એક શેઠ પરમહંસ પાસે આવ્યા અને બોલ્યા: ‘સ્વામીજી, મેં મારી સઘળી સંપત્તિ મારાં કુટુંબીઓને નામે કરી દીધી છે. વેપાર સાથે હવે મારે કશો સંબંધ રહ્યો નથી. સાંભળ્યું છે કે, બધી વસ્તુઓનો ત્યાગ કરવાથી ભગવાનનાં દર્શન થાય છે. મેં તો બધું છોડી દીધું છે. પણ હજી સુધી મને ભગવાનનું દર્શન થયું નથી. એનું કારણ શું હશે?’

શ્રીરામકૃષ્ણે જવાબ આપ્યો : ‘શેઠજી, જે વાસણમાં વરસો સુધી તેલ રહ્યું હોય તેમાંથી તેલની વાસ ખૂબ માંજવાથી પણ સહેલાઈથી જતી નથી. એ જ રીતે, સંસારનાં બંધનોમાંથી એકદમ છૂટી જવું અસંભવિત છે. તમે તમારી સઘળી સંપત્તિ બીજાઓને અવશ્ય આપી દીધી છે, પરંતુ મનમાં વૈરાગ્યનો ભાવ એકદમ આવવો સહેલ વાત નથી. જૂની આસક્તિનો થોડોધણો અંશ રહી જ જાય છે.’

સઘળી માલમિલકત બીજાઓના નામ પર લખી આપવાનાં અનેક કારણો હોઈ શકે. ચિંતામાંથી મુક્ત થવું એ એક કારણ હોઈ શકે છે. માલમિલકત છોડી દેવામાત્રથી જ કોઈ સંન્યાસી ન કહેવડાવી શકે. માયા, મોહ, કામ વગેરેને મનમાંથી એકદમ કાઢી નાખીને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. એ પછી જે જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે તે અસલી હોય છે. મનનો વિકાસ થયા વિના જ જો આપણે ધન અને સંપત્તિનો ત્યાગ કરીએ અને પછી એ છોડી દીધેલા ધનનું જ નિરંતર ચિંતન કર્યા કરીએ તથા એ ચિંતનની બીજા કોઈને ખબર ન પડવા દેવા માટે વિવિધ પ્રકારના ઢોંગ કરતા રહીએ, એના કરતાં તો ગૃહસ્થાશ્રમ જ અનેકગણો સારો.

જેમાં વીંછી, સાપ વગેરે ઝેરી જીવોનો પણ વાસ હોય એવા જૂના ઘરમાં જો આપણે રહેવાનું થાય તો આપણે ખૂબ સાવધાનીથી રહીશું. એટલી જ સાવધાની ધન અને કામરૂપી સાપની બાબતમાં પણ રાખ જોઈએ. જરા સરખી પણ ગફલત થવાથી સાપ ક્યાંકથી અચાનક નીકળી આવી કરડી શકે છે. ઈશ્વરનું સતત ધ્યાન કરો. ગામડાંના લોકો સાપને જ્યારે પણ ફેણ ચડાવતો જુએ છે ત્યારે નાગદેવતાની પ્રાર્થના કરે છે, એટલા માટે કે તે પાછો ચાલ્યો જાય. મંત્રોચ્ચારણથી સાપ ચાલ્યો પણ જાય છે. પરંતુ કામરૂપી સાપ સાથે ખેલ કરવો એ બરાબર નથી. એનાથી દૂર રહેવું જોઈએ. હું સમજણવાળો છું, સંયમી છું, મને એ શું કરી શકવાનો છે, એમ કદી ન વિચારવું જોઈએ. સાપની નજીક જવાથી એ અવશ્ય કરડવાનો.

બીજો એક ધનવાન માણસ શ્રીરામકૃષ્ણ પાસે ગયો. તે કહેવા લાગ્યો: ‘આપને આપના ખાનગી ખરચ માટે એક મોટી રકમ આપવા ઇચ્છું છું. આ ચેક લો.’

ધનવાન પુરુષે પોતાની એ ઇચ્છા સારા વિચારથી પ્રેરાઈને જ પ્રગટ કરી હતી. પરંતુ પરમહંસે એનો સ્વીકાર ન કર્યો. તેમણે કહ્યું: ‘ના જી, તમારી પાસેથી એટલા પૈસા લઈ લઉં તો પછી હું એની જ ચિંતામાં ફસાઈ જાઉં. હું એ નથી ઇચ્છતો.’ ધનવાને ફરીથી આગ્રહ કરતાં કહ્યું: ‘આ દાન હું કોઈ સુપાત્રને આપવા ઇચ્છું છું. આપ શાને રોકો છો? આપને પોતાને નામે નહીં તો પછી આપની સેવાચાકરી કરતો હોય એવા કોઈ માણસના નામ પર મને એ પૈસા જમા કરાવવા દો. પછી આપને એ પૈસાને અડવાની પણ જરૂર નહીં રહે. આપ ના ન પાડશો. મારા પર કૃપા કરો.’

તો પણ શ્રીરામકૃષ્ણ એકના બે ન થયા; બોલ્યા : ‘હું પોતે તમારા પૈસા લઉં અથવા તમે કહો છો એવી ગોઠવણ કરી દઉં, એમાં ફેર શો છે? સાચ છુપાવી શકાતું નથી. મારા ઉપયોગને માટે કોઈ બીજા પાસે પૈસા રહે તેથી એના જમા-ઉધારની મને ચિંતા ન સતાવે એ સંભવિત નથી. તમે પોતે જ વિચાર કરો. મને માફ કરજો.’

આમ કહીને શ્રીરામકૃષ્ણે દાન લેવાની ના પાડી. પણ દાન આપનાર મહાશય એમ જલદી માની જાય એવા નહોતા. તેમણે કહ્યું : ‘આપ તો વિરક્ત પુરુષ છો, ધીર છો. આપને કોઈ પણ પ્રકારનો ડર કેવી રીતે હોઈ શકે? આપે પોતે જ કહ્યું છે કે, સંપત્તિ અને સ્ત્રીસૌંદર્ય પોતાની સામે સમુદ્રની પેઠે અપારતાથી ફેલાઈ જાય તોયે જો માણસનું મન પવિત્ર હોય, દૃઢ હોય તો તે એમાં કદી ડૂબી શકતો નથી. તેલના ટીપાની પેઠે તે ઉપર ને ઉપર રહેશે.’

શ્રીરામકૃષ્ણ હસી પડ્યા અને બોલ્યા: ‘હા, તમારી વાત બરાબર છે. પણ તેલ ઘણા વખત સુધી પાણીના સંપર્કમાં રહે તો ચોખ્ખા તેલમાં પણ દુર્ગંધ આવવા લાગશે.’

સર્વથા નિર્મળ મનની શક્તિ હંમેશા અપાર હોય છે. એવું મન વિપદોને રોકી શકે છે અને આપણને જાળમાં ફસાઈ પડતાં બચાવી શકે છે. પરંતુ વિશ્વની કસોટી પણ વધારે વખત સુધી ન કરવી જોઈએ. વિવેકવાળો માણસ પણ ભૂલ કરી બેસે છે. વાસનાઓથી દૂર રહેવામાં જ લાભ છે. જોઈએ તો ખરા, આપણી શક્તિ કેટલી છે એ ખ્યાલથી જો આપણે વાસનાની પાસે વારંવાર જઈએ તો આપણે અચૂક ફસાઈ પડવાના.

Total Views: 109

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.