું, ‘કોણ સાંભળશે? અને કોને કહું પ્રેમભક્તિની વાતો? અહીં પ્રેમભક્તિની વાતો સાંભળવાના અધિકારી છે કોણ?’ એ પછી મહારાજે આ સંદર્ભમાં એક વાર્તા કહી, ‘એક વખત એક જગ્યાએ એક ફેરિયો શેરીમાં ફરતાં ફરતાં પ્રેમ વેચી રહ્યો હતો; ‘પ્રેમ લ્યો રે કોઈ પ્રેમ લ્યો.’ પ્રેમ વેચાય છે એ સાંભળીને લોકો ઘરમાંથી બહાર આવ્યા અને પૂછવા લાગ્યા, ‘બોલો, બોલો પ્રેમની શી કિંમત છે?’ ફેરિયાએ જવાબ આપ્યો, ‘પ્રેમ ખરીદનારે પોતાનું માથું આપવું પડશે. માથા સામે પ્રેમ લ્યો. વારુ, કોણ તૈયાર છે?’ આ વાત સાંભળીને બધા જ આસ્તે આસ્તે ખસી ગયા. ફેરિયાને એક પણ ગ્રાહક મળ્યો નહિ. વાર્તા પૂરી કરીને બાબુરામ મહારાજે ઊંડા ગંભીર સ્વરે પૂછ્યું: ‘તમારા બધામાંથી કોઈ માથું આપી શકશો? માથું આપવું એટલે પૂરેપૂરો અહંકાર છોડવો. તમારું દેહાભિમાન રહેશે નહિ. ‘હું’ અને ‘મારું’નું જ્ઞાન રહેશે નહિ. ત્યારે તમે પ્રેમભક્તિની વાતો સાંભળવાના અધિકારી બનશો, નહિ તો રાધાકૃષ્ણની લીલા, ગોપીઓની લીલા સાંભળવાનો તમારો અધિકાર નથી. તેથી જ આ યુગમાં સ્વામી વિવેકાનંદે ‘શિવજ્ઞાન દ્વારા જીવસેવા’ નો ઉપદેશ આપ્યો છે, તે જ ધર્મ છે.’ સભા નિ:સ્તબ્ધ બની ગઈ.

આમ બાબુરામ મહારાજે યથાર્થ કહ્યું હતું કે તે સભામાં કોઈ પ્રેમભક્તિની વાત સાંભળવાના અધિકારી નહોતો. સ્વામીજીનો યુગધર્મનો ઉપદેશ અને પ્રેમભક્તિની વાર્તા – આ બે પ્રસંગ બાબુરામ મહારાજે કહ્યા હતા. ખરેખર આપણે કોઈ નિ:સ્વાર્થ પ્રેમભક્તિની કલ્પના કરી શકીએ તેમ નથી ત્યાં સુધી રાધાની જે પ્રેમભક્તિ વિશે આપણે યથાર્થપણે વિચારી પણ ન શકીએ. તેથી બાબુરામ મહારાજે કહ્યું હતું કે જ્યાં સુધી આપણને દેહ બોધ છે ત્યાં સુધી રાધાની પ્રેમલીલા સાંભળવાની કે સમજવાની આપણી ક્ષમતા નથી.

શ્રીરામકૃષ્ણ પોતાનાં યુવાન પત્ની શ્રી શારદાદેવીનું જગન્માતા રૂપે પૂજન કરે છે

સને ૧૮૭૩ના મે માસની અમાસની રાત હતી, પોતાના ભક્તોનાં સંચિત કર્મો કે દુ:ખો હરનારી ફલહારિણી કાલીની પૂજાની એ પાવક રાત્રિ હતી. એ દિવસે, શ્રીરામકૃષ્ણે મંદિરમાં નહિ પણ પોતાના ઓરડામાં મા કાલીના પૂજનની વિશિષ્ટ તૈયારી કરી હતી. રાતના ૯ વાગ્યે બધી તૈયારી થઈ ગઈ હતી ત્યારે શ્રીરામકૃષ્ણે પોતાનાં પત્ની શ્રીશારદાદેવીને પૂજા સમયે હાજર રહેવા બોલાવ્યાં. એ ત્યાં આવ્યાં અને શ્રીરામકૃષ્ણે પૂજાનો આરંભ કર્યો.

શ્રીશારદાદેવી ઓગણીસમા વર્ષમાં પ્રવેશ્યાં હતાં. અને લગ્ન પછી, પતિની સાથે રહેવા માટે પ્રથમવાર આવ્યાં હતાં. મા કાલીની પ્રતિમા માટે રાખેલા સુશોભિત બાજોઠ પર બેસવા શ્રીરામકૃષ્ણે શ્રીશારદાદેવીને કહ્યું. શ્રીશારદાદેવીએ તેમ કર્યું અને પૂજાવિધિ નિહાળતાં એ અર્ધભાનાવસ્થામાં સરી પડ્યાં. એટલે, પોતે પૂર્ણ ભાનમાં ન હોવાથી, મંત્રમુગ્ધ બનીને શ્રીશારદાદેવી ઉત્તરાભિમુખે બેઠાં હતાં અને શ્રીરામકૃષ્ણ પૂર્વાભિમુખે બેઠા હતા. પૂજાવિધિ અનુસાર પોતાની પાસેના કુંભમાંથી મંત્રપૂત પાણી લઈ શ્રીરામકૃષ્ણે શ્રીશારદાદેવી ઉપર પ્રોક્ષણ કર્યું. પછી શ્રીશારદાદેવીના કાનમાં મંત્રોચ્ચાર કર્યો. પછી પ્રાર્થના કરી: ‘હે ચિરકુમારી, હે માતા ત્રિપુરસુંદરી, સર્વશક્તિનું નિયંત્રણ કરનાર દેવી, આ (શ્રીશારદાદેવીના) શરીર અને મનને તું વિશુદ્ધ કર અને એનામાં પ્રગટ થઈ કલ્યાણ કર.’

પછી શ્રીશારદાદેવીમાં શ્રીમા કાલીનું આવાહન કરી, મંત્રો સાથે, વિધિ અનુસાર શ્રીરામકૃષ્ણે ષોડશોપચારે પૂજા કરી. પછી એમણે નૈવેદ્ય ધરાવ્યું અને શ્રીશારદાદેવીના મુખમાં એમણે જાતે તેમાંથી થોડું મૂક્યું. બાહ્ય ભાન ભૂલી શ્રીશારદાદેવી સમાધિમાં સરી પડ્યાં. શ્રીરામકૃષ્ણ પણ પૂર્ણ સમાધિમાં લીન થઈ ગયા. ઘણો સમય વીતી ગયો. રાત્રિનો બીજો પ્રહર પૂરી થઈ ત્રીજો બેસી ચૂક્યો હતો. ત્યારે, શ્રીરામકૃષ્ણ થોડા-થોડા ભાનમાં આવવા લાગ્યા. ફરી અર્ધભાનાવસ્થામાં સરી, એમણે પોતાની જાતને શ્રીશારદાદેવીને સમર્પિત કરી દીધી. પછી એ દેવીને ચરણે એમણે સદાને માટે પોતાની જીવનભરની સાધનાનું ફળ, પોતાની જપમાળા ઈત્યાદિ અર્પણ કરી દીધું. પછી પ્રણામ કરતાં કરતાં એમણે મંત્રોચ્ચાર કર્યો :

સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે ।
શરણ્યે ત્ર્યંબકે ગૌરિ નારાયણિ નમોઽસ્તુતે ॥

પૂજા પૂરી થઈ. શ્રીશારદાદેવીમાં જગજ્જનનીના પૂજન સાથે શ્રીરામકૃષ્ણની સાધના પૂર્ણતાએ પહોંચી. પોતાનાં પત્ની સહિત, કોઈ પણ સ્ત્રીને વાસનાની ઇચ્છાથી એમણે કદી સ્પર્શ કર્યો ન હતો. પરંતુ બધી સાધનાને અંતે આ અંતિમ દેવીપૂજા આવી હતી; એમાં એમણે પોતાનાં પત્નીનાં રૂપે જ એ પૂજન કર્યું હતું, પછીથી શ્રીશારદાદેવી સ્વયં મૂર્તિમંત આઘ્યાત્મિક જ્ઞાન રૂપ બન્યાં હતાં. સામાન્ય ગ્રામનારીમાં એમણે દિવ્ય જગજ્જનનીની શક્તિ અને પ્રભાનું આરોપણ કર્યું. આ પૂજા પછી શ્રીશારદાદેવીમાં એમને સદા જગજ્જનનીનાં દર્શન થતાં અને એમને એ દેવીતુલ્ય આદર આપતા. શ્રીરામકૃષ્ણના ભક્તોને તેમનામાં જગન્માતાનાં દર્શન થતાં.

શ્રીરામચંદ્રે પોતાનાં પત્ની સીતાનો ત્યાગ કર્યો હતો ને બુદ્ધે પત્ની યશોધરાનો. ઈશ્વરની ખોજમાં નીકળેલા ચૈતન્યે પણ પત્ની વિષ્ણુપ્રિયાને ત્યજી હતી. શ્રીરામકૃષ્ણે પોતાનાં પત્નીનો આઘ્યાત્મિક સહધર્મચારિણી અને શ્રીમા કાલીના રૂપે સ્વીકાર કર્યો ને પોતાના નિર્વાણ પૂર્વે સમગ્ર માનવજાતને આઘ્યાત્મિકતાના રંગે રંગવા પોતાના અવતારકૃત્યની જવાબદારી તેમને સોંપી હતી. આટલી ઊર્ઘ્વકક્ષાએ નારીની પ્રતિષ્ઠા થયાનું બીજું કોઈ પૂર્વદૃષ્ટાંત ઇતિહાસે જોયું નથી.

પથ્થરની પ્રતિમામાં નહિ પરંતુ, લોહીમાંસવાળી જીવંત નારીમાં જગજ્જનનીનું પ્રતિષ્ઠાપન શ્રીરામકૃષ્ણનું ઐતિહાસિક કૃત્ય હતું. સ્ત્રીની આઘ્યાત્મિક શ્રેષ્ઠતાના યુગનું એ મંડાણ હતું. આજે, આશરે દોઢસો વર્ષ વીત્યા પછીયે, નારી શરીરમાં ઊર્ઘ્વતમ આઘ્યાત્મિક ચેતનાની જાગ્રતિનાં વિચાર-આંદોલનો અનુભવાય છે.  

નારીમુક્તિની આ આગેવાન મહિલાઓ લખે છે : ‘પૂર્વના દેશની દેવીઓ તત્ત્વત: માતાઓ છે, પત્નીઓ નહિ.’ આજના આઘ્યાત્મિક સંસ્કૃતિના વિકાસના કાળમાં દેવીપ્રતીકની અગત્ય ઉપર વધારે ભાર દેવાની જરૂર નથી.

— સ્વામી જિતાત્માનંદ

Total Views: 26
By Published On: September 18, 2022Categories: Vireshwarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram