ભગિની નિવેદિતાના દેહાવસાન પછી ૧૩ ઓક્ટોબર, ૧૯૧૩ના રોજ એમને અંજલિ આપતાં શ્રી રવીન્દ્રનાથ ટાગોરે લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાવાનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

ભગિની નિવેદિતા સાથે મારી પહેલી મુલાકાત થઈ તે પહેલાં થોડા દિવસ પૂર્વે તેઓ ભારત આવ્યાં હતાં. મેં ધાર્યું હતું કે જેવી એક સામાન્ય અંગ્રેજ મિશનરી નારી હોય છે તેઓ પણ એવાં જ હશે; માત્ર એમનો સંપ્રદાય અલગ છે. મનમાં આવી ધારણા હોવાને લીધે મારી પુત્રીના શિક્ષણની જવાબદારી લેવા માટે મેં એમને વિનંતી કરી. એમણે મને પૂછ્યું: ‘તમે કેવી કેળવણી આપવા ઇચ્છો છો?’ મેં કહ્યું: ‘અંગ્રેજી અને સામાન્યત: અંગ્રેજી ભાષાના માધ્યમથી જેવું શિક્ષણ આપવામાં આવે છે એવું શિક્ષણ હું આપવા માગું છું.’ એમણે કહ્યું: ‘બહારથી કોઈ શિક્ષણનો પ્યાલો પીવડાવી દેવાથી શો ફાયદો? જાતિગત નિપુણતા અને વૈયક્તિક વિશિષ્ટ ક્ષમતાના રૂપે મનુષ્યની ભીતર જે વસ્તુ છે એને જાગ્રત કરી દેવું એને જ હું વાસ્તવિક રીતે શિક્ષણ ગણું છું. નિયમબદ્ધ વિદેશી શિક્ષણ દ્વારા એને દબાવી દેવી એ મને યોગ્ય લાગતું નથી.’

આમ જોઈએ તો એમના કેળવણીના અભિપ્રાય અને મારા અભિપ્રાય વચ્ચે ભિન્નતા ન હતી. પરંતુ કઈ રીતે મનુષ્યની અસલ સ્વકીય શક્તિ તથા વંશગત પ્રેરણાને બાળકના ચિત્તમાં તદ્દન અંકુરના રૂપે જ તેનો આવિષ્કાર કરવામાં આવે એનો ઉપાય હું જાણતો ન હતો. સાથે ને સાથે તેની પોતાની ભીતર રહેલી છૂપી વિશિષ્ટતાનું સાર્વભૌમિક શિક્ષણ સાથે વ્યાપક રૂપે સામંજસ્ય થઈ જાય એવી રીતે એને જાગ્રત કરવામાં આવે, એની રીત પણ હું જાણતો ન હતો. સંભવ છે કે કોઈ અસાધારણ પ્રતિભાસંપન્ન ગુરુ આ કાર્ય પોતાની સહજ પ્રેરણા દ્વારા કરી પણ લે. પરંતુ આ સાધારણ શિક્ષકનું કામ નથી. એનાથી જાણે કે અંધકારમાં પથ્થરનો ઘા કરાય છે – એમાં અનેક પથ્થરનો અપવ્યય થાય છે અને એમાંના મોટા ભાગના ખોટા નિશાન પર લાગીને બીચારા વિદ્યાર્થીને ઘાયલ કરી દે છે. મનુષ્યના ચિત્તવિશિષ્ટ પદાર્થને લીધે આ રીતે દુકાનદારીભાવે વ્યવહાર કરવાથી નિ:સંદેહ ઘણી હાનિ જ થવાની પરંતુ સમાજમાં સર્વત્ર આવું જ થઈ રહ્યું છે. જો કે મારા મનમાં એવો સંશય હતો કે એમનામાં આવું શિક્ષણ આપવાની ક્ષમતા છે કે નહિ. છતાં પણ મેં કહ્યું: ‘તમારી વાત સાચી છે. તમે તમારી પ્રણાલી પ્રમાણે જ કામ કરજો. હું કોઈ પણ પ્રકારની ફરમાઈશ કરવા ઇચ્છતો નથી.’ એવું લાગે છે કે ક્ષણભર માટે એનું મન અનુકૂળ થયું પરંતુ બીજી જ ક્ષણે તેઓ બોલ્યાં: ‘ના, એ મારું કામ નથી.’ બાગબજારની એક ગલીની પાસે તેઓ રહેતાં. ત્યાં મહોલ્લાની બાલિકાઓની વચ્ચે રહીને તેઓ એમને શિક્ષણ આપશે એટલું જ નહિ પરંતુ એમનામાં શિક્ષણને જાગ્રત કરશે. મિશનરીઓની જેમ માથાં ગણીને પોતાના સમૂહની સંખ્યાવૃદ્ધિના સુયોગ સાધવાના કે કોઈ પરિવારમાં પોતાના પ્રભાવ વિસ્તારના ભાવને એમણે અવજ્ઞાપૂર્વક ત્યજી દીધો હતો.

ત્યાર પછી વચ્ચે વચ્ચે ભિન્ન ભિન્ન રીતે એમનો પરિચય મેળવવાના અવસર મને મળ્યા. એમની પ્રબળ શક્તિનો મેં અનુભવ કર્યો હતો. એ સાથે હું એ પણ સમજી ગયો હતો કે એમનો પથ મારા ચાલવા માટે ઉપયોગી નથી. એમની પ્રતિભા સર્વતોમુખી હતી અને સાથે એમનામાં એક વધુ વસ્તુ હતી અને તે એમનું યુદ્ધત્વ. એમનામાં બળ હતું અને એ બળનો તેઓ બીજાના જીવન પર ઘણી તીવ્રતાથી ઉપયોગ કરતાં, મનને હરાવીને અધિકાર જમાવી લેવાનો એક વિપુલ ઉત્સાહ એમની ભીતર કાર્યશીલ હતો. જ્યાં એમને માનીને ચાલવું અસંભવ હતું ત્યાં એમની સાથે મળીને ચાલવું પણ કઠિન બનતું. ઓછામાં ઓછું મારા વતી તો એટલું કહી શકું કે એમની સાથે મારો મેળ પડવાના અનેક અવસર મળ્યા છતાં, એક સ્થાને મારા અંતરમાં એક મોટા વિઘ્ન કે અડચણનો મને અનુભવ થતો. એ કોઈ મતભેદની અડચણ ન હતી પણ એ એક પ્રબળ આક્રમણની અડચણ હતી.

આજે એ વાત સંકોચ વિના વ્યક્ત કરું છું, એનું કારણ એ છે કે એક બાજુએ મારા ચિત્તને આહત કરવા છતાં પણ બીજી બાજુએથી એમની પાસેથી મને જેવો ઉપકાર મળ્યો છે એવો બીજા કોઈ પાસેથી મળ્યો હોય એવું મને લાગતું નથી. એમની સાથે પરિચય થયા પછી એવું વારંવાર લાગ્યું છે કે એમનાં ચારિત્ર્યનું સ્મરણ કરીને અને એમના પ્રત્યે આંતરિક ભક્તિનો ભાવ અનુભવીને મને પૂરતું બળ મળ્યું છે.

પોતાની જાતને આવી રીતે પૂર્ણતયા સમર્પિત કરી દેવાની અદ્‌ભુત શક્તિ મને બીજા કોઈ વ્યક્તિમાં જોવા મળી નથી. આ વિશે એમની સ્વયંની ભીતર જાણે કે કોઈ અડચણ-આડશ ન હતાં. એમનું શરીર, એમની આશૈશવ યુરોપીય આદતો, પોતાનાં સગાંવહાલાંનાં સ્નેહમમતા, એમના સ્વદેશી સમાજની ઉપેક્ષા અને જેમને માટે એમણે પ્રાણોત્સર્ગ કર્યો હતો એમનાં ઉદાસીનતા, દુર્બળતા અને ત્યાગના સ્વીકારનો અભાવ, વગેરે બાબતો એમને જરાય વિમુખ ન કરી શકી. જેમણે એમને જોયા છે એ જ સમજી શક્યા છે કે મનુષ્યનું સત્સ્વરૂપ અને ચિત્સ્વરૂપ એ કઈ વસ્તુ છે. મનુષ્યનાં બધાં સ્થૂળ આવરણોને મિથ્યા ગણીને તેની આંતરિક સત્તા કેવી રીતે પોતાના અદમ્ય તેજથી અભિવ્યક્ત થઈ શકે છે, આ જોઈ શકવું એ પરમ સૌભાગ્યની વાત છે. ભગિની નિવેદિતામાં મનુષ્યના સંપૂર્ણ અજેય માહાત્મ્યને નજર સામે જ પ્રત્યક્ષ જોઈને આપણે સૌ ધન્ય બન્યા છીએ.

આ ધરતી પર આપણને જે સૌથી મહાન વસ્તુઓ પ્રાપ્ત થાય છે તે વિનામૂલ્યે જ મળે છે. એના માટે આપણે ભાવતાલ કરવો પડતો નથી. તેનું મૂલ્ય પણ ચૂકવવું પડતું નથી. એટલે જ આ વસ્તુ કેટલી મહાન છે એ વાત આપણે પૂરી રીતે સમજી શકતા નથી. ભગિની નિવેદિતા આપણને જે જીવન આપી ગયાં છે તે અતિમહાન જીવન છે. એ વિશે તેમણે કાર્ય કરવામાં કંઈ મણા રાખી નથી. પોતાનું શ્રેષ્ઠતમ હતું, મહત્તમ હતું, તેને એમણે પ્રતિદિન-પ્રતિમૂર્હુત અર્પણ કરી દીધું, દાનમાં દઈ દીધું; એને માટે માનવ ગમે તેટલી તપસ્યાઓ કરી શકે છે; એ બધાનો એમણે સ્વીકાર કર્યો છે. જે નિતાંત વિશુદ્ધ હશે તેને જ તેઓ અર્પણ કરશે, સ્વયંને એમની સાથે જરાય નિશ્ચિત નહિ થવા દે, પોતાનાં ક્ષુધાતૃષ્ણા, યશ-અપયશ એવું કંઈ નહિ; ભય નહિ, સંકોચ નહિ, આરામ નહિ, વિશ્રામ પણ નહિ; આ એમનો સંકલ્પ હતો.

આટલું મહાન આત્મવિસર્જન જે આપણને ઘર બેઠાં ગંગાની જેમ મળ્યું છે તેને આપણે જેટલા અંશે નાનું કરીને જોઈશું તેટલા અંશે આપણે એનાથી વંચિત બનીશું. એને મેળવીને પણ આપણને કંઈ નથી મળ્યું એના જેવું થશે. આ આત્મવિસર્જનને નિ:સંકોચ ભાવે કેવળ આપણું જ પ્રાપ્ત છે એમ માનીને અચેતન રૂપે ગ્રહણ કરવાથી કામ ચાલવાનું નથી. એ આત્મવિસર્જનની પાછળ કેટલી મોટી શક્તિ, એની સાથે કેવી બુદ્ધિ, કેવું હૃદય, કેવો ત્યાગ અને પ્રતિભાની કેવી જ્યોર્તિમયી અંતર્દૃષ્ટિ છે; એની પણ આપણે ઉપલબ્ધિ કરવી પડશે. જો આપણે આ ઉપલબ્ધિ કરીએ તો આપણો ગર્વ દૂર થશે. પરંતુ હજુ પણ આપણે ગર્વ કરીએ છીએ. જે પોતાના જીવનનું આ રીતે પ્રદાન કરી ગયા છે એ દૃષ્ટિએ એમનું માહાત્મ્ય આપણે જે પરિમાણમાં આપણા પોતાના મનમાં ગ્રહણ નથી કરી શકતા એ પરિમાણમાં આપણે આ ત્યાગ સ્વીકારને પોતાના ગર્વનું ઉપકરણ બનાવીએ છીએ. આપણે કહીએ છીએ તેઓ હૃદયથી હિંદુ હતા એટલે આપણે હિંદુ લોકો કંઈ કમ નથી. એમના આત્મનિવેદનમાં આપણા જ ધર્મ અને સમાજનું મહત્ત્વ છે. આ પ્રકારે આપણે આપણા પોતાના દાવાને ગમે તેટલો મોટો કરીએ છીએ ત્યારે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે એમનાં દાનપ્રદાનને એટલાં જ આપણે ઓછાં કરી રહ્યા છીએ.

વસ્તુત: તેઓ કેટલી માત્રામાં હિંદુ હતાં એ વિશે ચર્ચા કરીને જોઈએ તો વિભિન્ન સ્થાને આપણે બાધ્ય થવું પડશે. અર્થાત્‌ આપણા હિંદુપણાના જે ક્ષેત્રમાં આપણે છીએ તેઓ પણ બરાબર એ જ ક્ષેત્રમાં હતાં, એ વાત હું સાચી માનતો નથી. તેઓ હિંદુધર્મ તથા હિંદુસમાજને જે ઐતિહાસિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોતાં હતાં, જે રીતે શાસ્ત્રીય અપૌરુષેયની અટલ વાડને ભેદીને સંસ્કાર મુક્ત ચિત્તે વિભિન્ન પરિવર્તનો તથા અભિવ્યક્તિઓના માધ્યમથી વિચાર તથા કલ્પનાનું અનુસરણ કરતાં હતાં. એ પથનું જો આપણે અનુસરણ કરીએ તો વર્તમાનકાળમાં સામાન્ય જન જેને હિંદુપણું કહે છે એનો પાયો ખસી જશે. ઐતિહાસિક યુક્તિને જો આપણે પૌરાણિક યુક્તિથી મહત્તમ બનાવી શકીએ તો એનાથી સત્યનો નિર્ણય થઈ શકે છે પરંતુ એ નિર્વિચાર વિશ્વાસ માટે અનુકૂળ નથી. તેઓ ભલે ગમે તે હોય, પરંતુ તેઓ હિંદુ હતાં એ કારણે નહિ પણ તેઓ મહાન હતાં એ કારણે આપણા માટે વંદન કરવા યોગ્ય છે. તેઓ આપણા જેવાં જ હતાં. એટલે આપણે એમની ભક્તિ કરીશું, એવી વાત નથી. પણ તેઓ આપણાથી મહાન હતાં એટલે તેઓ આપણી ભક્તિને યોગ્ય છે. આ દૃષ્ટિએ જો આપણે એમના ચરિત્રની ચર્ચા કરીએ તો આપણે હિંદુત્વના નહિ પરંતુ મનુષ્યત્વના ગૌરવથી ગૌરવાન્વિત બનીશું.

એમના જીવનની જે વાત આપણું સર્વાધિક ધ્યાન આકૃષ્ટ કરે છે, તે છે તેઓ જેમ અત્યંત ભાવુક હતાં તેવાં જ પ્રબળ રૂપે કર્મઠ પણ હતાં. કર્મમાં એક પ્રકારની અપૂર્ણતા હોય છે, કારણ કે કર્મ કરનારે વિઘ્નોની વચ્ચે ક્રમશ: વિકસવું પડે છે; આ જ વિઘ્નોનાં ક્ષતચિહ્‌ન એની સૃષ્ટિની ભીતર રહી જાય છે. પરંતુ ભાવ અક્ષુણ્ણ અને અક્ષય વસ્તુ છે. એ જ કારણે જે ભાવવિલાસી હોય છે તેઓ કર્મને અવજ્ઞા અથવા ભયની દૃષ્ટિએ જુએ છે. વળી આવા જ વિશુદ્ધ કર્મઠ લોકો છે કે જે ભાવને આશ્રય આપતા નથી, તેઓ કર્મ દ્વારા કોઈ મહાન વસ્તુની અપેક્ષા રાખતા નથી. એટલે કર્મનો કોઈ દોષ એમના હૃદયને આઘાત પહોંચાડી શકતો નથી. પરંતુ ભાવુકતા વિલાસમાત્ર નથી. જ્યાં તે સત્ય છે, જ્યાં કર્મપ્રભૂત ઉદ્યમની અભિવ્યક્તિ અને સાસાંરિક પ્રયોજનનું તે સાધન માત્ર નથી ત્યાં ભાવની જ સૃષ્ટિ છે, ત્યાં તુચ્છ પણ કેવી રીતે મહાન બની ઊઠે છે અને અપૂર્ણતા પણ મેઘવિહીન સૂર્યની વર્ણછટાની જેમ કેવી રીતે સૌંદર્યમાં પ્રકાશમાન બની ઊઠે છે? જેમણે ભગિની નિવેદિતાનાં કર્મ પર વિચાર કર્યો છે એ બધા લોકોએ સમજી લીધું છે.

ભગિની નિવેદિતા જે કાર્યોમાં લાગ્યાં હતાં એમાંથી કોઈ પણ કાર્ય સ્થાન-કદની દૃષ્ટિએ મોટું નથી. બધાંનો આરંભ નાના રૂપે થયો છે. એમ જોવા મળ્યું છે કે જ્યાં પોતાના ઉપર વિશ્વાસની ઊણપ હોય છે ત્યાં મોટા આકાર દ્વારા સાંત્વના પ્રાપ્ત કરવાની ભૂખ રહે છે. ભગિની નિવેદિતા માટે આ તદ્દન અસંભવ પણ ન હતું. એનું મુખ્ય કારણ એ છે કે તેઓ નિતાંત વિશુદ્ધ હતાં. જેટલું સત્ય છે એટલું જ એમને માટે પૂર્ણત: યથેષ્ટ હતું. એને આકારમાં મોટું કરી દેખાડવાની આવશ્યકતાનો એને જરાય ખ્યાલ કે જ્ઞાન ન હતાં અને એ રીતે મોટું કરી દેખાડવા માટે જે નિરર્થક મિથ્યામિશ્રણનો આશ્રય લેવો પડે છે એના પ્રત્યે એમને અંતરથી ઘૃણા હતી.

આ જ કારણે એક અદ્‌ભુત દૃશ્ય જોવા મળ્યું. જેમની (બાલિકાઓની) અસામાન્ય કેળવણી તથા પ્રતિભાને ખીલવવા એમણે શેરીના એક ખૂણાના સ્થાનને કર્મક્ષેત્ર રૂપે પસંદ કર્યું કે એ પૃથ્વીના લોકોની નજરે જરાકેય પડવાનું ન હતું. જેમ વિરાટ વિશ્વપ્રકૃતિ પોતાની સંપૂર્ણ વિપુલ શક્તિ સાથે માટીની નીચે રહેલા એક નાના એવાં બીજનું પાલનપોષણ કરવામાં ભૂલ નથી કરતી એના જેવું આ કાર્ય છે. પોતાના આ કાર્યની એમણે બહાર ક્યારેય ઘોષણા કરી ન હતી અને આપણી પાસે ક્યારેય એ માટે એમણે આર્થિક સહાયતાની આશા પણ નહોતી રાખી. એમણે એનો જે ભાર વહન કર્યો તે ફંડ ફાડાના રૂપિયામાંથી નહિ, કોઈ બચતના ધનમાંથી નહિ, પરંતુ પૂર્ણત: પોતાના ઉદરાન્નના અંશમાંથી કર્યો હતો.

એમનામાં શક્તિ ઓછી હતી એટલે એમનું કાર્ય નાનું રહ્યું એવી કોઈ વાત નથી. આ વાત યાદ રાખવી પડશે કે ભગિની નિવેદિતામાં જે ક્ષમતા હતી એનાથી તેઓ પોતાના દેશમાં સહજ રીતે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકત. તેઓ પોતાના જે કોઈ સ્વદેશવાસીઓના સંપર્કમાં આવ્યાં એ બધાં એમનાં આ પ્રબળ મનોબળની સામે ઝૂકી ગયાં. પોતાના જ દેશના લોકોની વચ્ચે જે ખ્યાતિ તેઓ મેળવી શકતાં હતાં એ તરફ એમણે નજર સુધ્ધાં પણ ન કરી.

વળી આ દેશના લોકોના મનમાં પોતાનો પ્રભાવ વધારીને અહીં પણ તેઓ પોતાનું એક પ્રમુખ સ્થાન બનાવી લે એવી ઇચ્છા પણ એમના મનને ક્યારેય લોભાવી ન શકી. ભારતવર્ષના કાર્યને પોતાના જીવનનું કાર્ય માનનારા અને એવું સ્વીકારનારા અન્ય યુરોપવાસીઓને પણ આપણે જોયા છે; પરંતુ એ લોકોએ પોતાની જાતને બીજા બધાથી ઉપરના સ્થાને રાખવાનો પ્રયાસ કર્યો છે. તેઓ શ્રદ્ધાપૂર્વક સ્વયંને સમર્પિત ન કરી શક્યા, એમના દાનમાં ક્યાંકને ક્યાંક આપણા પ્રત્યેના અનુગ્રહનો ભાવ જોવા મળે છે. – શ્રદ્ધયા દેયં અશ્રદ્ધયા અદેયમ્‌ – કારણ કે દાન દેતી વખતે ડાબા હાથની અવગણના જમણા હાથના દાનને હરી લે છે.

પરંતુ ભગિની નિવેદિતાએ પોતાની જાતને આંતરિક પ્રેમ અને પૂર્ણ શ્રદ્ધા સાથે ભારતવર્ષને સમર્પિત કરી દીધી હતી. એમણે પોતાની જાતને જરાય બચાવી ન હતી. આ બધું હોવા છતાં પણ એવી વાત ન હતી કે એમણે પોતાના અત્યંત મૃદુ સ્વભાવને લીધે અત્યંત દુર્બળતાપૂર્વક પોતાની જાતનો લોપ કરી દીધો. આપણે પહેલાં જ જોઈ ગયા છીએ કે એમનામાં એક અદમ્ય બળ હતું અને એવુંય ન હતું કે તેઓ એ બળનો પ્રયોગ ન કરતાં. તેઓ જે કંઈ પણ ઇચ્છતાં તેને પોતાનાં સમગ્ર મનપ્રાણથી ચાહતાં હતાં અને ભિન્ન મત કે સ્વભાવથી એમાં વિઘ્ન અડચણ આવે ત્યારે એમની અસહિષ્ણુતા પણ પૂરેપૂરી ઉગ્ર બની જતી. એમની આ પાશ્ચાત્ય સ્વભાવ સુલભ પ્રતાપની પ્રબળતા કોઈ અનિષ્ટ ઊભું ન કરતી એવું મને લાગતું નથી, કારણ કે જે કોઈ પણ મનુષ્યને અભિભૂત કરવાનો પ્રયાસ કરે છે તે જ મનુષ્યનો શત્રુ છે. આ બધું હોવા છતાં પણ હું એમ કહું છું કે ઉદાર મહત્તાએ એમની પ્રચંડ પ્રબળતાને ક્યાંય પાછળ રાખી દીધી હતી. જેને તેઓ સારું સમજતાં એને જયી બનાવવા પોતાની પૂરેપૂરી શક્તિ કામે લગાડીને સંઘર્ષ કરતાં. અને પોતે જ એનાં યશભાગી બને એવો લોભ એમનામાં લેશમાત્ર પણ ન હતો. દળ કે સમૂહ રચીને એનું નેતૃત્વ કરવાનું એમને માટે જરાય કઠિન કાર્ય ન હતું. પરંતુ વિધાતાએ એમને એક નેતાના રૂપે સારું એવું ઉચ્ચ આસન પણ આપ્યું હતું, પોતાની ભીતરના એ સત્યના આસનથી ઊતરીને એમણે બજારમાં મંચ બનાવ્યો ન હતો. આ દેશને તેઓ પોતાનું જીવન અર્પણ કરી ગયાં છે પરંતુ એનું અનુયાયી દળ પાછળ છોડી ગયાં નથી.

એમની ભીતરમાં રુચિગત કે બુદ્ધિગત આભિજાત્યનું અભિમાન હતું અર્થાત્‌ જનસામાન્ય પ્રત્યે એક અવગણનાનો ભાવ હોવાને કારણે એમણે એમનું નેતૃત્વ ન કર્યું હોય એવી વાત પણ નથી. સામાન્ય જન પ્રત્યેના કર્તવ્યવિષયક આપણું જ્ઞાન એ પુસ્તકિયું છે. આ વિષયમાં આપણું જ્ઞાન કર્તવ્યબુદ્ધિથી વધારે ઊંડાણ સુધી પ્રવેશી શક્યું નથી. પરંતુ મા જેમ પુત્રને સ્પષ્ટપણે સમજે છે તેવી જ રીતે ભગિની નિવેદિતા સામાન્યજનને પ્રત્યક્ષ સત્તાને રૂપે ઓળખતાં હતાં. પોતાના હૃદયની સંપૂર્ણ વેદના દ્વારા એમણે આ પિપલ-સામાન્યજન સમૂહને ઢાંકી રાખ્યો હતો. અને જો એ કેવળ એક શિશુ માત્ર હોત તો તેઓ એને પોતાના ખોળામાં રાખીને તેને પોતાનું જીવન અર્પણ કરી દઈને મનુષ્ય બનાવી દેત.

વસ્તુત: તેઓ લોકમાતા હતાં. જે માતૃભાવ પોતાના પરિવારની બહારના એક સમગ્ર દેશ ઉપર વ્યક્ત કરી શક્યાં એવી મૂર્તિ આ પહેલાં ક્યારેક આપણા જોવામાં આવી હોય, પરંતુ નારીનું પરિપૂર્ણ મમત્વજ્ઞાન આપણને જોવા મળ્યું નથી. તેઓ જ્યારે ‘અવર પિપલ – આપણી જનતા’ એમ કહેતાં ત્યારે એમાંથી જે નિતાંત આત્મીયતાનો સૂર રણકતો હતો, એવો આત્મીય સૂર આપણામાંથી કોઈનાય કંઠમાંથી નીકળતો નથી. ભગિની નિવેદિતા દેશના લોકોને જેમ સત્ય બનાવીને પ્રેમ કરતાં, એને જેમણે જેમણે જોયું છે તે નિશ્ચયપણે સમજી ગયા હશે કે આપણે લોકો દેશવાસીઓ માટે ભલે સમય દેતા હોય, ધન આપતા હોય અને જીવનસુધા પણ અર્પણ કરી દેતાં હોય પરંતુ આપણે એમને પોતાનું હૃદય આપી શક્યાં નથી – એમને એવી જ રીતે અત્યંત સત્ય સમજીને નિકટથી જાણવાની શક્તિ આપણે અર્જિત કરી શક્યા નથી.

આપણે લોકો જ્યારે દેશ કે માનવતા તેમજ આવી જાતની કોઈ સમષ્ટિગત સત્તાને મનની ભીતર જોવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે તેને અત્યંત અસ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ અને એનું કારણ પણ છે. આપણે એવી બૃહત્‌ અને વ્યાપક સત્તાને કેવળ મન દ્વારા જ જોવા ઇચ્છીએ છીએ, આંખોથી નથી જોતા. જે વ્યક્તિ દેશના પ્રત્યેક મનુષ્યની ભીતર સમગ્ર દેશને નથી જોઈ શકતો તે મુખે ભલે ગમે તે કહે પરંતુ દેશને યથાર્થ રૂપે જોઈ શકતો નથી. ભગિની નિવેદિતાએ જોયું છે – તેઓ જનસામાન્યને જોતાં, સ્પર્શ કરતાં પણ કેવળ મનમાં ને મનમાં એની કલ્પના ન કરતાં. એક મોટા ગામમાં ઝૂંપડીમાં રહેતી એક સામાન્ય મુસલમાન મહિલાની સાથે જે રીતે શ્રદ્ધાપૂર્વક મેં એમને વાર્તાલાપ કરતાં જોયાં છે એવું સામાન્ય લોકો માટે સંભવ નથી. એનું કારણ એ છે કે સાધારણ વ્યક્તિની ભીતર બૃહત્‌ માનવને પ્રત્યક્ષ જોનારી દૃષ્ટિ અત્યંત અસાધારણ હોય છે. એ જ દૃષ્ટિ એમને માટે અત્યંત સ્વાભાવિક હતી એટલે એટલા દિવસો ભારતવર્ષની આટલા બધા નિકટ રહીને પણ એમની શ્રદ્ધામાં જરાય ઊણપ ન આવી.

સામાન્યજનો ભગિની નિવેદિતાના હૃદયધન હતા. એટલે તેઓ કેવળ દૂરથી જ એમના પર ઉપકાર કરીને અનુગ્રહ ન કરતાં. તેઓ બધાં લોકોનું સાંનિધ્ય ઇચ્છતાં, એમને પૂર્ણ રૂપે જાણવા માટે તેઓ પોતાના પૂરેપૂરા મનને એમના પ્રત્યે પ્રસારિત કરી દેતાં. એ લોકોનાં ધર્મકર્મ, કથાકહેણી, કલાસાહિત્ય, વગેરે એમની જીવનયાત્રાના સમસ્ત વિવરણને કેવળ બુદ્ધિથી નહિ પરંતુ મમતા દ્વારા સ્વીકાર કરવાનો એમણે પ્રયાસ કર્યો હતો. એમાં જે કંઈ સારું છે, સુંદર છે, નિત્ય કે શાશ્વત છે, એને એમણે પરમ આગ્રહ સાથે શોધી કાઢ્યું છે. માનવ પ્રત્યે સ્વાભાવિક શ્રદ્ધા તથા એક આંતરિક માતૃસ્નેહની સાથે તેઓ આ સારાપણામાં વિશ્વાસ રાખતાં અને એને શોધી પણ શકતાં. આ અગ્રના વેગમાં એમનાથી ક્યારેય ભૂલ ન થઈ હોય એવી વાત નથી, પરંતુ શ્રદ્ધાના ગુણથી એમણે જે સત્યનો ઉદ્ધાર કર્યો છે એની સામે એ બધી ભૂલો તુચ્છ છે. બધા સારા શિક્ષકો જાણે છે કે પ્રકૃતિએ શિશુના સ્વભાવની ભીતર જ શિક્ષણની સહજ પ્રવૃત્તિ ભંડારી રાખી છે; બાળકોની ચંચળતા, એમનાં અસ્થિર કુતૂહલ, રમતગમત આ બધી પ્રાકૃતિક શિક્ષણપ્રણાલી છે. જન સામાન્યમાં એક એવું જ શિશુત્વ છે. આ જ કારણે જનમાનસે પોતાને કેળવણી અને સાંત્વના આપવા માટે વિભિન્ન ઉપાયોની રચના કરી છે. જેમ બાળકોનું બાળકપણું નિરર્થક નથી હોતું એવી જ રીતે જનસામાન્યનાં વિભિન્ન સંસ્કાર અને પ્રથાઓ ખાલી મૂર્ખતા જ નથી પણ એ બધાં પોતાને વિભિન્ન પ્રકારની કેળવણી દેવા માટેની એમની અંતર્નિહિત ચેષ્ટા છે અને એ જ એમની સ્વાભાવિક કેળવણીનો પથ છે. માતૃહૃદયી નિવેદિતા જનસામાન્યના આ બધા આચારો-વ્યવહારોને આ જ દૃષ્ટિએ જોતાં. એ જ કારણે એમનાં અંતરમાં એ બધાં પ્રત્યે પ્રગાઢ સ્નેહભાવ હતો. એમની બાહ્ય રૂઢતાને ભેદીને તેઓ એમની ભીતર રહેલ માનવ પ્રકૃતિના ચિરંતન ગૂઢ અભિપ્રાયને તેઓ જોઈ શકતાં હતાં.

