રામકૃષ્ણ મિશનની સ્થાપના એ ધર્મ અને માનવતાના ઇતિહાસમાં એક મહત્ત્વનો પડાવ છે. પાપી, તાપી, પદદલિતો માટે રોવાવાળા તો ઘણા છે; પોતાનું અન્ન ત્યજી એમને એક મૂઠી અનાજ અને અંગ ઢાંકવા માટે બે કાપડ આપવાવાળા સંતો-ગૃહસ્થોની વાતો આપણને અનુપ્રેરિત પણ કરે છે; પરંતુ પોતાનું સર્વસ્વ ત્યજી, એક માત્ર ઈશ્વરના નામનું ભાથું બાંધી, માનવમાં પ્રભુ-પરમેશ્વરનું પ્રતિબિંબ નિહાળી, મન-પ્રાણ ઢાળી ગરીબ-ગુરબાઓની પૂજા કરવાવાળો આ એક માત્ર સંન્યાસી સંઘ છે.

18, ફેબ્રુઆરી, 1836ના રોજ હતોત્સાહિત ગુલામ ભારતની પુણ્યધરા પર નવપ્રભાતના નિનાદ સમી શુભ ઘડી આવી ઉપસ્થિત થઈ. સૃષ્ટિ, સ્થિતિ, પ્રલયના સ્વામી; ઈશ્વર સ્વયં, શ્રીરામ અને શ્રીકૃષ્ણના ઉપદેશોના જ્યોતિર્ધર પ્રભુ શ્રીરામકૃષ્ણ પોતાની મોહક લીલાનું આસ્વાદન કરાવવા, કામ-ક્રોધ-લોભ-મદ-મોહ-મત્સરરૂપી રિપુદમન કરવા, અને શુદ્ધ-સાત્ત્વિક સબળ એકનિષ્ઠ સંન્યાસીઓનો સંઘ પ્રતિષ્ઠિત કરવા મનુષ્યદેહ ધારણ કરી સાહિત્ય, સંસ્કૃતિ, અને આધ્યાત્મિકતાના સ્રોતસમા બંગાળના એક નાનકડા ગ્રામમાં પુનઃ પધાર્યા.

શ્રીરામકૃષ્ણના જીવન અને ઉપદેશોના સહારે 1 મે, 1897ના રોજ તેઓના પ્રધાન શિષ્ય, વિશ્વવિજયી સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. આજે, સવાસો વર્ષ બાદ, આપણી સંસ્થા આ સેવાકાર્યોમાં અગ્રણીના રૂપમાં ઊભરી ચૂકી છે. અનેક મહાપુરુષો અને સંસ્થાઓએ મિશનથી પ્રભાવિત થઈને પોતપોતાનો સેવાયજ્ઞ આરંભ્યો છે. આવો, આપણે રામકૃષ્ણ મિશનના સેવાપથે ચાલતાં ચાલતાં ઐતિહ્યના કેટલાક મહત્ત્વના પ્રસંગો મમળાવીએ; આવો, આપણે જાણીએ કયા હતા આ મિશનની સ્થાપના સુધી લઈ જનાર પડાવો.

Total Views: 650

3 Comments

  1. Deviben vyas October 8, 2022 at 1:43 am - Reply

    Jythakur jyma jyswamiji Maharaj tamaro sada jy Thao ramkrishna sang na sarve sanyasi Maharaj ne shat shat pranam aap sau par bhagvan thakur ni avant Krupa chhe aap sau Amara sarve bhaktgan pr Krupa rakhjo tevi prarthna Sathe sadr pranam

  2. Jigar Joshi October 7, 2022 at 12:42 am - Reply

    Jai Sri Ramakrishna! Jai Maa! Jai Swamiji!

    Brilliant prologue. Draws and compels readers to read further.

    Jai Thakur!

    • jyot October 16, 2022 at 3:33 am - Reply

      જય ઠાકુર

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.