મૂલ્યલક્ષી કેળવણી એટલે વિદ્યાર્થીઓમાં ઇચ્છનીય વર્તનપરિવર્તન લાવવાની પ્રક્રિયા. એ શિક્ષણ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓનાં જ્ઞાન, કાર્યકુશળતા, રુચિવલણો અને સદ્‌ગુણોમાં સુધારણા લાવી શકાય છે. શાળામાં શિક્ષક જાગ્રત હોય કે ન હોય પણ મૂલ્યનિષ્ઠ શિક્ષણ શાળામાં સતતપણે ચાલતું રહે છે. જો કે ઘરના ઉંબરામાંથી શાળા મહાશાળાના પ્રાંગણ સુધી વિદ્યાર્થીની સાથે રહેનારા અને આવનારા સૌ કોઈ આમાં મહત્ત્વનું પ્રદાન કરે છે. શાળાને આ મહાન કાર્ય પાર પાડવા પાઠ્યક્રમમાં મૂલ્યલક્ષી કેળવણી આપતાં પાઠ્યપુસ્તકોની આવશ્યકતા રહે છે. મૂલ્યલક્ષી કેળવણીનો પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકો એવા ક્રમમાં લાવવા જોઈએ કે જેની સહાયથી પ્રાથમિક કક્ષાથી માંડીને કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થાય; એ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ સાચી કાર્યનિષ્ઠા સાથે ભિન્ન ભિન્ન વાતાવરણમાં અને ભિન્ન ભિન્ન સામાજિક અવસ્થામાં રહેતાં લોકોની સાચી લાગણીઓ સમજી તે અનુસાર વર્તવાનું શીખે. એટલે જ મૂલ્યલક્ષી કેળવણી માટે કોઈ એક પદ્ધતિ ન હોઈ શકે. એને માટે તો વિદ્યાર્થીઓના વયજૂથ, દેશપ્રદેશની સામાજિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે કોઈ ચોક્કસ ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને વિવિધ શિક્ષણ પદ્ધતિઓ યોજવી પડે છે.

મૂલ્યલક્ષી કેળવણીની મુખ્યત્વે પાંચ પદ્ધતિઓ છે:

(૧) સંકલ્પનાત્મક પદ્ધતિ (૨) જીવનકથાત્મક પદ્ધતિ (બાયોગ્રાફિકલ મેથડ) (૩) વાર્તાકથનપદ્ધતિ (૪) સામુહિક વર્ગખંડ પદ્ધતિ (૫) ચર્ચા દ્વારા મૂલ્યલક્ષી કેળવણી

(૧) સંકલ્પનાત્મક પદ્ધતિ : અહીં આ પદ્ધતિમાં કોઈ પણ એક મૂલ્યને બોધપાઠના વિષયવસ્તુ તરીકે પસંદ કરવામાં આવે છે. સત્ય, અહિંસા, હિંમત, સાહસ, સૌંદર્ય, મૈત્રી જેવા મૂલ્યોને વિષયવસ્તુ તરીકે પસંદ કરી શકાય. આમાંના કોઈ પણ એક મુદ્દાને પકડીને શિક્ષક એનું શિક્ષણકાર્ય કરે છે. સૌપ્રથમ આવા ભાવપ્રધાન ગુણોમાંથી એકને પસંદ કરીને આવા મૂલ્યોવાળાં વિવિધ ઉદાહરણો દ્વારા તેનો અર્થ વિદ્યાર્થીઓને સમજવાનો રહે છે.

આ પદ્ધતિના બીજા ચરણમાં કોઈ પણ મૂલ્યનો અર્થ અને એની ગુણવત્તા મહાપુરુષોના જીવનમાં બનતી ઘટનાઓનાં ઉદાહરણો દ્વારા શીખવવામાં આવે છે. અહીં આ મૂલ્યના વિવિધ પાસાં અને તેની સમાજ દ્વારા આરોપિત કે પ્રસ્થાપિત વિવિધ અર્થછાયાઓ નીપજે તેવા પ્રયાસો કરવા જોઈએ.

ત્રીજા ચરણમાં કોઈ પણ માણસને વ્યક્તિગત રીતે તેમજ સમગ્ર સમાજના દીર્ઘકાળના કલ્યાણ માટે આ મૂલ્યનો ઉપયોગ કરી શકાય તેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવા મહાપુરુષોના જીવનની ઘટનાઓ ઉપયોગી રહેશે.

અંતિમ સમાપન ચરણમાં ચર્ચાનો સારાંશ અને મુદ્દાઓની સંક્ષિપ્ત વાત આપી શકાય.

