મનુષ્યને સુખ મળે ત્યારે એ એમ માને છે કે ભગવાનની કૃપા છે અને દુ:ખ આવે છે ત્યારે એમ સમજે છે કે ભગવાનની અવકૃપા છે. આપણા સુખને કે દુ:ખને ભગવાન સાથે કાંઈ સંબંધ નથી. સુખ-દુ:ખ આપણી જીવન વિશેની સમજણ પર, એમને જોવાની દૃષ્ટિ પર, આપણી માન્યતાઓ પર, આપણાં કર્મો પર આધારિત છે; ઋણાનુબંધ પર અવલંબિત છે.

ભગવાન ભક્તની કસોટી કરે છે એમ ઘણી વાર કહેવાય છે. સારા માણસને, સાધુ-સંતને, પ્રભુભક્તને જીવનમાં મુશ્કેલીઓ કે દુ:ખો ન આવવાં જોઈએ એવી આપણી માન્યતા છે. પણ કર્મના અફર નિયમો ભેદભાવ વિના કાર્યરત છે. જ્ઞાની, સાધુ-સંત, ભક્ત કે સજ્જન આ સમજે છે એટલે વિષમ પરિસ્થિતિમાં એના મનમાં વિષાદ થતો નથી. શરીર અને શરીર સાથે સંકળાયેલી તમામ બાબતો પરત્વે તે જળકમળવત, અલિપ્ત રહે છે. એની દૃષ્ટિ એણે ધારણ કરેલ શરીર પર હોતી નથી, પણ ધારક તત્ત્વ પર હોય છે, એટલે આપણે મન જે પરિસ્થિતિ કસોટીવાળી લાગે તે એમને મન સહજ હોય છે. એમનું અનુસંધાન પરમ તત્ત્વ સાથે હોય છે, એટલે દેહભાવમાં રમવાનું તેઓ શા માટે પસંદ કરે? આત્મભાવમાં સ્થિર થવાને બદલે દેહભાવમાં આવાગમન ચાલુ હોય ત્યાં સુધી દ્વન્દ્રનું અસ્તિત્વ રહે છે અને એનો પ્રભાવ પણ વર્તાય છે. સાધકની, ભક્તની કે જ્ઞાનીની આ અંગે સમજણ હોવાથી દેહભાવમાં જવાનું તેઓ જાગૃતપૂર્વક ટાળે છે અથવા દેહની ચિંતા કરતા નથી.

આ બાબત ભારતના સંતો-ભક્તો માટે જેટલી સાચી છે તેટલી જગતમાં ઘણા સંતો-ભક્તો કે સાધ્વીઓ માટે ય સાચી છે. દેહકષ્ટ સહન કરનાર આ વિભૂતિઓ જુદી જ માટીની બનેલી હોય છે. અહીં મહાન સાધ્વી રાબિયાનું નામ યાદ આવે છે. મુસ્લિમ સંતોમાં સંત-શિરોમણિ રાબિયાની હસ્તી અદ્વિતીય હતી. ચરિત્રકારો કહે છે કે સ્ત્રી-સંતોમાં તો તે અગ્રણી હતી જ, પણ જે પુરુષ-સંતો થઈ ગયા એમાં એ જે ભલે સૌથી આગળ ન હોય, પણ એ મહાન સંતોથી ઓછી કક્ષાની નહોતી.

એના માતા-પિતા ઈશ્વરમાં સંપૂર્ણ વિશ્વાસ રાખનાર, સાચાં ભક્ત અને જે કાંઈ મળે તેનાથી ચલાવી લેનાર સીધાં-સાદાં મુસ્લિમ હતાં. રાબિયાના જન્મ વખતે તેઓ અતિશય ગરીબ હતાં. કહે છે કે એમના ઘરમાં કોડિયામાં પૂરવા માટે તેલ નહોતું કે નહોતા રાબિયાને ઓઢાડવા કોઈ કપડાનો ટુકડો. એ જમાનામાં બાળકની નાભિ પર તેલ મૂકવાની પ્રથા હતી, પણ એટલું ય તેલ ઘરમાં નહોતું. પાડોશી પાસેથી પણ તેલનું ટીપું નહીં મળેલું.

રાબિયા જન્મ-દુખિયારી હતી. માતા-પિતાના અવસાન પછી ભયંકર દુષ્કાળ પડ્યો. એ પોતાની ત્રણ બહેનોથી છૂટી પડી ગઈ. રાબિયાને પણ કોઈ ઉપાડી ગયું અને એને ગુલામ તરીકે વેચી દીધી. એ એક વિલાસી ધનવાનને પનારે પડી. ભગવાને રૂપ આપ્યું નહોતું એટલે એને નસીબે પારાવાર વૈતરું આવ્યું. એના શેઠને ત્યાં મહેમાનોની અવરજવર ખૂબ રહેતી. મોટી મોટી મિજલસો જામતી.

રાત્રિના ભોજન પ્રસંગે દાસ-દાસીઓને ઢોર માર પડતો. વહેલી સવારથી મોડી રાત સુધી કામ કરતાં અને ક્યારેક તો એટલો માર પડ્યો હોય કે મહિનાઓ સુધી પીડાતાં. રાબિયાની હાલત પણ ઘણી ખરાબ હતી. પણ એ જુદી માટીની બનેલી હતી. અસહ્ય હાડમારીઓ વચ્ચે એ ચિત્તની સ્વસ્થતા જાળવી રાખતી.

બંગાળીમાં લખાયેલા ‘પંચકન્યા’ ગ્રંથમાં રાબિયા વિશે હૃદયને કંપાવી દે એવો પ્રસંગ નોંધાયો છે. કહે છે કે એક દિવસ રાબિયાના માલિકને ત્યાં મેળાવડા જેવું હતું. કવિઓ, ફિલસૂફો, જ્યોતિષીઓ, હકીમો એમ વિવિધ પ્રકારના લોકો એકત્રિત થયા હતા. ભાતભાતના વિષયોની ચર્ચાઓ ચાલી રહી હતી. માલિકને આ ચર્ચામાં રસ નહોતો. તેને શરાબના પ્યાલા ગટગટાવવાનું વિશેષ ગમતું.

રાબિયા આ મિજલસમાં સ્વાદિષ્ટ વાનગીઓ અને શરાબ આપવાનું કામ કરતી હતી. થાળીઓમાં માંસાહારી ખોરાક પીરસાયો હતો. એક મહેમાને હાડકાંની ગાંઠમાંનું માંસ બહાર કાઢીને કહ્યું કે ખુદાએ આ ગાંઠ કેવી કારીગરીથી બનાવી છે! માણસના શરીરમાં આવી ગાંઠ હોય ખરી?

મિજલસમાં હકીમ હાજર હતા. તેમણે કહ્યું: મનુષ્યના શરીરમાં ગાંઠ તો હોય જ, પણ ચોપગાં અને બેપગાં પ્રાણીઓના હલનચલનમાં તફાવત હોવાથી ગાંઠની રચનામાં સાધારણ ફેર છે.

મહેમાનને એ તફાવત જોવામાં રસ હતો. બંને ગાંઠ સાથે મુકાય તો જ બંને વચ્ચે શું ફેર છે તે ખ્યાલમાં આવે. પણ માણસની ગાંઠ કાઢવી ક્યાંથી? તેણે યજમાન સમક્ષ પોતાની ઇચ્છા દર્શાવી. રાબિયાના શેઠે તરત કહ્યું: આ અમારી દાસીનો પગ ચીરી એ ગાંઠ કાઢી સરખાવી જુઓ. એમાં શું મોટી વાત છે!

માલિકની ઇચ્છાને કોણ રોકી શકે? બીજાં દાસ-દાસીઓએ રાબિયાને પકડી હાજર કરી દીધી. હકીમે છરી વડે એની જાંઘ કાપીને પેલી ગાંઠ બહાર કાઢી. પેલા મહેમાનને અને ત્યાં ઉપસ્થિત રહેલાં બીજા લોકોને તેમાં કુદરતની કરામત જોવા મળી. થોડીવાર પછી હકીમે એ હાડકાની ગાંઠ અને માંસપેશીઓ પાછી ગોઠવી દીધી, પાટો બાંધી દીધો અને રાબિયાને એની ઓરડીમાં મૂકી દેવામાં આવી.

રાબિયાના પગમાં કેટલી પીડા થતી હશે તેની કલ્પના જ કરવાની રહી. લેખક કહે છે શરીરની પારાવાર પીડા વચ્ચે રાબિયા ખુદાતાલાને અતિશય ભાવપૂર્વક યાદ કરતી રહી. આવી વિષમ સ્થિતિમાં તે ઈશ્વરને ‘શુક્ર ખુદા’ કહી ધન્યવાદ આપતી રહી.

તે વેળા એણે ન માલિક પ્રત્યે નફરત બતાવી, ન ઈશ્વરને ક્રૂર કહ્યા. તેણે ખુદાને કહ્યું તે હૃદયમાં કોતરી રાખવા જેવું છે: આવું દુ:ખ આપીને તેં તારો મહિમા અને અપાર કરુણા દર્શાવી છે. આટલા બધા દિવસ તેં મને કેટલા બધા સુખમાં રાખી હતી! શરીરનું માત્ર એક જ અંગ છેદીને તેં મને કેવી સમજણ આપી કે અનેક આપત્તિઓમાં તે કેવી રીતે મારું રક્ષણ કર્યું છે. પ્રત્યેક પળે તે મારી કેટલી કાળજી રાખી છે! તારી આ અપાર દયાનો વિચાર કરતાં મને મારી અયોગ્યતા માટે બહુ જ શરમ આવે છે. આ વખતે પણ તેં વગરમાગ્યે મારા પર ઉદાર કરુણા કરી છે તેનું મને જ્યારે સ્મરણ થાય છે ત્યારે તારી પ્રાર્થના કરતાં પણ હું શરમ અનુભવું છું.

કહે છે કે રાબિયાને એક મહિનો પથારીમાં રહેવું પડ્યું હતું. તેણે ક્યારેય માલિકની નિંદા કરી નહોતી. તેણે કદી ભાગ્યનો કે ઈશ્વરનો દોષ કાઢ્યો નહોતો. જે થાય છે તે દેહને થાય છે અને એનો વસવસો કરવાને બદલે આત્મભાવમાં, ઈશ્વરભાવમાં સ્થિર રહેવું ઈષ્ટ છે એવું તે માનતી-સમજતી હતી.

એક રાત્રે તે ઈશ્વરની પ્રાર્થના કરતી હતી ત્યારે અલ્લાને ડૂસકાં ભરતી કહેતી હતી: તેં મને બીજાની મિલકત બનાવી દીધી છે એટલે દિવસ દરમિયાન તારા દરબારમાં આવવાની કુરસદ મળતી નથી. હું માલિકની જ સેવામાં રચીપચી રહું છું; પરંતુ, હે મારા હૃદયના સ્વામી! તું જાણે હે છે કે મારી ઇચ્છા તારી સેવા કરવાની છે. તારો દરબાર મારી આંખોની રોશની છે. જો હું આઝાદ હોત તો તેં આપેલી આ જિંદગીની પ્રત્યેક ક્ષણ તારી સેવા ચાકરીમાં, તારી પ્રાર્થના-ભક્તિમાં જ પસાર કરત, પણ જેવી તારી ખુશી!

માલિક ઓરડી બહાર ઊભો હતો. તેણે ધ્યાનપૂર્વક રાબિયાની પ્રાર્થના સાંભળી. એને લાગ્યું કે રાબિયા સામાન્ય સ્ત્રી નથી. પણ અતિ પવિત્ર સ્ત્રી છે. આવી સ્ત્રીને ગુલામ તરીકે રાખવી એ મોટું પાપ છે.

બીજે જ દિવસે તેણે રાબિયાને મુક્ત કરી દીધી. તેની માફી માગી અને કહ્યું: તારે અહીં રહેવું હોય તો રહે, પણ દાસી તરીકે નહીં. હું તારી સેવા-ચાકરી કરીશ.

ઈશ્વરને સમર્પિત થઈ ચૂકેલી રાબિયા કોઈની સેવા શેની લે? એ એકાંતમાં ચાલી ગઈ અને રાત-દિવસ જોયા વિના ઈશ્વરની આરાધના કરતી રહી.

રાબિયા પોતાના શરીરને પીડા થતી તો ભગવાનને ફરિયાદ કરવાને બદલે એમની કરુણા માટે આભાર માનતી તે આપણે જોયું. એણે એક માણસને માથે પટી બાંધેલી જોઈ એટલે પૂછ્યું: ભાઈ, કપાળ પર પટી કેમ બાંધી છે? પેલાએ કહ્યું: મારું માથું દુ:ખે છે. રાબિયાએ તેને ઉંમર પૂછી તો તેણે કહ્યું: ત્રીસ વર્ષનો છું. રાબિયાએ પછી એક વિશિષ્ટ પ્રશ્ન કર્યો: આ ત્રીસ વર્ષમાં તું બીમાર હતો કે તંદુરસ્ત? પેલાએ કહ્યું: તંદુરસ્ત. પછી રાબિયાએ તેને જે કહ્યું તે અદ્ભુત છે: આટલા દિવસ તું તંદુરસ્ત રહ્યો તે માટે આભાર માનવા અથવા ઈશ્વરને ધન્યવાદ આપવા તેં ક્યારેય પટી ન બાંધી અને એક દિવસ માથું દુખ્યું એમાં ફરિયાદ કરવા પટી બાંધી દીધી!

ના. અહીં કશું ફરિયાદ કરવા જેવું નથી. જે કાંઈ મળ્યું છે તે માટે અંતરથી ઈશ્વરનો આભાર માનવાનો છે. પણ સારું અથવા વધુ સારું મેળવવાની તીવ્રતમ લાલસાને લીધે જ ખરેખર મળ્યું છે તેનો સરખી રીતે ઉપયોગ કરવાનું ચૂકી જઈએ છીએ અને જે નથી મળ્યું તેનો ઊંડો અસંતોષ સેવીએ છીએ. એ રીતે આપણે વર્તમાનનો સાંગોપાંગ લાભ ઊઠાવવાને બદલે ભવિષ્ય પાછળ દોડ્યા કરીએ છીએ.

જીવન વિશેની આપણી સમજણ કાચી લાગે છે. સાંકડી પગદંડીની બંને બાજુ ઊંડી-ઊંડી ખીણો આવેલી હોય અને આવી પગદંડી પર લાંબો પંથ કાપવાનો હોય તેના જેવું, બેધારી તલવાર પર ચાલવા જેવું આ જીવન છે. જે જાગૃત અને નિર્ભય રહી આ કેડી કે ધાર પર ચાલવાની હિંમત કરે છે તેને જીવન બોજારૂપ લાગવાને બદલે મંગલમય અને આનંદસભર લાગે છે. પણ જે વ્યક્તિ કેડી પર અથવા ધાર પર ચાલવાનો પુરુષાર્થ કરવાને બદલે રાજમાર્ગ જોઈએ છે એવી બૂમો પાડ્યા કરે છે તે વર્તમાન અને ભવિષ્ય બંનેને રગદોળી નાખે છે.

રાબિયાએ ‘હરિ કરે સો હોય’ એ સંતોની અનુભવવાણીમાં જીવનની પરમ સાર્થકતાનો અનુભવ કર્યો. આપણે પણ સકલ ઘટનાઓમાં ઈશ્વરની ઇચ્છાને બળવાન ગણીશું તો જીવન આનંદયાત્રા બની રહેશે.

Total Views: 184

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.