(ગતાંકથી આગળ)

સ્વામી વિવેકાનંદે એક પ્રસંગે મનુષ્યના આધ્યાત્મિક પ્રયાસમાં કલ્પનાની ભૂમિકા વિશે જે શબ્દો ઉચ્ચાર્યા હતા એ હું આપની સમક્ષ રજૂ કરું છું : ‘તમે સ્વયંને પૂર્ણતાની વધારેમાં વધારે સમીપ લાવી દે એવી સ્થિતિમાં કલ્પો. તમે એ રીતે પૂર્ણતા તરફ આગળ વધશો. તમે ફરીથી અધિકતર શાંતિ મેળવશો અને તમારી આધ્યાત્મિક પ્રદીપ્તિ વિકસિત બનશે. તમારાં ચૈતન્ય અને ક્રિયાશીલતામાં વૃદ્ધિ થશે.’

લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત ન થયું હોય એવો સંભવ રહે છે. પરંતુ આપણે પહેલેથી જ પૂર્ણ છીએ એવી કલ્પના કરવાથી આપણે વંચિત નથી બની જતા. એના પર એક આલોચના કરી શકાય છે : ‘તમે કલ્પના કે સ્વસૂચનની વાત શા માટે કરતા રહો છો?’ સ્વામી વિવેકાનંદે આ રીતે કહ્યું છે: ‘પૂર્ણતાની વધુ ને વધુ સમીપ લાવે છે એવી સ્થિતિમાં (હોવાની) તમે સ્વયં કલ્પના કરો.’ આ કલ્પના, આ સ્વસૂચન, એક નક્કર તત્ત્વજ્ઞાન પર આધારિત છે. એ તત્ત્વજ્ઞાન શીખવે છે કે બ્રહ્માંડની પાછળ રહેલું અંતિમ સત્ય ‘ઐક્ય’ છે, અસ્તિત્ત્વનું ઐક્ય. આપણે સર્વત્ર અનેકતા જોઈએ છીએ. હવે સ્વસૂચનની મદદથી આપણને અનેકતામાં એકતા જોવાનું કહેવામાં આવે છે. એટલે આ રીતે સ્વસૂચન સદૈવ લાભપ્રદ રહેવાનું. આપણા માર્ગદર્શન માટે એનો આધાર એક નક્કર દર્શન છે અને એને આપણે સ્વીકારવું જોઈએ.

આપણે યાત્રા કરવાની છે. આપણે સૌ મંદગતિએ પરમ લક્ષ્ય પ્રત્યે આગળ વધીએ છીએ. આપણી આ આધ્યાત્મિક યાત્રામાં ક્યારેક ક્યારેક એક કઠિન સંઘર્ષ આવે છે, એ બાબત કે તથ્ય સાથે સૌ કોઈ સહમત થશે. ચાલો, આપણે જોઈએ કે આ વિશે હિંદુ મનોવૈજ્ઞાનિકો શું કહે છે? આપણા મહાન પ્રાચીન ઋષિઓ કે જે શ્રેષ્ઠ કોટિના મનોવૈજ્ઞાનિક પણ હતા તેમણે સાચો જ સંકેત આપ્યો છે કે આપણી બુદ્ધિ નિમ્નસ્તર પર ઉતરી જાય છે તેવા સમયે ખામી કે ઊણપ જ બાધા રૂપ નીવડે છે. એટલે માનસ કે અંત:કરણની પૂર્ણશુદ્ધિની આવશ્યકતા છે. આપણામાંથી મોટાભાગનાનાં મન કે અંત:કરણ શુદ્ધ નથી હોતાં. તે ‘રજસ’ તથા ‘તમસ’ બંને પ્રકારના દોષોથી પરિપૂર્ણ હોય છે. એટલે આપણે અંત:કરણને શુદ્ધ કરવા મહેનત તો કરવી પડશે. આ બાબતમાં પણ સ્વપ્રસ્તાવ સહાયક બને. શ્રીરામકૃષ્ણ કહેતા: ‘આપણે પગમાં લાગેલા એક કાંટાને કાઢવા માટે બીજા કાંટાની મદદ લેવી પડે છે.’ હવે જ્યારે આપણે એક કાંટાની મદદથી બીજા કાંટાને કાઢવામાં સફળ થયા છીએ ત્યારે એ બંને કાંટાથી આપણે મુક્ત થઈ શકીએ તેમ છીએ. સ્વસૂચનની સહાયથી આપણે આપણી ભીતર ઉત્કૃષ્ટ અને ઉન્નત વિચાર ઉત્પન્ન કરી શકીએ છીએ. આવા શ્રેષ્ઠ વિચારોની સહાયતાથી આપણે વિચારોના ક્ષેત્રથી ઉપર ઊઠીએ છીએ અને અંતે આપણને પ્રત્યક્ષ અનુભવ થશે. એમ કહેવામાં આવ્યું છે કે આજની કલ્પના એ આવતી કાલની અનુભૂતિ છે. જેવું આપણે વિચારીએ છીએ તેવા જ આપણે બનીએ છીએ. જો આપણે સારા વિચારો કરીએ, જો આપણે એમ વિચારીએ કે આપણે પહેલેથી જ પૂર્ણ છીએ તો એના દ્વારા આપણને પરમલક્ષ્ય તરફ આગળ વધવામાં મદદ મળશે.

હવે આપણે જોઈએ કે ધ્યાનનું મહત્ત્વ શું છે? આપણામાંથી જેમણે સુયોગ્ય આધ્યાત્મિક ગુરુ પાસેથી અધ્યાત્મમાર્ગ પહેલેથી જ જાણી લીધો છે તેમને ખ્યાલ હશે કે દીક્ષા સમયે ગુરુ પોતાની દયા અને કૃપાને કારણે આપણને એક સિદ્ધ બીજમંત્ર આપે છે. તેઓ કહે છે : ‘એ તમારા ઈષ્ટ છે, જો તમે તમારા ઈષ્ટનું ધ્યાન કરતા રહેશો તો કાલાંતરે તમે પૂર્ણતા પ્રાપ્ત કરી શકીશો.’ ધ્યાનની મદદથી આપણે આપણી ભીતર એક નવજીવનનું સર્જન કરી શકીએ છીએ. પરંતુ જ્યારે આપણાને આપણા પોતાના અભિષ્ટ આદર્શનું ધ્યાન કરવામાં કહેવાનું આવે છે ત્યારે સદૈવ એ વાત યાદ રાખવી જોઈએ કે પોતાના ઈષ્ટદેવના સ્થૂળ આકારનું ધ્યાન કરવું એમ ક્યારેય આપણને કહેવામાં નથી આવ્યું. જો આપણને શ્રીરામકૃષ્ણ કે શ્રીકૃષ્ણ કે શ્રીરામ કે બીજા કોઈ અન્ય ઈષ્ટદેવનું ધ્યાન કરવાનું કહેવામાં આવે છે તો કેવળ સ્થૂળ આકારનું જ આપણે ધ્યાન ન કરીએ તે આપણા માટે ઉચિત ગણાશે. આપણે એમના જ્યોર્તિમય આકારનું જ ધ્યાન કરવાનું છે. આપણે આ હંમેશાં યાદ રાખવું જોઈએ અને આપણી પોતાની દિનચર્યામાં પોતાના અભિષ્ટ આદર્શ, પોતાના ઈષ્ટદેવના ચરણોમાં રહેવાનો અભ્યાસ પણ કરવો જોઈએ. આપણે આપણા મનનો એવો સ્વભાવ બનાવવો જોઈએ કે તે આપણા પ્રિય ઈષ્ટના ચરણોમાં સ્થિર રહે. ક્યારેક ક્યારેક લોકો દ્વારા આમાં ઊણપ આવી જાય છે. ધારો કે ભક્તોએ એક ઈષ્ટને ધારી લીધો છે અને એક ગુરુને પણ સ્વીકારી લીધા છે. વળી પાછા તેઓ ગુરુ અને ઈષ્ટદેવને બદલતા રહે છે. આ વૃત્તિ સર્વથા અનુચિત ગણાય. આપણે આપણા મનને એ જ દેવ પર કેન્દ્રિત કરવું જોઈએ અને પોતાના ઈષ્ટદેવ પ્રત્યે પોતાની સ્થિરતામાં અને શ્રદ્ધામાં અડગ રહેવું જોઈએ.

આપણે આપણા ઈષ્ટદેવનું ધ્યાન તો કરવા ઇચ્છીએ છીએ પરંતુ આપણે સફળ થતા નથી. મન અશાંત હોવાથી તે વિભિન્ન દિશાઓમાં ભટકતું રહે છે. મન બધાં છળકપટ કરે છે. આ મન ઉગ્ર હોય છે, એને સંયમમાં રાખવું ઘણું મુશ્કેલ છે. આ પ્રસંગે આ પુસ્તકના લેખકને એક વાત યાદ આવી ગઈ. અમારા સંઘના પૂજનીય સ્વામીજીઓમાંથી એક સ્વામીજીએ પોતાના નિકટના સેવકને જે સાધનાનો તેઓ પોતે અભ્યાસ કરતા હતા તે સાધના વિશે બતાવતાં આમ કહ્યું હતું: ‘હું અનાસક્તિનો અભ્યાસ કરું છું. હું ભગવદ્‌ ગીતામાં અનાસક્તિનું મહત્ત્વ વર્ણવવામાં આવ્યું છે એ ભાષ્ય પર વિશેષ ધ્યાન આપું છું. હું રામકૃષ્ણ અને એમનાં દિવ્ય સ્વરૂપિણી પત્ની શ્રીમા શારદાદેવીને અનાસક્તિની પ્રતિમૂર્તિ રૂપે જોઉં છું. આ અનાસક્તિનો ઉપદેશ કુરુક્ષેત્રના રણાંગણમાં શ્રીકૃષ્ણે અર્જુનને આપ્યો હતો. ત્યાર પછી હું જપસાધના કરું છું. જે પુણ્યસ્થળ કામારપુકુરમાં શ્રીરામકૃષ્ણનો જન્મ થયો હતો, કઈ રીતે તેઓ દક્ષિણેશ્વર અને વળી કાશીપુર આવ્યા હતા એ બધી લીલાનું હું સ્મરણ કરું છું. મારી આધ્યાત્મિક ઉન્નતિમાં એણે ઘણી મોટી સહાય કરી છે.’

લગભગ આપણે બધા જપધ્યાન કરીએ છીએ ત્યારે આપણું મન આપણી ધ્યાનની વસ્તુમાં અટવાઈ જાય છે. એવે સમયે મનુષ્ય લીલા-ચિંતન કરવાનો પ્રયાસ કરે છે કે કલ્પનાની પાંખે ઊડીને જે સ્થળોનો સંબંધ ઈશ્વરના અવતારની એ દિવ્ય લીલા સાથે છે અને જે આપણા ધ્યાનની વસ્તુ છે તે એ બધાં પવિત્ર સ્થાનોમાં વિચરણ કરી શકે છે. આ આપણને ઘણું સહાયક બની શકે છે. વાસ્તવમાં ધ્યાન ઘણું દુષ્કર છે અને આપણે ધ્યાનમાં ગુણ તથા માત્રાના અંતરને પહેલાં સમજવું જોઈએ. એક ભક્ત મંદિરમાં આવીને અડધોકલાક બેસે છે અને કહે છે: ‘અડધા કલાક સુધી ધ્યાન કર્યું.’ પોતાના ઈષ્ટદેવ પર સતત અડધા કલાક સુધી ધ્યાન કેન્દ્રિત કરવું સંભવ નથી. જો કોઈ ભક્ત પોતાના ઈષ્ટદેવનાં ચરણોમાં બે ક્ષણ માટે પણ પોતાના મનને સ્થિર રાખવામાં સફળ બની જાય તો એય પૂરતું છે. એટલે ધ્યાન દુષ્કર હોવાને લીધે ધ્યાનમાં લીલાચિંતન સહાયક નીવડે છે. એક બીજી વાત પણ છે. જ્યારે આપણે ધ્યાન માટે બેસીએ છીએ ત્યારે આપણે કેટલાક પવિત્ર સંકલ્પ પણ કરીએ છીએ. આપણે આપણા પોતાનાં ક્રિયાકલાપોની વચ્ચે રહીને ફરીથી પોતાની સામાન્ય દિનચર્યામાં લીન થઈ જઈએ છીએ. આપણે આપણા પવિત્ર સંકલ્પોને પૂર્ણત: ભૂલી જઈએ છીએ. એનો ઉપચાર શું? જ્યારે શ્રીરામકૃષ્ણના કેટલાક શિષ્યો પોતાના મનનો બોજો એમની સમક્ષ વ્યક્ત કરવા ઇચ્છતા ત્યારે શ્રીરામકૃષ્ણ એમને કહેતા: ‘બધી પરિસ્થિતિઓમાં મનની આધ્યાત્મિક પ્રવૃત્તિ જાળવી રાખવાની છે.’ જો આપણે જપ અને ધ્યાન માટે અડધા કલાક સુધી બેસીએ અને એ દરમિયાન આપણને પાંચ મિનિટની એકાગ્રતા પ્રાપ્ત થાય તો તે પાંચ મિનિટ અત્યંત મૂલ્યવાન છે. એટલે સમય નહિ પરંતુ એકાગ્રતાની તીવ્રતા જ અધિક મહત્ત્વપૂર્ણ છે. ત્યારબાદ આપણી ભીતર રહેલ ઈશ્વરના ચૈતન્ય સ્વરૂપનો, તેમના અસ્તિત્વનો થોડોક પ્રત્યક્ષ અનુભવ થયો હોય તેમ આપણે આનંદમય છીએ, ઉન્નત બન્યા છીએ, એવું આપણને લાગશે. જો આપણને આપણી દિનચર્યામાં બે કે ત્રણ મિનિટ માટેના ધ્યાનમાં અનુભૂતિની સફળતા મળી હોય તો આપણે એને યાદ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