સંકલ્પનાત્મક પદ્ધતિનું મહત્ત્વ

આ પદ્ધતિ દ્વારા એક તાસમાં વિષયવસ્તુને પાર પાડીને મૂલ્યના અર્થને વિગતવાર સમજાવવા શિક્ષક સક્ષમ બને છે. વિષયવસ્તુ અને ઉદાહરણોનું પૃથક્કરણ કરે છે, વર્ગીકરણ પણ કરે છે; વ્યક્તિગત અને સામુહિક જીવનમાં એ મૂલ્યની અગત્ય પણ સમજાવે છે. * એ બોધપાઠનો વિષય બનેલ વ્યક્તિ એને આચરણમાં પણ મૂકે છે. * અહીં પાઠપદ્ધતિની વિવિધતાને અવકાશ છે. * બાળકોની વય પ્રમાણે સદ્‌ગુણના વિષયવસ્તુની પસંદગી કરી શકાય. * એક જ ગુણનું વર્ણન ભિન્ન ભિન્ન જીવનકથામાં વારંવાર આવતું હોય તો તેનું પુનરાવર્તન નિવારી શકાય છે.

સંકલ્પનાત્મક પદ્ધતિનાં ઉદાહરણો

સત્યનિષ્ઠા : શ્રીરામકૃષ્ણ સત્યને વરેલા હતા. તેઓ સત્ય સિવાય બીજું કંઈ વિચારી કે કરી ન શકતા. એક દિવસ નરેન્દ્રે (સ્વામી વિવેકાનંદે) સાંભળ્યું કે તેઓ પૈસાનો સ્પર્શ સુધ્ધાં નથી કરી શકતા. નરેન્દ્રે વિચાર્યું : ‘આ શક્ય છે? કોઈ વ્યક્તિ પૈસાનો સ્પર્શ પણ ન કરી શકે એવું બને? અને તેઓ પૈસાનો સ્પર્શ કરે તો શું થઈ જાય?’ નરેન્દ્રે સાંભળ્યું હતું કે જેવા શ્રીરામકૃષ્ણ પૈસાનો સ્પર્શ કરતાં કે કોઈ ઝેરી જાનવર કરડ્યું હોય તેમ તેમનો હાથ મરડાઈ-ઠરડાઈ જતો. નરેન્દ્રને પોતાના ગુરુની કસોટી કરવાની ઇચ્છા થઈ. એક દિવસ તેઓ જેવા બહાર ગયા કે નરેન્દ્રે એમની પથારીની નીચે એક સિક્કો મૂકી દીધો. થોડીવાર પછી તેઓ પોતાના ખંડમાં પાછા ફર્યા, પાટ પર બેઠા કે તરત જાણે કંઈ દંશ થયો હોય એમ ઊભા થઈ ગયા. શ્રીરામકૃષ્ણે કહ્યું : ‘શું છે? આ પથારીમાં કંઈક છે. પછી શ્રીરામકૃષ્ણે પાટના ગાદલાની નીચે રહેલો સિક્કો ખોળી કાઢ્યો. એને તરત ખ્યાલ આવી ગયો કે આ કસોટી નરેન્દ્રે કરી છે. તેમણે આનંદ સાથે કહ્યું: ‘નરેન, તારે મારી આવી જ કસોટી કરતાં રહેવું.’ નરેન્દ્રને સત્યનિષ્ઠાનો સાચો ખ્યાલ આવી ગયો અને એ સત્યનિષ્ઠ બની ગયા.

આપણા પ્રાચીન શાસ્ત્રગ્રંથોમાં આવતું રાજા હરિશ્ચચંદ્ર અને રાણી તારામતીનું નામ આ સત્યવ્રત માટે સર્વત્ર જાણીતું છે. એમણે પોતાના સત્યપાલન, વચનપાલન માટે રાજપાટ ગુમાવ્યાં, પુત્ર રોહિત, પિતા હરિશ્ચચંદ્ર અને માતા તારામતી અલગ અલગ ઘરે વેચાણાં. વિશ્વામિત્રે એની આખરી અને આકરી કસોટી કરી. અને એ કસોટીમાં – પોતાના પુત્ર રોહિતના અગ્નિસંસ્કાર માટે સ્મશાન વેરો ન ભરાતાં – પતિપત્નીએ સત્યપાલન માટે પોતાનું આત્મબલિદાન આપવાનો નિર્ણય કર્યો અને એને અમલમાં પણ મૂકવાનો પ્રયાસ કર્યો. પરંતુ હરિએ એમનો હાથ ઝાલ્યો. સત્યપાલનમાં માનનારા સૌ કોઈનો હાથ હરિ ઝાલે છે. રાજા દિલીપ, શ્રીરામ, યુધિષ્ઠિર વગેરેનાં ઉદાહરણો આપણે આપી શકીએ.

વિદ્યાર્થી જીવનની સત્યનિષ્ઠાના ઉદાહરણમાં આપણે મહાત્મા ગાંધીજીના વિદ્યાર્થી જીવનની આ ઘટના રજૂ કરી શકીએ : આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં તેઓ ભણતા હતા ત્યારે કેળવણી નિરીક્ષકની ઉપસ્થિતિ વખતે એમના શિક્ષકે એક અંગ્રેજી શબ્દની જોડણી ખોટી લખતા હતા ત્યારે બાજુના વિદ્યાર્થીમાંથી જોઈને એ ભૂલને સુધારી લેવાનો ઈશારો કર્યો પણ ગાંધીજીએ પોતાની સત્યનિષ્ઠા છોડી નહિ.

હળવી પળોમાં પણ આ સત્યવ્રત તૂટવું ન જોઈએ. સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી બ્રહ્માનંદજીના જીવનનો આ પ્રસંગ આપણે દૃષ્ટાંત રૂપે લઈ શકીએ : એક દિવસ શ્રીરામકૃષ્ણદેવે રાખાલ (સ્વામી બ્રહ્માનંદ)નો ચહેરો જોઈને પૂછ્યું: ‘બેટા, આજે તારું મુખ મ્લાન કેમ દેખાય છે? યાદ તો કર તારી ક્યાંય ભૂલ થઈ છે કે તું કંઈ ખોટું બોલ્યો છે ખરો?’ આ સાંભળીને રાખાલે કહ્યું: ‘ના, એવું કંઈ બન્યું નથી.’ શ્રીઠાકુરે વધારે ભાર આપીને ફરીથી પૂછ્યું : ‘ભાઈ, એવું કાંઈ થયું છે કે નહિ એ બરાબર યાદ તો કરી જો!’ આ સાંભળીને રાખાલને તરત યાદ આવી ગયું કે તેઓ પોતાના એક મિત્ર સાથે થોડા સમય પહેલાં જ હસતાં હસતાં અસત્ય બોલ્યા હતા. શ્રીરામકૃષ્ણે એને માફી આપતાં કહ્યું: ‘બેટા, હવે આવું ક્યારેય ન કરતો. પૂર્ણસત્ય બોલવું એ આધ્યાત્મિક સાધનાનું એક અગત્યનું તપ છે.’ આવાં કેટલાંય ઉદાહરણો આપણે મહાપુરુષોના જીવનમાંથી મળે છે.

આ સત્યપાલન કરવાની અનેક તકો ઘર, શાળા અને આપણા રોજિંદા જીવનમાં મળી રહે છે. માત્ર આપણે એનો યોગ્ય પળે હૃદયપૂર્વકનો અમલ કરવાનો છે. વિદ્યાર્થીઓ આવા સંકલ્પો કરી શકે :

વિદ્યાર્થી તરીકે હું * મન, વચન, વાણી અને કર્મમાં સત્યનિષ્ઠ રહીશ. * પરીક્ષામાં ક્યારેય ચોરી નહિ કરું. * શિક્ષકોએ આપેલા સ્વાધ્યાયકાર્યોનો બીજાની નોટમાંથી બેઠો ઊતારો નહિ કરું. * હું કોઈને છેતરીશ નહિ. * રમતના મેદાનમાં પણ ખેલદિલીપૂર્વક સત્યનિષ્ઠાનું પાલન કરીશ. * હું ગપસપ કે હળવી મજાકની પળોમાં પણ સત્યનિષ્ઠા જાળવીશ. * સત્યનિષ્ઠાને સૌ ચાહે છે એ હું જાણું છું એટલે હું મારી ભૂલને કે દોષને કબૂલ કરીને, એનું પુનરાવર્તન ન થાય એ માટે પૂરતા પ્રયાસો કરીશ. * હું વચનો આપવામાં પણ પૂરતી કાળજી રાખીશ. * હું હંમેશાં ‘આમ ચોક્કસ કરીશ જ’ ને બદલે ‘આમ કરવાનો પ્રયત્ન કરીશ’ એવું કહીશ. વગેરે

આવી જ રીતે બીજા કોઈ પણ મૂલ્યને નજર સમક્ષ રાખીને એને અનુરૂપ ઉદાહરણો અને એના પાલનની આવી યાદી વિદ્યાર્થીઓની મદદથી તૈયાર કરી શકાય.

(૨) જીવનકથાત્મક પદ્ધતિ (બાયોગ્રાફિકલ મેથડ)

આ અભિગમમાં કોઈ જીવનકથા કે આત્મકથાનો અભ્યાસ થાય છે. આત્મકથાના નાયકે ચોક્કસ સદ્‌ગુણો કે સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન કરીને પોતાના જીવનમાં મહાનતા અને ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રભાવક રીતે એમના જીવનમાં આવા સદ્‌ગુણોને કેવી રીતે કેળવવા એ કહેવાનું છે. 

ઇતિહાસની દૃષ્ટિએ રચેલી આત્મકથા અને નૈતિક શિક્ષણ આપતા શિક્ષકે રચેલી આત્મકથામાં ભેદ હોવાનો જ. ઇતિહાસનો શિક્ષક વ્યક્તિને ઇતિહાસના અંશ રૂપે વર્ણવે છે, જ્યારે મૂલ્યલક્ષી કેળવણી આપતો શિક્ષક એ વ્યક્તિના સદ્‌ગુણો અને એણે આચરણમાં મૂકેલા સિદ્ધાંતો પર વધારે ભાર દે છે.

જીવનકથાત્મક પદ્ધતિનાં સોપાનો

* સુયોગ્ય વ્યક્તિની પસંદગી કરવી. * એક લેખક પર આધાર ન રાખતાં બીજા બે-ત્રણ લેખકોના વર્ણનનો પણ અભ્યાસ કરવો. એનાથી શિક્ષકને વિષયવસ્તુ પર પ્રભુત્વ આવશે. * એમનો જન્મ, સામાજિક-સાંસ્કૃતિક વાતાવરણ, પૂર્વશિક્ષણ, એના ચારિત્ર્યને ઘડનારાં બીજાં પાસાં અને પરિબળોનું વર્ણન કરવું. * જીવનકથાના પ્રસંગોમાં આવતાં કાર્યો કે નિર્ણયોની વિદ્યાર્થીઓને સાથે રાખીને એની પ્રાસંગિકતા અને ઉપયોગિતાને ચકાસવી. વધારે અભ્યાસ માટે સંદર્ભસૂચિ આપવી.

જીવનકથાત્મક પદ્ધતિનાં ગુણવત્તા અને મહત્ત્વ

* આ અભિગમમાં વાર્તાકથનની શૈલી જેવી બધી ગુણવત્તા રહેલી છે. આ વાર્તા સાચી હોવાને લીધે તે મનોવૈજ્ઞાનિક વાત છે અને મહત્તર અંશે સુદીર્ઘકાળના રસરુચિ ઊભાં કરવા માટે સક્ષમ છે.

* જીવનનાં કેટલાંય ક્ષેત્રોમાં મહાન વ્યક્તિઓએ ભજવેલ ભાગ અને એમણે કરેલા મહાન પ્રદાનની વાત વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે.

* તરુણ વિદ્યાર્થીઓને માટે પોતાની કલ્પનાઓને, ઇચ્છાઓને જાગ્રત કરવા અને એમને અગ્નિશીખા જેવા બનાવવા માટે તેમજ એ પ્રમાણે પોતાના જીવનઘડતર માટે આવા કોઈ આદર્શ પાત્રની જરૂર રહે છે.

* એક જ જીવનકથાના પ્રસંગોમાંથી વિવિધ સદ્‌ગુણોને આપણા જીવનમાં ઉતારવા માટેનું સારું એવું જીવનપાથેય આપણે મેળવી શકીએ.

માતૃત્વભાવનું વર્તુળ કેમ વધુ ને વધુ મોટું બનાવાય તેનું ઉદાહરણ શ્રીમા શારદાદેવીના આ જીવનપ્રસંગમાંથી આપણને સાંપડે છે.

એક યુવક ભક્તને શ્રીમાએ દીક્ષા આપીને કહ્યું: ‘શ્રીરામકૃષ્ણ જ તમારા ગુરુ.’ યુવકે પૂછ્યું: ‘તો તમે શું છો?’ શ્રીમાએ કહ્યું: ‘હું છું મા.’ યુવક આ માનવા તૈયાર નથી. તેણે કહ્યું: ‘એમ કેમ બને? જેણે મને જન્મ આપ્યો છે એ મા તો મારા ઘરે છે.’ શ્રીમાએ કહ્યું: ‘હું પણ તારી મા છું.’ યુવક ન માન્યો. તેની સામાન્ય સમજણ એવી હતી કે શ્રીઠાકુર ઈષ્ટદેવ, શ્રીમા શારદા ગુરુ અને ઘરે રહેલ મા એ જ પોતાની મા.’ શ્રીમાએ દૃઢ સ્વરે કહ્યું: ‘હું પણ તારી ખરી મા છું. એને બરાબર વિચારીને તું જો.’ શ્રીમાની દેહમૂર્તિની જગ્યાએ પોતાની જન્મદાતા માને યુવક ભક્તે સ્પષ્ટ રીતે જોઈ.

દુ:ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને;
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.

ઘરની – મનની અને હૃદયની બારી ઉઘાડી રાખવી એટલે શું એ આપણે શ્રીમા જીવન પ્રસંગમાંથી શીખીશું.

ઉદ્‌બોધનમાં શ્રીમા પાસે એક ભક્ત મહિલા આવી. એમની સાથે છે એની બાળકી. એ બાળકી શ્રીમા પાસે એમના ધાબળામાં સૂતી હતી ત્યારે એ ધાબળો એણે બગાડી મૂક્યો. મા પોતે જ આ ધાબળો ધોવા ગયાં. પેલી સ્ત્રીએ તેમને રોકતાં કહ્યું: ‘મા, તમે શા માટે ધોવા જાઓ છો?’ શ્રીમાએ સંક્ષેપમાં પણ પ્રાણસ્પર્શી ભાષામાં ઉત્તર આપ્યો: ‘શા માટે ન ધોઉં? શું એ મારે માટે પારકી છે?’

અજ્ઞ દેવો ભવ, રોગી દેવો ભવની ભાવનાથી સર્વ સેવાનો આદર્શ અને એ પણ સંપૂર્ણ પ્રેમભાવથી કેવી રીતે કરવો એનું ઉદાહરણ આપણને શ્રીમા શારદાદેવીના આ જીવનપ્રસંગ પરથી મળી રહેશે.

શ્રીમાના ઘરે મજૂર, ગાડીવાળા, પાલખીવાળા, ફેરિયા, મછવારા, જે કોઈ આવતા તે બની જતાં શ્રીમાના સંતાન. તેઓ ભક્તોની જેમ જ સ્નેહાદર પામતાં. નવ દસ વર્ષનો છોકરો ગોવિંદ જયરામવાટીમાં શ્રીમાના ઘરની ગાયોની દેખભાળ રાખતો. એકવાર એને શરીરે ખૂબ ખસ થઈ. એક રાતે આ ખસની પીડા અત્યંત તીવ્ર બનતાં તે રોવા લાગ્યો. છોકરાના રુદનથી શ્રીમાને રાતે ઊંઘ ન આવી. બીજે દિવસે સવારે શ્રીમાએ ગોવિંદને ઘરની અંદર બોલાવી લીધો છે, પોતાના હાથે લીમડાનાં પાન અને હળદર વાટે છે, વાટી લીધા પછી એ મલમ ગોવિંદને આપીને એને કઈ રીતે લગાડવો એ કહે છે અને ગોવિંદ એ પ્રમાણે મલમ લગાડે છે. શ્રીમાના સ્નેહાદરથી ગોવિંદનું મન અવર્ણનીય આનંદથી ભરાઈ ગયું. 

આવાં કેટકેટલાંય ઉદાહરણો આપણે અનેક જીવન કથાઓમાંથી તારવીને તેમજ વિદ્યાર્થીઓને આવા પ્રસંગો તારવવાનું કાર્ય સોંપીને પણ આપણા વિષયવસ્તુને વધારે માહિતીપ્રદ અને મૂલ્યપ્રદ બનાવી શકીશું. આ પદ્ધતિનાં બીજાં થોડાં ઉદાહરણો સાથે તેની ચર્ચા અને એ સિવાયની મૂલ્યનિષ્ઠ કેળવણીની બાકીની ત્રણ પદ્ધતિની વાત હવે પછીના અંકોમાં કરીશું. કોઈ પણ શિક્ષક કે વિદ્યાર્થી કે વાલી આવાં પ્રેરકપ્રસંગો મોકલશે તો એને યોગ્ય સ્થાન આપવાનો પ્રયત્ન કરીશું. અને એ રીતે આપણે આવા લેખોને સર્વની મૂડી બનાવવાનો પ્રયત્ન કરીશું.

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.