‘શ્રીશ્રીમા’ના આદરણીય નામથી સુવિખ્યાત થયેલાં એવાં શ્રીરામકૃષ્ણદેવનાં લીલા સહચારિણી પૂજ્ય શારદામણિદેવીના સાચા સ્વરૂપની ઓળખાણ આપી જતું એક સ્વત: પ્રમાણભૂત વિધાન તો શ્રીરામકૃષ્ણદેવે પોતે જ સ્વમુખથી આ પ્રમાણે કર્યું છે : ‘એ શારદા છે, સરસ્વતી છે જ્ઞાન દેવા માટે આવી છે… એ મારી શક્તિ છે.’ વળી, એક પ્રસંગે શિવરામ પાસે શ્રીશ્રીમાએ સ્વયં શ્રીમુખે સ્વીકાર કર્યો હતો કે તેઓ માતા કાલી જ છે. આ વાત શિવરામને માથે હાથ મૂકીને શ્રીશ્રીમાએ બીજી વખત પણ કબૂલી હતી. એમના આત્મપ્રકાશનાં અન્ય ઉદાહરણો પણ ક્વચિત્‌ ક્વચિત્‌ મળી શકે તેમ છે.

આમ છતાં, પોતાના રોજબરોજના જીવનક્રમમાં ઝાડુ વાળતાં, વાસણકૂસણ માંજતાં, રસોઈ કરતાં, કપડાં ધોતાં, અતિથિઓનો સત્કાર કરતાં એવાં આ શાન્ત અને ખૂબ શરમાળ તેમજ ગ્રામીણ અને નિરક્ષર મહિલાને જોઈને કોઈ પણ સામાન્ય માનવ એમની ઉપરિનિર્દિષ્ટ વિભૂતિમત્તાનાં દર્શન કરી શકે તેમ નથી. આવું શા માટે થયું હશે? આ લીલારહસ્ય શું હશે?

આ વિશે શ્રીશ્રીમાના નિકટના સન્નિષ્ઠ સેવક અને શ્રીઠાકુરના સાક્ષાત્‌ શિષ્ય સ્વામી શ્રી શારદાનંદજી મહારાજ પણ જાણે અનેક ભક્તજનોના મનનો પડઘો પાડતા હોય એમ જણાવે છે કે ‘‘આપણે બહુ બહુ તો શ્રીઠાકુરની વિભૂતિમત્તાના અણસારા તો અવારનવાર મેળવી શકીએ ખરા, પણ આ મહિલા (શ્રીશ્રીમા)ના મહિમાને તો સહેજ પણ જાણી શકતા નથી. એમણે પોતાની આસપાસ માયાનો એવો જાડો પડદો નાખી દીધો છે કે એમાંથી કોઈ પણ મનુષ્ય એમના મહિમાને જોઈ – જાણી શકે જ નહિ.

શ્રીશ્રીમાની સાચી ઓળખ મેળવવા માટે યથાશક્તિ મથામણ કરીને શ્રીરામકૃષ્ણદેવના લગભગ બધા જ સાક્ષાત્‌ શિષ્યોએ તેમજ શ્રીશ્રીમાના અનેકાનેક અંતેવાસીઓએ, ભક્તોએ, પરિચિતોએ ઉચ્ચારેલી અહોભાવભરી ભાવવિભોર વાણીનું તેમજ એ બધાની દિવ્યાતિદિવ્ય અનુભૂતિઓનું બયાન કરવા બેસીએ તો તો માતૃસ્તુતિનું એક સ્વતંત્ર પુસ્તક લખી શકાય તેમ છે.

અન્ય અવતારોની પેઠે જ શ્રીઠાકુરે અને શ્રીશ્રીમાએ આત્મપ્રકાશનના ઉદ્‌ગારો કેટલાક અનિવાર્ય પ્રસંગોએ કાઢ્યા હોવા છતાં પણ લગભગ બધા જ અવતારી આત્મસંગોપનની લીલા કરતા દેખાય છે. એમણે કરેલો આત્મપ્રકાશનનો ઝબકારો માયાશક્તિને બળે વિસરાઈ જ જાય છે અને એ અવતારો પોતાની વિભૂતિમત્તાને ઢાંકીને જ પોતાનું અવતારકૃત્ય આરોપતા જતા હોય, એવું જણાય છે. એમની અવતારલીલાઓ ભલભલાને ભુલાવામાં નાખી દેતી હોય છે. પોતાના સમકાલીન સમાજના તેમજ તે સમય પછીના કેટલાક લોકો પણ ઘણીવાર એને પારખી શકતા નથી. સીતા માટે રોતાકકળતા રામને ભાળીને માતા ભવાનીને પણ ભ્રમ થયાનું તુલસીદાસે લખ્યું છે; ભરવાડો ભેળા ગાયો ચારતા કૃષ્ણને નિહાળીને બ્રહ્મા અને ઇન્દ્ર જેવાને પણ શંકા થયાનું ભાગવત જણાવે છે. વિચિત્ર વેશભૂષાધારી અને ભૂતપ્રેતના સહચર ભોળાનાથની વિભૂતિને દક્ષ પ્રજાપતિ પણ ક્યાં સમજ્યો હતો? રાવણ અને બાણાસુર જેવા એમના ભક્તો ય ભ્રમણાના શિકાર થયા હતા જ. આ તો બધી જાણીતી વાતો જ છે; વળી, જડભરત, દત્તાત્રેય વગેરેનાં આત્મસંગોપનનાં અનેક ઉદાહરણો આપણાં પુરાણોમાં મોજૂદ છે જ.

પરંતુ, પ્રશ્ન એ થાય છે કે આ બધી અવતારી વિભૂતિઓ ધરતી ઉપરના પોતાના જીવન દરમિયાન કેવા પ્રયોજનથી આવું આત્મસંગોપન કરતી હશે? એમના જીવનમાં વ્યાવહારિક સ્તરે નિરીક્ષણ – પરીક્ષણ કરવાથી અથવા તો એ વિશે અનુમાનો કે કોઈ સરખામણી કરવાથી, અથવા તો કોઈ કલ્પના – તર્ક દોડાવવાથી કે માન્યતા ધરાવવાથી એ લીલાનું પ્રયોજન પારખી શકાય તેમ નથી. એટલે આપણે તો કવિ ભવભૂતિના સૂરમાં સૂર મેળવીને છેવટે કહેવું જ પડે છે કે, ‘लोकोत्तराणां चेतांसि को नु विज्ञातुमर्हति’ – ‘કહો એવા મહાત્માનાં કોણ જાણે ચિત્તને ખરા?’’એટલા માટે જ બાદરાયણ જેવા મુનિએ પણ પોતાનાં બ્રહ્મસૂત્રમાં, “लोकवत् तु लीलाकैवल्यम्” જેવું સૂત્ર લખીને જ સંતોષ માન્યો હશે!

ભગવાન શ્રીકૃષ્ણે, શ્રીરામકૃષ્ણે અને શ્રીશ્રીમા વગેરે ઘણા અવતારોએ સ્વમુખે જ. પોતાના અવતારત્વનું ક્યારેક અનિવાર્ય આવશ્યકતા સમજીને પ્રકાશન કર્યું હોવાના ભલે જૂજ દાખલાઓ પણ મળે તો છે જ. છતાં એની ઝાંખી ઝાઝી વાર રહેતી નથી.

શ્રીશ્રીમાના સીધા સાદા સહજ જીવનના એકતારામાંથી નીકળતા ગેબીના ગુંજારવ તો એ વખતે ગણ્યાગાંઠ્યા કેટલાક વિરલાઓએ જ સાંભળ્યા હતા. અને આપણા સદ્‌ભાગ્યે એવા એ મરમી જનોએ માના મહિમાને છતો કર્યો છે. એની ઓથે જ આપણે મહિમામયી એ શ્રીશ્રીમાને સમજવાનો યત્ન કરી શકીએ છીએ.

શ્રીશ્રીમા તો ભૂમિની ભીતર વહેતી અંત:સલિલા સરસ્વતીની પેઠે જીવન જીવીને શ્રીઠાકુરના સાધનામય જીવનની સંજીવની બની રહ્યો. તેઓ શ્રીઠાકુરમાં પોતાના ‘સ્વ’ને ઓગાળી નાખીને ‘रामकृष्णगतप्राणा’ બની ગયાં હતાં. એ એક અદ્‌ભુત અને અપૂર્વ ઐતિહાસિક ઘટના ગણવી જોઈએ કારણ કે ‘बहुजनहित’નો – સમષ્ટિનો – સાદ પડતા જ્યારે ભગવાન કૃષ્ણ ગોકુળ છોડી મથુરા જવા નીકળ્યા, ત્યારે રાધારાણી રુદન કરવા લાગ્યાં હતાં, જશોદા ઝૂરી મર્યાં હતાં; વિશ્વકલ્યાણાર્થે મહાભિનિષ્ક્રમણ કરતા અવતારી સિદ્ધાર્થ માટે યશોધરા વલવલ્યાં હતાંં; શ્રેયોમાર્ગે વળેલા ચૈતન્ય માટે વિષ્ણુપ્રિયાએ પણ વિયોગ વેઠ્યો હતો. પણ અહીં તો એ બધાથી સાવ વિલક્ષણ રીતે જ શ્રીશ્રીમાએ ઈશ્વરના માર્ગે ભળતા શ્રીઠાકુરની સાથે હરખભેર સંવાદિતાભર્યાં ડગલાં ભર્યા હતાં! અને પોતાના ૧૮ થી ૩૪ વરસના સમયગાળા સુધી સાથે જ લીલાયાત્રા કરી હતી. શ્રીશ્રીમાની આર્દ્રવાણી સાંભળો : ‘ના, હું તમને સંસારમાં શા માટે લઈ જાઉં? હું તો તમારા ઈષ્ટપથમાં સહાયક બનવા આવી છું.’ શ્રીશ્રીમાને ઠાકુરે પોતે જ એમના જગન્માતૃત્વની ષોડશી પૂજા દ્વારા એમને પુન: પ્રતીતિ કરાવી હતી.

અને એમ છતાં પણ તે કેટલાં શાન્ત? કેટલાં નીરવ? કેટલાં મૌનમૂક? પરોઢે પડતી ઝાકળ જેવાં જ! અને એ જ રીતે વાતાવરણને ભરી દેતાં, વ્યાપક રીતે પ્રભાવક અને અગમ્ય શક્તિસ્વરૂપ શ્રીશ્રીમા હતાં ઝાકળ જેવી શાન્ત ક્રાન્તિ પણ વાવાઝોડાં જેવી ક્રાન્તિ કરતાં વધુ સ્થાયી અને વધુ બળવાન હોઈ શકે છે, એવી ક્રાન્તિવિભાવના આજે શ્રીશ્રીમાના ગયા પછી આશરે ૮૪ વરસે વધારે સાચી પુરવાર થતી હોય એમ જણાય છે.

આ રહસ્યમય શ્રીશ્રીમાના સ્વરૂપની પૂરી પિછાણ કરવાનું તો કોઈનું ગજું નથી. છતાં પુષ્પદંતના પેલા શબ્દોની ઓથ લઈને આપણે કહીએ કે ‘કરું મારી વાણી તવગુણ કથી પુણ્યઝરતી, વહે એ માટે હે જગજનનિ! તે મારી જ મતિ.’ અને ‘સીમિત બુદ્ધિવાળાએ કરેલ ગુણગાન પણ વ્યર્થ નથી.’

એક બીજી અભૂતપૂર્વ ઐતિહાસિક ઘટના એ છે કે અત્યાર સુધીના પૂર્વ કે પશ્ચિમમાં મનાયેલા અવતારો કે દેવદૂતોએ ક્યારેય સર્વગામી વિશ્વમાતૃત્વના આદર્શનું પ્રસ્થાપન કર્યું નથી. આમ એક બાજુ ઈશ્વરપ્રાપ્તિની યુગલસાધના અને બીજી બાજુ વૈશ્વિકમાતૃત્વનું સ્થાપન આ બન્ને શ્રીશ્રીમા અને શ્રીઠાકુરની વિશ્વને અનોખી દેન છે. એ સ્ત્રીપુરુષના સહયોગના તેમજ વૈશ્વિક માતૃત્વના ચિરસ્થાયી મૂલ્યોને પ્રબોધે છે. આ વૈશ્વિક માતૃત્વની સ્થાપનાને જ પોતાનું અવતારકૃત્ય ગણાવતાં શ્રીશ્રીમા કહે છે : ‘ઈશ્વરનું માતૃસ્વરૂપ પ્રકટ કરવા માટે એમણે (ઠાકુરે) મને પાછળ રાખી છે.’

