तत्कर्मयत्‌ न बन्धाय सा विद्या या विमुक्तये।
आयासायापरं कर्म विद्या अन्या शिल्पनैपुण्यम्‌।।

કર્મ તે જ છે, જે બંધનોમાંથી મુક્ત કરે છે અને વિદ્યા તે જ છે, જે મુક્તિનો માર્ગ બતાવે છે. આ સિવાયનાં જે કામ છે, તે માત્ર નિપુણતા અર્જન કરવાનાં છે.

ઘણા દિવસોથી વરસાદ વરસી રહ્યો હતો. આજે પણ વરસાદ સમરસ થઈ વહાલ વરસાવી રહ્યો હતો. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના એક પીઢ ભક્ત પોતાના મકાનમાં પહેલા માળે રવેશમાં બેસીને કુદરતની આ કરામતને નીહાળી રહ્યા હતા. વરસાદમાં ભીંજાયેલી હતાશ-નિરાશ કિશોરી મકાન પાસેના એક છજા નીચે આવીને ઊભી રહી. વયોવૃદ્ધ વ્યક્તિને કુતૂહલ થયું, આવા વરસાદમાં એકલી દીકરી!! તેમણે પૂછયું: ‘ બેટા, શું થયું? ક્યાંથી આવે છે?’ દીકરી ખૂબ જ રડવા લાગી. આ ભક્ત તરત જ નીચે દોડી ગયા અને તેને ઘરમાં બોલાવી. શરીર લૂછવા કપડું આપ્યું; પાણી આપ્યું અને સાંત્વના આપતાં કહ્યું, ‘જો, બેટા! માંડીને વાત નહીં કરે તો કેમ ખબર પડશે કે શું થયું?’ દીકરીએ વાત માંડી, ‘હું બારમા ધોરણ સાયન્સમાં નાપાસ થઈ એટલે ઘરનાં, પાડોશીઓ, સગાંવહાલાં બધાં જ મારી નિંદા કરે છે અને મને ધિક્કારે છે. હવે મારે જીવવું નથી. આત્મહત્યા કરી લઈશ.’ આ વડીલ ભક્તે કહ્યું, ‘જો, આ જીવન બહુ અણમોલ છે. માત્ર એક પરીક્ષામાં નાપાસ થવાથી જીવન થોડું હારી જવાય?’ એમ, ઘણાં ઉદાહરણો આપીને તેને શાંત પાડી. પછી આ ભક્તે તેને સ્વામી વિવેકાનંદની નાની પુસ્તિકા ભેટ આપી અને કહ્યું: ‘જો તારે આત્મહત્યા કરવી હોય તો થોડે દૂર આપણો ડેમ ભરાઈ ગયો છે. તેમાં કૂદીને ડૂબી જજે! પણ માત્ર એક વિનંતી છે કે આત્મહત્યા કરતા પહેલાં આ નાની પુસ્તિકા એક વાર પૂરી વાંચી લેજે.’ પછી આ વડીલે દીકરીનાં માતા-પિતાને બોલાવીને તેને ઘરે પાછી મોકલી દીધી. આ ઘટનાના થોડા દિવસો પછી તે કિશોરી તેનાં માતાપિતા સાથે આ ભક્તના ઘરે મીઠાઈ લઈને હાજર થઈ! ભક્તે નવાઈ પામીને પૂછ્યું, ‘ અરે! તું તો આત્મહત્યા કરીને મરી જવાની હતીને! આ શું તારું ભૂત આવ્યું?’ ત્યારે તેણે આનંદથી હસતાં હસતાં કહ્યું, ‘કાકા, તમે આપેલ સ્વામી વિવેકાનંદજીની પુસ્તિકા વાંચીને મારા આત્મહત્યા કરવાના બધા જ વિચારો દૂર થઈ ગયા! હવે હું નવું જીવન જીવવા માગું છું. આજે મારો જન્મદિવસ છે. તેથી મને નવું જીવન આપનાર, આપ વડીલશ્રીનો આભાર વ્યક્ત કરવા આવી છું.’

આ તો માત્ર તણખો છે, પૂરી યજ્ઞશાળા તો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાં સંગ્રહિત છે, જે માનવજીવનનાં દુ:ખ, હતાશા, ઉદ્વેગ, અજ્ઞાનતાને દૂર કરી, નવશક્તિ-ચેતનાનો સંચાર કરી માનવમાં દેશપ્રેમ, ગરીબો પ્રત્યે સહાનુભૂતિ અને શ્રદ્ધા-ભક્તિ પ્રગટ કરે છે.

રાજકોટમાં ૧૯૨૭થી શરૂ થયેલ શ્રીરામકૃષ્ણ આશ્રમે અત્યાર સુધીમાં રામકૃષ્ણ-વિવેકાનંદ- ભારતીય સંસ્કૃતિ ઉપર આશરે ૨૫૦થી પણ વધારે અધિકૃત પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. અને આ દિવ્ય અમૃતગંગાએ સદ્‌વિદ્યા રૂપે કેટલાય લોકોનાં ચારિત્ર્ય ઘડીને મહાન કલ્યાણકારી સેવા- કાર્યોમાં લગાડીને પરિશુદ્ધ કર્યા છે.

એક યુવાનને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામીજી દ્વારા ‘જાગો! હે ભારત’ પુસ્તક પ્રાપ્ત થયું. આ પુસ્તક જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ તેની જિજ્ઞાસા વધવા લાગી. અક્ષરદેહે સૂક્ષ્મરૂપે જાણે સ્વામી વિવેકાનંદ પ્રગટ થઈ યુવાનના માનસમાં વ્યાપ્ત બની ગયા!

સ્વામી વિવેકાનંદ કહે છેઃ

“ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું; આ એ જ આર્યાવર્ત છે કે જેની આધ્યાત્મિકતાનું પ્રતિનિધિત્વ જાણે કે સાગર સરખી ધસમસતી સરિતાઓ ભૌતિક ભૂમિકાઓ પર કરી રહી છે; આ એ જ ભારત છે, જ્યાં પુરાતન નગાધિરાજ હિમાલય હિમના થર ઉપર થર ચડાવીને ઊંચો જતો જતો પોતાનાં તુષારમંડિત શિખરો વડે ખુદ આકાશનું રહસ્ય ભેદવાનો જાણે કે પ્રયત્ન કરી રહ્યો છે; આ એ જ ભારતભૂમિ છે, જેની ધરતીને જગતમાં થઈ ગયેલા મહાનમાં મહાન ઋષિઓનાં પાવનકારી ચરણોનો સ્પર્શ થયેલો છે. માનવીની પ્રકૃતિ વિશેની તેમજ આંતર-જગત વિશેની ખોજ પહેલવહેલી આ ભૂમિમાં થઈ. આત્માના અમરત્વનો સિદ્ધાંત, જગન્નિયંતા તરીકે ઈશ્વરના અસ્તિત્વનો સિદ્ધાંત, પ્રકૃતિમાં તેમજ મનુષ્યમાં ઈશ્વર વ્યાપી રહેલો છે એવો સિદ્ધાંત સૌ પહેલાં આ ભૂમિમાંથી જ ઊઠ્યો; ધર્મના અને ફિલસૂફીના ઉચ્ચમાં ઉચ્ચ આદર્શો તેમના  સર્વોચ્ચ શિખરે આ ભૂમિમાં જ પહોંચ્યા. જ્યાંથી આધ્યાત્મિકતા અને ફિલસૂફીએ વારંવાર ભરતીનાં મોજાંની પેઠે બહાર ધસી જઈને દુનિયાને તરબોળ કરી મૂકી તે ભૂમિ આ છે; અને માનવજાતિની અધઃપતિત પ્રજાઓમાં ચેતના અને જોમ પૂરવા અર્થે આવી ભરતી ફરી એક વાર જ્યાંથી ઊઠવી જોઈએ તે ભૂમિ પણ આ જ છે.” સ્વામી વિવેકાનંદના દિવ્ય શબ્દોમાં ભારતની ગરીમા અને મહાનતા પ્રગટ થયા.

“આ એ જ ભારતવર્ષ છે, જે સદીઓના આઘાતો, સેંકડો પરદેશી આક્રમણો તેમજ રીતભાતો અને રિવાજોની સેંકડો ઊથલપાથલો સામે ટક્કર ઝીલીને ઊભો છે. આ એ જ ભૂમિ છે, જે અદમ્ય જોમ અને અવિનાશી જીવન લઈને દુનિયા પરના કોઈ પણ પહાડ કરતાં વધુ મજબૂત થઈને ઊભેલી છે. એનું જીવન આત્મા સરખા જ સ્વભાવનું, અનાદિ, અનંત અને અવિનાશી છે; આવા દેશનાં આપણે સંતાનો છીએ.” (4.194) યુવાનના માનસપટ પર ભારતનું ગૌરવ પ્રગટ થયું!

સ્વામીજી વધુ આગળ કહે છેઃ

“મારા દેશબાંધવો! મારા મિત્રો! મારાં બાળકો! આ આપણું રાષ્ટ્રિય નાવ જીવનના અફાટ સમુદ્રજળમાંથી અસંખ્ય આત્માઓને પાર ઉતારી રહ્યું છે. પ્રકાશમય અનેક સૈકાઓથી આ સંસારસાગરનાં જળમાં તર્યા કરીને તેણે લાખો ને કરોડો જીવોને પેલે પાર ઉતારી ધન્યતાએ પહોંચાડ્યા છે. પણ આજે, કદાચ તમારા પોતાના જ દોષથી, આ નાવને જરાતરા નુકસાન પહોંચ્યું છે, એક નાનુંશું કાણું તેમાં પડ્યું છે, એથી શું તમે એ નાવને દોષ દેશો? જે નૌકાએ જગતમાં બીજી કોઈ નાવ કરતાં વધુ સેવા બજાવી છે એવી આ રાષ્ટ્રિય નાવને તમે ઊઠીને ભાંડવા માંડો એ તમને છાજે ખરું? આપણી રાષ્ટ્રિય નાવમાં, આપણા સમાજમાં, જો કાણાં પડ્યાં હોય તોય આપણે તો એમાં જ બેઠા છીએ; આપણે ઊભા થઈને એ કાણાં પૂરી દઈએ. આપણે સ્વેચ્છાપૂર્વક આપણા હૃદયનાં રક્ત રેડીને એ કામ કરીએ અને છતાં એ પાર ન પડે તો મરી ફીટીએ. આપણે આપણાં માથાં ફોડીને, તેમાંથી મગજ કાઢીને તેનો દાટો એ રાષ્ટ્રિય વહાણનાં કાણાંમાં ઠોકીએ. પણ એને ધુત્કારીએ તો નહીં જ; એ કદી ન બને. એક શબ્દ પણ આ સમાજની વિરુદ્ધ બોલશો નહીં. એના ભવ્ય ભૂતકાળની મહત્તા માટે મને એના પર પ્રેમ છે. હું તમને બધાંને ચાહું છું એનું કારણ, તમે બધા દેવતાઓનાં સંતાન છો, મહિમામંડિત પિતૃઓના વંશજો છો. મારાથી તમને શાપ કે ગાળ કેમ દઈ શકાય? એ કદી પણ બને નહીં. તમારા પર ઈશ્વરના આશીર્વાદ ઊતરો! મારાં બાળકો! હું અહીં મારી બધી યોજનાઓ તમને કહેવા માટે આવ્યો છું. જો તમે તેના પર ધ્યાન દેશો તો હું તમારી સાથે હાથમાં હાથ મિલાવીને, ખભેખભા મિલાવીને કાર્ય કરવા તૈયાર છું. પણ કદાચ તમે એ તરફ ધ્યાન નહીં આપો અને કદાચ મને લાત મારીને ભારતની બહાર કાઢી મૂકશો, તોપણ યાદ રાખજો કે હું પાછો આવીશ અને તમને ચેતવીશ કે ભાઈઓ! આપણું નાવ ડૂબે છે, આપણે બધા ડૂબીએ છીએ! હું તો તમારી વચ્ચે બેસવા આવ્યો છું. જો આપણે ડૂબવું જ પડે, તો બધા એક સાથે ભલે ડૂબીએ, પણ શાપ કે ગાળો તો આપણા મોઢેથી ન જ નીકળે!” (4.131)

આ નાની પુસ્તિકા વાંચવામાં પૂર્ણ થઈ નહિ, ત્યાં સુધી છોડી શકાઈ નહિ. યુવાનની આંખોમાં સતત અશ્રુપ્રવાહ વહેતો રહ્યો. આશ્ચર્યચકિત અને આનંદમગ્ન બની તે વિચારવા લાગ્યો,  શું એક માનવમાં સંસ્કૃતિ પ્રત્યે, દેશ પ્રત્યે, દેશના ગરીબો પ્રત્યે આટલો બધો પ્રેમ હોય! સ્વામી વિવેકાનંદના પવિત્રતા, દૃઢતા, વિશાળતા, ઉદારતા વગેરે ગુણોની યુવાનના માનસ પર અમીટ છાપ પડી. પછી આ યુવાનના હાથમાં ‘શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા-ભાગ ૧’ પુસ્તક આવ્યું. શ્રીરામકૃષ્ણદેવની અનંત પવિત્રતા અને શક્તિ વાચકના માનસ પર પ્રગટ થાય છે. વિશેષ કરીને તેમના દરેક શિષ્યની સ્વભાવગત સ્વતંત્રતાને અક્ષુણ્ણ રાખીને ધૈર્યપૂર્વક ધીરે ધીરે તે દરેકને દિવ્યતામાં ઘડવાની અદ્‌ભુત કળાથી વાચક અભિભૂત થઈ જાય છે. ધીરે ધીરે આ યુવાનની જીવનધારા બદલાઈ ગઈ. આજે આ યુવાન સ્વામી વિવેકાનંદે ચીંધેલા રાહે ત્યાગ અને સમર્પણભાવે સેવાનાં કાર્યોમાં આનંદથી જોડાયેલ છે.

‘સ્વામી વિવેકાનંદ વિસ્તૃત જીવનચરિત્ર’ અદ્‌ભુત પુસ્તક છે. જાણે કે આપણે સ્વામી વિવેકાનંદની સાથે સાથે ભારતની પરિવ્રજ્યા કરી રહ્યા છીએ! કચ્છના એક કિશોરના હાથમાં તેમના શિક્ષકે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘શ્રીરામકૃષ્ણદેવ જીવનચરિત્ર’ પુસ્તક આપ્યું. તે વાંચીને આ કિશોરના જીવનમાં પણ મહત્‌ પરિવર્તન થયું. આજે પણ હજીયે વર્ષોથી આ વ્યક્તિનું જીવન લોકકલ્યાણમાં સમર્પિત છે. ‘આધુનિક માનવ શાંતિની શોધમાં’ એ પુસ્તકની લાખો પ્રતો પ્રકાશિત થઈ ચૂકી છે અને તેનો અદ્‌ભુત પ્રભાવ, વિશેષ કરીને યુવાનોના માનસ પર પડી રહ્યો છે, એનાં તો અસંખ્ય ઉદાહરણો છે પણ સ્થાનાભાવને કારણે અત્રે બધાંનો ઉલ્લેખ કરવો સંભવ નથી.

સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, શ્રીરામકૃષ્ણ કથામૃત, શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, શ્રીમા શારદાદેવીનું જીવનચરિત્ર, સ્વામી વિવેકાનંદ-ભારતમાં આપેલાં ભાષણો, સ્વામી વિવેકાનંદના પત્રો, કર્મયોગ, રાજયોગ, ભક્તિયોગ વગેરે દિવ્ય પુસ્તકો આત્મશ્રદ્ધા-પ્રાપ્તિ અને ચરિત્ર ગઠનના અખૂટ સ્રોત છે. આમ, ગુજરાતના દિવ્યતા-પ્રાપ્તિ માટેના સાચા પથિક જિજ્ઞાસુઓને છેલ્લાં 95 વર્ષથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ૨૫૦થી વધુ દિવ્ય પુસ્તકોના માધ્યમથી સેવાની ભાવના, ત્યાગ અને ચારિત્ર્યઘડતરની દિવ્ય પ્રેરણા પ્રાપ્ત થતાં રહ્યાં છે.

Total Views: 638

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.