આપણા દૈનિક જીવનના અનેક પ્રકારના ક્રિયાકલાપોની વચ્ચે જો આપણે પોતાના ઈષ્ટદેવના અનવરત ધ્યાન પ્રત્યે યોગ્ય માત્રામાં સતર્ક ન હોઈએ તો આપણે ભૌતિક જગતના આકર્ષણોમાં ખેંચાઈ જવાના છીએ એ વાતની પણ સંભાવના છે. વાસ્તવમાં જે ગંભીર વાત છે એ જીવનમાં જ પરમલક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જેમનામાં રૂપ-ગંધ-રસ-સ્પર્શ-શબ્દ હોય એવી બધી વસ્તુઓ પરથી આપણે આપણા ધ્યાનને દૂર કરી લેવું પડશે. 

શ્રીરામકૃષ્ણે કહ્યું છે : ‘વ્યક્તિને ધ્યાનથી એવી એકાગ્રતા મળે છે કે જેનાથી ન તો એ સાંભળે છે, જુએ છે કે સ્પર્શનું જ્ઞાન અનુભવે છે. એના શરીરને સાપના લસરવા સુધીનું સ્પર્શજ્ઞાન પણ થતું નથી. એકને બીજાના અસ્તિત્વનું પણ જ્ઞાન નથી હોતું. અગાધ ધ્યાનની સ્થિતિમાં ઇન્દ્રિયો કાર્ય કરવાનું બંધ કરી દે છે. મન બહારની બાજુએ કંઈ જોતું નથી. આ બધું ઘરની બહાર જવાના બારણાં બંધ કરી દેવા જેવું છે. ઇન્દ્રિયોના પાંચ વિષય છે: રૂપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દ. આ બધું બહાર રહી જાય છે.’

