(ગતાંકથી આગળ)

શ્રીઠાકુરને પોતાના પાર્ષદો સાથે આવો જ પ્રગાઢ સંબંધ હતો. તેઓ કહેતા : ‘કોઈ કોઈને જોતાં જ હું ઊભો થઈ જાઉં છું, એ જાણો છો ને! જૂનો પરિચય છે, પરંતુ સારા એવા સમયગાળાના વિયોગ પછી અચાનક મળી જવાથી એને મળવા માટે જાણે કે પ્રાણ ઊછળવા માંડે છે, અને હું તરત જ ઊઠીને ઊભો થઈ જાઉં છું.’ અંતરંગ છે ને! જાણે કે આ પસંદ કરવાની પ્રક્રિયા છે. એ વાત અલગ છે કે ગિરીશને આટલા બધા ચાહતા હતા છતાં પણ તેઓ પોતાના ત્યાગી સંતાનોને એમનાથી સાવધાન રહેવાનું કહેતાં કહે છે : ‘જુઓ, ગિરીશ ઘણો સારો છે પરંતુ, એ છે લસણનો કટોરો. એમાંથી લસણની ગંધ ગઈ નથી.’ અર્થાત્‌ ત્યાગી સંતાનોના દેહમાં એ ગંધ લાગી ન જાય જેમ ગિરીશને સારો કહીને આટલી પ્રસંશા કરે છે તેમ એમના પ્રત્યે પણ ભક્તોને સાવધાન કરી દે છે. ગિરીશ શ્રીઠાકુરને કડવાં વેણ કહે છે અને શ્રીઠાકુરને તેને પ્રસન્નતાપૂર્વક સ્વીકારતા જોઈને એક ભક્તે વિચાર્યું કે, આમ ગાળ દેવાથી શ્રીઠાકુર પ્રસન્ન થતા હોય એવું લાગે છે. એકવાર એણે ગિરીશનું અનુકરણ કરીને કંઈક આવો જ ઉચ્છૃંખલ વ્યવહાર કરતા જોઈને શ્રીઠાકુર હસતાં હસતાં બોલ્યા : ‘અરે! તારો એવો ભાવ નથી.’ નરેન્દ્ર અને ગિરીશ માટે જે પથ્ય છે, તે બીજાને માટે પથ્ય નથી. શ્રીઠાકુર આ વિશે અત્યંત સાવધાન થઈને ઘણા વિવેક અને વિચારપૂર્વક જોતા કે કોના માટે કયું પથ્ય ઉચિત છે. બીજાનું આવી રીતે અનુકરણ કરવાથી અકલ્યાણ થાય છે. એક દિવસ તારક (સ્વામી શિવાનંદ)ને પોતાના ઉપદેશની નોંધ કરતાં જોઈને તેઓ હસતાં હસતાં બોલ્યા : ‘આ કામ તારું નથી, એને માટે બીજી વ્યક્તિ છે.’ શ્રી ‘મ’ ઉપદેશ લખ્યા કરતા એટલે શ્રીઠાકુર એને પૂછતા, ‘વારુ, એ દિવસે ફલાણાને ઘરે જઈને મેં શું કહ્યું હતું, જરા કહો તો?’ માસ્ટર મહાશય એ બધું વર્ણવતા ત્યારે શ્રીઠાકુર કહેતા : ‘બીજું શું શું કહ્યું હતું?’ આખા દિવસની વાતો માસ્ટર મહાશયને યાદ છે કે કેમ, એ આ રીતે પૂછી પૂછીને તેઓ જોઈ લેતા. વળી એમાં સુધારો કરીને કહેતા : ‘ના, એમ નહીં, આ રીતે (મેં) કહ્યું હતું.’ આ બધું જાણે કે છપાઈ ગયા પછી ભૂલ સુધારણા માટે ‘પ્રૂફ’ જોવા જેવું હતું. શ્રી ‘મ’ દ્વારા આ કાર્ય કરાવવું હતું એટલે એમણે એમને એ રીતે જ તૈયાર કરે છે.

આવી રીતે તેઓ નરેન્દ્રને સંઘનેતા રૂપે ઘડે છે. તેની ઉંમર એ સમયે બીજા ગુરુભાઈઓ કરતાં નાની હતી, છતાં પણ તેઓ એમની ભીતર રહેલ ભાવિ નેતાને જુએ છે.’ બધાંને પ્રત્યક્ષ રૂપે કહે છે : ‘નરેન્દ્ર ઉપદેશ આપશે.’ એમના ગુરુભાઈઓ પણ સમજી ગયા હતા કે નરેન્દ્ર શ્રીઠાકુરે પસંદ કરેલ નેતા છે. નરેન્દ્રના આદેશ પ્રમાણે ચાલવું એ જ ઉચિત છે. મતભેદો હોવા છતાં નરેન્દ્રના નેતૃત્વને નિ:સંદિગ્ધભાવે સ્વીકારીને એમના આજ્ઞાકારી બની રહ્યા. પહેલેથી જ શ્રીઠાકુરે એમને આ રીતે તૈયાર કર્યા છે. ગિરિશને પણ તેઓ શ્રદ્ધાના દૃષ્ટાંતરૂપે મૂકી જવા ઘડી રહ્યા છે. આ રીતે તેઓ પાર્ષદોમાં એક એક અલૌકિક દૃષ્ટાંત રાખી ગયા છે. એમાંના એક એક પાર્ષદ એક એક ભાવના દિગ્પાલ બની રહ્યા. એક એકની ભીતર એક એક ભાવ પ્રસ્ફુટિત થયો. એમના જીવનમાં એ ભાવને પૂર્ણરૂપે પ્રસ્ફુટિત કરવા માટે શ્રીઠાકુર એમને પ્રોત્સાહિત કરે છે અને બીજા કોઈને એનું અનુકરણ કરતાં જોઈને એમ કરવાની તેને મના પણ કરે છે. કુશળ ગૃહિણીની જેમ જેના ઉદરને જે સુપાચ્ય અને ઉપયુક્ત હોય એ પ્રમાણે ભોજનની વ્યવસ્થા કરે છે. એમના શબ્દોમાં કહીએ તો ‘જેના ઉદરમાં જે સહ્ય અને સુપાચ્ય હોય છે, મા એને એવું જ આપે છે.’ પ્રત્યેકની ભીતર એવો એક પૃથક ભાવ કે આદર્શ વિકસાવે છે અને પછી એનું જ એક દૃષ્ટાંત અહીં તેઓ આપે છે. હવે નારાયણ ઠાકુરને પૂછે છે કે એમનું ગાન વધુ થશે કે કેમ. આ પ્રશ્ન પર સાધારણ વ્યક્તિ વિચારશે કે નારાયણ એક છોકરો છે અને તે શ્રીઠાકુરને ફરીથી પૂછે છે કે ગાવાનું થશે કે કેમ. વાસ્તવમાં એમની વચ્ચે એવો જ સંબંધ હતો. જેવી રીતે મદારીની વાંસળીથી સાપ સંમોહિત થઈ જાય છે તેવી રીતે શ્રીઠાકુર ભજન ગાય છે ત્યારે એમના પાર્ષદો મુગ્ધ અને ભાવવિભોર બની જતા.

સંગીત અને ઈશ્વરીયભાવ

શ્રીઠાકુર પોતાના ભક્તોને પ્રાત:કાળે કેવાં સાધનભજન કરવાં એનો નિર્દેશ આપતા. આ વિશે એક દિવસ પૂછતાં સ્વામી શિવાનંદજી મહારાજે કહ્યું હતું: ‘અરે ભાઈ, શ્રીઠાકુર વહેલી સવારે ઊઠીને મધુર સ્વરે ભગવન્નામ ઉચ્ચારતા. એવા મધુર સ્વરે એ રટણ કરતા કે સાંભળીને પથ્થર પણ પીગળી જાય. ત્યારે સાધનભજન, જપધ્યાન વિના જ મન ઘણી ઉચ્ચ સ્થિતિ પર પર ચાલ્યું જતું.’ સંગીતનો આવો જબરો પ્રભાવ છે. અને વળી એમના મધુર કંઠેથી વહેતા સંગીતનો પ્રભાવ તો અધિક અદ્‌ભુત હતો. શ્રીઠાકુરના ભક્તો કહેતા કે એમના અને નરેન્દ્રનાં ભક્તિગાન સિવાય બીજા કોઈના ગાન કર્ણપ્રિય ન બનતાં. અદ્‌ભુત હતું એ સંગીત! એમના શિષ્યગણ એ સંગીતને સાધનાનો એક અંતરંગ ઉપાય માનતા. તેઓ બધા ભજન ગાતા. તેમજ એમનામાંથી અનેક મધુર કંઠે ગાનારા હતા. કેવું અદ્‌ભુત હતું એ ગાન! અહીં ગાવાનું જો એટલું બધું મધુર લાગતું તો પછી જે ભજનગાનથી તેઓ સંમોહિત બની જતા એ ગીતગાન કેટલું મધુર હશે!

એમના ગુરુભાઈઓને સ્વામીજી જેવું શાસ્ત્રીય સંગીતનું વિશદ જ્ઞાન ન હોય એવું બની શકે, પરંતુ એ બધામાંથી જાણે કે ભજનસંગીતની ભાવધારા એમના સંપૂર્ણ હૃદયને નીચોવીને વહેતી રહેતી. જેઓ સાધક હતા એમનો એવો જ પ્રયાસ રહેતો કે એમનામાં આવો સંગીત પ્રેમ ઉત્પન્ન થાય. સંગીતના આનંદ દ્વારા ભગવદાનંદનો રસ લોકોના મનમાં પ્રવાહિત થશે એટલે જ શ્રીઠાકુર ઇચ્છતા હતા કે સૌ કોઈને સંગીત પ્રત્યે પ્રીતિ અને આકર્ષણ રહે. શ્રીઠાકુરના બધા શિષ્યો પણ એ જ ઇચ્છતા હતા. સ્વામી બ્રહ્માનંદ પોતાના સેવકોમાં હંમેશાં કોઈ એક સારા કંઠવાળા ગાયકને રાખતા. મધુર કંઠવાળા સેવકને તેઓ ખૂબ ચાહતા અને એની પાસેથી ભજનો સાંભળતા. બ્રહ્માનંદજી મહારાજ સમક્ષ ગાવાનું હોવાથી એની મર્યાદા વધી જતી. એક બાજુએ ભજનનો સૂર અને તેનું ભાવમાધુર્ય; વળી બીજી બાજુએ બ્રહ્માનંદજી મહારાજ ભાવગાંભીર્ય સાથે વચ્ચે વચ્ચે તેઓ ભાવસમાધિમાં ચાલ્યા જતા. જે લોકો ત્યાં હાજર હોય તેઓ એ ભજનગાનની સંક્રામક શક્તિ દ્વારા પૂર્ણપણે અભિભૂત થઈ જતા. આને સંગીતનું માધુર્ય કહે છે.

શ્રીરામકૃષ્ણ મધુર કંઠથી શ્રીમાનાં ભજન ગાય છે. તેનો ભાવાર્થ આવો છે : (૧) રે મન, તારી પ્યારી શ્યામાને હૃદયમાં યત્નપૂર્વક રાખજે. (૨) હે મા, સ્વયં આનંદમયી બનીને તું મને નિરાનંદ ન કરજે. (૩) શિવ સાથે તમે સદા આનંદમાં નિમગ્ન રહો છો. આ ત્રણ ભજન થયાં. ભક્તસમૂહ અપલક દૃષ્ટિએ શ્રીઠાકુરના આત્મવિહ્‌વળ મતવાલા ભાવને નીરખી રહ્યા છે. આ ભજન વિશે એક વાત કરવી છે : શ્રીઠાકુર જે ભજન ગાતા કે પસંદ કરતા એ બધાં ભજન વિષાદના ન હતાં પરંતુ આનંદભાવના હતાં. જેમાં પાપી-તાપીનો ભાવ હોય એવાં ભજનોને તેઓ પસંદ ન કરતા. એમનું કહેવાનું આવું હતું: ‘જે પોતાને ‘હું પાપી છું, હું પાપી છું’ કહે છે; સાળો તે પાપી જ બની જાય છે.’ શ્રીઠાકુરના ગાવાની વિશિષ્ટતા એ હતી કે એમાં ભાવ તો પૂર્ણ માત્રામાં રહેતો જ, પરંતુ તેની સાથે ભજનમાં અંતર્નિહિત ભાવ પણ એમના સંપૂર્ણ શરીરના માધ્યમથી અભિવ્યક્ત થતો. એટલે એમના ભજનમાં જે અસાધારણ માધુર્ય હતું એ માધુર્યની અપેક્ષા બીજે ક્યાંય કરી ન શકાય.

શ્રીઠાકુરનાં દેહમનની સમરસતા

શ્રીઠાકુરનાં દેહમન એક એવું યંત્ર બની ગયું હતું કે એ યંત્રમાં જે કોઈ ભાવ નિષ્પન્ન થાય તે પૂર્ણરૂપે અભિવ્યક્ત થતો. જેમ એક નાનું બાળક સરળ હોય છે અને એના મનમાં કોઈ ભાવ ઉત્પન્ન થાય ત્યારે એના સમસ્ત દેહમાંથી એ ભાવ પ્રસ્ફૂટિત થાય છે. એના બોલવા પર ધ્યાન આપીએ તો આપણને જાણવા મળશે કે તે પોતાના સમગ્ર દેહ દ્વારા બોલી રહ્યો છે. શ્રીઠાકુરની ભાવભરી અભિવ્યક્તિ પણ આવી જ હતી. જે દેવનું ચિંતન કે એનો ભાવ મનમાં જાગે, એમનો દેહ પણ એ જ ભાવથી ભાવિત બની જતો. આવાં અનેક દૃષ્ટાંત ‘કથામૃત’માં તથા અન્યત્ર જોવા મળે છે. ઉદાહરણ રૂપે, જ્યારે શ્રીઠાકુર શ્યામપુકુરના મકાનમાં રહેતા હતા ત્યારે ત્યાં એમના આદેશ પ્રમાણે કાલીપૂજાનું આયોજન થયું. મૂર્તિ હજી સુધી આવી ન હતી. કોણ પૂજારી બનશે એ પણ હજી નક્કી થયું નથી. પૂજા વિશે બોલતાં બોલતાં શ્રીઠાકુર અચાનક શ્રીમાના ભાવમાં એવા ડૂબી ગયા કે તેઓ એકાએક વરાભય મુદ્રામાં ઊભા થઈ ગયા. ત્યારે ગિરીશ વગેરે ભક્તોએ વિચાર્યું કે હવે માટીની મૂર્તિની શી આવશ્યકતા છે? આ જ તો મા છે! સાક્ષાત્‌ જગદંબા! એ સમયે બધા ‘જય મા, જય મા’ કહેતાં કહેતાં શ્રીઠાકુરનાં ચરણકમળમાં પુષ્પાંજલિ અર્પણ કરવા લાગ્યા. શ્રીઠાકુર સમાધિસ્થ થઈ ગયા. અલૌકિક નહિ પરંતુ લૌકિક દૃષ્ટિએ એ જોવું પડશે કે વિશેષ કાલ માહાત્મ્ય પ્રમાણે શ્રીઠાકુરના અંત:કરણમાં જે દિવ્યભાવ જાગૃત થતો એ જ ભાવ એમના સમગ્ર દેહમાં પણ રૂપાંતરિત થઈ જતો. કાલીપૂજાના દિવસે શ્રીમાનું ચિંતન થતાં જ તેઓ એ ભાવમાં રૂપાંતરિત થઈ ગયા.

આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. દીર્ઘકાલીન સાધના પછી સાધક આ અવસ્થામાં કંઈક ઉપલબ્ધિ કરી શકે છે. ઉપાસના શબ્દની વ્યાખ્યા આ રીતે કરવામાં આવી છે – જેની ઉપાસના થઈ રહી છે તેમનું ચિંતન કરતાં કરતાં ઉપાસક ઉપાસ્યમાં રૂપાંતરિત થઈ જાય છે. જેમણે શ્રીઠાકુરને જોયા હતા એમણે કહેલી આ વાત છે. કેવળ શ્યામપુકુર જ નહિ બીજાં અન્ય સ્થળે પણ આવી અનેક ઘટનાઓ ઘટી હતી. જગન્માતાના હાથોથી નિર્માણ થયેલું આ એક એવું દોષરહિત યંત્ર છે કે જેના પ્રત્યેક તાર ભાવોની સાથે એક સૂરમાં મળેલા છે અને એમનો સમગ્ર દેહ આ ભાવોને ચારે તરફ પ્રવાહિત કરી રહ્યો છે. ભાવોની આ પૂર્ણાંગ અભિવ્યક્તિ, સમગ્ર દેહમન દ્વારા ભાવનું આ અનુસરણ કેવળ શ્રીરામકૃષ્ણ જેવા અવતારી પુરુષોના જીવનમાં સંભવ બને છે.

શ્રીઠાકુરનું આચરણ અને લોકોપદેશ

હવે આપણે જે અંશની ચર્ચા કરીશું એના શરૂઆતના બે પરિચ્છેદ મુખ્યત્વે વર્ણનાત્મક છે. પહેલા પરિછેદમાં સંધ્યાનું વર્ણન છે. જ્યારે દિવસ પૂરો થાય છે, રાત્રી ઊતરવા લાગે છે, એ સંધિકાળનું એક વિશેષ મહત્ત્વ છે. એ સમયે સાધકો સંધ્યા-ઉપાસના કરે છે. શ્રીઠાકુર કહેતા: ‘કાળના મહત્ત્વને માનવું પડે.’ વિશેષ વિશેષ સમયે શ્રીઠાકુરના અંત:કરણમાં વિશેષ ભાવોનો ઉદય થતો. સંધ્યા થઈ ગઈ છે, શ્રીઠાકુર સર્વસ્થળે જેમ કરે છે તેમ અહીં બલરામ મંદિરમાં પણ તેઓ મધુર સ્વરે હરિનામોચ્ચાર કરી રહ્યા છે. બધા ઉત્સુક બનીને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છે. આટલું મધુર નામસ્મરણ! જાણે કે અમૃતવર્ષા થઈ રહી છે. શ્રીઠાકુરનું આવું હરિનામ સંકીર્તન સૌ કોઈને વિશેષ રૂપે આકર્ષતું. જે કોઈએ પણ એ સાંભળ્યું છે તે એને ભૂલી શક્યા નથી. એનો અનુભવ કરીને માસ્ટર મહાશય કહે છે: ‘આ પ્રેમી સંન્યાસી શું સુંદર રૂપધારી અનંત ઈશ્વર છે? પિપાસુઓની પ્યાસ શું અહીં છીપશે?’ શ્રીઠાકુરે આ પહેલાં અવતાર વિશે વાત કરતાં કહ્યું હતું: ‘સર્વકંઈ ઈશ્વર છે, તો પછી અવતાર કેવો? ‘ના, જેમ ગાયના આંચળમાંથી દૂધ આવે છે તેવી જ રીતે અવતારના માધ્યમથી પ્રભુનો વિશેષભાવ, એમની વિશેષ શક્તિ પ્રગટે છે.’’ જે વિશેષ અમૃત તેઓ વરસાવે છે તે એમના જેવા અવતારીપુરુષની ભીતરથી જ પ્રવાહિત થાય છે. હરિનામ ગુણકીર્તન પછી શ્રીઠાકુર બાળકોની જેમ સરળ ભાષામાં પ્રાર્થના કરે છે. માસ્ટર મહાશયના મનમાં એક ખાસ વિચાર ઊભો થયો કે જેઓ આખો વખત એમનું નામ લે છે, એમને સંધ્યાના સમયે અલગ રૂપે નામ લેવાની શી જરૂર છે? બીજી જ પળે શ્રીઠાકુરના ચરિત્રનો એક બીજા પક્ષ તરફ માસ્ટર મહાશયનું ધ્યાન ગયું. શ્રીઠાકુરે લોકશિક્ષણ માટે દેહધારણ કર્યો છે. એટલે જ તેઓ આમ કરે છે. પોતે જ આચરણ કરીને સંધ્યા સમયે હરિનામ-ગુણગાન કરવાનો ઉપદેશ આપે છે. ‘હરિ આપનિ એસે, યોગી વેશે, કરિલે નામસંકીર્તન’ – ‘હે હરિ, તમે સ્વયં યોગીના વેશે આવ્યા અને શ્રીહરિનામ સંકીર્તન કર્યું.’

ગિરીશ શ્રીઠાકુરને પોતાના ઘરે આવવાનું નિમંત્રણ આપે છે. એ જ રાતે જવું પડશે. એવું લાગે છે કે શ્રીઠાકુરની થોડી અનિચ્છા હતી એટલે તેઓ બોલ્યા: ‘રાત નહિ થઈ જાય?’ ગિરીશે કહ્યું: ‘ના, આપની જ્યારે ઇચ્છા હોય ત્યારે આવજો. મારે આજે થિયેટર જવું પડશે. એ લોકો ઝઘડે છે. એનું સમાધાન કરવાનું છે.’ તાત્પર્ય એ છે કે શ્રીઠાકુર ગિરીશની વાત ટાળી શકતા નથી, નિમંત્રણ આપ્યું છે, ગિરીશ ઘરે રહે કે ન રહે પણ જાવું તો પડશે. બલરામે પણ શ્રીઠાકુર માટે ખાવાનું બનાવ્યું છે. શ્રીઠાકુર એમને થાળી ત્યાં જ મોકલી દેવાનું કહે છે. એ પણ એમ સમજાવી દેવા માટે કે તેઓ બલરામનું અન્ન પસંદ કરે છે. હવે ગિરીશના ઘરે જશે બે માળેથી ઉતરતા તેઓ ભગવદ્‌ભાવમાં ડૂબી ગયા. શ્રીઠાકુરના આવા ભાવો પર ભક્તો વિશેષ રૂપે ધ્યાન દેતા. શ્રીઠાકુર ભાવવિભોર છે, કારણ કે ગિરીશ ભક્ત છે. ભક્તની યાદ આવતાં જ તેઓ ભગવદ્‌ભાવમાં લીન થઈ જાય છે. જાણે કે કોઈ મતવાલો ચાલે છે તેમ ચાલી રહ્યા છે. આવી અવસ્થામાં શ્રીઠાકુર વધારે ચાલી ન શકતા. ક્યાંય પણ જવાનું થતું તો તેઓ ઘોડાગાડીમાં જતા. બલરામના ઘરથી ગિરીશનું ઘર થોડું નજીક હતું. શ્રીઠાકુર એટલી ઝડપથી ચાલવા લાગ્યા કે બાકીના લોકો પાછળ રહી જવા લાગ્યા. એકાગ્રતાને લીધે એમના મનમાં જ્યારે જે વિચાર જાગતો ત્યારે કેવળ એ જ વિચાર રહેતો. કોઈ પણ કાર્ય કરું છું, કરીશ, થઈ રહ્યું છે, થશે, એ ભાવ શ્રીઠાકુર સહી ન શકતા. એમનો ભાવ હતો: અત્યારે, આ જ વખતે કરવું રહ્યું. એમના સમસ્ત જીવનમાં બધાં કાર્યો આ જ રીતે અનુષ્ઠિત થયાં છે. જે કંઈ પણ વિચારતા તેના પર એમનું મન એટલું વ્યાકુળ બની જતું કે બીજા વિચારો ત્યાં પ્રવેશી જ ન શકતા. ગિરીશના ઘરે જઈશું જ્યારે આ વિચાર તેમના મનમાં પ્રબળ બની ગયો છે ત્યારે બીજો કોઈ વિચાર એમના મનમાં આવતો નથી. એટલે જ તેઓ આટલી ઝડપથી ચાલતા હતા.

આ જ ભાવે એમણે નરેન્દ્રને જોયો પણ તેઓ કંઈ બોલી ન શક્યા. પછીથી ભાવ થોડોઘણો શમતાં તેમણે કહ્યું: ‘ભાઈ, સારું છે ને! હું એ સમયે કંઈ બોલી ન શક્યો.’ પ્રત્યેક શબ્દ જાણે કે કરુણાથી રસબસતો! ત્યાર પછી ચાલતાં ચાલતાં અચાનક પાછા વળીને ઊભા રહ્યા અને કહ્યું: ‘એક વાત છે – એક તો આ છે (દેહી?) એક તે છે (જગત?).’ માસ્ટર મહાશયે એની વ્યાખ્યા નથી કરી. કૌંસમાં પ્રશ્નાર્થ ચિહ્‌ન આપીને કહે છે – ‘‘એક આ’નો અર્થ શું દેહવાળો છે? અને ‘એક તે’ નો અર્થ શું જગત છે? જીવ અને જગત? ચૈતન્ય અને ચૈતન્યની બાહ્ય અભિવ્યક્તિ – જીવ જગત? માસ્ટર મહાશય વિચારે છે કે શું તેઓ ભાવમય અવસ્થામાં આ બધું જુએ છે? અવાક્‌ બનીને એમણે શું જોયું એ તો તેઓ જ જાણે.’ શ્રીઠાકુરે આ વાત કહી ત્યારે એવું લાગ્યું કે જાણે એ એક વેદવાક્ય હોય, દેવવાણી હોય. માસ્ટર મહાશય કહે છે : ‘જાણે કે અનંત સાગરના કિનારે આવી ગયો છું, વાક્‌ બનીને ઊભો છું અને અનંત તરંગમાળાઓમાંથી ઊઠતા અનાહત નાદના એકાદ બે ધ્વનિ કર્ણોમાં પ્રવેશી ગયા છે.’

