(સ્વામી સ્મરણાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના વર્તમાન પરમાધ્યક્ષ છે. આ લેખ અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત પુસ્તક ‘The Story of Ramakrishna Misssion’માં છપાયો હતો. એનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

સ્વામી વિવેકાનંદે બેલુર મઠમાં સંન્યાસીઓને ત્યાગમય જીવન વ્યતીત કરવા માટે ‘आत्मनो मोक्षार्थं जगत्‌ हिताय च’, એ કેન્દ્રવર્તી આદર્શ રજૂ કર્યો. ભારતમાં પ્રાચીન સમયમાં સંન્યાસીઓ પોતાની મુક્તિ માટે કાર્યરત રહેતા. ભગવદ્‌ગીતા (सर्वभूतहिते रता: १२.४) અને અન્ય શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્યની મુક્તિ બધાનાં કલ્યાણ સાથે જોડાયેલ છે, પરંતુ આ વિચાર સંન્યસ્ત જીવનના કેન્દ્રસ્થાને ન હતો. 

હવે, મુક્તિ એટલે શું? જો આ જગત મિથ્યાત્વ કે માયા હોય તો વિશ્વના કલ્યાણ માટે કોઈએ શા માટે રસ ધરાવવો જોઈએ? લોકોનું ભલું કરવાથી શું કોઈ મુક્તિ મેળવી શકે? શું ખરેખર કોઈ અન્ય માટે હિતકારી કાર્ય કરી શકે? રામકૃષ્ણ મિશનના આ આદર્શને સમજવા માટે આપણે આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવો જોઈએ.

વિવિધ ધર્મો ‘મુક્તિ’ની ભિન્ન ભિન્ન વ્યાખ્યા કરે છે, હિંદુધર્મના વિવિધ સંપ્રદાયો પણ તેને જુદી જુદી રીતે સમજાવે છે. પણ આ બધા વિચારોમાંથી એક જ વિચાર પ્રકાશે છે, તે છે, મનુષ્યે પ્રકૃતિનાં બંધનોથી પર થવું જોઈએ. તેનો અર્થ એ નથી કે ભૌતિક મર્યાદાઓ ઓળંગવી જોઈએ, અને તેને માટે તો બહુ જ મર્યાદિત અવકાશ છે. પરંતુ મનુષ્યના વ્યક્તિત્વને જે વિવિધ પ્રકારની ઇચ્છાઓ, અલગ અલગ લાગણીઓ વગેરે જેવાં પરિબળોથી માપવામાં આવે છે તેનાથી તેનો છુટકારો થવો જોઈએ. સ્વામીજીએ કહ્યું છે: ‘માણસ જ્યાં સુધી પ્રકૃતિથી પર જવાની કોશિશ કરે છે, ત્યાં સુધી તે માણસ છે; અને આ પ્રકૃતિ આંતર અને બાહ્ય બંને છે…. બાહ્ય પ્રકૃતિને જીતવી એ સારું અને મહત્ત્વપૂર્ણ છે; પરંતુ આંતરપ્રકૃતિને જીતવી એ એથી પણ વધુ સારું અને મહત્ત્વપૂર્ણ છે.’

હિંદુ માને છે કે મોક્ષ અથવા મુક્તિ દ્વારા મનુષ્ય પ્રકૃતિથી પર જઈ જન્મ-મરણના ચક્રથી મુક્ત થાય છે. પોતાના આત્મતત્ત્વને જાણી તેને પરમ સત્યમાં વિલીન કરવાથી આ મોક્ષ કે મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે. દ્વૈતવાદી તેને ઈશ્વર સાથેની શાશ્વત નિકટતા કે ઈશ્વર સાથે એક થઈ જવું એમ કહે છે. હકીકતે જેટલા સંપ્રદાયો અને પંથો છે એ બધી મુક્તિ માટેની વિભાવનાઓ છે. જ્યાં સુધી મનુષ્ય જીવન અને મૃત્યુ પર વિજય મેળવવામાં અસમર્થ છે ત્યાં સુધી જીવન અને મૃત્યુની મર્યાદાથી પરની સ્થિતિ પ્રાપ્ત કરવી અશક્ય છે. આપણે વિશ્વના ધર્મોના મુક્તિ વિશેના વિવિધ ખ્યાલોને ટૂંકમાં જોઈએ. 

વિશ્વના મુખ્ય ધર્મોમાં મુક્તિની સમજ 

ભગવાન બુદ્ધ અનુસાર ‘નિર્વાણ’ એ જીવનનું અંતિમ ધ્યેય છે. નિર્વાણ એ મિથ્યા વ્યક્તિત્વ, ઇચ્છા અને વેદનાની સમાપ્તિ તેમજ ચૈતન્યની અનુભવાતીત અવસ્થાની પ્રાપ્તિ છે. તે તમામ બંધનો અને પરિવર્તનોથી પર છે. ‘છે’ અને ‘નથી’ થી પર છે અને તેથી તે અવર્ણનીય છે. ઉચ્ચતમ સમજશક્તિ કે બોધની પ્રાપ્તિ જ જીવનનું લક્ષ્ય છે. બુદ્ધે સ્વ-પ્રયત્ન પર સૌથી વધુ ભાર મૂક્યો છે. ‘પોતાના સિવાય અન્ય કોઈનો પણ આશરો મેળવવાની આશા ન રાખો. કર્તવ્યપરાયણતા અને ખંતપૂર્વક પોતાના આત્મોદ્ધાર માટે પ્રયત્ન કરો.’ તેમ છતાં બૌદ્ધ ધર્મના પછીના મહાયાન માર્ગીઓ બોધિસત્વના વિચારને માનવા લાગ્યા. બોધિસત્વ દરેક યુગમાં પ્રગટ થાય છે અને લોકોને મુક્તિ મેળવવામાં મદદરૂપ થાય છે.

યહૂદી ધર્મ પ્રમાણે શુદ્ધ હૃદય અને સાચી ભાવના તેમજ ઈશ્વરની ઉપસ્થિતિનો આનંદ માણવો એ મુક્તિ છે. ખ્રિસ્તી ધર્મમાં મનુષ્યના પાપ દ્વારા વિચ્છેદ થયેલા ઈશ્વર સાથેના સંગાથને પુનઃસ્થાપિત કરવો એ મુક્તિ છે. આ ઈશુ ખ્રિસ્તની કૃપાથી પ્રાપ્ત થવાનું છે. ચોક્કસ જ ખ્રિસ્તી ધર્મના વિવિધ સંપ્રદાયો તેને અલગ અલગ રીતે વર્ણવે છે. કેટલાકના મત પ્રમાણે બધા જ આત્માઓ મુક્તિ મેળવી શકતા નથી. કેટલાક હંમેશને માટે નષ્ટ થઈ જાય છે. જો કે નિરપવાદીઓ માને છે કે કોઈ આત્મા મૂળભૂત રીતે નષ્ટ નથી થતો. રોમન કેથોલિક સંપ્રદાયના લોકો એવું માને છે કે ‘ચર્ચની બહાર કોઈ મુક્તિ પામી શકતું નથી,’ જ્યારે પ્રોટેસ્ટંટ સંપ્રદાયના લોકો એવું માને છે કે મુક્તિ એ માનવજાતને ઈશ્વરની બક્ષિસ છે. પરંતુ ખ્રિસ્તી રહસ્યવાદીઓની મુક્તિની ગહન કલ્પના છે—એકરૂપ થવું. તેઓ કહે છે કે દિવ્યાત્મા સાથે એકરૂપ થવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. 

ઇસ્લામ ધર્મ મુજબ ઇસ્લામ ધર્મની બહાર મુક્તિ છે જ નહિ. કુરાન સ્વર્ગનું આકર્ષક ચિત્ર રજૂ કરે છે. જો કે, સૂફી રહસ્યવાદીઓ સ્વર્ગનાં આ વર્ણનોને વાસ્તવિક રીતે લેતા નથી. તેઓ પરમ આત્મા સાથેના જોડાણ તરીકે મુક્તિની કલ્પના કરે છે.  

હિંદુઓનો મુક્તિ વિષયક દૃષ્ટિકોણ   

હિંદુ ધર્મના તમામ સંપ્રદાયો આત્મા અમર અને શુદ્ધ છે એમ માને છે. લગભગ બધા સંપ્રદાયો અનુસાર નિઃસ્વાર્થતા, આત્મપરીક્ષણ અને ધ્યાન દ્વારા મુક્તિની પ્રાપ્તિ સંભવ છે. સાંખ્ય પદ્ધતિ માને છે કે શુદ્ધાત્મા (પુરુષ)નું પ્રકૃતિથી મુક્ત થવું એ જ ખરેખર મુક્તિ છે. યોગ-પદ્ધતિ મુજબ આત્મ-જ્ઞાન દ્વારા મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. વિશિષ્ટાદ્વૈતવાદમાં પરમાત્માને આત્માઓનો આત્મા માનવામાં આવે છે, અને સર્વોચ્ચ અનુભૂતિ એ પરમાત્મા અને આત્મા વચ્ચેના સાયુજ્યની અનુભૂતિ છે, જે બંને શાશ્વત છે.

અદ્વૈત વેદાંતમાં એમ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિનો આત્મા એ બ્રહ્મ અથવા પરમાત્મા સાથે એકરૂપ છે. કોઈ પોતાને દયાપાત્ર માને છે એ એનાં અજ્ઞાન, અવિદ્યા છે. જ્યારે સત્યનું ભાન થશે અને અજ્ઞાન દૂર થશે ત્યારે તે તમામ બંધનોથી મુક્ત થઈ પરમાત્મામાં સ્થિત થઈ જશે. આથી પણ ઉચ્ચ અનુભૂતિના સ્તરે સાધકને માત્ર ઈશ્વરનું અનુભવાતીત દર્શન થશે એટલું જ નહિ, તેને સર્વત્ર ઈશ્વરની ઉપસ્થિતિનો અનુભવ થશે. બ્રહ્મ સર્વવ્યાપક તેમજ અનુભવાતીત બંને છે. તે અવ્યક્ત છે, તે સિવાય બીજું કંઈ નથી. તે સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી તેમજ તેનું કોઈ પાર્થિવ અસ્તિત્વ પણ નથી. તે શબ્દો અને વિચારોથી પર છે. આ સર્વોચ્ચ અનુભૂતિની પ્રાપ્તિ દ્વારા વ્યક્તિ હંમેશ માટે મુક્ત થઈ જાય છે. સ્વામીજીની મુક્તિ માટેની વિભાવના કંઈ નકારાત્મક નથી. વેદના આદર્શોનું અનુસરણ કરતાં તેઓ કહે છે:

“પ્રત્યેક આત્મા અપ્રગટરૂપે પરમાત્મા છે. ધ્યેય છે બાહ્ય તેમજ આંતર પ્રકૃતિ પર કાબૂ મેળવીને અંદર રહેલા આ પરમાત્મભાવને પ્રગટ કરવો. એ તમે કર્મ દ્વારા કે ઉપાસના દ્વારા કે યોગ દ્વારા કે તત્ત્વજ્ઞાન દ્વારા કરો, એક દ્વારા કે એકથી વધારે દ્વારા કે આ બધાં દ્વારા કરો અને મુક્ત થાઓ. ધર્મનું સમગ્ર તત્ત્વ આ છે.”

આમ, આપણે કહી શકીએ કે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ તમામ બંધનોથી મુક્તિ—એ સ્વામીજીનું મહાવાક્ય છે. સ્વામીજીની દૃષ્ટિએ ધર્મમાં ક્ષુદ્ર રહસ્યવાદને કોઈ સ્થાન નથી. સામર્થ્ય, અને માત્ર સામર્થ્ય—શારીરિક, માનસિક અને આધ્યાત્મિક— એ જ સ્વામી વિવેકાનંદનું જીવનસૂત્ર છે. 

તેથી તેઓ જ્યારે ‘आत्मनो मोक्षार्थं’ કહે છે ત્યારે તેઓ આ બધું અને તેનાથી પણ વધુ કહેવા માગે છે. મનુષ્યે ઈશ્વર બનવાનું છે, તેનાથી ઓછું કશું ખપે નહિ. તમામ બંધનોને છેદી નાખો અને અનુભૂતિ કરો કે તમે પૂર્ણ છો, શાશ્વત, શુદ્ધ, પ્રબુદ્ધ અને મુક્ત છો.  

ઉપર વર્ણિત અનુભૂતિ પૃથકત્વમાં ન હોઈ શકે. પોતાની મુક્તિ માટે આ બધાં બંધનોમાંથી મુક્તિ મેળવવા કાર્યરત થવું પડે. પરિણામસ્વરૂપ જગતનું હિત પણ નીપજે છે. ગીતામાં કહ્યું છે: सर्वभूतहिते रता:—જે કોઈ મુક્ત છે તેને બધાંના કલ્યાણમાં અભિરુચિ હોય છે.

આપણે બધાંના કલ્યાણ માટે કેવી રીતે કાર્ય કરી શકીએ? શું તે આપણા અહંકારને પુષ્ટ નહિ કરે, શું તે મોક્ષના માર્ગમાં અવરોધ ઊભો નહિ કરે? અહીં ગીતા પ્રબોધિત નિષ્કામ કર્મનો, નિ:સ્વાર્થ પ્રવૃત્તિનો સિદ્ધાંત લાગુ પડે છે. નિ:સ્વાર્થતા એ તમામ યથાર્થ આધ્યાત્મિક સાધનાનો પાયો છે. જો આધ્યાત્મિક સાધનાથી વ્યક્તિ નિ:સ્વાર્થ ન બની શકે તો તે માત્ર ફળહીન વ્યર્થ પ્રયત્ન છે. જેમ શ્રીરામકૃષ્ણ કહેતા તેમ બીજા માટે નિ:સ્વાર્થભાવે સતત કાર્ય કરવાથી આ નિમ્ન સ્તરના ‘કાચા અહંકાર’ પર પ્રભુત્વ મેળવી શકાય છે અને ‘પાકા અહંકાર’માં સ્થિત થઈ શકાય છે.

શું ખરેખર જગતનું કલ્યાણ કરી શકાય છે? ‘સારું કરવું’ તેનો સાચો અર્થ શો છે? એવું કહેવાય છે કે બીજાનું ભલું કરવાથી ખરેખર તો આપણે પોતાનું જ ભલું કરીએ છીએ. આનો અર્થ શું છે? 

સ્વામીજી કહે છે કે મનુષ્યનું તેના વર્તમાન સ્થાનેથી સહાયતા દ્વારા ઉત્થાન કરવાનું છે. હકીકતમાં આપણે સૌ જાણ્યે-અજાણ્યે પરમ ધ્યેય તરફ પ્રગતિ કરી રહ્યા છીએ. આપણે અસત્યમાંથી સત્યમાં નહીં, ખરાબમાંથી સારામાં નહીં, પણ સત્યમાંથી ઊંચા સત્યમાં, સારામાંથી વધારે સારામાં, શ્રેષ્ઠમાં જવાનું છે.

સ્વામીજી કહે છે કે એક ભૂખ્યા માણસ માટે ભગવાન રોટલીનો એક ટુકડો બનીને આવે છે. બધા જીવો ઉત્ક્રાંતિના જુદા જુદા સ્તરે છે— શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. અન્ય લોકોને ઉપરના સોપાને પહોંચવા માટે મદદ કરવી તે જ વાસ્તવિક મદદ છે. આમ, આપણાં ભાઈ-બહેનોની ત્રણ રીતે સેવા કરી શકાય: અન્નદાન, વિદ્યાદાન અને જ્ઞાનદાન—અન્ન અને ઔષધ દ્વારા, શિક્ષણ દ્વારા અને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા. આમ, સ્વામીજીએ ‘જગત હિત’ માટે ત્રણ પ્રકારની સેવાની પરિકલ્પના કરી છે.

આ પ્રકારની નિ:સ્વાર્થ સેવા દ્વારા મન શુદ્ધ બને છે અને ઉચ્ચ અનુભૂતિ માટે યોગ્યતા મળે છે—આ જ સાચો બોધ છે જે મુક્તિ તરફ લઈ જાય છે. એક અર્થમાં એવું કહી શકાય કે રામકૃષ્ણ મિશનનું સૂત્ર માત્ર એક જ આદર્શનું પ્રતિનિધિત્વ કરે છે, તે છે મોક્ષ અર્થાત્‌ મુક્તિ, બધા માટે મુક્તિ. અન્યને નુકસાન પહોંચાડવાના અર્થમાં મુક્તિ નહીં, પરંતુ સર્વમાં એક જ નિરંજન આત્મા વિદ્યમાન છે, તેની અનુભૂતિ કરવી. આ જ છે ઉપનિષદોમાં વર્ણવ્યા પ્રમાણેનો ‘સર્વાત્મભાવ’, બધા સાથે એકત્વનો ભાવ. 

કોઈ પૂછે, ‘સારું, વેદાંતનું આ એક નવું અર્થઘટન છે. પરંતુ શું રામકૃષ્ણ મિશનનાં સો વર્ષ દરમિયાન આ આદર્શનું ભારતના સંન્યાસી સમુદાય તેમજ સામાન્ય લોકોએ અનુસરણ કર્યું છે?’  

ઉત્તર છે ‘હા’ અને ‘ના’. ભારતના વિવિધ સંન્યાસી સમુદાયો માનવસેવાને સંન્યાસી જીવનના એક ભાગરૂપે સ્વીકારે છે. પરંતુ તેને વ્યાપકપણે અમલમાં મૂકવામાં આવી નથી.

સામાન્ય લોકોના સંદર્ભમાં આપણે વિશ્વાસ સાથે કહી શકીએ કે પીડિત લોકોની સેવાનો વિચાર માત્ર સ્વીકારવામાં આવ્યો નથી, પરંતુ તે ભારતમાં વિવિધ બિન-સરકારી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ઘણી કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે એક પ્રેરણાદાયી હેતુ રહ્યો છે. 

તદુપરાંત, જ્યારે કોઈ કુદરતી આફત આવે કે મોટાપાયે માનવજાત પીડાતી હોય ત્યારે ભારતના લોકો, પછી તે સામાન્ય શ્રમજીવી કેમ ન હોય, તે સહુ દુઃખ-નિવારણ માટે આગળ આવી દાન આપે છે અને અન્ય રીતે મદદ માટે ઉદારતાથી આગળ આવે છે. આમ, મોક્ષ અર્થાત્‌ મુક્તિ એ હિન્દુ ધર્મના બધા જ આધ્યાત્મિક સંપ્રદાયોનો કેન્દ્રીય વિચાર હોવા છતાં નિ:સ્વાર્થ સેવાને આજે આધ્યાત્મિક સાધનાના રૂપે સ્વીકારાઈ છે.

વધુમાં ‘आत्मनो मोक्षार्थं जगत्‌ हिताय च’ એ એક એવું સાર્વત્રિક સૂત્ર છે કે જે બધા લોકોને બધાં સ્થાને લાગુ પડે છે, કારણ કે તે માનવજાતને પશુતામાંથી ઉન્નત કરી માનવતાના સ્તરે લાવે છે અને ત્યાંથી ઈશ્વરત્વ પ્રતિ દોરી જાય છે. 

આમ, સ્વામી વિવેકાનંદે સંન્યાસીઓ અને ભક્તો સમક્ષ રામકૃષ્ણ મિશનનો એક ઉચ્ચ આધ્યાત્મિક આદર્શ પ્રસ્તુત કર્યો છે જે વિશ્વનાં નર-નારીઓને પ્રેરિત કરે છે.

Total Views: 440
By Published On: September 28, 2022Categories: Smaranananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram