(ગતાંકથી આગળ)

ગયા અંકમાં આપણે મૂલ્યલક્ષી કેળવણીની વ્યવહારુ પદ્ધતિઓમાંથી સંકલ્પનાત્મક પદ્ધતિ અને જીવન કથાત્મક પદ્ધતિની વિગતવાર ચર્ચા કરી ગયા. હવે આપણી ચર્ચા આગળ વધારીએ.

૩. વાર્તાકથનપદ્ધતિ

વાર્તાકથન એ પણ એક કળા છે. દાદા-દાદી ઘરમાં પસંદ કરેલી વાર્તાઓ કહે છે. તેઓ પસંદગીના ઘટના પ્રસંગો અને બોધકથાઓ પોતાના કુટુંબના બાળકો સમક્ષ રજૂ કરે છે. આનાથી બે હેતુ પાર પડે છે : એને લીધે બાળકો ખુશમિજાજમાં અને સુખાનંદમાં રહે છે. એના દ્વારા મહાન વ્યક્તિત્વની માહિતી પણ એમને મળે છે. અપ્રત્યક્ષ રીતે તે સદ્‌ગુણોનું શિક્ષણ આપે છે. એને લીધે વિદ્યાર્થીઓ કલ્પનાનો, સ્મૃતિનો, નૈતિક મૂલ્યોનો અને સામાજિક સદ્‌ગુણોનો વિકાસ કરતાં શીખે છે. રસરુચિ અને એકાગ્રતા કે ધ્યાન માટે વાર્તાકથન એ મનોવૈજ્ઞાનિક રીતે ઉપયોગી નીવડે છે. વાર્તા કહેનાર શિક્ષક પાસે આવી અનેક વાર્તા કહેવાની કળા અને વાર્તા પરનું પ્રભુત્વ હોવું જોઈએ. આ વાર્તાઓ સત્ય, આત્મબલિદાન, ત્યાગ, હિંમત કે સાહસ જેવા અગત્યના ગુણો પર વધુ ભાર દેતી હોવી જોઈએ. કોઈ પુસ્તકની મદદ વિના વાર્તા કહેવાની કળા શિક્ષકમાં હોવી જોઈએ.

સ્વામી વિવેકાનંદના મતે માનવની દિવ્યતા પર બાકીનાં બીજાં બધાં મૂલ્યો અવલંબે છે. આત્મતત્ત્વ જેવું ગહનતત્ત્વ શું નાના બાળકો સમજી શકે ખરાં? એવો પ્રશ્ન કે તર્ક આપણા મનમાં ઊભો થાય એ સ્વાભાવિક છે. પરંતુ અત્યારે બાળકોને ઘરમાં અને ઘર બહાર જે શિક્ષણના વિવિધ માધ્યમો અને તેમાંય ટીવી, ઈન્ટરનેટ, દૃશ્યશ્રાવ્ય સીડીઓ દ્વારા અત્યંત ઉપયોગી માહિતી મળી રહે છે. આવી માહિતીમાં આવાં ગહનતત્ત્વોની વાર્તાઓ ઉમેરીને આજનાં બાળકોને એ બધું સરળસહજ રીતે સમજાવી શકાય.

વાર્તાકથનપદ્ધતિના સોપાનો

* યોગ્ય વાર્તા પસંદ કરવાની હોય છે. * વાર્તાને બરાબર સમજીને એમાં આવેલા લાગણીના મુદ્દાઓની નોંધ કરવાની હોય છે. * વાર્તાનો ઉઘાડ રસપ્રદ રીતે કરવાનો હોય છે. * શિક્ષક જે શબ્દ વાપરે છે એ શબ્દો પણ વિદ્યાર્થીઓ સમજી શકે તેવા હોવા જોઈએ. વાર્તા રજૂ કરતી વખતે લાંબા પ્રસ્તાવિકથી દૂર રહેવું જોઈએ. * સ્પષ્ટ અને અસરકારક અવાજમાં વાર્તા કહેવાની રહેશે. * વ્યક્તિગત અનુભવોથી ઉદાહરણો આપવાના રહેશે. * જો શિક્ષક સારો ચિત્રકાર હોય તો તેણે ચિત્ર દ્વારા રજુઆત કરવા માટે બ્લેકબોર્ડનો ઉપયોગ કરી શકાય છે. * અવારનવાર કેટલાક સંસ્કૃત સુભાષિતો કે સુવાક્યો મૂકી શકાય છે. * જો શક્ય હોય તો અંતે વાર્તાના નાયકના ચારિત્ર્યની સંક્ષિપ્ત ચર્ચા કરવી જોઈએ.

વાર્તાકથનપદ્ધતિનું મહત્ત્વ

* પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ ઘણી યોગ્ય છે. * બાળકોને એકાગ્ર બનાવે છે એટલે એક સારી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. * વાર્તાકથન એક પ્રેરણાનો સ્રોત બની જાય છે. * વિદ્યાર્થીઓને વાર્તા કહેવામાં, વાર્તા એકઠી કરવામાં અને પોતાની રીતે વાર્તા લખવામાં રસ લેતાં કરી શકાય છે. આ પદ્ધતિમાં આવી વાતચર્ચા અને વાર્તાનો ઉપયોગ કરી શકાય:

જિજ્ઞાસુ શાળાએ ગયો. ત્યાં પ્રાર્થના કરી: ‘અસત્યોમાંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા; ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા; મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ તું લઈ જા; ૐ શાંતિ: ૐ શાંતિ: ૐ શાંતિ:.’ પ્રાર્થના પછી શિક્ષકે કહ્યું: ‘બાળકો, તમને ગઈ કાલે વિમાનની વાત કરી છે, તમને યાદ છે ને? તમારા મનમાં એ વિશે કોઈ પ્રશ્ન ઊઠે છે?’ ઉત્સુકે પૂછ્યું: ‘સાહેબ, આપણે આ વિમાનની જેમ ઊડી શકીએ ખરા?’ શિક્ષકે કહ્યું: ‘હા, આપણે પણ ઊડી શકીએ. જે વિમાનમાં બેસીને ઊડે અને બીજાને ઉડાડે એ પાયલોટ કહેવાય. ધારો કે તમારામાંથી કોઈને પાયલોટ બનવાનું આવે તો ગમે કે કેમ?’ બધાના હાથ ઊંચા. એક જિજ્ઞાસુ એમ ને એમ બેઠો હતો. શિક્ષકે પૂછ્યું: ‘કેમ જિજ્ઞાસુ, તારે નથી ઊડવું?’ જિજ્ઞાસુ બોલ્યો: ‘ના, મારાથી એ ન થાય.’ શિક્ષક: ‘કેમ ન થાય, બેટા!’ જિજ્ઞાસુ બોલ્યો : ‘મને ભય-બય નથી પણ હું છું નાનો, અસહાય; હું મારી મેળે કંઈ નથી કરી શકતો.’ શિક્ષકે હસતાં હસતાં કહ્યું: ‘બેટા, કોણ કહે છે કે તું બિચારો-બાપડો છે? તું શક્તિશાળી છે, તું ધારે તે કરી શકે!’ જિજ્ઞાસુએ કહ્યું: ‘પણ સાહેબ, મારો મોટો ભાઈ બલવીર મને કહે છે કે તું સાવ નકામો છે, તારાથી શેકેલો પાપડેય ન ભાંગે!’ શિક્ષકે આત્માના અવાજથી કહ્યું: ‘એ ખોટો છે. તારી ભીતર ઘણું ઘણું છે! તું ઊડી શકે, કોમ્પ્યુટર પર કામ કરી શકે, ડોક્ટર અને પાયલોટ પણ બની શકે! તું ધારે તે બની શકે!’ શિક્ષકની આ વાત સાંભળીને જિજ્ઞાસુના મનમાં એક શક્તિપ્રવાહ ઊમટ્યો. શિક્ષકે જિજ્ઞાસુને શક્તિને સંકોરવા અને એ શક્તિમાંથી એક મહાચિનગારી પ્રગટાવવા એક સુંદર પતંગિયાની વાર્તા સંભળાવી :

‘એક સુંદર મજાનો બગીચો. તેમાં રંગબેરંગી ફૂલડાં ખીલ્યાં છે. એમાં એક પતંગિયું ફૂલડે ફૂલડે ફરે છે. કેવું સુંદર મજાનું રંગબેરંગી પતંગિયું! કેવી એની સુંદર મજાની રંગબેરંગી અને વિશાળ પાંખો! તે ઊડતું ઊડતું લાલ ફૂલ પર જાય છે, વાદળી ફૂલ પર નિરાંતે બેસે છે. પીળાં અને સફેદ ફૂલોનો મધુરસ ચાખે છે. એયને.. દરરોજ આનંદના લહેરિયાં લે છે. એકાએક આકાશમાં વાદળા ઘેરાણા, કાળી ઘનઘોર ઘટા જામી ગઈ. વીજળીના કડાકા-ધડાકા થવા લાગ્યા. આકાશમાંથી મેઘગર્જના સાથે વાદળાં વરસવા માંડ્યાં. સુંદર મજાની પાંખોવાળું અને મન ફાવે ત્યાં ફૂલે ફૂલે ઊડતું અને ફૂલોનાં રસગંધ માણતું પતંગિયું વરસાદના પાણીમાં ભીંજાઈ ગયું. હવે ઊડવાનું તો ક્યાંથી બને? એ તો ઊંઘી ગયું. એને પોતાનાં ઈંડાં યાદ આવ્યાં. અરે! મારું તો ઠીક, પણ એ ઈંડાંનું શું થશે?