‘जन्म कर्म च दिव्यम्’- એ ગીતાભાખ્યા અવતારના માનવદેહ પ્રમાણે આપણાં પૂજનીય શ્રીશ્રીમાનું સમગ્ર જીવન પણ દિવ્ય જ છે કારણ કે, દિવ્ય અવતારનાં બધાં જ શાસ્ત્રમાન્ય માનકો અહીં બરાબર રીતે નિયોજાયાં છે. પહેલું માનક એ છે કે શ્રીશ્રીમાનો આવિર્ભાવ માતાપિતાના સંયોગ દ્વારા નથી થયો. તેઓ ‘अयोनिजा’ હતાં – માતા શ્યામાસુંદરીને દર્શન થયું હતું કે ઝાડ નીચે વિસામો લેતી વખતે એક દેવી જેવી રૂપાળી કન્યા તેમને ગળે વળગીને જાણે તેમના શરીરમાં સમાઈ ગઈ હતી. એમની ભગવત્તાનું બીજું માનક પૂર્વની કશીય સાધના વિના સહજ રીતે જ પોતાના પારણામાંથી જ સ્વસ્વરૂપની પરખ તેમને હતી. પ્રભુપૂજામાં તલ્લીનતા, અભાવગ્રસ્તો પ્રત્યે અમાપ કરુણા, સ્વાવલમ્બન વગેરે એના બાહ્ય આવિષ્કારો હતા. એમની ભગવત્તાનું ત્રીજું લક્ષણ સદામુક્ત એવા એ સેંકડો હજારો લોકોનાં તારણહાર હતાં – સર્વનાં માતા હતાં. અને ચોથું માનક એમના પ્રત્યે લોકોનું અદ્‌ભુત આકર્ષણ હતું. દક્ષિણેશ્વરને રસ્તે ભૂલાં પડતાં ભેટેલ ડાકુ પતિ-પત્નીને દિવ્ય પ્રેમે બાંધી એમણે એમને માતાપિતા બનાવી દીધાં હતાં; તેઓ ગામડામાં સીધું સાદું જીવન વીતાવતાં. અને ખેડૂતોનાં દુ:ખમાં સહારો બનતાં; દુષ્કાળપીડિત ગરીબોને ખીચડી પીરસતાં. એમણે પોતાના શૈશવના આ પ્રથમ અધ્યાયમાં પણ કેટલીક અદ્‌ભુત અનુભૂતિઓ કરી હતી.

જીવનના બીજા તબક્કામાં, બાળપણમાં એમણે સ્વેચ્છાવરણ કરેલા અને દક્ષિણેશ્વરમાં રહેતા શ્રીરામકૃષ્ણ પાસે તેઓ જાય છે અને એક નવીન ઇતિહાસ સર્જાય છે. શ્રીરામકૃષ્ણ એમને વ્યવહાર અને પરમાર્થની કેળવણી આપે છે, અને એમને ષોડશીપૂજા વખતે એમના સાચા સ્વરૂપની યાદ આપે છે. નોબતખાના નિવાસના કષ્ટદાયક જીવનમાં પણ તેમણે ભક્તો સાથે શ્રીરામકૃષ્ણદેવનો દિવ્ય લીલાવિલાસ માણવાનો લહાવો લીધો. આમ જ્યારે એમનું તથાકથિત ઘડતર પૂરું થયું ત્યારે ઠાકુરે એમને જવાબદારી સોંપતાં કહ્યું કે ‘આણે (પોતે) જે કંઈ કર્યું છે એનાથી પણ વધારે કાર્યો તમારે કરવાં પડશે?’ અને એના પૂર્વરંગરૂપે ઠાકુરના યુવાન ભગવાંધારી સંન્યાસીઓએ સર્વપ્રથમ માધુકરી શ્રીશ્રીમા પાસેથી જ લીધી!

શ્રીશ્રીમાના જીવનનો પૂરાં ચૌદ વરસનો આ બીજો અધ્યાય આ રીતે શ્રીરામકૃષ્ણદેવની એકનિષ્ઠ સેવા, અસંખ્ય ભક્તોની કાળજીપૂર્વકની સારસંભાળ, આત્મસંગોપન અને પોતાના લોકોત્તર સ્વામી શ્રીરામકૃષ્ણના માર્ગદર્શન નીચેની પ્રખર આધ્યાત્મિક સાધનાના દિવ્યાતિદિવ્ય આનંદમાં પૂરો થાય છે.

હવે તેમની ત્રેવીસ વર્ષની વયે, તેમના જીવનનો ત્રીજો, અતિમહત્વનો, સંઘર્ષમય અને છતાં સમૃદ્ધ એવો ચોત્રીસ વર્ષનો સૌથી લાંબો અધ્યાય આરંભાય છે. આ કાલખંડમાં જ શ્રીશ્રીમા ‘સંઘજનની’નું અને જગજ્જનનીનું પ્રશસ્ય પદ પામ્યાં, પણ ખૂબ અચરજ તો એ છે કે તેઓ પોતે ભાઈ-ભાભી ભત્રીજીઓની કલેશકારક દુનિયાદારીના કાવાદાવાભર્યાં ક્ષુદ્ર અને વિરોધી વાતાવરણની વચ્ચે રહીને આ ઉચ્ચતમ આધ્યાત્મિક અવસ્થા પ્રાપ્ત કરી શક્યાં! આવી ભારે કપરી કસોટી તેમણે શાન્તિ, ક્ષમા, પ્રેમ, વાત્સલ્ય, સેવા, મૌન અને વ્યાપકદૃષ્ટિ – ઉદારતા સાથે પાર કરી. દૈવી માતૃશક્તિ સિવાય આ ભલા કોણ કરી શકે?

એમણે શ્રીરામકૃષ્ણભાવધારાને પૂર્ણત્વ આપ્યું. પોતાના સ્વામી – ગુરુ શ્રીઠાકુરના સંદેશની સતત વિકાસવૃદ્ધિ એમના જીવનમાં પ્રકટ થઈ. તેઓ પ્રભુકેન્દ્રી, પ્રભુવ્યાપ્ય અને માનવપ્રેમી હતાં. શ્રીઠાકુરના લીલાસંવરણ પછી દૈવી અનુભૂતિઓ એમને શાન્તિ આપતી. શ્રીઠાકુરે સોંપેલી જવાબદારી એમણે પૂરીપૂરી અદા કરી – મૌન મૂક રહીને જ!

શ્રીરામકૃષ્ણે જનજાગરણ માટે વિવેકાનંદનું નેતૃત્વ ભાખ્યા પછી વિવેકાનંદે નિર્દેશેલ સંન્યાસીજીવનની નૂતન કાર્યપદ્ધતિ ઘણાયને ગમી ન હતી. પણ નીલામ્બર ઉદ્યાનમાં એ વખતે નિવાસ કરી રહેલાં શ્રીશ્રીમાને એકાએક જ ઝડપથી ગંગામાં ઊતરીને એમાં ભળી જતા ઠાકુરની દર્શનાનુભૂતિ થઈ અને ત્યાં જ ક્યાંકથી આવી ચડેલા સ્વામી વિવેકાનંદને ચારે દિશામાં એ બ્રહ્મવારિ છાંટતા અનુભવ્યા. બસ, એના દ્વારા શ્રીશ્રીમા રામકૃષ્ણ ભાવધારાના પ્રચાર-પ્રયાસમાં વિવેકાનંદની ભાવિ ભૂમિકાનો સંકેત પામી ગયાં અને એ પછી સ્વામીજીની બધી જ કાર્યયોજનાઓને એમણે મંજૂરીની મહોર મારી દીધી અને આશીર્વાદ આપી દીધા.

શ્રીશ્રીમા સંઘના સંન્યાસીઓના તો નિરંતર વહેતા પ્રેરણા સ્રોત સમાં જ હતાં; વળી, એ કરુણામયીના દિવ્ય માતૃત્વનો પ્રવાહ તેમની પાસે આવતા સકલ પીડિતોની પીડા હરી લેતો. અને તેમને તાજગી આપતો. ખરેખર, આવી અનુપમ અધ્યાત્મશક્તિથી સભર છતાંય મૌન – મૂક – શાન્ત – લજ્જાશીલ વિભૂતિમત્તા દુર્લભ છે, શ્રીશ્રીમાનું જીવન તો અનન્ત અસીમ માતૃત્વનું મહાકાવ્ય છે. કશાય ભપકા વગરની એમની ભવ્યતા અનેકાનેક જનો હવે તો જાણી – માણી રહ્યા છે! એમનું દેખાતું માનવજીવન લોકોત્તર માતૃત્વનું જ પ્રતિબિંબ હતું. પરમતત્ત્વના અવતારોના ઇતિહાસમાં આ વિશ્વમાતૃત્વ એક યુગાંતર સ્થાપિત કરનારું જબરું સીમાચિહ્‌ન છે.

શ્રીઠાકુરને સદાયે હાજરાહજૂર માનતાં શ્રીશ્રીમાએ ઇચ્છ્યું કે સંઘે દરેક રીતે શ્રીઠાકુરના જીવંત વ્યક્તિત્વને વળગી રહેવું જોઈએ. અને લોકોને જીવનની મુશ્કેલીઓમાં, ભયોમાં અને દુ:ખોમાં શ્રીરામકૃષ્ણાશ્રયનો ઉપદેશ આપ્યો.

તેઓ પરમતત્ત્વનું માતૃરૂપ પ્રબોધવા પધાર્યાં હતાં. આ માતૃત્વનું સત્ત્વ શાન્ત – શુદ્ધ પ્રેમ – વાત્સલ્ય છે. એમના સમગ્ર જીવનના શિરમોર સમું આ માતૃત્વ જાતિ – પાતિ – પંથ – વર્ણના કશા જ ભેદભાવ વિના, અરે યોગ્યાયોગ્યની પણ દરકાર કર્યા વિના સર્વસહાયક બનીને બધે પથરાયેલું છે. તેઓ તો છલકાતા પ્રેમવાત્સલ્યની મૂર્તિ હતાં. એટલે જ એમની વાણી શ્રોતાના હૃદયમાં આશ્વાસન અને સંતોષ ભરી દે છે, અને એને જ પ્રભાવે આજે રામકૃષ્ણ સંઘ ઈંટ પથ્થરોથી નહિ, પણ પ્રેમ, સહાનુભૂતિ અને ભાવનાઓથી ભર્યોભાદર્યો રહી શક્યો છે. (આ વિષયમાં પૂ. સ્વામી શ્રી આત્મસ્થાનંદજી મહારાજનો ‘સર્વનાં માતા’ લેખ વાંચવા જેવો છે.)

તેમના નિષ્કલંક અને સદ્‌ગુણસાગર ચારિત્ર્યની શાન્ત – સૌમ્ય આભા લોકોને માનવતા, શુચિતા, નમ્રતા, ઈશ્વરભક્તિ, આત્મગોપના મૂક તિતિક્ષા, માતૃપ્રેમ અને નિ:સ્વાર્થતાના પાઠો શીખવી ગઈ છે. તેમના જીવનની દેખાતી ઘટનાઓ તો એમના પૂર્ણ જીવનના માત્ર ઈશારા જ છે. તેમનું પૂર્ણ જીવન તો આપણી સમજના અને શબ્દોના ગજા બહારની વાત છે.

 શ્રીરામકૃષ્ણનો સંન્યાસીસંઘ આજે તો પૂર્વ અને પશ્ચિમની આસ્થા અને શક્તિને પોતામાં સમાવી લેતી એક અનન્ય સંસ્થા તરીકે પંકાય છે. પણ શરૂઆતમાં એને અંદરના અને બહારના ઘણા અવરોધો નડ્યા હતા. સ્વામીજીએ વેદાન્તના ઉચ્ચતમ તત્ત્વજ્ઞાનનો માનવસેવામાં વિનિયોગ કરવાનું ઇચ્છ્યું, કેવળ આધ્યાત્મિક ભાવજન્યતા ઉપર ભાર મૂકી રહેલા તત્કાલીન ધર્મને વ્યાવહારિક નૈતિક્તા તરફ વાળવા ધાર્યું. વૈયક્તિક મુક્તિને સર્વમુક્તિમાં રૂપાન્તરિત કરવાનું તેમણે વિચાર્યું. તેઓ વેદાન્તની શક્તિને કેવળ કલ્પનામાં વેડફી દેવા માગતા ન હતા. પરંતુ, એમના સાથીઓ સમાજસેવા અને આધ્યાત્મિકતાની આ સેળભેળથી વ્યાકુળ અને શંક્તિ થઈ ઊઠ્યા. અન્ય સાધુસંઘોએ પણ એને અનુમતિ ન આપી. કર્મઠ વેદાન્તના આ અભિનવ અભિગમમાં એ ચુસ્ત રૂઢિવાદીઓને પશ્ચિમી જીવનરીતિની ગંધ આવી. અને છેવટે જ્યારે એ અભિગમ ઠાકુરના સંઘમાં સ્વીકૃતિ પામ્યો, ત્યારે પણ સંઘના જ કેટલાક સંન્યાસીઓને ઠાકુરના સંદેશથી એ વિપરીત લાગ્યો. આવા લોકોના આક્રમણનું લક્ષ્ય વારાણસીનો સેવાશ્રમ બન્યો! સદ્‌ભાગ્યે આ વાત એ વખતે વારાણસીમાં જ વસતાં શ્રીશ્રીમા પાસે મૂકવામાં આવી. ત્યારે એના જવાબમાં તેમણે સ્પષ્ટ રીતે જણાવી દીધું કે ‘નરેનનું કાર્ય શ્રીઠાકુરના ઉપદેશો સાથે બરાબર બંધ બેસે છે.’ વળી, એ સેવાકાર્યની કદર રૂપે એમણે સેવાશ્રમની મુલાકાત લઈને આશીર્વાદ તથા દસ રૂપિયાની નોટનું પ્રતીક દાન આપ્યાં. (એ નોટ હજુ સુરક્ષિત રખાઈ છે). આથી સેવાશ્રમના કાર્યકર્તાઓ આનંદમાં આવી ગયા. કારણ કે બીજા કોઈ કરતાં શ્રીશ્રીમા ઠાકુરને વધારે સારી રીતે સમજતાં હતાં.

હિમાલયની એક ઊંચી ટોચ પર સ્વામીજીએ માયાવતી નામે આશ્રમ સ્થાપ્યો હતો. એમાં પ્રાર્થનાદિક કોઈપણ વિધિવિધાનની મનાઈ ફરમાવીને સ્વામીજીએ પૂર્વપશ્ચિમના બધા જ રામકૃષ્ણ ભક્તોને અદ્વૈતની સાધના કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. પણ પશ્ચિમની પોતાની બીજી યાત્રા પછી સ્વામીજી ત્યાં ગયા ત્યારે ત્યાં તેમણે નવાઈથી શ્રીઠાકુરનું નાનકડું મંદિર અને તેમાં થતી પૂજા જોયાં! આથી નારાજ થઈને ત્યાંના કર્મચારીઓને તેમણે સખત ઠપકો આપ્યો. પૂજાવિધિ તો બંધ થઈ; પણ તેમના એક શિષ્યે આ વાત જયરામવાટીમાં રહેતાં શ્રીશ્રીમાને લખી મોકલી. જવાબમાં શ્રીમાએ લખ્યું: ‘શ્રીરામકૃષ્ણ અદ્વૈતી હતા; તેમણે અદ્વૈત જ ઉપદેશ્યું છે. તમે શા માટે અદ્વૈતને અનુસરતા નથી? તેમના બધા શિષ્યો અદ્વૈતી જ છે.’

શ્રીમા મિશનના જનકલ્યાણનાં કાર્યોને આશીર્વાદો આપતાં. તદુપરાંત, એની ઝીણીઝીણી વિગતોમાં ય રસ લેતાં. રાહતકાર્ય કરીને મળવા આવતા દરેકને તેઓ અનિવાર્ય રીતે લોકોની પીડા અને મિશને કરેલી મદદ વિશે પૂછતાં. તેઓ સામાન્ય સાધુઓને આવાં જનહિતનાં કાર્યોમાં ખંતથી લાગી જવાની સલાહ આપતાં. કારણ કે આખો વખત ધ્યાનમગ્ન રહેવું એવાઓ માટે અશક્ય જ છે. તેમણે કહ્યું છે : ‘આટલા માટે જ નરેને આવાં કર્મઠ કેન્દ્રો ઊભાં કર્યાં છે. આપણો સંઘ આવી રીતે જ કામ કરશે. જેમને આ ગમતું – ફાવતું ન હોય, તેઓ સંઘ છોડીને ભલે ચાલ્યા જાય.’

શ્રીમાએ પોતાની જીવનરીતિના નિદર્શન દ્વારા રામકૃષ્ણ મઠ-મિશનને બે પાસાં બક્ષ્યાં છે : એક વૈધિક અને બીજું તાત્ત્વિક પાસું છે. પહેલું વૈધિક પાસું શ્રીઠાકુરના વ્યક્તિત્વ અને જીવન સાથે જડાયેલું છે. અને બીજું તાત્ત્વિક પાસું ઠાકુરના ઉપદેશો સાથે જડાયેલું છે. આ બન્ને પાસાં પરસ્પરપૂરક છે. વિધિવિધાન વિનાનું તત્ત્વજ્ઞાન સૂકુંભઠ્ઠ છે અને તત્ત્વજ્ઞાનવિહોણું વિધિવિધાન મિથ્યાભિમાન અને લાગણીવેડાને પોષે છે. તત્ત્વજ્ઞાન આધ્યાત્મિક જીવનને યાથાર્થ્ય આપે છે. શ્રીશ્રીમા બધી પરિસ્થિતિઓમાં શ્રીઠાકુરની છબિને ચિન્મય – જીવતા જાગતા ઠાકુર – માનીને રોજ પૂર્ણ શરણાગતભાવે પૂજા કરતાં. એમનું સગુણ નિર્ગુણ બધું એમાં આવી જતું.

શ્રીમાએ રૂઢિ અને ઉદાત્તતા વચ્ચે સામંજસ્ય સાધ્યું હતું. રૂઢિના કૂવામાં તેઓ પોતે તરતાં તો હતાં પણ ડૂબી જતાં ન હતાં. ગાંધીજી કહેતા કે ‘રિવાજના કૂવામાં તરવું સારું, પણ ડૂબી જવું નહિ.’ પહેલા પગથિયે એક પગ ટેકવીને જ બીજો પગ બીજે પગથિયે મૂકાય છે. તો જ ગતિનું સાતત્ય રહે છે નહિતર એ ગતિ નહિ પણ કૂદકા કહેવાય, એમાં પડવાઆખડવાનો ડર રહે છે. આ શ્રીઠાકુરના ઉપદેશને અનુકૂળ જ છે. શ્રીશ્રીમા રૂઢિગત જીવનના પક્ષપાતી – ખાસ કરીને આકારની બાબતમાં – હોવા છતાં એથી કોઈની લાગણી દુભવતાં નહિ. કુ. મેક્લાઉડ, શ્રીમતી બુલ અને ભગિની નિવેદિતા સાથે હેતથી હળતાં-મળતાં અને એ રીતે વિદેશીઓને પણ હિન્દુ સમાજમાં સમાવી લેવાની વાતને દોરવણી આપતાં હતાં. આ સંદર્ભમાં સ્વામીજીએ સ્વામી રામકૃષ્ણાનંદને લખ્યું કે ‘મા અહીં છે અને યુરોપ અને અમેરિકાની મહિલાઓ તેમને મળવા ગઈ. પછી તમે શું ધારો છો? અરે, માએ તો તેમની સાથે ભોજન પણ લીધું! આ શું ભવ્ય નથી?’ નિવેદિતાને લાગ્યું હતું કે શ્રીમાએ એમને મહત્ત્વ ન આપ્યું હોત તો તેઓ પોતાનું ભાવિ કાર્ય આગળ ધપાવી ન શક્યાં હોત. માના નિવાસે નિવેદિતાને એક અલગ ઓરડો અપાયો હતો. એની શાળાના ઉદ્‌ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહીને શ્રીમાએ આ શબ્દોમાં આશીર્વાદો ઉચ્ચાર્યા હતાં : ‘દિવ્ય જગમ્બાના આશીર્વાદો આ શાળા પર ઊતરો અને આ શાળામાં શિક્ષણ પામેલી બાળાઓ સમાજ માટે આદર્શરૂપ બની રહો.’ નિવેદિતા માટે આ આશીર્વચનો અમૂલ્ય ઉપહાર સમાં હતાં. આનાથી વધુ સારા શકુનની તે કલ્પના ન કરી શક્યાં. બધા જ વિદેશી ભક્તોને શ્રીશ્રીમાએ વાત્સલ્યથી આવકાર્યા. આપણે એમ અવશ્ય કહી શકીએ કે શ્રીરામકૃષ્ણનાં શક્તિસ્વરૂપા શ્રીમા પોતાની શાન્ત છતાંયે ગતિશીલ રીતે અસંખ્ય ગૃહસ્થીઓના જીવનમાં આધ્યાત્મિક પૂર્ણતા ભરી દેવાનું સબળ નિમિત્ત બની રહ્યાં. વળી શ્રીરામકૃષ્ણનો સંદેશ સ્વામી વિવેકાનંદે દૂરસુદૂર ક્ષિતિજગામી રીતે ફેલાવ્યો હતો, તો શ્રીમાએ સંદેશ શાન્ત રીતે હજારો લોકોના હૃદયના ઊંડાણમાં સ્થાપી દીધો છે, એટલે કે ઊર્ધ્વગામી રીતે ફેલાવ્યો હતો.

અવતારી પુરુષોની એક જ ચેતના બે કે વધારે દેહોમાં એક જ સમયે પરસ્પર પૂરક રીતે, ગતિશીલતા માટે, નવા અભિગમ સ્થાપવા માટે કે ગમે તે હેતુથી કામ કરતી હોય એવાં ઉદાહરણો પુરાણોમાં કૃષ્ણ-બલદેવ, રામપરશુરામ નરનારાયણ વગેરે અનેક ઠેકાણે મળે છે. અહીં પણ ઠાકુર – મા – સ્વામીજીમાં એક જ અવતારી ચેતના કામ કરી રહેલી જણાય છે.

આ રીતે શ્રીશ્રીમાનું સ્વરૂપ સમગ્ર અને અનન્ત માતૃત્વનું મૂર્ત રૂપ છે. અન્યાન્ય પૌરાણિક કે ઐતિહાસિક અવતારો એ જ્યારે શરીરબળ, આયુધબલ, સત્તા, બુદ્ધિ, કર્મકર્તા કે એવાં બીજાં અનેક માધ્યમમાંથી ધર્મસંસ્થાપન કર્યું છે, જ્યારે શ્રીશ્રીમાએ માતૃત્વના માધ્યમથી ધર્મ સંસ્થાપન કર્યું છે! આ માધ્યમમાં કરુણાનો આપમેળે સમાવેશ થઈ જાય છે. આને એક અપૂર્વ ઐતિહાસિક ઘટના ગણી શકાય. ‘કરાલી કાલી’ને બદલે ‘ભદ્રકાલી’ના આ સૌમ્ય મંગલકારી માતૃસ્વરૂપને સ્ત્રી- પુરુષ – બધાના હૃદયમાં સંઘરવું રહ્યું. એના પ્રકાશમાં જીવીએ અને વર્તીએ તો બીજું કશું કરવાનું બાકી રહેતું નથી.

અંતમાં એમણે પોતાના જીવનના અંતકાળે આપેલો મૂલ્યવાન અને શક્તિદાયક ઉપદેશ જીવનમાં ઉતારવાના નિશ્ચય સાથે પૂરું કરીએ – ઉપદેશ આ છે :

‘જો શાન્તિ ઇચ્છતા હો, તો કોઈના દોષ જોશો નહિ, દોષ જોજો પોતાના. જગતને પોતાનું કરતાં શીખો. અહીં કોઈ પારકું નથી. જગત છે તમારું.’

Total Views: 86

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.