ભારતનો ઉદ્ધાર થશે જ; શરીરના બળથી નહીં પરંતુ આત્માની શક્તિથી; વિનાશના વાવટાથી નહીં પરંતુ શાંતિ અને પ્રેમના ધ્વજથી-સંન્યાસીનાં ભગવાં વસ્ત્રથી; સંપત્તિના જોરથી નહીં પરંતુ ભિક્ષાપાત્રના સામર્થ્યથી. તમે પોતાને એમ ન કહો કે, ‘હું નબળો છું.’આત્મા સર્વ – શક્તિમાન છે. શ્રીરામકૃષ્ણના ચરણોના દિવ્ય સ્પર્શથી પ્રકાશમાં આવી ગયેલા મુઠ્ઠીભર જુવાનિયાઓ સામે જુઓ. એ લોકોએ શ્રીરામકૃષ્ણના સંદેશનો આસામથી સિંધ સુધી અને હિમાલયથી કન્યાકુમારી સુધી પ્રચાર કર્યો છે. તેમણે વીસ-વીસ હજારની ફૂટની ઊંચાઈએ બરફ અને હિમક્ષેત્ર ઉપર પગે ચાલીને હિમાલય ઓળંગ્યો છે અને તિબેટના રહસ્યમય પ્રદેશમાં ઊંડે સુધી પ્રવેશ કર્યો છે. તેઓ ભિક્ષા માગીને રહ્યા છે, અંગ પર ફાટેલાં વસ્ત્રોથી પણ ચલાવ્યું છે; તેમને ત્રાસ આપવામાં આવ્યો છે, પોલીસ તેમની પાછળ પડી છે, તેમને જેલમાં પણ પૂર્યા છે અને સરકારને તેમની નિર્દોષતાની જ્યારે ખાતરી થઈ ત્યારે આખરે તેમને છોડી પણ મૂક્યા છે.

હાલ તો તેઓની સંખ્યા વીસની છે; પણ આવતીકાલે જ તેમની સંખ્યા બે હજારની બનાવી દ્યો. ભારતના નવયુવકો! તમારા દેશને એની જરૂર છે. જગતને એની જરૂર છે. તમારી અંદરની દિવ્યતાને જાગૃત કરો; એથી તમે ભૂખ અને તરસ, ઠંડી અને ગરમી સહન કરી શક્શો. આલેશાન બંગલાઓમાં બેસીને, ચારે બાજુ જીવનની બધી સુખસગવડોથી ઘેરાયેલા રહીને, નવા શિખાઉ ધર્મની જરાક વાતો કરવી એ બીજા દેશો માટે ભલે યોગ્ય હોય, પરંતુ ભારતને તો સાચી જન્મસિદ્ધ પ્રેરણા છે; કૃત્રિમ વેશને એ અંત:પ્રેરણાથી પારખી કાઢે છે. તમારે ત્યાગ કરવો જોઈએ. મહાન બનો. ત્યાગ સિવાય કોઈ પણ મહાન કાર્ય બની શકે નહીં. આ જગતને સર્જવા માટે (આદિ) પુરુષે પોતે પોતાનો જ ભોગ આપ્યો. તમારી સુખસગવડો, તમારી મોજમજાઓ, તમારાં નામ, તમારો યશ કે મોભો, અરે તમારાં જીવન સુધ્ધાં વિસર્જન કરો અને માનવ અંકોડાની સાંકળોનો એક પુલ તૈયાર કરો કે જેના પર થઈને લાખો લોકો આ સંસાર-સાગરને પાર કરે. બધાં શુભ બળોને એકત્રિત કરો. તમે ક્યા નેજા નીચે કૂચ કરો છો તેની પરવા ન કરો, તમારો ક્યો રંગ છે – લીલો, વાદળી કે લાલ – તેની પરવા ન કરો; બધા રંગો એકસાથે મેળવી દો અને પ્રેમના શ્વેતરંગનો પ્રખર પ્રકાશ પેદા કરો. કાર્ય કરવાનું આપણા હાથમાં છે; પરિણામો પોતાની મેળે પોતાનું સંભાળી લેશે. ઈશ્વરસ્વરૂપ થવાના તમારા માર્ગમાં જો કોઈ સામાજિક સંસ્થા આડી આવતી હશે તો એ આત્માની શક્તિ આગળ નમી પડશે. હું ભવિષ્યમાં મીટ માંડતો નથી; તેમજ એ જોવાની પરવા પણ કરતો નથી. પરંતુ એક દૃશ્ય હું આપણા અસ્તિત્ત્વ જેટલું જ સ્પષ્ટ જોઈ રહ્યો છું, કે આપણી આ વૃદ્ધ પ્રાચીન માતા ફરી પાછી એક વાર જાગી ઊઠી છે અને પૂર્વે કદીયે હતી તેના કરતાં વધુ યૌવનસંપન્ન અને વધુ મહિમાવાન બનીને પોતાના સિંહાસન પર બિરાજમાન થઈ છે. સમસ્ત વિશ્વની સમક્ષ શાંતિ અને આશીર્વાદના અવાજે નેકી પોકારો કે ‘ભારત માતા કી જય હો!’

પ્રેમ અને પરિશ્રમપૂર્વકના આ કાર્યમાં
સદા તમારો
વિવેકાનંદ

(‘હિન્દુ ધર્મનું નવજાગરણ’શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, પૃ. ૨૭-૨૮-૨૯)

Total Views: 148

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.