સાધનાના રૂપમાં કર્મ હિંદુ ધર્મ માટે નવીન નથી. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥२-४७॥

‘કર્મ ઉપર જ આપણો અધિકાર છે કર્મના ફળ ઉપર નહીં.’ તો પછી આજે આપણે સ્વામીજીને શું કામ નવીન ચિંતનધારાના પ્રવર્તકના રૂપમાં ઓળખીએ છીએ અને આધ્યાત્મિક ધરોહર જાળવી રાખી નિ:સ્વાર્થ સેવાના પ્રકલ્પની સાથે હંમેશને માટે એમનું નામ જોડી દીધું છે? ગંભીરાનંદજી લખે છે:

“સ્વામીજીએ ધર્મની ભૂમિકા પર ત્યાગ અને સેવાના આધારે નવજાગૃતિનો પ્રારંભ કરવા ઇચ્છ્યું હતું, આ નવજાગરણના આંદોલનના અગ્રેસરોના રૂપમાં સંન્યાસીઓનું મંડળ રચવાની ઇચ્છા સેવી હતી. આ સંન્યાસીઓ નવા યુગના સંદેશવાહક અને આદર્શના પ્રસ્થાપક બનશે કે જેઓ મન-મુખ એક કરીને, સ્વાર્થથી પર બનીને, અદ્વૈતજ્ઞાનને પાલવમાં બાંધીને મૂર્ખનારાયણ, દરિદ્ર-નારાયણ, દુ:ખી-નારાયણ તથા દરેક સ્થિતિમાં રહેલા મનુષ્યોની સર્વપ્રકારની ઉન્નતિ માટે જીવનપર્યંત પ્રયત્ન કરશે અને આ રીતે એમની ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ સરળ અને સુગમ કરવાની સાથે સાથે પોતાની મુક્તિનાં દ્વાર પણ ખોલશે. એટલે કે ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ જીવન જીવશે. 

આ વિરાટ પ્રકલ્પ નેતિમૂલક વેદાંતવાદથી વિકસિત કરી શકાતો નથી—એવી તત્કાલીન વિદ્વાનોની માન્યતા હતી. પરંતુ સ્વામીજીએ પોતાની વાણી તથા કાર્યો દ્વારા એ જણાવ્યું કે વેદાંતનો એક બીજો ઇતિમૂલક પથ પણ છે. … [સ્વામીજીના શિષ્યોના] કાનોમાં ગૂંજવા લાગી સ્વામીજીની એ વાણી ‘જે જ્ઞાનથી ભવબંધનમાંથી મુક્તિ સુધ્ધાં મળે છે, તેનાથી શું સામાન્ય બાબતોની ઉન્નતિ નહીં થાય? અવશ્ય થશે.’ શ્રીરામચંદ્ર અને શ્રીકૃષ્ણના જીવનમાં અદ્વૈતની સાથે કર્મ પણ જોડાયેલું હતું, સ્વામીજીના જીવનમાં પણ એમ જ થયું.

વળી ધર્મનું જે સ્વરૂપ એમના ચિત્તમાં પ્રગટ્યું હતું તે કંઈ ચીલાચાલુ ધર્મની પુનરાવૃત્તિ રૂપે નહોતું. એમણે એનો જે નિષ્કર્ષ બધાંની સમક્ષ રજૂ કર્યો, તે મોટેભાગે અભિનવ હતો. તેમ છતાં પણ તેનો કોઈ અંશ હિન્દુધર્મ અથવા વેદાંતથી બહાર નહોતો. અત્યાર સુધી રચાયેલાં ભાષ્યો અને ટીકાઓમાં એક જ વ્યક્તિના જીવનમાં જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગનો સમન્વય કરવાનો કોઈ વિશેષ પ્રયત્ન થયો નહોતો. ઊલટું હિન્દુ લોકોના મનમાં એવી ધારણા ઉત્પન્ન થઈ ગઈ હતી કે એ એકબીજાથી સ્વતંત્ર અને ત્યાં સુધી કે એકબીજાથી વિરોધી સાધનામાર્ગ છે. 

પરંતુ શ્રીરામકૃષ્ણના ઉપદેશોના આધારે સ્વામીજીએ બતાવ્યું કે મનુષ્યના જીવનને આ રીતે કૃત્રિમ વિભાગોમાં વહેંચી શકાય નહીં. દરેક વ્યક્તિના જીવનમાં આ ચાર યોગોમાંના કોઈ એકનું પ્રાધાન્ય હોવા છતાં પણ સાચો મનુષ્ય તો આ ચારેયના સમન્વયથી જ ઘડાય છે—બધાંના જીવનમાં ઓછાવત્તા પ્રમાણમાં જ્ઞાન, ભક્તિ, સત્કર્મની ઇચ્છા અને નીરવ ધ્યાનની અભીપ્સા હોય છે જ. 

આથી, સ્વામીજીએ સ્પષ્ટરૂપે જણાવ્યું કે એમણે કલ્પેલા મઠજીવનમાં આ ચારેય માર્ગોનો સમન્વય હશે—ફક્ત સામૂહિકરૂપે સામાજિક કે સાંપ્રદાયિક સ્તર પર નહીં, પરંતુ વ્યક્તિગત રૂપમાં પણ. એમણે કહ્યું કે, દરેકને કર્મક્ષેત્રમાં પણ કંઈ ને કંઈ કામ કરવું પડશે; અને જેઓ ચારે ય માર્ગનો સમન્વય નહીં કરે શકે, એમનું જીવન શ્રીરામકૃષ્ણના આદર્શ પ્રમાણે ઉત્તમ રીતે ઘડાયેલું નહીં મનાય.

પરંતુ સ્વામીજીએ આપેલા કર્મમાર્ગને કર્મયોગ સમાન માની શકાય નહીં. કર્મયોગમાં કર્મનું ફળ ઈશ્વરને સમર્પિત કરવાની વાત છે, પરંતુ સ્વામીજીના વ્યાવહારિક વેદાંતમાં પોતાના માટે ફળ પ્રાપ્ત કરીને ભગવાનને અર્પણ કરવાનો પ્રશ્ન જ ઊઠતો નથી. કેમ કે તેમાં તો શરૂઆતથી તે અંત સુધીનો સઘળો પ્રયાસ ઈશ્વરને માટે જ છે—ફળ ઉત્પન્ન થયા પહેલાં પણ તે ભગવાનનું છે, મધ્યાવસ્થામાં પણ એ ભગવાનનું છે અને પૂરું થયા પછી પણ એ ભગવાનનું જ છે. શિવજ્ઞાનથી જીવસેવાની મૂળ વાત જ આ છે. એમાં સ્વાર્થને કોઈ સ્થાન જ નથી. 

વળી ટીકાકારો તથા ભાષ્યકારોએ કર્મનો અર્થ યજ્ઞયાગ તથા ઇષ્ટપ્રાપ્તિ માટેના શાસ્ત્રીય કર્મકાંડને જ ગણ્યો છે. સ્વામીજીના મત પ્રમાણે કોઈપણ સત્કર્મ ઈશ્વરની આરાધનારૂપે સ્વીકારી શકાય છે; સંપૂર્ણ કર્મને પૂજામાં પરિણત કરી શકાય છે. વળી ઈશ્વર જો મંદિર કે મઠમાં સાધકને દર્શન આપીને સંતુષ્ટ કરે છે, તો પછી તેઓ ખેડૂતના ખેતરમાં અથવા તો મજૂરના કારખાનાના દ્વાર પર દર્શન નહીં આપે, એની તરફેણમાં કોઈ દલીલ નથી. અગાઉના સાધકોમાં પણ આ વાત સ્વીકારવામાં આવી છે કે ભગવાનને અંતરની ભક્તિથી સરળ મને પોકારવાથી તેઓ દરેક જગ્યાએ, સઘળા માર્ગો દ્વારા પ્રગટ થાય છે અને શ્રીરામકૃષ્ણે આપેલા સમન્વયનો આ જ સાર છે. 

પુરાતન માર્ગીઓના મત પ્રમાણે કર્મ દ્વારા ચિત્તશુદ્ધિ અને તે પછી ભક્તિ પ્રાપ્ત થાય છે તથા ભક્તિ પરિપક્વ થતાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. પરંતુ સ્વામીજી વિવિધ પંથોના રૂપમાં આ તત્ત્વમાં આગળ ન વધતાં, તેમણે તો વાસ્તવિક સાધનજીવન અને સિદ્ધિ પર તેનો પ્રકાશ પાડ્યો અને જોયું કે વ્યાવહારિક વેદાંતમાં જ ચારેય માર્ગોનો એવો સમન્વય થઈ શકે છે. ઉપરાંત, અન્યના કલ્યાણાર્થે કામ કરવાથી, કામની સાથે જ ભક્તિ, જ્ઞાન તથા ધ્યાનમાં એવી પ્રગતિ કરી શકાય છે કે વ્યાવહારિક વેદાંતથી માત્ર પરંપરાગત રીતે જ નહીં પણ પ્રત્યક્ષ રીતે પણ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. દુર્લભ હોવા છતાં પણ જનક વગેરેનું જીવન એ સાબિત કરી આપે છે. મુક્તિ મેળવવાના બીજા માર્ગો પણ કંઈ આનાથી સહેલા નથી. ખરેખર તો ધ્યેયની સિદ્ધિ માટે માર્ગ કરતાં આંતરિક અભીપ્સા તથા સરલ નિષ્કપટ સાધના જ વધારે ફળદાયક છે. યાદ રાખવું જોઈએ કે આપણે અહીં કર્મ દ્વારા મુક્તિ મેળવવાનો મિથ્યા સિદ્ધાંત સ્વીકારતા નથી, પરંતુ કર્મના રૂપે અભિવ્યક્ત થતા અને પ્રાપ્ત થતા અદ્વૈતજ્ઞાન દ્વારા મુક્તિની વાત કરી રહ્યા છીએ.

સ્વામીજી જે કર્મની વાત કરે છે, તે ભગવાનના ભક્તો માટે ઉચિત છે, તે સ્વાધીન આત્માનો સ્વયં સ્ફુરિત સાત્ત્વિક વિલાસ છે. આત્માને કોઈ કર્તવ્ય નથી કેમ કે કર્તવ્યનું ભાન એ પણ પરાધીનતાનું દ્યોતક છે. એમાં દુ:ખ નથી, એ તો પ્રેમ રસથી ભરેલું છે. આવેગયુક્ત હોવા છતાં પણ તે શાંત છે. વિશાળ ગંગાની જેમ વેગવાન હોવા છતાં પણ તરંગવિહીન છે. એનું લક્ષ્ય સત્ય છે અને માર્ગ પણ સત્ય છે. એમાં દુર્બળતા નથી, પરંતુ આત્મવિશ્વાસ અને વીરતા છે. તેમાં વિરક્તિ નથી, પણ વિનય અને વૈરાગ્ય છે.

કર્મથી ચિત્તશુદ્ધિ થાય છે અને એ પછી ઉત્તરોત્તર ભક્તિ અને જ્ઞાનના અધિકારી થતાં મુક્તિ પ્રાપ્ત થાય છે. દલીલ કરતી વખતે સ્વામીજી આવા ક્રમનો અસ્વીકાર ન કરવા છતાં પણ દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિના આધારે તેઓ કહ્યા કરતા હતા કે સાધનાના રૂપમાં યોગોના આ પ્રકારના ક્રમની વાત ભૂલીને આપણે દ્વૈતથી વિશિષ્ટાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈતથી અદ્વૈત અનુભૂતિના ક્રમનો સ્વીકાર કરવો જોઈએ. આ જ તર્કસંગત માનસિક વિકાસ છે. જો વાસ્તવિક જીવનમાં સાધનાની દૃષ્ટિથી વિચાર કરવામાં આવે તો કર્મ વગરની ભક્તિ કે જ્ઞાન અથવા તો ભક્તિ વગરનું જ્ઞાન કે ધ્યાન અથવા જ્ઞાન વગરનું કર્મ કે ધ્યાન વગેરે જુઠ્ઠાણું માત્ર છે. આ વાસ્તવિક દૃષ્ટિકોણની સાથે જ એમના વ્યાવહારિક વેદાંતનો વધારે મેળ હતો.” (યુગનાયક, 2.508-10)

Total Views: 535

One Comment

  1. Punambhai patel October 15, 2022 at 10:22 am - Reply

    Knowledgeable

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.