જો સૌભાગ્યવશ આપણને આવી અંતર્દૃષ્ટિ મળી જાય તો આપણે મિથ્યા જગતને ભેદીને સત્ય સુધી પહોંચીશું. સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘પ્રત્યેક પુરુષ, સ્ત્રી અને બાળકમાં ઈશ્વરને જુઓ, અંર્તોતિ દ્વારા જુઓ.’ પરંતુ આ સંભવ છે ખરું? હા, જો મનુષ્યમાં વાસ્તવિક વૈરાગ્ય હોય, વિતરાગ હોય તો આ બધું સંભવ છે. ક્યારેક ક્યારેક ભક્તો આવે છે અને તેઓ સારા સાધુ ક્યાં મળી શકે એ વિશે જાણવા ઇચ્છે છે. તેઓ સાધુ-સંતો પાસે જાય છે અને કહે છે કે એ બધા વૈરાગ્યવાન સાધુ છે. કોઈ એમાં સુધારવા ઇચ્છે કે તેઓ વિતરાગી ગૃહસ્થ છે અર્થાત્‌ એક એવો ગૃહસ્થ ભક્ત જેમાં વિરક્તિ અને વૈરાગ્ય હોય. જે ગૃહસ્થો પોતાનાં સાંસારિક કર્તવ્યોનું પાલન કરતાં કરતાં પરમ લક્ષ્યની પ્રાપ્તિની ઇચ્છા રાખે છે એમને માટે એ બાબત આવશ્યક બની રહે છે કે તેઓ આ બાહ્યજગતની ચીજવસ્તુઓ પ્રત્યે વાસ્તવિક રીતે પોતાના મનમાં સાચો વૈરાગ્ય ઊભો કરે. આ સદ્‌હેતુ માટે મનુષ્યે ચાર પ્રકારની સાધનાઓનો અભ્યાસ કરવો જોઈએ. એને સાધના ચતુષ્ટય કહે છે. વિવેક, વૈરાગ્ય, ષટ્‌સંપત્તિ અર્થાત્‌ છ સદ્‌ગુણોનો સમુહ, જેમનાં નામ શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ઘા અને સમાધાન છે. અંતે મુમુક્ષુત્વ આવે છે. સર્વ પ્રથમ વિવેક આવે છે. આપણે સત્‌ અને અસત્‌નો ભેદ સમજવો જોઈએ. જો આપણે આ જીવનમાં પરમલક્ષ્ય પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઈએ તો આપણે જ્વલંત વિચાર સાથે સમજવું જોઈએ કે સંસારની કોઈ પણ વસ્તુ આપણને સ્થાયી સુખ આપી શકે તેમ નથી. એકવાર વિવેક એટલે કે સદ્‌ વિચાર ઉત્પન્ન થયા પછી આપણામાં વિરક્તિ કે વૈરાગ્ય જન્મે છે. અત: વૈરાગ્ય વિવેકથી સ્વત: જન્મે છે અને ત્યાર પછી મનુષ્યે લક્ષ્યપ્રાપ્તિ થાય ત્યાં સુધી નિરંતર પ્રયાસ કરવા પડે છે. મનુષ્યે સાધના કેવી રીતે કરવી? આપણે શમ અને દમનો અભ્યાસ કરવો જોઈએ. અર્થાત્‌ અંત:કરણની સ્થિરતા અને ઇન્દ્રિયનિગ્રહ કેળવવો જોઈએ. ક્યારેક ક્યારેક જ્યારે આપણે ઉત્તેજિત થઈ જઈએ છીએ ત્યારે શાંત રહેવા માટે મન પર નિયંત્રણ રાખવાનો અભ્યાસ કરવો જોઈએ. એના પછી દમ – ઇન્દ્રિય સંયમ – આવે છે. ઇન્દ્રિયોનો સંયમમાં રાખવી પડશે. ત્યાર બાદ આવે છે તિતિક્ષા. દુ:ખ અને કષ્ટ કે મુશ્કેલીઓમાં આપણે અવિચલિત રહેવું જોઈએ. મનની પ્રવૃત્તિ એવી છે કે તે આપણને બાહ્યજગત તરફ ખેંચી જાય છે. આપણે એને ઇન્દ્રિય વિષયોમાંથી વારંવાર એક બાજુએ ખેંચીને ફરીથી પાછી લાવવી પડશે. તદુપરાંત આપણામાં શ્રદ્ધા પણ હોવી જોઈએ. આપણામાં વિપુલ પ્રમાણમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. આપણામાં પોતાના ગુરુના માર્ગદર્શન અને પોતાના ધર્મગ્રંથોમાં પણ નિષ્ઠા હોવી જોઈએ. અંતે એક લક્ષ્યતા અને સમાધાન આવે છે. જ્યારે આપણામાં કેવળ વિવેક, વૈરાગ્ય અને સદ્‌ગુણોનો સમુહ હોય છે ત્યારે જ આપણે પરમલક્ષ્યની પ્રાપ્તિ માટેના પ્રયાસો કરવાને યોગ્ય બનીએ છીએ.

એટલે એનો અર્થ એ થયો કે વૈરાગ્ય વિવેકની પરિપૂર્ણતા છે. એક વેપારીનું ઉદાહરણ લો. જો એ પોતાના વ્યવસાયમાં સફળ થવા ઇચ્છતો હોય તેમજ વિપુલ ધન એકઠું કરવા ઇચ્છતો હોય તો તે પોતાના સ્વાસ્થ્ય અને ભોજનની ચિંતા કરતો નથી; તે અત્યંત કઠિન પરિશ્રમ કરે છે. શા માટે? કારણ કે તે પોતાના વ્યવસાય, પોતાના વ્યાપાર પ્રત્યે નિષ્ઠાવાન છે. જો આપણામાં આધ્યાત્મિક જીવન માટે આટલી માત્રામાં નિષ્ઠા, દૃઢતા અને લગની હોય તો આપણે નિશ્ચિત રૂપે આ જીવનમાં લક્ષ્યપ્રાપ્તિ કરી શકીશું. એટલે પરમલક્ષ્ય તરફની આપણી યાત્રામાં ત્યાગનું પણ પરમ મહત્ત્વ છે. શ્રીરામકૃષ્ણ એક વાર્તા કહેતા: કેટલાક હોડી ચલાવનારા લોકોએ વધુ માત્રામાં મદિરાપાન કરી લીધું અને આખી રાત તેઓ હોડી ચલાવતા જ રહ્યા. આમ હોવા છતાં હોડી તો એને સ્થાને જ રહી; કારણ કે જે લંગરથી નૌકાને બાંધી હતી એને ઉપાડવાનું જ ભૂલી ગયા. આ રીતે જો કળશમાં વાસના કે આસક્તિના રૂપે કોઈ છિદ્ર રહી જાય તો આપણી સમસ્ત સાધના વહી જશે. નૌકાની જેમ જો એ કોઈ લંગરથી બંધાયેલ હોય તો આપણે આખી રાત ભલેને ગમે તેટલી હલાવીએ પણ એ ચાલશે નહિ. એટલે જો આપણે અંતિમ લક્ષ્ય તરફ આગળ વધવા ઇચ્છતા હોઈએ તો આપણને અધોગતિ તરફ લઈ જનારાં બધાં આકર્ષણોનો સમૂળગો નાશ કરવાનો પ્રયાસ કરવો પડશે. 