સામાન્યજનો પ્રત્યે એમનો જે આ માતૃસ્નેહ હતો તે એક તરફ જેમ કરુણા અને કોમળતાયુક્ત હતો તો બીજી બાજુએ પોતાનાં બચ્ચાંથી વીંટળાયેલી વાઘણના જેવો પ્રચંડ પણ હતો. બહારથી કોઈ નિમર્મતાપૂર્વક એમની કોઈ નિંદા કરે તો તેઓ તે સહન ન કરી શકતાં. જ્યાં સરકારના કોઈ અન્યાય, અવિચાર એ લોકોને આઘાત પહોંચાડવા ઉદ્યત થાય ત્યાં એમનું તેજ પ્રદીપ્ત થઈ જતું. કેટલાય લોકોની નીચતા તથા વિશ્વાસઘાતકતા એમણે સહન કરી હતી, કેટલાય લોકોએ એમની સાથે છળકપટ કર્યાં હતાં, પોતાનાં અત્યંત સીમિત સંસાધનો દ્વારા એમણે કેટલાય સાવ અયોગ્ય લોકોના અસંગત હઠાગ્રહોને પૂરા કર્યા હતા. આ બધું એમણે આનંદપૂર્વક સહન કર્યું હતું. એમને એકમાત્ર ભય હતો, તે એ જ કે ક્યાંય એમનો ઘનિષ્ઠ મિત્રગણ હીનતાના આ દૃષ્ટાંતો દ્વારા એમના ‘પિપલ્સ’ સામાન્યજન પ્રત્યેનો કોઈ ખોટો નિષ્કર્ષ ન કાઢી બેસે. એમનામાં જે કંઈ સારું છે તેને તેઓ જેવી રીતે જોવાની પ્રયાસ કરતાં એવી જ રીતે અનાત્મીયોની અશ્રદ્ધાપૂર્ણ દૃષ્ટિથી એ બધા લોકોનું રક્ષણ કરવા પોતાના સંપૂર્ણ માતૃહૃદયથી એમને આવૃત કરી લેવા ઇચ્છતાં હતાં. સત્યને છુપાવવાનો એમનો ઉદ્દેશ રહ્યો હોય એ એનું કારણ નથી. પરંતુ એમને એ સ્પષ્ટ ખ્યાલ હતો કે અશ્રદ્ધા દ્વારા આ લોકોનું અપમાન કરવું અત્યંત સહજ છે અને વળી સ્થૂળ દૃષ્ટિવાળા લોકો માટે એ જ સંભવ છે. પરંતુ એમના અંત:પુરમાં જ્યાં લક્ષ્મી નિવાસ કરે છે ત્યાં તો આ શ્રદ્ધાહીન લોકોને પ્રવેશનો અધિકાર જ નથી. આ જ કારણે આ સમસ્ત વિદેશી દિઙનાગોના ‘સ્થૂલ હસ્તાવલેપ’થી પોતાના સામાન્ય જનોની રક્ષા કરવા માટે તેઓ ઘણાં વ્યાકુળ થઈ જતાં અને આપણા દેશના જે લોકો વિદેશીઓ સમક્ષ એવી દીનતા પ્રગટ કરવા જતાં કે અમે કંઈ નથી અને તમે લોકો જ અમારો એકમાત્ર સહારો છો, એવા લોકોને તેઓ પોતાનાં તીવ્ર રોષની વજ્રશિખા દ્વારા આરપાર વીંધી નાખવા ઇચ્છતાં હતાં. એમાં એવા યુરોપવાસીઓની વાત પણ સાંભળવામાં આવી છે કે જેઓ આપણા શાસ્ત્રો વાંચીને, વેદાંતચર્ચા કરીને, આપણા કોઈ સાધુ-સજ્જન વ્યક્તિના ચરિત્ર કે વાર્તાલાપથી આકર્ષાઈને ભારતવર્ષ પ્રત્યે ભક્તિ માટે આપણી વચ્ચે આવ્યા અને અંતે દિવસે દિવસે એ ભક્તિને વિસર્જિત કરીને ખાલી હાથે પોતાના દેશ પાછા ફર્યાં હોય. એમણે શાસ્ત્રમાં જે કંઈ વાંચ્યું, સાધુ ચરિત્રમાં જે કંઈ લખ્યું, એને સમગ્ર દેશની નિર્ધનતા તથા અપૂર્ણતાનાં આવરણ ભેદીને તેઓ જોઈ ન શક્યા. એમની ભક્તિ મોહમાત્ર છે, એ મોહ અંધકારમાં જ ટકી રહે છે. પ્રકાશ આવતાં જ એની સમાપ્તિ થવામાં સમય લાગતો નથી.

પરંતુ ભગિની નિવેદિતાની જે શ્રદ્ધા છે એ મોહ નથી, પરંતુ સત્યપદાર્થ છે. એ મનુષ્યની ભીતર દર્શન શાસ્ત્રના શ્લોક શોધતાં ન હતાં પરંતુ બહારના બધાં આવરણોને ભેદીને ઠેઠ મર્મસ્થળ સુધી પહોંચીને તેના મનુષ્યત્વને સ્પર્શ કરતાં હતાં. એટલા માટે આપણા દેશને અત્યંત હીન દશામાં જોઈને પણ તેઓ કુંઠિત ન થયાં. બધાં દૈન્યે એમના સ્નેહને ઉદ્‌વેલિત કર્યો છે, અવજ્ઞા કે અવગણના નહિ. આપણા આચાર-વ્યવહાર, બોલવું-ચાલવું, વેશભૂષા અને આપણા દિનપ્રતિદિનના ક્રિયા-કલાપ એક યુરોપવાસીને કેવો અસહ્ય આઘાત કરે છે એને આપણે બરાબર સમજી નહિ શકીએ. આ જ કારણે આપણા પ્રત્યેના એમના અસૌજન્યને આપણે પૂરેપૂરી કઢંગી સમજીએ છીએ. પરંતુ થોડો વિચાર કરવાથી આપણને સમજાય છે કે નાની નાની રુચિઓ, આદતો, તેમજ સંસ્કારોની અડચણ એ કેટલી મોટી અડચણ છે. એનું કારણ એ છે કે આપણા જ દેશની ભિન્ન શ્રેણી અને ભિન્ન જાતિઓ વિશે તે આપણા મનમાં પ્રચૂર માત્રામાં હાજર છે. વાડની આડશની તુલનામાં નાનાં નાનાં કાંટાળાં ઝાંખરાંની આડશ પણ કંઈ કમ નથી. એટલે એ વાત આપણે યાદ રાખવી પડશે કે ભગિની નિવેદિતા જે કોલકાતાના બંગાળના મહોલ્લાની એક ગલીમાં બરાબર આપણા ઘરની અંદર આવીને રહ્યાં. એમનાં દિનરાત પ્રતિમૂહુર્તની વિચિત્ર વેદનાના ઇતિહાસથી પ્રચ્છન્ન રહેતી. એક પ્રકારના સ્થૂળ રુચિવાળા લોકો છે જેમને થોડુંઘણું જરાય સ્પર્શી શકતું નથી. એમની જડતા જ અનેક આઘાતોમાંથી એમની રક્ષા કરે છે. ભગિની નિવેદિતા સાવ એવી વ્યક્તિ ન હતાં. બધી બાજુએથી એમની જ્ઞાનગ્રહણ શક્તિ સૂક્ષ્મ અને પ્રબળ હતી. આપણાં ઘર બહારની જડતા, શિથિલતા, અસ્વચ્છતા, અવ્યવસ્થા અને બધા પ્રકારના પ્રયાસોના અભાવે નિ:સંદેહ એમને તીવ્ર દુ:ખપીડા આપ્યાં છે. પરંતુ એ બધાં એમને પરાભૂત કરી શક્યાં નથી. સૌથી વધુ કઠિન પરીક્ષા, જે પ્રતિક્ષણની પરીક્ષા છે, એમાં તેઓ વિજયી નીવડ્યાં.

