ગુરુપૂર્ણિમા પ્રસંગે

(૨૬ જુલાઈ ૧૯૯૧ (ગુરુ પૂર્ણિમા)ને દિવસે હૈદરાબાદના શ્રીરામકૃષ્ણ મઠના શ્રીરામકૃષ્ણ મંદિરમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલ પ્રવચનનો અનુવાદ અહીં રજૂ કરીએ છીએ.)

આજે આપણે ગુરુપૂર્ણિમા ઊજવીએ છીએ અને આપ સૌ મોટી સંખ્યામાં એકત્રિત થયા છો.‘ગુરુ તરીકે શ્રીરામકૃષ્ણ’વિશે હું બોલવાનો છું. પ્રાચીન ગુરુઓના જે ગુરુ હતા તેમની શક્તિ એમનામાં આવિર્ભૂત થઈ હતી. યોગસૂત્રોમાં કહેવામાં આવ્યું છે કે“બધા પ્રાચીન ગુરુઓના ગુરુ પરમાત્મા છે કારણ કે એ કાળથી પર છે.” सः पूर्वेषाम् अपि गुरुः कालेन अनवच्छेदात्।

શ્રીરામકૃષ્ણને ગુરુ શબ્દ એના સંપૂર્ણ અર્થમાં લાગુ પડતો હતો; ગુરુપણાનું ભાન એમનામાં લગીરેય ન હતું ને તે છતાં તેઓ જે કાંઈ કહેતા અને કરતા તે સઘળું એક ગુરુ શિષ્યો માટે કરે છે- તેમનામાં આધ્યાત્મિક જાગૃતિ આણવાનું અને તેમને મુક્ત કરવાનું પણ –यस्मात् बन्धबन्धविभुक्षणम्.

શ્રીરામકૃષ્ણના જીવનના ભાગ પાડી શકાય – ધર્મના ક્ષેત્રે પ્રયોગો કરનાર સાધકનો તે પ્રથમઅને બીજો, માનવજાતિને પ્રબોધનારનો, ગુરુનો. સાધક ભાવે તેઓ ઈશ્વરની ખોજમાં લાગેલા હતા અને લોકો વિશે વિચારવાનો એમની સાથે વાત કરવાનો કે એમની સાથે ભળવાનો સમય જ શ્રીરામકૃષ્ણ પાસે ન હતો. બારેક વરસ સુધી, તેઓ ઈશ્વરમાં અને વિવિધ ધર્મોના પ્રયોગો કરવામાં એટલા બધા વ્યસ્ત હતા કે એ સમય દરમિયાન તેમણે પોતાની જાતને લોકોથી દૂર રાખી હતી. હિંદુ ધર્મની, ખાસ કરીને એના જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગનાં બે પાસાંની, વિવિધ સાધના એમણે કરી હતી. ભક્તિમાર્ગમાં પણ, વળી, અનેક પંથ છે; અને તે દરેકની સાધના તેમણેકરી હતી; પછીથી એમાં ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામની સાધના પણ ભળી હતી. ત્યારબાદ તેમણે જ્ઞાનમાર્ગની – અદ્વૈત માર્ગની સાધના કરી હતી. ભક્તિમાર્ગમાં ઈશ્વરના સગુણ, વ્યક્ત, રૂપની આરાધના કરવામાં આવે છે અનેજ્ઞાનમાર્ગમાં, અવ્યક્ત નિર્ગુણની. આ બંને માર્ગો પરસ્પરના વિરોધી નથી અને જે પરમેશ્વર સગુણ છે તે જ નિર્ગુણ છે: આમ તેઓ પછીથી કહેવાના હતા. એમણે જ્ઞાનમાર્ગની સાધના પૂરી કરી ત્યારે તેમને નિર્વિકલ્પ સમાધિ લાધી હતી; એ દશામાં મન આ સાપેક્ષ જગતથી પર જાય છે. એ દશામાં તેઓ છ મહિના રહ્યા હતા અને ત્યારે તેમને દિવસરાતનું કે પોતાના દેહનું પણ ભાન ન હતું. એમની એ સમાધિમય દશામાં, એ કાળે દક્ષિણેશ્વર રહેતા એક પરિવ્રાજક સંન્યાસી, શ્રીરામકૃષ્ણને ખવડાવતા, કેટલીકવાર તે એ સંન્યાસી શ્રીરામકૃષ્ણને જોરજુલમથી ખવડાવતા. કારણ કે, શ્રીરામકૃષ્ણનો દેહ એટલો મૂલ્યવાન હતો કે માનવજાતનાં હિતને માટે, ગમે તે કરીને પણ, તે જાળવી રાખવો જોઈએ તેવું જ્ઞાન તેમને થયું હતું.

આ પારલૌકિક સ્થિતિમાં છ માસ રહ્યા પછી શ્રીરામકૃષ્ણને કાલી માતાનો બોલ સંભળાયો: ‘તુમિ ભાવમુખે થાકો’ – ‘તું ભાવમુખે રહે.’ અર્થાત્ સાપેક્ષ ભાનને ઉંબરે રહેવાનું તેમણે કહ્યું. આ પછી તેમનામાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું અને આ પરિવર્તન પછી દેવ-માનવ રામકૃષ્ણ તમને આકર્ષે છે, મને આકર્ષે છે અને બધાના ગુરુ તરીકે જગતભરમાં લાખોલોકોને આકર્ષે છે. મા કાલીના આ સંદેશે એમના વ્યક્તિત્વમાં ક્રાંતિકારક પરિવર્તન આણ્યું ત્યાં સુધી એમને માનવ સહવાસ ગમતો નહીં. પરંતુ હવે તેઓ એની જ તલાશ કરવા લાગ્યા. હવે તેઓ લોકો સાથે વાતો કરવા ચાહતા હતા. આ ઉત્કટ માનવીય તત્ત્વે એમના મોહક વ્યક્તિત્વને વધારે મોહક બનાવ્યું. પોતાની બાર વર્ષની સાધના દરમિયાન પોતાને જે મહાન સત્યો લાધ્યાં હતાં તેમને લોકોમાં વહેંચવાની મહેચ્છા તેમનામાં જાગી.

જો કે સંસારી વાતો સાંભળવાનું તેઓ સહી શકતા નહીં. પરંતુ એમની સમીપ રહેતા મંદિરના પૂજારીઓ અને બીજા કર્મચારીઓ પૂરા સંસારી જીવ હતા. નજીકના મકાનને છાપરે તેઓ ચડી જતા અને કલકત્તા તરફ નજર નાખી, પોકારી ઊઠતા, ‘અરે તમે બધા ક્યાં છો? મહેરબાની કરી આવો; તમારા વિના જીવવું દોહ્યલું છે.’ કાલી માતાએ એમને ખાતરી આપી હતી કે આધ્યાત્મિક સાધકો એમની રાહ જોઈ રહ્યા છે. ૧૮૭૨ સુધીમાં એમની પોતાની અનેકવિધ સાધનાઓ પૂરી થઈ ગઈ હતી. તે પછી તરત જ બીજાઓને તેનો લાભ આપવાની ઇચ્છા તેમનામાં જાગી.

પછી, એક વિસ્મયકારક ઘટના બની. દક્ષિણેશ્વરમાં એક મહાન આધ્યાત્મિક વિભૂતિ વસે છે તે સાંભળી, કલકત્તાથી લોકો ત્યાં આવવા લાગ્યા. ધાર્મિક, ભણેલા, અભણ, નાસ્તિક, પુરુષો, સ્ત્રીઓ બધા પ્રકારના લોકો આવવાં લાગ્યાં. આવનારાઓમાં કેશવચન્દ્ર સેન જેવા રાષ્ટ્રીય આધ્યાત્મિક નેતા હતા, બ્રાહ્મ સમાજના બીજા પ્રખ્યાત સભ્યો હતા ને તે ઉપરાંત રૂઢિવાદી અને સુધારક, જૂનવાણી અને નવીન પંડિતો, વક્તાઓ અને સામાન્ય ગૃહિણીઓ વગેરે હતાં. એમને જોઈને, એમની વાતથી અને એમને સાંભળીને એ સૌ ખૂબ અભિભૂત થઈ ગયાં. કેશવ સેને અને કેટલાક બીજાઓએ તેમના સામયિકોમાંએમના વિશે લખ્યું. આ વાતે દક્ષિણેશ્વર જતા થોડા લોકનો મોટો પ્રવાહ બનાવ્યો ને, એ પ્રવાહ આજે પણ ચાલુ છે તથા આપણા સૌનો તેમાં સમાવેશ થાય છે.

એ કાળે એમની પાસે જે લોકો ગયા તેમાં ૧૪થી ૨૦ વર્ષના વયગાળાના નરેન અને બીજા યુવાનો હતા, અને કેટલાક ગૃહસ્થ ભક્તો પણ હતા. તે દરેકને આધ્યાત્મિક વિચારોને ગ્રહણ કરવાની તેની શક્તિ અનુસાર તેઓ આપતા. આધ્યાત્મિકતાના નવા વિચારોને વૃદ્ધ માણસો ગ્રહણ કરી શકતા ન હતા. એટલે તેમને શ્રીરામકૃષ્ણે રૂઢ વિચારો આપ્યા પણ તેમના વિશુદ્ધ સ્વરૂપે. સામાન્ય રીતે આ લોકો તેમની પાસે રજાને દહાડે જ આવી શક્યા. શ્રીરામકૃષ્ણ એમની સાથે વાર્તાલાપ કરતા અને તે લોકોમાંના એક, ‘એમ’ના નામથી ઓળખાતા તે શ્રી મહેન્દ્રનાથ ગુપ્તે બધી વાતોની નોંધ કરી લીધી હતી જે, આજે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના મહાન ગ્રંથ તરીકે આપણને ઉપલબ્ધ છે. યુવાનો રજાને દહાડે તેમજ, આડે દહાડે પણ આવતા. કેટલીક વાર તેઓ ત્યાં રાત રોકાઈ જતા. તેમને શ્રીરામકૃષ્ણ કંઈક નવું અથવા તો, આ યુગને અનુરૂપ, નવી ગતિશીલ રીતે જૂનાની સમજણ આપતા. પાછળથી સ્વામી વિવેકાનંદે જે બોધ પૂર્વ અને પશ્ચિમમાં આપ્યો તે આ પ્રકારનો હતો.‘કથામૃત’માં આ બોધ માત્ર બીજરૂપે રહેલો છે. ઈંગિતો અને સૂચનોમાં તે છુપાયેલો છે, ખાસ કરીને પછીના સ્વામી વિવેકાનંદ, પણ તે સમયના નરેનને એ અપાયો છે ત્યારે.

ઈ.સ. ૧૮૮૬માં પોતાનું દેહાવસાન થયું એ પહેલાં શ્રીરામકૃષ્ણે આ બોધ નરેન અને બીજા યુવાન શિષ્યોનો એક સંઘ સ્થાપી તેમને આપ્યો હતો. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’અધ્યાત્મનો અદ્ભુત ગ્રંથ છે. એમાં તમને સનાતન ધર્મ એના વૈશ્વિક રૂપમાં જોવા મળશે. એમાં તમને કોઈ સૂત્રો કે સિદ્ધાંત નહીં સાંપડે પણ, માનવ જાતની આધ્યાત્મિક જાગૃતિનીસામગ્રી સાંપડશે. વાસ્તવમાં, શ્રીરામકૃષ્ણ કાલીમાતાને પ્રાર્થના કરતા: ‘મા, મારા મુખેથી કોઈસિદ્ધાંતનું પ્રતિપાદન ન કરાવો.’

‘કથામૃત’માં કેટલાંય પ્રકરણોનું શીર્ષક ‘સંસારીઓને સલાહ’ છે. છેલ્લી કેટલીક સદીઓ દરમિયાન, આપણે ભારતવાસીઓએ, ખાસ કરીને સંસારીજનોએ, આપણી જાતમાં શ્રદ્ધા ગુમાવી હતી. અમે તો કેવળ સંસારી છીએ. અમારાથી શું થઈ શકે?’ આ ઢીલું વલણ સૌમાં ઘર કરી બેઠું હતું. આ નકારાત્મક વલણને દૂર કરવા શ્રીરામકૃષ્ણ નો આવિર્ભાવ થયો હતો. તમે સંસારમાં ભલે હો, સાંસારિકતાને તમારામાં પ્રવેશવા દેશો મા. એમને કોઈકે પૂછ્યું હતું ‘મહાશય, અમે રહ્યા સંસારી, અમે ઈશ્વરને પામી શકીએ?’તરત જ ઉત્તર મળ્યો: ‘જરૂર તમે એને પામી શકો. બધાંજ એને પામી શકે. એ આપણા અંતરમાં જ રહેલો છે.’ શ્રીરામકૃષ્ણ, પૂજ્ય શારદા મા અને સ્વામી વિવેકાનંદ દ્વારા, આજના અને ભવિષ્યના સંસારીજનો આનંદની નવી લાગણી, આત્મનિર્ભરતાનો ભાવ અને સામાજિક અને રાષ્ટ્રીય કર્તવ્યપરાયણતાની ભાવના ખીલવી શકશે.