આ પતંગિયાની સખી ઈયળે પૂછ્યું: ‘કેમ ભાઈ મજામાં ને?’ પતંગિયું બોલ્યું: ‘બેન, હવે મારું આવી બન્યું છે! હું તને એક વિનંતી કરું છું.’ ઈયળે પૂછ્યું: ‘બોલ, બોલ; શું છે તારી વાત, હું તને મદદ કરીશ.’ પતંગિયું બોલ્યું: ‘બેન, તેં મારાં ઈંડાં જોયાં છે. એમાંથી બચ્ચાં આવશે, નીકળશે. મારા ગયા પછી એની સંભાળ કોણ રાખશે? તું એને સંભાળજે.’ ઈયળબેન તો હસી પડ્યા અને કહ્યું: ‘ભાઈ, એની હું સંભાળ રાખીશ. પણ એ તારાં છે અને પતંગિયાં છે. ઈંડાંમાંથી આવતાં વેંત ઊડવા માંડશે.’ પતંગિયાએ કહ્યું: ‘એમ તરત નહિ ઊડે. એ પહેલાં તો તારા જેવાં જ હશે!’ ઈયળે કહ્યું: ‘મારા જેવા! મારું મોઢું ગંધારું, હું ઊડી ન શકું, મારે તો આમ શરીર ગબડાવવાનું. તું તો સુંદર અને તારાં બાળકો પણ સુંદર, એને વળી પાંખો! મારું કંઈ સાંભળશે ખરાં?’ પતંગિયાએ કહ્યું: ‘મેં તને ઘણીવાર કહ્યું છે કે તું તારી જાતને કુરૂપ કે નબળી ન માન. તને જે બહારથી દેખાય છે એ સર્વકંઈ નથી. તારી ભીતર અદ્‌ભુત સૌંદર્ય અને શક્તિ રહેલાં છે. તુંયે ઊડી શકે છે અને પતંગિયું બની શકે છે.’ પેલી ઈયળ તો વિચારવા માંડી : ‘શું આ બધું સાચું છે! મને તો કંઈ માનવામાં આવતું નથી. જો એના બચ્ચાને જોઉં તો એના પર શ્રદ્ધા બેસે. ઈંડામાંથી મારા જેવાં જ બચ્ચાં આવે તો વાત સાચી માનું.’ પતંગિયું તો મરી ગયું. અને ઈયળબેન આવ્યાં ઈંડાં પાસે. અને જુઓ તો ખરા! બધા ઈંડાંમાંથી એના જેવી જ ઈયળો નીકળી. હવે એને ખાતરી થઈ : ‘હુંયે એક સુંદર મજાનું પતંગિયું બનીશ. મારી ભીતર આવી શક્તિ રહેલી છે!’ એનામાં આત્મશ્રદ્ધા જાગી અને એણે પેલી ઈંડાંમાંથી નીકળેલી ઈયળોને કહ્યું: ‘બેટા, તમારી મા, સુંદરમજાનું પતંગિયું હતું. તમારી ભીતર આવી શક્તિ છે. જો જો, તમે એક દિવસ આમ ઊડતા ફરશો! આ સાંભળીને પેલી ઈયળો બોલી: ‘અમને વિશ્વાસ આવતો નથી. અમે બેડોળ અને શક્તિહીન છીએ. તમે ઊડી બતાવો તો અમે જાણીએ કે અમારામાં અનંત શક્તિ છે.’ એટલે ‘ના, ના. એવું નથી. તમારી ભીતર અનંત શક્તિ છે. અને ચોક્કસ ઊડવાનાં જ.’ એમ ફરીથી કહીને ઈયળ કોશેટામાં પ્રવેશી ગઈ. અને થોડા સમયમાં એ ઈયળ મટીને સુંદર મજાનું પતંગિયું બની ગઈ. તેણે પેલી ઈયળોને કહ્યું: ‘જોયું ને! હું પતંગિયું બની ગઈ! હવે હું ઊડી શકું, ઠેકડા મારી શકું, ગાઈ શકું, ફૂલડે ફૂલડે ઊડી શકું, એનો મધુરસ માણી શકું! હવે તો તમને ખાતરી થઈને? તમારી ભીતર પણ આવી આત્મશક્તિ છે. અને એનાથી તમે ધારો તે કરી શકો!’

શિક્ષકે વાર્તા પૂરી કરી. વિદ્યાર્થીઓને પૂછ્યું : ‘વહાલા વિદ્યાર્થીઓ આ વાર્તા સમજાણી? એનો મર્મ જાણ્યો?’ બધાં બાળકોના મોઢા ઉપર સ્મિત ચમકી રહ્યું છે. એ સ્મિત સાથે તેઓ એકીઅવાજે બોલી ઊઠ્યાં: ‘હા, સાહેબ, આજે અમને સૌને અમારી ભીતર રહેલી આ આતમશક્તિની વાતનો સાચો ખ્યાલ અને અંદાજ આવ્યો.’ શિક્ષકે જિજ્ઞાસુને પણ પૂછ્યું: ‘બેટા, તું કહે, તને આમાંથી શું જાણવા મળ્યું?’ જિજ્ઞાસુના આનંદનો પાર નથી. મોં પર છલકતાં આનંદ સાથે તેણે કહ્યું: ‘સાહેબ, આજે મને સમજાણું કે હું કેટલો મહાન શક્તિશાળી છું! મારી ભીતર જ આ શક્તિનું ઝરણું વહે છે. હું ધારું તો હુંયે મહાન બની શકું. હુંયે આકાશમાં ઊડી શકું. હુંયે ગ્રહ-ઉપગ્રહમાં વિહરી શકું. હું ધારું તે કરી શકું. હું નિર્બળ છું એવો મારા મનનો ખ્યાલ હવે નિર્મૂળ થઈ ગયો છે.’ શિક્ષકે કહ્યું: ‘આ જ સાચી વાત છે અને આ જ સાચો માર્ગ છે. સ્વામી વિવેકાનંદે કહેલા આ શબ્દો હંમેશાં યાદ રાખજો: ‘તમે તમારી જાતને જેવા માનો તેવા બનશો. તમે તમારી જાતને નિર્બળ માનશો તો નિર્બળ બનશો. અને તમે તમારી જાતને સબળ માનશો તો તમે પ્રબળ શક્તિશાળી માનવ બનશો.’

જિજ્ઞાસુ શાળા પછી ઘરે ગયો. તે આનંદમાં હતો. તેણે તેના ભાઈને કહ્યું: ‘તમે હંમેશાં કહો છો કે હું કંઈ કામનો નથી, નિર્બળ છું. પણ એ સાચું નથી. આજે જ મારા શિક્ષકે સમજાવ્યું કે દરેક માણસ શક્તિશાળી છે. તેની ભીતર બધી શક્તિઓ રહેલી છે. એટલે હું યે નિર્બળ નથી અને તમે ય નિર્બળ નથી. નિર્બળ તો છે આપણું મન, આપણા વિચાર.’ નાના દીકરાની વાત સાંભળીને મા તો રાજી રાજી. તેણે કહ્યું: ‘તારા શિક્ષકે તને ખરેખર સાચી વાત કરી છે. આપણા સૌની ભીતર એક મહાન શક્તિ રહેલી છે. હું કે તમે કે કોઈ અસહાય કે નિર્બળ નથી. આ શક્તિને સંસ્કૃતમાં શું કહે છે તે જાણો છો?’ મોટા દીકરાએ કહ્યું: ‘હા, એને આત્મા કહે છે.’ જિજ્ઞાસુ તેની મા પાસે જઈને પૂછ્યું: ‘મા, આ આત્મા શું છે?’ માએ એને ગળે લગાડીને કહ્યું: ‘મારા વહાલા, તને જેમ બે આંખ, કાન, હાથપગ છે એમ મને ય છે. તું વિચારે છે, યાદ રાખે છે, તને સ્વપ્ન આવે છે આ બધા છે મનના ખેલ. સમજાણું ને?’ જિજ્ઞાસુએ કહ્યું: ‘હા, મને ગઈ કાલે એક મજાનું સપનું આવ્યું હતું.’ માએ કહ્યું: ‘એનો અર્થ કે તારે મન છે. એનાથી વધુ તારી પાસે એક વસ્તુ છે, એ છે સર્વશક્તિનો સ્રોત આત્મા.’ જિજ્ઞાસુએ કહ્યું: ‘પેલા સ્પાઈડરમેન કે શક્તિમાન જેવી શક્તિ ને? જો, આવો બલિષ્ઠ આત્મા આપણામાં હોય તો આપણે એના વિશે કેમ જાણતા નથી?’ મા તો હસી પડી. તેણે જિજ્ઞાસુ દીકરાને કહ્યું: ‘જો, બેટા; શ્રીરામકૃષ્ણે કહેલી એક આ સરસ મજાની વાત સાંભળ.’ શ્રીરામકૃષ્ણદેવ આત્મા અને એના મૂળ સ્વરૂપને સમજાવવા આ વાર્તા કહેતા :

‘એક ઘેટાંના ટોળા પર કેટલાક સિંહો ત્રાટક્યા. એની સાથે એક સિંહણ પણ હતી. તેના ગર્ભમાં બચ્ચું હતું. શિકાર કરીને બધા ભાગ્યા. સિંહણ વચ્ચે આવતા ઝરણાને ટપવા જતાં બે ભાન થઈ ગઈ અને તેણે બચ્ચાને જન્મ આપ્યો. મા તો મરી ગઈ. પેલા બચ્ચાને ભરવાડ ઊપાડીને લાવ્યો ઘરે. બચ્ચું ઘેટાં ભેગું ફરે, ચરે અને બેં બેં કરે. એમ કરતાં કરતાં બચ્ચું તો થયું મોટું. એનું ચરવાનું અને બેં બેં ચાલુ. એવામાં એક દિવસ વળી પાછા સિંહો ત્રાટક્યા. આ બચ્ચું બીચારું બેં બેં કરતું ભાગવા માંડ્યું. એક સિંહે જોયું તો આ તો છે સિંહનું બચ્ચું. અને કાં ઘેટાંની જેમ મંડ્યું છે! એને ઉપાડીને લઈ ગયો ઝરણા પાસે. પાણીમાં એનું મોઢું બતાવ્યું. પણ આ તો ડરે છે ને બેં બેં કરે છે! સિંહે જોરથી ત્રાડ મારી અને પાણીમાં પડતા એના પ્રતિબિંબ તરફ જોવા કહ્યું. પેલાએ જાયું તો વાત તો સાચી લાગી. એનામાં અને મારામાં કંઈ ફેર નથી. ફરી જોરથી ત્રાડ મારી અને મોઢામાં લોહીવાળું માંસ નાખ્યું. હવે પેલા સિંહઘેટાને વાત સમજાણી, પોતાનું અસલ સ્વરૂપ જાણ્યું. એણે ય જોરથી ત્રાડ મારી. આખું વન ગાજી ઊઠ્યું. અને સિંહની સાથે જંગલમાં ગયો.’

આવી જ વાત રામાયણમાં આવે છે: વીર હનુમાન પણ પોતાની આત્મશક્તિને વિસરી ગયા અને લંકામાં જવા માટે લમણે હાથ દઈને બેસી ગયા. છલાંગ મારવાનું સાહસ જાણે કે ખોઈ બેઠા ત્યારે એના વાનરમિત્રે જાબુંવાને એને એના નાનપણનો આ પ્રસંગ યાદ અપાવ્યો: ‘સૂર્યને એક નાનકડો ચમકતો દીવડો માનીને નાનપણમાં એને પકડવા તમે આકાશમાં દોડી ગયા હતા અને એ સળગતા સૂર્યને કબજામાં કરી લીધો હતો. આ વાત તો યાદ છે ને?’ અને હનુમાનજીની શક્તિ, અંતરમાં રહેલી મહાશક્તિ ફરીથી જાગી ઊઠી અને એક જ કૂદકે એ મહાસાગર ઓળંગીને રાવણની લંકામાં પહોંચી ગયા.

બોધ: આત્માની કે આપણા અસલ સ્વરૂપની જેવી આપણને જાણ થાય કે સાચા જ્ઞાની અને નિર્ભય માનવ બની શકીએ છીએ. પછી આપણે મુક્ત મને વિહરી શકીએ છીએ. આવી આત્મશક્તિના દર્શન કરાવનાર કોઈ ગુરુની જરૂર પડે છે.

 સ્વામી વિવેકાનંદના ગુરુ શ્રીરામકૃષ્ણદેવ પણ આવી જ વાર્તાઓ દ્વારા પોતાના શિષ્યોમાં શક્તિસંચાર કરતા અને ગહનતત્ત્વો એમના ગળે ઉતારતા. એટલે જ સ્વામીજીએ પોતાના ગુરુદેવની આ શિક્ષણપદ્ધતિને સર્વશ્રેષ્ઠ પદ્ધતિ ગણી હતી.

(ક્રમશ:)

Total Views: 113

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.