(સ્વામી પ્રમેયાનંદજી શ્રીરામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સદસ્ય છે.)

હિન્દુ પરંપરા મુજબ સાંધ્યસેવા (ભકિત)ને આરતી કહે છે. તેને નીરાજના તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણે ભાગે આરતી તરીકે પ્રચલિત આ ક્રિયામાં ઈશ્વરને પસન્ન કરવા માટે, આરાધના માટે તેની પ્રતિમાની આસપાસ દીપશિખા, જળ ભરેલા શંખ, વસ્ત્ર, પુષ્પો તેમજ ચામર ફેરવવામાં આવે છે. આરતીનું માહાત્મય વર્ણવતાં ધર્મશાસ્ત્રો કહે છે કે:

“ઈશ્વરની આરાધના – ભૂલ ભરેલી પદ્ધતિ કે મંત્રોનાં ખામીયુક્ત ઉચ્ચારણોને કારણે – કદાચ ક્ષતિ યુક્ત હોય તો પણ જ્યારે ઈશ્વર સમક્ષ આરતી ઉતારવામાં આવે છે ત્યારે ફળદાયી (અને પૂર્ણ) બનેછે.”

मन्त्रहीनं क्रियाहीनं यत्कृतं पूजनं हरेः।
सर्व संपूर्णतामेति कृते नीराजने शिवे॥

(હરિભક્ત-વિલાસ ૮/૧૩૬)

“જે કોઈ આરતી દ્વારા ઈશ્વરોપાસના કરે છે તે આ લોક અને પરલોકમાં દીર્ઘાયુષ્ય પામે છે”

नीराजनेन यः पूजाः करोति वरवर्णिनि।
अमृतं प्राप्नुयात् सोऽपि इहलोके परत्रय।।

(યોગિની તંત્ર -૨-૯-૧૬૪)

ધર્મગ્રંથો અનુસાર તો આરતીનાં દર્શન પણ અતિ ફળદાયી છે.

“જે કોઈ પૂર્ણ પરમાત્માના આરતી સમયે દર્શન કરે છે તે સાનુકૂળ સંજોગોમાં સાત જન્મો પામી અંતે ઉચ્ચતમ ધ્યેય (મોક્ષ) ને વરે છે.”

नीराजस्य यः पश्यद्देव देवस्यचक्रिणः।
सप्तजन्मानि विप्र स्यादन्ते य परमं पदम्॥

(હરિભક્ત વિલાસ)

આરતી, પ્રાણાયામ ન્યાસ, કે અકામના વગેરે આત્મશુદ્ધિ માટેની ઉપાસનાનું અનિવાર્ય અંગ નથી, ખરેખર તો આરતી સ્વયં જ ઈશ્વરાધનાનું પૂર્ણ અનેપ્રતીકાત્મક સ્વરૂપ છે. હિન્દુ પ્રણાલિકા મુજબ પ્રાથમિક તૈયારીઓ બાદ ઉપાસક ઈશ્વરને પોતાની સન્મુખ આમંત્રે છે અથવા તો પ્રાર્થે છે. પછી તેનું પૃષ્પ, ચંદન, ધૂપ, દીપમાળ અને પ્રસાદથી પૂજન-અર્ચન કરે છે. ઈશ્વરને દેહધારી મનુષ્ય સમજીને પૂજવામાં આવે છે. આમ આરતી એ અલૌકિક તત્ત્વનું પાર્થિવરૂપમાં નિરૂપણ કહી શકાય. સ્વામીશ્રી નિર્વેદાનંદજીના મતાનુસાર“આરતી એ ઈશ્વરની મહાનતાનો માનવીય રૂપમાં સ્વીકાર છે.”આ પ્રકારે આરતી પ્રતીકાત્મક ભક્તિ છે.

કાલોત્તરાતંત્રમાં વર્ણવ્યા પ્રમાણે આરતી દરમ્યાન નીચે નિદર્શિત પદાર્થો ક્રમાનુસાર મૂર્તિની આસપાસ ફેરવવામાં આવે છે: સર્વપ્રથમ પ્રકાશ (રૂની વાટવાળા દીપક રૂપે), જળ (શંખમાં ભરીને), બાદમાં ચોકખું કપડું અને અંતે આંબાનાં કે પીપળાનાં પર્ણો. આટલું કર્યા બાદ ઉપાસક દ્વારા સાષ્ટાંગ-દંડવત્ પ્રણામ કરવામાં આવે છે. આમ્રપત્રો કે પીપળાનાંપર્ણની જગ્યાએ શાસ્ત્રોમાં બિલ્વપત્રો, ફૂલ, કપુર નો દીપક, ધૂપ અને પંખાને પણ પ્રમાણિત કરવામાં આવ્યા છે.

આરતી-વિધિમાં રૂની દીવેટો પ્રગટાવી, જમીન પર દોરેલા ત્રિકોણ સામે રાખી તેના પર પવિત્ર જળનો અભિષેક કર્યા બાદ મૂર્તિ સમક્ષ ધરવામાં આવે છે. દીવેટો એકી સંખ્યામાં હોવી આવશ્યક છે. (જેમકે એક, ત્રણ, પાંચ). આ રીતે દીપક પવિત્ર કર્યા બાદ ઉપાસક ઊભા થઈને જમણા હાથમાં દીપમાળ લઈ મૂર્તિ ફરતે ફેરવે છે અને ડાબા હાથ વડે ઘંટડી વગાડતા જાય છે. આ દરમ્યાન સ્વગત રીતે મંત્ર-જાપ પણ કરે છે આરતીની શાસ્ત્ર-વર્ણિત પદ્ધતિ મુજબ ચાર વખત મૂર્તિના પગ ફરતે આરતી ઉતારી, ઉપર તરફ નાભિ ફરતે બે વખત, એકવાર મુખારવિંદની આરતી ઉતારી સમગ્ર મૂર્તિની સાત વખત આરતી ઉતારવામાં આવે છે જો કે સામાન્ય પ્રણાલી મુજબ મુખારવિંદની આસપાસ એક નહીં પણ ત્રણ વખત આરતી ફેરવવામાં આવે છે.

અન્ય કોઈપણ ઉપાસના પદ્ધતિ માફક જ આરતીનો હેતુ ઈશ્વરકૃપા પામવાનો, ઉપાસક-ઉપાસ્યના પૂર્ણ પરમાત્મા સાથેના ઐક્યનો છે. આરતી દરમ્યાન ઉપયોગમાં લેવાતા પાંચ પદાર્થો પ્રકાશ, પાણી, કાપડ, પુષ્પ અને પંખો આખરેશાનાં પ્રતીક છે? તેઓ પંચતંત્ર-પંચમહાભૂતો – એટલે કે અગ્નિ, પાણી, આકાશ, ભૂમિ અને વાયુનું પ્રતિનિધિત્વ કરે છે. કાપડનાં અનેક છિદ્રો અનંતાકાશનાં પ્રતીક છે. જ્યારે ભુમિનો ખાસ ગુણધર્મ સુગંધ પુષ્પરૂપે રજૂ થાય છે. આમ તેનાં મૂળભૂત તત્ત્વ દ્વારા સમગ્ર વિશ્વ પ્રતીકાત્મક રીતે ઈશ્વરને અર્પણ કરવામાં આવે છે. ભક્તના માનવીય સ્તરને પારબ્રહ્મ સુધી લઈ જવાનો ભક્તિનો આ દિવ્ય માર્ગ છે.

પાંચતત્ત્વો વિશ્વનાં મૂળભૂત તત્ત્વો છે. આ પંચમહાભૂતો એટલે ભૂમિ, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. તેઓ આ વિશ્વના કાર્યબ્રહ્મના અથવા તો દૃશ્યમાન સત્યનાં પ્રતીક છે. પારબહ્મ અથવા તો અટલ સત્યને પામવા માટે વિશ્વની કાર્ય-બ્રહ્મની મર્યાદાઓ ઓળંગવી જરૂરી છે. આરતી-અર્ચન દરમ્યાન પંચમહાભૂતોને ઈશ્વરના ચરણે ધરીને ઉપાસક બ્રહ્માંડના સર્વવ્યાપી સ્વરૂપમાં લીન થાય છે. તેમાં જ આરતીનું સાર્થક્ય છે.

અન્ય ચીજો વાપર્યા સિવાય, ફક્ત દીપમાળ પ્રગટાવીને પણ આરતી-અર્ચન કરી શકાય. કારણકે પદ્મપુરાણાનુસાર પારબ્રહ્મ પ્રકાશની માફક સ્વયંતેજોમય છે.

