સ્વામી પૂર્ણાત્માનંદજી દ્વારા સંકલિત મૂળ બંગાળી ગ્રંથ ‘શ્રી શ્રીમાયેર પદપ્રાંતે’, ભાગ-૩ માંથી સ્વામી જિતાત્માનંદજીએ અંગ્રેજીમાં સંકલન કરીને લખેલા લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

શ્રીરામકૃષ્ણના મોટા ભાઈની પુત્રી લક્ષ્મી દીદીને શ્રીઠાકુર મા શીતળાનો અવતાર ગણતા. એટલે જ શ્રીમાને પણ લક્ષ્મી દીદી માટે વિશેષ સ્નેહાદર હતો. આધ્યાત્મિકતાની આજન્મકૃપાવાળા લક્ષ્મી દીદી શ્રીમાના સહાયક બનીને રહેતાં. શ્રીમા વિશે એમણે પછીથી આ પ્રમાણે નોંધ કરી હતી:

‘‘અરે! કેવો એ દિવ્યાનંદ ભર્યો સમય અમે ગાળ્યો હતો! એનું વર્ણન કેમ થાય! અરે! બ્રહ્માનંદનો આનંદ પણ એની તુલનાએ નિ:સ્વાદ લાગે! પૂર્ણથીયે પૂર્ણ એવા શ્રીઠાકુરની સંગાથે અમે સતતપણે રહેતાં. જ્યારે કોઈ સર્વોચ્ચ બ્રહ્મ કે સૃષ્ટિ-સ્થિતિ-લયના સ્વામીની વાત કરે છે ત્યારે શક્તિ અને મહિમાનો વિચાર આવે છે. પરંતુ અમારા આ ઠાકુરમાં તો આ શક્તિ અને મહિમાનો તલભારેય અણસાર જોવા ન મળતો. તેઓ તો નિર્મળ દિવ્યપ્રેમનું મૂર્તિમંત રૂપ હતા – તેઓ મૂળ પ્રેમ સ્વરૂપ પ્રભુ હતા.

(શ્રીરાધાકૃષ્ણના મંત્રથી શ્રીઠાકુર દ્વારા મને મળેલી ઔપચારિક મંત્રદીક્ષા પહેલાં) મેં અને શ્રીમાએ ઉત્તર પશ્ચિમના એક સાધુ પાસેથી શક્તિમંત્ર લીધો હતો. તેઓ શરીરે સ્થૂળ પણ તંદુરસ્ત અને સુંદર હતા. તેઓ શાંત પ્રકૃતિવાળા હતા. પરિપક્વ આમ્રફળ જેવા એ સંન્યાસીનું નામ સ્વામી પૂર્ણાનંદ હતું. મારી અને શ્રીમાની આ દીક્ષા વિશે અમે પછીથી શ્રીઠાકુરને જણાવ્યું. તેમણે કહ્યું: ‘ભલે એ મંત્ર રહ્યો. મેં લક્ષ્મીને સાચો અને યોગ્ય મંત્ર (રાધાકૃષ્ણ) આપ્યો છે.’ એ સંન્યાસી આપણા કામારપુકુરમાં આવ્યા હતા અને શ્રીરામકૃષ્ણ અને મારા પિતાએ (શ્રીરામકૃષ્ણના મોટા ભાઈ) પણ તેમની પાસેથી આવો જ મંત્ર લીધો હતો એવું અમે સાંભળ્યું હતું.

જ્યારે હું કામારપુકુરમાં હતી ત્યારે શ્રીમાને થોડું લખવા-વાંચવાનું શીખવાડતી. હું ગામઠી શાળાએ ભણવા જતી. ઘણી બાધાઓ વચ્ચે શ્રીમા વાંચતાં શીખ્યાં. દક્ષિણેશ્વરના નોબતખાનાના અમારા નિવાસ દરમિયાન હું શ્રીમાને તેમની સુવિધા જોઈને અભ્યાસપાઠ આપતી. એક દિવસે મંદિરના ભંડારીના ૧૧ વર્ષના પુત્ર શરતને બોલાવીને શ્રીઠાકુરે કહ્યું: ‘તું જા અને લક્ષ્મી અને તેનાં કાકી (શ્રીમા)ને પહેલો અને બીજો પાઠ વાંચવા આપી આવ.’ આ બે પાઠ પૂરા કરીને અમે જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે શ્રીઠાકુરે કહ્યું: ‘તમારે હવે વધારે અભ્યાસ કરવાની જરૂર નથી. હવે તમે આપણા રામાયણ જેવા ધર્મગ્રંથો બહુ સારી રીતે વાંચી શકશો.’

એક દિવસ જદુ મલ્લિકનાં પત્ની લાલ કિનારીવાળી અને ગેરુઆ રંગે રંગેલી સાડી લાવ્યા અને શ્રીમાને આપી. એ પહેરીને શ્રીમા જગદંબા, રાધાકાન્તને અને શ્રીઠાકુરને પ્રણામ કરવા આવ્યાં. ભગવાં પહેરેલ શ્રીમાને જોઈને ઠાકુરે પૂછ્યું: ‘લક્ષ્મી, આ વસ્ત્ર કોણે આપ્યું? એણે નોબતખાનામાં મૂકી રાખજો અને કોઈ તાંત્રિક કે તપસ્વી વૈરાગી સ્ત્રી આ મંદિરના દર્શનાર્થે આવે તો એને આપી દેજો. જો જો, એ ભગવાં કપડાંનું પાણી પગને ન સ્પર્શવું જોઈએ.’

એક વખત શ્રીમા  શારદાદેવી કામારપુકુરમાં ભક્તો સાથે વાત કરતાં હતાં. છૂટા પડતી વખતે પેલા ભક્તે શ્રીમાને ‘મને પોકારજો’ એમ કહેતાં સાંભળ્યું. પણ થોડી જ વારમાં શ્રીમાએ કહ્યું: ‘શ્રીઠાકુરને પોકારજો. શ્રીઠાકુરને પોકારવાથી કે પ્રાર્થવાથી બધું થઈ જશે.’ મેં તેમને કહ્યું: ‘મા, આ તમે ખોટું કરો છો. આવી રીતે જો તમે તમારા સંતાનોને ગૂંચવશો તો તેઓ શું કરશે?’ શ્રીમાએ કહ્યું: ‘કેમ? મેં શું કર્યું?’ મેં શ્રીમાને કહ્યું: ‘એક પળે તમે કહ્યું કે મને પોકારજો; અને વળી પાછું તમે એમ કહો છો કે શ્રીઠાકુરને પોકારો!’ શ્રીમાએ કહ્યું: ‘કોઈ ઠાકુરને પોકારે કે પ્રાર્થે એ પૂરતું છે. મેં શ્રીમાને કહ્યું: ‘મા, જો તમે તમારા સંતાનને આ રીતે મૂંઝવણમાં મૂકી દો તો એ ખોટું છે.’ પછી મેં પેલા ભક્તને ‘જો ભાઈ આજે જ મેં પહેલી વખત શ્રીમાને ‘મને પોકારજો’ એમ કહેતાં સાંભળ્યાં’, તારે એ ક્યારેય ભૂલવું ન જોઈએ. ઠાકુર વળી બીજું કોણ હતા? તમે માને જ પોકારો. તમે સદ્‌ભાગી છો કે શ્રીમાએ પોતે જ તમને આ સત્ય કહ્યું છે. તમે શ્રીમાને માત્ર શ્રીમાને જ પોકારજો.’ પછી મેં શ્રીમાને સંબોધીને કહ્યું: ‘તમને આ કેમ લાગે છે? શું મેં સાચું કામ નથી કર્યું?’ મારા શબ્દોને સાચા પુરવાર કરતા હોય તેમ શ્રીમા શાંત રહ્યાં.’’

કોલકાતાના ૨૩ વર્ષના યુવાન સ્વામી વિશુદ્ધાનંદ ૧૯૦૫ કે ૧૯૦૬માં પહેલીવાર શ્રીમા શારદાને મળવા જયરામવાટી ગયા હતા. તેમણે લખ્યું છે: ‘હું ખચકાઈને શાકભાજી સુધારતાં શ્રીમાની સામે ઊભો રહ્યો. જેવો તેમણે મને જોયો કે તરત કહ્યું: ‘કેમ, દીકરા? રસ્તામાં તને અગવડ-મુશ્કેલી પડી હતી?’    હું તો સાવ અજાણ્યો હતો. છતાંય ‘કેમ છે, દીકરા?’ એવું સંબોધન એમણે મને કેમ કર્યું? મારા જીવનનો એ સ્મરણીય દિવસ હતો. જ્યારે જ્યારે શ્રીમા સાથેના આ પ્રથમ મિલનનો હું વિચાર કરું છું ત્યારે મારી આંખમાંનાં આંસુંને ખાળી શકતો નથી. એ વખતે હું શ્રીમા સાથે સાત દિવસ સુધી રહ્યો હતો. કેવો દિવ્યપ્રેમ એમણે વરસાવ્યો હતો મારા પર. કેટકેટલા પ્રેમ સ્નેહભર્યા શબ્દો કહ્યા હતા મને એમણે! તેમણે મને તત્કાળ સમાધિ અવસ્થા ન આપી પણ તેમણે મને હંમેશાંને માટે પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યો!’

એક યુવક રૂપે સ્વામી વાસુદેવાનંદે એક દિવ્ય સ્વપ્નમાં મંત્ર પ્રાપ્ત કર્યો, પણ એની શંકા દૂર ન થઈ. વરિષ્ઠ સંન્યાસીઓએ આ યુવાનને શ્રીમા પાસે મોકલ્યો. એમને તેણે આ સ્વપ્નની વાત કરી. શ્રીમા ગહન સમાધિભાવમાં સરી પડ્યાં અને પેલા યુવાનને જે મંત્ર સ્વપ્નમાં મળ્યો હતો તે મંત્ર જપવા લાગ્યાં. તેમણે હસીને કહ્યું: ‘આ જ તારો મંત્ર છે. હવે આ મંત્રનો જપ કરવા માંડ.’ વળી પાછું યુવાનને કહ્યું: ‘મેં જે તને કહ્યું તે શ્રીઠાકુરે જ કહ્યું છે એમ માનજે.’ થોડીવાર પછી વળી બોલ્યાં: ‘ગુરુ અને ઈષ્ટ એક છે. તે જ રામકૃષ્ણ છે અને તે જ તારા ઈષ્ટદેવ છે.’ મેં શ્રીમાનાં ચરણકમળમાં પ્રણામ કરીને આવી પ્રાર્થના કરી: ‘મા, મને ભક્તિભાવ આપો.’ શ્રીમાએ મારી બંને ભ્રૂકુટિ વચ્ચે પોતાની આંગળી રાખી કહ્યું: ‘શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી તારા જ્ઞાનચક્ષુ ખૂલી જશે. શ્રીઠાકુર તારું ત્રીજું નેત્ર ખોલી નાખશે. અજ્ઞાનનું અંધારું દૂર થશે. તને ઘણી દિવ્યાનુભૂતિઓ થશે. ગહન ધીરતા અને શાંતિથી રહેજે.’

એ જ યુવાન શ્રીમાના સંન્યાસી શિષ્ય બનીને ઉદ્‌બોધન મંદિરમાં બાણેશ્વર શિવલિંગની પૂજા કરતો હતો. એક દિવસ અજાણતાં જ એમના હાથમાંથી શિવલિંગ સરી પડ્યું અને ભૂમિ પર ગબડવા લાગ્યું. ભારતીય ચૈતન્યજગતમાં બાણેશ્વર શિવલિંગને શિવની જીવંત મૂર્તિ ગણવામાં આવે છે. સંન્યાસી તો ગભરાઈ ગયા. બીજે દિવસે સવારે એક સ્ત્રીભક્તે આવીને શ્રીમાને કહ્યું કે તેમણે પાંચ વર્ષના ધવલવર્ણા જટાધારી શિવને પોતાના તરફ આખે રસ્તે નાચતાં નાચતાં આવતા જોયા અને એ બાળ શિવજીએ કહ્યું: ‘તેણે મને જમીન પર પાડી દીધો છે!’ જ્યારે શ્રીમા આ બધું સાંભળતાં હતાં ત્યારે પેલા યુવાન સંન્યાસી અત્યંત ગભરાઈ ગયા અને અંદરને અંદર પ્રાર્થના કરવા લાગ્યા: ‘હવે માત્ર ગુરુકૃપા જ મને બચાવી શકે.’ શ્રીમાએ પેલા સ્ત્રીભક્તને ઉત્તર આપતાં કહ્યું: ‘અરે! બાળકો તો આ રીતે કેટલીયેવાર ભૂમિ પર પડી જાય છે!’ પછી શ્રીમાએ બાણેશ્વર શિવલિંગ તરફ જોઈને કહ્યું: ‘હે શિવપિતા તમે તો આ સમગ્ર બ્રહ્માંડમાં તમારા આઠ દિવ્ય સ્વરૂપોથી વ્યાપેલા છો. તો આ છોકરો તમને એક બાણમાં કેમ જાળવી શકે?’ (શિવમહિમ્ન સ્તોત્રમાં શિવના આ આઠ નામનો ઉલ્લેખ છે : ભવ, સર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાન, ભીમ, ઈશાન.)

મને તરત જ આ શબ્દોનો અર્થ સમજાઈ ગયો. (શિવ રુષ્ટે ગુરુત્રાતા, ગુરુ: રુષ્ટે ન કશ્ચન – શિવજી ક્રોધ કરે તો ગુરુ તમને બચાવી શકે! પણ જો ગુરુ ગુસ્સે થાય તો તમને કોઈ બચાવી શકે નહિ.)

૧૯૧૪માં શ્રીરામકૃષ્ણના અશ્મિકુંભ (આત્મારામ કૌટા) પર શ્રીકાલીપૂજા અને જગદ્ધાત્રી પૂજા થઈ હતી. ૧૯૧૫માં જગદ્ધાત્રી પૂજા સમયે જયરામવાટીમાં મેં માને પૂછ્યું: ‘શું શ્રીરામકૃષ્ણના અશ્મિકુંભ પર જગદંબા શ્રીકાલી અને જગદ્ધાત્રીની પૂજા કરી શકાય ખરી? એ વખતે આપણે આપણા જપને ‘હે મા મહેશ્વરી, અમને વિજયી બનાવો, અમારા આ પવિત્ર મંત્રજાપને સ્વીકારો’ આવી પ્રાર્થના સાથે એ અશ્મિકુંભ પર અર્પીએ છીએ. આવી પ્રાર્થના શ્રીરામકૃષ્ણના અશ્મિકુંભ પર અર્પણ કરવી એ શું ખોટું નથી?’ શ્રીમાએ જવાબ આપતાં કહ્યું: ‘એ કેવી રીતે ખોટું હોઈ શકે? તમે વેદાંત વાંચો છો ને? ઠાકુર પોતે જ મહેશ્વર શિવ છે, ઠાકુર પોતે જ મહેશ્વરી પણ છે. એમનો દેહ યોગ માયાના નિર્મળ પવિત્ર સ્વરૂપમાંથી રચાયો હતો. ઠાકુર એ બ્રહ્મ છે અને શક્તિ પણ છે, એટલે કે શ્રીઠાકુર એક જ રૂપે બ્રહ્મ અને શક્તિ છે. શ્રીઠાકુરની માંદગી વખતે મેં એક દિવસ પોતાનું માથું એકબાજુએ નમી ગયેલી અવસ્થામાં શ્રીમા કાલીને ત્યાં જોયાં હતાં. મેં પૂછ્યું: ‘મા, તમે કેમ આમ ઊભાં છો?’ મા કાલીએ કહ્યું: ‘એમના (શ્રીરામકૃષ્ણના) કેન્સર રોગવાળા ગળાને કારણે. મારા ગળામાંયે એવી જ ઊંડી વેદના થાય છે.’

‘એક દિવસ એક વખત મહાપુરુષ મહારાજે મને (સ્વામી વાસુદેવાનંદને) કહ્યું કે એક દિવસ તેઓ અને રાજા મહારાજ શ્રીરામકૃષ્ણના ઓરડામાં બેઠા હતા. શ્રીઠાકુર પાટ ઉપર બેઠા હતા અને અમે બે નીચે સાદડી પર. સાંજ થતાં સંધ્યા આરતીની ઝાલર રણકી ઊઠી. બંને છોકરાઓ શ્રીમા જગદંબાની સંધ્યા આરતીનાં દર્શન કરવા અત્યંત આતુર બન્યા. એકાએક રાખાલે શ્રીમા કાલીને તેમની સન્મુખ ઊભેલાં જોયાં અને રાજા મહારાજે સાંભળ્યું. તમે તો વૃંદાવનના ગોપબાલ છો. એટલે જ હું તારા માટે વત્સલભાવ અનુભવું છું.’

એક વખત કેટલાક લોકો કોઈ બીજી વ્યક્તિ વિશે ખોટી અફવાઓ ફેલાવતા. જ્યારે શ્રીમાએ આ સાંભળ્યું ત્યારે તેમણે પોતાના સંન્યાસી શિષ્ય સ્વામી અરૂપાનંદજીને કહ્યું: ‘એને કહી દો કે એ બધા નિંદકો પર ગંગાજળ રેડે નહિ તો એ બધા બળીને ખાક થઈ જશે.’ યુવાન સંન્યાસીઓની વર્તણૂક વિશે ફરિયાદ કરતા ગોલાપમાને શ્રીમાએ કહ્યું: ‘હું શું કરી શકું? જ્યારે મને કોઈનો દોષ ન જણાતો હોય તો એને મારે સજા કરવી? તમને ખબર નથી કે હું ‘મા’ છું? હું કેવી રીતે સજા કરી શકું? હું મારા બાળકોને ધોઈધફોઈને સ્વચ્છ, નિર્મળ બનાવું છું. આ તો શ્રીઠાકુરના સંતાન છે. એમને ઠપકો આપવો શું સહેલી વાત છે? શું તમે નથી જાણતા કે તેમણે સહજ સરળતાથી કેવી રીતે બરાબર ગોઠવી દીધા છે! એમનો રોષપૂર્ણ પ્રેમ દરેકને સીધા રાખે છે. આપણા પ્રભુ તો પ્રેમના સાગર છે. અહીં ઉદ્ધત કે સખતાઈ ભરેલું વર્તન ન હોય.’ અહીં બાઈબલની યાદ આવે છે: ‘માનવ પુત્ર માણસોનાં જીવનને બાળવા-પ્રજાળવા નહિ પણ એમને બચાવવા આવ્યા છે!’

એક વિહ્‌વળ સ્ત્રીભક્તે પૂછ્યું: ‘મા, મન એકાગ્ર થતું નથી. હવે હું શું કરું?’ શ્રીમાએ જવાબ આપ્યો: ‘ધ્યાન કઠિન તો છે પણ આપણા બહેનો માટે જપ સર્વકંઈ લાવી શકે છે. એટલે તું જપ કર એ વધારે સારું. જપ સ્થિર બેઠકે બેસીને કરવા જોઈએ. દરરોજ દસ થી વીસ હજાર જપ કરો. અને જુઓ કે મન કેવી રીતે વળી જાય છે! જો એવું ન થાય તો મને કહેજે.’ સંન્યાસીઓ અને ત્યાગી-વૈરાગી સિવાય ધ્યાન ધરવું ઘણું કઠિન છે. વળી માત્ર પુરુષના દેહથી ધ્યાનની ખાતરી મળતી નથી. મનની શક્તિ હોવી જોઈએ અને મનને ત્યાગના ભાવથી ભરી દેવું જોઈએ. નિષ્કામ ભાવના અને ઈશ્વર પ્રત્યેના પ્રેમ વિના ધ્યાન મુશ્કેલ છે. ચાર પ્રકારના મનુષ્યો ધ્યાનનિપુણ બને છે: (૧) ઉચ્ચતમ આધ્યાત્મિક સદ્‌ગુણો સાથે જન્મેલા માનવો (૨) જેમણે ગુરુના ઉપદેશો સ્વીકાર્યા છે અને ધ્યાનમાં સફળતા મેળવવા ઉપયોગી વિવિધ સાધનો દ્વારા એ ઉપદેશોનું આચરણ કર્યું છે. (૩) ઠાકુર કૃપાસિદ્ધની વાત કરતા. કૃપા સિદ્ધ એટલે માત્ર ઈશ્વરની કૃપાથી જ જેમના આધ્યાત્મિક જીવનની ઉન્નતિ થઈ છે. કૃપા કરીને ગુરુએ તેમના મનને સંસારથી ઉચ્ચ ભૂમિકાએ મૂક્યા છે. જળ પર તરતાં કમળની જેમ તેમનું મન આ વિશ્વમાં તરતું રહે છે. એને કૃપાસિદ્ધ કહેવાય. (૪) શ્રીઠાકુર એમ પણ કહેતા કે જેમ કોઈને અચાનક બીજાની સંપત્તિ મળી જાય તેમ કેટલાકને દિવ્ય પ્રકાશ મળે છે. એ લોકોએ પૂર્વજન્મમાં સારાં કર્મો કર્યાં હોય છે પણ કોઈ મોહ-વિમૂઢતાને કારણે આ માયાવી સંસારમાં તેમને દુ:ખ આપત્તિ ભોગવવાં પડે છે. જે પળે પૂર્વ (માઠાં) કર્મફળ પૂરાં થાય કે તરત જ જેમ રસ્તે ચાલનારને કોઈ કીમતી હીરો મળી જાય તેમ એમને દિવ્ય પ્રકાશ મળી જાય છે.

આ વખતે શ્રીરામકૃષ્ણે લોકોના કલ્યાણ માટે કઠિનતમ સાધના-તપ કર્યાં છે. એમ કરવામાં તેઓ માત્ર હાડચામનું માળખું બની ગયા. આ ઉપરાંત બીજાના પાપને પોતાના પર આરોપીને એમને રોગ પણ થયો. એટલે જ જ્યારે જ્યારે કોઈ શ્રદ્ધાભક્તિ, ઈશ્વરપ્રેમમાં વૃદ્ધિ કરે; એમના નામનું સ્મરણ કરે; એમની દિવ્યલીલા અને દિવ્ય જીવનનું ધ્યાન ધરે ત્યારે કુંડલિની શક્તિ દ્વારા તે દિવ્યાનંદ પ્રાપ્તિ સુધી ઉન્નતિ સાધે છે. આ ભૌતિકવાદનો કલિયુગ છે. શું લોકો સત્યયુગ અને ત્રેતાયુગની જેમ તપસાધના કરી શકવા સમર્થ બને ખરાં? અત્યારે તો જીવનબળ ભોજન (અન્નગત પ્રાણ) પર કેન્દ્રિત થયું છે. શ્રીઠાકુરનું નામ જપતા રહો અને જો જો કે તેઓ તમને અન્ન અને આશ્રય બંને આપશે. આ યુગમાં જે કોઈ શ્રીઠાકુરનું નામ જપે તેને અન્નનો અભાવ નહિ રહે.

શાસ્ત્રો વિશે કોઈ વર્ગવ્યવસ્થા નથી અને મંદિરમાં શ્રીઠાકુરની જ સેવાપૂજા કરતા રહેવું પડે છે. એને કારણે એક રસીલાપણું અનુભવતા એક સંન્યાસીને ઉદ્‌બોધનમાં શ્રીમાએ આમ કહ્યું: ‘આધ્યાત્મિક જીવનના પ્રારંભમાં દિવસ અને રાત શાસ્ત્રો વાંચ્યે રાખવા એ સારું નથી. એનાથી તો મન શુષ્ક બની જાય. જો તમે શ્રીઠાકુરના દિવ્ય જીવન અને દિવ્ય લીલા પર ધ્યાન ધરો અને એનું ચિંતન-મનન કરો તો તમારું એ જ શુષ્ક મન ફરી પાછું દિવ્યભાવથી ભરપૂર ભરાઈ ગયેલું જણાશે. કેવી સરસ રીતે શરતે (સ્વામી શારદાનંદે) ‘લીલાપ્રસંગ’ લખ્યું છે! શ્રી‘મ’નું ‘કથામૃત’ મનને ગહન શાંતિ અને સ્થિરતા આપે છે. અક્ષયકુમાર સેનની ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’માંથી દરરોજ થોડોભાગ વાંચતા રહો. જો હું પોતે એને માટે સમય કાઢી શકું તો મનેય પોતાને દરરોજ એ સાંભળવું ગમે.

ત્યાર બાદ જ્યારે હું નીચે આવ્યો ત્યારે મેં જોયું કે કોઈ મારા માટે બાઈબલ મૂકી ગયું હતું. જે પળે મેં બાઈબલ ખોલ્યું તો એમાં આ વાંચવા મળ્યું: ‘અને પ્રભુ તને સતત માર્ગદર્શન આપતા રહેશે, અભાવમાં તારા આત્માને સંતોષતા રહેશે; તારા સ્નાયુઓને સશક્ત બનાવશે અને તું એક પાણી પાયેલા ઉદ્યાન જેવો બની જશે, એટલું જ નહિ પરંતુ સતત વહેતા ઝરણા જેવો બની જશે.’

૧૯૧૫-૧૬ના બાંકુરાના દુષ્કાળ દરમિયાન વરસાદનું કોઈ નામનિશાન ન હતું. બાંકુરાના શ્રી વિભૂતિ ઘોષ આવ્યા અને શ્રીમાને કહ્યું: ‘મા, બે વર્ષથી પાણીનું ટીપુંય વરસ્યું નથી. આખો વિસ્તાર જાણે કે બળી રહ્યો છે. અરે! પીવાનું પાણી આપતા કૂવા યે ડૂકવા માંડ્યા છે. પાણીના તળાવોમાં પાણીનું ઝડપથી બાષ્પીભવન થઈ રહ્યું છે. રસ્તા પર આવેલાં ઠૂઠાં વૃક્ષો પર પાંદડાંનું નામ નિશાન નથી. હે મા, હવે અમારા માટે તમે કંઈક કરો!’ ગંભીર ભાવે શ્રીમાએ કહ્યું: ‘અરે, ઠાકુર! તમે આ લોકોની કેવી દશા કરી?’ થોડીવાર શાંત રહીને શ્રીમાએ કહ્યું: ‘એ બધાને કહો કે તેઓ શ્રીરામકૃષ્ણની કમળનાં પુષ્પોથી પૂજા કરે. વરસાદ જરૂર આવશે.’ પછી મોં પર સ્મિત લાવીને શ્રીમાએ કહ્યું: ‘પરંતુ મા સિંહવાહિનીની કૃપાથી આ વિસ્તારમાં દુકાળ નથી.’ ખરેખર ચોતરફ આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારની વચ્ચે કામારપુકુર, જયરામવાટી જાણે કે જીવનના રણદ્વીપ બની રહ્યા. બધાં ખેતર લીલાંછમ છે, બધા કૂવા પાણીથી ભરેલા છે અને તળાવમાં પાણી હેલારા લે છે. અરે, આમોદર નદી પણ વહી રહી છે.

અમે (બાંકુરાના દુષ્કાળગ્રસ્ત વિસ્તારના લોકો) પુરુલિયામાંથી ૧૦૦૦ કમળફૂલ લાવ્યા અને શ્રીરામકૃષ્ણની કમળપુષ્પથી પૂજા કરી. એ જ સમયે લોકો બાણેશ્વર શિવલિંગ પર પાણીનો અભિષેક કરવા લાગ્યા. સવારથી જ લોકો આવવા લાગ્યા, એકઠા થવા લાગ્યા અને દ્વારકેશ્વર નદીના કિનારે આવેલા એકત્યેશ્વર શિવ પર જળાભિષેક કરવા લાગ્યા. 

બપોર વેળા પૂરી થઈ અને કાળાં વાદળાં ઘેરાવા લાગ્યાં. બપોર પછી આશરે ૪.૩૦ વાગ્યે ધોધમાર વરસાદ આવ્યો અને પાંચ કલાક સુધી સતત વરસતો રહ્યો. બીજે દિવસે સવારે લોકોએ જોયું તો કૂવાઓ, નહેરો, નદીઓ, વોંકળા અને વિશાળ ખેતરો પાણીથી ભરાઈ ગયાં હતાં. સૂકીભઠ્ઠ જમીનમાં પડેલા વિશાળ ચીરા પણ પાણીથી ભરાઈ ગયા. આ સમાચાર દૂરસુદૂર પ્રસરી ગયા. દૂરસુદૂર જ્યાં જ્યાં વરસાદ નહોતો આવ્યો ત્યાંથી લોકો ટોળે મળીને શ્રીરામકૃષ્ણની પૂજામાં લાગી ગયા. લોકો ગામડે ગામડેથી સાયકલ પર બેસીને શ્રીઠાકુરની આવી જ રીતે પૂજા કરવા માટે નીકળી પડ્યા. અને આવી જ વરસાદની ઝડીઓ સર્વત્ર વરસી. જ્યાં અમે ન જઈ શક્યા ત્યાં લોકોએ સ્થાનિક બ્રાહ્મણ પૂજારીની મદદ લઈને શ્રીઠાકુરની પૂજા કરીને વરસાદની અમીકૃપા પામ્યા.’

Total Views: 89

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.