શિવ પ્રત્યે સતીનો પ્રેમ સાચો હતો, એટલે એમણે અર્ધાહાર, ઉપવાસ અને અગ્નિતાપ સહન કરીને પોતાનાં અત્યંત સુકુમાર તનમનને તપસ્યામાં સમર્પિત કરી દીધાં હતાં. આ સતી નિવેદિતાએ પણ દૈનંદિન જે તપસ્યા કરી હતી એ તપસ્યાની કઠોરતા અસીમ હતી. એમણે અર્ધાહાર તથા અનાહારનો સ્વીકાર કર્યો હતો, ગલીની અંદર જે મકાનમાં તેઓ રહેતાં હતાં ત્યાં ગ્રીષ્મના તાપમાં હવાના અભાવે તેઓ અનિદ્રામાં રાતો પસાર કરતાં હતાં. આમ હોવા છતાં પણ ચિકિત્સકો તથા મિત્રોનો હઠ સાથેનો અનુરોધ થવા છતાં પણ એમણે એ મકાન ન છોડ્યું. સાથે ને સાથે એમણે પોતાના બાળપણથી જ ચાલતાં આવેલાં બધાં સંસ્કારો અને ટેવોને પ્રતિક્ષણ દુ:ખકષ્ટ આપીને પણ પ્રફુલ્લ ચિત્ત સાથે દિવસો વીતાવ્યા. આ બધું સંભવ થયું છે અને આ બધું સ્વીકારીને પણ અંત સુધી એમની તપસ્યા ભંગ ન થઈ, એનું માત્ર કારણ એ છે કે ભારતવર્ષના કલ્યાણ માટે એમની પ્રીતિ નિતાંત સત્ય હતી, તે મોહ ન હતો. મનુષ્યની ભીતર જે શિવ છે એમની પ્રત્યે આ સતીએ પૂર્ણ રૂપે આત્મસમર્પણ કર્યું હતું. મનુષ્યના અંતર્કૈલાશમાં રહેલા શિવને જે પોતાના પતિરૂપે વરણ કરવા ઇચ્છે, એમની સાધના જેવી કઠિન સાધના બીજા કોની હોઈ શકે?

મહાદેવે એક દિવસ સ્વયં છદ્મવેશે સતીની પાસે આવીને કહ્યું: ‘હે સાધ્વી, તમે જેને માટે તપશ્ચર્યા કરી રહ્યા છો તેઓ શું તમારા જેવી સુંદરીની આટલી કઠોર સાધનાને માટે યોગ્ય છે ખરા? તેઓ નિર્ધન, વૃદ્ધ, કુરૂપ છે અને એમનાં આચરણ પણ અદ્‌ભુત-વિચિત્ર છે.’ તપસ્વિનીએ આ સાંભળીને ગુસ્સે થઈને કહ્યું હતું: ‘તમે જે કહો છો એ બધું સાચું હોઈ શકે છે, છતાં પણ મારું સંપૂર્ણ મન એમના જ ભાવમાં ‘એકરસ’ બનીને સ્થિર થઈ ગયું છે.’ સતીના મનને શિવની ભીતર જ જે ભાવનો રસ પ્રાપ્ત થયો છે તે રસ શું તેઓ બાહ્ય ધનયૌવન, રૂપના આચરણમાં તૃપ્તિ શોધી શકે ખરી? ભગિની નિવેદિતાનું મન સર્વદા આવા જ અનન્ય દુર્લભ ગહન ભાવરસથી પૂર્ણ રહેતું. એ જ કારણે તેઓ નિર્ધનની ભીતર પણ ઈશ્વરને જોઈ શક્યાં હતાં. સાથે ને સાથે બહારથી જેમાં રૂપનો અભાવ જોઈને રુચિવિલાસીગણ ઘૃણાપૂર્વક દૂર હટી થાય છે, એમના રૂપથી મુગ્ધ બનીને એમના કંઠમાં એમણે પોતાના અમરજીવનની શુભ્રવરમાળા સમર્પિત કરી દીધી હતી.

અમે લોકોએ પોતાની સગી આંખો સમક્ષ સતીની આ તપસ્યા જોઈ હતી. તે અમારી શ્રદ્ધા-વિશ્વાસની જડતાને દૂર કરી દે – એ વાતને આપણે નિ:સંશય સત્યના રૂપે જાણી શકીએ કે મનુષ્યની ભીતર શિવ છે, નિર્ધનની પર્ણકુટિ તથા નિમ્નવર્ણોની ઉપેક્ષિત વસતીમાં પણ એમનો દેવલોક વિસ્તરેલો છે અને જે વ્યક્તિ સમસ્ત દારિદ્ર્ય, કુરૂપતા અને કદાચારના બાહ્ય આવરણને ભેદીને ભાવદૃષ્ટિએ આ પરમ ઐશ્વર્યમય પરમ સુંદરને એક વાર પણ જોઈ શકી છે તે મનુષ્યના અંતરતમ આત્માના પુત્રથી પણ પ્રિય, વિત્તથી પણ પ્રિય અને સર્વથી પણ પ્રિયના રૂપે વરણ કરી લે છે. (તદેતત્‌ પુત્રાત્પ્રેયો વિત્તાત્પ્રેયો અન્યસ્માત્‌ સર્વસ્માત્‌ અંતરતરં યદયમાત્મા । બૃહ. ઉપ. ૧.૪.૮) એ ભયને પાર કરી લે છે, સ્વાર્થને જીતી લે છે, આરામને તુચ્છ ગણે છે, સંસાર બંધનને તોડી નાખે છે અને સ્વયં પ્રત્યે ક્ષણમાત્ર માટે પણ ભ્રૂક્ષેપ કરતો નથી.

Total Views: 89

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.