આ બધું કહેવું સરળ છે પણ એનો અભ્યાસ કરવો અત્યંત કઠિન છે. આપણે એ વાતનો સ્વીકાર કરીએ છીએ કે આ કઠિન છે. પરંતુ દૃઢતાપૂર્વક એમ પણ કહીએ છીએ કે અસંભવ નથી. એ સાચું છે કે લાખો લોકો પ્રવાહની સાથે તરે છે, પરંતુ એમાંથી જે કેટલાક પરમલક્ષ્ય પ્રાપ્ત કરવા ઇચ્છે છે એમણે પ્રવાહથી ઊલટી દિશામાં જવું પડશે. સ્વાભાવિક છે કે તેઓ સંઘર્ષ માટે તત્પર છે. છતાં એવાય લોકો છે કે જે પશુ જેવું જીવન જીવે છે, ઇન્દ્રિય સુખમાં લિપ્ત રહે છે. કારણ કે તેઓ અસ્તિત્વને પાશવિક ધરાતલથી ઉપર લઈ જવા ઇચ્છતા જ નથી, એમને માટે કોઈ સંઘર્ષ નથી. જેમનું ધ્યેય પરમ લક્ષ્ય છે, એમણે માત્ર પાશવિક ભૂમિકાથી ઉપર ઊઠવાનું છે એટલું જ નહિ પરંતુ પોતાના અંતરમાં દેવત્વને પણ પ્રગટ કરવાનું છે. એણે આ જ જીવનમાં દેવ-દેવી બનવું પડશે. એને માટે માનવે નિ:સંદેહ કઠિન કાર્યનો સામનો કરવો પડશે. એવું શા માટે છે? એનો ઉત્તર કઠોપનિષદમાં આપવામાં આવ્યો છે :

કશ્ચિદ્‌ ધીર: પ્રત્યગાત્માનમૈક્ષત્‌ ।
આવૃત્ત ચક્ષુ: અમૃતત્ત્વમિચ્છન્‌ ॥

‘અમરત્વની ઇચ્છા ધરાવનાર કેટલાક વિરલા જ્ઞાની અંતરાત્માની અનુભૂતિ માટે પોતાની ઇન્દ્રિયો મન સહિત ભીતર તરફ વાળી દે છે.’

આપણે સૌ જાણીએ છીએ તેમ ઈશ્વરે આપણી ઇન્દ્રિયોની રચના એવી રીતે કરી છે કે તે બાહ્યજગતની વસ્તુઓ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. એનું તાત્પર્ય એ છે કે ઈશ્વરે મનની રચના એ રીતે કરી છે કે તે બાહ્ય વસ્તુઓ પ્રત્યે આકર્ષાય છે. કેવળ કશ્ચિદ્‌ ધીર: -કેટલાક ધીર અંતર્મુખી છે જે બાહ્ય જગતથી પોતાના મનને વિમુખ કરવા માગે છે. તેઓ વાસ્તવિક ઉપરતિનો અભ્યાસ કરે છે. કેવળ એવા જ મનુષ્ય લક્ષ્ય સુધી પહોંચે છે. એટલે જો આપણે પરમ લક્ષ્ય પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઈએ તો આપણે શું કરવું જોઈએ? આપણે આત્મનિરીક્ષણનો અભ્યાસ કરવો જોઈએ. આપણે મનને બાહ્ય જગતથી વિમુખ કરવાનો અભ્યાસ કરવો પડશે. આ અભ્યાસ કોણ કરી શકે છે? કેવળ થોડાઘણા દૃઢ પ્રતિજ્ઞાવાળા જ્ઞાની લોકો. જો આપણે આપણી પોતાની વાસ્તવિક દિવ્ય પ્રકૃતિની અનુભૂતિ કરવા ઇચ્છતા હોઈએ તો આપણે આપણા મનને બાહ્યજગતથી વિમુખ કરવું પડશે. જો આમ નહિ કરીએ તો આપણે કેવળ બાહ્ય જગતનું દર્શન કરી શકીશું. અંતરમાં રહેલા સ્વયં તથા આત્માનું દર્શન નહિ કરી શકીએ અને માનવ જીવન વ્યર્થ ચાલ્યું જશે.

પરંતુ આ વાત સાચી છે કે અંતિમ અનુભૂતિના પથ પર ચાલવું દુષ્કર છે. આ સર્વ સામાન્ય માનવ માટે નથી. પરંતુ કેટલાક ધીરસ્થિર માટે છે. ‘જો પરમની અનુભૂતિ બધાને માટે નથી તો વેદાંતના ગ્રંથો વાંચવા અને એના વિષય પર પ્રવચનો સાંભળવાથી શો લાભ?’ એમ કોઈ પૂછી શકે છે. તેનો ઉત્તર એ છે કે જો લાખો લોકોમાંથી એક વ્યક્તિ લક્ષ્ય પ્રાપ્તિ કરી શકે છે તો તમે એમ શા માટે નથી વિચારતા કે હું પણ એ લાખોમાંનો એક છું. શ્રદ્ધા વિશ્વાસ રાખો, દૃઢ આશાવાદી બનો. આધ્યાત્મિક જિજ્ઞાસુઓને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે શંકરાચાર્ય રચિત વિવેક ચૂડામણિના અહીં આપેલા ઉદ્ધરણ (શ્લો. ૭૯) દ્વારા સ્પષ્ટ થાય છે.

આપાતવૈરાગ્યવતો મુમુક્ષન્‌
ભવાબ્ધિપારં પ્રતિયાતુમુદ્યતાન્‌ ।
આશાગ્રહો મજ્જયતેઽન્તરાલે
નિગૃહ્ય કણ્ઠે વિનિવર્ત્ય વેગાત્‌ ॥

સંસાર સાગરને પાર કરવા માટે ઉદ્યત થયેલા ક્ષણિક વૈરાગ્યવાળા મુમુક્ષુઓને આશા રૂપી ગ્રાહ અતિ વેગથી એને અધવચ્ચે જ રોકીને એનું ગળું પકડીને ડુબાડી દે છે. 

અહીં શંકરાચાર્ય આપણને સચેત કરે છે કે ખોટો વૈરાગ્ય આપણને લાંબો સમય મદદ કરી શકતો નથી. કોઈના દુ:ખદ નિધનને કારણે કે કોઈ ઉદ્વેગકારી નિરાશાને કારણે ક્યારેક અલ્પકાલીન વૈરાગ્ય ઉદ્‌ભવી શકે છે. આવો વૈરાગ્ય મોટા ભાગના લોકોમાં લાંબો સમય ટકી શકતો નથી. જેમનાં મૂળિયાં વાસ્તવિક વિવેકના નક્કર આધાર પર રહેલા છે કેવળ એવો વૈરાગ્ય કે અનાસક્તિ આપણને દીર્ઘકાલીન સહાય કરી શકે છે. કોઈ પરિવારમાં કોઈનું મૃત્યુ ન થાય, તેમાંથી કોઈને ગંભીર રોગ ન હોય, કોઈ અસફળતા કે નિરાશા ન હોય, કોઈ પૂર્ણ રૂપે સ્વસ્થ પણ હોય; છતાં પણ એણે સચેત રહેવું જોઈએ કે મૃત્યુના ક્રૂર હાથ એને ગમે તે પળે છીનવી શકે તેમ છે. અને આવું ક્યારે થશે એનું જ્ઞાનભાન આપણને નથી. આપણે એને માટે તૈયાર રહેવું પડશે. કોઈ કવિએ કહ્યું છે: ‘યશ કા પથ લે જાતા હૈ કેવલ સમાધિસ્થલ કો’ – યશ નો પથ દોરી જાય છે આપણને સમાધિસ્થળે. કેવળ આ રીતનો સત્‌-અસત્‌નો વિચાર આપણને સહાયક નીવડશે.

શંકરાચાર્યે કૃત્રિમ વૈરાગ્ય અને વિવેકનિષ્ઠ વૈરાગ્ય વચ્ચેનો યથાર્થ ભેદ બતાવ્યો છે. જો આપણે કૃત્રિમ વૈરાગ્યની સહાયતાથી પરમ લક્ષ્ય પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ અને જો આપણે મુમુક્ષુ કે મુક્તિના ઇચ્છુક હોવાનો દાવો કરીએ છીએ તો આપણે ભયંકર રીતે ભ્રમિત છીએ. એટલે જ શંકરાચાર્ય કહે છે કે જે આ ભવસાગરને પાર કરવા ઇચ્છે છે, પરંતુ જેમની પાસે યથાર્થ વૈરાગ્ય નથી અને કેવળ કૃત્રિમ વૈરાગ્ય છે તેઓ ઇચ્છારૂપી ગ્રાહ દ્વારા ગળેથી પકડાવાના છે. આપણે કેવળ ભવસાગરની મઝધારમાં ડૂબીએ છીએ એટલું જ નહિ, પરંતુ ઇચ્છાઓ પ્રચંડ રૂપે આપણને ભરખી જાય છે. અને મઝધારમાં જ બધું હતું ન હતું કરી દે છે. કેવળ જેમની પાસે યથાર્થ અને સાચો વૈરાગ્ય છે તેઓ જ ભવસાગરને પાર કરી શકે છે. વળી પાછા શંકરાચાર્ય સંકેત કરે છે કે જે કોઈ ભવસાગર પાર કરવા ઇચ્છે છે, પરંતુ શરીર પ્રત્યે ભયંકર રૂપે આસક્ત રહે છે તેને માટે મુક્તિ સંભવ જ નથી. તુલસીદાસે કહ્યું છે: ‘જહાઁ કામ હૈ, વહાઁ રામ નહિ હૈ’. વિવેક ચૂડામણિમાં શ્લો.૮૫માં શંકરાચાર્ય આપણને આમ કહે છે :

મોહ એવં મહામૃત્યુર્મુમુક્ષોર્વપુરાદિષુ: ।
મોહો વિનિર્જિતો યેન સ મુક્તિપદમર્હતિ ॥

દેહાદિમાં મોહ રાખવો એ જ મુમુક્ષુ માટે ઘણું મોટું મોત બની જાય છે. જેમણે મોહને જીતી લીધો છે તે જ મુક્તિપદનો અધિકારી છે.

શંકરાચાર્ય કહે છે કે જ્યાં સુધી આપણે દેહમાં આસક્ત છીએ તથા દેહસુખ પ્રત્યે આકર્ષિત રહીએ છીએ ત્યાં સુધી મુક્તિની વાત આવતી નથી. એ તો ત્યારે જ સંભવ બને છે કે જ્યારે આપણે સમસ્ત પ્રકારનાં શારીરિક આકર્ષણો પર વિજય પ્રાપ્ત કરી લઈએ. કેવળ એ જ મુમુક્ષુ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે કે જેણે આ આસક્તિ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરી લીધો છે. ‘પૂર્ણ’ શબ્દ પર ધ્યાન આપો. પૂર્ણતાથી તલભાર પણ ઓછું નહિ. આપણે એના પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનો છે. એટલે શું કરવું પડશે. વિવેકચૂડામણિના ૩૨૧મા શ્લોકમાં શંકરાચાર્યે એક અત્યંત બીજો મૂલ્યવાન દિશાનિર્દેશ કર્યો છે :

પ્રમાદો બ્રહ્મનિષ્ઠાયાં ન કર્તવ્ય: કદાચન ।
પ્રમાદો મૃત્યુરિત્યાહ ભગવાન્‌ બ્રહ્મણ: સુત: ॥

બ્રહ્મવિચારમાં ક્યારેય પ્રમાદ ન કરવો જોઈએ. કારણ કે બ્રહ્માજીના પુત્ર – ભગવાન સનત્કુમારે – પ્રમાદને મૃત્યુ કહ્યો છે.

શું આપણે વાસ્તવમાં મુક્તિના ઇચ્છુક છીએ? શું આપણે આ જીવનમાં પરમલક્ષ્ય પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ? જો એવું હોય તો આપણા પોતાના જીવનની પ્રત્યેક ક્ષણે આપણે સચેત, સાવધાન અને સતર્ક રહેવું જોઈએ. આપણે નિરંતર જેને બ્રહ્મચેતના કે બ્રહ્મનિષ્ઠા કહીએ છીએ તેના પર આધિપત્ય રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. જો આપણે એમ કરવામાં અસફળ રહીશું તો આપણા માટે પરમલક્ષ્ય પ્રત્યે સમુચિત પ્રગતિ કરવી સંભવ નહિ બને.

(ક્રમશ:)

Total Views: 87

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.