નિત્યગોપાલ

શ્રીઠાકુર ગિરીશના દરવાજે આવ્યા. ગિરીશ દરવાજા પર રાહ જોઈ રહ્યા હતા. શ્રીઠાકુર પાસે આવતાં તેણે સાષ્ટાંગ પ્રમાણ કર્યા. પછી ભક્તોની સાથે શ્રીઠાકુરને બીજા માળના બેઠક ખંડમાં લઈ ગયા. આસન ગ્રહણ કરતી વખતે શ્રીઠાકુરે ત્યાં એક છાપું જોયું. એમનો સંકેત થતાં એ છાપું ત્યાંથી દૂર કર્યું. છાપામાં વિષયી લોકોની વાતો હોય છે. એટલે એમને એમના પ્રત્યે વિરક્ત ભાવ રહે છે. વર્તમાન પત્રમાં પરનિંદા, પરચર્ચા હોય છે, એટલે એમની દૃષ્ટિએ એ અપવિત્ર છે. છાપું દૂર કરી લીધા પછી શ્રીઠાકુરે આસન ગ્રહણ કર્યું. નિત્યગોપાલે પ્રણામ કર્યા. શ્રીઠાકુર એને પૂછે છે : ‘ત્યાં (દક્ષિણેશ્વર) નથી આવતા?’ નિત્યગોપાલ કહે છે : ‘તબિયત સારી નથી રહેતી. પીડા રહે છે, એટલે નથી આવી શક્યો, (એમને અમ્લપિત્તને લીધે પેટમાં પીડા રહેતી.)’ શ્રીઠાકુર પૂછે છે: ‘કેમ છો?’ નિત્ય ગોપાલ કહે છે: ‘સારું નથી રહેતું.’ શ્રીઠાકુર કહે છે: ‘મનને થોડું નિમ્નસ્તરે લાવવું.’ આટલું ઊંચે રહેવાથી શરીર ટકે નહિ. ભાવ પ્રબળ હોય તો સાધારણ દેહ એને ધારણ કરી શકતો નથી. શ્રીઠાકુર કહેતા કે શ્રીરાધા, શ્રીચૈતન્યદેવ એમને તો મહાભાવ હતો. અવતારી પુરુષો જ આ મહાભાવને ધારણ કરવા સક્ષમ હોય છે. શ્રીઠાકુર પોતાની અનુભૂતિઓના આધારે આ મહાભાવનું વર્ણન કરતાં કહે છે : ‘કેવો હોય છે એ ભાવ જાણો છો? જાણે કે એક તળાવમાં દસ હાથી ઊતરીને ઊથલપાથલ મચાવી દે છે (તેવો).’ સાધારણ મનુષ્યનું શરીર આવા વેગને ધારણ કરી શકતું નથી. એ તૂટી પડે છે. અવતારનો દેહ કોઈ અન્ય ધાતુથી બનેલો હોય છે. એટલે એમાં ભાવના મોટા આવેગને ધારણ કરવો સંભવ બને છે. આ વાત આપણી કલ્પનાની બહારની છે. કારણ કે આપણા સૌના દેહમાં કેવળ સ્થૂળ અનુભૂતિઓ જ હોવાને લીધે આપણે એ બધાથી પરિચિત નથી. સૂક્ષ્મ અનુભૂતિઓની તીવ્રતાની આપણને સહેજ પણ ધારણા થતી નથી. એ અનુભૂતિઓ અત્યંત તીવ્ર હોય છે. વ્યાવહારિક જગતમાં જોવા મળે છે કે પ્રબળ શોકમાં ડૂબેલા મનુષ્યનો દેહ શોકના વેગને સહન કરી શકતો નથી. અને આ વાત જેમ દુ:ખની બાબતમાં સાચી છે તેવી જ રીતે સુખની બાબતમાં પણ ખરી. ભગવદાનંદમાં જે વિપુલ સુખ મળે છે, અથવા ભગવદ્‌ વિરહમાં જે તીવ્ર વેદના કે તાલાવેલી જન્મે છે તે જો શુદ્ધસત્ત્વ ભક્તદેહ ન હોય તો આ તીવ્ર વેગોને ધારણ કરવાનું કાર્ય સંભવ બનતું નથી. એટલે શ્રીઠાકુર નિત્યગોપાલને એકાદ-બે સ્તર નીચે રહેવાનું કહે છે. એના ઉત્તરમાં નિત્યગોપાલે કહ્યું: ‘તેઓ તારક (સ્વામી શિવાનંદજી) સાથે રહે છે. પરંતુ વચ્ચે વચ્ચે તેઓ પણ રુચતા નથી.’ શ્રીઠાકુર દૃષ્ટાંત આપે છે: ‘નાગાજી કહેતા કે એના મઠમાં એક સિદ્ધ આસમાન તરફ નજર રાખીને જ ચાલતો, ગણેશગર્જી; પરંતુ એમનો એક સાથી ચાલી જતાં એને ઘણું દુ:ખ થયું અને એ અધીર બની ગયો.’ સાથીના મૃત્યુ પછી તેને ઘણું દુ:ખ થયું. ત્યારથી એને બીજાનો સાથ ન ગમ્યો. અહીં ગણેશગર્જી શબ્દનો પ્રયોગ શ્રીઠાકુરે કયા અર્થમાં કર્યો છે એ સમજાતું નથી. કારણ કે એ શબ્દનો પ્રયોગ બીજે ક્યાંય થયો નથી. પ્રસંગ જોતાં એવું લાગે છે કે તે નિ:સંગભાવે જગતની ઉપેક્ષા કરીને હાથીની જેમ ગર્જના કરતો ચાલ્યો જતો હતો. આમ કોઈની અપેક્ષા ન રાખવી એ જ્ઞાનીનું લક્ષણ છે. અનપેક્ષ એટલે કે કોઈ વસ્તુ કે વ્યક્તિ પાસે અપેક્ષા ન રાખવી; પૂર્ણત: સ્વતંત્ર રહેવું, જાણે કે કોઈની સાથે સંબંધ જ ન હોય!

(ક્રમશ:)

Total Views: 88

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.