“તું જ પ્રકાશ છે, તું જ સૂર્ય, ચંદ્ર, વિદ્યુત્-લેખા અને ચળકતા તારા છે. તું જ સર્વ પ્રકાશમાંનો પ્રકાશ છે. સઘળા દીપકોમાં પ્રકાશિત તેજપુંજ તું જ છે.”

त्वं ज्योतिः श्री रविन्द्रौ विद्यन्- सौवर्णतारकाः।
सर्वेषां ज्योतिषां ज्योतिदीप ज्योतिः स्थितातु या॥

(પદ્મપુરાણ, ઉત્તર ખંડ ૧૨-૧૨૩)

હરિભક્ત-વિલાસમાં કહેવામાં આવ્યું છે કે સુંદરરીતે સુશોભિત દીપમાળ દ્વારા જ્યારે આરતી અર્ચન કરવામાં આવે છે ત્યારે તમસ્ (લોભ અને ગુસ્સો) તેમ જ અજ્ઞાનરૂપી દર્પ પર વિજય મળે છે. અને જ્યારે અજ્ઞાન અને તમો નાશ થાય ત્યારે ફરી ફરીને જન્મ કે દુ:ખાનુભૂતિ કયાંથી રહે? જ્ઞાન-પ્રકાશના પ્રતીકરૂપ દીવાનું તેજ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને ઉપાસકના મસ્તિષ્કને પરમતત્ત્વનું જ્ઞાન પામવા પ્રેરે છે. આ દિવ્યજ્ઞાન દ્વારા સ્વાભાવિક રીતે જ બધાં દુ:ખોનું નિવારણ થાય છે; સાધક કર્મના બંધનમાંથી હંમેશને માટે મુક્ત થાય છે.

વૈષ્ણવપંથીઓ આરતીનો બહુ જ સુંદર અર્થ તારવે છે. આપણી સમક્ષ શ્રી બાલકૃષ્ણનું મનમોહક સ્વરૂપ રજૂ કરતાં તેઓ કહે છે કે બાલકૃષ્ણ સવારથી ગાયો ચરાવવા ગયા છે અને ગોધૂલી સમય થવા આવ્યો છે. યશોદામા ઉંબરે ઊભા રહીને પ્રતીક્ષા કરે છે. બરાબર સંધ્યાટાણે બાળ કૃષ્ણ પાછા ફરે છે. અંધકારના ઓળા ઊતરી રહ્યા છે. તેથી શ્રીકૃષ્ણનું મુખારવિંદ સ્પષ્ટ દેખાતું નથી. યશોદામાં તરતજ દીપ પ્રગટાવે છે. જેથી પોતાનાં વહાલા પુત્રનું મો મનભરીને નીરખી શકાય. પુત્રના નાજુક અંગોને ઈજા તો નથી પહોંચીને કે ધૂળથી ખરડાયા તો નથી ને તેવી દહેશતથી તેઓ દીવો તેના ફરતે ફેરવે છે. ત્યારબાદ યશોદામા બાલકૃષ્ણનાં અંગોને શીતળ, સુગંધિત જળથી પ્રક્ષાલે છે અને સુંવાળા કપડાથી લૂછીને કોરાં કરે છે. પછી તેઓ પોતાના ગોપાલને સુવાસિત પુષ્પો અને ફૂલમાળથી શણગારે છે. બધો વિધિ પત્યા બાદ માતા પુત્રનો થાક દૂર કરવા ચામર વડે પંખો નાખતાં નાખતાં તેને એકીટશે નિહાળી રહે છે અને એકાએક પોતાના દૈવી બાળકમાં તેમને જગતના સર્જનહાર દિવ્ય-ચૈતન્યની ઝાંખી થાય છે. શ્રદ્ધા, ભકિત અને ભયયુક્ત બની તેઓ દિવ્યચેતનાના ચરણકમળને વંદી રહે છે.

આ બધાના સારરૂપ કહી શકાય કે ક્યા હેતુથી અથવા ક્યા સાધનથી આરતી થાય તે અગત્યનું નથી. પરંતુ પ્રભુચરણનું શરણ એ જ અંતિમ ધ્યેય છે.

ભાષાંતર : શ્રીમતી નીલાબહેન શાહ

Total Views: 94

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.