શ્રીરામકૃષ્ણ અને પૂજ્ય શારદા મા વિશિષ્ટ ગૃહસ્થીજનો તરીકે રહ્યાં હતાં. ગૃહસ્થના નાના કુંડાળાની પર જઈને પોતે આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે, સામાજિક કર્તવ્યપરાયણતા ખીલવી શકે છે અને આધ્યાત્મિક જાગ્રતિનો ઉજાસ માણી શકે તે આપણે સંસારીજનોએ સમજવાની જરૂર છે. કાચા‘હું’થી પાકા ‘હું’નો એ વિકાસ છે. રાષ્ટ્રના નાગરિક તરીકેનો વિશાળ જગતના નાગરિક તરીકેનો વિકાસ તેમણે કરવાનો છે. અવિદ્યામાયાથી ઊંચે ઊઠીને એમણે વિઘામાયા કેળવવી જોઈએ. ‘હું અને મારું’ માયા છે‘તું અને તારું’દયા છે એમ શ્રીરામકૃષ્ણ કહ્યું છે.

શ્રીરામકૃષ્ણના વ્યક્તિત્વની એક લાક્ષણિકતા એમની આનંદની વૃત્તિ હતી. આનંદ સાચા ધર્મનું લક્ષણ છે. સંસારી જીવનના આનંદો કરતાં ધર્મનો આનંદ વધારે મોટો અને વધારે તીવ્ર છે તે એમણે નિર્દેશ્યું હતું. તેઓ ગાતા – ‘એઈ સંસાર હોચ્છે મજાર કુટિ’ – ‘આ સંસાર આનંદનું ઘર છે’. ઈશ્વર સર્વવ્યાપ છે એટલે, જગત ‘મજાર કુટિ’ – આનંદ ઘર- છે.

આપણને ઘણા પાઠ શીખવે તેવી દૃષ્ટાંતકથાઓ અને વાર્તાઓ એમના બોધમાં વણાયેલી છે. પોતે માત્ર પ્રાથમિક શિક્ષણ જ લીધું હોવા છતાં, તેઓ વિદ્વાનો સાથે તત્ત્વ ચર્ચા અને અધ્યાત્મ ચર્ચા કરી શકતા અને તેમને આશ્ચર્યચકિત કરી શક્યા. એક દિવસ, કલકત્તાના તે જમાનાના મહાસમર્થ પંડિતોમાંના એક, શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને તેઓ મળવા ગયા હતા. આ મિલન અને એમનો ચાર કલાકનો સંવાદ બંને ‘કથામૃત’માં નોંધાયેલાં છે. એક અલ્પશિક્ષિત વ્યક્તિ પાસેથી એક મહાપંડિત કેવી રીતે થોડો બોધ પામ્યા તે વાત ખૂબ વિસ્મયકારક છે. શ્રીરામકૃષ્ણ ખૂબ વિનોદી હતા. સામાન્ય રીતે ધર્મપુરુષો વિનોદી નથી હોતા કે નથી હોતા આનંદી; પણ શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ જ માત્ર અપવાદ હતા. એટલે શ્રીરામકૃષ્ણ વિદ્યાસાગરને મળ્યા ત્યારે એમનો પ્રથમ ઉદ્ગાર હતો: ‘આજે “સાગર”ને મળવા આવ્યો છું તેનો મને આનંદ છે. આજ સુધી મેં માત્ર પુકુરો ને તળાવો જ જોયાં હતાં.’ વિદ્યાસાગર પણ વિનોદી હતા. એ બોલ્યા: ‘તો તમે ખુશીથી આ સાગરમાંથી થોડું ખારું પાણી લઈ જાઓ.’ શ્રીરામકૃષ્ણે ઉત્તર આપ્યો ‘ના, ના. ખારું પાણી શા માટે? તમે કંઈ અવિદ્યાના સાગર નથી પણ વિદ્યાસાગર છો!’

વાતચીત દરમિયાન શ્રીરામકૃષ્ણે હ્યું કે, ‘જગતના બધા ધર્મગ્રંથો ઉચ્છિષ્ટ – એઠા થઈ ગયા છે. કારણ કે, તે બધા મનુષ્ય-મુખે બોલાયેલા છે, માત્ર અંતિમ સત્ય, બ્રહ્મ ઉચ્છિષ્ટ નથી. કારણ કે, કોઈ તેને સમજાવવા સમર્થ થયું નથી. આ કથનથી વિદ્યાસાગર ખૂબ પ્રભાવિત થયા હતા અને બોલી ઊઠ્યા હતા : ‘એ ફરીથી કહેવા કૃપા કરો, મહાશય; એ કેટલું સુંદરછે !’ વેદાંત કહે છે કે બ્રહ્મ વાણી અને મનથી પર છે. મનથી કે મુખથી તમે એનું રૂપ વર્ણવી શકો નહીં.

બીજા એક પ્રસંગે પોતાના શ્રોતાઓ સાથે વાત કરતાં શ્રીરામકૃષ્ણે બીજી એક સુંદર સત્ય વાત કરી હતી: એ આપણા દૈનિક જીવનમાં સૌને મદદરૂપ થશે ને આપણા આધ્યાત્મિક વિકાસમાં સહાય કરશે. જેનો મેં અગાઉ અછડતો ઉલ્લેખ કર્યો છે તે, આપણા સૌમાં રહેલા નાનકડા ‘હું’ની અને એની સાથે કેમ કામ પાડવું તેની એ વાત છે. દરેક માનવબાળ અઢીએક વરસનું થાય તે સમય આસપાસ તેનામાંના ‘હું’નું ભાન જાગૃત થવા લાગે છે. શિશુમાં ‘હું’નો ભાવ જન્મે છે અને મારે આ જોઈએ છે, ‘હું આમ કરીશ,’એમ તે કહેવા લાગે છે. આમાં કશું જાદુઈ કે ગહન નથી; શારીરિક અને માનસિક વિકાસના પરિમાણોથી પરના માનવ વિકાસનું તે વિજ્ઞાન છે. શિશુમાં પ્રગટ થતું ‘હું’પણું પ્રારંભિક ગ્રહીત છે. એનો મોટા પાયે વિકાસ અને વિસ્તાર થવો જોઈએ. બાળકના માનવ અધ્યાત્મની એ તો મોટી કેળવણી છે – પ્રથમ કેળવણી અને સત્ય રીતે કહેતાં, બધી કેળવણી આધ્યાત્મિક છે; એ ‘હું’પણાનું દૃઢીકરણ, એ બાળકની આધ્યાત્મિક કેળવણી છે, અર્થાત્ એના વ્યક્તિત્વને સઘન બનાવવાનું છે. બાળક કંઈ પણ કરવા ચાહે ત્યારે એની માતા અનેઆસપાસનાં બીજાંઓ, બાળકને ઉત્તેજન આપે છે તે એટલા માટે કે, વ્યક્તિ તરીકે એ પોતાનું મૂલ્ય સમજી શકે અને પોતાના પગ પર ઊભું રહેતાં શીખી શકે. દુર્ભાગ્યે, આજે આખા ભારતમાં, આજ બાળકના શિક્ષણનો પ્રથમ અને અંતિમ અધ્યાય બંને એક જ છે અને પરિણામ એ આવે છે કે બાળક સ્વાર્થી, નાના મનવાળું અને અહંકારી થાય છે અને, બીજાઓ સાથે સલુકાઈથી રહેવા કે કામ કરવા શક્તિમાન થતું નથી. શ્રીરામકૃષ્ણ આને‘ કાચા આમિ’ ‘અપકવ અહં’કહેતા. એનામાં એક જ શક્તિ હોય છે. બીજા ‘અહં’ સાથે ટકરાવાની. બરટ્રેંડ રસેલ કહે છે કે આવું માનવી બિલિયર્ડ બોલ જેવું છે અને બિલિયર્ડ બોલ એકબીજાસાથે અથડાવા સિવાય બીજું કંઈ જાણતા નથી. શ્રીરામકૃષ્ણ કહે છે આ કાચા અહંને પાકો બનાવવાનો છે. એ જ માણસનો વ્યક્તિમાં વિકાસ કરે છે ને બીજા લોક સાથેના તેના સારા સંબંધને જન્માવે છે કારણ કે, શાંતિ અને સુખભર્યા આંતર-માનવ સંબંધો માટે એ બીજી આધ્યાત્મિક કેળવણી ખૂબ આવશ્યક છે. કાચો અહં એક માણસનો વાચક ગણીએ તો, વ્યક્તિત્વી પાકો અંહ દર્શાવી શકીએ. એને વિશિષ્ટ વ્યક્તિત્વ કહી શકીએ. બ્રિટિશ જીવવિજ્ઞાનશાસ્ત્રી, સર જુલિયન હકસલે ‘વ્યક્તિત્વ’ની વ્યાખ્યા આમ આપે છે; ‘સભાન (સામાજિક) પ્રવૃત્તિમાં ભાગીદાર થઈને પોતાની કેવળ જૈવિક વ્યક્તિમત્તાની પાર ઊડી શકે ત્યારે માણસ ‘વ્યક્તિ’ બને છે.’

શ્રીરામકૃષ્ણ કહે છે કે સેવાભાવ દ્વારા આ બીજો આધ્યાત્મિક વિકાસ આત્મજ્ઞાનનો બીજો તબક્કો, પરિણમે છે. એટલે, આત્મજ્ઞાનના વિકાસ માટે, આંતર માનવ સંબંધોના પરિપ્રેક્ષ્યમાં, સેવા કેળવણીની ભૂમિકા પૂરી પાડે છે. ‘શરીરની મનની અને ઈતર બીજી જે વધારાની શક્તિ મારી પાસે છે તે વડે તમને સહાય કરવા, તમારી સેવામાં હું હાજર છું; કાચો અહં પાકો અહં થાય ત્યારે આ વલણ સ્વાભાવિક બને છે. ગર્વિલો અને ઉદંડ અહંકાર દાસ અહંકાર બને છે, ભક્ત અહંકાર બને છે – શ્રીરામકૃષ્ણના જ શબ્દોમાં કહીએ તો ‘દાસ આમિ, ભક્ત આમિ.’ આ બાબત ઉપર શ્રીરામકૃષ્ણ ખૂબ ભાર મૂકે છે; કાચો અહં પાકો અહં બને છે ત્યારે, તમે આધ્યાત્મિક વિકાસ હાંસલ કરો છો, તમારામાંનું દિવ્ય તત્ત્વ વધારે આવિર્ભૂત થાય છે અનેબધામાં એક જ દિવ્ય તત્ત્વ રહેલું છે એટલે, બીજાઓમાં પ્રવેશવા માટે અને બીજાઓને તમારામાં પ્રવેશવા દેવા માટે તમે વધારે સમર્થ બનો છો; પછી કાચા અહંની ભૂમિકાએ બને છે, તેમ તેમ બિલિયર્ડ બોલની માફક એકમેકની સાથે અથડાતા નથી.

પતિપત્નીના અહંકાર કાચા હોય અથવા, તે બન્ને જોરદાર વ્યક્તિત્વવાળા હોય તેવા કુટુંબની કલ્પના કરો. એ ઘરમાં શાંતિ રહેશે જ નહીં. બંનેના અહં પાકા હશે તો બંને કેળવાયેલી વ્યક્તિ હશે તો, એ સુખી અને સંતૃપ્ત જીવન બનશે. આ સમસ્ત સમાજ માટે સાચું છે. આજે ભારતમાં આ અહં થોડો પાકો થાય તો, કૌટુંબિક જીવન, સામાજિક જીવન અને રાજકારણ પણ સુધરે. આના જેવી અનેક સુંદર વાતો શ્રી રામકૃષ્ણ ક્થામૃતમાં, શ્રી શારદામાના બોધમાં અને વિવેકાનંદ સાહિત્યમાં છે, ને એ તમામ આપણા વ્યક્તિગત અને સામૂહિક દૈનિક જીવનના યોગક્ષેમ માટે પ્રત્યક્ષ અગત્યનાં છે.

ઉપનિષદો, ગીતા અને શ્રીમદ્ ભાગવતના એક મહાન બોધ ઉપર શ્રીરામકૃષ્ણ ભાર દેતા તે એ કે, ‘ઈશ્વર સર્વ જીવોમાં છે અને જીવસેવા તે શિવસેવા છે.’ સૌમાં તેઓ દિવ્યતા નિહાળતા, પછી ભલે એ ગૃહસ્થો હોય કે યુવાન ભક્તો હોય, નાસ્તિકો હોય કે ગુનેગારો હોય, તેઓ કહેતાં, ‘તમારા સૌમાં હું નારાયણનાં દર્શન કરું છું.’ એટલે, એમણે શીખવ્યું: માનવજાતની સેવા પ્રભુસેવા છે. દરેક જીવ શિવ છે; જીવની સેવા તે જ શિવની સેવા છે. આ વિચારને વિવેકાનંદે વૈશ્વિક દર્શનમાં અને સેવાની આધ્યાત્મિકતામાં ખીલવ્યો.

ભારતમાં આપણી એક નબળાઈ એ છે કે આપણે કંઈ બોધ સાંભળીએ છીએ પરંતુ, બુદ્ધિપૂર્વક એનો અમલ કરી શકતા નથી. આ બાબત, ‘હાથી નારાયણ’ અને ‘મહાવત નારાયણ’નું શ્રીરામકૃષ્ણનું દૃષ્ટાન્ત આપણને સહાયરૂપ થશે.

એક ગુરુ પોતાના શિષ્યો સાથે આશ્રમમાં રહેતા હતા. ગુરુએ તેમને શીખવ્યું હતું કે બધા જીવોમાં નારાયણ વસે છે. એક દહાડે, આશ્રામ માટે બળતણ અને બીજી વસ્તુઓ લેવા શિષ્યો ગયા. બરાબર એ જ વેળા એક ગાંડો હાથી એ જ રસ્તેથી પસાર થતો હતો અને એની પીઠ પર બેઠેલો મહાવત બૂમો મારતો હતો: આઘા ખસો, ગાંડો હાથી આવે છે !આ સાંભળી એકને બાદ કરતા બધાં શિષ્યો દૂર હટી ગયા. પેલો શિષ્ય હાથી આવતો હતો તેની સામે ઊભો રહ્યો. ‘તું નારાયણ સ્વરૂપ છો’ એમ રટણ કરતો રહ્યો અને માર્ગમાંથી હટી જવાની મહાવતની સતત ચેતવણીને અવગણતો રહ્યો. કમનસીબે, હાથી આ ઊંચું વેદાંત જાણતો ન હતો! એણે એ જુવાન શિષ્યને ઊંચક્યો ને એક તરફ ફેંકી પોતાને રસ્તે ચાલતો થયો. આ ઘટના સાંભળી, ગુરુ અને એમના બીજા શિષ્યો પેલો જ્યાં પડ્યો હતો ત્યાં ગયા, એને ભાનમાં આણ્યો અને ગુરુએ પછી એને પૂછ્યું: ‘ગાંડા હાથીના માર્ગમાંથી બીજા સૌ ખસી ગયા તો પણ તું કેમ દૂર ન ખસ્યો?’ શિષ્ય ઉત્તરમાં કહ્યું: ‘એ બધું આપની કૃપા છે. આપે અમને શિખવાડયું છે કે બધાં ભૂતોમાં નારાયણ છે એટલે, હાથી નારાયણનું રટણ કરતો હું ત્યાં જ ઊભો રહ્યો.’ ગુરુ બોલ્યા ‘તું તે કેવો મૂરખ! નારાયણ હાથીમાં અવશ્ય છે પણ શું એ મહાવતમાં નથી? મહાવત નારાયણના બોલને તેં કેમ ન સાંભળ્યા?’

તો બોધનો બુદ્ધિપૂર્વકનો વિનિયોગ આ છે. આના જેવી અનેક દૃષ્ટાંત કથાઓ શ્રી રામકૃષ્ણના બોધમાં છે.

આજે ગુરુપૂર્ણિમા છે. આજે અનેક મહાન ચિંતકોએ અને ગુરુઓએ શ્રીરામકૃષ્ણને માનવજાતના ગુરુ જગદ્ગુરુ કહ્યા છે અને સ્વામી અભેદાનંદનો એક શ્લોક ટાંકીને મારું વક્તવ્ય પૂરું કરીશ:

जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुम्।
पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहु॥

‘જનની શારદાદેવી અને જગદ્ગુરુ શ્રીરામકૃષ્ણના ચરણ કમલોમાં શરણ લઈને હું એમને ફરી ફરી પ્રણમું છું.’

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડયા

Total Views: 63
By Published On: September 25, 2022Categories: Ranganathananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram