વૈધીભક્તિ પછી રાગભક્તિની વાત કહે છે: ‘એ અનુરાગથી થાય છે, ઈશ્વરને ચાહવાથી થાય છે, જેમકે પ્રહ્‌લાદની ભક્તિ. આ ભક્તિ જ્યારે આવે છે ત્યારે વૈધિક કર્મની આવશ્યકતા રહેતી નથી.’ રામપ્રસાદના ગીતમાં આવે છે: ‘કાજ કી આમાર કોશા કુશી દે તોર હાસિર લોકાચાર’ – જેનું મન ભગવાન પ્રત્યે આસક્ત થઈ જાય છે એને માટે પછી લોકાચાર એટલે કે વૈધીભક્તિની આવશ્યકતા રહેતી નથી. વૈધીભક્તિમાં ભગવાન પ્રત્યે સંકોચ અને ભયનું વ્યવધાન રહે છે. પરંતુ અનુરાગ આવવાથી ભગવાન ભક્તનો પોતાનો બની જાય છે. ભક્તિ શાસ્ત્રમાં આ રાગાત્મિકા ભક્તિનું વર્ણન છે. ભાગવતમાં વર્ણવેલ ગોપીપ્રેમમાં એની પરાકાષ્ઠા જોવા મળે છે.

શ્રીકૃષ્ણના વિરહમાં ગોપીઓ ઝૂરે છે. એમને શાંત્વના દેવા માટે ભગવાને ઉદ્ધવને મોકલ્યા. તેમણે આવીને ગોપીઓને કહ્યું: ભગવાન અંતર્યામી છે, તેઓ તમારા અંત:કરણમાં છે, તેનું ધ્યાન કરીને એમને જોઈ શકશો. એના પ્રત્યુત્તરમાં ગોપીઓએ કહ્યું: જે મનમાં એમનું ધ્યાન ધરવાનું છે, તે મન જ અમે પ્રભુને દઈ દીધું છે. હવે ધ્યાન કયા મનથી ધરવું? ઉદ્ધવ જ્ઞાની છે એટલે ભક્તોની રસોન્માદ અવસ્થાથી તેઓ પરિચિત નથી. એમને આ બોધ આપવા માટે ભગવાને ગોપીઓ પાસે મોકલ્યા હતા. બરાબર આવી જ રીતે સંકેત કરતા શ્રીઠાકુર ઈશાનને કહે છે : વૈધીભક્તિ સારી છે, એ વાત સાચી. પરંતુ, એનાથી પણ મહત્તર એક વસ્તુ છે, આ વૈધીભક્તિ શાસ્ત્રનિર્દિષ્ટ છે, પરંતુ આંતરિક આકર્ષણની ભક્તિ એ નથી. જ્યારે ભગવાન પ્રત્યે અત્યધિક પોતાપણાનો બોધ થાય ત્યારે એમની પાસે પહોંચવા માટે કોઈ વિધિબંધન, નિયમશ્રૃંખલાનો સહારો લેવો પડતો નથી.

મીરાની સપ્રેમ સેવા

આ વિશે સુંદર વાર્તા છે. વૃંદાવનના એક મંદિરમાં મીરાબાઈ નૈવેદ્ય માટે રસોઈ રાંધતાં હતાં. મધૂર સ્વરે ભજન ગાતાં ગાતાં તેઓ રસોઈ બનાવતાં હતાં. એક દિવસ મંદિરના મુખ્ય પુરોહિતે જોયું કે મીરા પોતાનાં વસ્ત્રો બદલ્યા વિના, સ્નાન કર્યા વિના જ, રસોઈ બનાવી રહ્યાં છે. આ રીતે અશુચિ અવસ્થામાં ભોગની રસોઈ બનાવવા માટે પુરોહિતે મીરાની નિંદા કરી. એમણે મીરાને એ પણ બતાવી દીધું કે ભગવાન આ અન્ન સ્વીકારશે નહિ. બીજે દિવસે મીરાએ સ્નાન કરીને, પવિત્ર બનીને ખૂબ સતર્કતા સાથે નૈવેદ્ય તૈયાર કર્યું. શાસ્ત્રીય નિયમનું પાલન કરવામાં કોઈ ભૂલ ન થઈ જાય એ વાતની કાળજીને લીધે તે ઘણા સંત્રસ્ત રહ્યાં. ત્રણ દિવસ પછી પુરોહિતને ભગવાને સ્વપ્નમાં આવીને કહ્યું કે તેઓ ત્રણ દિવસથી ભૂખ્યા છે. પુરોહિતે વિચાર્યું કે જરૂર મીરાએ કંઈક ભૂલ કરી હશે, શાસ્ત્રીય વિધિનું પાલન નહિ કર્યું હોય, શુદ્ધિનું ધ્યાન નહિ રાખ્યું હોય. ભગવાને કહ્યું : એ હર સમયે એ માટે ચિંતિત હતી કે ક્યાંય થોડીઘણી અશુદ્ધિ, અપવિત્રતા ન આવી જાય, તેનો પ્રેમ તથા મધુરભાવ હવે મને જોવા મળતો નથી, એટલે ભોગનૈવેદ્ય મને રુચિકર લાગતું નથી. એટલે પુરોહિતે મીરા પાસે ક્ષમાયાચના કરી તથા પહેલાંની જેમ જ પ્રેમપૂર્ણભાવે ભોગનૈવેદ્ય તૈયાર કરવા વિનંતી કરી.

આ વાર્તાનું તાત્પર્ય એ છે કે જ્યારે ભગવાનની આરાધના આંતરિકભાવે કરવામાં આવે છે ત્યારે બીજાં કોઈ વિધિવિધાનની આવશ્યકતા રહેતી નથી. શ્રી ભગવાનના પ્રગટ થયા પછી શું એમ કહીશ કે જરા ખમો, પહેલાં આસનશુદ્ધિ કરી લઉં? શ્રીઠાકુર જગન્માતાની પૂજા કરતી વખતે ક્યારેક શ્રીમાનાં ચરણકમળમાં ફૂલ ચડાવતા, વળી ક્યારેક પોતાને માથે પણ ચડાવતા! શ્રીઠાકુર કહે છે : ‘મા, ખમો, હમણાં ન ખાતાં, પહેલાં મંત્ર બોલી લઉં.’ શ્રીઠાકુરની આ વાતને સમજવી પડશે. અભિમાનશૂન્ય અને નિષ્કામ બનીને એમની પૂજા કરવી એ સારું છે, પરંતુ પ્રેમપૂર્વક એમની સેવા કરવી એ એના કરતાં પણ વધારે સારું છે. ત્યાં મંત્ર ગૌણ છે, નિષ્પ્રયોજન છે. એમની સેવા કરવાના નિર્મળ આનંદમાં જ એમનું આસ્વાદન મળી રહે છે. છતાં પણ પ્રવર્તક પહેલાં વૈધીભક્તિની આવશ્યકતા રહે છે; એને પરિણામે ધીરે ધીરે તેનામાં ભગવાન પ્રત્યેનો અનુરાગ ઉત્પન્ન થાય છે. એટલે વૈધીભક્તિ ઉપાય માત્ર છે, ઉદ્દેશ્ય છે રાગાત્મિકા ભક્તિ. વૈધીભક્તિની પ્રયોજનીયતાનો સ્વીકાર કરીને જ શ્રીઠાકુરે ઈશાનને તેની ખામી સમજાવી દીધી.

અકબર અને ફકીર

ભગવાનની સમીપ પોતાની સ્વાભાવિક કામના આંતરિકતા સાથે કહેવાથી તેઓ સાંભળે છે, પરંતુ શ્રીઠાકુર કહે છે : ‘રાજાની પાસે જઈને શું દૂધી, કોળું માગશો?’ જે અતુલ ઐશ્વર્ય આપી શકે છે એમની પાસે દૂધી કે કોળાની કામના કરવી એ મૂર્ખતાનું પરિચાયક છે. ભગવાન વરદાધિરાજ છે – વરદાન આપનારાઓના રાજા છે, તેઓ પોતે પોતાની જાતને પણ આપી શકે છે, જે પોતે પોતાની જાતને પણ આપી દે એવો દાતા બીજો કોણ છે? શ્રીઠાકુર કહે છે : ‘બાબુ સુધીની પહોંચ હોય તેણે નાની મોટી વસ્તુઓ માટે તેમના નોકરો સામે અપમાનિત થવું પડતું નથી.’ એટલે માલિકની સાથે સંબંધ જોડવો એ જ સારું છે. શ્રીઠાકુર આ વ્યવહારિક દૃષ્ટિએ વિચાર કરીને જુએ છે. એક વાર્તા છે : એક વાત સમ્રાટ અકબર જ્યારે નમાજ પઢવા ગયા ત્યારે એક ફકીર ભીક્ષા લેવા આવ્યો. નમાજ પૂરી થયા પછી ફકીરને ચાલ્યા જતા જોઈને અકબરે પૂછ્યું: ‘આપ કેમ પાછા જાઓ છો?’ પાછા ફરીને ફકીરે જવાબ આપ્યો કે તેઓ ફકીર પાસે ભીક્ષા માગવા આવ્યા હતા, પરંતુ એણે જોયું કે સમ્રાટ પોતે અલ્લાહ પાસે અનેક પ્રકારની વસ્તુઓની ભીખ માગે છે એટલે ભીખારી પાસેથી ભીક્ષા શું માગવી? એમ વિચારીને તેઓ પાછા ચાલ્યા જાય છે.

નિષ્કામ કર્મ અને પૂજા

આપણે બધા દેવો પાસે વિવિધ પ્રકારની વસ્તુઓની કામના કરીએ છીએ કારણ કે તેઓ દેવ હોવાને લીધે આપણા કરતાં વધારે શક્તિશાળી છે. એ વાત સાચી છે કે પરમેશ્વર આગળ એ બધાં પ્રાર્થીઓ છે. તો પછી આટલા બધાં દેવદેવીઓ શા માટે? આપણે પ્રત્યેક દેવતાને પોતાની બુદ્ધિ પ્રમાણે નાના નાના ઉદ્દેશ્યોના સહાયક બને એ રૂપે અથવા સાક્ષાત્‌ પરમેશ્વરના રૂપે જોઈ શકીએ છીએ. દેવતા એક જ છે – પૃથકતા કેવળ આપણી દૃષ્ટિમાં છે. કાલીપૂજાના સમયે ચોસઠ યોગિનિની પૂજા પૂરી કરીને મૂળ દેવતાની પૂજા કરવાની હોય છે. વૈધીભક્તિમાં આવું જ બને છે. યજ્ઞયાગ કરતી વખતે અસંખ્ય દેવદેવીઓની પૂજા ઘણી સાવધાની સાથે કરવી પડે છે. એ ન રખાય તો ફળલાભ થતો નથી. એક અશુદ્ધ ઉચ્ચારણને લીધે કોણ જાણે કેટલીયે વિપત્તિઓનું સર્જન થાય છે – ઇન્દ્રશત્રુ અર્થાત્‌ ઇન્દ્રરૂપી શત્રુનો વિનાશ થાય પરંતુ અશુદ્ધ ઉચ્ચારણ (ઇન્દ્રશત્રુ:)ના પરિણામે ‘રૂપ’ એનો અર્થ થઈ ગયો -ઇન્દ્ર જેનો શત્રુ છે અર્થાત્‌ વૃત્રાસુરનો વિનાશ થાઓ. ઉચ્ચારણમાં થયેલી ભૂલને લીધે શબ્દનો અર્થ ભિન્ન થઈ ગયો. પરંતુ જે નિષ્કામભાવે પૂજા કરે છે, ભગવાન એની કોઈ ભૂલખામી જોતો નથી. તે નિર્ભય બની જાય છે. ભગવાન શું આપણા સૌનું અમંગલ કરવા બેઠા છે? ભગવાન કોઈના પાપ કે પુણ્યને ગ્રહણ કરતા નથી. ગીતા(૫.૧૫)માં કહ્યું છે:

ના દત્તે કસ્યચિત્‌ પાપં ન ચૈવ સુકૃતં વિભુ: ।
અજ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુહ્યન્તિ જન્તવ: ॥

છતાં પણ અજ્ઞાન દ્વારા મોહગ્રસ્ત મનુષ્ય પોતાના સંશયગ્રસ્ત મનમાં કલ્પના કરે છે કે ભગવાન આપણને તિરસ્કૃત કે પુરસ્કૃત કરશે. ભગવાનથી ભયભીત ન બનીને એમને ચાહવા પડશે. ભાગવતમાં એક શ્લોક છે – ‘ભક્ત્યા સંજાતિયા ભક્ત્યા વિભ્રત્યુત્પુલકાં તનુમ્‌’ ભક્તિ દ્વારા ઉત્પન્ન ભક્તિથી શરીર રોમાંચિત બને છે. નિષ્કામભાવની અભિમાનશૂન્ય વૈધીભક્તિથી રાગાત્મિકા ભક્તિ ઉત્પન્ન થાય છે, ભગવાન પ્રત્યે અનુરાગ ઉદ્‌ભવે છે, જેનું બાહ્યલક્ષણ છે અશ્રુ અને પુલક વગેરે.

કર્મ કરતી વખતે કેટલાંક ખોટાં કામ પણ થઈ જાય છે. એટલે એના ભયંકર પરિણામને પણ સ્વીકારી લેવું પડે. આ માનેલી વાત છે કે જેમ અગ્નિને ધુમાડો આચ્છાદિત કરી રાખે છે તેવી રીતે મનુષ્યનાં બધાં કર્મ દોષોથી આચ્છન્ન રહે છે – સર્વારમ્ભા હિ દોષેણ ધૂમેનાગ્નિરિવાવૃતા: । એટલે આ દોષને દૂર કરવા માટે સકામ કર્મ ન કરતાં નિષ્કામ કરવું એ જ કલ્યાણકારી છે. એનાથી અંત:કરણ શુદ્ધ બનશે તથા શુદ્ધ અંત:કરણમાં ભગવાન પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થશે. આટલી વસ્તુ આપી છે તો એનું આટલું મૂલ્ય આપો એવી અહીં વ્યાપારી મનોવૃત્તિ નથી. મનુષ્ય સકામભાવે પૂજા કરીને અંતે કર્મફળ ભગવાનને અર્પણ કરી દે તો એવું બને છે કે ભગવાન એ જ ફળને અનંતગણું કરીને પાછું આપી દે છે. ખેડૂત બીજની વાવણી કરતી સમયે મુઠ્ઠીભરીને કણ જમીનમાં નાખી દે છે, પણ મનમાં એવી આશા રાખે છે કે તે એનાથી અનંતગણું પાછું મેળવશે. બરાબર એ જ રીતે મનુષ્ય મુખેથી કહે છે – મેં તમને આપી દીધું; પરંતુ મનમાં કહે છે – તમે એને અનંતગણું કરીને પાછું આપો.

જીવની સ્વતંત્રતા અને પરતંત્રતા

કેટલીયે વાર આપણા મનમાં આ પ્રશ્ન ઊઠે છે કે મનુષ્ય સ્વતંત્ર રૂપે પોતાનું કામકાજ કરે છે કે ઈશ્વરની ઇચ્છા દ્વારા નિયંત્રિત થાય છે; અંતે તે સ્વતંત્ર છે કે પરતંત્ર? આ પ્રશ્ન પર શ્રીઠાકુર અહીં પ્રકાશ પાડે છે: ‘જેનાથી અદૃષ્ટવાદ (Predestination), સ્વાધીન ઇચ્છા (Free Will), સ્વતંત્રતા (Liberty) અને પ્રયોજનીયતા (Necessity)નો વિવાદ શમી જાય છે.

શ્રીઠાકુર એક ધાર્મિક વણકરની વાર્તા કહે છે; માસ્ટર મહાશય કહે છે : ભગવાનનાં દર્શન થયા વિના આ ‘રામની ઇચ્છા’નો બોધ થતો નથી, એ સમજાતું નથી કે તેઓ જ બધું કરાવી રહ્યા છે. તેઓ જ બધાના હૃદયમાં રહેલા હોવાથી યંત્રચાલિત પુતળીની જેમ બધાને નચાવે છે. લોકો કહે છે : ‘હું કરું છું’ પરંતુ વાસ્તવિક રીતે તો તેઓ જ કરાવે છે. ‘તોમાર કર્મ તુમી કરો માઁ, લોકે બોલે કરી આમી’ (તમારું કર્મ તમે જ કરો છો મા, લોક કહે કે કરીએ અમે પોતે) દિવ્યદૃષ્ટિ રહેવાથી આપણને જોવા મળે છે કે આપણે યંત્રમાત્ર છીએ, પરંતુ આ યંત્રબુદ્ધિ આવતી નથી એટલે આપણને કતૃત્વબોધ થાય છે. તેઓ અનેક પ્રકારે, અનેક રૂપે કર્મ કરાવે છે. એમ કરવાને કારણે એમના પર કોઈ પણ પ્રકારના પક્ષપાતનો દોષ લાગતો નથી, કારણ કે તેઓ પક્ષપાત કોના પ્રત્યે કરે? બધા જ તેઓ (ઈશ્વર ) છે. જેના પર કૃપા કરે છે અને જેને સજા કરે છે એ બધા તેઓ છે. એક પતંગિયાના પૂંછડામાં કાંટો લાગેલો જોઈને તેઓ કહે છે : ‘હે રામ તમે પોતે જ પોતાની દુર્ગતિ કરો છો!’

વેદમાં શિવની અનેક પ્રકારની સ્તુતિ કર્યા પછી કહેવામાં આવે છે : ચોર, દગાબાજ ઇત્યાદિ બધું તમે જ છો. એનું કારણ એ છે કે સારું-નરસું, શુભ-અશુભ, એ બધું તેઓ જ છે. આપણા લોકોના મનમાં શુભાશુભની ભેદબુદ્ધિ છે એટલે આપણે કેવળ શુભમાં જ એમને જોઈએ છીએ. અશુભથી બચવા માટે આપણે પોતાની દૃષ્ટિ શુભમાં કેન્દ્રિત કરવા ઇચ્છીએ છીએ; એટલે શુભદૃષ્ટિની આવશ્યકતા છે, ભગવાનના મંગલમય ગુણોમાં મનને લગાડી રાખવાની આવશ્યકતા છે. અન્યથા આપણા મનમાં અશુભભાવ વધી જશે, શુભ દ્વારા અશુભને દૂર કરવાનું આ સાધન છે. ભેદદૃષ્ટિ ન રહે તો શું આ સાધન સંભવ છે ખરું? ભેદદૃષ્ટિ એટલે શું? તેઓ ભિન્ન છે, હું ભિન્ન છું, હું જગતનો ક્ષુદ્ર અંશ છું, આ જગતમાં હું છું, એટલે આ ભેદદૃષ્ટિને પરિણામે જગતના શુભાશુભના વિચાર આપણામાં છે. એટલે અશુભ આપણો સ્પર્શ ન કરી શકે એવો પ્રયત્ન આપણે સદા કરીએ છીએ. જગતમાં સર્વત્ર એમનાં દર્શન થવાથી ભેદદૃષ્ટિ રહેતી નથી. જ્યારે સર્વત્ર પરિપૂર્ણ રૂપે તેઓ જ છે તો શુભ કોને કહીશું અને અશુભ કોને? બધી રામની ઇચ્છા છે, એટલે મારી કે બીજા બધા લોકોની ઇચ્છાની કિંમત શી!

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.