શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવી સારી રીતે સમજતાં હતાં કે સમાજ અને ધર્મે નક્કી કરેલા, દામ્પત્યજીવનના સામાન્ય સંબંધો તેમને લાગુ પડતા ન હતા. પોતાના પતિની જેમ શ્રીમા પણ દૈવી અવતાર હતાં. માનવદેહધારી હોવા છતાં તેઓ બંનેમાં મૂર્ત થયેલી શક્તિ એક જ હતી. જો કે શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં આપણે જોવા મળે છે તેવી ઉગ્ર આધ્યાત્મિક સાધના શ્રીમાએ કરી ન હતી, છતાં શ્રીમાની આધ્યાત્મિક અનુભૂતિ શ્રીરામકૃષ્ણદેવ જેટલી જ ગહન હતી અને તેને આચ્છાદિત રાખવા તેમણે કેટકેટલી મહેનત લીધી! શ્રીઠાકુર અને શ્રીમાનાં જીવન ઈશ્વરકેન્દ્રી હતાં પણ એમની બાહ્ય અભિવ્યક્તિ ભિન્ન ભિન્ન હતી. શ્રીઠાકુરનું જીવન એક સંન્યાસીની ત્યાગમૂર્તિ જેવું હતું, પરંતુ શ્રીમા શારદાદેવી બાહ્ય રીતે એક ગૃહસ્થની જેમ જ રહેતાં. શ્રીઠાકુરે તો વિધિવત્‌ સંન્યાસ ગ્રહણ કર્યો હતો. પોતાનાં સાંસારિક સંબંધોવાળાં સગાંસંબંધીઓથી દૂર રહીને શ્રીઠાકુરે પોતાના જીવનનો મહદ્‌ ભાગ શ્રીમા કાલીના સાંનિધ્યમાં દક્ષિણેશ્વર મંદિરના પવિત્ર વાતાવરણમાં વિતાવ્યો હતો. શ્રીમાએ તો પોતાના જીવનનો મોટો ભાગ પોતાના પૈતૃક નિવાસ સ્થાને પોતાનાં સગાંસંબંધીઓથી વીંટળાયેલા રહીને પસાર કર્યો હતો. શ્રીઠાકુર પોતાની પાસે પૈસા તો ન રાખતા પણ પૈસાનો સ્પર્શ પણ ન કરી શકતા. શ્રીમા તો પૈસાની બચત કરતાં, એટલું જ નહિ, પણ પૈસાને લક્ષ્મીનું સ્વરૂપ માનીને એને માથે ચડાવતાં. એમને પૈસા કે ધનદોલતની આસક્તિ ન હતી, તેનો પરિગ્રહ કરવામાં પણ તેઓ ન માનતાં. એકઠાં કરેલા ધનનો ઉપયોગ તેઓ સર્વ લોકોની સેવા કરવાના સત્કાર્યમાં વાપરતાં. 

તેમના શિષ્યો અને મુલાકાતીઓનો મોટો ભાગ ગૃહસ્થ ભક્તોનો હતો. જ્યારે તેઓ જયરામવાટીમાં રહેતાં ત્યારે તો ગૃહકાર્યમાં જ વ્યસ્ત રહેતાં. શાક સુધારતાં, રસોઈ બનાવતાં, ઘર અને આંગણું સાફ કરતાં, કપડાં ધોતાં, વાસણ માંજતાં, પાણી ભરતાં, રોટલીનો લોટ બાંધતાં, મંદિરે જઈ પૂજા કરતાં, ભક્તોને તથા અંતરંગ શિષ્યોને માતૃભાવે પીરસતાં, ભોજન કરાવતાં. અત્યંત ધીરજ અને કરુણાથી સ્વજનોની અને મુલાકાતી શિષ્યોની સુખ-સગવડ સાચવતાં. સ્વજનો પ્રત્યેના તેમના સ્નેહના આ બાહ્ય રૂપને જોઈને ઘણા ખરા ભક્તો તો મૂંઝવણમાં પડી જતા. 

તેમના પરમ મિત્ર, સાથી અને આધ્યાત્મિક રીતે ઉચ્ચ કક્ષા ધરાવતાં જોગીનમાએ એક દિવસ મનોમન વિચાર્યું, ‘ઠાકુરે કેટલો મોટો ત્યાગ કર્યો તે તો અમે જોયું, પણ શ્રીમા તો તદ્દન સાંસારિક જીવનમાં સંપૂર્ણપણે ડૂબેલાં દેખાય છે. દિવસ અને રાત તેઓ પોતાનાં ભાઈઓ, ભત્રીજાઓ અને ભત્રીજીઓમાં ડૂબેલાં રહે છે.’ બીજે દિવસે જ્યારે જોગીનમા ગંગાકિનારે ધ્યાન કરતાં હતાં ત્યારે તેમને શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન થયાં. તેમણે ગંગાના પાણીમાં એક તાજા જ જન્મેલા ઓરથી વીંટળાયેલા ને લોહીથી ખરડાયેલા બાળકનું વહેતું શબ બતાવ્યું. શ્રીઠાકુરે તેમને કહ્યું, ‘શું આ મડદાથી ગંગા અપવિત્ર બને છે? (શ્રીમાને અનુલક્ષીને) તેમના તરફ પણ એ જ દૃષ્ટિથી જુઓ. તેમના પ્રત્યે ક્યારેય શંકા ન રાખો. તેમને અને મને એક જ ગણો.’

શ્રીરામકૃષ્ણ અને શ્રીમા શારદાદેવીના દાંપત્ય જીવન વિશે ચર્ચા કરતાં આપણને બૃહદારણ્યક ઉપનિષદના દંપતી યાજ્ઞવલ્ક્ય-મૈત્રેયીના ગૃહસ્થજીવનનું સ્મરણ થઈ આવે છે. યાજ્ઞવલ્કયને બે સ્ત્રીઓ – મૈત્રેયી અને કાત્યાયની. પ્રવ્રા લેવાની ઇચ્છાથી એક દિવસ યાજ્ઞવલ્કયે જયેષ્ઠ પત્ની મૈત્રેયીને બોલાવીને કહ્યું: ‘મૈત્રેયી! હું તમારાં બંને વચ્ચે મારી સંપત્તિ વહેંચી દેવા માગું છું.’ મૈત્રેયીએ પ્રશ્ન કર્યો: ‘ભગવન્‌! શું એ સંપત્તિ દ્વારા હું અમૃતત્વ મેળવી શકીશ?’ યાજ્ઞવલ્કયે જવાબ આપ્યો, ‘ના, વિષયો દ્વારા કદી અમૃતત્વ પ્રાપ્ત ન કરી શકાય – એ બધા તો ભોગસુખને માટે જ છે.’ આ સાંભળીને મૈત્રેયીએ કહ્યું: ‘જેના દ્વારા મને અમૃતત્વની પ્રાપ્તિ ન થાય તે લઈને હું શું કરું?’ કેવો સુંદર ભાવ! આજકાલ શું કોઈ સ્ત્રીઓ સ્વામીને આવો પ્રશ્ન કરે છે? યાજ્ઞવલ્કયને મૈત્રેયીનો પ્રશ્નાર્થભર્યો ઉત્તર સાંભળીને ખૂબ આનંદ થયો. તેમણે કહ્યું: ‘તમે તો પહેલેથી જ મને બહુ પ્રિય હતાં, હવે આ પ્રશ્ન પૂછી તમે મને વધારે પ્રિય બન્યાં છો.’

શ્રીરામકૃષ્ણ અને શ્રીમા શારદાદેવીનાં જીવનમાં પણ આવો જ એક પ્રસંગ આવે છે : શ્રીરામકૃષ્ણને રોજિંદી જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક ધનાઢ્ય વ્યક્તિએ તેમને દસ હજાર રૂપિયા આપવાનું કહ્યું. શ્રીઠાકુર ત્યાગની પ્રતિમૂર્તિ હતા. તેમણે એ દાન લેવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો. પેલા માણસે આ રૂપિયા શ્રીશારદાદેવીને આપવાની ઇચ્છા પ્રગટ કરતાં તેમણે શ્રીમાને આ દાન વિશે વાત કરી. પરંતુ શ્રીમાએ તો સ્પષ્ટ શબ્દોમાં અસ્વીકાર કરતાં કહ્યું, ‘ખરેખર, હું તો ન જ લઈ શકું. હું એ ધન રાખી લઉં તો એ તમે રાખ્યા બરાબર જ છે. જો હું તે રૂપિયા રાખીશ તો તે તમારા માટે જ વપરાશે. હકીકતમાં તો તે રીતે એ ધન તમારું જ ગણાશે. લોકો તો તમારા ત્યાગને માન આપે છે. મારે માટે આ ધન સ્વીકારવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી.’

ત્યાગ જ બધું છે. ત્યાગ જ આપણા ગૃહસ્થધર્મનો મૂળમંત્ર છે. ત્યાગ જ આપણને સાચી રીતે જીવતા રાખે છે. આપણા આ પ્રાચીન પુરાણા આદર્શ ત્યાગને લીધે જ મોગલ શાસન તથા અંગ્રેજના શાસનકાળના વાવંટોળના કપરા સમયે પણ આપણે ટકી રહ્યા છીએ. ધનસંપત્તિ આપણને પરમાર્થ આપી શકે એમ નથી. પૈસા તો માત્ર ભોગની વૃદ્ધિ કરે. સંસારમાં સુખની સાથે દુ:ખ રહેલું છે. – પ્રકાશ અને અંધકારની જેમ એકની પાછળ બીજું એક રહેલ છે. દુ:ખ વિહોણું સુખ સંસારમાં મળે એમ જ નથી. પોતાના ઉચ્ચતમ કક્ષાના ગૃહસ્થ જીવન દ્વારા એ જ જૂના આદર્શને શ્રીઠાકુર અને શ્રીમાએ આપણી સમક્ષ મૂક્યો છે, એ આદર્શ છે : ત્યાગમાં જ ખરી શાંતિ છે.

આ ત્યાગ ઉપરાંત ગૃહસ્થજીવન વિશે શ્રીરામકૃષ્ણદેવનાં ઘણાં બધાં ઉપદેશો અને બોધકથાઓ ઉપલબ્ધ છે. પરંતુ આજના સંસારીઓ પણ પોતાના દૈનંદિન જીવનમાં આચરી શકે તેવા આ ઉપદેશો અને આદર્શોએ શ્રીમાએ પોતાના જીવનમાં વાસ્તવિક રીતે જીવી બતાવ્યા હતા. આમ તો બાહ્ય રીતે તો શ્રીમા એક સામાન્ય હિંદુ ગૃહસ્થનારી જેવાં જ દેખાતાં. એક સ્વજનના મૃત્યુ સમયે તેઓ રડી પડ્યાં. બીજે દિવસે દુ:ખનું કારણ સમજાવતાં તેમણે કહ્યું હતું, ‘હું આ દુનિયામાં જીવું છું. મારે પણ આ સંસાર-વૃક્ષનાં ફળ ચાખવાં જોઈએ.’ શ્રીરામકૃષ્ણદેવે એક વખત કહ્યું હતું, ‘ઈશ્વર જ્યારે મનુષ્ય અવતાર લે છે ત્યારે તે મનુષ્યની જેમ જ વર્તે છે. તેને ભૂખ-તરસ લાગે છે અને તે રોગ, દુ:ખ અને ભયનો ભોગ પણ બને છે.’

આ તદ્દન સાધારણ માનવસ્વરૂપિણી શ્રીમાએ પોતાના દિવ્યસ્વરૂપને કેવી રીતે ઢાંકી દીધું હતું તે વિષે શ્રીરામકૃષ્ણદેવના એક સાક્ષાત્‌ શિષ્ય સ્વામી પ્રેમાનંદજી મહારાજે પોતાના એક પત્રમાં સરસ રીતે વર્ણન કર્યું છે: ‘રાજરાજેશ્વરી જેવાં શ્રીમાએ સ્વેચ્છાએ એક ગરીબ ગૃહિણીની જેમ અકિંચનભાવે રહીને જીવે છે. તેઓ પોતાના ઘરને સાફસૂફ કરે છે, ઠામવાસણ સાફ કરે છે, દાળ ચોખા જુએ છે – સાફ કરે છે. એટલું જ નહિ ખાખાં અને ભક્તોનાં એંઠાં પતરાળા પણ ઉપાડે છે. ભક્તોના ભોજન પછી ભોજન સ્થાનની સફાઈ કરવામાં પણ એમને શરમ ન થતી. જયરામવાટીમાં રહીને ગૃહસ્થ ભક્તોએ પોતાની ફરજો કેવી રીતે અદા કરવી જોઈએ તે વિષે, જાતે મુશ્કેલીઓ વેઠીને તેઓ ઉદાહરણ પૂરું પાડે છે. અસીમ ખંત, કરુણા અને એની સાથે નિર્ભેળ સાદગી અને નિર્દંભીપણું, આ છે શ્રીમાના આદર્શ સદ્‌ગુણો.’

પોતાની મહાસમાધિ પહેલાં શ્રીરામકૃષ્ણે એક વાર શ્રીમાને કહ્યું હતું: ‘તમે કામારપુકુરમાં રહેજો. શાકભાજી ઉગાડજો; શાક ને ભાત ખાજો અને હરિનામ લેજો.’ આ શ્રીરામકૃષ્ણનો આદેશ ન હતો પણ એ એમની ઇચ્છા હતી. સાથે ને સાથે ગુજરાન કેમ ચલાવવું તેનો એમાં સંકેત હતો. પોતાના સ્વામીના આ શબ્દો સાચા પાડવા માટે જ જાણે શ્રીમાને એ વખતે આવી જ રીતે દિવસો વિતાવવા પડ્યા. એવા દિવસો પણ આવ્યા કે જ્યારે માત્ર થોડા ભાત તો મળ્યા, પરંતુ સાથે મીઠું ન મળ્યું. ઘણા લાંબા વખત પછી શ્રીમાની આ પરિસ્થિતિની ખબર ભક્તોને કાને પડતાં તેઓ તેમને કલકત્તા લઈ આવ્યા. પણ એ તો ઘણા વખત પછીની વાત. ત્યાં સુધી તો કામારપુકુરમાં ખૂબ કષ્ટ વેઠીને પણ શ્રીમા ઠાકુરના ઘરમાં જ રહેતાં; પોતાને વેઠવા પડતાં કષ્ટનો સહેજ માત્ર પણ આભાસ આવવા ન દેતાં. આ પળે એમના કાનમાં શ્રીઠાકુરનો આ છેલ્લો આદેશ ગુંજતો હતો: ‘જોજો, કોઈની પાસે એક પૈસા માટે પણ હાથ ન લંબાવતાં. તમને સાધારણ કપડાં ને ખોરાકનો અભાવ નહિ રહે. એક પૈસા માટે પણ કોઈની પાસે હાથ લંબાવવો એટલે કે એમની પાસે તમારું માથું જ વેચી દીધા બરાબર છે, એમ જાણજો. બીજા ઉપર ખાવા પૂરતો આધાર રાખવો એ હજુ પણ સારું, પણ બીજાને ઘરે રહેવું જરાય સારું નહિ. ભક્તો તમને ખૂબ આદરમાન સાથે પોતાને ઘેર ભલે રાખે, તો પણ કામારપુકુરનું તમારું પોતાનું ઘર સાચવી રાખજો.’

પોતાના દૈનંદિન જીવનમાં આવતી વિપત્તિની વિવિધ વેળાએ કેવી ધીરતા-સ્થિરતાથી રહેવું અને બને ત્યાં સુધી અબોલ રહીને જીવવું, દુ:ખકષ્ટ સહન કરવાં તેમજ પોતાનાં મનહૃદયને પૂર્ણપણે ભગવન્મય બનાવી દેવાં; આ બધું શ્રીમાના આ જીવનાચરણથી આજના સંસારી સામાન્ય ભક્તો પ્રેરણા પામી શકે છે.

દક્ષિણેશ્વર, શ્યામપુકુર ને કાશીપુરમાં આપણે શ્રીમાની કાર્યકુશળતા જોઈ છે. દક્ષિણેશ્વરના નોબતખાનાના એક સાંકડા અને શ્રીઠાકુરની ભોજનની ચીજવસ્તુઓથી ભરેલા ઓરડામાં શ્રીમાએ રહેવાનું હતું. આ જ ઓરડામાં એમણે આવનાર ભક્તો માટે અને શ્રીઠાકુર માટે રસોઈ પણ રાંધવાની હતી. કેટલાંક મહિલા ભક્તો પણ આ જ ઓરડામાં આવતાં અને રહેતાં. દીર્ઘકાળ સુધી આવું રહેવાનું કષ્ટ વેઠીને શ્રીમા શ્રીઠાકુરની માંદગીને કારણે શ્યામપુકુરના મકાનમાં અને કાશીપુરના ઉદ્યાનગૃહમાં રહેવાં આવ્યાં ત્યારે પણ ઓરડાની સુવિધા તો નોબતખાના કરતાંય ઓછી હતી. આજના યુગની નારીઓ વિશેષ કરીને મોટાં શહેરોમાં રહેતી અને સામાન્ય ઘરની નારીઓ ઓછામાં ઓછી સુવિધાવાળા ઘરમાં પણ બધી દૈનંદિન પ્રવૃત્તિઓ કેવી રીતે કરી શકે તેનું એક આદર્શ ઉદાહરણ શ્રીમાએ પોતાના કોલકાતાના દીર્ઘકાલીન વાસ દરમિયાન પૂરું પાડ્યું છે.

કામારપુકુરમાં એમના પર કામનો બધો બોજો આવી પડ્યો. ત્યારે એમની કાયર્ર્શક્તિ અનેકગણી વધી ગઈ હતી. શ્રીમાએ પોતે જ બધી વ્યવસ્થા કરવી પડતી; રઘુવીરનો ભોગ રાંધીને ધરાવવાનો રહેતો. પૂજા પહેલાં શ્રીમાએ હાલદારપુકુરમાં સ્નાન કર્યા પછી ઘરે આવીને મધ્યાહ્‌ન પહેલાં જ બે સગડી ઉપર રસોઈ કરી લેવી પડતી; કારણ કે ભોગ હંમેશાં મધ્યાહ્‌ન પહેલાં જ ધરાવવો જોઈએ. આ બધાં વિધિવિધાનો અને નિયમોનું ચુસ્ત પાલન, ઉપવાસ, એકટાણાં, શારીરિક શ્રમ, સ્વેચ્છાપૂર્વક સ્વીકારેલી ગરીબાઈ વગેરેના પાલન દ્વારા શ્રીમા શ્રીરામકૃષ્ણની ઇચ્છાનું અક્ષરશ: પાલન કરી રહ્યાં હતાં.

શ્રીઠાકુર પાસેથી શ્રીમાએ ગૃહસ્થ જીવનનો એક ઘણો મહત્ત્વનો ઉપદેશ ગ્રહણ કર્યો હતો. આ ઉપદેશો હતા: ‘જ્યારે જેવું હોય ત્યાં તેવી રીતે રહેવું, જેનો જેવો સ્વભાવ તેની સાથે તેવું વર્તન, જેવાં સ્થાનપરિવેશ તેવું આચરણ.’ આ સાદાસીધા પણ જેનું પાલન કરવું ઘણું દુષ્કર બની રહે તેવા ઉપદેશોને શ્રીમાએ પોતાના જીવનમાં સહજ રીતે જીવી બતાવ્યા. આ ઉપદેશોને જો આપણે સૌ આપણા પોતાના દૈનંદિન જીવનમાં ઉતારી શકીએ તો આપણું જીવન ધન્ય બની જાય, એમાં શાંતિ અને આનંદ ભરપૂર ભરાઈ જાય. 

શ્રીમા સાથેનાં પોતાનાં સંસ્મરણો વાગોળતાં ઉપર્યુક્ત ઉપદેશ શ્રીમા પોતાના જીવનમાં આચરણ દ્વારા ગૃહસ્થ ભક્તોને કેવી રીતે આપતાં તેની વાત કરતાં ચારુબાલાદેવી કહે છે: ‘૧૯૧૨ના ક્રિસમસની રજાઓમાં અમે કાશી ગયાં. શ્રીમાના જન્મદિવસે સર્વમંગલાદેવી અને મેં ભરવાડણ ભાનુફોઈને પ્રણામ કર્યા. આ સાંભળીને ગોલાપમાએ અમને બંનેને ઠપકો આપ્યો અને કહ્યું: ‘જુઓ તો ખરા, આ જુવાન છોકરીઓની ભક્તિભાવના! બ્રાહ્મણની છોકરીઓ અને ભરવાડની સ્ત્રીના ચરણોનો સ્પર્શ કરે! આમ કરીએ તો આવાં લોકો અહં ભાવને પોષતા બનશે અને કોઈનીય દરકાર કરશે નહિ.’ શ્રીમાએ આ બધું સાંભળ્યું અને એમણે ગોલાપમાને અમારી હાજરીમાં જ કહ્યું: ‘આ ગોલાપનું વર્તન જુઓ, આવા પ્રસંગે જ્યારે બધા આનંદમાં મગ્ન છીએ ત્યારે તેમણે આ છોકરીઓનું મન કેવું દુભવ્યું! એની વાત મનમાં ન લેતા. એક ભક્ત રૂપે તમે ગમે તેને પ્રણામ કરી શકો છો. એમાં કંઈ હાનિ થવાની નથી.’

એકવાર શ્રીમાએ પોતાના પુત્રને સાંસારિક જીવનમાં પાછો લઈ જવા ઇચ્છતાં માખનબાલાદેવીને કહ્યું: ‘સંસાર ત્યાગી બનીને સંન્યાસી બનનાર પુત્રને જન્મ આપવો એ માતા માટે એક મહાન સદ્‌ભાગ્ય ગણાય. સામાન્ય લોકો તો એક પીતળનું વાસણેય ત્યજી શકતાં નથી. શું સંસાર ત્યાગ કરવો એ કોઈ રમતવાત છે? તમે શા માટે દુ:ખી થાઓ છો, શોક કરો છો? તમે તો માત્ર તેને જન્મ આપ્યો અને ઉછેરીને મોટો કર્યો. તમારા મૃત્યુની પળે તે તમારી સન્મુખ જ હશે.’ આવી સલાહ આપનાર શ્રીમા બીજા એક પ્રસંગે સંન્યાસ લેવા ઇચ્છતા માખનલાલ દત્તને આમ પણ કહે છે: ‘તમારા કુટુંબમાં કોણ કોણ છે? તમે લગ્ન કર્યાં છે?’ માખનલાલ દત્તે જવાબ આપ્યો: ‘પિતા જીવે છે, માતા મૃત્યુ પામ્યાં છે અને મેં હજુ લગ્ન કર્યા નથી.’ શ્રીમાએ તેને સલાહ આપતાં કહ્યું: ‘તો પછી તમે સંન્યાસી ન બની શકો. તમે તમારા વૃદ્ધ પિતાની સેવા કરો. લગ્ન વિના પણ ઘરમાં રહો ત્યારે એક સંન્યાસીની જેમ રહી શકો છો.’

(ક્રમશ:)

Total Views: 108

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.