ક્રિયાયોગનું અગત્યનું એક અંગ સ્વાધ્યાય છે. સત્ સાહિત્યનું પઠન-પાઠન અને શ્રવણને બધાં ધર્મશાસ્ત્રોમાં ઘણું મહત્ત્વ અપાયું છે. ધ્યાન અને જપની સમાનકક્ષાએ નિયમિત સ્વાધ્યાય પણ દરેક સાધકની સાધનાનું એક અનિવાર્ય અંગ છે. સ્વામી વિવેકાનંદની માન્યતા હતી કે, સ્વાધ્યાય અને વિદ્યા-અધ્યયનના અભાવથી ધર્મસંધોનો હ્રાસ થઈ જાય છે. આધ્યાત્મિક જીવન માટે સાધુ-સંગ જેટલો આવશ્યક છે તેટલી સહેલાઈથી તે પ્રાપ્ત થતો નથી એની પૂર્તિ સત્ સાહિત્ય કરે છે. સત્ સાહિત્ય કેટલીક પળો માટે પરમાત્માના સાનિધ્યમાં લાવી મૂકે છે તથા મનને સદ્ધિચારોથી પૂર્ણ અને કુવિચારોથી ખાલી કરી નાખે છે. શાસ્ત્રો આત્મનિરીક્ષણમાં સહાયક થાય છે? એ દર્પણ સમાન છે જે આપણા મનમાં રહેલા છૂપા દોષોને પ્રગટ કરે છે. એથી ભોગવિલાસનું ચિંતન ક્ષીણ થાય છે. જો આપણે પ્રાર્થના દ્વારા આપણી વાત પ્રભુ સુધી પહોંચાડીએ છીએ તો પ્રભુ સંતોની વાણી અને શાસ્ત્રોના માધ્યમથી આપણા સુધી પહોંચે છે. તથા આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે. ધ્યાન અને પ્રાર્થના આપણા આવેદન છે તો સત્ સાહિત્ય અને શાસ્ત્ર પ્રભુ તરફથી આપણા માટે આદેશ છે.

સ્વાધ્યાયની પદ્ધતિ:

જેટલો લાભ સત્ સાહિત્યથી થાય છે એટલું જ નુકસાન અસત્ સાહિત્યના અધ્યયનથી થાય છે. આ કથનની સત્યતાનો અનુભવ બધા સાધકોને ત્યારે થાય છે જયારે પોતાના પૂર્વજીવનમાં રસથી વાંચેલા અસત્યસાહિત્યનાં સ્મૃતિચિત્રો એના મનમાં ઊઠીને તેને વિક્ષિપ્ત કરી નાખે છે. એટલે સ્વાધ્યાય જેટલો જરૂરી છે, તેટલો જ અવાંછનીય અને અહિતકર સાહિત્યનો ત્યાગ પણ જરૂરી છે. કમનસીબે આ બાબતમાં અનેક સાધકો સજાગ નથી થતા. અસત્ સાહિત્યનો નિષેધ સ્વાધ્યાયની દિશામાં પહેલું પગલું છે.

અપરાધ અને જાતીય વિષયનું સાહિત્ય નિશ્ચિત રીતે હાનિકારક છે. એને તો અડવું પણ જોઈએ નહિ. તે સિવાય સાંસારિક અને લૌકિક વિષયો પર આધારિત સાહિત્ય, શૃંગાર, કારુણ્ય એવા બીજા ભાવોનું ઉદ્દીપન કરનાર નવલકથા, નાટક, વાર્તા વગેરે પણ સાધકોને માટે ઉપયોગી નથી. એ જ રીતે રાજનીતિ વિષયક સામગ્રી સાથે પણ અધ્યાત્મમાર્ગે જનારને કશી લેવાદેવા નથી હોતી. આ સંદર્ભમાં યાદ રાખવા જેવું છે કે શ્રીરામકૃષ્ણ સમાચારપત્રોને અડકી સુધ્ધાં શકતા નહિ. કારણ કે તેમાં ભોગવિલાસની ચર્ચા હોય છે. વર્તમાન સમયમાં તો સમાજના નૈતિક સ્તરના પતન સાથેસાથે તે બાબતી ભરેલા સમાચારોનું વાચન નિશ્ચિત રીતે વિક્ષેપકારક થાય છે.

સત્ સાહિત્ય જે શાસ્ત્રીય, ગ્રાહ્ય અને ઉપાદેય છે તેના પણ બે પ્રકાર છે: કોઈ સિદ્ધાંતનું પ્રતિપાદન અને સિદ્ધિ માટે જે સાહિત્યમાં યુક્તિ અને ભરપૂર તર્ક હોય તેને ‘વાદ’ કહેવામાં આવે છે. સિદ્ધાંતની સિદ્ધિ પછી માત્ર તેની દૃઢતા માટે પણ અનેક શાસ્ત્રો હોય છે. જે ‘સિદ્ધાંત’ કહેવાય છે. શરૂઆતમાં જીવનનું લક્ષ્ય અને સાધનપદ્ધતિ નિશ્ચિત કરવા સાધકને વાદની જરૂર પડે છે. એણે વિષયનો બધી બાજુથી પૂરો વિચાર કરી લેવો જોઈએ જેથી આગળ જતાં શંકા ઉત્પન્ન ન થાય. એકવાર સિદ્ધાંત નિશ્ચિત થયા પછી ‘વાદ’ પ્રકારનાં શાસ્ત્રોની જરૂર રહેતી નથી. કદાચ, એ સાધનામાં બાધક પણ થાય! સાધકને ત્રણ પ્રકારનું સાહિત્ય ઉપયોગી થાય છે:

૧ જે સાહિત્ય આત્મા અને પરમાત્માના સ્વરૂપનું નિદર્શન કરે અને ભગવત્પ્રેમની વૃદ્ધિ કરે.

૨ જે સાધનાપદ્ધતિનું નિરુપણ કરતું હોય.

૩ જે સંસારનાં બંધન અને આસક્તિનું સ્વરૂપ બતાવી તેને દૂર કરવાના ઉપાય બતાવે.

સંતો અને મહાપુરુષોની જીવન-કથા આ દૃષ્ટિથી બહુ ઉપયોગી થાય છે.

ઘણા ભક્તો નિયમિત રીતે રોજ ગીતા, ભાગવત, રામચરિતમાનસ વગેરેનું પારાયણ કરે છે. આ એક વખાણવાલાયક ટેવ છે. પણ ઘણીવાર આ વાચન યંત્રવત્ બની જાય છે. ત્યારે તેમાંથી મળવો જોઈએ તે લાભ મળતો નથી. ધ્યાનપૂર્વક ઊંડાણથી અને મનન સાથે કરેલો સ્વાધ્યાય વધારે લાભદાયક થાય છે. એવું ન થાય કે મોં વાટે ઉચ્ચારણ ચાલુ રહે અને મન ક્યાંક બીજે ભટકતું હોય ! ઘણાં બધાં ધર્મશાસ્ત્રો વાંચવા એ પણ જરૂરી નથી. એક જ ગ્રંથને એકાગ્રતાપૂર્વક, એના અર્થને સારી રીતે આત્મસાત્ કરતાં કરતાં વાંચવાથી ક્યાંયે વધારે લાભ થાય છે. એટલું જ નહિ, સાધક જેમ-જેમ આગળ વધતો જાય તેમ-તેમ એ અનુભવ કરવા લાગે છે કે, એક ગ્રંથનો એક અધ્યાય જ તેને માટે પૂરતો છે. એટલામાં જ એટલું જ્ઞાન, એટલી વાતો ભરી છે એના પૂરા જીવન માટે તે પૂરતી છે અને છેવટે તો ગીતાનો એક શ્લોક, સ્વામી વિવેકાનંદના સાહિત્યનો એક પરિચ્છેદ, શ્રીરામકૃષ્ણ વચનામૃતનું એક પાનું અથવા રામચરિતમાનસની એક ચોપાઈ જ તેના દિવસભરના ચિંતન પૂરતું ભાથું આપી રહેશે. આ વિષયમાં યાદ રાખવા જેવું કે સ્વામી તુરીયાનંદજી ગીતાના એક એક શ્લોક પર કલાકો સુધી મનન અને ધ્યાન કરતા રહેતા હતા.

સ્વાધ્યાયનો ઉદ્દેશ આપણા અભ્યાસના ક્ષેત્રનો વિસ્તાર કરવાનો નહિ પણ તેના ઊંડાણમાં જવાનો છે.

ગંભીર ચિંતનની દિશામાં લેખન અને સત્ સાહિત્યના અંશોનો અનુવાદ ખૂબ સહાયક થાય છે. આ કાર્યોમાં મનને વધારે એકાગ્ર કરવું પડે છે. દરેક શબ્દના વાસ્તવિક અર્થને આત્મસાત્ કર્યા વિના તેનો ઠીક ઠીક અનુવાદ થઈ શકતો નથી. ગીતાના શ્લોકનું માત્ર રટણ કરવાને બદલે તેને લખવામાં આવે તો આ કામમાં વધારે એકાગ્રતાની જરૂર રહે છે. મૌલિક લેખનકાર્યમાં પણ આપણા વિચારોને વ્યવસ્થિત અને યોજનાબદ્ધ કરવા જરૂરી છે. એ માનસિક વ્યાયામનું કામ કરે છે.

જો આપણે મનમાં જ પુસ્તક વાંચીએ તો એમાં આપણી આંખો અને મન કાર્ય કરે છે. પણ ઉચ્ચારણ કરી વાંચીએ તો, જે વાક્યને વાંચતા હોઈએ તેના પર આંગળી રાખતાં જઈએ તો આંખ, જીભ, કાન, સ્પર્શેન્દ્રિય અને મન એ બધાં કાર્યરત થશે. એટલે મોટેથી વાંચવું વધુ ઉપયોગી છે.

કેટલાક માણસોને એક જ વિષય સંબંધી સુંદર વાતોને, જુદાંજુદાં પુસ્તકોમાંથી કાઢી એક સાથે સંઘરવાની રુચિ હોય છે. ધ્યાન, શરણાગતિ, સેવા, ત્યાગ, વગેરે વિષયો પર જુદાંજુદાં સંત મહાત્માઓએ શું કહ્યું છે, જુદાંજુદાં ધર્મગ્રંથોમાં શું લખ્યું છે તે એક સાથે એકત્ર કરવું તે પણ એક સરસ અને સ્વસ્થ રુચિ છે. આપણે તરત જ તે બધી વાતોને આપણાં જીવનમાં ઉતારી ન શકીએ તો પણ મન પર તેનાથી એક શુભ સંસ્કાર તો પડે જ છે. સ્વાધ્યાયનો એ જ ઉદ્દેશ છે.

સ્વાધ્યાય, એકલા, એક-બે વ્યક્તિ સાથે કે સામુહિક રૂપમાં થઈ શકે છે. આ ત્રણે પદ્ધતિઓનું પોતપોતાનું મહત્ત્વ છે. સ્વાધ્યાયના માધ્યમથી પ્રભુ સાથે આંતરિક સંબંધ સ્થાપિત કરવા કોઈ વાર આપણને એકાંત જરૂરી લાગે છે, તો કોઈ વાર એક બે મિત્રો સાથે કોઈ વિષયની ચર્ચા કરી તેને સમજી લેવા ઈચ્છીએ છીએ. તો કોઈ વાર સામુહિકરૂપમાં સ્વાધ્યાય કરી ભક્તિપૂર્ણ વાતાવરણનું નિર્માણ કરવા ઇચ્છીએ છીએ. જે નીચે જનાર મન કેવળ વ્યક્તિગત પ્રયાસથી ઊંચે ચઢાવી નથી શકાતું તે સામૂહિક સત્સંગથી ભક્તોની સાથે સ્વાધ્યાય કરવાથી સહજમાં ઊર્ધ્વગામી થઈ શકે છે. ભણવા માટે વાંચવું અને ભણાવવા માટે વાંચવું એ બેમાં ફરક છે. બધા અધ્યાપકો તેને સારી રીતે જાણે છે. ભણાવવા માટે વાંચીએ ત્યારે વિષયોને બરાબર આત્મસાત્ કરવા પડે છે. જો કોઈ સાધકને અધ્યાપનકાર્ય કરવું પડે તો એના પોતાના માટે તે ચોક્કસ લાભકારક સિદ્ધ થશે. હા, એની નજર કેવળ ભણાવવા પર નહિ પણ જાતે જ ભણવા પર અને આધ્યાત્મિક લાભ પર પણ હોવી જોઈએ.

ભયસ્થાન અને સાવધાની

બધાં આધ્યાત્મિક સાધનોમાં કેટલીક સાવચેતી રાખવી પડે છે. નહિ તો સાધકની પ્રગતિ રૂંધાઈ જાય છે. સાધનાનો ઉદ્દેશ હંમેશાં યાદ રાખવો જોઈએ. સ્વાધ્યાયનો ઉદ્દેશ મનને શુદ્ધ અને ઉચ્ચતર ચિંતન માટે તૈયાર કરવાનો છે. જેથી તે ઈશ્વર-સાક્ષાત્કાર માટે સમર્થ થઈ શકે. આ લક્ષ્ય ભૂલી જવાય તો સ્વાધ્યાય એક વ્યસન-ટેવ બની પોતે જ આડખીલી બની શકે છે. ઘણાં બધાં શાસ્ત્રો વાંચવાની વાસના શાસ્ત્રષણા કહેવાય છે અને ઘણા સાધકો તેના શિકાર બને છે. એમની શાસ્ત્રજિજ્ઞાસા કદી સમાપ્ત થતી નથી અને એક પછી એક ગ્રંથ વાંચતા જ જાય છે. તેમને આ અભ્યાસમાં બૌદ્ધિક રસ કે આનંદનો અનુભવ થાય છે. મનને એ માત્ર કાર્ય આપે છે એથી વધારે કશું નહિ. બીજાને ભણાવવાની, ઉપદેશ આપવાની વાસના પણ કેટલાક સાધકોને નવાં નવાં પુસ્તકો વાંચવાને પ્રેરે છે. જો વાંચતી વખતે મનમાં એવા વિચાર થયા કરે કે અમુક વાત ખૂબ સરસ છે, હું તે બીજાને સંભળાવું – તો સાધક લક્ષ્ય ચાતરી જાય છે. શ્રીરામકૃષ્ણ કહેતા, “બીજાને મારવા માટે ઢાલ-તલવાર જરૂરી છે. પણ ખુદ પોતાને મારવા માટે એક સોય જ પૂરતી છે.” એવી રીતે બીજાને શીખવવા કે ઉપદેશ આપવા માટે ભલે ઘણાં બધાં શાસ્ત્રોના અભ્યાસની જરૂર હોય પણ પોતાને માટે તો થોડી વાત જ પૂરતી છે, વધારે નહિ. હા, વધુ પડતું ચંચળ મન જો ધ્યાનમાં બેસી જ ન શકે, એકાગ્ર થઈ જ ન શકે તો એવા મનને નીચે પડતું તથા તામસમાં પતિત થતું રોકવા માટે પઠન-પાઠનમાં ખુંચાડી દેવું એ ઉપયોગી સિદ્ધ થાય! એથી મન વધુ ઊંચા સ્તર પર જવા અશક્ત છતાં બૌદ્ધિક કક્ષા પર રહ્યા કરે છે. દૈહિક કે સ્થૂળ ભૌતિક કક્ષા પર ઊતરી જતું નથી.

(‘વિવેકશિખાજુલાઈ૧૯૮૭.)

Total Views: 17
By Published On: September 25, 2022Categories: Brahmeshananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram